સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

હંમેશ માટેનું જીવન ઈશ્વરની કૃપાથી મળે છે

હંમેશ માટેનું જીવન ઈશ્વરની કૃપાથી મળે છે

હંમેશ માટેનું જીવન ઈશ્વરની કૃપાથી મળે છે

‘તમે કૃપાથી વિશ્વાસ દ્વારા તારણ પામેલા છો; કરણીઓથી નહિ, રખેને કોઈ અભિમાન કરે.’ —એફેસી ૨:૮, ૯.

૧. દુનિયાના લોકો અને આપણા વચ્ચે કેવો ફરક છે ને કેમ?

 મોટા ભાગના લોકો કોઈ કામમાં સફળ થાય કે તરત જાણે હવામાં ઊડવા લાગશે. છાતી ફુલાવીને જાણે અદ્ધર ચાલશે. પણ યહોવાહના ભક્તો એવા ન હોવા જોઈએ. યહોવાહે પોતાના લોકોને આશીર્વાદ આપ્યો છે. એટલે રાત-દિવસ તેઓમાં વધારો થતો જાય છે. આપણે પણ એમાં ભાગ આપ્યો હોય કે કોઈ નાની-મોટી જવાબદારી ઉપાડી હોય. પણ એના લીધે બડાઈ મારવી ન જોઈએ. આપણે યહોવાહની ભક્તિ માટે શું કરીએ, કેટલું કરીએ, એ મહત્ત્વનું નથી. પણ ખરા દિલથી કરીએ છીએ કે કેમ? આપણે મંડળમાં જે કંઈ કરીએ, શું એ જોઈને યહોવાહ હંમેશા માટેનું જીવન આપશે? ના, આપણને તેમના પ્રત્યે કેટલી શ્રદ્ધા છે એ જોશે. યહોવાહની કૃપા વગર આપણે કદી આશીર્વાદો મેળવી શકતા નથી.—લુક ૧૭:૧૦; યોહાન ૩:૧૬.

૨, ૩. પાઊલનો સ્વભાવ કેવો હતો?

ઈશ્વર ભક્ત પાઊલનો વિચાર કરો. તેમને યહોવાહની કૃપાનો સારો અનુભવ હતો. તેમને “દેહમાં કાંટો” એટલે કોઈ બીમારી કે તકલીફ હતી. એનાથી છૂટકારો પામવા, તેમણે ત્રણ વાર ઈશ્વરને વિનંતી કરી. યહોવાહે કહ્યું કે “તારે વાસ્તે મારી કૃપા બસ છે; કેમકે મારૂં સામર્થ્ય નિર્બળતામાં સંપૂર્ણ થાય છે.” પછી પાઊલે કહ્યું, “ખ્રિસ્તનું પરાક્રમ મારા પર આવી રહે, એ સારૂ ઊલટું હું ઘણી ખુશીથી મારી નિર્બળતા વિષે અભિમાન કરીશ.” પાઊલનું વલણ કેવું સરસ હતું! આપણે પણ તેમના જેવા બનીએ.—૨ કોરીંથી ૧૨:૭-૯.

પાઊલની જવાબદારીઓ ઘણી હતી. તેમણે ભાઈબહેનો માટે ખૂબ કર્યું. પણ તેમણે કદી બડાઈ મારી ન હતી. તેમણે તો એમ કહ્યું કે ‘હું વિદેશીઓમાં ખ્રિસ્તની અખૂટ સંપત્તિની સુવાર્તા પ્રગટ કરૂં, એ માટે હું સંતોમાં નાનામાં નાનો છતાં આ કૃપાદાન મને આપવામાં આવેલું છે.’ (એફેસી ૩:૮, ૯) તેમણે કદી એમ ન કહ્યું, ‘જુઓ મારા જેવો આ દુનિયામાં કોઈ નથી!’ બાઇબલ કહે છે: “દેવ ગર્વિષ્ઠોની વિરૂદ્ધ છે, પણ તે નમ્ર માણસો પર કૃપા રાખે છે.” (યાકૂબ ૪:૬; ૧ પીતર ૫:૫) શું આપણે પાઊલને પગલે ચાલીએ છીએ? શું આપણે દિલથી ભાઈબહેનોની સેવા કરીએ છીએ?

‘પોતાના કરતાં બીજાઓને ઉત્તમ ગણો’

૪. નમ્ર રહેવું કેમ મુશ્કેલ છે?

