સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

માબાપ, કુટુંબની દરેક જરૂરિયાતો પૂરી પાડો

માબાપ, કુટુંબની દરેક જરૂરિયાતો પૂરી પાડો

માબાપ, કુટુંબની દરેક જરૂરિયાતો પૂરી પાડો

‘જે માણસ પોતાના કુટુંબની સંભાળ રાખતો નથી, તેણે વિશ્વાસનો ત્યાગ કર્યો છે.’—૧ તીમોથી ૫:૮.

૧, ૨. (ક) કુટુંબોને મિટિંગમાં જોઈને આપણને કેમ ઉત્તેજન મળે છે? (ખ) મિટિંગમાં આવતા પહેલાં કુટુંબે કેવી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે?

 મિ ટિંગ શરૂ થવાની તૈયારીમાં જ છે. તમે હૉલમાં ચારે બાજુ નજર નાખો છો. તમને શું જોવા મળે છે? બધા જ બાળકો પોતાના મમ્મી પપ્પા સાથે શાંતિથી બેસી ગયા છે. આ દૃશ્ય કેવું સરસ લાગે છે! એના પરથી શું જોવા મળે છે? એ જ કે કુટુંબને યહોવાહ તેમ જ એકબીજા માટે ખૂબ પ્રેમ છે. તમે કદી વિચાર્યું છે કે તેઓએ મિટિંગમાં આવતા પહેલાં શું કર્યું હતું?

માબાપ નોકરી પરથી ઘરે આવે છે. આવતાની સાથે જ ઘરની સાફસફાઈ કરે છે. રસોઈ બનાવે છે. બાળકો પોતાનું લેસન પૂરું કરે છે. પછી તેઓ જમે છે. આ બધું જ તેઓ ઝડપથી કરે છે. જેથી મિટિંગમાં સમયસર પહોંચી શકે. તોપણ અમુક સમયે બાબતો વિચારી હોય એના કરતાં એકદમ અલગ બને છે. જેમ કે જમતાં જમતાં બાળકો કપડાં બગાડે. અથવા બાળકો રમતાં હોય ત્યારે એકાદનું પેન્ટ ફાટી જાય. તેઓ અંદરોઅંદર ઝઘડી પડે. (નીતિવચનો ૨૨:૧૫) આ બધી તકલીફો ઊભી થાય તોપણ તેઓ મોટા ભાગે સમયસર મિટિંગમાં આવી જાય છે. આમ, સમય પર પહોંચવું કંઈ સહેલું નથી. માબાપે સખત મહેનત કરવી પડે છે. તેઓ ઘણાં વર્ષોથી એમ કરે છે. શું એ જોઈને આપણું હૈયું આનંદથી ઉભરાય જતું નથી? માબાપની આવી મહેનતથી બાળકો યહોવાહના ભક્તો બને છે.

૩. યહોવાહની નજરમાં કુટુંબ કેમ અતિમૂલ્ય છે?

માબાપો, તમે તન-મનથી તમારા કુટુંબની સંભાળ રાખવાનો પ્રયત્ન કરો છો ત્યારે થાકીને લોથપોથ થઈ જાવ છો, ખરું ને? પરંતુ, હિંમત રાખો, યહોવાહ તમારા પ્રયત્નોની કદર કરે છે. એ રીતે કુટુંબની કાળજી રાખવાથી તમે ઈશ્વરને માન આપો છો. કેમ કે યહોવાહે કુટુંબની રચના કરી છે. (એફેસી ૩:૧૪, ૧૫; ૧ કોરીંથી ૧૦:૩૧) તમે તેમની નજરમાં અતિમૂલ્ય છો. એ જાણીને શું તમને આનંદ નથી થતો! તેથી, કુટુંબની સંભાળ રાખવા વિષે બાઇબલ શું કહે છે એ જાણવું બહુ જરૂરી છે. ચાલો આપણે એ માટેની ત્રણ રીતો તપાસીએ.

જીવનની જરૂરિયાતો પૂરી પાડો

૪. બાળકોની સંભાળ રાખવા વિષે યહોવાહે કેવી ગોઠવણ કરી છે?

