સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બીજા શમૂએલના મુખ્ય વિચારો

બીજા શમૂએલના મુખ્ય વિચારો

યહોવાહનો શબ્દ જીવંત છે

બીજા શમૂએલના મુખ્ય વિચારો

શું યહોવાહને વિશ્વના રાજા તરીકે સ્વીકારવા આપણે સંપૂર્ણ આધીન રહેવું જરૂરી છે? શું પરમેશ્વરના ભક્તો હંમેશાં પરમેશ્વરની દૃષ્ટિએ સાચું જ કરે છે? કેવા લોકો ‘યહોવાહને મનગમતા’ છે? (૧ શમૂએલ ૧૩:૧૪) બીજા શમૂએલનું પુસ્તક આ ત્રણેવ પ્રશ્નોના સરસ જવાબ આપે છે.

બીજા શમૂએલનું પુસ્તક ગાદ અને નાથાન પ્રબોધકે લખ્યું હતું. તેઓને ઈસ્રાએલના રાજા દાઊદ સાથે બહુ ગાઢ સંબંધ હતો. * આ પુસ્તક દાઊદના ૪૦ વર્ષના રાજપાઠને અંતે લગભગ ઈસવીસન પૂર્વે ૧૦૪૦માં પૂરું થયું. આ પુસ્તક ખાસ કરીને દાઊદ અને યહોવાહ પરમેશ્વર સાથેના તેમના સંબંધ વિષે છે. આ રોમાંચક વર્ણન બતાવે છે કે રાજા દાઊદના શાસન દરમિયાન કેવી રીતે લડાઈમાં ડૂબેલું આ રાષ્ટ્ર આબાદ બન્યું. આ અહેવાલમાં ઊંડી લાગણીઓ વ્યક્ત કરવામાં આવી છે.

દાઊદ ‘અધિકાધિક મોટા’ થતા જાય છે

(૨ શમૂએલ ૧:૧–૧૦:૧૯)

શાઊલ અને યોનાથાનના મરણ વિષે સાંભળીને દાઊદને ખૂબ જ દુઃખ થાય છે. આમ, દાઊદની યહોવાહ પરમેશ્વર, શાઊલ તેમ જ યોનાથાન પ્રત્યેની લાગણીઓ આપણને જોવા મળે છે. દાઊદને હેબ્રોનમાં યહુદાહના કુળ પર રાજા તરીકે નિયુક્ત કરવામાં આવે છે. શાઊલના દીકરા, ઈશ-બોશેથને બાકીના ઈસ્રાએલીઓ પર રાજા નિયુક્ત કરવામાં આવે છે. જોકે, દાઊદ ‘અધિકાધિક મોટા’ થતા જાય છે. લગભગ સાડા સાત વર્ષ પછી તેમને આખા ઈસ્રાએલ પર રાજા બનાવવામાં આવે છે.—૨ શમૂએલ ૫:૧૦.

દાઊદ યબૂસીઓના કબજામાં આવેલું યરૂશાલેમ છોડાવીને એને પોતાનું પાટનગર બનાવે છે. તે સૌ પ્રથમ કરારકોશને યરૂશાલેમ લાવવાનો પ્રયત્ન કરે છે કે જેનું ખરાબ પરિણામ આવે છે. પરંતુ થોડા સમય પછી તે ફરી વાર પ્રયત્ન કરે છે, ત્યારે તેમને સફળતા મળે છે. એના લીધે તે આનંદથી ઝૂમી ઊઠે છે. યહોવાહ પરમેશ્વર દાઊદ સાથે રાજ્ય કરાર કરે છે. યહોવાહ દાઊદની સાથે હતા આથી તે એક પછી એક પોતાના દુશ્મનો પર વિજય મેળવતા જાય છે.

