સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાહના માર્ગો જાણો

યહોવાહના માર્ગો જાણો

યહોવાહના માર્ગો જાણો

“કૃપા કરીને મને તારા માર્ગ જણાવજે, કે હું તને ઓળખું.”—નિર્ગમન ૩૩:૧૩.

૧, ૨. (ક) હેબ્રુ પર થતો અન્યાય જોઈને મુસાએ શું કર્યું ને શા માટે? (ખ) યહોવાહનું કામ કરતા પહેલાં મુસાએ શું શીખવું પડ્યું?

 મુસા ફારૂન રાજાના ઘરે ઊછર્યા હતા. મિસરમાં મોટા મોટા પંડિતોના હાથ નીચે તે ખૂબ ભણ્યા-ગણ્યા. પણ તેમનું દિલ તો હિબ્રૂ જ રહ્યું. તેમના માબાપ હિબ્રૂ હતા. મુસા ૪૦ વર્ષના હતા ત્યારે તેમના હિબ્રૂ ભાઈઓ, ઈસ્રાએલીઓને મળવા ગયા. ત્યાં તેમણે શું જોયું? મિસરનો એક સિપાઈ હિબ્રૂ માણસને માર મારતો હતો. આ અન્યાય જોઈને મુસા ગુસ્સે ભરાઈ ગયા. કોઈ જોતું ન હતું ત્યારે તેમણે એ સિપાઈને મારી નાખ્યો. તેમને લાગ્યું કે ઈશ્વરને હાથે તે ઈસ્રાએલીઓને ગુલામીમાંથી આઝાદ કરશે. (પ્રેરિતોનાં કૃત્યો ૭:૨૧-૨૫; હેબ્રી ૧૧:૨૪, ૨૫) થોડા વખતમાં આ સમાચાર ફારૂનના કાને પહોંચ્યા. એક પળમાં મુસા રાજકુમારમાંથી ગુનેગાર બની ગયા. જાન બચાવવા તે મિસરથી નાસી છૂટ્યા. (નિર્ગમન ૨:૧૧-૧૫) સાચું કે મુસા દ્વારા ઈસ્રાએલીઓને આઝાદ કરવાનું ઈશ્વરે નક્કી કર્યું હતું. પરંતુ શું મુસા એ કામ માટે તૈયાર હતા? ના, તેમણે યહોવાહના માર્ગ વિષે વધારે જાણવાની જરૂર હતી.—ગીતશાસ્ત્ર ૨૫:૯.

મિસર છોડીને મુસા ૪૦ વર્ષ અરણ્યમાં રહ્યા. તે ભરવાડ બન્યા. આ વખત દરમિયાન શું તેમણે એમ વિચાર્યું કે “મારી હાલત કેમ દુઃખી બની ગઈ છે?” ના. શું તેમના દિલમાં એવી કડવાશ હતી કે હિબ્રૂ લોકો મારી કોઈ કદર કરતા નથી? ના. આ વર્ષોમાં તે નમ્ર બન્યા અને યહોવાહ તેમનું દિલ ને સ્વભાવ ઘડી શક્યા. એનું શું પરિણામ આવ્યું? બાઇબલ કહે છે કે ‘મુસા પૃથ્વીની પીઠ પરના સર્વ લોક કરતાં નમ્ર હતા.’ (ગણના ૧૨:૩) પછી યહોવાહે મુસાને મહાન કામ સોંપ્યું ને તેમના પર ખૂબ આશીર્વાદો વરસાવ્યા. નમ્ર બનવાથી આપણને પણ પુષ્કળ આશીર્વાદો મળશે.—સફાન્યાહ ૨:૩.

મુસાને મહાન કામ મળે છે

૩, ૪. (ક) યહોવાહે મુસાને કયું કામ સોંપ્યું? (ખ) કામ પૂરું કરવા માટે મુસાને કેવી મદદ મળી?

