‘પ્રાચીન મારી’ શહેરોની મહારાણી
‘પ્રાચીન મારી’ શહેરોની મહારાણી
જાન્યુઆરી, ૧૯૩૪. ફ્રેન્ચ પુરાતત્ત્વજ્ઞાની આન્ડ્રે પારોટ અને તેમની ટુકડી ટેલ હેરીરીમાં ખોદકામ કરી રહ્યા હતા. એ શહેર આબુ કેમાલ શહેર નજીક સિરીયાની યુફ્રેટીસ નદીના કિનારે આવેલું છે. ત્યાં તેઓને એક મૂર્તિ મળી આવી. એના પર લખ્યું હતું, “લામગી-મારી, મારીનો રાજા, એનલીલનો મોટો પૂજારી.” પારોટે કહ્યું, ‘અમે બધાએ એ સાંજે ભેગા મળીને પાર્ટી કરી. અરે, હું મારા રૂમમાં ગયો ત્યારે પણ અમને જે મળ્યું હતું એના લીધે બહુ જ રોમાંચિત હતો.’
આખરે, મારી શહેર મળ્યું! બાઇબલ વિદ્યાર્થીઓને આ શહેરમાં શા માટે આટલો બધો રસ છે?
આ શહેરથી શું શીખવા મળે છે?
પ્રાચીન લખાણો બતાવતા હતા કે એક જમાનામાં મારી નામનું શહેર હતું. જોકે, એ કઈ જગ્યાએ આવેલું હતું એ વિષે લાંબા સમયથી ગૂંચવણ હતી. સુમેરીયન લખાણો પ્રમાણે, મારી શહેર પ્રાચીન મેસોપોટેમીયા પર રાજ કરતા રાજાનું પાટનગર હતું. એ શહેર યુફ્રેટીસ નદીના કિનારે બાંધવામાં આવ્યું હતું. ઈરાની ખાડી, અસિરીયા, મેસોપોટેમિયા, અનાટોલિયા અને ભૂમધ્ય સમુદ્રના કિનારે આવેલાં શહેરોમાં જવા મારી શહેરમાંથી જવું પડતું. વેપારીઓએ લાકડાં, ધાતુઓ અને પથ્થરો જેવો સામાન લઈને આ જ શહેરમાંથી પસાર થવું પડતું. આ વસ્તુઓ પર વેરો નાખવામાં આવતો હતો. એના લીધે મારી શહેર બહુ સમૃદ્ધ હતું. પરંતુ અક્કડના રાજા સારગને સિરીયા
જીતી લીધું ત્યાર પછી ધીમે ધીમે એની પડતી થવા માંડી.સારગને આ શહેરને જીતી લીધું એના કંઈક ૩૦૦ વર્ષ પછી, મારી શહેર પર જુદા જુદા લશ્કરી શાસકોએ રાજ કર્યું. તેઓના તાબામાં આ શહેર હતું ત્યારે કંઈક અંશે એની સમૃદ્ધિ ટકી રહી. પરંતુ છેલ્લા શાસક, ઝીમ્રી-લીમના રાજમાં મારી શહેરની પડતી થવા લાગી. ઝીમ્રી-લીમે પોતાના રાજ્યને મજબૂત કર્યું. બીજા પ્રદેશો પર હુમલો કરીને જીત મેળવી. બીજા દેશો સાથે સારા સંબંધ બાંધ્યા. પરંતુ, ઈસવીસન પૂર્વે ૧૭૬૦માં બાબેલોનના રાજા હમ્મુરાબીએ એ શહેરને જીતીને એનો નાશ કર્યો. જેમ પુરાતત્ત્વજ્ઞાની પારોટે કહ્યું તેમ, ‘આ શહેર એક જમાનામાં બહુ જ આગળ પડતું હતું.’
રાજા હમ્મુરાબીના લશ્કરે આ શહેરનો નાશ કર્યો ત્યારે વાસ્તવમાં તેઓએ એને સાચવ્યું. કઈ રીતે? આ શહેરની ઊંચી ઊંચી દીવાલો માટીની પકવ્યા વગરની ઈંટોથી બનાવેલી હતી. આથી, લશ્કરે એ દીવાલો તોડી પાડી ત્યારે તેઓએ અનેક ઇમારતોને જમીનમાં દફન કરી દીધી. એમાંની અમુક ઇમારતો તો ૫ મીટર ઊંચી હતી. એના લીધે પુરાતત્ત્વજ્ઞાનીઓને મારી શહેર શોધી કાઢવામાં મદદ મળી. તેઓને ઘણા મંદિરો અને મહેલોના ખંડેરો મળી આવ્યા. ઘણી ચીજવસ્તુઓ ને હજારો લખાણો મળી આવ્યા. એનાથી પ્રાચીન જનજીવન વિષેની ઘણી માહિતી મળી આવી.
