સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પરમેશ્વરના જ્ઞાનથી કુટુંબ દૃઢ બને છે

પરમેશ્વરના જ્ઞાનથી કુટુંબ દૃઢ બને છે

‘યહોવાહ તરફથી મને સહાય મળે છે’

પરમેશ્વરના જ્ઞાનથી કુટુંબ દૃઢ બને છે

આર્જેન્ટિનામાં એક યુગલ રહે છે. આ યુગલના વિચારો એકમેક સાથે જરાય સુમેળમાં ન હતા. તેઓ એક છત નીચે પણ રહી શકતા ન હતા. તેઓએ ઘરના બે ભાગ કરવા વચ્ચે દીવાલ ઊભી કરી. એને તેઓ શું કહેતા ખબર છે? “બર્લિનની દીવાલ.”

આ કંઈ ફક્ત એકાદ યુગલની જ કહાની નથી. ઘણાં કુટુંબો લડાઈ-ઝઘડા, બેવફાઈ અને નફરતની આગમાં સળગી રહ્યા છે. આવી સ્થિતિ ખૂબ જ દુઃખદ છે. કારણ કે પરમેશ્વરે કુટુંબની શરૂઆત કરી છે. (ઉત્પત્તિ ૧:૨૭, ૨૮; ૨:૨૩, ૨૪) પરમેશ્વરની આ ભેટ પ્રત્યે આપણે સાચો પ્રેમ બતાવવો જોઈએ. (રૂથ ૧:૯) પરમેશ્વરે કુટુંબમાં દરેકને જવાબદારી આપી છે. તેઓ એ જવાબદારી પૂરી કરીને યહોવાહને માન આપે છે. તેમ જ એકબીજા માટે આશીર્વાદરૂપ બને છે. *

પરમેશ્વરે કુટુંબ શરૂ કર્યું હોવાથી, કુટુંબ વિષેના આપણા વિચારો પરમેશ્વરની સુમેળમાં હોવા જોઈએ. કુટુંબમાં મુશ્કેલીઓ ઊભી થાય ત્યારે કઈ રીતે સામનો કરવો જોઈએ એ વિષે બાઇબલમાંથી સારી સલાહ મળે છે. બાઇબલ પતિ વિષે જણાવે છે: “પતિઓએ જેમ પોતાનાં શરીરો પર તેમ પોતાની પત્નીઓ પર પ્રેમ રાખવો જોઈએ.” પતિ આ રીતે વર્તે છે ત્યારે પત્ની ખુશીથી ‘પોતાના પતિને માન આપે’ છે.—એફેસી ૫:૨૫-૨૯, ૩૩.

બાળકો અને માબાપ વચ્ચેના સંબંધ વિષે પ્રેષિત પાઊલે લખ્યું: “પિતાઓ, તમારાં છોકરાંને ચીડવો નહિ; પણ પ્રભુના શિક્ષણમાં તથા બોધમાં તેઓને ઉછેરો.” (એફેસી ૬:૪) એના લીધે કુટુંબમાં ખુશી છવાયેલી રહેશે. બાળકો પણ ખુશી ખુશી માબાપને આધીન રહેશે.—એફેસી ૬:૧.