મુસા એક દિવસ અરણ્યમાં હોરેબ પર્વત આગળ ઘેટાં-બકરાં ચરાવતા હતા. અચાનક એક સ્વર્ગદૂતે પ્રગટ થઈ મુસાને કહ્યું: ‘મેં મિસરમાંના મારા લોકનું દુઃખ નિશ્ચે જોયું છે, ને તેમના મુકાદમોને લીધે તેમનો વિલાપ સાંભળ્યો છે; કેમ કે તેઓનો ખેદ હું જાણું છું; અને મિસરીઓના હાથમાંથી તેઓને છોડાવવા સારુ, ને તે દેશમાંથી તેઓને કાઢીને, એક સારો તથા વિશાળ દેશ, બલ્કે દૂધમધની રેલછેલવાળા દેશમાં તેમને લઈ જવા સારુ હું ઊતર્યો છું.’ (નિર્ગમન ૩:૨, ૭, ૮) મુસાને મહાન કામ સોંપવામાં આવ્યું હતું. પણ એમાં સફળ થવા માટે તેમણે યહોવાહના માર્ગદર્શન મુજબ એ કામ કરવાનું હતું.

સ્વર્ગદૂતે પછી કહ્યું: “હવે ચાલ, મિસરમાંથી મારા લોક ઈસ્રાએલપુત્રોને કાઢી લાવવા માટે હું તને ફારૂન પાસે મોકલું છું.” આ સાંભળીને મુસા ગભરાઈ ગયા. તેમને લાગ્યું કે ‘મારાથી આ ન થઈ શકે.’ વાત તો સાચી હતી. તે પોતાની શક્તિથી આ કામ કરી શકતા ન હતા. પણ યહોવાહે તેમને ખાતરી આપી: “હું નિશ્ચે તારી સાથે હોઈશ.” (નિર્ગમન ૩:૧૦-૧૨) યહોવાહે મુસાને એવી શક્તિ આપી કે તે ચમત્કારો કરી શક્યા. એનાથી સર્વ જોઈ શક્યા કે ઈશ્વરે દુઃખોમાંથી છોડાવવા તેમને પસંદ કર્યા છે. મુસા વતી સંદેશો જણાવવા તેમના ભાઈ હારૂન પણ તેમની સાથે ગયા. યહોવાહે બંનેને શીખવ્યું કે ફારૂન સામે તેઓએ શું કહેવું જોઈએ ને શું કરવું જોઈએ. (નિર્ગમન ૪:૧-૧૭) મુસાએ પૂરી રીતે યહોવાહનું કહ્યું માન્યું.

૫. ઈસ્રાએલીઓનું વલણ કેવું હતું? એનાથી મુસાને કેવી તકલીફ સહન કરવી પડી?

ઈસ્રાએલના વડીલોએ શરૂઆતમાં તો મુસા અને હારૂનની વાત માની લીધી. (નિર્ગમન ૪:૨૯-૩૧) પણ થોડા જ સમયમાં “ઈસ્રાએલપુત્રોના ઉપરીઓએ” મુસા અને હારૂન પર દોષ મૂકતા કહ્યું કે “ફારૂનની દૃષ્ટિમાં તથા તેના સેવકોની દૃષ્ટિમાં તમે અમને ધિક્કારપાત્ર કરી નાખ્યા છે.” (નિર્ગમન ૫:૧૯-૨૧; ૬:૯) છેવટે ઈસ્રાએલીઓ મિસરમાંથી નીકળી ગયા. તેઓ અરણ્યમાં હતા ત્યારે ફારૂને તેની ફોજ સાથે ઈસ્રાએલીઓનો પીછો પકડ્યો. ઈસ્રાએલીઓ ફસાઈ ગયા! આગળ લાલ સમુદ્ર હતો ને પાછળ ફારૂનની ફોજ. ફરી તેઓ મુસાનો વાંક કાઢવા લાગ્યા. આવા સંજોગમાં તમે શું કર્યું હોત? તેઓ પાસે જહાજ પણ ન હતું. તોપણ મુસાએ યહોવાહની આજ્ઞા મુજબ લોકોને આગળ ચાલવા કહ્યું. ઓચિંતા યહોવાહે સમુદ્રના બે ભાગ કરી નાખ્યા અને એની જગ્યાએ સૂકી જમીન કરી દીધી. એ સૂકી જમીન પર ચાલીને ઈસ્રાએલીઓએ સમુદ્ર પાર કર્યો.—નિર્ગમન ૧૪:૧-૨૨.

