બુદ્ધિ કેવી રીતે મેળવી શકાય?
બુદ્ધિ કેવી રીતે મેળવી શકાય?
“તેને શું મુસીબત છે? આવું ન કરવું જોઈએ એની તેને ખબર હોવી જોઈએ.” એક વ્યક્તિએ કહ્યું. બીજી વ્યક્તિ માથું ધુણાવતા અને બબડતા ત્યાંથી જતા કહે છે, “જો તેનામાં જરાય બુદ્ધિ હોત તો તેણે એવું કદી ન કર્યું હોત.” શું તમે કદી આવું સાંભળ્યું છે?
આપણે આપણી બુદ્ધિનો સારી રીતે ઉપયોગ કરવા સમજી વિચારીને પગલાં લેવા જોઈએ. પરંતુ, ઘણા લોકો નિર્ણય લેવા પોતાની બુદ્ધિનો ઉપયોગ કરતા નથી. તેઓ બીજાઓ પર આધાર રાખે છે. જેમ કે મિડિયા, મિત્રો કે પછી સામાન્ય રીતે લોકો શું માને છે એના આધારે તેઓ પોતાના નિર્ણય લે છે.
આજના લોકોમાં બુદ્ધિનો એટલો બધો અભાવ છે કે એક વ્યક્તિએ કહ્યું: ‘સાચે જ, બુદ્ધિ તો જોવા જ નથી મળતી.’ તો પછી, આપણે કઈ રીતે બુદ્ધિ મેળવી શકીએ? એ મેળવવાના ફાયદા શું છે?
કઈ રીતે બુદ્ધિ મેળવી શકીએ?
બુદ્ધિ એટલે શું? એ યોગ્ય નિર્ણયો લેવાની ક્ષમતા છે. એને કેળવવા ઊંડા વિચારો અને સતત પ્રયત્નો જરૂરી છે. એનો અર્થ એમ નથી કે બુદ્ધિ મેળવવી અઘરું છે. ચાલો ત્રણ બાબતોનો વિચાર કરીએ જે આપણને બુદ્ધિ મેળવવા મદદ કરી શકે.
બાઇબલ અભ્યાસ કરો અને એની સલાહ પ્રમાણે જીવો. બાઇબલ ઉત્તમ ભાષામાં લખવામાં આવ્યું છે. એમાં સ્પષ્ટ અને સરળ સમજણ છે. તેથી, એ બુદ્ધિ અને વિવેક મેળવવા માટેનું ઉત્તમ પુસ્તક છે. (એફેસી ૧:૮) દાખલા તરીકે, પ્રેષિત પાઊલ ખ્રિસ્તી ભાઈબહેનોને સલાહ આપે છે: “ભાઈઓ, જે કંઈ સત્ય, જે કંઈ સન્માનપાત્ર, જે કંઈ ન્યાયી, જે કંઈ શુદ્ધ, જે કંઈ પ્રેમપાત્ર, જે કંઈ સુકીર્તિમાન છે; જો કોઈ સદ્ગુણ કે જો કોઈ પ્રશંસા હોય, તો આ બાબતોનો વિચાર કરો.” (ફિલિપી ૪:૮) જો આપણે હંમેશાં આ સલાહને ધ્યાનમાં રાખીએ તો, એનાથી યોગ્ય નિર્ણયો લઈ શકીશું.
અનુભવમાંથી શીખો. જીવનના અનુભવોને બુદ્ધિ સાથે સાંકળતા સ્વિટ્ઝર્લૅન્ડના એક કવિએ લખ્યું: ‘અનુભવો અને દીર્ધદૃષ્ટિથી બુદ્ધિ મળે છે.’ ખરેખર, “ભોળો માણસ દરેક શબ્દ ખરો માને છે, પણ ડાહ્યો પુરુષ પોતાની વર્તણૂક બરાબર ચોક્કસ રાખે છે.” (નીતિવચનો ૧૪:૧૫) અવલોકન, પ્રશિક્ષણ અને અનુભવો દ્વારા બુદ્ધિ વિકસાવી શકાય છે. ધીમે ધીમે આપણે બાબતો વધારે સારી રીતે કરતા શીખીએ છીએ. જોકે, પોતાની ભૂલોમાંથી શીખવા માટે નમ્રતા બહુ જરૂરી છે. બાઇબલ છેલ્લા દિવસોના વર્ણનમાં આપવડાઈ કરનારા, ગર્વિષ્ઠ અને ઉદ્ધત જેવા લોકોનો ઉલ્લેખ કરે છે. તેઓમાં બુદ્ધિ નથી.—૨ તીમોથી ૩:૧-૫.