પાઊલે કહ્યું કે ‘પક્ષાપક્ષી કે અભિમાનથી કંઈ ન કરો, દરેકે નમ્ર ભાવથી પોતાના કરતાં બીજાઓને ઉત્તમ ગણવા’ જોઈએ. (ફિલિપી ૨:૩) જવાબદારીઓ વધે તેમ આ સલાહ પાળવી વધારે અઘરી બને છે. કેમ? જન્મથી જ આ દુનિયા આપણને બડાઈ મારવાનું શીખવે છે. ઘરમાં સૌથી ડાહ્યા અને હોશિયાર બાળકનું રાજ ચાલે છે. સ્કૂલની પરીક્ષામાં પહેલો નંબર લાવવાનું દબાણ કરવામાં આવે છે. ક્રિકેટ જેવી રમતમાં બધા જોતા હોય છે કે સૌથી સારો ખેલાડી કોણ છે. શું આ બધું ખોટું છે? શું કોઈ પણ કામ આપણે દિલ લગાડીને કરવું ન જોઈએ? એવું નથી. પણ જે કંઈ કરીએ, એમાં ધ્યાન રાખવું જોઈએ કે આપણે શા માટે કરીએ છીએ? પોતાની ‘વાહ વાહ’ કરાવવા? ના, એવું તો નહિ, પણ એ બીજાઓના લાભ માટે હોવું જોઈએ.

૫. હંમેશાં નંબર વન બનવાથી શું થશે?

જો તમે હંમેશાં પહેલા નંબરે જ રહેવા ઇચ્છશો, તો શું થશે? તમે ઘમંડી કે ઉદ્ધત બની જશો. બીજાઓની જવાબદારીઓ કે સફળતા જોઈને ઈર્ષા કરશો. એવી જવાબદારી ઉપાડવા માંડશો, જે તમને સોંપવામાં આવી ન હોય. પોતાનો કક્કો ખરો કરવા બીજાઓનો વાંક કાઢશો. (યાકૂબ ૩:૧૪-૧૬) આમ તમે સ્વાર્થી બનતા જશો. બાઇબલ ચેતવણી આપે છે કે અદેખો માણસ પોતાનું જ નુકસાન કરે છે.

૬. બાઇબલ આપણને કેવી સલાહ આપે છે?

બાઇબલ સર્વને સલાહ આપે છે કે “આપણે એકબીજાને ખીજવીને તથા એકબીજા પર અદેખાઈ રાખીને મિથ્યા [ખોટી] બડાઈ ન કરીએ.” (ગલાતી ૫:૨૬) ઈશ્વરભક્ત યોહાનના જમાનામાં એક ભાઈ ઘમંડી બની ગયો. તેના વિષે યોહાને કહ્યું: “મેં મંડળીને કંઈ લખ્યું; પણ દિયત્રેફેસ, જે તેઓમાં મુખ્ય થવા ચાહે છે, તે અમારો અંગીકાર કરતો નથી. એ માટે જો હું આવીશ તો તે જે કામો કરે છે તે કામોને હું યાદ કરાવીશ; તે અમારી વિરૂદ્ધ ભૂંડું બોલીને બકબક કરે છે.” આપણે કદી દિયત્રેફેસ જેવા ન બનવું જોઈએ.—૩ યોહાન ૯, ૧૦.

૭. કામ-ધંધાની હરીફાઈમાં આપણે શું ધ્યાન રાખવું જોઈએ?

આ દુનિયામાં એકબીજા વચ્ચે હરીફાઈ ચાલતી રહે છે. દાખલા તરીકે, કામ ધંધામાં વ્યક્તિઓ કે કંપનીઓ વચ્ચે હરીફાઈ ચાલશે કે કોન્ટ્રેક્ટ કોણ જીતશે. પણ આપણે દરેક સંજોગમાં ધ્યાન રાખવું જોઈએ. આ દુનિયાની જેમ આપણે એકબીજાને ફાડી ન ખાઈએ. કાયદા-કાનૂનનો વિરોધ થાય એવું કંઈ ન કરીએ. હિસાબમાં કાળું-ધોળું ન કરીએ. પોતે કોઈ પણ કિંમતે પહેલા નંબરે રહેવાના સપના જોવા ભારે પડી જઈ શકે. એને બદલે, કોઈ પણ કામ-ધંધામાં, એકબીજા પ્રત્યે માન બતાવીએ. પ્રેમથી વર્તીએ. ખાસ કરીને આપણા વહાલા ભાઈ-બહેનો સાથે પ્રેમનો અતૂટ સંબંધ રાખીએ!

બધા એકસરખા નથી

૮, ૯. (ક) વડીલોનો સ્વભાવ કેવો હોવો જોઈએ? (ખ) શા માટે ૧ પીતર ૪:૧૦ સર્વને લાગુ પાડે છે?