યહોવાહનું નામ રોશન થયું

૬. મુસાને કામ સોંપતી વખતે યહોવાહે શાના પર ભાર મૂક્યો?

મુસાને એ મહાન કામ સોંપતી વખતે યહોવાહે પોતાના મહાન નામ પર ભાર મૂક્યો. મુસાએ તેમના નામ વિષે પૂછ્યું ત્યારે યહોવાહે કહ્યું: “હું જે છું તે છું.” પછી મુસાએ ઈસ્રાએલીઓને કહ્યું: “તમારા પિતૃઓના દેવ યહોવાહે, એટલે ઈબ્રાહીમના દેવે તથા ઈસ્હાકના દેવે મને તમારી પાસે મોકલ્યો છે.” યહોવાહે તેઓને કહ્યું: “મારૂં નામ સદા એ જ છે, ને મારી યાદગીરી વંશપરંપરા એ જ છે.” (નિર્ગમન ૩:૧૩-૧૫) હા, યહોવાહને માન આપવું ખૂબ જરૂરી છે. કેટલું સારું છે કે આજે જગતભરમાં યહોવાહનું નામ રોશન થાય છે.—યશાયાહ ૧૨:૪, ૫; ૪૩:૧૦-૧૨.

૭. ભલે ફારૂન ખૂબ ઘમંડી હતો, ઈશ્વરે મુસાને શું કરવા અરજ કરી?

મુસા અને હારૂને યહોવાહના નામે ફારૂનને સંદેશો આપ્યો ત્યારે તેણે શું કર્યું? તેણે ઘમંડથી કહ્યું કે, “યહોવાહ કોણ છે, કે હું તેની વાણી માનીને ઈસ્રાએલપુત્રોને જવા દઉં? હું યહોવાહને ઓળખતો નથી, અને વળી હું ઈસ્રાએલને જવા પણ નહિ દઉં.” (નિર્ગમન ૫:૧, ૨) આમ, ફારૂનનું ઘમંડ ન છૂટ્યું. તે હઠીલો જ રહ્યો. તોપણ યહોવાહે મુસાને વારંવાર સંદેશો આપતા રહેવાની અરજ કરી. (નિર્ગમન ૭:૧૪-૧૬, ૨૦-૨૩; ૮:૧, ૨, ૨૦) સંદેશો મળતો ત્યારે ફારૂનનો રોષ દર વખતે જ્વાળામુખીની જેમ ફાટી નીકળતો. મુસાને લાગ્યું હશે કે સંદેશો આપતા રહેવાથી કોઈ ફાયદો થતો નથી. ઈસ્રાએલીઓ આઝાદી માટે પોકારે છે, પણ ફારૂન ટસનો મસ થતો નથી. જો તમે મુસાની જગ્યાએ હોત તો શું કર્યું હોત?

૮. યહોવાહે શું સહન કર્યું? ધીરજનાં ફળ કેવાં હતાં અને એ આપણને કઈ રીતે અસર કરે છે?

