સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાહ પર શ્રદ્ધા રાખો, તે તમારું રક્ષણ કરશે

યહોવાહ પર શ્રદ્ધા રાખો, તે તમારું રક્ષણ કરશે

યહોવાહ પર શ્રદ્ધા રાખો, તે તમારું રક્ષણ કરશે

‘હે યહોવાહ, તારી કૃપા તથા સત્યતા નિરંતર મારૂં રક્ષણ કરો.’—ગીતશાસ્ત્ર ૪૦:૧૧.

૧. દાઊદે યહોવાહને કેવી વિનંતી કરી? યહોવાહે તેમને કેવો આશીર્વાદ આપ્યો છે?

 ઈસ્રાએલના રાજા દાઊદને ખબર હતી કે યહોવાહ પોતાના ભક્તોનું હંમેશાં ધ્યાન રાખે છે. એટલે જ દાઊદે રક્ષણ માટે પ્રાર્થના કરી. દાઊદે પોતાના અનુભવ પરથી કહ્યું કે “મેં ધીરજથી યહોવાહની વાટ જોઈ; અને તેણે કાન દઈને મારી અરજ સાંભળી.” (ગીતશાસ્ત્ર ૪૦:૧, ૧૧) દાઊદે હંમેશાં યહોવાહ પર શ્રદ્ધા રાખી. યહોવાહ પણ કદીયે તેમને ભૂલશે નહિ. દાઊદનું નામ યહોવાહના ‘યાદીના પુસ્તકમાં’ લખાઈ ગયું છે. (માલાખી ૩:૧૬) બીજા ઈશ્વરભક્તોની સાથે દાઊદને પણ, યહોવાહ સજીવન કરશે. પછી દાઊદ સદાને માટે જીવશે ને યહોવાહની ભક્તિ કરશે.—હેબ્રી ૧૧:૩૨-૩૫.

૨. યહોવાહ કઈ રીતે પોતાના ભક્તોનું રક્ષણ કરે છે?

હેબ્રી પુસ્તકનો ૧૧મો અધ્યાય અનેક ઈશ્વર ભક્તો વિષે જણાવે છે. તેઓએ અનેક સતાવણીઓ સહેવી પડી. એવા સમયે યહોવાહે તેઓનું કઈ રીતે રક્ષણ કર્યું? યહોવાહે પોતાના ભક્તોને એવી મદદ કરી, જેથી તેઓની શ્રદ્ધાનો દીવો હોલવાઈ ન જાય. ભલે ગમે તેવા જોખમો આવ્યા, તોપણ તેઓ જાણે ઈશ્વરના દિલમાં સલામત હતા. તેઓના જીવનમાં આ સાચું પડ્યું કે “જે કોઈ પોતાના જીવ પર પ્રીતિ રાખે છે, તે તેને ખુએ છે; અને જે આ જગતમાં પોતાના જીવ પર દ્વેષ કરે છે, તે અનંતજીવનને સારૂ તેને બચાવી રાખશે.”—યોહાન ૧૨:૨૫.

૩. યહોવાહે કઈ રીતે ઈસુનું રક્ષણ કર્યું હતું?

હવે ઈસુનો વિચાર કરો. દુશ્મનોએ તેમને રિબાવી રિબાવીને મારી નાખ્યા. કદાચ એમ થાય કે કેમ યહોવાહે ઈસુની રક્ષા ન કરી? (યશાયાહ ૪૨:૧-૬) યહોવાહે જેમ દાઊદનું રક્ષણ કર્યું, તેમ ઈસુનું પણ રક્ષણ કર્યું. એટલે જ છેલ્લા શ્વાસ સુધી કોઈ ઈસુની શ્રદ્ધા તોડી ન શક્યું. (માત્થી ૨૬:૩૯) એના ત્રણ દિવસ પછી ઈશ્વરે તેમને ફરી જીવતા કર્યા. આખરે, ઈસુને સ્વર્ગમાં અમર જીવનનો આશીર્વાદ મળ્યો. ચાલો આપણે ઈસુની એ કુરબાનીમાં શ્રદ્ધા રાખીએ. પછી, આપણને પણ સદા માટે જીવવાના આશીર્વાદ મળી શકે છે.

