શું આખો દિવસ કામમાં જ ડૂબેલા રહેવું જોઈએ?
શું આખો દિવસ કામમાં જ ડૂબેલા રહેવું જોઈએ?
‘આપણી પાસે ઘણું કામ છે એ જાણીને આપણને અનેરો આનંદ થાય છે.’—કૅથરીન માન્સફિલ્ડ, લેખિકા (૧૮૮૮-૧૯૨૩).
શું તમે કામ કરવામાં અનેરો આનંદ માણો છો? કામ આવી પડે ત્યારે તમને કેવું લાગે? શનિ-રવિ તો મોજમસ્તીમાં જતા રહે છે. પરંતુ શું પછી કામ કરવું તમારા માટે મુસીબત બની જાય છે? કે પછી તમે મહેનતુ છો?
આજે લોકો મોટા ભાગનો દિવસ કામ પર જ કાઢતા હોય છે. જેનું જેવું કામ એવી તેની આવક હોય છે. દરેકની જેવી આવક તેવી ત્રેવડ પણ હોય છે. તમે ઉંમરલાયક થાવ ત્યારથી માંડીને રિટાયર્ડ થાવ ત્યાં સુધી કામ જ કરતા હોવ છો. અમુકને કામ કરવાથી સંતોષ મળે છે. તો વળી, બીજાઓ એ જ જુએ છે કે કામ કરવાથી કેટલા પૈસા મળશે? આ કામ કરવાથી મારું નામ કેવી રીતે મોટું થશે? કેટલાક ટાઈમ પસાર કરવા જ કામ કરતા હોય.
જોકે, ઘણા લોકો રોજી-રોટી મેળવવા કામ કરે છે. બીજાઓ માટે કામ કરવું એ જ તેઓનું જીવન છે. અરે, કેટલાક લોકો તો કામ કરતા કરતા જ મરણ પામે છે. દાખલા તરીકે, યુનાઈટેડ નેશન્સનો એક રિપોર્ટ કહે છે, જેટલા લોકો ‘ડ્રગ્ઝ લેવાથી, દારૂ પીવાથી અને યુદ્ધમાં માર્યા જાય છે એના કરતાં વધારે લોકો નોકરી પર માર્યા જાય છે.’ એના વિષે લંડનનું એક છાપું કહે છે: ‘કામ પર દર વર્ષે લગભગ વીસ લાખ લોકો કૅમિકલની ગંધ, રેડિએશનથી થતા કૅન્સર, હૃદય રોગ અને સ્ટ્રોક કે પક્ષઘાતથી મરી જાય છે.’ અફસોસ કે આજે કુમળી વયના બાળકોને પણ કાળી મજૂરી કરવી પડે છે!
એના વિષે માનસશાસ્ત્રી સ્ટીવન બર્ગલાસ કહે છે: ‘ઘણા લોકો કામમાં એટલા ડૂબી જાય છે કે તેઓ સાવ જ ખલાસ થઈ જાય છે.’ કેવી રીતે? તેમનું કહેવું છે, લોકો સખત મહેનત કરીને માંડ માંડ અમુક પોસ્ટ સુધી પહોંચે છે. પછી તેઓને “ડર લાગવા માંડે છે. એના લીધે તેઓ ચિંતામાં ડૂબેલા રહે છે. નિરાશ થઈ જાય છે. હિંમત હારી જાય છે. ધીમે ધીમે નોકરી કે ધંધો તેઓ માટે જેલ બની જાય છે. એ કારણથી તેઓને એમાંથી જરાય આનંદ મળતો નથી.”
કામના દાસ ન બનો
આજે દરેકને જીવવા માટે કામ કરવાની જરૂર છે. એ માટે ઘણા એવા છે કે જેઓ જીવનની જરૂરિયાતો પૂરી પાડવા માટે જ સખત કામ કરતા હોય છે. તેથી તેઓ ઘડિયાળ જોઈને કામ શરૂ કરશે ને પૂરું કરશે. જ્યારે બીજાઓને જાણે કામનો નશો ચડે છે. તેઓ એક વાર કામે પહોંચી જાય એટલે બહારની દુનિયાનું જરાય
ભાન જ રહેતું નથી. એ હદ સુધી કે તેઓને પોતાની લગ્ન-તિથિ જેવો દિવસ પણ યાદ રહેતો નથી.આજનો સમાજ એ બંને વચ્ચેનો ફરક જોઈ શકતો નથી. ઘણા લોકોની રગેરગમાં ફક્ત કામ જ વહેતું રહે છે. તેઓ ઘરે પણ બે મિનિટ શાંતિથી બેસતા નથી. ફોન પર પણ કલાકો સુધી કામ કરતા જ રહે છે. ઘરને પણ ઑફિસ બનાવી દે છે. ઑફિસનું કામ ક્યાં ને ક્યારે કરવું જોઈએ એનું તેઓને જરાય ભાન હોતું નથી. અરે, તેઓ જીવનના છેલ્લા શ્વાસ સુધી કામ જ કરતા હોય છે.
એના વિષે અમુક લોકોને કેવું લાગે છે? ડૉક્ટરોને જોવા મળ્યું છે કે કામમાં ડૂબી જવાના લીધે લોકો વધારે ટેન્શન કે સ્ટ્રેસમાં આવી જાય છે. તેઓ કામ અને ધર્મનું મિશ્રણ કરે છે. એના વિષે ધ સાન ફ્રાન્સિસ્કો એક્ઝામિનર કહે છે: ‘એમાં કંઈ નવાઈ નથી. આજે બધા જ લોકો એમ કરે છે.’
અમેરિકાના કૅલિફોર્નિયામાં સિલિકન વેલી નામનું શહેર છે. ત્યાં અનેક પ્રકારની કૉમ્પ્યુટરની વસ્તુઓ બને છે. એના વિષે એક સર્વે આમ કહ્યું: ‘ત્યાં બહુ કામ ન હોવાથી ઘણા લોકો કામ પરથી વહેલા છૂટી જાય છે. એ કારણથી ઑફિસની કારપાર્કની જગ્યા ખાલી પડી રહે છે. જ્યારે કે, બાજુના ચર્ચમાં કારપાર્ક કરવાની જગ્યા પણ નથી મળતી.’ એ બતાવે છે કે લોકો ધર્મમાં પણ રસ લે છે. અરે, આખી દુનિયામાં જોવા મળ્યું છે કે બાઇબલના શિક્ષણ પ્રમાણે જીવવાથી લોકો પોતાના જીવનમાં સુધારો કરી શક્યા છે.
બાઇબલ આપણને નોકરી-ધંધા વચ્ચે સમતોલ વલણ રાખવા કેવી રીતે મદદ કરી શકે? શું બાઇબલ આપણને નોકરી કે ધંધા પર આવતી મુશ્કેલીઓ દૂર કરવા મદદ કરી શકે? હવે પછીનો લેખ એ સવાલોના જવાબ આપશે.