સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

‘હમણાંના જીવનનો’ ભરપૂર આનંદ ઉઠાવવો

‘હમણાંના જીવનનો’ ભરપૂર આનંદ ઉઠાવવો

મારો અનુભવ

‘હમણાંના જીવનનો’ ભરપૂર આનંદ ઉઠાવવો

ટૅડ બકીંગહામના જણાવ્યા પ્રમાણે

વર્ષ ૧૯૫૦ હતું. હું છ વર્ષથી પૂરા સમયનું પ્રચાર કરતો હતો. મારા લગ્‍નને ફક્ત છ મહિના થયા હતા. એક દિવસ મને અચાનક પોલિયો થયો. એના લીધે મારે નવ મહિના હૉસ્પિટલમાં રહેવું પડ્યું. એ સમયે હું ફક્ત ૨૪ વર્ષનો હતો. હું વિચારતો કે હવે મારું અને મારી પત્ની જોઈસીનું જીવન કેવું હશે!

મારા પપ્પાને ધર્મમાં જરાય રસ ન હતો. તેમ છતાં, ૧૯૩૮માં તેમણે ગવર્મેન્ટ * નામનું એક પુસ્તક લીધું. રાજકીય પરિસ્થિતિ અને યુદ્ધ થવાની શક્યતાને લીધે તેમણે એ પુસ્તક લીધું હશે. મને ખબર છે ત્યાં સુધી, તેમણે કદી એ પુસ્તક વાંચ્યું ન હતું. પણ મારી મમ્મીએ એ પુસ્તક વાંચ્યું. કેમ કે તેને ધર્મમાં બહુ રસ હતો. તેણે વાંચતાની સાથે જ એમાં રસ લેવા માંડ્યો. તેણે ચર્ચ ઑફ ઇંગ્લૅંડમાં જવાનું છોડી દીધું. મારા પપ્પાએ તેનો ઘણો વિરોધ કર્યો. તેમ છતાં તે મરતાં સુધી યહોવાહને વફાદાર રહી. તે ૧૯૯૦માં મરણ પામી.

મારી મમ્મી મને પહેલી વાર દક્ષિણ લંડનના ઍપ્સમ ગામના કિંગ્ડમ હૉલમાં લઈ ગઈ. એ હૉલની જગ્યાએ પહેલાં એક દુકાન હતી. ત્યાં અમે ભાઈ જે. એફ. રુધરફૉડની રૅકર્ડ કરેલી ટૉક સાંભળી. એ સમયે આ ભાઈ યહોવાહના સાક્ષીઓના કાર્યની દેખરેખ રાખતા હતા. તેમના ટૉકની મારા પર બહુ અસર થઈ.

યુદ્ધના લીધે લંડન પર અવારનવાર બૉંબ ફેંકવામાં આવતા હોવાથી જોખમ વધી ગયું. તેથી ૧૯૪૦માં મારા પપ્પા અમને ૪૫ કિલોમીટર દૂર આવેલા મેઈડનહેડ નામના એક નાના ગામમાં સલામત સ્થળે લઈ ગયા. જોકે, એ તો વધારે સારું થયું. કેમ કે આ ગામના મંડળમાં ૩૦ ભાઈબહેનો હતા. એનાથી મને ઘણું ઉત્તેજન મળ્યું. ફ્રેડ સ્મીથ નામના ભાઈ સત્યમાં બહુ દૃઢ હતા. તેમણે ૧૯૧૭માં બાપ્તિસ્મા લીધું હતું. તેમણે મારામાં રસ લીધો. મને સારા પ્રચારક બનવાની તાલીમ આપી. તેમણે મારા માટે એક સરસ ઉદાહરણ બેસાડીને પ્રેમાળ રીતે તાલીમ આપી. તેમણે આપેલી તાલીમ હું કોઈ દિવસ નહિ ભૂલું.

પૂરા સમયના પ્રચારક બનવું

વર્ષ ૧૯૪૧માં મેં માર્ચ મહિનાની ઠંડીમાં થેમ્સ નદીમાં બાપ્તિસ્મા લીધું. ત્યારે હું ૧૫ વર્ષનો હતો. મેં બાપ્તિસ્મા લીધું એ પહેલાં મારા ભાઈ જીમે પૂરા સમયના પ્રચારક તરીકેનું કામ શરૂ કર્યું હતું. તેમણે અમુક સમય પછી લગ્‍ન કર્યા. તે અને તેમની પત્ની મૅજે પોતાનું જીવન મોટા ભાગે આખા બ્રિટનમાં સરકીટ અને ડિસ્ટ્રીક્ટ ઓવરસિયર તરીકે સેવા આપવામાં જ કાઢ્યું. આજે, તેઓ બર્મિગહામમાં રહે છે. મારી બહેન રોબીના અને તેના પતિ ફ્રેન્ક યહોવાહની વફાદારીથી સેવા કરી રહ્યા છે.