આ મારી શહેરના ખંડેરોમાં આપણે શા માટે રસ લેવો જોઈએ? ઈબ્રાહીમ થઈ ગયા એ સમયનો વિચાર કરો. જળપ્રલયના ૩૫૨ વર્ષ પછી, એટલે ઈસવીસન પૂર્વે ૨૦૧૮માં ઈબ્રાહીમનો જનમ થયો હતો. નૂહના સમયથી એ દસમી પેઢી હતી. પરમેશ્વરે ઈબ્રાહીમને ઉર શહેર છોડીને હારાન જવા આજ્ઞા આપી. ઈસવીસન પૂર્વે ૧૯૪૩માં ઈબ્રાહીમ ૭૫ વર્ષના હતા ત્યારે, તે હારાનથી કનાન જવા નીકળ્યા. ઇટલીયન પુરાતત્ત્વજ્ઞાની પાઓલો માટીઈ કહે છે, “ઈબ્રાહીમ ઉરમાંથી યરૂશાલેમ [કનાન] જવા નીકળ્યા એ સમયે મારી શહેરનું અસ્તિત્વ હતું.” તેથી, મારી શહેરના ખંડેરોથી આપણને એ જોવા મદદ મળે છે કે પરમેશ્વરના વિશ્વાસુ સેવક, ઈબ્રાહીમ કેવા સંજોગોમાં રહેતા હતા. *—ઉત્પત્તિ ૧૧:૧૦-૧૨:૪.
મારી શહેરના ખંડેરો શું બતાવે છે?
મેસોપોટેમીયાના બીજા શહેરોની જેમ મારી શહેરમાં પણ ધર્મ બરાબર ફૂલ્યો-ફાલ્યો હતો. તેઓ દેવ-દેવીઓની ભક્તિ કરવાને પોતાની ફરજ માનતા. કોઈ પણ મહત્ત્વના નિર્ણયો લેતા પહેલાં દેવ-દેવીઓની ઇચ્છા જાણવામાં આવતી. પુરાતત્ત્વશાસ્ત્રીઓને છ મંદિરોના ખંડેરો મળી આવ્યા છે. આ મંદિરોમાં સિંહોનું મંદિર (કેટલાક લોકો એને ડૅગનનું મંદિર પણ ગણે છે), ઈશ્ટાર દેવીનું મંદિર તેમ જ સૂર્ય-દેવતા શામાશનો સમાવેશ થાય છે. આ દરેક મંદિર ખાસ દેવી-દેવતાને સમર્પિત હતું જેની મૂર્તિ એમાં સ્થાપવામાં આવી હતી. પ્રાર્થના વખતે ભક્તો પોતાની જ મૂર્તિ બનાવીને એ મંદિરમાં મૂકતા. તેઓ એવું માનતા કે એમ કરવાથી તેઓની મૂર્તિ મંદિરમાં ભક્તિ કરતી રહે છે. પારોટે કહ્યું: ‘એ જમાનામાં ભક્તો હાથ જોડેલી પોતાની મૂર્તિ બનાવીને મંદિરમાં દેવી-દેવતા આગળ રાખતા. આ તેઓ માટે ખૂબ જ મહત્ત્વનું હતું.’
ટેલ હેરીરીના ખંડેરોમાં જોવા લાયક એક મોટો મહેલ છે. એ છેલ્લા રાજા ઝીમ્રી-લીમના નામથી ઓળખાય છે. ફ્રેન્ચ પુરાતત્ત્વશાસ્ત્રી લૂઈ-હ્યુએગ વિનસન્ટે એનું ‘પ્રાચીન બાંધકામનું રત્ન’ તરીકે વર્ણન કર્યું. એ મહેલ છ કરતાં વધારે ઍકર જમીન પર પથરાયેલો છે. એમાં ૩૦૦ ઓરડાઓ અને લાંબી પરસાળ છે. પ્રાચીન સમયમાં આ મહેલને એક અજાયબી ગણવામાં આવતી. જ્યોર્જિ રૂએ પણ પ્રાચીન ઈરાક (અંગ્રેજી) નામના પુસ્તકમાં લખ્યું: આ મહેલ ખૂબ જાણીતો હતો. ‘ઝીમ્રી-લીમનું એ ઘર’ જોવા ઉગારીત, સિરીયાના રાજાએ તેના દીકરાને પણ મોકલ્યો. ઉગારીતથી એ લગભગ ૬૦૦ કિલોમીટર દૂર હતું.’