પ્રેષિત પાઊલે લખ્યું: “જે માણસ પોતાની ને વિશેષે કરીને પોતાના કુટુંબની સંભાળ રાખતો નથી, તેણે વિશ્વાસનો ત્યાગ કર્યો છે, એમ સમજવું; તે તો અવિશ્વાસી કરતાં પણ ભૂંડો છે.” (૧ તીમોથી ૫:૮) પાઊલે અહીં “જે માણસ” કહ્યું એ કોણ છે? તે કુટુંબના વડા વિષે વાત કરે છે. કુટુંબની જરૂરિયાતો પૂરી કરવાની જવાબદારી મોટા ભાગે પિતાની છે. તો પછી, શું એનો એવો અર્થ થાય કે માતાની કોઈ જવાબદારી નથી? ના, એવું નથી. આ માટે તેઓ પણ પોતાના પતિને સાથ આપે છે. (ઉત્પત્તિ ૨:૧૮) બાઇબલ જમાનામાં પત્નીઓ એમ જ કરતી હતી. (નીતિવચનો ૩૧:૧૩, ૧૪, ૧૬) આમ માબાપ બંને સાથે મળીને આ જવાબદારી ઉપાડે એ વધારે સારું છે. પણ દુઃખની વાત છે કે આજે મંડળમાં ઘણાં મા કે બાપે એકલે હાથે કુટુંબની જવાબદારી ઉપાડવી પડે છે. * આપણે જાણીએ છીએ કે એમ કરવું કંઈ સહેલું નથી. તોપણ તેઓ આ જવાબદારી સારી રીતે નિભાવી રહ્યાં છે.

૫, ૬. (ક) કુટુંબનું ભરણપોષણ કરવું કેમ અઘરું છે? (ખ) શા માટે પિતા મજૂરી કરતા પણ અચકાતા નથી?

પાઊલે કુટુંબની સંભાળ રાખવા વિષે જણાવ્યું ત્યારે તેમના કહેવાનો ખરેખર શું અર્થ થતો હતો? તે રોટી, કપડાં અને મકાન વિષે જણાવતા હતા. જોકે, આજના જમાનામાં એ પૂરું પાડવું બહુ અઘરું છે. કેમ કે નોકરી સહેલાયથી મળતી નથી. દિવસે દિવસે મોંઘવારી પણ વધતી જાય છે. આવી, પરિસ્થિતિમાં પિતા હિંમત હારી જઈ શકે. પરંતુ, એ માટે તે બાઇબલમાંથી મદદ મેળવી શકે.

બાઇબલ બતાવે છે કે પિતા કુટુંબની જવાબદારી ઉપાડીને યહોવાહની આજ્ઞા પાળે છે. દુઃખની વાત છે કે ઘણા પિતા આજ્ઞા પાળતા નથી. કેમ કે તેઓને બીજાઓ માટે પ્રેમ હોતો નથી. (૨ તીમોથી ૩:૧,) પોતાના કુટુંબનું ભરણપોષણ નહિ કરનારા પિતા વિષે પાઊલે કહ્યું, ‘તેઓએ વિશ્વાસનો ત્યાગ કર્યો છે.’ જોકે, યહોવાહને માર્ગે ચાલતા પિતાઓ પોતાની જવાબદારીથી મોં ફેરવી લેતા નથી. તેઓ કુટુંબની જરૂરિયાતો પૂરી પાડવા મજૂરી કરતા પણ અચકાતા નથી.

૭. કેવી રીતે ઈસુએ માબાપ માટે સારો દાખલો બેસાડ્યો છે?

પિતાઓ માટે ઈસુએ સરસ દાખલો બેસાડ્યો છે. કેવી રીતે? તેમણે આપણા માટે પોતાનું જીવન આપી દીધું. આમ, તે મનુષ્યના “સનાતન પિતા” બન્યા. (યશાયાહ ૯:૬, ૭; ૧ કોરીંથી ૧૫:૪૫) આપણા પહેલા પિતા આદમનો વિચાર કરો. તે પોતાનું જ વિચારતો હતો. એટલે તેણે પાપ કર્યું. જ્યારે ઈસુ વિષે બાઇબલ શું કહે છે એ નોંધ કરો: “આપણા માટે ખ્રિસ્ત મરણ પામ્યા તેમાં આપણે તેમનો પ્રેમ જોઈ શકીએ છીએ.” (૧ યોહાન ૩:૧૬, IBSI) અહીંયા જોવા મળે છે કે ઈસુ ફક્ત પોતાનું જ નહિ પણ સર્વ મનુષ્યનું ભલું ચાહતા હતા. તે પૃથ્વી પર હતા ત્યારે તેમણે નાની નાની વાતમાં પણ બીજાઓનું ધ્યાન રાખ્યું. એ માટે પોતે ઘણું જતું કર્યું. પિતાઓ, તમારે પણ કુટુંબ માટે આવા નાના મોટા ભોગ આપવા પડે. એનાથી, તમને અને તમારા કુટુંબને જ લાભ થશે.

