સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વાચકો તરફથી પ્રશ્નો

વાચકો તરફથી પ્રશ્નો

વાચકો તરફથી પ્રશ્નો

દરવાજે પીતરનો અવાજ સાંભળીને, શિષ્યોએ શા માટે એમ કહ્યું કે, “તેનો દૂત હશે”?—પ્રેરિતોનાં કૃત્યો ૧૨:૧૫.

શિષ્યોએ ભૂલથી એવું વિચાર્યું હશે કે દરવાજે પીતરનો દૂત છે. તેઓએ શા માટે એવું વિચાર્યું હશે? ચાલો એ જોવા પ્રેરિતોનાં કૃત્યો ૧૨:૧૫ની આસપાસની કલમો ધ્યાન પર લઈએ.

યાકૂબને મોતના ખાડામાં ધકેલી દેનાર હેરોદે પીતરને કેદખાનામાં નાખ્યા હતા. તેથી, શિષ્યોને એવું લાગ્યું કે તે પીતરને પણ મારી નાંખશે. પીતરને કેદખાનામાં સાંકળોથી બાંધવામાં આવ્યા હતા. એટલું જ નહિ, બબ્બે સૈનિકો રાતદિવસ તેમની ચોકી કરતા હતા. એક રાતે, દૂતે ચમત્કારિક રીતે પીતરને જેલમાંથી બહાર કાઢ્યા. પીતરને ખબર પડતી ન હતી કે તેમની સાથે શું બની રહ્યું છે. પણ તે ભાનમાં આવ્યા ત્યારે તેમણે કહ્યું: “હવે હું ખચીત જાણું છું કે પ્રભુએ પોતાના દૂતને મોકલીને હેરોદના હાથમાંથી તથા યહુદીઓની સઘળી ધારણાથી મને છોડાવ્યો છે.”—પ્રેરિતોનાં કૃત્યો ૧૨:૧-૧૧.

પીતર તરત જ યોહાનની માતા મરિયમના ઘરે ગયા. ત્યાં ઘણા શિષ્યો ભેગા મળ્યા હતા. તેમણે દરવાજો ખખડાવ્યો ત્યારે, રોદા નામની દાસી દરવાજે જોવા ગઈ. પરંતુ પીતરનો અવાજ સાંભળીને, તે દરવાજો ખોલ્યા વિના જ બીજાઓને કહેવા દોડી ગઈ! શરૂઆતમાં શિષ્યો માની જ ન શક્યા કે પીતર દરવાજે ઊભા છે. આથી, તેઓએ ભૂલથી એમ વિચાર્યું કે, “તેનો [પીતરનો] દૂત હશે.”—પ્રેરિતોનાં કૃત્યો ૧૨:૧૨-૧૫.

શું શિષ્યો એમ માનતા હતા કે પીતર મરી ગયા છે અને તેમનો આત્મા દરવાજો ખખડાવે છે? ના, એવું તો બની જ ન શકે. કેમ કે ઈસુના શિષ્યો જાણતા હતા કે બાઇબલ મૂએલાઓ વિષે શું કહે છે. તેઓ સારી રીતે વાકેફગાર હતા કે મૂએલાઓ “કંઈ જાણતા નથી.” (સભાશિક્ષક ૯:૫, ૧૦) તો પછી, “તેનો દૂત હશે” એમ કહેવાનો શું અર્થ થાય?

ઈસુના શિષ્યોને ખબર હતી કે સ્વર્ગદૂતોએ પરમેશ્વરના લોકોને વ્યક્તિગત મદદ કરી છે. દાખલા તરીકે, યાકૂબે કહ્યું, “દૂતે સર્વ ભૂંડાઈથી મને બચાવ્યો છે.” (ઉત્પત્તિ ૪૮:૧૬) ઈસુએ એક બાળકનો ઉલ્લેખ કરતા પોતાના શિષ્યોને કહ્યું: “સાવધ રહો કે આ નાનાં બાળકોમાંના એકની પણ અવગણના ન થાય. કેમ કે તેઓના દૂતો સ્વર્ગમાં મારા પિતાની સમક્ષ સદા હાજર હોય છે.”—માથ્થી ૧૮:૧૦, IBSI.

યંગ્સ લીટરલ ટ્રાન્સલેશન ઑફ ધ હોલી બાઇબલ ગ્રીક શબ્દ ઓગેલોસનું (“દૂત”) “સંદેશો પહોંચાડનાર” તરીકે ભાષાંતર કરે છે. કેટલાક યહુદીઓ એવું માનતા હતા કે પરમેશ્વરના દરેક સેવકો માટે તેઓની ‘રક્ષા કરનાર એક દૂત’ હોય છે. જોકે, આવું સીધેસીધું બાઇબલમાં ક્યાંય જોવા મળતું નથી. તેથી, શિષ્યોએ કહ્યું કે “તેનો દૂત હશે” ત્યારે, તેઓએ એવું વિચાર્યું હોય શકે કે એક સંદેશ આપનાર દૂત દરવાજે ઊભો હશે.