સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વાત કરવા સમય કાઢો!

વાત કરવા સમય કાઢો!

વાત કરવા સમય કાઢો!

“આજકાલ લોકોને પોતાના મિત્રો કે સગાંવહાલાં સાથે વાત કરવાનો સમય જ નથી. જે થોડી ઘણી વાત કરે છે એમાંય દિવસે દિવસે કાપ મૂકી રહ્યા છે.” આમ પૉલેન્ડનું એક સામયિક પોલીત્યાકા જણાવે છે. અમેરિકામાં એક અંદાજ મુજબ પતિ-પત્ની દરરોજ એકબીજાને પ્યાર જતાવવા કે ઉત્તેજન આપવા ખાલી છએક મિનિટ વાત કરે છે. અમુક નિષ્ણાતોને લાગે છે કે અડધા જેટલા છૂટાછેડા અને સેપરેશન વાતચીતની ખામીને લીધે થાય છે.

માબાપ અને બાળકો વિષે શું? શું તેઓ એકબીજા સાથે વાત કરે છે? એક રિપોર્ટ આમ કહે છે: મોટા ભાગના કિસ્સાઓમાં, ‘માબાપ બાળકોના ખબર-અંતર પૂછવાને બદલે ખાલી પૂછપાછ જ કરતા હોય છે. જેમ કે, “આજે સ્કૂલમાં દિવસ કેવો ગયો? તારા દોસ્તો કેમ છે?” પણ એનાથી બાળકો સાથે માબાપનું લાગણીમય બંધન ગાઢ થતું નથી.’

સારી વાતચીતની કળા જન્મથી જ આવી જતી નથી. એ કેળવવી પડે છે. કોશિશ કરવી પડે છે. કઈ રીતે? ઈશ્વરભક્ત યાકૂબ બાઇબલમાં સરસ સલાહ આપે છે: “દરેક માણસ સાંભળવામાં ચપળ, બોલવામાં ધીમો, તથા ક્રોધમાં ધીરો થાય.” (યાકૂબ ૧:૧૯) આ સલાહ મુજબ, આપણે બીજાઓનું ધ્યાનથી સાંભળવાની જરૂર છે. એનાથી એકબીજાને ઉત્તેજન મળે છે. તેઓની વાત વચ્ચેથી કાપીને એકદમ નિર્ણય પર આવી ન જાવ. વાત કરો ત્યારે સામેની વ્યક્તિને નીચા પાડવાનું ટાળો. નહિ તો ત્યાં જ તમારી વાતચીતનો અંત આવી જશે. વ્યક્તિ દિલ ખોલીને વાત નહિ કરી શકે. વાતચીતમાં તમે એવા પ્રશ્નો પૂછી શકો જે તેમના હૃદયને ઢંઢોળે. ઈસુએ એમ જ કર્યું હતું. તેમણે એવા પ્રશ્નો પૂછ્યા જેનાથી બીજાઓને તેઓના દિલથી વાત બહાર લાવવા મદદ મળી. એનાથી તેઓનું પ્રેમનું બંધન ગાઢ બન્યું.—નીતિવચનો ૨૦:૫; માત્થી ૧૬:૧૩-૧૭; ૧૭:૨૪-૨૭.

બાઇબલની આ સરસ સલાહ તમને પણ મદદ કરી શકે. તો કેમ નહિ એને અમલમાં મૂકો? એ માટે તમારા સગાં કે દોસ્તો સાથે વાત કરવા ખુદ પહેલ કરો. એનાથી તમારો સંબંધ વધારે ગાઢ થશે. એ વરસોવરસ, અરે, જીવનભર ટકી રહેશે.