૮, ૯. (ક) ઈસુએ આપેલા મરઘીના ઉદાહરણમાંથી મા-બાપ શું શીખી શકે? (ખ) આજે મા-બાપ પોતાનાં બાળકોની જરૂરિયાતો પૂરી પાડવા શું કરે છે?

ઈસુનો પ્રેમ સ્વાર્થ વગરનો હતો. તેમણે પરમેશ્વરના માર્ગમાંથી ભટકી ગયેલા લોકોને આવો પ્રેમ બતાવતા કહ્યું: “જેમ મરઘી પોતાનાં બચ્ચાંને પાંખો તળે એકઠાં કરે છે, તેમ તારાં છોકરાંને એકઠાં કરવાનું મેં કેટલી વાર ચાહ્યું.” (માત્થી ૨૩:૩૭) તેમણે કેટલું સરસ શબ્દ ચિત્ર વાપર્યું. મરઘી જોખમના સમયે બચ્ચાંને પોતાની પાંખો તળે લઈને તેમનું રક્ષણ કરે છે. મરઘીની જેમ બીજા પક્ષીઓ પણ બચ્ચાં માટે દરરોજ ખાવાનું ચણી લાવીને તેમના મોંમાં મૂકે છે. બચ્ચાં ભૂખ્યા રહે અને ચીં-ચીં કરે તો, તે થાક્યા વગર પાછા ખાવાનું લેવા દોડી જાય છે. માબાપ એમાંથી ઘણું શીખી શકે છે.—નીતિવચનો ૩૦:૨૪.

યહોવાહના સેવકો પક્ષીઓની જેમ પોતાના કુટુંબની સંભાળ રાખવા બનતું બધું જ કરે છે. તેઓ પેટે પાટા બાંધીને બાળકોને મોટા કરે છે. તેમના માટે રોટી, કપડાં અને મકાન પૂરાં પાડે છે. પૂરતું શિક્ષણ આપે છે. આ બધું કરવું કંઈ સહેલું નથી. એ માટે તેઓએ વહેલા ઊઠીને નોકરીએ જવું પડે છે. તેઓને એમ કરતા જોઈને યહોવાહને કેટલો આનંદ થાય છે! (હેબ્રી ૧૩:૧૬) કુટુંબનું ભરણપોષણ કર્યા સિવાયની બીજી મહત્ત્વની જરૂરિયાતો પણ તેઓ પૂરી પાડે છે. એ શું છે? ચાલો આપણે એના વિષે જોઈએ.

ઈશ્વર વિષે શીખવો

૧૦, ૧૧. મનુષ્યની સૌથી મહત્ત્વની જરૂરિયાત કઈ છે? માબાપે બાળકોની આ જરૂરિયાત કેવી રીતે પૂરી કરવી જોઈએ?

૧૦ શું માબાપ બાળકો માટે ફક્ત રોટી, કપડાં અને મકાન પૂરાં પાડે એ જ જરૂરી છે? ના. ઈસુએ કહ્યું: “માણસ એકલી રોટલીથી નહિ, પણ હરેક શબ્દ જે દેવના મોંમાંથી નીકળે છે તેથી જીવશે.” (માત્થી ૪:૪; ૫:૩) એ બતાવે છે કે બધાને ઈશ્વરના જ્ઞાનની તરસ હોય છે. તો માબાપ બાળકોને કઈ રીતે પરમેશ્વર વિષે શીખવી શકે?

૧૧ બાળકોને પરમેશ્વરનું જ્ઞાન આપતા પહેલાં માબાપે પોતે એ જ્ઞાન લેવું જોઈએ. એના વિષે પુનર્નિયમ ૬:૫-૭ શું કહે છે? ચાલો આપણે આ કલમો વાંચીએ. એ બતાવે છે કે માબાપને યહોવાહ માટે પ્રેમ હોવો જોઈએ. તેમનામાં પૂરી શ્રદ્ધા હોવી જોઈએ. તેમ જ બાઇબલમાં પૂરો ભરોસો હોવો જોઈએ. એ માટે તેઓએ દરરોજ બાઇબલ વાંચીને એના પર મનન કરવું જોઈએ. એનાથી યહોવાહના નિયમો અને સિદ્ધાંતો તેમના દિલમાં ઉતરશે. ત્યાર પછી તેઓ પોતાના છોકરાંઓને પણ યહોવાહનું સત્ય શીખવી શકશે.—લુક ૬:૪૫.