સવાલ-જવાબ:

૨:૧૮—શા માટે યોઆબ અને તેમના બે ભાઈઓને સરૂયાહના દીકરાઓ કહેવામાં આવ્યા? હેબ્રી શાસ્ત્રવચનોમાં, કુટુંબની વંશાવળી સામાન્ય રીતે પિતાના નામથી ઓળખવામાં આવતી હતી. સરૂયાહના પતિનું અકાળે અવસાન થયું હોય શકે. અથવા પવિત્ર લખાણમાં તેમનો ઉલ્લેખ કરવો યોગ્ય નહિ હોય. સરૂયાહ, દાઊદની સાવકી બહેન હતી. એ કારણે તેનું નામ યાદીમાં હોય શકે. (૧ કાળવૃત્તાંત ૨:૧૫, ૧૬) આ ત્રણ ભાઈઓના પિતાનો ઉલ્લેખ બેથલેહેમમાં આવેલી તેમની કબરના સંદર્ભમાં જ કરવામાં આવ્યો છે.—૨ શમૂએલ ૨:૩૨.

૩:૨૯—“લાકડીએ ટેકનાર” કહેવાનો શું અર્થ થાય છે? સામાન્ય રીતે સ્ત્રીઓ કાપડ વણવાનું કામ કરતી. આથી, આ વાક્યમાં એવા માણસોનો ઉલ્લેખ થાય છે કે જેઓ યુદ્ધ જેવી પ્રવૃત્તિ માટે યોગ્ય નથી. આથી, તેઓએ સ્ત્રીઓ જેવાં કામ કરવા પડે છે.

૫:૧, ૨—ઈશ-બોશેથને મારી નાખવામાં આવ્યો એના કેટલા સમય પછી દાઊદને આખા ઈસ્રાએલના રાજા બનાવવામાં આવ્યા? શાઊલના મરણ પછી થોડા જ સમયમાં ઈશ-બોશેથે રાજ કરવાનું શરૂ કર્યું હોય શકે. તેણે બે વર્ષ રાજ કર્યું. એ જ સમયે દાઊદ હેબ્રોનના રાજા બન્યા. દાઊદે હેબ્રોનમાંથી યહુદાહ પર સાડા સાત વર્ષ રાજ કર્યું. તે આખા ઈસ્રાએલના રાજા બન્યાના થોડા જ સમય પછી પોતાના પાટનગર યરૂશાલેમમાં ગયા. તેથી, ઈશ-બોશેથના મરણના લગભગ પાંચ વર્ષ પછી દાઊદ આખા ઈસ્રાએલના રાજા બન્યા.—૨ શમૂએલ ૨:૩, ૪, ૮-૧૧; ૫:૪, ૫.

૮:૨—ઈસ્રાએલીઓ સાથેની લડાઈમાં કેટલા મોઆબીઓ માર્યા ગયા? ગણતરી કરવાના બદલે દોરીથી માપીને સંખ્યા નક્કી કરવામાં આવી હોય શકે. દાઊદે મોઆબીઓને એક સાથે જમીન પર સુવડાવી દીધા હશે. ત્યાર પછી, તેમણે એની લાઇનને દોરીથી માપી હશે. દેખીતી રીતે જ, બે હરોળ એટલે કે બે તૃત્યાંશ ભાગના મોઆબીઓને મારી નાખ્યા અને એક હરોળ એટલે કે ત્રીજા ભાગને જીવતા રાખ્યા.

આપણે શું શીખી શકીએ?

૨:૧; ૫:૧૯, ૨૩. દાઊદે હેબ્રોનમાં ગયા પહેલાં તેમ જ લડાઈ કરતા પહેલાં યહોવાહની ઇચ્છા જાણી. આપણે પણ પરમેશ્વર સાથેના આપણા સંબંધને અસર કરે એવા કોઈ પણ નિર્ણય લેતા પહેલાં તેમનું માર્ગદર્શન મેળવવું જોઈએ.

૩:૨૬-૩૦. બદલો લેવાથી ખરાબ પરિણામો આવે છે.—રૂમી ૧૨:૧૭-૧૯.

૩:૩૧-૩૪; ૪:૯-૧૨. દાઊદે બદલો લીધો નહિ. તેમ જ ખાર ન રાખીને આપણા માટે એક સારું ઉદાહરણ બેસાડ્યું.

૫:૧૨. યહોવાહે આપણને તેમના માર્ગોનું શિક્ષણ આપ્યું છે. તેથી તેમની સાથે આપણે સારો સંબંધ રાખી શકીએ છીએ. એ આપણે ક્યારેય ભૂલવું ન જોઈએ.