હું કપડાંની એક ફેક્ટરીમાં હિસાબ રાખવાનું કામ કરતો હતો. એક દિવસે મારા મેનેજરે મને ઑફિસમાં બોલાવ્યો. તેમણે મને એવી ઑફર કરી જેમાં હું ખૂબ પૈસા કમાઈ શકતો હતો. પરંતુ, હું મારા ભાઈની જેમ પૂરા સમયનું પ્રચાર કરવા માંગતો હતો. તેથી, મેં તેમને સમજાવ્યું કે શા માટે હું તેમની ઑફર સ્વીકારી શકું એમ નથી. તેમણે મારી પ્રશંસા કરતા કહ્યું કે તારા વિચારો બહુ સારાં છે. આ સાંભળીને મને નવાઈ લાગી. વર્ષ ૧૯૪૪માં નોરથામટનના મહાસંમેલન પછી હું પૂરા સમયનો પ્રચારક બન્યો.

મારી સૌ પ્રથમ સોંપણી ડેવન દેશના ઍક્સિટર શહેરમાં હતી. આ શહેર યુદ્ધ પછીની પરિસ્થિતિમાંથી ધીમે ધીમે ઊભરી રહ્યું હતું. હું ફ્રેન્ક અને રૂથ મિડલેટન નામના પાયોનિયરના મકાનમાં રહેવા ગયો. તેઓ ઘણા પ્રેમાળ હતા. એ સમયે હું ફક્ત ૧૮ વર્ષનો હતો. કપડાં ધોવામાં અને રાંધવામાં મને બહુ અનુભવ ન હતો. પરંતુ એક વાર હું શીખી ગયો પછી મારા માટે સહેલું બની ગયું.

હું ૫૦ વર્ષના વિક્ટર ગાર્ડ નામના ભાઈ સાથે પ્રચાર કરતો હતો. આ ભાઈ આઈરીશ હતા. તે ૧૯૨૦ના દાયકાથી પ્રચાર કરતા હતા. શરૂઆતના એ વર્ષોમાં, મને વિક્ટર ભાઈ જેવા જ કોઈકની જરૂર હતી. કેમ કે તેમણે મને યોગ્ય શેડ્યુલ બનાવવાનું, બાઇબલ વાંચનમાં ઊંડો રસ લેવાનું અને અલગ અલગ બાઇબલ ભાષાંતરનો ઉપયોગ કરવાનું શીખવ્યું.

યુદ્ધમાં ભાગ ન લેવો

યુદ્ધ પૂરું થવા આવ્યું હતું. તોપણ અધિકારીઓ યુવાનોને લશ્કરી સેવામાં ધકેલતા હતા. વર્ષ ૧૯૪૩માં મારે મેઈડનહેડની એક કોર્ટમાં જવાનું હતું. ત્યાં મેં સ્પષ્ટ રીતે કહ્યું કે સુવાર્તિક તરીકે મને આ કાર્યમાંથી બાકાત રાખવામાં આવે. મારી આ વિનંતીને ફગાવી દેવામાં આવી. તેમ છતાં, મેં પ્રચાર કાર્ય માટે ઍક્સિટર શહેરમાં જવાનું નક્કી કર્યું. અહીં પણ આખરે મારે કોર્ટ સમક્ષ હાજર થવું પડ્યું. મને મજૂરી છાવણીમાં છ મહિનાની સજા થઈ. જજે કહ્યું, ‘મારું બસ ચાલે તો હું તને છથી પણ વધારે મહિનાની સજા ફટકારું.’ છ મહિના છાવણીમાં કાઢ્યા પછી, મને વધારાના ચાર મહિના જેલમાં મોકલ્યો.

