સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ગરીબીનો અંત હાથવેંતમાં છે!

ગરીબીનો અંત હાથવેંતમાં છે!

ગરીબીનો અંત હાથવેંતમાં છે!

આ મૅગેઝિનના પહેલા પાન પર ચિત્ર જુઓ. ધરતી કેવી રળિયામણી લાગે છે! આપણને દરેકને આવાં ચિત્રો જોવા ગમે છે. પ્રથમ યુગલ આદમ અને હવા પણ પૃથ્વી પર આવી જ સુંદર જગ્યામાં રહેતા હતા. બાઇબલ એ જગ્યાને એદન બાગ કહે છે. આ એદન બાગ તેઓનું ઘર હતું. (ઉત્પત્તિ ૨:૭-૨૩) આદમ અને હવાએ પરમેશ્વરની આજ્ઞા તોડીને ધરતી પર આવી સુંદર જગ્યા ગુમાવી. પરંતુ, આપણને આશા છે કે પરમેશ્વરના રાજ્યમાં આખી પૃથ્વી ફરીથી આવી સુંદર બની જશે. અરે, ગરીબીનું નામનિશાન પણ નહિ હોય. શું આ એક સપનું છે? ના, કેમ કે, ઈશ્વરે આપેલાં એ વચનો આપણને બાઇબલમાં જોવા મળે છે.

દાખલા તરીકે, ઈસુના પૃથ્વી પરના જીવનની છેલ્લી રાતનો વિચાર કરો. ઈસુને ગુનેગારો સાથે થાંભલા પર જડવામાં આવ્યા હતા. એક ગુનેગારે મરતા પહેલાં ઈસુમાં વિશ્વાસ બતાવ્યો. તે જાણતો હતો કે પૃથ્વી પરની મુશ્કેલીઓ હલ કરવાનું પરમેશ્વરનું વચન જરૂર પૂરું થશે. આથી જ તેણે કહ્યું: “હે ઈસુ, તું તારા રાજ્યમાં આવે ત્યારે મને સંભારજે.” હા, ગુનેગારને ખાતરી હતી કે ઈસુ રાજા તરીકે રાજ કરશે. એ સમયે મરેલા લોકોને સજીવન કરવામાં આવશે. ઈસુએ તેને કહ્યું: “હું તને ખચીત કહું છું, કે આજ તું મારી સાથે પારાદૈસમાં [સ્વર્ગ જેવી ધરતી પર] હોઈશ.”—લુક ૨૩:૪૨, ૪૩.

પૃથ્વી પરની સુખ-શાંતિની દુનિયા વિષે બાઇબલ જણાવે છે: “તેઓ ઘરો બાંધીને તેઓમાં રહેશે, ને દ્રાક્ષાવાડીઓ રોપીને તેમનાં ફળ ખાશે.” (યશાયાહ ૬૫:૨૧) “તેઓ સર્વ પોતપોતાના દ્રાક્ષાવેલા તળે તથા પોતપોતાની અંજીરી તળે બેસશે; અને કોઈ તેમને બીવડાવશે નહિ; કેમ કે સૈન્યોના યહોવાહના મુખમાંથી એ વચન નીકળ્યું છે.”—મીખાહ ૪:૪.

પરંતુ, સવાલ ઊભો થાય છે કે આવી પરિસ્થિતિ ક્યારે આવશે? શા માટે ઈશ્વરે ગરીબી ચાલવા દીધી છે? ગરીબીમાં જીવતા લોકોને ઈશ્વર કેવી રીતે મદદ કરે છે?

શા માટે ઈશ્વરે ગરીબી ચાલવા દીધી છે?