૧૨. માબાપ કઈ રીતે ઈસુના ઉદાહરણને અનુસરીને બાળકોને શીખવી શકે?

૧૨ માબાપને યહોવાહમાં અતૂટ શ્રદ્ધા હશે તો તેઓ બાળકોને ઈશ્વર વિષે “ખંતથી” શીખવશે. એનો શું અર્થ થાય? તેઓ અમુક સમયે જ યહોવાહના સત્ય વિષે વાત નહિ કરે. પરંતુ, દરેક સમયે યહોવાહ વિષે શીખવવાની તક ઝડપી લેશે. કેમ કે યહોવાહ જાણે છે કે એક વાર શીખવવાથી આપણે તરત જ શીખી જઈશું નહિ. આપણને વારંવાર શીખવવાની જરૂર છે. ઈસુએ પણ એ જ રીતે તેમના શિષ્યોને શીખવ્યું હતું. દાખલા તરીકે, તેઓને ઉદાહરણ આપીને નમ્રતા વિષે શીખવ્યું. તેઓના પગ ધોઈને પણ નમ્રતાનો પાઠ શીખવ્યો. (માત્થી ૧૮:૧-૪; ૨૦:૨૫-૨૭; યોહાન ૧૩:૧૨-૧૫) આ બધુ તેમણે ધીરજથી શીખવ્યું. તેવી જ રીતે, માબાપે પણ ધીરજ રાખવી જોઈએ. યહોવાહની જેમ વારંવાર બાળકોને સત્ય શીખવવું જોઈએ.

૧૩, ૧૪. બાળકોને યહોવાહ વિષે ક્યારે શીખવી શકીએ? કઈ માહિતીનો ઉપયોગ કરી શકીએ?

૧૩ માબાપે નિયમિત રીતે બાળકો સાથે અભ્યાસ કરવો જોઈએ. એમ કરવાથી તેઓ બાળકોના દિલમાં સત્ય ઉતારી શકશે. યહોવાહના સંગઠને બહાર પાડેલાં જુદા જુદા પુસ્તકોનો ઘણાં કુટુંબો બાળકો સાથે અભ્યાસ કરે છે. જેમ કે બાઇબલ વાર્તાઓનું મારું પુસ્તક અથવા પ્રશ્નો જે યુવાન લોકો પૂછે છે—જવાબો જે સફળ થાય છે. * એમાં આપેલી માહિતી તેઓ પોતાના જીવનમાં લાગુ પાડે છે. પણ શું ફક્ત સ્ટડી વખતે જ બાળકોને યહોવાહ વિષે શીખવવું જોઈએ?

૧૪ ના. કેમ કે પુનર્નિયમ ૬:૭ બતાવે છે તેમ, આપણે ઘરકામ કરતા હોઈએ, મુસાફરી કરતા હોઈએ કે આરામ કરતા હોઈએ ત્યારે પણ શીખવી શકીએ. એનો એવો અર્થ નથી કે આપણે દરેક સમયે બાઇબલમાંથી “ભાષણ” આપવાનું શરૂ કરી દઈએ. આપણે યહોવાહની અદ્‍ભુત રચના, સુંદર જગ્યાઓ અને જુદા જુદા સમાજ વિષે ચર્ચા કરી શકીએ. એ બધા વિષે આપણને સજાગ બનો!માંથી ઘણા લેખો મળી આવે છે. એમ કરતા રહીશું તો બાળકોને વિશ્વાસુ અને બુદ્ધિમાન ચાકર વર્ગે બહાર પાડેલાં પ્રકાશનો હોંશે હોંશે વાંચવાનું મન થશે.—માત્થી ૨૪:૪૫-૪૭.

૧૫. માબાપ બાળકોને પ્રચાર કરવાનું કેવી રીતે ઉત્તેજન આપી શકે?