બાઇબલ કહે છે કે “દરેક માણસે પોતાની રહેણીકરણી તપાસી જોવી, અને ત્યારે તેને કોઈ બીજા વિષે નહિ, પણ કેવળ પોતાને વિષે અભિમાન કરવાનું કારણ મળશે.” (ગલાતી ૬:૪) મંડળના વડીલોએ એકબીજા સાથે કોઈ હરીફાઈ કરવી જોઈએ નહિ. સંપથી તેઓએ એકબીજાને સાથ આપવો જોઈએ. ભલે કોઈ થોડું કરે કે ઘણું કરે, સર્વને સરખું માન આપવું જોઈએ. રાજીખુશીથી મંડળની દેખભાળ રાખવી જોઈએ. આમ, તેઓ આખા મંડળ માટે એક સારો દાખલો બેસાડે છે.

બધા વડીલો એકસરખા નથી હોતા. કોઈ પાસે વધારે અનુભવ હોય છે. કોઈ પાસે વધુ આવડતો હોય છે. કોઈ હોશિયાર હોય છે, સહેલાઈથી કોઈ પણ કામ કરી શકે છે. એટલે જ બધા વડીલોની જવાબદારી જુદી જુદી હોય છે. પણ કોઈ વડીલ બીજાથી ચડિયાતા નથી. બાઇબલ કહે છે કે “દરેકને જે કૃપાદાન મળ્યું તે એકબીજાની સેવા કરવામાં દેવની અનેક પ્રકારની કૃપાના સારા કારભારીઓ તરીકે વાપરવું.” (૧ પીતર ૪:૧૦) આ સલાહ ફક્ત વડીલોને જ નહિ, પણ સર્વને લાગુ પાડે છે. કઈ રીતે? યહોવાહે સર્વને સત્યનું દાન આપ્યું છે. સર્વને પ્રચાર કરવાની જવાબદારી સોંપી છે.

૧૦. યહોવાહ કેવી ભક્તિથી ખુશ થાય છે?

૧૦ યહોવાહ કેવી ભક્તિથી ખુશ થાય છે? તમને કંઈ આશીર્વાદ મળે, એનો ઢંઢેરો પીટો તો યહોવાહને એ ગમશે? કે પછી બીજાઓ સાથે પોતાને સરખાવો તો શું તેમને ગમશે? ના. આપણે એકબીજાનો ન્યાય ન કરીએ, કેમ કે યહોવાહ તો “હૃદયોને પારખનાર” છે. તે જોશે કે આપણામાં તેમના માટે કેટલો પ્રેમ છે. (નીતિવચનો ૨૪:૧૨, IBSI; ૧ શમૂએલ ૧૬:૭) તેથી વિચારો કે ‘શા માટે હું મંડળમાં આગળ થવા માંગુ છું? હું કયા કારણથી બીજાઓની સેવા કરું છું?’—ગીતશાસ્ત્ર ૨૪:૩, ૪; માત્થી ૫:૮.

સૌથી મહત્ત્વનું શું છે?

૧૧. યહોવાહ શું જુએ છે?

૧૧ યહોવાહ ચાહે છે કે આપણે દિલથી તેમની ભક્તિ કરીએ. તે એ નથી જોતા કે આપણે મંડળમાં કે પ્રચારમાં શું કરીએ છીએ અને કેટલું કરીએ છીએ. તો પછી, શા માટે આપણે દર મહિને પ્રચારનો રિપોર્ટ આપીએ છીએ?

૧૨, ૧૩. (ક) શા માટે આપણે પ્રચારનો રિપોર્ટ આપીએ છીએ? (ખ) જગતભરનો રિપોર્ટ જોઈને તમને કેવું લાગે છે?

