સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સારું કરતા આપણે થાકીએ નહિ

સારું કરતા આપણે થાકીએ નહિ

સારું કરતા આપણે થાકીએ નહિ

પ્રેરિત પીતરે ઉત્તેજન આપ્યું: “વિદેશી લોકોમાં તમે તમારાં આચરણ સારાં રાખો.” (૧ પીતર ૨:૧૨) સારું આચરણ રાખવું એટલે શું? મૂળ ગ્રીક શબ્દનો અર્થ આમ થાય છે, ‘સુંદર, ઉમદા, આદરણીય, સન્માનનીય.’ પણ આજકાલ શું જોવા મળે છે? મોટા ભાગે લોકો બીજાઓને માન-સન્માન કે આદર આપતા નથી. એની આશા રાખવી પણ નકામી છે. પણ અમુક લોકો એવા છે જેઓ પીતરની સલાહ મુજબ પોતાનું આચરણ સારું રાખે છે. તેઓ યહોવાહના લોકો છે, યહોવાહના સાક્ષીઓ. દુનિયા ફરતે તેઓ ગમે એવા સંજોગોમાં પોતાના સારા વાણી-વર્તન માટે જાણીતા છે.

‘આ છેલ્લા સમયમાં સંકટના વખતોમાં’ સારા વાણી-વર્તન રાખવાં કંઈ જેવી તેવી વાત નથી. જરા વિચારો, એક પછી એક તકલીફો આવતી જ જાય છે, જીવનની ચિંતાઓ પણ ક્યાં ઓછી છે? (૨ તીમોથી ૩:૧) એમાંય યહોવાહની સેવામાં વિરોધ સહેવો સામાન્ય થઈ ગયું છે. કસોટી ને સતાવણી તો આપણા જીવનનો એક ભાગ બની ગયા છે. કોઈ કસોટી નાની હોય તો કોઈ મોટી. અમુક વાર તો વર્ષો સુધી સહેવું પડે છે. પણ હિંમત ન હારો. પ્રેરિત પાઊલની આ સલાહને ધ્યાનમાં લો: “સારું કરતાં આપણે થાકવું નહિ; કેમ કે જો કાયર ન થઈએ, તો યોગ્ય સમયે લણીશું.” (ગલાતી ૬:૯) આપણે કઈ રીતે આ કઠોર દુનિયામાં સારું વર્તન જાળવી રાખી શકીએ? દુશ્મનો ઓછા નથી, અને ખાસ યહોવાહના લોકો તરીકે આપણી મુશ્કેલીઓનો પણ પાર નથી. સારા વાણી-વર્તન જાળવી રાખવા ક્યાંથી મદદ મળી શકે? ચાલો જોઈએ.

સારું કરવામાં મદદ

લોકો આપણને કઈ રીતે ‘આદર અને માન-સન્માન’ આપશે? આપણું બહારનું રૂપ જોઈને નહિ, પણ આપણો સ્વભાવ, આપણા સદ્દગુણો જોઈને માન આપશે. જોકે હરહાલતમાં સારું વર્તન જાળવી રાખવું સહેલું નથી. ગમે એવી તકલીફ કે તંગીમાં પણ આપણે કઈ રીતે સારા વાણી-વર્તન જાળવી રાખી શકીએ? એ માટે ખૂબ જરૂરી છે કે આપણે રોજ બાઇબલ વાંચીએ, એની સલાહ જીવનના હરેક પાસામાં ઉતારીએ. કઈ રીતે બાઇબલમાંથી આપણને મદદ મળશે? ચાલો જોઈએ.

