સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પ્રમાણિક રહેવાથી યહોવાહનું નામ રોશન થાય છે

પ્રમાણિક રહેવાથી યહોવાહનું નામ રોશન થાય છે

રાજ્ય પ્રચારકોનો અહેવાલ

પ્રમાણિક રહેવાથી યહોવાહનું નામ રોશન થાય છે

આખી દુનિયામાં યહોવાહના સાક્ષીઓ પ્રમાણિકતા માટે જાણીતા છે. મોટેરાંઓ જ નહિ બાળકો અને યુવાનો પણ પ્રમાણિકતા જાળવે છે. ચાલો આપણે જુદા જુદા દેશના ત્રણ દાખલા જોઈએ.

નાઇજીરિયામાં સત્તર વર્ષની ઓયુસોલા રહે છે. એક વાર તે સ્કૂલેથી ઘરે જતી હતી. તેને સ્કૂલના મેદાનમાંથી એક પર્સ મળ્યું. એ પર્સ તેણે પ્રિન્સિપાલને આપ્યું. એ પર્સમાં કંઈક ૨,૦૦૦ રૂપિયા હતા. પ્રિન્સિપાલે જે ટીચરનું પર્સ ખોવાયું હતું તેમને આપ્યું. ટીચરે ઓયુસોલાની કદર કરી ને લગભગ ૩૦૦ રૂપિયા આપ્યા. તેમણે તેને એમાંથી સ્કૂલની ફી ભરવાનું કહ્યું. ઓયુસોલાએ પર્સ પાછુ આપ્યું એ જાણીને બીજા વિદ્યાર્થીઓ તેની ઠેકડી ઉડાવવા લાગ્યા. થોડાક અઠવાડિયા પછી, એક વિદ્યાર્થીના પૈસા ચોરાઇ ગયા. તેથી, બધા ટીચરને વિદ્યાર્થીઓની તપાસ કરવાનું જણાવવામાં આવ્યું. ટીચરે ઓયુસોલાને કહ્યું, “તારી તપાસ કરવાની જરૂર નથી. કેમ કે, તું યહોવાહની એક સાક્ષી છે. મને પૂરી ખાતરી છે તું ક્યારેય ચોરી નહિ કરે.” જેઓ ઓયુસોલાની ઠેકડી ઉડાડતા હતા એમાંના બે છોકરાઓ પાસેથી પૈસા મળ્યા. તેઓને એની સખત શિક્ષા કરવામાં આવી. ઓયુસોલાએ લખ્યું: “હું યહોવાહની એક સાક્ષી છું એનો મને ગર્વ છે. યહોવાહના સાક્ષીઓ ક્યારેય ચોરી કરતા નથી. એનાથી, યહોવાહનું નામ રોશન થાય છે.”

માર્સેલભાઈ આર્જેન્ટિનામાં રહે છે. એકવાર ઘરેથી નીકળતા તેમણે પોતાના ઘરના પાછળના દરવાજેથી થોડે દૂર એક બ્રિફકેસ જોઈ. તે અને તેમની પત્ની એ બ્રિફકેસ ઘરમાં લઈ ગયા. કંઈ પડી ન જાય એ રીતે તેમણે એ બેગ ખોલી. બ્રિફકેસ ખોલતાં જ તેઓની પોતાની આંખો પહોળી થઈ ગઈ. શા માટે? કેમ કે, એમાં ઘણા રૂપિયા, ક્રેડિટ કાર્ડ્‌સ અને સહી કરેલા ચેક હતા. એમાંનો એક ચેક તો લગભગ ૧,૩૫,૦૦૦ રૂપિયાનો હતો. એ બ્રિફકેસમાં તેઓને એના માલિકનો નંબર મળ્યો. તેઓએ તેમને તરત જ ફોન કર્યો. માર્સેલભાઈના કામના સ્થળેથી બ્રિફકેસ લઈ જવાની ગોઠવણ કરવામાં આવી. એ બ્રિફકેસનો માલિક આવ્યો ત્યારે તે બહુ ચિંતિત હતો. પરંતુ, માર્સેલભાઈના શેઠે તેમને ટાઢક આપતા કહ્યું, ‘ચિંતા ન કરો. કેમ કે, માર્સેલ યહોવાહનો એક સાક્ષી છે.’ બ્રિફકેસનો માલિક બૅગમાંની પોતાની વસ્તુઓ પાછી મેળવીને ખુશ ખુશ થઈ ગયો. તેણે ઇનામમાં માર્સેલને લગભગ ૩૦૦ રૂપિયા આપ્યા. આટલું ઈનામ જોઈને માર્સેલભાઈના શેઠને બહુ ગુસ્સો આવ્યો. કેમ કે તેને માર્સેલની પ્રમાણિકતા જોઈને લાગ્યું કે વધારે ઈનામ મળવું જોઈએ. માર્સેલભાઈએ તક ઝડપી લઈને બતાવ્યું કે યહોવાહના સાક્ષી તરીકે તે હર વખતે પ્રમાણિક રહેવા ચાહે છે.

હવે કઝાખસ્તાનના એક અનુભવનો વિચાર કરો. એક વાર છ વર્ષના રીન્ટને પાડોશીનું પર્સ મળ્યું. એ પર્સમાં લગભગ ૧,૧૨૫ રૂપિયા હતા. રીન્ટે એ પર્સ તે સ્ત્રીને પાછું આપ્યું. તે સ્ત્રીએ પૈસા ગણ્યા તો એમાં લગભગ ૨૨૫ રૂપિયા ઓછા હતા. તેણે રીન્ટની મમ્મીને એની ફરિયાદ કરી. રીન્ટે કહ્યું કે તેણે પૈસા નથી લીધા. પછી બધા ખોવાયેલા રૂપિયાની શોધમાં નીકળ્યા. રીન્ટને પર્સ મળ્યું હતું એ જ જગ્યાએથી તેઓને એ રૂપિયા મળ્યા. પેલી સ્ત્રીને તો બહુ આશ્ચર્ય થયું. તેણે રીન્ટનો ઘણો આભાર માન્યો. રીન્ટની મમ્મીનો પણ આભાર માનતા કહ્યું, ‘તમે તમારા દીકરાને બહુ સારા સંસ્કાર આપ્યા છે.’