સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

આપણે કસોટીઓનો સામનો કરી શકીએ

આપણે કસોટીઓનો સામનો કરી શકીએ

આપણે કસોટીઓનો સામનો કરી શકીએ

શું તમે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યાં છો? શું તમે હતાશ થઈ ગયા છો? શું તમને એવું લાગે છે કે ફક્ત તમારા પર જ દુઃખના ડુંગરો તૂટી પડ્યા છે? શું કોઈ જ ઉપાય નથી દેખાતો? હતાશ થશો નહિ! ભલે આપણા પર ગમે એવી મુશ્કેલ પરિસ્થિતિ આવી પડે, બાઇબલ ખાતરી આપે છે કે પરમેશ્વરની મદદથી આપણે એનો સામનો કરી શકીએ છીએ.

બાઇબલ બતાવે છે કે પરમેશ્વરના સેવકોને ‘તરેહ તરેહનાં પરીક્ષણોનો’ સામનો કરવો પડશે. (યાકૂબ ૧:૨) “તરેહ તરેહનાં” શબ્દો પર ધ્યાન આપો. (એ માટેનો ગ્રીક શબ્દ પોઈકિલાસ છે.) મૂળ ગ્રીક ભાષામાં એનો “ઘણા અને વિવિધ” જેવો અર્થ થાય છે. તેમ જ એ “અનેક પ્રકારની મુશ્કેલીઓ” પર ભાર આપે છે. આમ, “તરેહ તરેહનાં પરીક્ષણો” એટલે કે ગમે તે પ્રકારના પરીક્ષણો. એ બતાવે છે કે આપણા પર અનેક જાતની મુશ્કેલી આવે છે. પણ યહોવાહ આપણને પૂરી મદદ કરે છે. એ આપણે કેવી રીતે કહી શકીએ?

“દેવે તેની કૃપા વિવિધ રીતે તમને દર્શાવી”

પ્રેષિત પીતરે લખ્યું કે આપણે દરેક ‘નાના પ્રકારનાં પરીક્ષણોથી દુઃખી થઈએ’ છીએ. (૧ પીતર ૧:૬) પછીથી તેમણે લખ્યું: ‘દેવ અનેક પ્રકારની કૃપા’ બતાવે છે. (૧ પીતર ૪:૧૦) “અનેક પ્રકારની” શબ્દોનો અર્થ મૂળ ગ્રીક શબ્દ જેવો જ છે. એક બાઇબલ વિદ્વાને એના વિષે આમ કહ્યું: ‘દેવની દયા કે કૃપાનો અર્થ પોઈકિલાસ જેવો જ થાય છે. એવા કોઈ પણ સંજોગો, મુશ્કેલીઓ કે કટોકટી નથી જે દેવની કૃપાથી હલ ન થઈ શકે. પોઈકિલાસ શબ્દ આપણને સ્પષ્ટ રીતે યાદ કરાવે છે કે દેવ આપણને દરેક મુશ્કેલીઓનો સામનો કરવા પૂરેપૂરી મદદ કરે છે.’

પરમેશ્વર શક્તિ આપે છે

પીતરે જણાવ્યું તેમ પરમેશ્વર આપણને મદદ આપશે. કઈ રીતે? તે મંડળના ભાઈબહેનોની મદદથી આપણને વિવિધ મુશ્કેલીઓ સહન કરવા મદદ કરે છે. (૧ પીતર ૪:૧૧) દરેક ભાઈબહેનો પાસે એવી ક્ષમતા છે જેનાથી તેઓ આપણને મુશ્કેલીના સમયમાં ઉત્તેજન આપી શકે. (રૂમી ૧૨:૬-૮) દાખલા તરીકે, કેટલાક ભાઈબહેનો પાસે બીજાઓને બાઇબલ શીખવવાની સરસ આવડત છે. તેથી, તેઓ બીજાઓને એ રીતે સમજાવે છે કે જેથી તેઓને મુશ્કેલીઓ સહન કરવા મદદ મળે. (નહેમ્યાહ ૮:૧-૪, ૮, ૧૨) બીજાઓને મદદની જરૂર હોય ત્યારે તેઓ નિયમિત મુલાકાત લે છે. આ રીતે ઉત્તેજન મળવાથી તેઓનાં “હૃદયો દિલાસો પામે” છે. (કોલોસી ૨:૨) વડીલો આ રીતે તેઓને ઉત્તેજન આપે છે ત્યારે તેઓ ખરેખર પરમેશ્વર તરફથી એક આશીર્વાદ છે. (યોહાન ૨૧:૧૬) મંડળમાં એવા ભાઈબહેનો છે કે જેઓ દુખિયારાઓને પ્રેમ અને દયા બતાવે છે. (પ્રેરિતોનાં કૃત્યો ૪:૩૬; રૂમી ૧૨:૧૦; કોલોસી ૩:૧૦) ભાઈબહેનો આ રીતે મદદ કરે છે એનાથી પરમેશ્વરની કૃપા દેખાઈ આવે છે.—નીતિવચનો ૧૨:૨૫; ૧૭:૧૭.

“સર્વ દિલાસાનો દેવ”

યહોવાહ પોતે પણ આપણને દિલાસો આપે છે. તે ‘સર્વ દિલાસાનો દેવ, સર્વ વિપત્તિમાં દિલાસો આપે છે.’ (૨ કોરીંથી ૧:૩, ૪) યહોવાહને આપણે મદદ માટે પ્રાર્થના કરીએ છીએ ત્યારે તે બાઇબલમાંથી મદદ કરે છે. તેમ જ તેમના પવિત્ર આત્માથી આપણને ડહાપણ અને શક્તિ આપે છે. (યશાયાહ ૩૦:૧૮, ૨૧; લુક ૧૧:૧૩; યોહાન ૧૪:૧૬) પરમેશ્વરે પાઊલ દ્વારા વચન આપ્યું એમાંથી પણ દિલાસો મળે છે. તેમણે કહ્યું: “દેવ વિશ્વાસુ છે, તે તમારી શક્તિ ઉપરાંત પરીક્ષણ તમારા પર આવવા દેશે નહિ; પણ તમે તે સહન કરી શકો, માટે પરીક્ષણ સાથે છૂટકાનો માર્ગ પણ રાખશે.”—૧ કોરીંથી ૧૦:૧૩.

આપણે ગમે તેવી આફતમાં આવી પડીએ તોપણ એને હલ કરવા યહોવાહ પરમેશ્વર આપણને જરૂર મદદ કરશે. (યાકૂબ ૧:૧૭) આપણે ગમે તેટલી ખરાબ પરિસ્થિતિનો સામનો કરતા હોઈએ પણ યહોવાહ યોગ્ય રીતે મદદ પૂરી પાડે છે. એ ‘ઈશ્વરના જ્ઞાનના જુદા જુદા સ્વરૂપનો’ એક પુરાવો છે. (એફેસી ૩:૧૦, પ્રેમસંદેશ) આ બતાવે છે કે આપણા પર જ્યારે કોઈ આફત આવશે ત્યારે યહોવાહ ચોક્કસ આપણને મદદ કરશે!

[પાન ૩૧ પર ચિત્રો]

યહોવાહ આપણી મુશ્કેલીઓ સહન કરવા મદદ કરે છે