સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઈટાલીમાં યહોવાહનું નામ રોશન થવું

ઈટાલીમાં યહોવાહનું નામ રોશન થવું

ઈટાલીમાં યહોવાહનું નામ રોશન થવું

શું તમે ઈટાલીનો નકશો જોયો છે? તમને એનો આકાર કેવો લાગ્યો? શું એ બૂટ જેવો નથી લાગતો? હા, ઈટાલીનો ભાગ ભૂમધ્ય સમુદ્ર સુધી ફેલાયેલો હોવાને લીધે એવો આકાર જોવા મળે છે. અહીંના કુદરતી દૃશ્યો, કળા અને સ્વાદિષ્ટ વાનગીઓને લીધે હજારો મુલાકાતીઓ એની મુલાકાત લે છે. અહીં એવા બનાવો બન્યા કે જેના લીધે ધર્મ અને સંસ્કૃતિ પર બહુ ઊંડી અસર થઈ છે. એટલા માટે આ દેશના ઘણા લોકો બાઇબલનો ઉપયોગ કરે છે.

ઈટાલીમાં સાચા ખ્રિસ્તી ધર્મની શરૂઆત કઈ રીતે થઈ? ઈસવીસન ૩૩માં પેન્તેકોસ્તના દિવસે યહુદીઓ અને ધર્માંતર પામેલા યહુદીઓ ખ્રિસ્તી બન્યા હતા. પછી તેઓ યરૂશાલેમથી પાછા પોતાના દેશમાં ફર્યા. એ સમયે ઈટાલીના પાટનગર રોમમાં સાચા ખ્રિસ્તી ધર્મની શરૂઆત થઈ હોય શકે. પછી લગભગ ૫૯ની સાલમાં પ્રેષિત પાઊલે પહેલી વાર ઈટાલીની મુલાકાત લીધી હતી. ત્યાં પુતીઆલી શહેરમાં તેમને ભાઈઓ મળ્યા હતા.—પ્રેરિતોનાં કૃત્યો ૨:૫-૧૧; ૨૮:૧૧-૧૬.

ઈસુ પૃથ્વી પર હતા ત્યારે તેમણે ચેતવણી આપી હતી કે દુષ્ટ જગતના અંત પહેલાં ઢોંગી ખ્રિસ્તીઓ આવશે. એવું જ તેમના શિષ્યોએ પણ કહ્યું હતું. પરંતુ એ પહેલાં શું થશે એ પણ કહેવામાં આવ્યું હતું. જેમ કે આખી પૃથ્વીમાં પરમેશ્વરની સરકાર વિષે જણાવવામાં આવશે. ઈટાલીમાં આજે એમ જ થઈ રહ્યું છે.—માત્થી ૧૩:૩૬-૪૩; પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૨૯, ૩૦; ૨ થેસ્સાલોનીકી ૨:૩-૮; ૨ પીતર ૨:૧-૩.

ધીમી શરૂઆત

વર્ષ ૧૮૯૧માં ચાર્લ્સ ટૅઝ રસેલે પહેલી વાર ઈટાલીની મુલાકાત લીધી. ત્યારે યહોવાહના સાક્ષીઓ, બાઇબલ વિદ્યાર્થીઓના નામથી ઓળખાતા હતા. એ સમયમાં રસેલભાઈ જગતવ્યાપી પ્રચાર કાર્યમાં આગેવાની લેતા હતા. એ વર્ષમાં તેમણે અને અમુક ભાઈબહેનોએ આ દેશના અમુક શહેરમાં પ્રચાર કર્યો. તેમને કેવું લાગ્યું? ભાઈ રસેલે કહ્યું, ‘આ શહેરોના લોકોને બાઇબલ સત્ય શીખવામાં બહુ રસ હોય એમ લાગતું નથી.’ વર્ષ ૧૯૧૦ની વસંતઋતુમાં, તે પાછા ઈટાલી આવ્યા. તેમણે રોમના સ્ટેડિયમમાં બાઇબલ પ્રવચન આપ્યું. એનું શું ફળ મળ્યું? તેમણે કહ્યું, ‘હજુ પણ એવું જ લાગે છે કે લોકો બાઇબલ સત્ય શીખશે નહિ.’