યોગ્ય મિત્રોની સંગત રાખો. આપણે સારા મિત્રની પસંદગીથી બુદ્ધિ મેળવી શકીએ અથવા એ મેળવવાથી અટકી શકીએ. નીતિવચનો ૧૩:૨૦ બતાવે છે: “જો તું જ્ઞાની પુરુષોની સંગત કરશે, તો તું જ્ઞાની થશે, પણ જે મૂર્ખનો સાથી છે તેને નુકસાન થશે.” પરમેશ્વરના માર્ગમાં ચાલતી નથી એવી વ્યક્તિઓના વિચારોથી આપણે દૂર રહેવું જોઈએ. નીતિવચનો ૧૭:૧૨ (IBSI) એને આ રીતે કહે છે: “પોતાની મૂર્ખાઈમાં સપડાયેલા મૂર્ખનો ભેટો થાય એ કરતાં બચ્ચાં છીનવાઈ ગયાં હોય એવી રીંછણ સાથે ભેટો થાય એ વધારે સલામત છે.”
બુદ્ધિ મેળવવાના ફાયદાઓ
બુદ્ધિ મેળવવાના ઘણા લાભો છે. એનાથી જીવન વધારે સફળ બને છે. આપણો સમય પણ બચે છે. બુદ્ધિનો ઉપયોગ કરવાથી, અમુક સમયે વગર વિચાર્યે કામ કરવાથી મળતી હતાશા પણ ઓછી થાય છે. ડહાપણનો ઉપયોગ નહિ કરનારા પોતાનું જીવન વધારે મુશ્કેલ બનાવે છે. બાઇબલ બતાવે છે, “મૂર્ખોની મહેનત તેઓમાંના દરેકને થકવે છે.” (સભાશિક્ષક ૧૦:૧૫) આવી વ્યક્તિઓ સખત મહેનત કરીને થાકી જાય છે; પરંતુ તેમનું કામ ઘણી વાર ભઠિયા વગરનું હોય છે.
બાઇબલ ઘણા વિષયો પર ભરપૂર વ્યવહારુ સલાહ આપે છે. જેમ કે સ્વચ્છતા, વાતચીત, મહેનત, ગરીબીનો સામનો કરવો વગેરે. લાખો લોકોનો અનુભવ બતાવે છે કે જીવનમાં બાઇબલ સિદ્ધાંતો લાગુ પાડવાથી કેવી સફળતા મળે છે.
બુદ્ધિથી આપણે સૂચનો કે નિયમોની ઝીણામાં ઝીણી માહિતીને જડની જેમ વળગી નહિ રહીએ. એના બદલે વધારે કંઈક કરવા એ મદદ કરશે. એ આપણને પોતાની જવાબદારી પૂરી કરવા મદદ કરે છે. તેમ છતાં, એવું નથી કે બુદ્ધિ છે એટલે જ્ઞાન લેવાની જરૂર નથી. નીતિવચનો ૧:૫ બતાવે છે, “જ્ઞાની પુરુષ સાંભળીને વિદ્વત્તાની વૃદ્ધિ કરે.” આપણે જ્ઞાન તો લેવું જ જોઈએ. પછી એના પર મનન કરી યોગ્ય નિષ્કર્ષ પર પહોંચતા શીખવું જોઈએ. એ આપણને ‘ડહાપણથી વર્તવા’ મદદ કરે છે.—નીતિવચનો ૨૮:૨૬.
નમ્રતા અને બુદ્ધિને એકમેક સાથે ગાઢ સંબંધ છે. આપણે આપણી ક્ષમતા અને મર્યાદાઓને ધ્યાનમાં રાખવા જોઈએ. પછી યોગ્ય નિર્ણય લઈને આપણી જવાબદારીઓ પૂરી કરવી જોઈએ. પ્રેષિત પાઊલે કહ્યું, “પ્રભુના કામમાં સદા મચ્યા રહો.” (૧ કોરીંથી ૧૫:૫૮) આ સલાહ પ્રત્યે આપણે સમતોલ વલણ રાખવું જોઈએ. એ માટે સભાશિક્ષક ૯:૪ના સિદ્ધાંતને પણ ધ્યાનમાં રાખવો જોઈએ, “જીવતો કૂતરો મૂએલા સિંહ કરતાં સારો છે.” આપણા સ્વાસ્થ્યની યોગ્ય કાળજી લેવાથી આપણે લાંબો સમય જીવી શકીશું અને ઉત્સાહથી પરમેશ્વરની સેવા કરી શકીશું. બુદ્ધિથી આપણે દરેક કાર્ય સમતોલ રહીને કરી શકીશું. આપણો આનંદ પણ જાળવી રાખીશું. હા, બુદ્ધિનો ઉપયોગ કરવાથી ઘણા આશીર્વાદો મળે છે.
[પાન ૧૪ પર ચિત્ર]
બાઇબલમાં ભરપૂર સલાહ મળે છે
[પાન ૧૫ પર ચિત્ર]
અવલોકન, તાલીમ અને અનુભવ દ્વારા આપણે બુદ્ધિ મેળવી શકીએ