આ જેલમાં હું એકલો જ યહોવાહનો સાક્ષી હતો. આથી, વૉર્ડન મને ‘યહોવાહ’ કહીને બોલાવતો હતો. એ નામથી મારી હાજરી પણ પૂરવામાં આવતી આથી મને થોડું અજુગતું લાગતું. પરંતુ, દરરોજ સવારે યહોવાહનું નામ સાંભળવાનો કેવો લહાવો! એનાથી બીજા કેદીઓ જોઈ શક્યા કે યહોવાહના સાક્ષી તરીકે મેં યુદ્ધમાં ભાગ લેવાની ના પાડી છે. આથી મને તેઓ સાથે રાખવામાં આવ્યો છે. પછીથી, નોર્મન કૅસ્ટ્રો નામના એક ભાઈને પણ એ જ જેલમાં રાખવામાં આવ્યા. આથી મારું નામ બદલાયું. ત્યાર પછી અમને મૂસા અને હારૂન કહીને બોલાવવામાં આવતા.

મને ઍક્સિટર શહેરથી બ્રિસ્ટોલ શહેરમાં અને છેવટે વિનચીસ્ટર શહેરની જેલમાં લઈ જવામાં આવ્યો. જોકે, પરિસ્થિતિ દર વખતે કંઈ સારી ન હતી. પરંતુ, અમે ઘણી હસી-મજાક કરતા કે જેનાથી પરિસ્થિતિ સહન કરવા મદદ મળી. મેં અને નોર્મને વિનચીસ્ટરમાં મેમોરિયલની ઊજવણી કરી. ફ્રાન્સીસ કૂક ભાઈએ એ દિવસે અમારી મુલાકાત લઈને સરસ ટૉક આપી.

યુદ્ધ પછી બદલાયેલી પરિસ્થિતિ

વર્ષ ૧૯૪૬માં સંમેલન પછી બ્રિસ્ટોલમાં, “લેટ ગોડ બી ટ્રુ” નામનું પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું. ત્યાં હું જોઈસી મોરે નામની એક પાયોનિયરને મળ્યો. તે ડેવનમાં પાયોનિયરીંગ કરતી હતી. અમારા બંનેમાં પ્રેમના અંકૂર ફૂટ્યા. છેવટે ચાર વર્ષ પછી અમે ટિવર્ટનમાં લગ્‍ન કર્યાં. હું ૧૯૪૭થી ટિવર્ટનમાં રહેતો હતો. અમારું ઘર ભાડાનું હતું. જેના દર અઠવાડિયે લગભગ ૬૦ રૂપિયા આપતા હતા. અમારું જીવન સુખી હતું!

અમારા લગ્‍નના પહેલા વર્ષ દરમિયાન, અમે દક્ષિણ લંડનના બ્રિક્સહમમાં ગયા. આ બંદરવાળું સુંદર શહેર છે. અહીં ટ્રોલ (સમુદ્રમાં નાંખવામાં આવતી મોટી જાળ)ના ઉપયોગથી માછલી પકડવાની ટૅક્નિકની શરૂઆત થઈ હતી. જોકે, અહીં પણ અમે લાંબો સમય રહ્યા નહિ. અમે સંમેલન માટે લંડન જવા મુસાફરી કરતા હતા ત્યારે, મેં શરૂઆતમાં કહ્યું તેમ મને પોલિયોનો હુમલો આવ્યો. હું કોમામાં જતો રહ્યો. મને નવ મહિના પછી હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી. મારા જમણા હાથ અને બંને પગને બહુ જ ખરાબ અસર થઈ. જોકે, હજુ પણ એની અસર છે. હું લાકડીના ટેકાથી ચાલતો હતો. મારી પત્ની હંમેશાં આનંદિત રહેતી, એના લીધે મને ઘણું ઉત્તેજન મળતું. તેણે ગમે તે રીતે પૂરો સમય પ્રચાર કરવાનું ચાલુ રાખ્યું. પરંતુ, હવે કઈ રીતે અમારું જીવન ટકશે? જોકે, અમે તરત જ અનુભવ્યું કે યહોવાહનો હાથ ટૂંકો નથી.