ઈસુ જેવો સ્વભાવ કેળવો. ઘણી વાર અન્યાય જોઈને આપણું લોહી ઊકળી ઊઠે છે. અન્યાય સહેવો જેવા-તેવાનું કામ નથી. એ માટે નમ્રતા જોઈએ. જે કોઈ પોતાને જ વધારે મહત્ત્વ આપતું હોય તે જરા વાર માટે પણ અત્યાચાર કે અપમાન નહિ સહે. પણ ઈસુનો વિચાર કરો. ‘ખ્રિસ્ત ઈસુએ મરણને, હા, વધસ્તંભના મરણને, આધીન થઈને, પોતાને નમ્ર કર્યો.’ (ફિલિપી ૨:૫,) તેમને અનુસરીશું તો, ‘આપણે મનમાં નિર્ગત થઈને’ યહોવાહની સેવામાં ‘થાકી નહિ જઈએ.’ (હેબ્રી ૧૨:૨, ૩) મંડળના વડીલોનો જ વિચાર કરો. તેઓ ઘણી જવાબદારી નિભાવે છે, મંડળની દેખરેખ રાખે છે. આપણે તેઓનું કહ્યું માનીને, પૂરો સહકાર આપીને નમ્રતા કેળવી શકીએ. (હેબ્રી ૧૩:૧૭) ‘નમ્ર ભાવથી બીજાઓને તમારા કરતાં ઉત્તમ ગણતા શીખો.’ માત્ર તમારું જ હિત ન જુઓ. બીજાઓનું પણ હિત જુઓ. તેઓનું ભલું કરવા સદાય તૈયાર રહો.—ફિલિપી ૨:૩, ૪.

યહોવાહ તમને ચાહે છે એ ભૂલો નહિ. આપણને પૂરો વિશ્વાસ હોવો જોઈએ કે યહોવાહ ‘છે, અને જેઓ ખંતથી તેમને શોધે છે તેઓને તે ફળ આપે છે.’ (હેબ્રી ૧૧:૬) તે આપણી બહુ જ સંભાળ રાખે છે. આપણે અનંતજીવન મેળવીએ એવું ચાહે છે. (૧ તીમોથી ૨:૪; ૧ પીતર ૫:૭) આપણે યાદ રાખીએ કે ભલે કંઈ પણ થાય, આપણા માટે યહોવાહનો પ્રેમ જરાય ઓછો નહિ થાય. એનાથી ગમે એવી સતાવણીમાં પણ આપણે યહોવાહને વળગી રહીશું.—રૂમી ૮:૩૮, ૩૯.

યહોવાહમાં પૂરી શ્રદ્ધા મૂકો. આપણને યહોવાહમાં શ્રદ્ધા હોવી જ જોઈએ. ખાસ કરીને ભારે પરીક્ષણ કે સતાવણી દૂર થવાનું નામ ન લે, કે જીવ જોખમમાં હોય ત્યારે એ ખૂબ જરૂરી છે. આપણને યહોવાહમાં પૂરી શ્રદ્ધા હોવી જોઈએ કે ‘આપણી શક્તિ ઉપરાંત પરીક્ષણ તે આપણા પર આવવા નહિ દે.’ અને કોઈ પણ પરીક્ષણ સાથે ‘છૂટકારાનો માર્ગ પણ રાખશે.’ (૧ કોરીંથી ૧૦:૧૩) આપણી શ્રદ્ધા યહોવાહમાં હશે તો, જીવ જોખમમાં આવી પડે ત્યારે પણ હિંમત નહિ હારીએ.—૨ કોરીંથી ૧:૮, ૯.