૬:૧-૭. ભલે દાઊદનો સારો ઈરાદો હતો છતાં, તેમણે કરારકોશને બળદગાડામાં લાવવાનો પ્રયાસ કરીને પરમેશ્વરની આજ્ઞા તોડી. એના લીધે દાઊદની મહેનત પાણીમાં ગઈ. (નિર્ગમન ૨૫:૧૩, ૧૪; ગણના ૪:૧૫, ૧૯; ૭:૭-૯) ઉઝ્ઝાહે પણ સારા ઇરાદાથી કરારકોશ પડતા અટકાવ્યો હતો. એ બતાવે છે કે કોઈ કાર્ય કરવા માટે વ્યક્તિનો સારો ઇરાદો હોય તોપણ તે પરમેશ્વરની આજ્ઞા તોડીને એમ કરી શકતી નથી.

૬:૮, ૯. મુશ્કેલ પરિસ્થિતિમાં દાઊદ સૌ પ્રથમ તો ગુસ્સે થઈ ગયા. પછી તે ડરી ગયા. આથી, જે કરુણ ઘટના બની એ માટે તેમણે યહોવાહને પણ દોષ આપ્યો હોય શકે. ઘણી વાર પરમેશ્વરની આજ્ઞા તોડવાથી આપણે એનું પરિણામ ભોગવવું પડી શકે. એનો દોષ પરમેશ્વરને ન આપીએ એ માટે આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ.

૭:૧૮, ૨૨, ૨૩, ૨૬. દાઊદમાં એવા ગુણો હતા કે જેના લીધે યહોવાહનું નામ રોશન થયું, જેમ કે નમ્રતા, પૂરા તન-મન-ધનથી તેમની સેવા કરવી. આપણે પણ તેમના ગુણોનું અનુકરણ કરવું જોઈએ.

૮:૨. લગભગ ૪૦૦ વર્ષ પહેલાં ભાખવામાં આવેલી ભવિષ્યવાણી પૂરી થઈ. (ગણના ૨૪:૧૭) યહોવાહનું વચન હંમેશા સાચું પડે છે.

૯:૧, ૬, ૭. દાઊદે પોતાનું વચન પાળ્યું. આપણે પણ આપેલાં વચનો પૂરાં કરવાં જોઈએ.

યહોવાહ દાઊદ પર આફત આવવા દે છે

(૨ શમૂએલ ૧૧:૧–૨૦:૨૬)

યહોવાહ દાઊદને કહે છે, “જો, હું તારા ઘરમાંથી જ તારી વિરૂદ્ધ ખલેલ ઊભી કરીશ, હું તારી નજર આગળ તારી સ્ત્રીઓને લઈને તે તારા પડોશીને આપીશ, ને આ સૂર્યના દેખતાં તે તારી સ્ત્રીઓની આબરૂ લેશે.” (૨ શમૂએલ ૧૨:૧૧) શા માટે યહોવાહ આવું કહે છે? કારણ કે દાઊદે બાથ-શેબા સાથે વ્યભિચાર કર્યો. જોકે દાઊદે ખરા દિલથી પસ્તાવો કર્યો આથી તેને માફી મળી. પરંતુ, પોતાના પાપનું ફળ તો તેમણે ભોગવવું જ પડ્યું.

બાથ-શેબાનું પહેલું બાળક મરણ પામે છે. ત્યાર પછી, દાઊદની દીકરી તામાર પર તેનો જ સાવકો ભાઈ આમ્નોન બળાત્કાર કરે છે. તેથી, તામારનો સગો ભાઈ બદલો લેવા આમ્નોનનું ખૂન કરે છે. આબ્શાલોમ પોતાના જ પિતા વિરુદ્ધ કાવતરું કરીને હેબ્રોનમાં રાજા બની બેસે છે. આથી, દાઊદ ત્યાંથી નાસીને યરૂશાલેમમાં આવે છે. આબ્શાલોમ પોતાના પિતાની દસ ઉપપત્નીઓ સાથે અનૈતિક સંબંધ રાખે છે. તેઓને ઘરની દેખરેખ માટે હેબ્રોનમાં રાખવામાં આવી હતી. આબ્શાલોમના માર્યા ગયા પછી જ દાઊદ ફરી રાજા બને છે. બિન્યામીનના કૂળ સાથેની લડાઈમાં શેબા માર્યો જાય છે.