અનેક સંદેશા આપ્યા પછી મુસાએ ફારૂનને કહ્યું: “હેબ્રીઓનો દેવ યહોવાહ એમ કહે છે, કે મારા લોકોને મારી સેવા કરવા માટે જવા દે.” ઈશ્વરે એમ પણ કહ્યું કે “અત્યાર સુધીમાં મેં મારો હાથ લંબાવીને તારા ઉપર તથા તારી પ્રજા ઉપર મરકીનો માર આણ્યો હોત, તો તું ભૂમિ ઉપરથી નષ્ટ થઈ જાત; પણ નિશ્ચે મેં તને એ માટે નિભાવી રાખ્યો છે કે હું તને મારૂં પરાક્રમ દેખાડું, અને આખી પૃથ્વી ઉપર મારૂં નામ પ્રગટ કરાય.” (નિર્ગમન ૯:૧૩-૧૬) યહોવાહ પછી ફારૂન અને મિસરીઓ પર અનેક મરકીઓ લાવ્યા. શા માટે? જેથી સર્વ જાણે કે તેમની શક્તિનો કોઈ પાર નથી ને તેમની સામે કોઈ જીતી શકતું નથી. એ ચેતવણી શેતાન માટે પણ હતી, જેને પછી ઈસુએ “જગતનો અધિકારી” કહ્યો. (યોહાન ૧૪:૩૦; રૂમી ૯:૧૭-૨૪) ફારૂનને લીધે યહોવાહને ખૂબ સહન કરવું પડ્યું. તોપણ તેમણે પુષ્કળ ધીરજ બતાવી. છેવટે ઈસ્રાએલીઓ ફારૂનના હાથમાંથી મુક્ત થયા. બીજી અનેક જાતિના લોકો પણ તેઓ સાથે જોડાઈને યહોવાહની ભક્તિ કરવા લાગ્યા. (નિર્ગમન ૯:૨૦, ૨૧; ૧૨:૩૭, ૩૮) યહોવાહે વચન આપ્યા મુજબ તેમની ભક્તિ ફેલાતી રહી. લાખો લોકો તેમના ભક્ત બન્યા છે. આજે તેમનું નામ આખી પૃથ્વી પર ફેલાઈ રહ્યું છે!

ઘમંડી લોકોનું સહન કરવું

૯. ઈસ્રાએલીઓ કઈ રીતે યહોવાહનું અપમાન કરતા રહ્યા?

હિબ્રૂ લોકો સાથે વાત કરતી વખતે મુસાએ હંમેશાં યહોવાહ તરફ ધ્યાન દોર્યું. તેઓ યહોવાહનું નામ સારી રીતે જાણતા હતા. તોપણ ઘણી વાર તેઓએ યહોવાહનો ડર રાખ્યો નહિ. દાખલા તરીકે, યહોવાહે ચમત્કાર કરીને તેઓને ફારૂનના હાથમાંથી બચાવી લીધા હતા. તોપણ થોડા વખતમાં તેઓ મુસા સામે કચકચ કરવા લાગ્યા. કેમ? કારણ કે તેઓને તરસ લાગી હતી, પણ ત્યાંનું પાણી બહુ ખારું હતું. થોડો સમય બાદ તેઓ ખોરાક વિષે કજિયા કરવા લાગ્યા. મુસાએ તેઓને સીધેસીધું કહ્યું કે તેઓ તેમની સામે નહિ, પણ ખુદ ઈશ્વર સામે ફરિયાદો કરતા હતા! (નિર્ગમન ૧૫:૨૨-૨૪; ૧૬:૨-૧૨) આ બનાવના થોડા સમય પછી ઈસ્રાએલીઓ સિનાય પર્વત આગળ આવ્યા. ત્યાં યહોવાહે તેમના લોકોને નિયમો આપ્યા. સાથે સાથે તેમણે ગર્જના, વીજળી ને બીજી અનેક બાબતોથી તેમની શક્તિ પણ બતાવી. તોપણ તેઓએ થોડા વખતમાં સોનાની એક મૂર્તિ બનાવી અને કહ્યું કે અમે ‘યહોવાહને સારૂ પર્વ પાળીએ’ છીએ.—નિર્ગમન ૩૨:૧-૯.

૧૦. વડીલોએ શા માટે નિર્ગમન ૩૩:૧૩ પર ખાસ ધ્યાન આપવું જોઈએ?

૧૦ આ લોકો ફારૂન જેવા જ ઘમંડી હતા! તેઓને દોરવા કંઈ નાનું-સૂનું કામ ન હતું. ખુદ યહોવાહે તેઓને હઠીલી પ્રજા કહ્યા. એટલે મુસાએ યહોવાહને વિનંતી કરતા કહ્યું: “તારી દૃષ્ટિમાં હું કૃપા પામ્યો હોઉં, તો કૃપા કરીને મને તારા માર્ગ જણાવજે, કે હું તને ઓળખું, એ માટે કે હું તારી દૃષ્ટિમાં કૃપા પામું.” (નિર્ગમન ૩૩:૧૩) આજે મંડળના ભાઈ-બહેનો ઈસ્રાએલીઓ જેટલા ઘમંડી નથી. તોપણ વડીલોએ મુસાની જેમ યહોવાહને કહેવું જોઈએ: “હે યહોવાહ, તારા માર્ગ મને બતાવ, તારા રસ્તા વિષે મને શીખવ.” (ગીતશાસ્ત્ર ૨૫:૪) બાઇબલમાંથી યહોવાહનો માર્ગ જાણવાથી વડીલો મંડળની સારી દેખરેખ રાખી શકે. આમ, મંડળને લાગશે કે જાણે યહોવાહ તેઓની દેખરેખ રાખે છે.