પ્રાર્થનામાં મંડ્યા રહો. હૃદયપૂર્વક પ્રાર્થના કરવી જરૂરી છે. (રૂમી ૧૨:૧૨) પૂરા દિલથી પ્રાર્થના કરીએ છીએ ત્યારે, આપણે યહોવાહની સમીપ જઈએ છીએ. (યાકૂબ ૪:૮) ઘણાને એવા અનુભવ થયા હશે કે ‘આપણે જે કંઈ માગીએ, તે આપણું સાંભળે છે.’ (૧ યોહાન ૫:૧૪) કોઈ વાર એવું પણ બને કે યહોવાહ આપણી કસોટી કરવા, આપણી સચ્ચાઈને પારખવા કોઈ તકલીફને ચાલવા દે. એવા સમયે આપણે એને સહન કરવા પ્રાર્થના કરવી જોઈએ. (લુક ૨૨:૪૧-૪૩) આપણે પ્રાર્થના કરીએ ત્યારે શું ખાતરી મળે છે? એ જ કે, આપણે એકલા નથી, યહોવાહ આપણી સાથે છે. એ જાણીને આપણે કોઈ પણ પરીક્ષણ કે કસોટીમાં હાર માનતા નથી.—રૂમી ૮:૩૧, ૩૭.

સારાં કામોથી સ્તુતિ અને મહિમા મળે છે

આપણે બધા કોઈને કોઈ વાર અનેક ‘પ્રકારનાં પરીક્ષણોથી દુઃખી થયા હોઈશું.’ કોઈ વાર ખૂબ ટેન્શન કે ચિંતા આવી પડે. તોપણ ‘સારૂં કરતાં આપણે થાકીએ નહિ.’ કોઈ પણ દુઃખ આવી પડે ત્યારે, યાદ રાખો કે, તમારા વિશ્વાસને લીધે ‘તમે બહુ મૂલ્યવાન છો, સ્તુતિ, માન તથા મહિમાને યોગ્ય છો.’ (૧ પીતર ૧:૬, ૭) એ જાણીને આપણને ખૂબ હિંમત ને શક્તિ મળશે. બીજી કઈ રીતે મદદ મળી શકે? યહોવાહે તેમની ભક્તિમાં જે ગોઠવણો કરી છે એનો પૂરો લાભ લો. એનાથી તમારો વિશ્વાસ મજબૂત થશે. તમને હજી વધારે મદદની જરૂર હોય તો, તમારા મંડળના વડીલો પાસે જાવ. તેઓ બનતી બધી મદદ કરશે. (પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૨૮) મંડળની મિટિંગોમાં જવાનું ચૂકશો નહિ. એ તો આપણને ‘પ્રેમ રાખવાને તથા સારાં કામ કરવાને ઉત્તેજન’ આપે છે. (હેબ્રી ૧૦:૨૪) રોજ બાઇબલ વાંચો, એમાંથી રોજ શીખતા રહો, જાતે અભ્યાસ કરતા રહો. નિયમિત પ્રચારમાં જાવ. એનાથી તમે યહોવાહની ભક્તિમાં આળસુ નહિ બનો, પણ વિશ્વાસમાં વધારે મજબૂત થશો.—ગીતશાસ્ત્ર ૧:૧-૩; માત્થી ૨૪:૧૪.

આપણે જોઈ ગયા તેમ, યહોવાહ અનેક રીતે આપણી સંભાળ રાખે છે, પ્યાર કરે છે. આપણે એનો અનુભવ કરીશું તેમ તેમ, ‘સર્વ સારાં કામ કરવાને વધારે તૈયાર’ થઈશું. (તીતસ ૨:૧૪) યાદ રાખો, “અંત સુધી જે કોઈ ટકશે તે જ તારણ પામશે.” (માત્થી ૨૪:૧૩) તો ચાલો, આપણે સારું કરતા કદી થાકીએ નહિ.

[પાન ૨૯ પર બ્લર્બ]

આપણને પૂરી શ્રદ્ધા હોવી જોઈએ કે યહોવાહ ‘આપણી શક્તિ ઉપરાંત પરીક્ષણ આવવા નહિ દે. સહન કરી શકીએ એ માટે ‘છૂટકારાનો માર્ગ પણ રાખશે’

[પાન ૩૦ પર ચિત્ર]

યહોવાહની સેવામાં બધી રીતે વ્યસ્ત રહીએ, એનાથી સતાવણી કે દુઃખ સહેવા આપણે તૈયાર થઈશું