સવાલ-જવાબ:

૧૪:૭—“મારો બાકી રહેલો અંગારો” એટલે શું? ધીમે ધીમે સળગતો અંગારો બાકી રહેલા બાળકોને બતાવે છે.

૧૯:૨૯—મફીબોશેથે સમજણ આપ્યા પછી શા માટે દાઊદે આવો જવાબ આપ્યો? મફીબોશેથનું સાંભળ્યા પછી, દાઊદને ભાન થયું કે તેમણે સીબાનું સાંભળી ભૂલ કરી છે. (૨ શમૂએલ ૧૬:૧-૪; ૧૯:૨૪-૨૮) એનાથી તેમને વધારે ગુસ્સો આવે છે અને જેના લીધે તે હવે એ બાબતમાં કંઈ વધારે સાંભળવા માંગતા નથી.

આપણે શું શીખી શકીએ?

૧૧:૨-૧૫. દાઊદે નમ્રતાથી પોતાની ભૂલો સ્વીકારી એવા અહેવાલ પણ બાઇબલમાં જોવા મળે છે. એના પરથી પુરાવો મળે છે કે બાઇબલ પરમેશ્વરની પ્રેરણાથી લખાયું છે.

૧૧:૧૬-૨૭. આપણે ગંભીર ગુનો કરીએ ત્યારે, દાઊદની જેમ પાપ છુપાવવાનો પ્રયત્ન કરવો જોઈએ નહિ. એના બદલે, આપણે યહોવાહ સમક્ષ પાપ કબૂલ કરીને મંડળના વડીલો પાસેથી મદદ મેળવવી જોઈએ.—નીતિવચનો ૨૮:૧૩; યાકૂબ ૫:૧૩-૧૬.

૧૨:૧-૧૪. મંડળના વડીલો માટે નાથાન એક સારું ઉદાહરણ છે. તેઓએ ભૂલ કરનારાઓને પોતાનો માર્ગ સુધારવા મદદ કરવી જોઈએ. વડીલોએ પોતાની આ જવાબદારી કુશળતાપૂર્વક હાથ ધરવી જોઈએ.

૧૨:૧૫-૨૩. દાઊદના જીવનમાં જે આફત આવી પડી એ વિષે યોગ્ય વલણ રાખવાથી તેમને એનો સામનો કરવા મદદ મળી.

૧૫:૧૨; ૧૬:૧૫, ૨૧, ૨૩. આબ્શાલોમ રાજગાદી પર બેસશે એવું સ્પષ્ટ થયું ત્યારે એક સારો મંત્રી, અહીથોફેલ અભિમાન અને હોદ્દો મેળવવાની લાલચને લીધે બેવફા બન્યો. નમ્રતા અને વફાદારી વગરની બુદ્ધિ ફાંદો બની શકે છે.

૧૯:૨૪, ૩૦. મફીબોશેથે દાઊદે બતાવેલી ભલમનસાઈની કદર કરી. આથી, રાજા દાઊદ સીબાને આપેલી આજ્ઞાને આધીન રહ્યાં. યહોવાહ અને તેમના સંગઠન માટે કદર બતાવવા આપણે તેઓને આધીન રહેવું જોઈએ.

૨૦:૨૧, ૨૨. એક બુદ્ધિમાન માણસ ઘણાને મુશ્કેલીઓમાં આવી પડતા બચાવે છે.—સભાશિક્ષક ૯:૧૪, ૧૫.