૧૫ બાળકોને પ્રચાર કરવાનું પણ શીખવવું જોઈએ. કેવી રીતે શીખવી શકીએ? તમે ચોકીબુરજ કે સજાગ બનો! પર વાત કરતા હોવ ત્યારે તેઓને પૂછી શકો, “આના વિષે બીજા લોકો જાણે તો કેટલું સારું, નહિ?” અથવા, “આવા વિષયોમાં લોકોને રસ પડે એ માટે આપણે શું કહી શકીએ? તને શું લાગે છે?” બાળકો સાથે આ રીતે વાત કરવાથી આપણે તેઓના દિલમાં પ્રચાર કરવાની ઇચ્છા પ્રગટાવીએ છીએ. એનાથી, તેઓ તમારી સાથે પ્રચારમાં આવવા ઉત્સુક બનશે. તેમ જ લોકો સાથે વાત કરવાનો આનંદ માણી શકશે.—પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૩૫.

૧૬. માબાપની પ્રાર્થનાઓ સાંભળીને બાળકો શું શીખી શકશે?

૧૬ માબાપ છોકરાં સાથે પ્રાર્થના કરીને પણ તેઓને ઈશ્વર વિષે શીખવી શકે. ઈસુએ પણ તેમના શિષ્યોને પ્રાર્થના કરતા શીખવ્યું. એટલું જ નહિ, તેમણે ઘણી વાર તેઓની સાથે પ્રાર્થના કરી હતી. (લુક ૧૧:૧-૧૩) યહોવાહના દીકરા સાથે પ્રાર્થના કરીને તેઓ એમાંથી કેટલું શીખ્યા હશે એનો વિચાર કરો! જો તમે ઈસુની જેમ તમારાં બાળકો સાથે પ્રાર્થના કરશો તો તેઓ પણ ઘણું શીખી શકશે. તેઓ શીખશે કે તેઓને કોઈ ચિંતા કે મુસીબત હોય ત્યારે કેવી રીતે દિલ ખોલીને યહોવાહને પ્રાર્થના કરી શકે. એમ કરવાથી તેઓનો યહોવાહ સાથેનો સંબંધ ગાઢ થશે અને તેઓ કાયમ તેમના માર્ગમાં ચાલતા રહેશે.—૧ પીતર ૫:૭.

બાળકોને પ્રેમની જરૂર છે

૧૭, ૧૮. (ક) બાળકોને પ્રેમ બતાવવા વિષે બાઇબલ શું કહે છે? (ખ) એક પિતા કઈ રીતે યહોવાહનું અનુકરણ કરી શકે?

૧૭ બાઇબલ કહે છે: માબાપે ‘બાળકો પર પ્રેમ રાખવો’ જોઈએ. (તીતસ ૨:૪) એમ કરવાથી બાળકો લોકોને પ્રેમ બતાવતા શીખી શકશે. માબાપ જો એ પ્રમાણે ન કરે તો, એનાથી યહોવાહને દુઃખ થાય છે. અને બાળકોના દિલને પણ બહુ દુઃખ થાય છે. કેમ કે માબાપ, યહોવાહની જેમ પ્રેમ બતાવતા નથી.—ગીતશાસ્ત્ર ૧૦૩:૮-૧૪.

૧૮ એના પરથી જોવા મળે છે કે યહોવાહ માણસોને કેટલો પ્રેમ કરે છે. તેમણે ‘પ્રથમ આપણા માટે પ્રેમ બતાવ્યો’ છે. (૧ યોહાન ૪:૧૯) આમ, યહોવાહે પિતાઓ માટે એક સરસ દાખલો બેસાડ્યો છે. માબાપ યહોવાહની જેમ બાળકોને પ્રેમ બતાવશે તો તેઓનો સંબંધ ગાઢ થશે. જો તેઓ પ્રેમ નહિ બતાવે તો બાળકો ‘નિરાશ થશે.’ (કોલોસી ૩:૨૧) યહોવાહ અને ઈસુનો સંબંધ પણ બહુ ગાઢ હતો. યહોવાહે ઈસુ માટેનો પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો. તેમણે સ્વર્ગમાંથી ઈસુ વિષે આમ કહ્યું, “એના પર હું પ્રસન્‍ન છું.” (માત્થી ૩:૧૭; ૧૭:૫) એ સાંભળીને ઈસુના દિલને કેટલી ખુશી થઈ હશે! યહોવાહની જેમ પિતાઓએ પણ બાળકો સાથે પ્રેમથી બોલવું જોઈએ. એનાથી બાળકના દિલને બહુ જ ખુશી મળે છે.

૧૯. શા માટે બાળકોને શિક્ષા કરવી જોઈએ? અને કેવી રીતે શિક્ષા કરવી જોઈએ?

