સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

જગતભરના પ્રચાર કામમાં મારો નાનો ભાગ

જગતભરના પ્રચાર કામમાં મારો નાનો ભાગ

મારો અનુભવ

જગતભરના પ્રચાર કામમાં મારો નાનો ભાગ

આન્‍ના માતેઆક્સિના જણાવ્યા પ્રમાણે

જહાજ પર આગ લાગી હતી. જો હું આ ૧૭૧ મીટર લાંબા જહાજ પર રહી ગઈ હોત તો, ચોક્કસ ડૂબી મરત. પરંતુ જીવ બચાવવા હું દરિયામાં કૂદી પડી. મોજાંઓ ખૂબ ઊછળતા હતા. છતાં, પૂરી શક્તિથી હું જહાજથી દૂર તરવા લાગી. મારી થોડી જ આગળ એક સ્ત્રીએ લાઈફ જેકેટ પહેર્યું હતું. મેં બંને હાથથી તેને પકડી રાખી. હિંમત ને શક્તિ માટે મેં ખૂબ પ્રાર્થના કરી. એ સિવાય હું શું કરી શકું!

આ બનાવ ૧૯૭૧માં બન્યો હતો. એ હું ક્યારેય નહિ ભૂલું. હું ઇટાલીમાં મારી ત્રીજી મિશનરિ સોંપણી માટે જઈ રહી હતી. ભલે મારો બધો સામાન ડૂબી ગયો, પરંતુ હું બચી ગઈ. એ માટે હું યહોવાહનો ઘણો આભાર માનું છું. જેના લીધે આજે પણ હું તેમની ભક્તિ કરું છું. યહોવાહની સેવામાં મારા ઘણા દોસ્તો પણ છે. યહોવાહની ભક્તિ કરવાને લીધે મારી પાસે ઘણી મીઠી યાદો છે. અનેક દેશોમાં પ્રચાર કરવાથી મળેલા આનંદને હું કદીયે નહિ ભૂલું!

મારો જન્મ ૧૯૨૨માં થયો હતો. મારું ગામ રામ-આલાહ, યરૂશાલેમથી ૧૬ કિલોમીટર ઉત્તરે આવેલું છે. મારા મમ્મી-પપ્પા ક્રીટના હતા. પરંતુ પપ્પા નાઝારેથમાં મોટા થયા હતા. મારા ત્રણ ભાઈ ને એક બહેન. ઘરમાં હું સૌથી નાની. મને થોડું ઘણું યાદ છે કે મારો બીજા નંબરનો ભાઈ સ્કૂલમાંથી જોર્ડન નદીએ ફરવા ગયો હતો. ત્યાં રમતા રમતા તે નદીમાં ડૂબી મર્યો. અમને બહુ શોક લાગ્યો હતો. મારી મમ્મીને દરરોજ તેની યાદ સતાવતી હતી. છેવટે અમે રામ-આલાહ છોડીને ગ્રીસના આથેન્સ શહેરમાં રહેવા ગયા. એ વખતે હું ત્રણેક વર્ષની હતી.

અમને સત્ય મળ્યું

ગ્રીસમાં આવ્યાના થોડા સમય પછી મારો મોટો ભાઈ નિકોસ, યહોવાહના સાક્ષીઓ સાથે સ્ટડી કરવા લાગ્યો. ત્યારે તે ૨૨ વર્ષનો હતો. બાઇબલમાંથી શીખીને તે બહુ ખુશ હતો. તેનામાં પ્રચાર કરવાની ધગશ પણ ખૂબ હતી. આ જોઈને એક વાર પપ્પાનો ક્રોધ સળગી ઊઠ્યો. તેમણે નિકોસને ઘરમાંથી કાઢી મૂક્યો. જોકે, અમને બધાને સત્યમાં રસ હતો. પપ્પા વારંવાર પેલેસ્ટાઈન જતા. ત્યારે હું, મમ્મી ને મારી બહેન નિકોસ સાથે મિટિંગમાં જતા. મને હજુ યાદ છે કે અમે ઘરે પાછા જતા ત્યારે, મમ્મી હરખાતી હરખાતી સત્યની વાતો કરતી. પણ મમ્મી ફક્ત ૪૨ વર્ષની હતી ત્યારે કૅન્સરનો શિકાર બની. એનાથી મારા દિલને બહુ જ દુઃખ થયું. હવે મારી મોટી બહેન આરિયાડ પરિવારનું ધ્યાન રાખતી હતી. તે મારાથી થોડાંક વર્ષો જ મોટી હતી, પણ મમ્મીની જેમ અમારી કાળજી રાખતી હતી.