મોટી પરસાળમાં પહોંચતા પહેલાં, મુલાકાતીઓએ મહેલના એક મોટા દરવાજેથી અંદર જવું પડતું. એ દરવાજાની બંને બાજુ મોટા બુરજ હતા. ઊંચા મંચ પર આવેલા સિંહાસન પર બેસીને મારી શહેરના છેલ્લા રાજા ઝીમ્રી-લીમ લશ્કર અને વેપાર-ધંધાને લગતી તેમ જ રાજકીય બાબતો હાથ ધરતા. ત્યાંથી તે લોકોનો ન્યાય પણ કરતા. મુલાકાતીઓ અને સરકારી મહેમાનોનું સ્વાગત અહીંથી જ કરતા. મહેમાનો માટે ઓરડા હતા. રાજા તેઓને નિયમિત રીતે મોટી મિજબાની આપતા. ખોરાકમાં શેકેલી, ભૂંજેલી વાનગી, બાફેલું બીફ, મટન, એક પ્રકારનું હરણ, માછલી અને મરઘા-બતકાંની વાનગી પીરસવામાં આવતી. એની સાથે લસણના મસાલેદાર સૉસ, વિવિધ શાકભાજી અને ચીઝ પણ રહેતા. મીઠાઈમાં તાજાં, સૂકવેલાં અથવા ખાંડની ચાસણીવી પડવાળા ફળો, વિવિધ પ્રકારની કૅક આપવામાં આવતા. મહેમાનોની તરસ છિપાવવા બીઅર કે વાઈન પીરસવામાં આવતું.
મહેલમાં ગટર વ્યવસ્થા અને બાથરૂમ પણ મળી આવ્યા. બાથરૂમમાં પકવેલી માટીના ટબ અને સીટ વગરના જાજરૂં હતા. ઓરડાઓના ભોંયતળિયે અને દીવાલોના નીચલા ભાગમાં ડામરનું પડ લગાવેલું હતું. ગંદા પાણીના નિકાલ માટે ઈંટોની ગટર બનાવેલી હતી. માટીની પાઈપને ડામરથી વોટરપ્રૂફ બનાવી હતી. એ ૩,૫૦૦ વર્ષ પછી આજે પણ કામ કરે છે! રાજવી જનાનખાનાની ત્રણ સ્ત્રીઓને જીવલેણ રોગ થયો ત્યારે, તેઓ માટે કડક સૂચનાઓ હતી. આવી બીમાર સ્ત્રીઓને અલગ રાખવામાં આવતી ને કોઈ તેમને મળી શકતું નહિ. “કોઈ તેઓના ગ્લાસ વાપરતું ન હતું. તેમની સાથે ટેબલ પર જમતા નહિ, કે તે બેઠી હોય એ ખુરશીનો પણ ઉપયોગ ન કરતા.”
આમાંથી આપણે શું શીખી શકીએ?
પારોટ અને તેમની ટુકડીએ કંઈક ૨૦,૦૦૦ જેટલા શિલાલેખો શોધી કાઢ્યા. આ લેખો અક્કેડિયન રાજાના સમયમાં લખવામાં આવ્યા હતા. શિલાલેખોમાં પત્રો તેમ જ રાજકારણ અને આર્થિક બાબતો વિષેનું લખાણ હતું. આ શોધી કાઢેલી વસ્તુઓમાંથી, ફક્ત ત્રીજા ભાગની જ માહિતી બહાર પાડવામાં આવી છે. એના પણ ૨૮ ગ્રંથો છે. એ કેટલા મૂલ્યવાન છે? મારી આર્કિઓલોજીકલ મિશનના ડાયરેક્ટર જોન ક્લોડ મારગરોન કહે છે: “ઈસવીસન પૂર્વે ૨,૦૦૦ પછીના વર્ષોમાં મેસોપોટેમીયા અને સિરીયાનું જનજીવન કેવું હતું, ત્યારનો સમાજ, તેઓના રિવાજો વિષે અમે કંઈ જ જાણતા ન હતા. પરંતુ આ શિલાલેખોને લીધે, હવે અમે એક આખો ઇતિહાસ લખી શકીએ છીએ.” પારોટ કહે છે તેમ, આ બાબતો શોધી કાઢવાથી “અમને આ શિલાલેખોમાં બતાવેલા લોકો અને બાઇબલના જૂના કરારમાં જણાવેલા લોકો વચ્ચે ઘણી સામ્યતા જોવા મળે છે.”