૧૨ ઓર્ગેનાઈઝ્ડ ટુ ડુ જીહોવાસ વીલ પુસ્તક કહે છે: ‘ઈસુના શિષ્યો પ્રચારનો અહેવાલ સાંભળીને ખુશ થયા. (માર્ક ૬:૩૦) દાખલા તરીકે, પેન્તેકોસ્તના દિવસે યહોવાહે ૧૨૦ ભાઈબહેનોને દાન આપ્યું. તેઓએ કરેલા પ્રચારને કારણે એ જ દિવસે ૩,૦૦૦ શિષ્યો બન્યા. થોડા સમય બાદ, શિષ્યોની સંખ્યા વધીને ૫,૦૦૦ થઈ ગઈ. (પ્રેરિતોનાં કૃત્યો ૧:૧૫; ૨:૫-૧૧, ૪૧, ૪૭; ૪:૪; ૬:૭) એ જાણીને શિષ્યો કેટલા ખુશ થયા હશે!’ ઈસુએ કહ્યું હતું કે “સર્વ પ્રજાઓને સાક્ષીરૂપ થવા સારુ રાજ્યની આ સુવાર્તા આખા જગતમાં પ્રગટ કરાશે; અને ત્યારે જ અંત આવશે.” (માત્થી ૨૪:૧૪) જો શિષ્યોએ કોઈ ગણતરી કરી ન હોત, તો તેઓને કેવી રીતે ખબર પડત કે પ્રચાર કામ કેટલું બાકી છે? આજે આપણે પણ રિપોર્ટ આપીએ છીએ. એનાથી યહોવાહના સંગઠનને ખબર પડે છે કે જગતભર પ્રચાર કામ કેવું ચાલે છે. કયા કયા દેશોમાં કેવી મદદની જરૂર છે. કયાં પુસ્તકો અને પુસ્તિકાઓ જરૂરી છે?

૧૩ યહોવાહનું સંગઠન એ પણ જોઈ શકે છે કે પ્રચાર કરવા બીજું શું કરવાની જરૂર છે. આખી દુનિયામાં થઈ રહેલા પ્રચારનો રિપોર્ટ જોઈને તમને કેવું લાગે છે? હા, રિપોર્ટથી આપણે જોઈ શકીએ કે મહેનતનાં ફળ કેવાં મીઠાં હોય છે! આપણે વધારો થતો જોઈએ છીએ. એનાથી પ્રચારમાં હજુ વધારે હોંશ જાગે છે. રિપોર્ટ બતાવે છે કે યહોવાહ આપણને કેટલા આશીર્વાદ આપે છે! ભલે આપણે પ્રચારમાં બે-ચાર કલાકો કર્યા હોય, એ આંકડો દેશના રિપોર્ટમાં ઉમેરવામાં આવે છે. કાંકરે કાંકરે પાળ બંધાય છે, ખરું ને? જો તમે રિપોર્ટ ન આપો તો દેશનો રિપોર્ટ અધૂરો રહી જશે. ભલે તમે ગમે તેટલું કરો, યહોવાહ તમારું કામ જાણે છે.—માર્ક ૧૨:૪૨, ૪૩.

૧૪. યહોવાહની ભક્તિમાં પ્રચાર સિવાય બીજું શું કરવાનું જરૂરી છે?

૧૪ રિપોર્ટ બતાવે છે કે આપણું પ્રચાર કામ કેવું ચાલે છે. પણ રિપોર્ટ બહુ મહત્ત્વની બાબત છે, એવું નથી. એવું નથી કે સારો રિપોર્ટ હશે તો જ યહોવાહ તમને નવી દુનિયામાં રહેવા દેશે. પ્રચારનો રિપોર્ટ, કોઈ વિઝા કે પાસપોર્ટ નથી. યહોવાહની ભક્તિમાં પ્રચાર સિવાય, બીજું ઘણું જરૂરી છે જેનો રિપોર્ટ આપવામાં આવતો નથી. જેમ કે, બાઇબલ વાંચન. એના પર વિચાર-મનન. એ પ્રમાણે જીવવું. મિટિંગમાં જવું. મંડળની જવાબદારી ઉપાડવી. ભાઈબહેનોને મદદ કરવી. દાન આપવું, વગેરે વગેરે. પ્રચારનો રિપોર્ટ ફક્ત એમાં આપણી હોંશ વધારતો રહે છે.

‘સર્વ સારાં કામ કરવા’ માટે તૈયાર રહો

૧૫. આપણે જીવનમાં સારાં કામ કરીએ, એ કેમ જરૂરી છે?

૧૫ ખરું કે યહોવાહ આપણો ન્યાય ફક્ત આપણે કરેલાં કામ પરથી જ કરતા નથી. તોપણ એ જરૂરી છે. બાઇબલ કહે છે કે આપણે “સર્વ સારાં કામ કરવાને આતુર એવા લોક” બનીએ. વળી, “પ્રેમ રાખવાને તથા સારાં કામ કરવા અરસપરસ ઉત્તેજન મળે માટે આપણે એકબીજાનો વિચાર” કરીએ. (તીતસ ૨:૧૪; હેબ્રી ૧૦:૨૪) ઈશ્વરભક્ત યાકૂબે કહ્યું કે “જેમ શરીર આત્મા [એટલે શ્વાસ] વગર નિર્જીવ છે, તેમજ વિશ્વાસ પણ કરણીઓ વગર નિર્જીવ છે.”—યાકૂબ ૨:૨૬.