આપણે “યહોવાહના જ હાથમાં” પડીએ

(૨ શમૂએલ ૨૧:૧–૨૪:૨૫)

શાઊલે ગિબઓનીઓને મારી નાખ્યા એના લીધે દેશમાં ત્રણ વર્ષ સુધી દુકાળ પડે છે. (યહોશુઆ ૯:૧૫) એનો બદલો લેવા માટે ગિબઓનના રહેવાસીઓ શાઊલના દીકરાઓને મારી નાખવા માંગે છે. દાઊદ શાઊલના દીકરાઓને ગિબઓનીઓના હાથમાં સોંપે છે. ત્યાર પછી પુષ્કળ વરસાદ પડે છે. ચાર કદાવર પલિસ્તીઓ ‘દાઊદ તથા તેના ચાકરોના હાથે’ માર્યા જાય છે.—૨ શમૂએલ ૨૧:૨૨.

દાઊદ વસ્તી ગણતરી કરીને ઘોર પાપ કરે છે. તે પસ્તાવો કરે છે. તેમ જ ‘યહોવાહના જ હાથમાં’ પડવાનું પસંદ કરે છે. (૨ શમૂએલ ૨૪:૧૪) તોપણ, ૭૦,૦૦૦ મરકીથી માર્યા જાય છે. દાઊદ પરમેશ્વર યહોવાહની આજ્ઞા પ્રમાણે કરે છે ત્યારે મરકી બંધ પડે છે.

સવાલ-જવાબ:

૨૧:૮—બીજા શમૂએલ ૬:૨૩ બતાવે છે કે શાઊલની દીકરી મીખાલને એક પણ છોકરું ન હતું. તો પછી, એવું કઈ રીતે કહી શકાય કે તેને પાંચ દીકરાઓ હતા? એવું કહેવામાં આવે છે કે મીખાલની બહેન મેરાબના એ દીકરાઓ હતા. તેનું લગ્‍ન આદ્રીએલ સાથે થયુ હતું. પણ મેરાબનું અકાળે અવસાન થયું અને મીખાલે તેના છોકરાઓને ઉછેર્યા.

૨૧:૯, ૧૦—શાઊલની ઉપપત્ની રિસ્પાહે કેટલા સમય સુધી પોતાના બે દીકરાઓ અને પાંચ પૌત્રો માટે જાગરણ કર્યું કે જેઓને ગિબઓનીઓએ મારી નાખ્યા હતા? આ સાતે જણાને “કાપણીના આરંભમાં” એટલે કે માર્ચ કે એપ્રિલમાં મારી નાખવામાં આવ્યા હતા. તેઓના શબ ખડક પર જ પડ્યા રહ્યા. યહોવાહે વરસાદ મોકલીને પોતાનો ગુસ્સો ઠંડો પડ્યો છે એ બતાવ્યું ત્યાં સુધી, રિસ્પાહે રાત-દિવસ સાત લાશોની રખેવાળી કરી. ઑક્ટોબરમાં કાપણીનો સમય પૂરો થાય એ પહેલાં તો પુષ્કળ વરસાદ શક્ય જ નથી. તેથી, રિસ્પાહે પાંચ કે છ મહિનાઓ સુધી જાગરણ કર્યું હોય શકે. ત્યાર પછી, દાઊદે તેઓના હાડકાં દફનાવ્યાં.

૨૪:૧—દાઊદે કરેલી વસ્તી ગણતરીને શા માટે ઘોર પાપ ગણવામાં આવ્યું? નિયમ પ્રમાણે વસ્તી ગણતરીની મનાઈ હતી. (ગણના ૧:૧-૩; ૨૬:૧-૪) બાઇબલમાં જણાવ્યું નથી કે શા માટે દાઊદે વસ્તી ગણતરી કરી હતી. તેમ છતાં, ૧ કાળવૃત્તાંત ૨૧:૧ બતાવે છે કે શેતાને તેમને એમ કરવા ઉશ્કેર્યા હતા. દાઊદના લશ્કરી અધિકારી, યોઆબ જાણતા હતા કે દાઊદનો વસ્તી ગણતરીનો નિર્ણય ખોટો છે. આથી, તેમણે દાઊદને રોકવાનો પ્રયત્ન પણ કર્યો.

આપણે શું શીખી શકીએ?

૨૨:૨-૫૧. યહોવાહ જ સાચા પરમેશ્વર છે અને તેમનામાં જ આપણે સાચો ભરોસો કરવો જોઈએ. એનું વર્ણન દાઊદે આ ગીતમાં કેટલી અદ્‍ભુત રીતે કર્યું છે!