યહોવાહ તેમના લોક પાસે શું ચાહે છે?

૧૧. યહોવાહે મુસાને શું આપ્યું હતું અને એ કેમ આપણા માટે મહત્ત્વનું છે?

૧૧ યહોવાહે ઈસ્રાએલીઓને દસ આજ્ઞાઓ આપી. પછીથી તેમણે એ આજ્ઞાઓ પથ્થરની બે પાટીઓ પર લખીને મુસાને આપી. મુસા આ પાટીઓ લઈને સિનાઈ પર્વત પરથી ઊતરવા લાગ્યા. પર્વતની નીચે ઈસ્રાએલીઓને મૂર્તિપૂજા કરતા જોઈને તે ગુસ્સાથી લાલચોળ થઈ ગયા. ગુસ્સામાં તેમણે પાટીઓ ફેંકી દીધી. એના ટુકડે-ટુકડા થઈ ગયા. મુસાએ પહેલાં જેવી પાટીઓ બનાવવી પડી અને ફરીથી પર્વત પર ચડવું પડ્યું. ત્યાં યહોવાહે એ જ દસ આજ્ઞાઓ ફરીથી પાટીઓ પર લખીને આપી. (નિર્ગમન ૩૨:૧૯; ૩૪:૧) મુસાને આજ્ઞાઓ આપતી વખતે યહોવાહે સમજાવ્યું કે તે કેવા સ્વભાવના છે, ને તેમના સેવકોનો સ્વભાવ કેવો હોવો જોઈએ. યહોવાહે જે આજ્ઞાઓ આપી એ આપણી ભક્તિ, અરે, આપણા જીવનને અસર કરે છે! ભલે આપણે એ આજ્ઞાઓ હેઠળ પૂરેપૂરી રીતે જીવતા નથી, તોપણ, એમાં ઘણા સિદ્ધાંત રહેલા છે જે આજે આપણને લાગુ પડે છે. એ આપણને મહત્ત્વના પાઠ શીખવે છે. (રૂમી ૬:૧૪; ૧૩:૮-૧૦) ચાલો આપણે અમુક પાઠ તપાસીએ.

૧૨. યહોવાહ કેવી ભક્તિ ચાહતા હતા?

૧૨ યહોવાહને જ ભજો. યહોવાહે સર્વ ઈસ્રાએલીઓ સામે કહ્યું કે તેઓએ ફક્ત તેમને જ ભજવું જોઈએ. (નિર્ગમન ૨૦:૨-૫) તેઓએ પોતાની આંખે જોયું હતું કે યહોવાહ એકલા જ સર્વશક્તિમાન પરમેશ્વર છે. (પુનર્નિયમ ૪:૩૩-૩૫) ઈસ્રાએલીઓની આજુબાજુ, લોકો મૂર્તિપૂજા ને જંતર-મંતર કરતા હતા. પણ યહોવાહે સાફ કહ્યું કે તે પોતાની પ્રજામાં એવું સહન કરશે નહિ. વગર વિચારી ભક્તિ નહિ ચાલે. સર્વએ પૂરા દિલથી, પૂરા મનથી ને પૂરી શક્તિથી તેમની ભક્તિ કરવી જોઈએ. (પુનર્નિયમ ૬:૫, ૬) તેઓના વાણી-વર્તનથી યહોવાહ જોઈ શકતા હતા કે લોકો એમ કરતા હતા કે કેમ. (લેવીય ૨૦:૨૭; ૨૪:૧૫, ૧૬; ૨૬:૧) ઈસુ પૃથ્વી પર હતા ત્યારે તેમણે કહ્યું કે આપણે ફક્ત યહોવાહને જ પૂરા દિલથી ભજવું જોઈએ.—માર્ક ૧૨:૨૮-૩૦; લુક ૪:૮.