આથેન્સમાં હતા ત્યારે, પપ્પા હંમેશાં મને ઑર્થોડૉક્સ ચર્ચમાં લઈ જતા. તે ગુજરી ગયા પછી પણ હું ચર્ચમાં જતી હતી. પરંતુ, પહેલાં જેટલું નહિ. મને ચર્ચમાં કંટાળો આવતો. કોઈ ખરી ભક્તિ કરતા ન હતા. છેવટે મેં ચર્ચ છોડી દીધું.

પપ્પાના મરણ પછી મેં નોકરી શોધી. મને ફાઇનાન્સ મિનિસ્ટ્રીમાં કામ મળ્યું. મારો ભાઈ નિકોસ પ્રચાર કામમાં ડૂબેલો હતો. તેણે ઘણાં વર્ષ ગ્રીસમાં પ્રચાર કર્યો. વર્ષ ૧૯૩૪માં તે સૈપ્રસ ગયો. એ દિવસોમાં ત્યાં એક પણ સાક્ષી ભાઈબહેન ન હતા. મારો ભાઈ એકલો જ પ્રચાર કાર્યમાં મંડી પડ્યો હતો. વર્ષો બાદ તેણે ગલેશ્યા સાથે લગ્‍ન કર્યા. ગલેશ્યાએ પણ લગ્‍ન પછી વર્ષો સુધી ફુલ-ટાઈમ પાયોનિયર કામ કર્યું. નિકોસ અમને બાઇબલ વિષે પુસ્તકો ને અલગ અલગ મૅગેઝિન મોકલતો રહેતો. પણ એ કોણ વાંચે! નિકોસે મરણ સુધી સૈપ્રસમાં જ પ્રચાર કર્યો.

મારું સપનું

નિકોસના જિગરી દોસ્ત જ્યોર્જ ડુરાસ પણ અમારી નજીક આથેન્સમાં રહેતા હતા. તે પણ પ્રચારમાં ખૂબ જોશીલા હતા. તેમના ઘરે બાઇબલ વિષે શીખવા એક ગ્રૂપ આવતું. તે ૧૯૪૦માં અમારા ઘરે આવ્યા. બાઇબલ વિષે વધુ શીખવા અમને તેમના ઘરે બોલાવ્યા. અમે ગ્રુપ સાથે જોડાયા ને થોડા જ વખતમાં પ્રચાર પણ કરવા લાગ્યા. આરિયાડે ૧૯૪૨માં અને મેં પછીના વર્ષે બાપ્તિસ્મા લીધું.

બીજા વિશ્વયુદ્ધના અંતે નિકોસે અમને સૈપ્રસ બોલાવ્યા. અમે બધા ૧૯૪૫માં નિકોસિયા શહેરમાં રહેવા ગયા. ગ્રીસમાં અમે ખુલ્લેઆમ પ્રચાર કરી શકતા નહિ. પરંતુ અહીં અમને છૂટ હતી. તેથી અમે ઘર-ઘરનું પ્રચાર જ નહિ, રસ્તા પર ચાલતા લોકો સાથે પણ વાત કરતા હતા.

બે વર્ષ પછી આરિયાડે ફરી આથેન્સ જવું પડ્યું. તેણે ત્યાં જ લગ્‍ન કર્યા. મારી બહેન ને બનેવી ઘણી વખત મને ગ્રીસમાં પાછા બોલાવતા. તેઓ કહેતા કે હું ત્યાં પાયોનિયરીંગ કરી શકીશ. પાયોનિયર સેવા તો મારું સપનું હતું. એટલે છેવટે હું ગ્રીસ ગઈ.