૨૩:૧૫-૧૭. પરમેશ્વરે જીવન અને લોહી વિષે આપેલા નિયમ પ્રત્યે દાઊદને ખૂબ જ માન હતું. આથી, આ પ્રસંગે તે નિયમ તોડવા જેવી બાબતથી અડગા રહ્યા. આપણે પરમેશ્વરની દરેક આજ્ઞાઓ પ્રત્યે આવું વલણ વિકસાવવું જોઈએ.

૨૪:૧૦. દાઊદને પોતે કરેલી ભૂલથી ખૂબ પસ્તાવો થયો. શું આપણે પણ આપણું અંતઃકરણ એ રીતે કેળવીએ છીએ?

૨૪:૧૪. દાઊદ સારી રીતે જાણતા હતા કે યહોવાહ માણસો કરતાં વધારે માયાળુ છે. શું આપણને પણ એવી ખાતરી છે?

૨૪:૧૭. દાઊદની ભૂલને લીધે આખા રાષ્ટ્રે ભોગવવું પડ્યું. એનાથી તેમને ખૂબ જ દુઃખ થયું. ખોટું કરનાર વ્યક્તિને પણ પોતે લીધેલા ખોટાં પગલાંને લીધે મંડળ પર આવતી બદનામી વિષે એવો જ પસ્તાવો કે દુઃખ થવું જોઈએ.

આપણે પણ ‘યહોવાહને મનગમતા’ બની શકીએ

ઈસ્રાએલના બીજા રાજા ‘યહોવાહને મનગમતા માણસ’ પુરવાર થયા. (૧ શમૂએલ ૧૩:૧૪) દાઊદે યહોવાહના ન્યાયી ધોરણો પ્રત્યે ક્યારેય કોઈ પ્રકારની શંકા કરી નહિ. તેમ જ તેમણે કદી પણ પરમેશ્વરથી સ્વતંત્ર થવાનું વિચાર્યું નહિ. દાઊદે જ્યારે પણ ભૂલ કરી ત્યારે, તેમણે પોતાના પાપ કબૂલ્યા. શિક્ષા સ્વીકારી અને પોતાના માર્ગમાં સુધારો કર્યો. દાઊદ પ્રમાણિકતા જાળવનારા હતા. શું આપણે પણ તેમના જેવા ન બનવું જોઈએ, ખાસ કરીને આપણે ભૂલ કરીએ ત્યારે?

દાઊદના જીવનથી જોવા મળે છે કે આપણે યહોવાહને વિશ્વના રાજા તરીકે સ્વીકારવા જોઈએ. એ માટે, પરમેશ્વરે ખરાં-ખોટાં માટે આપેલા નિયમો પ્રમાણે જીવવું જોઈએ. એ પ્રમાણે જીવવું અશક્ય નથી. આપણે બીજો શમૂએલમાંથી જે બોધપાઠ શીખ્યા એ માટે કેટલા આભારી છીએ! બાઇબલના આ પુસ્તકનો સંદેશો ખરેખર જીવંત છે.—હેબ્રી ૪:૧૨.

[ફુટનોટ]

^ આ પુસ્તક શમૂએલે લખ્યું નથી છતાં, એને તેમનું નામ આપવામાં આવ્યું છે. કારણ કે, હેબ્રી સંગ્રહમાં પહેલો અને બીજો શમૂએલનું પુસ્તક હકીકતમાં એક જ પુસ્તક હતું. શમૂએલ પ્રબોધકે મોટા ભાગે પહેલો શમૂએલનું પુસ્તક લખ્યું.

[પાન ૧૬ પર ચિત્ર]

દાઊદને ખરેખર રાજા બની રહેવામાં કોણે મદદ કરી છે એ યાદ રાખવાથી તેમને નમ્ર રહેવામાં મદદ મળી

[પાન ૧૮ પર ચિત્ર]

“હું તારા ઘરમાંથી જ તારી વિરૂદ્ધ ખલેલ ઊભી કરીશ”

બાથ-શેબા

તામાર

આમ્નોન