કેટલાક દાયકા સુધી તો ઇટાલીમાં બહુ જ ઓછા લોકોએ બાઇબલ સત્ય સ્વીકાર્યું હતું. કેમ કે એ સમયે ઇટાલીની સરકાર બધા પર જુલમ કરતી હતી. ખાસ કરીને યહોવાહના સાક્ષીઓ પર આકરી સતાવણી કરતી હતી. ત્યારે એ દેશમાં ફક્ત ૧૫૦ ભાઈબહેનો હતા. વિદેશમાં રહેતા સગાં-સંબંધી અને મિત્રો પાસેથી મોટા ભાગના તેઓ બાઇબલ સત્ય શીખ્યા હતા.

મોટો વધારો

બીજા વિશ્વયુદ્ધ પછી, ઘણા મિશનરીઓ ઈટાલીમાં આવ્યા. પરંતુ, ચર્ચના આગેવાનોએ સરકારને કહ્યું કે આ મિશનરીઓને કાઢી મૂકવામાં આવે. અમુક મિશનરીઓ સિવાય બધાને દેશ છોડવાનું કહેવામાં આવ્યું.

મુશ્કેલીઓ છતાં, ઈટાલીમાં ઘણા લોકો યહોવાહની સેવા કરવા લાગ્યા. (યશાયાહ ૨:૨-૪) યહોવાહના સાક્ષીઓમાં ઘણો જ વધારો થયો. વર્ષ ૨૦૦૪માં પ્રકાશકોની સંખ્યા ૨,૩૩,૫૨૭ હતી. એટલે કે, એક સાક્ષી દીઠ ૨૪૮ વ્યક્તિઓ. એટલું જ નહિ, ૪,૩૩,૨૪૨ લોકોએ ખ્રિસ્તના સ્મરણ પ્રસંગમાં હાજરી આપી હતી. ત્યાં ૩,૦૪૯ મંડળો છે. આ મંડળોના કિંગ્ડમ હૉલ પણ છે. તાજેતરમાં, અમુક ભાષાઓના લોકોમાં ખાસો એવો વધારો જોવા મળ્યો છે.

ઘણી ભાષાઓમાં શુભ સંદેશો જણાવવો

ઘણા લોકો આફ્રિકા, એશિયા અને પૂર્વ યુરોપના દેશોમાંથી ઈટાલી આવ્યા છે. જેથી, તેઓ કંઈક કામ કરીને પોતાની આર્થિક પરિસ્થિતિ સુધારી શકે. આ દેશમાં આવેલા લાખો પરદેશીઓને કઈ રીતે પરમેશ્વરનું જ્ઞાન શીખવા મદદ કરી શકાય?

ઈટાલીના ઘણા ભાઈબહેનોએ અલગ અલગ ભાષાઓ શીખવાનું શરૂ કર્યું છે. જેમ કે અરબી, આમહેરિક, આલ્બેનિયન, ચીની, ટાગાલોગ, પંજાબી, બંગાળી અને સિંહાલી ભાષા. વર્ષ ૨૦૦૧ની શરૂઆતથી, પરદેશીઓને કઈ રીતે શુભસંદેશો જણાવવો એ મોટો સવાલ હતો. એમ કરવા અલગ અલગ ભાષાને લગતા કોર્સ તૈયાર કરવામાં આવ્યા. છેલ્લા ત્રણ વર્ષોમાં, ૭૯ કોર્સ રાખવામાં આવ્યા હતા. એમાં ૧૭ ભાષાઓમાં ૩,૭૧૧ ભાઈબહેનો ભાષા શીખવા આવ્યા હતા. એ કારણથી ૨૫ ભાષાનાં ૧૪૬ મંડળો અને ૨૭૪ ગ્રૂપો છે. એમ કરવાથી ઘણા નમ્ર લોકો પરમેશ્વર વિષે બાઇબલમાંથી શીખી રહ્યાં છે. તેઓ કઈ રીતે સત્ય શીખી રહ્યા છે એ જાણવા જેવું છે.