એક ખાસ તક મળી

નવેમ્બર ૧, ૧૯૪૭માં મેં પાયોનિયરીંગ શરૂ કર્યું. દર મહિને હું ૧૫૦ કલાક પ્રચાર કરતી. વિસ્તાર ખૂબ મોટો હતો. ચાલવાનું ઘણું થતું. જોકે સામે એવા આશીર્વાદો પણ ઘણા હતા. એ વખતે જો કોઈ પોલીસ સાક્ષીઓને મિટિંગમાં જતા કે પ્રચાર કરતા જોતા તો, તરત જ તેઓને ગિરફતાર કરતા. એક વખત મને પણ ગિરફતાર કરી.

પોલીસે મારા પર લોકોનો ધર્મ બદલવાનો આરોપ મૂક્યો. મને આથેન્સની આવેરોફ નામની જેલમાં બે મહિનાની સજા થઈ. ત્યાં બીજી સાક્ષી બહેન પણ હતી. અમને એકબીજા સાથે વાત કરવાની મઝા આવી. અમે ભલે જેલમાં હતા પણ બહુ ખુશ હતા. હું જેલમાંથી છૂટી એટલે તરત જ પ્રચાર કરવા લાગી. અનેક લોકો સાથે મેં સ્ટડી કરી. આજે તેઓમાંના ઘણા સત્યમાં છે. એ જોઈને મને ખૂબ આનંદ થાય છે.

વર્ષ ૧૯૪૯માં મને અમેરિકામાં વૉચટાવર બાઇબલ સ્કૂલ ઓફ ગિલયડના ૧૬મા ક્લાસમાં જવાનું આમંત્રણ મળ્યું. હું ને મારા સગાંઓ ખૂબ જ ખુશ થઈ ગયા. ત્યાં મને મિશનરિની તાલીમ મળવાની હતી. મેં ન્યૂ યૉર્ક શહેરમાં ઇન્ટરનેશનલ મહાસંમેલનમાં ગયા પછી સ્કૂલમાં જવાનું નક્કી કર્યું.

અમેરિકામાં હું ન્યૂ યૉર્ક શહેરના બેથેલમાં ગઈ. એ યહોવાહના સાક્ષીઓની મુખ્ય ઑફિસ છે. એ મકાન કેટલું સાફ હતું. ત્યાં અમુક મહિનાઓ સુધી મેં હાઉસ કિપીંગમાં કામ કર્યું. એ કામમાં મને બહુ મજા આવતી. બધા ભાઈ-બહેનો ઘણા ખુશ મિજાજના હતા. ખબર જ ન પડી કે છ મહિના ક્યાં ગયા. આ અનુભવ હંમેશાં યાદ રહેશે. ત્યાંથી હું ગિલયડ સ્કૂલમાં ગઈ. પાંચ મહિના સુધી અમને ખૂબ શીખવા મળ્યું. કોર્સ તો જાણે આંખના પલકારામાં પૂરો થઈ ગયો. ક્લાસમાં અમને સમજાયું કે સત્ય જેવું બીજું કંઈ જ નથી! સર્વને એની જરૂર છે. અમારા દિલમાં આ લાગણી છલકાતી રહી. વર્ષો પછી પણ, પ્રચારમાં લોકો એ જોઈ શકતા.

ઇસ્તંબૂલમાં સેવા આપવી

ગ્રેજ્યુએટ થયા પહેલાં અમને મિશનરિ પાર્ટનર પસંદ કરવાનું કહેવામાં આવ્યું. મેં મારી બહેનપણી રૂથ હેમિંગને (લગ્‍ન પછી તેનું નામ રૂથ બોસહાર્ડ થયું) પસંદ કરી. અમને એકબીજા સાથે ખૂબ બનતું હતું. અમને તુર્કીના ઇસ્તંબૂલ શહેરમાં સોંપણી મળી. એ એશિયા ને યુરોપની વચ્ચે આવેલું છે. અમને ખબર હતી કે ત્યાં પ્રચાર કરવો ખૂબ અઘરો છે. પરંતુ અમને જરાય ચિંતા ન હતી. કેમ કે, યહોવાહ અમારી સાથે હતા.