આ સવાલના જવાબ મેળવવા ચાલો આપણે પાછા આદમ અને હવાનો વિચાર કરીએ. તેઓ એદન બાગમાં હતા ત્યારે ઈશ્વરે તેઓને એક ઝાડનું ફળ ખાવાની મના કરી હતી. પરંતુ, શેતાને સાપના રૂપમાં હવા સાથે વાત કરીને તેને લલચાવી. શેતાને કહ્યું, ‘એ ઝાડનું ફળ ખા. ઈશ્વરના હાથની કઠપૂતળી બનવાની જરૂર નથી. પોતાની રીતે જીવવાથી જ વધારે મઝા આવશે.’ પછી શું થયું? હવા શેતાનની વાતોમાં ભરમાઈ ગઈ. તેણે તો ફળ ખાધું જ ને ત્યાર પછી આદમને પણ ખાવા આપ્યું. આદમે પણ ખાધું. બંને જણાએ પરમેશ્વરનો નિયમ તોડ્યો.—ઉત્પત્તિ ૩:૧-૬; ૧ તીમોથી ૨:૧૪.

પરમેશ્વરનો નિયમ તોડ્યો હોવાથી તેઓને એદન બાગમાંથી કાઢી મૂકવામાં આવ્યા. પછી, તેઓ આખું જીવન કફોડી હાલતમાં જીવ્યા. શેતાને હવાને છેતરી ત્યારે તે ચાહતો હતો કે સર્વ લોકો પોતાની મરજી પ્રમાણે જીવે. તેઓએ પરમેશ્વરને આધીન રહેવાની જરૂર નથી. એ સાચું છે કે નહિ, એ જાણવા યહોવાહે શેતાનને પૃથ્વી પર રાજ કરવાનો અધિકાર આપ્યો છે. જેથી લોકો જોઈ શકે કે પરમેશ્વરના નિયમો પાળવાની કેટલી જરૂર છે. ઇતિહાસ સાબિતી આપે છે કે એક પછી એક સરકાર આવી પણ તેઓ પૃથ્વી પર સુખ-શાંતિનું જીવન લાવી શકી નથી. કેમ કે તેઓ ઈશ્વરની મદદ વગર પોતાની રીતે રાજ કરવા માંગે છે. (યિર્મેયાહ ૧૦:૨૩) પરમેશ્વરના નિયમો નહિ પાળવાને લીધે માણસો પર મુશ્કેલીઓ આવી પડી છે. એમાં ગરીબીનો પણ સમાવેશ થાય છે.—સભાશિક્ષક ૮:૯.

શું આ મુશ્કેલ દુનિયામાં ગરીબાઈમાં સબડતા લોકો દિલાસો મેળવી શકે છે? ચોક્કસ! બાઇબલમાં પરમેશ્વર તેઓને સારી સલાહ આપે છે. ચાલો જોઈએ.

“ચિંતા ન કરો”

ઈસુએ પહાડ પર લોકોને બોધપાઠ આપ્યો એ વખતે ત્યાં ગરીબો પણ હતા. ઈસુએ કહ્યું: ‘આકાશનાં પક્ષીઓને જુઓ; તેઓ તો વાવતાં નથી, ને કાપતાં નથી, ને વખારોમાં ભરતાં નથી, તોપણ તમારો આકાશમાંનો બાપ તેઓનું પાલન કરે છે; તો તેઓ કરતાં તમે અધિક નથી શું? માટે અમે શું ખાઈએ, અથવા શું પીઈએ, અથવા શું પહેરીએ, એમ કહેતાં ચિંતા ન કરો. કારણ કે એ સઘળાં વાનાં વિદેશીઓ શોધે છે; કેમકે તમારો આકાશમાંનો બાપ જાણે છે કે એ બધાંની તમને અગત્ય છે. પણ તમે પહેલાં તેના રાજ્યને તથા તેના ન્યાયીપણાને શોધો, એટલે એ બધાં વાનાં પણ તમને અપાશે.’—માત્થી ૬:૨૬-૩૩.