યહોવાહના એક સાક્ષીએ ભારતથી આવેલા જ્યોર્જને બાઇબલમાંથી પરમેશ્વર વિષે બતાવ્યું. તે મલયાલમ ભાષા બોલતો હતો. કામ પર ઘણી મુશ્કેલી હોવા છતાં તેણે બાઇબલ અભ્યાસ શરૂ કર્યો. થોડા દિવસો પછી, જ્યોર્જ એક પંજાબી મિત્ર ગીલને કિંગ્ડમ હૉલમાં લઈ ગયો. ગીલે પણ બાઇબલ અભ્યાસ શરૂ કર્યો. ગીલે પોતાના એક તેલુગુ મિત્ર, ડેવિડની સાક્ષીઓ સાથે ઓળખાણ કરાવી. ડેવિડે પણ અભ્યાસ શરૂ કર્યો. ડૅવિડના ઘરમાં જ સોની અને સુભાષ રહેતા હતા. તેઓ પણ બાઇબલ અભ્યાસમાં જોડાયા.

એના થોડાં અઠવાડિયાં પછી, મરાઠી ભાષા બોલતા દિલીપે સાક્ષીઓને ફોન કર્યો. તેણે કહ્યું: “હું જ્યોર્જનો મિત્ર છું. મારે પણ બાઇબલ અભ્યાસ કરવો છે.” ત્યાર પછી તામીલ ભાષા બોલતા સુમીતે પણ બાઇબલ અભ્યાસ વિષે પૂછ્યું. જ્યોર્જના બીજા એક મિત્રએ પણ ફોન કરીને બાઇબલ અભ્યાસની માંગણી કરી. ત્યાર પછી જ્યોર્જ મૅક્સને કિંગ્ડમ હોલમાં લઈ આવ્યો. તેણે પણ બાઇબલ અભ્યાસ વિષે પૂછ્યું. તેઓ બધા જ ભારતથી ઈટાલી ગયા છે. આજે, છ જણા બાઇબલમાંથી અભ્યાસ કરી રહ્યા છે. બીજા ચારની ગોઠવણ કરવામાં આવી છે. તેઓ અંગ્રેજીમાં અભ્યાસ કરે છે. પરંતુ, એ માટે ઉર્દુ, તામીલ, તેલુગુ, પંજાબી, મરાઠી, મલયાલમ અને હિન્દી સાહિત્ય વાપરે છે.

બહેરાઓ શુભસંદેશો “સાંભળે” છે

ઈટાલીમાં ૯૦,૦૦૦ કરતાં વધારે બહેરા લોકો છે. લગભગ ૧૯૭૪-૭૫ની સાલમાં, સાક્ષીઓએ તેઓને કઈ રીતે બાઇબલ શીખવી શકાય એના પર વિચાર કર્યો. શરૂઆતમાં, કેટલાક બહેરા સાક્ષીઓ બીજા ભાઈબહેનોને બહેરાની ભાષા એટલે કે ઈટાલીયન સાઈન લેંગ્વેજ શીખવવા લાગ્યા. ધીમે ધીમે વધારેને વધારે બહેરા લોકો બાઇબલ શીખવામાં રસ બતાવવા લાગ્યા. આજે, ૧,૪૦૦ કરતાં વધારે લોકો સભાઓમાં આવે છે. તેઓની ભાષામાં ૧૫ મંડળો અને ૫૨ ગ્રૂપો છે.

કેટલાંક વર્ષો સુધી, અમુક ઉત્સાહી ભાઈબહેનો જ બહેરાઓને પ્રચાર કરતા હતા. પરંતુ, ૧૯૭૮થી યહોવાહના સાક્ષીઓની ઈટાલીની બ્રાંચ બહેરાઓ માટે સંમેલનની ગોઠવણ કરવા લાગી. એ વર્ષના મે મહિનામાં, મિલાન શહેરમાં આંતરરાષ્ટ્રીય સંમેલન થયું. એમાં બહેરાઓ માટે એક વિભાગ હતો. ફેબ્રુઆરી ૧૯૭૯માં મિલાનમાં બહેરાઓ માટેનું સૌ પ્રથમ સરકીટ સંમેલન રાખવામાં આવ્યું.