ઉપરના મુદ્દામાંથી જોવા મળે છે કે બાઇબલમાં કૌટુંબિક જીવન વિષે સારી સલાહ આપી છે. પરમેશ્વરની એ સલાહને જીવનમાં લાગુ પાડવાથી, ઘણા લોકો સુખી કૌટુંબિક જીવન જીવે છે. દાખલા તરીકે, લેખની શરૂઆતમાં જણાવેલા આર્જેન્ટિનાના યુગલનો વિચાર કરો. તેઓએ ત્રણ મહિના યહોવાહના સાક્ષીઓ સાથે બાઇબલ અભ્યાસ કર્યા પછી, બાઇબલની સલાહ પ્રમાણે જીવવાનું શરૂ કર્યું. તેઓએ એકબીજા સાથેના વાતચીત વ્યવહારમાં સુધારો કર્યો. એકબીજા પ્રત્યે વધારે સહાનુભૂતિ બતાવવા લાગ્યા અને માફી આપવાનું શીખ્યા. જોકે, આ શીખ્યા પ્રમાણે જીવવું કંઈ સહેલું ન હતું. (નીતિવચનો ૧૫:૨૨; ૧ પીતર ૩:૭; ૪:૮) તેઓ બંને પોતાના ગુસ્સાને કાબૂમાં રાખવાનું શીખ્યા. તેઓને લાગે કે પરિસ્થિતિ બેકાબૂ બનશે ત્યારે મદદ માટે પરમેશ્વરને પ્રાર્થના કરતા. (કોલોસી ૩:૧૯) આમ, તેઓ વચ્ચેની “બર્લિન દીવાલ” તૂટી પડી!

પરમેશ્વર કુટુંબને દૃઢ કરે છે

પરમેશ્વરના જ્ઞાન પ્રમાણે જીવવાથી ગમે તેવી મુશ્કેલીઓનો પણ કુટુંબ દૃઢતાથી સામનો કરી શકે છે. એ ઘણું જ મહત્ત્વનું છે. કારણ કે ભવિષ્યવાણી પ્રમાણે આપણા સમયમાં કુટુંબ પર ઘણું દબાણ આવશે. પાઊલે ભાખ્યું કે આપણા સમયમાં લોકો સારા સંસ્કારો ભૂલી જશે અને મન ફાવે એ રીતે જીવશે. તેમણે કહ્યું કે, ‘છેલ્લા સમયમાં વિશ્વાસઘાતી, પ્રેમરહિત અને માબાપનું સન્માન નહિ કરનારાઓ અને ભક્તિભાવનો ડોળ દેખાડનારાઓ’ હશે.—૨ તીમોથી ૩:૧-૫.

આપણે પરમેશ્વરને ખુશ કરવા ચાહતા હોઈશું તો, કુટુંબને અસર કરતી ખરાબ બાબતોથી દૂર રહીશું. ઘણા કુટુંબોએ પરમેશ્વર પાસેથી મળતા સૂચનો પ્રમાણે જીવીને પોતાના જીવનની મુશ્કેલીઓનો સામનો કર્યો છે. જો કુટુંબના સભ્યોએ પરમેશ્વર સાથે સારો સંબંધ રાખવો હોય તો, તેઓએ બાઇબલ સિદ્ધાંતો પ્રમાણે જીવવું જરૂરી છે. તેઓએ એ પણ જાણવાની જરૂર છે કે “જો યહોવાહ ઘર ન બાંધે, તો તેના બાંધનારાનો શ્રમ મિથ્યા છે.” (ગીતશાસ્ત્ર ૧૨૭:૧) પરમેશ્વરને કુટુંબમાં પ્રથમ રાખવાથી સુખ-શાંતિ મળે છે.—એફેસી ૩:૧૪, ૧૫.

હવાઈમાં ડેનિસ નામનો એક માણસ રહે છે. તેણે બતાવ્યું કે પરમેશ્વરને જીવનમાં પહેલા રાખવાથી તેને કેટલી મદદ મળી છે. તે પહેલાં કહેવાતા ખ્રિસ્તીઓનો ધર્મ પાળતો હતો. ગાળો બોલવી, મારામારી કરવી એ તેના જીવનનો ભાગ હતું. આર્મીમાં નોકરી કર્યા પછી, તે વધારે ગુસ્સાવાળો બન્યો. તે કહે છે, “હું હંમેશા લડ્યા કરતો. મારું શું થશે એની મને કંઈ પડી ન હતી. અરે, મને મરતા પણ ડર લાગતો ન હતો. ગાળો અને મારામારી તો ચાલુ જ હતું. પણ મારી પત્ની જે યહોવાહની એક સાક્ષી હતી તેણે મને બાઇબલનો અભ્યાસ કરવાનું કહ્યું.”