૪. સ્વર્ગમાં જનારા અને પૃથ્વી પર જીવનની આશા રાખનારાને કેવી ખાતરી છે?

યહોવાહે દાઊદ અને ઈસુનું રક્ષણ કર્યું. એ જ રીતે તે આપણું પણ રક્ષણ કરે છે. (યાકૂબ ૧:૧૭) આપણે શા માટે એમ કહીએ છીએ? ઈસુ સાથે સ્વર્ગમાં રાજ કરનારા ભાઈ-બહેનોને યહોવાહ જણાવે છે કે ‘અવિનાશી, નિર્મળ તથા કરમાઈ ન જનારું વતન તમારે સારૂ આકાશમાં રાખી મૂકેલું છે, અને જે તારણ છેલ્લા કાળમાં પ્રગટ થવાની તૈયારીમાં છે તે તમને મળશે ત્યાં સુધી દેવના સામર્થ્ય વડે વિશ્વાસથી તમને સંભાળી રાખવામાં આવે છે.’ (૧ પીતર ૧:૪, ૫) જે ભક્તોને પૃથ્વી પર સદા માટેના જીવનની આશા છે, તેઓને શાસ્ત્ર કહે છે કે “હે યહોવાહના સર્વ ભક્તો, તેના પર પ્રીતિ રાખો; યહોવાહ વિશ્વાસુઓનું રક્ષણ કરે છે.”—યોહાન ૧૦:૧૬; ગીતશાસ્ત્ર ૩૧:૨૩.

યહોવાહ પરની શ્રદ્ધા રક્ષણ કરે છે

૫, ૬. (ક) આજે યહોવાહ પોતાના ભક્તો માટે શું કરે છે? (ખ) સ્વર્ગમાં જનારાઓ કઈ આશા રાખે છે, ને પૃથ્વી પર જીવનારાઓને આશા કઈ છે?

યહોવાહના ભક્તો આજે પણ ઘણા દુઃખો સહન કરે છે. તકલીફો વેઠે છે. છતાં પણ, યહોવાહ તેઓનું રક્ષણ કરે છે. આપણે દરેક એ રક્ષણ કઈ રીતે મેળવી શકીએ? યહોવાહ પર દિલોજાનથી શ્રદ્ધા રાખો. ઈસુના બલિદાનમાં પૂરી શ્રદ્ધા રાખો. ઈશ્વરે અમુક ભક્તોને સ્વર્ગમાં ઈસુ સાથે રાજ કરવા પસંદ કર્યા છે. તેઓ ઈશ્વરના દીકરા બને છે. એટલે તેઓ હવે કહી શકે કે ‘ઈશ્વરે અંધકારના અધિકારમાંથી આપણને છોડાવ્યા અને પોતાના પ્રિય પુત્રના રાજ્યમાં લઈ આવ્યા. તેનામાં આપણને ઉદ્ધાર, એટલે પાપોની માફી છે.’—કોલોસી ૧:૧૩, ૧૪.

બીજા લાખો ભક્તો પૃથ્વી પર સદા માટે જીવશે. ઈસુની કુરબાનીથી તેઓને પણ ઘણા આશીર્વાદો મળશે. બાઇબલ કહે છે ઈસુ “સેવા કરાવવાને નહિ, પણ સેવા કરવાને, ને ઘણાંની ખંડણીને સારૂ પોતાનો જીવ આપવાને આવ્યો છે.” (માર્ક ૧૦:૪૫) આપણે એવા સમયની રાહ જોઈએ છીએ જ્યારે આપણે ‘દેવનાં છોકરાંના મહિમાની સાથે રહેલી મુક્તિ’ પામીશું. (રૂમી ૮:૨૧) એ દિવસ આવે ત્યાં સુધી ચાલો આપણે યહોવાહના રક્ષણની છાયામાં ચાલતા રહીએ.