ત્યાર પછીના વર્ષે અમે લંડન, વિમબ્લડનમાં રાખવામાં આવેલા સંમેલનમાં ગયા. એ વખતે હું લાકડીના ટેકા વગર ચાલી શકતો હતો. ત્યાં અમે ભાઈ પ્રાઇસ હ્યુસને મળ્યા. તે ભાઈ બ્રિટનની બેથેલની દેખરેખ રાખતા હતા. મને જોતા જ તેમણે કહ્યું, ‘કેમ છો? હવે તમે શું કરો છો? સરકીટમાં તમારી કેટલી જરૂર છે!’ એનાથી મને બહુ ઉત્તેજન મળ્યું. હું એમ વિચારતો કે, ‘શું હું આ કામ કરી શકીશ?’ મેં અને મારી પત્નીએ એ વિષે બહુ વિચાર કર્યો. અઠવાડિયાની તાલીમ અને યહોવાહમાં પૂરા ભરોસા સાથે અમે ઇંગ્લૅંડના દક્ષિણ-પશ્ચિમમાં અમારા સરકીટ કાર્યમાં ગયા. એ સમયે હું ૨૫ વર્ષનો હતો. મને એ ભાઈબહેનોએ કરેલી પ્રેમાળ મદદ અને મારા પ્રત્યે રાખેલી ધીરજ હજુ પણ યાદ છે.

અમે અલગ અલગ મંડળોની મુલાકાત લેતા હોવાથી હું અને જોઈસી ભાઈબહેનોને વધારે સારી રીતે જાણતા થયા. અમારી પાસે કાર ન હતી. તેથી અમે ટ્રેઇન અને બસમાં મુસાફરી કરતા. જોકે, મારી બીમારીના લીધે હું અમુક બાબતો કરી શકતો ન હતો. તેમ છતાં, અમે ૧૯૫૭ સુધી અમને મળેલા લહાવાનો આનંદ માણ્યો. એ વર્ષો અમારા યાદગાર વર્ષો હતા. પછી એ વર્ષે બીજા પડકારો સામે આવ્યા.

મિશનરી સેવા

અમને ગિલયડના ૩૦મા ક્લાસમાં જવાનું આમંત્રણ મળ્યું. અમે તો માની જ શકતા ન હતા! હવે હું મારા પોલિયોની સ્થિતિને સારી રીતે સંભાળી શકતો હતો. તેથી, અમે એ આમંત્રણ સ્વીકારી લીધું. અમે અમારા અનુભવોથી જાણતા હતા કે જો આપણે યહોવાહની ઇચ્છા પ્રમાણે કરીશું તો, તે હંમેશા જરૂરી મદદ પૂરી પાડશે. અમે પાંચ મહિના વોચટાવર બાઇબલ સ્કૂલ ઑફ ગિલયડમાં ભરપૂર તાલીમ લીધી. એ પાંચ મહિનાઓ તો પાંચ દિવસની જેમ પૂરા થઈ ગયા. મોટા ભાગના વિદ્યાર્થીઓ લગ્‍ન કરેલા અને સરકીટ કાર્ય કરતા હતા. ક્લાસમાં પૂછવામાં આવ્યું કે કોઈને બીજા દેશમાં જવું ગમશે કે કેમ. અમે પણ બીજા ભાઈબહેનોની જેમ અમારું નામ આપ્યું. અમને પૂર્વ આફ્રિકાના, યુગાન્ડામાં મોકલવામાં આવ્યા.

એ સમયે યુગાન્ડામાં યહોવાહના સાક્ષીઓના કાર્ય પર પ્રતિબંધ હતો. તેથી, મને એ દેશમાં નોકરી કરવાની સલાહ આપવામાં આવી. ટ્રેઇન અને બોટની લાંબી મુસાફરી પછી, અમે કમ્પાલા, યુગાન્ડામાં આવી પહોંચ્યા. જોકે, ઇમિગ્રેશન અધિકારીઓને હું ત્યાં ગયો એ બહુ ગમ્યું નહિ. તેઓએ મને થોડા મહિના જ રહેવાની પરવાનગી આપી. પછી મને પાછા જવાનો ઑર્ડર મળ્યો. તેથી ભાઈઓએ અમને ઝામ્બિયા જવાનું કહ્યું. ત્યાં અમે ચાર ગિલયડ વિદ્યાર્થીઓને મળ્યા. ફ્રેનક અને કૅરી લૂઈસ તેમ જ હેઝ અને હેરીઅત હોસકીન. ત્યાંથી, અમને ઝિમ્બાબ્વે મોકલવામાં આવ્યા.

અમે ઝિમ્બાબ્વે, બિયોલોય જવા ટ્રેઇનની મુસાફરી કરતા પહેલી વાર અદ્‍ભુત વિક્ટોરીયા ધોધ જોયો. અમે થોડાક સમય માટે ભાઈ મિકલૂખીના કુટુંબ સાથે રહ્યા. અહીં આવીને સ્થાયી થનારામાં આ ભાઈ સૌથી પહેલા હતા. અમે તેઓને ૧૬ વર્ષ સુધીમાં સારી રીતે જાણી શક્યા. એ અમારા માટે એક લહાવો હતો!