૧૯ માબાપ શબ્દોથી જ પ્રેમ બતાવે એ પૂરતું નથી. તેઓએ પોતાના કાર્યોથી પ્રેમ બતાવવો જોઈએ. કઈ રીતે? જીવન જરૂરિયાતો પૂરી પાડીને અને યહોવાહ વિષે સત્ય શીખવીને. તેમ જ શિસ્ત, શિખામણ અને સલાહ આપીને તેઓ બાળકો માટેનો પ્રેમ બતાવે છે. જો એમ નહિ કરે તો એ બતાવશે કે તેઓ બાળકોને ચાહતા નથી. (નીતિવચનો ૧૩:૨૪) કેમ કે બાઇબલ કહે છે: “જેના પર પ્રભુ પ્રેમ રાખે છે, તેને તે શિક્ષા કરે છે.” (હેબ્રી ૧૨:૬) જોકે, એનો અર્થ એમ નથી કે યહોવાહ બેફામ શિક્ષા કરે છે. તે હંમેશાં ‘ન્યાયની રીતે શિક્ષા’ કરે છે. (યિર્મેયાહ ૪૬:૨૮) ખરું કે માબાપ માટે એમ કરવું હંમેશાં સહેલું નથી. તોપણ તેઓ એમ કરશે તો એનાથી બાળકો સારી રીતે મોટાં થશે. એટલું જ નહિ, તેઓ સંસ્કારી બનશે. (નીતિવચનો ૨૨:૬) તો માબાપો, તમે પણ એવું જ ઇચ્છતા હશો, ખરું ને?

૨૦. માબાપ કઈ રીતે બાળકોને જીવનનો માર્ગ પસંદ કરવા મદદ કરી શકે?

૨૦ બાળકોને ઉછેરવાની માબાપ પાસે મોટી જવાબદારી છે. કેમ કે તેઓને રોટી, કપડાં અને મકાન જ પૂરાં પાડવા એ પૂરતું નથી. તેઓને યહોવાહનું જ્ઞાન શીખવવાનું છે. તેઓને પ્રેમ પણ બતાવવો જોઈએ. માબાપો, તમે એ તન, મન, ધનથી કરો છો એનાથી યહોવાહને ઘણી જ ખુશી થાય છે. કેમ કે યહોવાહે તમને આ કામ સોંપ્યું છે. એમ કરીને તમે તમારાં છોકરાંને ‘જીવન પસંદ કરવા’ મદદ કરશો. જેથી, તમારાં ‘સંતાન જીવતા રહે.’ (પુનર્નિયમ ૩૦:૧૯) બાળકોને યહોવાહના માર્ગમાં ચાલતા જોઈને તમારા દિલને કેટલી ખુશી થાય છે! (ગીતશાસ્ત્ર ૧૨૭:૩-૫) પરંતુ, સવાલ થાય છે કે આજે બાળકો કઈ રીતે યહોવાહની સેવા કરી શકે? એનો જવાબ હવે પછીના લેખમાં મળશે.

[ફુટનોટ્‌સ]

^ આ લેખમાં કુટુંબની જવાબદારી ઉપાડવા વિષે ખાસ કરીને પિતા પર ભાર મૂકીશું. આ સલાહ એકલે હાથે કુટુંબની સંભાળ રાખતી માતાને પણ લાગુ પડે છે.

^ યહોવાહના સાક્ષીઓ દ્વારા પ્રકાશિત.

તમે શું શીખ્યા?

માબાપ પોતાના બાળકોની નીચેની જરૂરિયાતો પૂરી પાડવા શું કરી શકે?

• જીવનની જરૂરિયાતો?

• પરમેશ્વરનું જ્ઞાન?

• પોતાનો પ્રેમ?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૧૮ પર ચિત્ર]

ઘણાં પક્ષીઓ તેઓનાં બચ્ચાંને ખવડાવવા સખત મહેનત કરે છે

[પાન ૨૦ પર ચિત્ર]

માબાપના દિલમાં યહોવાહનું સત્ય હોવું જોઈએ

[પાન ૨૦, ૨૧ પર ચિત્રો]

માબાપ અલગ અલગ રીતોએ બાળકોને શીખવી શકે છે

[પાન ૨૨ પર ચિત્ર]

માબાપના પ્રેમમાંથી બાળકોને ઘણું ઉત્તેજન મળે છે