૧૩. ઈસ્રાએલીઓએ કેવા સોગંદ ખાધા અને એમાંથી આપણે શું શીખી શકીએ? (સભાશિક્ષક ૧૨:૧૩)

૧૩ યહોવાહની આજ્ઞાઓ પૂરી રીતે પાળો. ઈસ્રા-એલીઓ યહોવાહની પસંદ કરેલી પ્રજા બન્યા ત્યારે તેઓએ સોગંદ ખાધા કે તેમની આજ્ઞાઓ પૂરી રીતે પાળશે. યહોવાહે તેઓને અનેક બાબતોમાં છૂટ આપી હતી. પણ યહોવાહની આજ્ઞાઓ વચ્ચે આવતી ત્યારે તેઓએ શાસ્ત્રમાં જણાવેલા માર્ગદર્શન પ્રમાણે જ ચાલવાનું હતું. તેઓ એ માર્ગદર્શન સ્વીકારીને યહોવાહને બતાવી શકતા કે તેઓની ભક્તિ સાચી છે. વળી એ મુજબ ચાલવાથી તેઓને ખૂબ આશીર્વાદો મળતા. કેમ કે યહોવાહ જે કંઈ કહેતા એ તેઓના ભલા માટે જ હતું.—નિર્ગમન ૧૯:૫-૮; પુનર્નિયમ ૫:૨૭-૩૩; ૧૧:૨૨, ૨૩.

૧૪. યહોવાહે ઈસ્રાએલીઓ માટે કેવી ગોઠવણો કરી અને શા માટે?

૧૪ જીવનમાં ઈશ્વરભક્તિને પ્રથમ રાખો. ઈસ્રા-એલના જમાનામાં યહોવાહે ગોઠવણ કરી હતી કે દર અઠવાડિયે સર્વ લોકો તેમની ખાસ ભક્તિ કરે. એ માટે તેમણે અલગ સમય ઠરાવ્યો હતો. આમ, લોકો કામ કે આળસને લીધે ભક્તિ કરવાનું ભૂલતા નહિ. (નિર્ગમન ૩૫:૧-૩; ગણના ૧૫:૩૨-૩૬) દર વર્ષે તેઓએ અમુક ખાસ તહેવારો ઊજવવાના હતા. (લેવીય ૨૩:૪-૪૪) ત્યારે તેઓ શું કરતા? તેઓ યહોવાહનાં મહાન કામો યાદ કરતા. તેમની ભલાઈના ગુણગાન ગાતા ને તેમના માર્ગો વિષે વધુ શીખતા. લોકોના દિલમાં યહોવાહ માટેનો પ્રેમ જાગતો રહ્યો તેમ, તેઓ ભક્તિમાં વધુ કરતા ને પૂરા દિલથી યહોવાહે બતાવેલા માર્ગમાં ચાલી શક્યા. (પુનર્નિયમ ૧૦:૧૨, ૧૩) યહોવાહની આ ગોઠવણમાંથી આપણે ઘણું શીખી શકીએ.—હેબ્રી ૧૦:૨૪, ૨૫.

યહોવાહના સદ્‍ગુણો વિષે વધુ જાણો

૧૫. (ક) યહોવાહના સદ્‍ગુણો વિષે વિચારવાથી મુસાને કેવો લાભ થયો? (ખ) આપણે કયા પ્રશ્નો પર વિચાર કરવો જોઈએ?