મારીમાં મળી આવેલા શિલાલેખો અમુક બાઇબલ અહેવાલો પર પ્રકાશ ફેંકે છે. દાખલા તરીકે, શિલાલેખો બતાવે છે કે દુશ્મનોની પત્ની અને ઉપપત્નીઓને “તે સમયના રાજાઓ અવશ્ય” લઈ જતા હતા. વિશ્વાસઘાતી અહીથોફેલે દાઊદના દીકરા આબ્શાલોમને તેના પિતાની ઉપપત્નીઓની આબરુ લેવાનું કહ્યું એ કોઈ નવી વાત ન હતી.—૨ શમૂએલ ૧૬:૨૧, ૨૨.
વર્ષ ૧૯૩૩થી ટેલ હેરીરીમાં પુરાતત્ત્વશાસ્ત્રીઓએ ૪૧ વાર ખોદકામ કર્યું છે. તેમ છતાં, અત્યાર સુધી મારી શહેરની ૨૭૦ એકરમાંથી ફક્ત ૨૦ એકર જમીનમાં તેઓએ શોધખોળ કરી છે. દેખીતી રીતે જ મારી શહેરની બીજી ઘણી અદ્ભુત શોધખોળ સામે આવવાની બાકી છે.
[ફુટનોટ]
^ યહુદીઓને ઈસવીસન પૂર્વે ૬૦૭માં બંદીવાસમાં લઈ જવામાં આવ્યા ત્યારે, મારી શહેરના ખંડેરો પાસેથી લઈ જવામાં આવ્યા હોય શકે.
[પાન ૧૦ પર નકશા]
(લેખને છપાયો છે એવો જોવા એ પ્રકાશનમાં જુઓ)
ઈરાની ખાડી
ઉર
મેસોપોટેમિયા
યુફ્રેટીસ
મારી
અસિરીયા
હારાન
અનાટોલિયા
કનાન
યરૂશાલેમ
ભૂમધ્ય સમુદ્ર (ગ્રેટ સી)
[પાન ૧૧ પર ચિત્ર]
આ દસ્તાવેજમાં મારી શહેરના રાજા લાહદૂન-લીમે પોતાના બાંધકામ વિષે બડાઈઓ હાંકી
[પાન ૧૧ પર ચિત્ર]
લામગી-મારીની આ મૂર્તિની શોધને લીધે મારી શહેરને બરાબર જાણી શકાયું
[પાન ૧૨ પર ચિત્ર]
મહેલમાં પ્લેટફૉર્મ, જ્યાં દેવીઓની મૂર્તિઓ રાખવામાં આવી હોય શકે
[પાન ૧૨ પર ચિત્ર]
એબીહઈલ, મારી શહેરનો અધિકારી, પ્રાર્થના કરે છે
[પાન ૧૨ પર ચિત્ર]
મારી શહેરના ખંડેરો, માટીની કાચી ઈંટોનું બાંધકામ બતાવે છે
[પાન ૧૨ પર ચિત્ર]
મહેલનો બાથરૂમ
[પાન ૧૩ પર ચિત્ર]
નરમ સીન નામના રાજાએ મારી શહેર પર વિજય મેળવ્યો એ બતાવતી પથ્થરની શિલા
[પાન ૧૩ પર ચિત્ર]
મહેલના ખંડેરોમાંથી લગભગ ૨૦,૦૦૦ શિલાલેખો મળી આવ્યા હતા
[પાન ૧૦ પર ચિત્રની ક્રેડીટ લાઈન]
© Mission archéologique française de Tell Hariri - Mari (Syrie)
[પાન ૧૧ પર ચિત્રની ક્રેડીટ લાઈન]
Document: Musée du Louvre, Paris; statue: © Mission archéologique française de Tell Hariri - Mari (Syrie)
[પાન ૧૨ પર ચિત્રની ક્રેડીટ લાઈન]
Statue: Musée du Louvre, Paris; podium and bathroom: © Mission archéologique française de Tell Hariri - Mari (Syrie)
[પાન ૧૩ પર ચિત્રની ક્રેડીટ લાઈન]
Victory stele: Musée du Louvre, Paris; palace ruins: © Mission archéologique française de Tell Hariri - Mari (Syrie)