ત્યારથી ઈટાલી બ્રાંચ ઑફિસ આવી વ્યક્તિઓ સુધી પરમેશ્વરનું સત્ય પહોંચાડવા બધું જ કરવા લાગી. તેઓ ભાઈબહેનોને સાઈન લેંગ્વેજ શીખવા વધારે ઉત્તેજન આપવા લાગ્યા. વર્ષ ૧૯૯૫થી, બહેરાઓના ગ્રૂપમાં ખાસ પાયોનિયરોને મોકલ્યા. જેથી તેઓ તેમને શીખવી શકે કે સભાઓ કઈ રીતે ચલાવવી અને પ્રચાર કેવી રીતે કરવો જોઈએ. તેઓ પ્રોગ્રામ બરાબર જોઈ શકે એ માટે ત્રણ સંમેલન હૉલમાં મોટા ટીવી રાખવામાં આવ્યા છે. તેમ જ તેઓને પરમેશ્વર વિષે વધારે શીખવવા વિડીયો પણ બહાર પાડી છે.

લોકોએ નોંધ કર્યું કે સાક્ષીઓ બહેરી વ્યક્તિઓને પણ પરમેશ્વરનું જ્ઞાન પહોંચાડવા ખૂબ જ મહેનત કરે છે. ઈટાલીના બહેરા લોકોનો સમાજ એક મૅગેઝિન બહાર પાડે છે. એક કૅથલિક પાદરીએ એ મૅગેઝિનના મંત્રીને પત્ર લખ્યો હતો. એમાં તેણે આમ કહ્યું, ‘જ્યારે બહેરા લોકો ચર્ચમાં આવે ત્યારે તેઓનું સતત ધ્યાન રાખવું જોઈએ. દાખલા તરીકે, તે ચર્ચમાં તો કોઈની મદદ વગર આવી શકે છે. પણ પછી તેઓને કોણ મદદ કરે? જે કંઈ વાંચવામાં આવે, જાહેરાત કરવામાં આવે કે ભજન ગાવામાં આવે ત્યારે એનું સાઈન લેંગ્વેજમાં ભાષાંતર કરવું જોઈએ. પણ દુઃખની વાત છે કે ચર્ચ તેઓને મદદ કરવા તૈયાર નથી. દેવળો કરતાં યહોવાહના સાક્ષીઓના કિંગ્ડમ હૉલમાં તેઓની સારી રીતે કાળજી રાખવામાં આવે છે.’

કેદીઓને શુભ સંદેશો જણાવવો

શું કેદીઓ જેલમાં આઝાદ થઈ શકે? હા, જરૂર થઈ શકે! જોકે જેલમાંથી નહિ. પણ બાઇબલમાં એટલી શક્તિ છે કે જે કોઈ એનું જ્ઞાન સ્વીકારીને એ પ્રમાણે જીવે તો તે “મુક્ત” કે આઝાદ થઈ શકે. ઈસુએ “બંદીવાનોને” પાપ અને જૂઠા ધર્મમાંથી મુક્ત કરવાનો સંદેશો જાહેર કર્યો હતો. (યોહાન ૮:૩૨; લુક ૪:૧૬-૧૯) ઈટાલીમાં કેદીઓને પ્રચાર કરવાના સારાં ફળ મળ્યાં છે. ઈટાલીયન સરકારે લગભગ ૪૦૦ ભાઈબહેનોને જેલમાં કેદીઓની મુલાકાત લઈને પરમેશ્વર વિષે પ્રચાર કરવાની રજા આપી છે. આ રીતે સૌથી પહેલા યહોવાહના સાક્ષીઓને રજા મળી છે.

આજે લોકો અલગ અલગ રીતોએ બાઇબલનો સંદેશો સાંભળી રહ્યા છે. જેમ કે, એક કેદી બીજા કેદીને જણાવે છે કે યહોવાહના સાક્ષીઓ બાઇબલમાંથી શું શીખવે છે. એના લીધે કેટલાક કેદીઓએ સાક્ષી ભાઈબહેનોને વિનંતી કરી કે અમને પણ બાઇબલમાંથી શીખવો. કોઈ કુટુંબે સાક્ષીઓ સાથે બાઇબલ અભ્યાસ શરૂ કર્યો હોય તો તેઓ સાક્ષીને કહે છે કે ‘જેલમાં અમારા કુટુંબની એક વ્યક્તિ છે. તેની સાથે પણ તમે અભ્યાસ કરો.’ આજીવન કેદની સજા થઈ હોય એવા કેદીઓએ પણ પસ્તાવો કરીને જીવનમાં મોટા ફેરફારો કર્યા છે. તેઓ હવે બાપ્તિસ્મા લઈને યહોવાહના સેવકો બન્યા છે.