૭. યહોવાહ આપણને બીજી કેવી મદદ આપે છે?

બીજી કેવી રીતે યહોવાહ આપણને મદદ કરે છે? તે આપણને બાઇબલ દ્વારા સનાતન સત્ય શીખવે છે. યહોવાહના આશીર્વાદથી એની સમજણ મળે છે. “વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર” આપણને શિક્ષણ આપે છે. તેમનું સંગઠન આપણને માર્ગદર્શન આપે છે. જરૂર હોય ત્યારે તેઓ રોટી, કપડાં ને મકાન પણ પૂરાં પાડે છે. આ ચાકરને લીધે જગત ફરતે સર્વ નાત-જાતના ભક્તોમાં સાચો પ્રેમ છે. ખરો સંપ છે.—માત્થી ૨૪:૪૫.

૮. યહોવાહને આપણા પર કેવો ભરોસો છે? આપણે શું યાદ રાખવું જોઈએ?

ઈસુ પૃથ્વી પર હતા ત્યારે, યહોવાહે કોઈ ચમત્કાર કરીને તેમની તકલીફો લઈ લીધી ન હતી. યહોવાહ આપણા દુઃખ-તકલીફો પણ લઈ લેતા નથી. શું એનો એવો અર્થ થાય કે આપણા પર યહોવાહનો આશીર્વાદ નથી? ના, એવું નથી. પણ યહોવાહને પૂરો ભરોસો છે કે ભલે આપણા પર દુઃખના ડુંગરો તૂટી પડે, આપણે તેમનો સાથ છોડીશું નહિ! (અયૂબ ૧:૮-૧૨; નીતિવચનો ૨૭:૧૧) કદી ન ભૂલો કે “યહોવાહ ન્યાયને ચાહે છે, તે પોતાના ભક્તોને તજી દેતો નથી; તે તેઓનું સદા રક્ષણ કરે છે.”—ગીતશાસ્ત્ર ૩૭:૨૮.

ઈશ્વરની કૃપા રક્ષણ કરે છે

૯, ૧૦. (ક) યહોવાહ બીજી કઈ રીતે આપણું રક્ષણ કરે છે? (ખ) યહોવાહ કઈ રીતે આપણા પર કૃપા બતાવે છે?

દાઊદે વિનંતી કરી હતી કે યહોવાહ કૃપાથી ને સત્યતાથી તેમનું રક્ષણ કરે. તે આપણા માલિક છે. તેથી, તે આપણને માર્ગદર્શન આપે છે. તેમના બતાવેલા માર્ગે ચાલવાથી આપણું ઘણી રીતે રક્ષણ થશે. જેમ કે, દારૂની લત, ડ્રગ્સ, વ્યભિચાર, મારામારી, ગુના આ બધાથી આપણે બચી શકીશું. તોપણ, દાઊદની જેમ આપણે કોઈ ભૂલ કરી બેસીએ તો શું? આપણે ખરો પસ્તાવો કરીએ. પછી, દાઊદની જેમ આપણે અનુભવ કરીશું કે યહોવાહ દુઃખના સમયે ‘સંતાવાની જગા છે. તે સંકટમાંથી ઉગારશે.’—ગીતશાસ્ત્ર ૩૨:૭.

૧૦ બીજી કઈ રીતે યહોવાહની કૃપા આપણા પર રહે છે? જ્યાં જોખમ હોય, ત્યાં યહોવાહ આપણને ચેતવણી આપે છે: “જગત પર અથવા જગતમાંનાં વાનાં પર પ્રેમ ન રાખો, જો કોઈ જગત પર પ્રેમ રાખે તો તેનામાં પિતા પરનો પ્રેમ નથી. કેમકે જગતમાં જે સર્વ છે, એટલે દૈહિક વાસના તથા આંખોની લાલસા તથા જીવનનો અહંકાર તે પિતાથી નથી, પણ જગતથી છે.” યહોવાહનું કહેવું માનવાથી આપણને સદા માટે રક્ષણ મળે છે. કેમ કે બાઇબલ કહે છે, “જગત તથા તેની લાલસા જતાં રહે છે; પણ જે દેવની ઇચ્છા પૂર્ણ કરે છે તે સદા રહે છે.”—૧ યોહાન ૨:૧૫-૧૭.