૧૬. મંડળમાં કોઈ પણ કામ કરીએ ત્યારે શું ધ્યાનમાં રાખવું જોઈએ?

૧૬ મંડળમાં અનેક કામો હોય છે. પણ આપણે એ શા માટે કરીએ છીએ? જો આપણે પૂરા દિલથી યહોવાહને માટે એ ન કરીએ, તો કંઈ જ કામનું નથી. સાથે સાથે આપણે બીજાઓનો ન્યાય ન કરીએ, એ પણ ધ્યાન રાખીએ. બાઇબલ કહે છે કે “તું કોણ છે કે બીજાના ચાકરને દોષિત ઠરાવે? તેનું ઊભા રહેવું કે પડવું તે તેના પોતાના ધણીના હાથમાં છે.” (રૂમી ૧૪:૪) યહોવાહ અને ઈસુ સર્વનો ન્યાય કરશે. ફક્ત તેઓ જ જાણે છે કે કોણે શું કર્યું છે. શા માટે કર્યું. શ્રદ્ધા ને પ્રેમના લીધે કર્યું કે કેમ? ચાલો આપણે આ સલાહ યાદ રાખીએ: “જેને શરમાવાનું કંઈ કારણ ન હોય એવી રીતે કામ કરનાર સત્યનાં વચન સ્પષ્ટતાથી સમજાવનાર, અને દેવને પસંદ પડે એવો સેવક થવાને પ્રયત્ન કર.”૨ તીમોથી ૨:૧૫; ૨ પીતર ૧:૧૦; ૩:૧૪.

૧૭. દિલ લગાડીને કામ કરતી વખતે શું યાદ રાખવું જોઈએ?

૧૭ યહોવાહ કદી એવું કામ નહિ આપે, જે આપણે કરી ન શકીએ. એટલે યહોવાહનું જ્ઞાન આપણને તેમની જેવા સમજદાર બનાવે છે. (યાકૂબ ૩:૧૭) એટલે આપણે પોતાના ગજા બહાર મોટી મોટી આશા નહિ રાખીએ. તેમ જ બીજા પાસે પણ ગજા બહાર કામ કરાવીશું નહિ.

૧૮. આપણે શું યાદ રાખવું જોઈએ? યહોવાહની કૃપાથી કેવો આશીર્વાદ મળશે?

૧૮ યહોવાહની ભક્તિમાં કોઈ પણ કામ કરીએ, એની બડાઈ ન મારીએ. યહોવાહની કૃપા વગર આપણે કંઈ કરી શકતા નથી, એ કેમ ભૂલીએ? (યશાયાહ ૬૫:૧૩, ૧૪) ભલે તમે બહુ કરી શકતા ન હોવ, તોપણ ખુશ થાવ કે યહોવાહ સર્વ ભક્તો પર આશીર્વાદો વરસાવે છે. “દરેક બાબતમાં પ્રાર્થના તથા વિનંતીઓ વડે ઉપકાર સ્તુતિસહિત તમારી અરજો દેવને જણાવો.” તે તમને પૂરા દિલથી ભક્તિ કરવા મદદ કરશે. પછી, “દેવની શાંતિ જે સર્વ સમજશક્તિની બહાર છે, તે ખ્રિસ્ત ઈસુમાં તમારાં હૃદયોની તથા મનોની સંભાળ રાખશે.” (ફિલિપી ૪:૪-૭) કેટલું સારું કે હંમેશાં માટેનું જીવન આપણાં કામોથી નહિ, યહોવાહની કૃપાથી મળે છે!

તમને યાદ છે?

• શા માટે પોતાના વિષે બડાઈ મારવી જોઈએ નહિ?

• યહોવાહની ભક્તિમાં આપણે શા માટે હરીફાઈ ન કરવી જોઈએ?

• આપણે શા માટે પ્રચારનો રિપોર્ટ આપીએ છીએ?

• શા માટે એકબીજાનો ન્યાય કરવો ન જોઈએ?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૧૫ પર ચિત્ર]

“તારે વાસ્તે મારી કૃપા બસ છે”

[પાન ૧૭ પર ચિત્ર]

વડીલોનો સ્વભાવ એકબીજાથી અલગ છે, છતાં સંપથી કામ કરે છે

[પાન ૧૯ પર ચિત્ર]

તમારા રિપોર્ટ વગર, જગતભરનો રિપોર્ટ અધૂરો રહી જશે