ઘણી જેલોમાં અનેક ગોઠવણો કરવામાં આવી છે. જેમ કે બાઇબલ વિષય પર ટૉક આપવાની, મેમોરિયલ ઉજવવાની. તેમ જ સાક્ષીઓએ બાઇબલ વિષે જે વિડીયો બહાર પાડી એ જોવાની. એમ કરવાથી ઘણા કેદીઓ આ સભાઓમાં આવે છે.

કેદીઓને મદદ કરવા ભાઈબહેનોએ અમુક મૅગેઝિનનું પણ વિતરણ કર્યું, જેથી એના ખાસ લેખોમાંથી દરેકને લાભ થાય. જેમ કે, મે ૮, ૨૦૦૧ના અવેક!માં લેખ હતો: “શું કેદીઓ સુધરી શકે?” એપ્રિલ ૮, ૨૦૦૩ના અંકમાં લેખ હતો, “કુટુંબમાં ડ્રગ્સનો ઉપયોગ—તમે શું કરી શકો?” આ મૅગેઝિનની હજારો પ્રતો કેદીઓને આપવામાં આવી. પરિણામે, સેંકડો બાઇબલ અભ્યાસ શરૂ થયા. કેટલાક હવાલદારોએ પણ બાઇબલ સંદેશમાં રસ બતાવ્યો.

કાસ્ટનટિનો નામના એક કેદીએ સાન રૅમોના મંડળના કિંગ્ડમ હૉલમાં બાપ્તિસ્મા લીધું. ત્યાં જવા માટે તેને ખાસ રજા લીધી હતી. તેના બાપ્તિસ્મા વખતે ૧૩૮ ભાઈબહેનો હતા. બાપ્તિસ્મા પછી કાસ્ટનટિનોએ ગળગળા થઈને કહ્યું, “ભાઈબહેનોએ મને બહુ જ પ્રેમ બતાવ્યો છે. આવું મેં કદી અનુભવ્યું નથી.” ઈટાલીના એક છાપામાં એક વોર્ડને કાસ્ટનટિનોને આપેલી રજા વિષે આમ કહ્યું: ‘જો કેદીઓના વાણી-વર્તન સુધરે, અને ઈશ્વરના માર્ગમાં ચાલવા માંડે તો આવી રજા આપવામાં અમને કોઈ વાંધો નથી.’ કાસ્ટનટિનોએ બાઇબલમાંથી શીખીને ઘણા સુધારા કર્યા છે. એ જોઈને તેની પત્ની અને દીકરી આભા જ બની ગયા. તેની પત્નીએ કહ્યું: ‘તેમણે જે ફેરફારો કર્યા છે એ માટે અમને ગર્વ થાય છે. હવે તે શાંતિથી રહે છે. અમારી પણ વધારે કાળજી રાખે છે. હવે અમે તેમને ફરીથી માન આપીએ છીએ અને ભરોસો કરીએ છીએ.’ તેઓએ પણ બાઇબલ અભ્યાસ શરૂ કર્યો છે અને સભાઓમાં જાય છે.

સરજીઓએ ચોરી, લૂંટફાટ, ડ્રગ્સની દાણચોરી અને ખૂન કર્યા હોવાથી તેને ૨૦૨૪ સુધી જેલની સજા ફટકારવામાં આવી. તેણે ત્રણ વર્ષ સુધી બાઇબલ અભ્યાસ કરીને જીવનમાં મોટા ફેરફાર કર્યા. પછી, સરજીઓએ બાપ્તિસ્મા લેવાનું નક્કી કર્યું. તેણે ઍલ્બાના ટાપુ પર આવેલી પોર્ટો અઝેરોની જેલમાં બાપ્તિસ્મા લીધું. પોર્ટો અઝેરોની જેલમાંથી કુલ પંદર કેદીઓએ બાપ્તિસ્મા લીધું છે. તેઓ પણ સરજીઓના બાપ્તિસ્મા સમયે હાજર હતા. બાપ્તિસ્મા માટે તેઓએ રમતગમતના મેદાનમાં નાનો હોજ બનાવ્યો હતો.