ગરીબ હોઈએ એનો અર્થ એમ નથી કે આપણે ચોરી કરી શકીએ. (નીતિવચનો ૬:૩૦, ૩૧) આપણે પરમેશ્વરના નિયમો પાળીશું તો, તે આપણી કાળજી રાખશે. દાખલા તરીકે, તુકીસોનો વિચાર કરો. તે દક્ષિણ આફ્રિકાના લેસોથોમાં રહે છે. વર્ષ ૧૯૯૮માં અમુક લોકોએ સરકાર વિરુદ્ધ બળવો કર્યો અને ધમાલ કરી. આ ધમાલને બંધ કરવા સરકારે લશ્કર ઉતાર્યું. પરંતુ એનાથી ધમાલ બંધ થવાને બદલે લડાઈઓ શરૂ થઈ ગઈ. લોકો દુકાનો લૂંટવા લાગ્યા. ઘણા લોકોએ નોકરી ગુમાવી એ જ સમયે દેશમાં દુકાળ પડ્યો.

તુકીસોનું શહેર પણ ગરીબીના ભરડામાં પીસાવા માંડ્યું. તેના પાડોશીઓ જીવન ટકાવવા દુકાનો લૂંટતા હતા. એક દિવસ તેણે ઘરે આવીને જોયું તો, તેની મિત્ર માસાસા ઘણો માલ લૂંટી લાવી હતી. તુકીસો લગ્‍ન કર્યા વગર માસાસા સાથે રહેતો હતો. તુકીસોએ માસાસાને કહ્યું કે “આ વસ્તુઓ હમણાંને હમણાં જ ઘરમાંથી કાઢી નાખ.” પછી તેને સમજાવ્યું કે ચોરી કે લૂંટફાટ કરવાથી આપણે પરમેશ્વરનો નિયમ તોડીએ છીએ. માસાસાએ ઘરમાંથી બધી વસ્તુઓ કાઢી નાખી. આ જોઈને પાડોશીઓને લાગ્યું કે તેઓ પાગલ થઈ ગયા છે. તેઓએ લૂંટેલી બધી વસ્તુઓ લઈ લીધી.

તુકીસોએ શા માટે એમ કહ્યું કે ચોરી કરવાથી પરમેશ્વરનો નિયમ તૂટે છે? કેમ કે તે યહોવાહના સાક્ષીઓ સાથે બાઇબલમાંથી શીખતો હતો. શું આ નિયમ પાળવાથી તે ભૂખ્યો રહ્યો? બિલકુલ નહિ! યહોવાહના સાક્ષીઓના મંડળના અમુક ભાઈઓએ તેને ખાવાનું આપ્યું. દક્ષિણ આફ્રિકાના યહોવાહના સાક્ષીઓએ લેસોથોના ખ્રિસ્તી ભાઈ-બહેનો માટે બે ટનથી વધારે ખોરાક અને કપડાં મોકલી આપ્યા. તુકીસોની યહોવાહ પર શ્રદ્ધા અને મંડળ તરફથી મળેલી મદદ જોઈને માસાસાના દિલ પર ઊંડી અસર થઈ. તે પણ યહોવાહના સાક્ષીઓ સાથે બાઇબલમાંથી શીખવા લાગી. પછી, તુકીસો તથા માસાસાએ કાયદા પ્રમાણે લગ્‍ન કર્યા. તેઓએ બાપ્તિસ્મા લીધું. તેઓ આજે પણ વફાદારીથી યહોવાહને ભજે છે.

યહોવાહ ગરીબોની કાળજી રાખે છે. (“યહોવાહ ગરીબોને કઈ રીતે જુએ છે?” બૉક્સ જુઓ.) એમ કઈ રીતે કહી શકીએ? તુકીસો અને માસાસાએ યહોવાહના સાક્ષી સાથે બાઇબલનો અભ્યાસ કર્યો. એવી રીતે બીજાઓ પણ બાઇબલમાંથી શીખી શકે એ માટે ઈશ્વરે ગોઠવણો કરી છે. બાઇબલમાં આપણને સારી સલાહ જોવા મળે છે, જે રોજિંદા જીવનમાં લાગુ પાડી શકીએ.