પરિસ્થિતિને અનુકૂળ થવું

આફ્રિકાના વિસ્તારોથી પરિચિત બન્યા એના બે અઠવાડિયા પછી, મને ડિસ્ટ્રિક્ટ ઓવરસિયર તરીકે નિયુક્ત કરવામાં આવ્યો. આફ્રિકાના જંગલોમાં પ્રચારમાં જવા માટે અમારે પાણી, ખોરાક, પથારી, કપડાં, પ્રોજેક્ટર અને જનરેટર, મોટો પડદો અને બીજી જરૂરી વસ્તુઓ સાથે લઈને જવું પડતું. ભલે રસ્તાઓ ખરબચડા હતા છતાં, આ બધું જ અમે ટ્રકમાં લઈ જતા.

હું આફ્રિકાના સરકીટ ઓવરસિયર સાથે કામ કરતો. જોઈસી તેમની પત્ની અને બાળકો સાથે રહીને તેઓને મદદ કરતી. આફ્રિકાના ઊજ્જડ મેદાનોમાં ચાલવાથી બહુ થાકી જવાતું હતું, ખાસ કરીને ગરમી હોય ત્યારે. પરંતુ મને જોવા મળ્યું કે આ હવામાન મારા શરીર માટે બહુ સારું હતું.

લોકો ખાસ કરીને ગરીબ હતા. ઘણા લોકો પરંપરા અને અંધશ્રદ્ધામાં ગળાડૂબ હતા. તેઓ એકથી વધારે પત્ની રાખતા. તોપણ તેઓ બાઇબલને માન આપતા. કેટલાક વિસ્તારોમાં, સભાઓ મોટા વૃક્ષના છાંયડામાં રાખવામાં આવતી. સાંજે ફાનસ સળગાવતા હતા. યહોવાહે સર્જેલા ખુલ્લા આકાશ નીચે બેસીને પરમેશ્વરના શબ્દનો અભ્યાસ કરતા ત્યારે અમે અંજાઈ જતા.

આફ્રિકાના વિસ્તારોમાં વોચટાવર સોસાયટીએ બહાર પાડેલી ફિલ્મ બતાવવી ખરેખર અદ્‍ભુત અનુભવ હતો. અમુક મંડળમાં લગભગ ૩૦ ભાઈબહેનો હતા પરંતુ ફિલ્મ બતાવવાના હોય એ સમયે ૧,૦૦૦ કરતાં વધારે લોકો આવતા.

આ વિસ્તારોમાં કોઈ પણ વ્યક્તિ સહેલાઈથી બીમાર પડી જાય. પરંતુ, અમે સર્વ સમયે યોગ્ય વલણ રાખતા. હું અને જોઈસી સંભાળીને રહેતા હતા. તોપણ, મને વારંવાર મલેરિયા થતો. અને જોઈસીને ખરાબ જંતુઓના લીધે અવારનવાર બીમારીનો સામનો કરવો પડતો.

ત્યાર પછી અમને ઝિમ્બાબ્વેના પાટનગર સાલ્સબેરી (હમણાં હરારે)માં આવેલી બ્રાન્ચ ઑફિસમાં જવાનું કહેવામાં આવ્યું. અહીં મને બીજા વિશ્વાસુ ભાઈબહેનો સાથે કામ કરવાનો લહાવો મળ્યો. એમાં લીસ્ટર દેવ તેમ જ જ્યોર્જ અને રૂબી બારર્ડે હતા. સરકારે મને રજિસ્ટ્રાર તરીકે કામ કરવા નિયુક્ત કર્યો. એના લીધે હું આફ્રિકાના ભાઈબહેનોના લગ્‍ન કરાવી શકતો. તેઓનું લગ્‍ન દૃઢ કરવા પણ હું મદદ કરતો. થોડા વર્ષો પછી, મને બીજો એક લહાવો મળ્યો. મને આફ્રિકન ભાષા ન હોય એવા મંડળો, જેમ કે અંગ્રેજીની મુલાકાત લેવાનું કહેવામાં આવ્યું. લગભગ દસ કરતાં વધારે વર્ષો આ રીતે કામ કરવાથી હું અને જોઈસી ઘણા ભાઈબહેનોને જાણી શક્યા. તેઓને પરમેશ્વરના માર્ગમાં આગળ વધતા જોઈને અમને ઘણો આનંદ થયો. એ સમય દરમિયાન અમે બોટ્‌સ્વાના અને મોઝામ્બિકમાં ભાઈઓની મુલાકાત પણ લેતા.