સારા નિર્ણયો લો

૧૧, ૧૨. બાઇબલનું શિક્ષણ કઈ રીતે આપણું રક્ષણ કરશે?

૧૧ બાઇબલ જણાવે છે કે “વિવેકબુદ્ધિ તારા પર ચોકી કરશે. બુદ્ધિ તારૂં રક્ષણ કરશે.” પછી કહ્યું: ‘જ્ઞાન મેળવ, તેને તું ન તજ, એટલે તે તારૂં રક્ષણ કરશે; તેના પર પ્રીતિ કર, ને તે તને સંભાળશે.’—નીતિવચનો ૨:૧૧; ૪:૫, ૬.

૧૨ આપણે બાઇબલમાંથી શીખીએ. વિચારીએ. પછી, આપણે સારા નિર્ણયો લઈ શકીશું. આ જરૂરી છે, કેમ કે શેતાને આપણી આગળ ઘણી લાલચો મૂકી છે. જેમ કે, માલ-મિલકત. સમાજમાં ઊંચી પદવી. જો આપણે શેતાનની લાલચોમાં ફસાઈ જઈએ, તો એનાથી પરિવારમાં તકલીફો ઊભી થશે. આપણે મિત્રો ગુમાવીશું. આપણી શ્રદ્ધાનો દીવો ઓલવાઈ જશે. ઈસુએ કહ્યું, “જો માણસ આખું જગત મેળવે, ને પોતાના જીવની હાનિ પામે, તો તેને શો લાભ થાય?” (માર્ક ૮:૩૬) યહોવાહ ચાહે છે કે આપણે જિંદગીભર તેમની ભક્તિ કરતા રહીએ. એટલે જ ઈસુએ કહ્યું કે “તમે પહેલાં તેના રાજ્યને તથા તેના ન્યાયીપણાને શોધો, એટલે એ બધાં વાનાં પણ તમને અપાશે.”—માત્થી ૬:૩૩.

સ્વાર્થી ન બનો

૧૩, ૧૪. શા માટે આપણે સ્વાર્થી ન બનીએ?

૧૩ બાઇબલ જણાવે છે કે “છેલ્લા સમયમાં” માણસો સ્વાર્થી અને બડાઈ મારનારા હશે. (૨ તીમોથી ૩:૧, ૨) આજે મોટા ભાગે લોકો સ્વાર્થના સગા હોય છે. આપણે પણ તેઓના રંગે રંગાઈ જઈ શકીએ છીએ. તેથી, ધ્યાન રાખો! સ્વાર્થી ન બનો. પછી જ યહોવાહના આશીર્વાદ મેળવશો.

૧૪ બાઇબલ કહે છે કે બીજાનો પહેલો વિચાર કરો. (લુક ૧૦:૨૭; ફિલિપી ૨:૪) પણ કદાચ એવું લાગે કે આપણા જમાનામાં એ કામનું નહિ. શું એ ખરું છે? ના. બાઇબલની આ સલાહ પાળીને આજે પણ મિત્રો, પરિવાર હળી-મળીને રહી શકે છે. એનાથી લગ્‍ન-જીવન સુખી બને છે. ઘરમાં સુખનો સૂરજ ઊગે છે. ચાલો આપણે સ્વાર્થના દાસ નહિ, પણ યહોવાહના દાસ બનીએ.

૧૫, ૧૬. (ક) અભિમાની બનવાથી શું થઈ શકે? કોનું ઉદાહરણ એની સાબિતી આપે છે? (ખ) વ્યક્તિ બીજાઓનો ન્યાય કરે ત્યારે શું થાય છે?