લીઓનાર્ડો છેલ્લા ૨૦ વર્ષોથી જેલમાં છે. તેને પારમાના મંડળના કિંગ્ડમ હૉલમાં બાપ્તિસ્મા લેવાની ખાસ પરવાનગી આપવામાં આવી હતી. લીઓનાર્ડોએ છાપાના ઇન્ટર્વ્યૂંમાં જણાવ્યું: ‘હું સ્પષ્ટ કરવા ઇચ્છું છું કે મને જેલમાંથી વહેલા છૂટો કરવામાં આવે એ માટે મેં બાઇબલનો અભ્યાસ કર્યો નથી. પણ મને પરમેશ્વરનું જ્ઞાન લેવું હતું. એમ કરવાથી મેં યહોવાહના સાક્ષી બનવાનું નક્કી કર્યું. મેં જીવનમાં ઘણી ભૂલો કરી છે. પરંતુ હવે એમ કરવાનું મેં છોડી દીધું છે. મેં મારા જીવનમાં ઘણા ફેરફારો કર્યા છે. એ કંઈ આપોઆપ આવી ગયા નથી. મારે ઘણી મહેનત કરવી પડી છે. પરમેશ્વરના માર્ગમાં ચાલતા રહેવા હજુ હું પ્રયત્ન કરતો રહીશ.’

સાલ્વાટોરે કોઈની હત્યા કરી હતી. તેને સ્પલિટોમાં કડક બંદોબસ્તમાં રાખવામાં આવ્યો હતો. તેનું બાપ્તિસ્મા જેલમાં જ રાખવામાં આવ્યું. તેને બાપ્તિસ્મા લેતા જોઈને ઘણા કેદીઓને આશ્ચર્ય થયું. જેલના વોર્ડને કહ્યું: “આખા સમાજ અને બીજા કેદીઓની ભલાઈ માટે દરેક કેદીને પોતાના વિચારોમાં ફેરફાર કરવાનું ઉત્તેજન આપવું જોઈએ.” સાલ્વાટોરે પોતાના જીવનમાં જે ફેરફારો કર્યા એના લીધે તેની પત્ની અને દીકરીએ યહોવાહના સાક્ષીઓની સભાઓમાં જવાનું શરૂ કર્યું. બાપ્તિસ્મા લીધા પછી સાલ્વાટોરે બીજા એક કેદીને પણ યહોવાહના સેવક બનવા મદદ કરી.

ઈટાલીમાં શરૂઆતના ખ્રિસ્તીઓએ ધર્મનો ફેલાવો કર્યો હતો. (પ્રેરિતોનાં કૃત્યો ૨:૧૦; રૂમી ૧:૭) પાઊલના જમાનાની જેમ આજે પણ લોકોને શુભસંદેશો જણાવવા ખૂબ જ મહેનત કરવામાં આવી રહી છે.—પ્રેરિતોનાં કૃત્યો ૨૩:૧૧; ૨૮:૧૪-૧૬.

[પાન ૧૩ પર નકશા]

(લેખને છપાયો છે એવો જોવા એ પ્રકાશનમાં જુઓ)

ઈટાલી

રોમ

[પાન ૧૫ પર ચિત્ર]

બીટોન્ટો સંમેલન હૉલ અને રોમમાં ઈટાલીયન સાઈન લૅંગ્વેજ મંડળ

[પાન ૧૬ પર ચિત્ર]

બાઇબલ સત્યથી કેદીઓ ‘મુક્ત’ થયા

[પાન ૧૭ પર ચિત્રો]

શરૂઆતના ખ્રિસ્તીઓની જેમ આજે પણ ઘણા લોકો સત્ય સ્વીકારે છે