સારી ગોઠવણ

યહોવાહની જેમ તેમના ભક્તો પણ ગરીબોને મદદ કરવા ઉત્સુક છે. (ગલાતી ૨:૧૦) આફતો આવી પડે છે ત્યારે યહોવાહના ભક્તો કંઈ એમાંથી બાકાત હોતા નથી. તેથી, તેઓને મદદ કરવા માટે જરૂરી ગોઠવણ કરવામાં આવે છે. યહોવાહના સાક્ષીઓ ફક્ત બીજા સાક્ષીઓને જ નહિ પણ ગરીબો સહિત સર્વને મદદ આપે છે. તેઓ પરમેશ્વરના જ્ઞાન વિષે શીખવીને મદદ કરે છે. (માત્થી ૯:૩૬-૩૮) કઈ રીતે? છેલ્લા ૬૦ વર્ષોમાં તાલીમ પામેલા હજારો યહોવાહના ભક્તો પોતાની ઇચ્છાથી મિશનરિ બનીને બીજા દેશોમાં ગયા છે. તેઓ અમીર દેશનું સુખ સગવડવાળું જીવન છોડીને ગરીબ દેશોમાં રહેવા ગયા છે. દાખલા તરીકે, ફિનલૅન્ડનું મિશનરિ યુગલ અમીર દેશ છોડી ગરીબ દેશમાં ગયું. ત્યાં તેઓ સેસોથો ભાષા શીખ્યા. જેથી લોકોને તેઓની ભાષામાં પરમેશ્વરનું જ્ઞાન શીખવે. તેઓએ તુકીસો અને માસાસાને ઈસુના શિષ્યો બનવા મદદ કરી. (માત્થી ૨૮:૧૯, ૨૦) આ બતાવે છે કે મિશનરિઓએ ઘણુ બધું જતું કરવું પડે છે.

ગરીબ હોય ને જીવવા ફાંફાં પડતા હોય એવા યહોવાહના ભક્તો વિષે શું? શું તેઓ ચોરી કરી શકે? ના! તેઓને પાક્કી ખાતરી છે કે પરમેશ્વર તેઓની જરૂરિયાતો પૂરી પાડશે. (હેબ્રી ૧૩:૫, ૬) કઈ રીતે? મોટા ભાગના દેશોમાં યહોવાહનું સંગઠન અને તેમના સેવકો છે. તેઓ દ્વારા યહોવાહ પોતાના લોકોની જરૂરિયાત પૂરી પાડે છે. યહોવાહના આ સેવકો એકબીજાની પણ કાળજી રાખે છે.

બાઇબલ આપણને જીવનમાં વ્યવહારુ સલાહ આપે છે. એનાથી પણ યહોવાહ ગરીબોને મદદ કરે છે. દાખલા તરીકે, બાઇબલમાં આજ્ઞા આપવામાં આવી છે: “ચોરી કરનારે હવેથી ચોરી ન કરવી; પણ તેને બદલે પોતાને હાથે ઉદ્યોગ કરીને સુકૃત્યો કરવાં, જેથી જેને જરૂર છે તેને આપવાને પોતાની પાસે કંઈ હોય.” (એફેસી ૪:૨૮) ઘણા બેકાર લોકો હવે ખેતીવાડી જેવી મજૂરી કરે છે. બાઇબલ શીખવે છે કે ખરાબ આદતો પાછળ પૈસા ન વેડફો. જેમ કે, દારૂ પીવાની લત. ગરીબો પણ આ સલાહમાંથી લાભ ઉઠાવી શકે.—એફેસી ૫:૧૮.

ગરીબી ક્યારે દૂર થશે?