૧૫ કોઈ વાર આપણે વિચારીએ પણ ખરા કે ‘હું કંઈક છું. હું જ સાચો, બીજા બધા ખોટા.’ ઈસુના જમાનામાં યહુદી ગુરુઓ એવા જ હતા. આ ઢોંગી ગુરુઓ પોતાની મોટી મોટી ભૂલો સંતાડીને, ઈસુની ભૂલો શોધતા. ઈસુના શિષ્યોની ભૂલો શોધતા. આખરે, યહોવાહે તેઓનો પણ હિસાબ લીધો! તેથી, બાઇબલ આ સલાહ આપે છે, “હે બીજાઓનો ન્યાય કરનાર માણસ, તું ગમે તે હોય, તું બ્હાનું કાઢી શકશે નહિ; કેમકે જે બાબત વિષે તું બીજાનો ન્યાય કરે છે, તેમાં તું પોતાને અપરાધી ઠરાવે છે; કેમકે તું ન્યાય કરનાર પોતે પણ તેજ કામો કરે છે.”—રૂમી ૨:૧; ૧૪:૪, ૧૦.

૧૬ યહુદા ઈસકારીઓત ઈસુનો શિષ્ય હતો. પણ તે ખોટે રસ્તે ચડી ગયો હતો. એક વાર ઈસુ અને તેમના શિષ્યો બેથાનીઆમાં હતા. તેઓને સીમોનના ઘરે જમવા બોલાવ્યા હતા. લાજરસની બહેન મરિયમે, ઈસુના પગ પર મોંઘું તેલ ચોપડ્યું. યહુદા તરત જ ગુસ્સે થઈ ગયો. તેણે કહ્યું: “એ અત્તર ત્રણસો દીનારે વેચીને તે પૈસા ગરીબોને શા માટે આપવામાં આવ્યા નહિ?” શું તે ખરેખર ગરીબોને મદદ કરવા ઈચ્છતો હતો? ના, કેમ કે બાઇબલ કહે છે, “ગરીબોને માટે તેને દાઝ હતી એ કારણથી તેણે આમ કહ્યું નહોતું; પણ તે ચોર હતો, અને થેલી રાખતો હતો, અને તેમાં જે નાખવામાં આવતું તે તે ચોરી લેતો હતો, તે માટે કહ્યું.” (યોહાન ૧૨:૧-૬) આપણે યહુદી ગુરુઓ કે યહુદા ઈસકારીઓત જેવા કદી ન થઈએ. બીજાઓનો ન્યાય ન કરીએ. નહિ તો છેવટે આપણે જ દુઃખી થઈશું!

૧૭. આપણે શા માટે બડાઈ ન મારવી જોઈએ?

૧૭ પ્રથમ સદીના અમુક ખ્રિસ્તીઓ ઘમંડી બની ગયા હતા. તેઓ વિષે યાકૂબે કહ્યું, “હવે તમે તો ગર્વ કરીને બડાઈ કરો છો; એવી સઘળી બડાઈ ખોટી છે.” (યાકૂબ ૪:૧૬) પોતાની જ ‘વાહ વાહ’ કરનારે પોતે જ દુઃખી થવું પડશે. (નીતિવચનો ૧૪:૧૬) પીતરનો વિચાર કરો. ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું કે તેઓ સર્વ ઠોકર ખાશે. પીતરે છાતી ઠોકીને કહ્યું, “જો કે બધા તારા સંબંધી ઠોકર ખાય, તોપણ હું કદી ઠોકર નહિ ખાઈશ. . . . જો કે તારી સાથે મારે મરવું પડે તોપણ હું તારો નકાર નહિ જ કરીશ.” શું પીતરે પોતાનું વચન પાળ્યું? ના. ઈસુને પકડવામાં આવ્યા ત્યારે બધા શિષ્યો ઈસુને છોડીને જતા રહે છે! તેથી, આપણે કોઈએ બડાઈ મારવી જોઈએ નહિ. આપણે જે કંઈ કરીએ, એ યહોવાહની કૃપા છે. તેમની શક્તિથી જ આપણે કરી શકીએ છીએ.—માત્થી ૨૬:૩૩-૩૫, ૬૯-૭૫.