ઇસ્તંબૂલ ખરેખર રંગબેરંગી શહેર છે. અહીં અનેક જાતિના લોકો રહે છે. ઘણા બજાર છે. મોંમાંથી પાણી છૂટે એવા ભોજનની હોટેલો છે. અનેક મ્યુઝિયમ છે. તેમ જ, દરિયા કાંઠો જોવાનો તો કદી કંટાળો ન આવે. લોકો પણ સ્વભાવે ઘણા મિલનસાર. ઘણાને બાઇબલ વિષે વધુ જાણવું હતું. આ શહેરમાં થોડાક જ સાક્ષીઓ હતા. તેઓ આર્મેનિયન, ગ્રીક કે યહુદી જાતિના હતા. તુર્કી સિવાય ત્યાં બીજી અનેક ભાષાના લોકો હતા. અમે થોડી થોડી તેઓની ભાષા શીખ્યા. જાત-જાતના લોકો સત્ય માટે તરસ્યા હતા. તેઓને અમે આનંદથી મદદ કરતા. આજે પણ તેઓમાંના ઘણા યહોવાહની ભક્તિ કરે છે.

સરકારે રૂથને ઇસ્તંબૂલમાં વધારે રહેવાનો વિઝા આપ્યો નહિ. એનું મને બહુ જ દુઃખ થયું. તે દેશ છોડીને સ્વિટ્‌ઝરલૅન્ડ ગઈ ને હજુ પણ ત્યાં જ છે. વર્ષો વીતી ગયા. પણ તેની સાથે ગાળેલા એ દિવસો આજે પણ મારા મનમાં તાજાં છે.

ઇસ્તંબૂલ પછી પેરુ ગઈ

મેં ઘણા લોકો સાથે બાઇબલ સ્ટડી કરી. તેઓએ સત્યના માર્ગ પર ચાલવા બહુ જ પ્રગતિ કરી. વર્ષ ૧૯૬૩માં સરકારે મને ત્યાં વધારે રહેવાનો વિઝા ન આપ્યો. એટલે મારે તેઓને ‘અલવિદા’ કહેવું પડ્યું. આ મારા માટે બહુ જ અઘરું હતું. મારા સગાંઓ મારું દુઃખ સમજી શકતા હતા. તેઓએ મને ન્યૂ યૉર્ક શહેરમાં મહાસંમેલનમાં જવા ટિકિટની ગોઠવણ કરી આપી. તોપણ મને ચિંતા હતી કે સંમેલન પછી ક્યાં જઈશ?

જોકે મારે બહુ ચિંતા કરવી ન પડી. કેમ કે, સંમેલન પછી મને પેરુના પાટનગર લીમામાં જવાનું કહેવામાં આવ્યું. ન્યૂ યૉર્કથી હું સીધી જ લીમા ગઈ. મારી સાથે બીજી એક બહેન પણ આવી. મિશનરિ ઘર બેથેલની ઉપર જ હતું. અમે સ્પૅનિશ ભાષા શીખ્યા. અમને ત્યાં પ્રચાર કરવાની બહુ જ મજા આવી. તેમ જ, મંડળમાં નવા નવા મિત્રો પણ બનાવ્યા.

નવો દેશ, નવી ભાષા

ગ્રીસમાં મારા સગાં-વહાલાં ઘરડા થયા હતા. તેઓની તબિયત સારી રહેતી ન હતી. જોકે, તેઓએ મને ક્યારેય પાયોનિયરીંગ છોડીને તેમની સંભાળ રાખવાનું કહ્યું ન હતું. તોપણ, મેં વારંવાર પ્રાર્થના કરી કે મારે શું કરવું જોઈએ. પછી મને થયું કે જો હું તેઓની નજીક હોઈશ તો, ઘણી મદદ કરી શકીશ. તેથી મેં બેથેલના ભાઈઓ સાથે વાત કરી ને તેઓએ મને ઇટાલી જવાનું કહ્યું. ત્યાં પાયોનિયરોની ઘણી જરૂર હતી. જોકે, મારા ભાડાંના પૈસા મારા સગાંઓએ ખર્ચ્યા.