ડેનિસ તેની પત્નીના બધા જ પ્રયત્નો પર પાણી ફેરવી દેતો. તેમ છતાં, પત્નીની સારી વર્તણૂકને લીધે તે થોડો નરમ પડ્યો. આખરે ડેનિસ તેની પત્ની અને બાળકો સાથે સભાઓમાં ગયો. ત્યાર પછી, તેની સાથે બાઇબલ અભ્યાસ શરૂ કરવામાં આવ્યો અને તેણે ઝડપથી પ્રગતિ કરી. તે ૨૮ વર્ષથી સિગારેટ પીતો હતો એ કુટેવ પણ છોડી દીધી. તેણે તેના ખરાબ મિત્રોની સંગત પણ છોડી દીધી. પરમેશ્વરનો આભાર માનતા ડેનિસે કહ્યું: “હવે મારું કુટુંબ ઘણી રીતે સુખી છે. હું મારા કુટુંબ સાથે સભાઓમાં અને પ્રચારમાં જાઉં છું. પહેલાં મને વાત વાતમાં ગુસ્સો આવી જતો. પણ હવે હું મારા ગુસ્સાને કાબૂમાં રાખી શકું છું. ગાળો પણ બોલતો નથી. પરિણામે, મારા બંને છોકરાઓ પણ હવે મારાથી ડરી ડરીને જીવતા નથી. અમે કુટુંબ તરીકે બાઇબલમાંથી નવા નવા વિષયો પર શીખીએ છીએ. જો મેં બાઇબલનો અભ્યાસ ન કર્યો હોત તો, મારો અનુભવ કંઈ જુદો જ હોત.”

કુટુંબ ભેગા મળીને યહોવાહની ઇચ્છા પ્રમાણે કરવાનો પ્રયત્ન કરે છે ત્યારે ખુશી મળે છે. આ અનુભવે બતાવ્યું છે કે જો ઘરની એકાદ વ્યક્તિ પણ બાઇબલ સિદ્ધાંતો પ્રમાણે જીવે તો પરિસ્થિતિ કંઈક અંશે સારી હોય છે. કુટુંબ તરીકે પરમેશ્વરના માર્ગમાં ચાલવું સહેલું નથી, એના માટે સમય અને આવડત બંને જરૂરી છે. ઘણા કુટુંબો એ મુજબ કરવા બનતી બધી કોશિશ કરે છે. તેઓને ખાતરી છે કે યહોવાહ પણ તેઓના પ્રયત્નો પર આશીર્વાદ આપશે. તેઓ પણ ગીતકર્તા જેવું કહે છે: ‘યહોવાહ તરફથી મને સહાય મળે છે.’—ગીતશાસ્ત્ર ૧૨૧:૨.

[ફુટનોટ]

^ યહોવાહના સાક્ષીઓનું ૨૦૦૫નું કેલેન્ડરના મે/જૂન જુઓ.

[પાન ૯ પર બ્લર્બ]

પરમેશ્વરના “નામ પરથી આકાશમાંના તથા પૃથ્વી પરના દરેક કુટુંબને નામ આપવામાં આવે છે.”—એફેસી ૩:૧૫

[પાન ૮ પર બોક્સ]

યહોવાહ કૌટુંબિક ગોઠવણને મૂલ્યવાન ગણે છે

“દેવે તેઓને આશીર્વાદ દીધો; અને દેવે તેઓને કહ્યું, કે સફળ થાઓ, ને વધો, ને પૃથ્વીને ભરપૂર કરો.” —ઉત્પત્તિ ૧:૨૮.

‘યહોવાહથી ડરે છે તે સર્વને ધન્ય છે. તારી સ્ત્રી તારા ઘરના અંતઃપુરમાં ફળવંત દ્રાક્ષવેલા જેવી થશે.’—ગીતશાસ્ત્ર ૧૨૮:૧,.