બાઇબલ જણાવે છે કે આપણે શેતાનના રાજના ‘છેલ્લા દિવસોમાં’ જીવી રહ્યા છીએ. (૨ તીમોથી ૩:૧) જલ્દી જ યહોવાહ પરમેશ્વર ઈસુ ખ્રિસ્તને માણસજાતનો ન્યાય કરવાનું કહેશે. એ સમયે શું થશે? ઈસુએ એનો જવાબ એક દૃષ્ટાંતમાં આપ્યો. તેમણે કહ્યું: “પણ જ્યારે માણસનો દીકરો પોતાના મહિમામાં સર્વ પવિત્ર દૂતો સુદ્ધાં આવશે, ત્યારે તે પોતાના મહિમાના રાજ્યાસન પર બેસશે. અને સર્વ દેશજાતિઓ તેની આગળ એકઠી કરાશે; અને જેમ ઘેટાંપાળક ઘેટાંને બકરાંથી જુદાં પાડે છે, તેમ તે તેઓને એકબીજાથી જુદી પાડશે.”—માત્થી ૨૫:૩૧-૩૩.

ઘેટાં પોતાના ઘેટાંપાળકને અનુસરે છે. એવી રીતે ઘેટાં જેવા લોકો ઈસુના પગલે ચાલે છે. (યોહાન ૧૦:૧૬) પરમેશ્વરના રાજ્યના રાજા ઈસુ છે. તેથી, ઈસુના રાજમાં ઘેટાં જેવા લોકોને હંમેશ માટેનું જીવન મળશે. એ વખતે ગરીબીનું નામનિશાન જોવા નહિ મળે. પરંતુ, ઈસુના પગલે ન ચાલનારા બકરાં જેવા લોકોનો હંમેશ માટે નાશ કરવામાં આવશે.—માત્થી ૨૫:૪૬.

પરમેશ્વરનું રાજ્ય આ દુનિયાની મુશ્કેલીઓનો અંત લાવશે. એ વખતે ગરીબી શબ્દ પણ સાંભળવા નહિ મળે. પૃથ્વી પરના સર્વ લોકો એકબીજાને પ્રેમ કરશે અને કાળજી પણ રાખશે. ઈસુએ કહ્યું: “જો તમે એકબીજા પર પ્રેમ રાખો, તો તેથી સર્વ માણસો જાણશે કે તમે મારા શિષ્યો છો.” (યોહાન ૧૩:૩૫) આજે આખી દુનિયાના યહોવાહના સાક્ષીઓ પ્રેમથી અને સંપથી રહે છે. એ બતાવે છે કે આજે પણ નવી દુનિયા શક્ય છે.

[પાન ૬, ૭ પર બોક્સ/ચિત્ર]

યહોવાહ ગરીબોને કઈ રીતે જુએ છે?

બાઇબલ જણાવે છે કે માણસજાતના ઉત્પન્‍ન કરનાર “ભૂખ્યાને અન્‍ન આપે છે.” (ગીતશાસ્ત્ર ૧૪૬:૭) બાઇબલમાં સો જેટલી કલમો બતાવે છે કે પરમેશ્વર ગરીબોની બહુ ચિંતા કરે છે.

દાખલા તરીકે, યહોવાહે પ્રાચીન સમયમાં ઈસ્રાએલીઓને નિયમો આપ્યા ત્યારે ખેડૂતોને કહ્યું કે ફસલ કાપે ત્યારે ખેતરના ચારે ખૂણામાંથી પૂરેપૂરું ન કાપે. તેઓએ થોડાં જૈતવૃક્ષ અને દ્રાક્ષો રહેવા દેવાની હતી. પરદેશીઓ, વિધવાઓ, અનાથ બાળકો માટે આ નિયમો પ્રેમાળ જોગવાઈ હતી.—લેવીય ૧૯:૯, ૧૦; પુનર્નિયમ ૨૪:૧૯-૨૧.