હું ઇટાલિઅન ભાષા શીખી. પહેલા મેં ફોજા શહેરમાં પાયોનિયરીંગ કર્યું. પછી નેપલ્સ શહેરમાં ગઈ. હું મોટા ભાગે પોસીલીપો ગામમાં પ્રચાર કરતી. એ નેપલ્સની સૌથી સુંદર જગ્યા હતી. પ્રચાર કામ ઘણું હતું ને ત્યાં એક જ સાક્ષી હતો. પ્રચાર કામમાં મને બહુ મઝા આવતી. યહોવાહની કૃપાથી હું અનેક લોકોને બાઇબલ શીખવી શકી. થોડા સમય બાદ એક મંડળ ઊભું થયું.

મેં સૌથી પહેલા એક મા ને તેનાં ચાર બાળકો સાથે બાઇબલ સ્ટડી શરૂ કરી. હું ખુશ છું કે આજે એ મા અને તેમની બે છોકરીઓ યહોવાહની ભક્તિ કરે છે. મેં એક યુગલ સાથે પણ સ્ટડી કરી. તેઓની એક નાની દીકરી હતી. થોડા સમય પછી આખા કુટુંબે બાપ્તિસ્મા લીધું. તેઓની દીકરીના હવે લગ્‍ન થઈ ગયા છે. તેના પતિ સાથે તે પૂરી ધગશથી પ્રચાર કરે છે. મને યાદ છે કે એક વખત હું મોટાં કુટુંબ સાથે સ્ટડી કરતી હતી. તેઓને મેં બાઇબલમાંથી બતાવ્યું કે મૂર્તિપૂજા કરવાથી ઈશ્વર ખુશ થતા નથી. સ્ટડી પૂરી થાય એ પહેલાં, મા ઊઠી ગઈ. ઘરમાં જેટલી પણ મૂર્તિઓ હતી એ બધી ભેગી કરીને ફેંકી દીધી! એનાથી હું જોઈ શકી કે ખરેખર બાઇબલ લોકોનું જીવન એક પલમાં બદલી શકે છે.

મોતના મોંમાં લઈ જતી સફરમાંથી હું બચી

હું ઇટાલીથી ગ્રીસ આવ-જા કરતી ત્યારે હંમેશાં જહાજમાં જ મુસાફરી કરતી. એમાં સફર કરવાની મને મજા આવતી. પરંતુ ૧૯૭૧ના ઉનાળામાં આ સફર ખતરનાક બની ગઈ. હું ગ્રીસથી ઇટાલી જતી હતી. એલાના નામનું જહાજ હતું. ઑગસ્ટ ૨૮ની વહેલી સવારે, જહાજના રસોડામાં આગ લાગી. આગ તરત જ ફેલાઈ ગઈ. લોકો બૂમાબૂમ કરવા લાગ્યા. ઘણી સ્ત્રીઓ બેભાન થઈ ગઈ. બાળકો ચીસાચીસ કરીને રડવા લાગ્યા. ચારેબાજુ ધમાલ મચી ગઈ. જહાજની બંને બાજુ અમુક લાઇફબોટ હતી. બધા ત્યાં દોડવા લાગ્યા. પણ લાઇફબોટને નીચે ઉતારવાનું મશીન કામ કરતું ન હતું. લાઇફ જેકેટ પણ થોડા જ હતા. ચારે બાજુથી આગના ધુમાડા નીકળતા હતા. મારી પાસે લાઇફ જેકેટ ન હતું. તોપણ હું દરિયામાં કૂદી પડી.

મેં જોયું કે મારી આગળ એક સ્ત્રી પાસે લાઇફ જેકેટ હતું. પણ તેને તરતા આવડતું ન હતું. હું તરતી તરતી ત્યાં પહોંચી. તેને પકડીને જહાજથી દૂર તરવા લાગી. દરિયાના મોજાં ખૂબ ઊછળતા હતા. હું બહુ જ થાકી ગઈ હતી. મને લાગ્યું કે હવે હું નહિ તરી શકું. હું યહોવાહને વિનંતી લાગી. એનાથી મને હિંમત મળી. મને પાઊલનો કિસ્સો યાદ આવ્યો. કેમ કે, તેમણે પણ આવું જ અનુભવ્યું હતું.—પ્રેરિતોનાં કૃત્યોનો ૨૭મો અધ્યાય.

