“તેની માન્યતાને લીધે સતાવવામાં આવ્યો”
“તેની માન્યતાને લીધે સતાવવામાં આવ્યો”
નારસીસો રીટ કોણ હતો? તેના માબાપ ઇટાલીના હતા પણ તેનો જન્મ જર્મનીમાં થયો હતો. નારસીસો ૧૯૩૦ના દાયકામાં યહોવાહનો સાક્ષી બન્યો હતો. હિટલરના રાજમાં યહોવાહના સાક્ષીઓની સખત સતાવણી થઈ હતી. કારણ કે તેઓએ હિટલરની નહિ પણ યહોવાહ પરમેશ્વરની ઇચ્છા પ્રમાણે ચાલવાનું નક્કી કર્યું હતું. તેથી રીટને મારી નાખવામાં આવ્યો. તેના જેવા બીજા ઘણાને હિટલરના માણસોએ મોતને ઘાટ ઉતારી દીધા. તેઓની યાદમાં લોકોએ શું કર્યું? ઉત્તર ઇટાલીમાં સનાબીઓ ગામના એક બાગમાં સ્મારક બનાવ્યું. જેઓ પર જુલમ થયો હતો તેઓના નામ ત્યાં તકતી પર લખવામાં આવ્યા. નારસીસો રીટનું પણ એમાં નામ છે.
હિટલરની પોલીસને કેવી રીતે ખબર પડી કે રીટ યહોવાહનો સાક્ષી છે? તે છાવણી કે જેલમાં હતો ત્યારે તેની પાસે ચોકીબુરજ મૅગેઝિન હતા. એની પોલીસને ખબર પડી ગઈ. તેથી, તે ઇટાલીના સનાબીઓમાં નાસી ગયો. ત્યાં તે ચોકીબુરજનું ઇટાલિઅન ભાષામાં ભાષાંતર કરીને યહોવાહના બીજા ભક્તોને આપતો હતો. તે બહુ ઉત્સાહથી આ કામ કરતો. હિટલરની પોલીસને એની ગંધ આવી ગઈ. એક દિવસે તેઓએ તેના ઘર પર છાપો માર્યો. તેઓને રીટ પાસેથી બાઇબલ અને થોડા પત્રો મળ્યા! એ કારણથી તેને એક ગુનેગાર તરીકે જેલમાં પૂરી દીધો. પછી તેને જર્મનીમાં મોકલી દેવામાં આવ્યો. અહીં તેને ડાકાન મજૂરી છાવણીમાં રાખવામાં આવ્યો. બીજું વિશ્વયુદ્ધ પૂરું થવાના થોડા સમય પહેલાં પોલીસે તેને મોતને ઘાટ ઉતારી દીધો. તેની યાદમાં તકતી પર લખવામાં આવ્યું કે નારસીસો રીટને “તેની માન્યતાને લીધે સતાવવામાં આવ્યો.”
હિટલરના રાજમાં નારસીસો રીટ અને બીજા ઘણા યહોવાહના સાક્ષીઓને સતાવવામાં આવ્યા હતા. તેઓનું ઉદાહરણ આપણને મરણ સુધી યહોવાહને વિશ્વાસુ રહેવા ઉત્તેજન આપે છે. કેમ કે આખા વિશ્વમાં તે જ આપણી ઉપાસનાને યોગ્ય છે. (પ્રકટીકરણ ૪:૧૧) ઈસુએ કહ્યું: “ન્યાયીપણાને લીધે જેઓની સતાવણી કરાઈ છે તેઓને ધન્ય છે.” પરમેશ્વર તેઓના કાર્યોને ભૂલી જશે નહિ. તેઓએ બતાવેલી હિંમતનું તે જરૂર ફળ આપશે.—માત્થી ૫:૧૦; હેબ્રી ૬:૧૦.