ફરી બીજા સ્થળે જવું

ઘણાં વર્ષો દક્ષિણ આફ્રિકા રહ્યા પછી અમને ૧૯૭૫માં પશ્ચિમ આફ્રિકાના સિયેરા લિયોનમાં મોકલવામાં આવ્યા. અમે તરત જ બ્રાન્ચમાં નવા કામમાં લાગી ગયા. પરંતુ, અહીં પણ અમે લાંબો સમય ટક્યા નહિ. વારંવાર મૅલેરિયાને લીધે હું બહુ જ નબળો પડી ગયો. આખરે સારવાર માટે અમારે લંડન જવું પડ્યું. ત્યાં મને પાછા આફ્રિકા ન જવાની સલાહ આપવામાં આવી. એનાથી અમને ઘણું દુઃખ થયું. પરંતુ, મને અને જોઈસીને લંડન બેથેલ બોલાવવામાં આવ્યા. ત્યાંના ભાઈબહેનોએ અમારો પ્રેમથી આવકાર કર્યો. લંડનમાં આફ્રિકાના ઘણા ભાઈબહેનો છે. એનાથી જાણે અમે આફ્રિકામાં જ હોય એવું લાગતું. મારી તબિયતમાં સુધારો થતો ગયો, અમે નવી દિનચર્યામાં ગોઠવાઇ ગયા. મને પરચેઝ ડિપાર્ટમેન્ટમાં કામ આપવામાં આવ્યું. આ કામ પણ ઘણું રસપ્રદ હતું. કેમ કે બાંધકામમાં જે વધારો થઈ રહ્યો હતો એના લીધે કામ વધારે રસપ્રદ બનતું હતું.

વર્ષ ૧૯૯૦ના શરૂઆતના વર્ષોમાં, મારી પત્ની બીમાર પડી. એના લીધે તે ૧૯૯૪માં મરણ પામી. તે મારી પ્રેમાળ અને વફાદાર પત્ની હતી. તેણે ગમે તેવા સંજોગોમાં પણ મને હસતે મોઢે સાથ આપ્યો. આવી પ્રેમાળ સાથીને ગુમાવ્યાનું દુઃખ હળવું કરવા પરમેશ્વરની સેવામાં આગળ વધતા રહેવું બહુ મહત્ત્વનું છે. યહોવાહની મદદથી હું પ્રચાર અને મિટીંગની તૈયારીનું શેડ્યુલ જાળવી રાખી શકું છું. એનાથી હું પોતાને હંમેશા વ્યસ્ત રાખું છું.—નીતિવચનો ૩:૫, ૬.

જોકે, પરમેશ્વરના ઘર, બેથલમાં સેવા કરવી એ મારા માટે એક મોટો લહાવો છે. ત્યાં ઘણા યુવાન ભાઈઓ છે અને ઘણું કામ પણ છે. અહીં લંડનમાં ઘણા મુલાકાતીઓ આવે છે એ પણ એક આશીર્વાદ છે. ઘણી વાર હું મારા આફ્રિકાના ભાઈઓને મળું છું. તેઓ સાથે વાત કરવાથી મારી યાદો તાજી થઈ જાય છે. આ દરેક બાબતો મને ‘હમણાંના જીવનનો’ ભરપૂર આનંદ માણવા મદદ કરે છે. તેમ જ ‘હવે પછીના જીવનની’ આશામાં વિશ્વાસ દૃઢ કરે છે.—૧ તીમોથી ૪:૮.

[ફુટનોટ]

^ યહોવાહના સાક્ષીઓએ ૧૯૨૮માં પ્રકાશિત કર્યું હતું. પરંતુ હવે આ પુસ્તક છાપવામાં આવતું નથી.

[પાન ૨૫ પર ચિત્ર]

મારી મમ્મી સાથે ૧૯૪૬માં

[પાન ૨૬ પર ચિત્ર]

જોઈસી સાથે અમારા લગ્‍ન દિવસે, ૧૯૫૦માં

[પાન ૨૬ પર ચિત્ર]

બ્રિસ્ટોલ સંમેલનમાં, ૧૯૫૩માં

[પાન ૨૭ પર ચિત્ર]

ઝિમ્બાબ્વેના નાના ગ્રૂપ (ઉપર) સાથે અને મંડળ સાથે (ડાબે)