૧૫ મુસાને ઘમંડી લોકોનું સહન કરવું ખૂબ અઘરું લાગ્યું હશે. યહોવાહનો સ્વભાવ, તેમના સદ્‍ગુણો વિષે વિચાર કરવાથી તેમને ઘણી હિંમત મળી હશે. યહોવાહનો સ્વભાવ કેવો છે? નિર્ગમન ૩૪:૫-૭ કહે છે: “યહોવાહ, યહોવાહ, દયાળુ તથા કૃપાળુ દેવ, મંદરોષી, અને અનુગ્રહ તથા સત્યથી ભરપૂર; હજારો પર કૃપા રાખનાર, અન્યાય તથા ઉલ્લંઘન તથા પાપની ક્ષમા કરનાર; અને દોષિતને નિર્દોષ નહિ જ ઠરાવનાર; બાપના અન્યાયને લીધે છોકરાં પર અને છોકરાંનાં છોકરાં પર, ત્રીજીચોથી પેઢી સુધી બદલો વાળનાર.” આ કલમો પર થોડો વિચાર કરો. દરેક ગુણનો શું અર્થ થાય છે? યહોવાહે કઈ રીતે એ સદ્‍ગુણ બતાવ્યા? ખ્રિસ્તી વડીલો કઈ રીતે આ ગુણો બતાવી શકે? આમાંથી આપણને શું શીખવા મળે છે? એ ખાસ કરીને આપણને કઈ રીતે અસર કરે છે? ચાલો આપણે યહોવાહના અમુક સદ્‍ગુણો વિષે વધુ શીખીએ.

૧૬. યહોવાહની દયા વિષે જાણવાથી આપણે શું શીખી શકીએ?

૧૬ બાઇબલ કહે છે કે, “યહોવાહ, દયાળુ તથા કૃપાળુ દેવ” છે. બાઇબલ અહેવાલો બતાવે છે કે યહોવાહ ઘણી વાર પૂરી રીતે સજા ફટકારવાને બદલે દયા બતાવે છે. ઈસ્રાએલીઓ અરણ્યમાં હતા ત્યારે યહોવાહે કઈ રીતે બતાવ્યું કે તે ખૂબ કૃપાળુ છે? તેમણે લોકોની દેખરેખ રાખી. વધુ મહત્ત્વનું તો તે લોકોને તેમના વિષે શીખવતા રહ્યા. (પુનર્નિયમ ૧:૩૦-૩૩; ૮:૪) લોકો ભૂલ કરતા ત્યારે તે તેઓને દયા બતાવતા. યહોવાહે અનેક રીતે બતાવ્યું કે તે દયાળુ છે. તો શું આપણે એકબીજા સાથે દયાથી વર્તવું ન જોઈએ?—માત્થી ૯:૧૩; ૧૮:૨૧-૩૫.

૧૭. યહોવાહની કૃપા વિષે જાણવાથી શું પરિણમશે?

૧૭ શાસ્ત્ર કહે છે કે યહોવાહ “કૃપાળુ” છે. એનો અર્થ શું થાય? હવે એવી કલમો વાંચો જે યહોવાહની કૃપા વિષે વાત કરે છે. બાઇબલ બતાવે છે કે યહોવાહ ખાસ કરીને ગરીબ, અપંગ, વિધવાઓ ને અનાથો તરફ કૃપા બતાવે છે. (નિર્ગમન ૨૨:૨૬, ૨૭) યહોવાહે ઈસ્રાએલીઓને યાદ કરાવ્યું કે તેઓ પણ એક વખત મિસરના હાથ નીચે લાચાર હતા. તેથી તેઓએ લાચાર, કચડાયેલા લોકોને પ્રેમ બતાવવો જોઈએ. તેઓને કૃપા બતાવવી જોઈએ. (પુનર્નિયમ ૨૪:૧૭-૨૨) આજે અનેક દેશોમાં લાચાર લોકો હોય છે. શું આપણે તેઓ સાથે કૃપા અને પ્રેમથી વર્તીએ છીએ? જો આપણે કૃપા બતાવતા રહીએ તો મંડળમાં સંપ ખીલશે ને વધુ લોકો યહોવાહની ભક્તિ કરવા આવશે.—પ્રેરિતોનાં કૃત્યો ૧૦:૩૪, ૩૫; પ્રકટીકરણ ૭:૯, ૧૦.

૧૮. યહોવાહે ઈસ્રાએલીઓને કેવી સલાહ આપી? એમાંથી આપણે શું શીખીએ છીએ?