પરમેશ્વરે ઈસ્રાએલીઓને આજ્ઞા આપી: “તમે કોઈ વિધવાને કે અનાથ છોકરાને દુઃખ ન દો. જો તું તેઓને કોઈ પણ પ્રકારે દુઃખ દે, ને જો તેઓ મને જરા પણ પોકારશે, તો હું નિશ્ચે તેમનો પોકાર સાંભળીશ; અને મારો ક્રોધ તપી ઊઠશે, ને હું તમને તરવારથી મારી નાખીશ; અને તમારી સ્ત્રીઓ વિધવાઓ તથા તમારાં છોકરાં અનાથ થશે.” (નિર્ગમન ૨૨:૨૨-૨૪) પરંતુ, અમુક ઈસ્રાએલીઓએ આ શબ્દોને ધ્યાન આપ્યું નહિ. આ અને તેઓના બીજાં ખોટાં કામોને લીધે યહોવાહે પોતાના ભક્તો દ્વારા ઈસ્રાએલીઓને ઘણી વાર ચેતવ્યા. (યશાયાહ ૧૦:૧, ૨; યિર્મેયાહ ૫:૨૮; આમોસ ૪:૧-૩) આખરે, પરમેશ્વરે ઈસ્રાએલીઓને આશ્શુરીઓ અને બાબેલોનના હાથમાં સોંપી દીધા. ઘણા ઈસ્રાએલીઓની કતલ કરવામાં આવી. બચેલાઓને બંદી બનાવીને બીજા દેશોમાં લઈ જવામાં આવ્યા.

પરમેશ્વરના વહાલા પુત્ર ઈસુ ખ્રિસ્તને પણ ગરીબ લોકોની ચિંતા હતી. તે શા માટે પૃથ્વી પર આવ્યા એનો હેતુ જણાવતા ઈસુએ કહ્યું: “પ્રભુનો આત્મા મારા પર છે, કેમકે દરિદ્રીઓ આગળ સુવાર્તા પ્રગટ કરવા સારૂ તેણે મારો અભિષેક કર્યો છે.” (લુક ૪:૧૮) એનો એવો અર્થ નથી કે ઈસુનું સેવાકાર્ય ફક્ત ગરીબો પૂરતું જ હતું. તેમણે ધનવાનોને પણ મદદ કરી. ધનવાનોને મદદ કરતા ઈસુ હંમેશા ગરીબોને ધ્યાનમાં રાખતા હતા. દાખલા તરીકે, એક શ્રીમંત અધિકારીને તેમણે સલાહ આપી: “તારૂં જે છે તે બધું વેચી નાખીને, તે દરિદ્રીઓને આપી દે, અને આકાશમાં તને દ્રવ્ય મળશે; અને પછી મારી પાછળ ચાલ.”—લુક ૧૪:૧, ૧૨-૧૪; ૧૮:૧૮, ૨૨; ૧૯:૧-૧૦.

યહોવાહ પરમેશ્વર અને તેમના દીકરા, ઈસુ ખ્રિસ્ત ગરીબોની બહુ ચિંતા કરે છે. (માર્ક ૧૨:૪૧-૪૪; યાકૂબ ૨:૧-૬) એટલું જ નહિ, યહોવાહે મૂએલા લાખો ગરીબોને પણ પોતાના મનમાં રાખ્યા છે. તેમણે વચન આપ્યું છે કે પોતાના રાજ્યમાં તેઓને સજીવન કરવામાં આવશે.—પ્રેરિતોનાં કૃત્યો ૨૪:૧૫.

[ચિત્રો]

આખી દુનિયામાં યહોવાહના સાક્ષીઓ સંપથી રહે છે. એ બતાવે છે કે નવી દુનિયા શક્ય છે

[પાન ૫ પર ચિત્ર]

તુકીસો અને માસાસા મિશનરિ ભાઈ સાથે જેમણે તેઓને બાઇબલમાંથી શીખવ્યું હતું

[પાન ૫ પર ચિત્ર]

માસાસાના ઘરના આંગણે મિશનરિ બહેન તેને બાઇબલમાંથી શીખવે છે