૧૮. યહોવાહ ઘમંડીઓ વિષે શું કહે છે?

૧૮ યહોવાહ કહે છે કે ‘અભિમાન ને ઉદ્ધતાઇને હું ધિક્કાર કરૂં છું.’ “અભિમાનનું પરિણામ નાશ છે, અને ગર્વિષ્ટ સ્વભાવનું છેવટ પાયમાલી [વિનાશ] છે.” (નીતિવચનો ૮:૧૩; ૧૬:૧૮) આશ્શૂરના રાજાના કિસ્સામાં આ કલમ સાચી પડી. તેના ‘અભિમાનને’ લીધે યહોવાહે તેને પાઠ ભણાવ્યો, જાણે તેનું નાક કાપી નાખ્યું. (યશાયાહ ૧૦:૧૨) યહોવાહ જલદી જ શેતાન ને તેના ચેલાઓને પાઠ ભણાવશે. તે ઘમંડી નેતાઓનો હિસાબ લેશે. જો આપણે અભિમાની બનીશું, તો ઈશ્વર આપણો પણ હિસાબ લેશે!

૧૯. આપણે કઈ બાબતનો ગર્વ લઈ શકીએ, પણ શું યાદ રાખીએ?

૧૯ આપણે યહોવાહના ભક્તો હોવાનો ગર્વ લઈ શકીએ. (યિર્મેયાહ ૯:૨૪) પણ આપણે જાણીએ છીએ કે “સઘળાએ પાપ કર્યું છે, અને દેવના મહિમા વિષે સઘળા અધૂરા રહે છે.” (રૂમી ૩:૨૩) એટલે આપણે ઈશ્વર ભક્ત પાઊલના શબ્દોમાં સૂર મીલાવીએ છીએ કે, “ખ્રિસ્ત ઈસુ પાપીઓને તારવાને સારૂ જગતમાં આવ્યો; એવા પાપીઓમાં હું મુખ્ય છું.”—૧ તીમોથી ૧:૧૫.

૨૦. યહોવાહ હમણાં કેવું રક્ષણ આપે છે ને ભાવિમાં શું કરશે?

૨૦ આપણે સ્વાર્થી ન બનીએ. યહોવાહની દિલોજાનથી ભક્તિ કરીએ. પછી, યહોવાહ આશીર્વાદોના દરવાજા આપણા માટે ખોલી નાખશે. એક તો યહોવાહ આપણી શ્રદ્ધા અડગ રાખવા મદદ કરશે. બીજું કે દુનિયાનો અંત આવશે, એમાંથી આપણને બચાવશે. પછી નવી દુનિયામાં આપણે સર્વ પોકારી ઊઠીશું: “જુઓ, આ આપણો દેવ છે; આપણે તેની વાટ જોતા આવ્યા છીએ, તે આપણને તારશે; આ યહોવાહ છે; આપણે તેની વાટ જોતા આવ્યા છીએ, તેણે કરેલા તારણથી આપણે હરખાઈને આનંદોત્સવ કરીશું.”—યશાયાહ ૨૫:૯.

મુખ્ય વિચારો યાદ છે?

• દાઊદ અને ઈસુનું કેવી રીતે રક્ષણ કરવામાં આવ્યું?

• આપણને કેવું રક્ષણ મળે છે?

• શા માટે બડાઈ ન મારવી જોઈએ?

• આપણે કઈ બાબતનો ગર્વ લઈ શકીએ, પણ શું યાદ રાખીએ?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૯ પર ચિત્ર]

યહોવાહે દાઊદ ને ઈસુનું કેવી રીતે રક્ષણ કર્યું?

[પાન ૧૧ પર ચિત્ર]

યહોવાહ કઈ રીતે આપણું રક્ષણ કરે છે?

[પાન ૧૨ પર ચિત્ર]

યહોવાહના ભક્તો હોવાનું અભિમાન કરો પણ હંમેશા નમ્ર રહો