૧૮ ઈસ્રાએલીઓએ સર્વને પ્રેમ બતાવવાનો હતો. પણ સૌથી મહત્ત્વનું એ હતું કે તેઓ ઈશ્વરને પૂરા દિલથી ચાહે ને તેમના ઊંચા નીતિ-નિયમોને વળગી રહે. એટલે યહોવાહે તેઓને અનેક વાર કહ્યું કે તેઓ બીજા ધર્મના લોકો સાથે કે તેઓના ખોટા રીત-રિવાજોમાં જોડાય નહિ. (નિર્ગમન ૩૪:૧૧-૧૬; પુનર્નિયમ ૭:૧-૪) આ સલાહ આપણને પણ લાગુ પડે છે. યહોવાહ પવિત્ર છે. તેથી આપણે પણ પવિત્ર બનવું જોઈએ.—૧ પીતર ૧:૧૫, ૧૬.

૧૯. વ્યક્તિ ભૂલ કરે ત્યારે યહોવાહ શું કરે છે? એમાંથી આપણે કયો પાઠ શીખીએ છીએ?

૧૯ યહોવાહના માર્ગો વિષે મુસા ઘણું શીખ્યા. તેમને ખબર પડી કે યહોવાહ ખરાબ કામોને ધિક્કારે છે. પણ તરત જ ક્રોધે ભરાઈ જવાને બદલે તે ધીરજ બતાવે છે. તે સર્વને સમય આપે છે જેથી તેઓ તેમના નિયમો પાળતા શીખી શકે. મુસા જોઈ શક્યા કે યહોવાહ પસ્તાવો કરનાર વ્યક્તિઓને માફી દે છે. પણ ગંભીર પાપ માટે સજા ભોગવવી પડે છે. યહોવાહે મુસાને સાવચેત કર્યા કે ઈસ્રાએલીઓના નિર્ણયથી તેઓ સુખી કે દુઃખી બનશે. એના સારાં કે ખરાબ ફળો તેઓના વંશજોને પણ મળવાના હતા. જો લોકો યહોવાહના માર્ગથી ફંટાઈ જાય, તો તેઓએ દુઃખ ભોગવવાનું હતું. પણ એમાં ઈશ્વરનો વાંક ન હતો. યહોવાહને વળગી રહેવાથી તેઓ દુઃખોથી બચી શકતા હતા.

૨૦. આપણે શું કરવાની જરૂર છે અને એનું પરિણામ શું હશે? (ગીતશાસ્ત્ર ૮૬:૧૧)

૨૦ શું તમને યહોવાહના માર્ગો વિષે વધુ જાણવું છે? તો કેમ નહિ કે તમે બાઇબલમાંથી શીખતા રહો ને એના પાઠ પર મનન કરતા રહો. યહોવાહના સદ્‍ગુણો વિષે વધુ તપાસો. વિચાર કરો કે તમે કઈ રીતે યહોવાહ જેવો સ્વભાવ બતાવી શકો. કઈ રીતે તેમની ઇચ્છા મુજબ ચાલી શકો. મદદ માટે પ્રાર્થના કરો. જો તમે આમ કરશો તો અનેક દુઃખોમાંથી બચશો. તેમ જ એકબીજા સાથે પ્રેમથી વર્તશો ને બીજાઓને પણ યહોવાહ વિષે શીખવી શકશો.

તમે શું શીખ્યા?

• મુસાએ શા માટે નમ્ર બનવાની જરૂર હતી ને આપણે કેમ નમ્ર રહેવું જોઈએ?

• વારંવાર ફારૂનને સંદેશો આપવાથી શું ફાયદો થયો?

• મુસા કયા મહત્ત્વના પાઠ શીખ્યા અને આપણે શું શીખી શકીએ?

• આપણે કઈ રીતે યહોવાહના સદ્‍ગુણો વિષે વધારે જાણી શકીએ?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૨૧ પર ચિત્ર]

મુસાએ હિંમતથી યહોવાહનો સંદેશો ફારૂનને આપ્યો

[પાન ૨૩ પર ચિત્ર]

યહોવાહે મુસાને આજ્ઞાઓ આપી

[પાન ૨૪, ૨૫ પર ચિત્ર]

યહોવાહના સદ્‍ગુણો પર મનન કરો