શું સરકાર ગરીબી દૂર કરી શકશે?
શું સરકાર ગરીબી દૂર કરી શકશે?
લાખો લોકો એવા હશે કે જેઓને ગરીબી એટલે શું એ પણ ખબર નહિ હોય. તેઓ ક્યારેય ભૂખ્યા ઊંઘ્યા નહિ હોય. તેઓએ ક્યારેય ખુલ્લા આકાશ નીચે સૂઈને કકડતી ઠંડીનો અનુભવ કર્યો નહિ હોય. તોપણ, તેઓને બીજાઓની ગરીબી જોઈને બહુ દુઃખ થાય છે. તેઓ ગરીબોને મદદ કરવા પોતાનાથી બનતું બધું જ કરવા તૈયાર હોય છે.
પણ દુઃખની વાત છે કે અંદરોઅંદર લડાઈઓ થાય અથવા દુકાળ પડે ત્યારે લોકો ગરીબીનો ભોગ બને છે. પૂર આવવાથી કે બીજી આફતોને લીધે પણ લોકો ગરીબીમાં આવી પડે છે. દાખલા તરીકે, આફ્રિકામાં ખેડૂતોની હાલત બહુ ખરાબ છે. તેથી, અમુક લોકો પોતાના ઘરબાર અને ખેતરો છોડીને બીજા દેશમાં રહેવા ગયા છે. ઘણા લોકો બીજા દેશમાં જઈને રેફ્યુજી બનીને રહે છે. તેમ જ, ગામડાંમાં રહેતા કેટલાક લોકો પૈસા કમાવવા માટે મોટા શહેરોમાં જાય છે.
પરંતુ, લોકો પોતાની ગરીબી દૂર કરવા દોડી જાય છે એવા શહેરોમાં પણ ગરીબી જ હોય છે. શહેરોમાં જગ્યા જ નથી કે શાકભાજી કે પાક ઉગાડી શકે. એમાંય નોકરી મેળવવી તો, લોઢાના ચણા ચાવવા જેટલું અઘરું છે. આવા કારણોના લીધે અમુક લોકો ગુનાની દુનિયામાં ધકેલાય જાય છે. લોકો મદદ માટે સરકાર તરફ મીટ માંડે છે. પરંતુ, સરકાર ગરીબી દૂર કરી શકી નથી. નવેમ્બર ૨૦૦૩ના લંડનના ધ ઈન્ડિપેન્ડન્ટ રિપૉર્ટે જણાવ્યું: ‘આખી દુનિયામાં ભૂખમરો વધી રહ્યો છે. દુનિયામાં લગભગ ૮૪.૨ કરોડ લોકો ભૂખ્યા પેટે સૂઈ જાય છે. એમાં દર વર્ષે લગભગ ૫૦ લાખ લોકો વધતા જાય છે.’
દક્ષિણ આફ્રિકાની યહોવાહના સાક્ષીઓની બ્રાંચ ઑફિસમાં ઘણી વાર ગરીબીને લીધે પત્રો આવે છે. દાખલા તરીકે, બલૂફાનટોઈન શહેરની એક વ્યક્તિએ લખ્યું: “મારી પાસે નોકરી નથી. અને લાગતું નથી કે મને ક્યારેય મળશે. તેથી હું તક મળે ત્યારે ચોરી કરું છું. જો હું ચોરી ન કરું તો, અમારે ભૂખ્યા રહેવાના અને રસ્તા પર સૂવાના દિવસો આવી પડે. મારી જેમ ઘણા લોકો નોકરી અને કંઈક ખાવાનું મેળવવા રસ્તાઓ પર ફરતા હોય છે. ઘણા લોકો તો, કચરામાંથી પણ ખાવાનું શોધતા હોય છે. અરે, અમુક લોકો આપઘાત કરે છે. આ બધું જોઈને મારી જેમ ઘણા લોકો બહુ દુઃખી અને નિરાશ થઈ ગયા છે. અમને લાગતું નથી કે અમે ક્યારેય સુખી થઈશું. ભગવાને આપણને એવી રીતે બનાવ્યા છે કે આપણને ભૂખ લાગે છે અને કપડાંની જરૂર પડે છે. પણ ઘણી વાર વિચાર આવે છે કે શું ભગવાન આ બધું જુએ છે કે નહિ!”
આ માણસના સવાલોના જવાબો જાણીને તમને દિલાસો મળશે. પણ જવાબ ક્યાં છે? હવે પછીના લેખમાં બાઇબલ એના જવાબ આપે છે.