સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વાચકો તરફથી પ્રશ્નો

વાચકો તરફથી પ્રશ્નો

વાચકો તરફથી પ્રશ્નો

દાઊદ અને બાથ-શેબાના પાપનું ફળ બાળકે શા માટે ભોગવવું પડ્યું?

મુસાના નિયમ પ્રમાણે: “જો કોઈ પુરુષ કોઈ પરણેલી સ્ત્રીની સાથે કુકર્મ કરતો માલૂમ પડે, તો તેઓ, એટલે કુકર્મ કરનાર પુરુષ તથા સ્ત્રી, બન્‍ને માર્યાં જાય; એવી રીતે તારે ઈસ્રાએલમાંથી ભૂંડાઈ દૂર કરવી.” (પુનર્નિયમ ૨૨:૨૨) જો યહોવાહે દાઊદ અને બાથશેબાને ન્યાયાધીશના હાથમાં સોંપ્યા હોત તો, તેઓને ચોક્કસ મારી નાખવામાં આવત. કેમ કે, માણસો બીજી વ્યક્તિનું હૃદય વાંચી શકતા નથી. તેથી ન્યાયાધીશોએ તેઓની વર્તણૂક, અથવા તેઓએ જે કર્યું એના આધારે નિર્ણય લીધો હોત. વ્યભિચારની સજા મોત હતી. ઈસ્રાએલી ન્યાયાધીશો આવા પાપની માફી આપી શકતા ન હતા.

બીજી બાજુ જોઈએ તો, ઈશ્વર વ્યક્તિનું હૃદય વાંચી શકે છે. તેથી, સાચો પસ્તાવો કરનારને તે માફી આપે છે. યાદ રાખો કે ઈશ્વરે દાઊદ સાથે રાજ્ય કરાર કર્યો હતો. આથી, દાઊદના કિસ્સામાં તેમણે પોતે ન્યાય કરવાનું પસંદ કર્યું. (૨ શમૂએલ ૭:૧૨-૧૬) ‘આખી પૃથ્વીના ન્યાયાધીશ’ તરીકે તેમને હક્ક છે કે તેમણે શું કરવું અને શું ન કરવું જોઈએ.—ઉત્પત્તિ ૧૮:૨૫.

પરમેશ્વરને દાઊદના દિલમાં શું જોવા મળ્યું? ગીતશાસ્ત્ર ૫૧મા અધ્યાયની ઉપરનું લખાણ બતાવે છે કે ‘દાઊદનું ગીતઃ બાથ-શેબાની પાસે ગયા પછી તેની પાસે નાથાન પ્રબોધક આવ્યો તે વખતનું.’ આ ગીતમાં આપણને દાઊદની લાગણીઓ જોવા મળે છે. ગીતશાસ્ત્ર ૫૧:૧-૪ જણાવે છે: “હે દેવ, તારી કૃપા પ્રમાણે મારા પર દયા કર; તારી પુષ્કળ રહેમ પ્રમાણે મારાં ઉલ્લંઘન ભૂંસી નાખ. મારા અન્યાયથી મને પૂરો ધો, અને મારા પાપથી મને શુદ્ધ કર. કેમકે મારાં ઉલ્લંઘન હું જાણું છું, અને મારું પાપ નિત્ય મારી આગળ છે. તારી, હા, તારી જ વિરુદ્ધ મેં પાપ કર્યું છે, અને જે તારી દૃષ્ટિમાં ભૂંડું છે તે મેં કર્યું છે.” આમ, દાઊદે પોતાની ભૂલ સ્વીકારીને પસ્તાવો કર્યો. યહોવાહ પરમેશ્વરે એ સાચો પસ્તાવો જોયો. એના આધારે દાઊદ પર દયા બતાવીને તેમના પાપ માફ કર્યા. વળી, દાઊદ પોતે પણ દયાળુ હતા. બાઇબલ જણાવે છે કે યહોવાહ દયાળુ લોકો પ્રત્યે દયા બતાવે છે. (૧ શમૂએલ ૨૪:૪-૭; માત્થી ૫:૭; યાકૂબ ૨:૧૩) દાઊદે પોતાની ભૂલ સ્વીકારી ત્યારે યહોવાહના પ્રબોધક નાથાને કહ્યું: “યહોવાએ પણ તારું પાપ દૂર કર્યું છે; તું મરીશ નહિ.”—૨ શમૂએલ ૧૨:૧૩.

જોકે, દાઊદ અને બાથ-શેબાના પાપ માફ થયા પણ, તેઓએ પોતાના પાપનું પરિણામ ભોગવવું પડ્યું. નાથાને દાઊદને કહ્યું: “તેં યહોવાના શત્રુઓને તેની નિંદા કરવાનો મોટો પ્રસંગ આપ્યો છે, માટે જે દીકરો તારે ત્યાં અવતર્યો છે તે નક્કી મરી જશે.” તેથી દાઊદે સાત દિવસ સુધી ખાધા-પીધા વિના પરમેશ્વરને આજીજી કરી. તેમ છતાં, તેમનું બાળક બીમારીમાં મરણ પામ્યું.—૨ શમૂએલ ૧૨:૧૪-૧૮.

પુનર્નિયમ ૨૪:૧૬ કહે છે કે “બાપોને લીધે છોકરાં માર્યાં ન જાય.” તો પછી દાઊદના પુત્રનું મરણ શા માટે થયું? એ સમજવું ઘણા લોકોને મુશ્કેલ લાગે છે. પરંતુ, યાદ કરો કે જો ન્યાયાધીશોએ આ કેસ હાથ ધર્યો હોત તો, શું થયું હોત? ચોક્કસ, નિયમ પ્રમાણે તેઓને મારી નાખવામાં આવ્યા હોત. એ વખતે માના પેટમાં રહેલા બાળકનું પણ મોત થયું હોત. દાઊદ પોતાના બાળકના મરણમાંથી શું સમજી શક્યા? તે જોઈ શક્યા કે બાથ-શેબા સાથે કરેલા પાપથી યહોવાહ કેટલા નારાજ થયા. આપણે પૂરી ખાતરી રાખી શકીએ છીએ કે, યહોવાહ બાબતોને ન્યાયપૂર્વક હાથ ધરે છે. કેમ કે, તેમના ‘માર્ગો સંપૂર્ણ છે.’—૨ શમૂએલ ૨૨:૩૧.

[પાન ૩૧ પર ચિત્ર]

દાઊદે સાચો પસ્તાવો બતાવ્યો