મેં પેલી સ્ત્રીને પકડી જ રાખી. મારામાં થોડી તાકાત આવતી એટલે હું ફરી તરવા લાગતી. આમ, લગભગ ચાર કલાક તરી. પણ એ સમય મને ચાર વર્ષો જેવો લાગ્યો. મનોમન હું યહોવાહને પ્રાર્થના કરતી રહી. દૂરથી એક બોટ આવી. તેઓએ અમને દરિયામાંથી ઊંચકી લીધા. જોકે, પેલી સ્ત્રીનો જીવન-દીપ બુઝાઈ ગયો હતો. ઇટાલી પહોંચ્યા પછી મને બારી ગામની હૉસ્પિટલમાં લઈ ગયા. મારે અમુક દિવસ ત્યાં રહેવું પડ્યું. અનેક સાક્ષીઓ મને મળવા આવ્યા ને મને ઘણી મદદ કરી. તેઓએ જરૂરી બાબતો પણ પૂરી પાડી. તેઓનો પ્રેમ જોઈને વોર્ડમાં અનેક લોકોએ આપણી પ્રશંસા કરી.

સાજા થયા પછી, મને રોમમાં પ્રચાર કરવાનું કહેવામાં આવ્યું. મેં પાંચ વર્ષ ત્યાંની ઑફિસો ને દુકાનોમાં પ્રચાર કર્યો. ફક્ત યહોવાહની સહાયથી હું આ કરી શકી. ઇટાલીમાં હું ૨૦ વર્ષ રહી. ત્યાંના લોકોને હું બહુ ચાહતી હતી. મને તેઓ સાથે પ્રચાર કામમાં ખૂબ મજા આવતી હતી.

પાછી મારા વતનમાં

આરિયાડ ને મારા બનેવીની તબિયત સારી ન હતી. તેઓ વર્ષોથી મને મદદ કરતા હતા. મને થયું કે હવે તેઓની સંભાળ રાખવાનો મારો વારો છે. બેથેલના ભાઈઓએ મને આથેન્સમાં પાયોનિયરીંગ કરવાની રજા આપી. તેથી, ૧૯૮૫ના ઉનાળામાં હું વતન પાછી આવી. જોકે ઇટાલીના ભાઈ-બહેનોને ‘આવજો’ કરતા મારો જીવ ચાલતો ન હતો. મેં ૧૯૪૭માં આથેન્સથી પાયોનિયરીંગ શરૂ કર્યું હતું, ને વર્ષો પછી, ફરી ત્યાં જ આવી.

હું મારા મંડળ સાથે ફૂલ ટાઈમ પ્રચાર કરતી હતી. શહેરમાં ઘણી દુકાનો ને ઑફિસો હતી. કામ-ધંધાને લીધે ઘણા લોકો દિવસના ત્યાં જ રહેતા. મેં બેથેલના ભાઈઓને પૂછ્યું કે ‘હું ત્યાં પ્રચાર કરી શકું?’ તેઓએ ‘હા’ પાડી. અને એક પાયોનિયર બહેનને મારી મદદે મોકલ્યા. ત્રણ વર્ષ મેં ત્યાં પ્રચાર કર્યો ને ઘણા લોકોને સારી સાક્ષી આપી શકી.

પાયોનિયરીંગ મારી દિલની તમન્‍ના છે. પણ ઘડપણને લીધે મારી તબિયત સારી રહેતી નથી. દિવસે દિવસે હું વધારે નબળી થતી જાઉં છું. થોડા વર્ષો પહેલાં, મારા બનેવી ગુજરી ગયા. મારી વહાલી બહેન આરિયાડ હવે જોઈ શકતી નથી. થોડા સમય પહેલાં હું માર્બલના દાદરા પરથી લપસી ગઈ. તેથી મારો જમણો હાથ ભાંગી ગયો. બીજી એક વાર હું લપસી ને મારી કમરનું હાડકું ભાંગી ગયું. મારે ઑપરેશન કરાવવું પડ્યું ને ઘણા સમય સુધી હું ખાટલામાં રહી. હવે મારાથી બહુ ચાલી શકાતું નથી. જ્યાં જઉં ત્યાં કોઈની જરૂર પડે. મારી ચાલવાની લાકડી હવે મારી જિગરી દોસ્ત છે. આ તકલીફો હોવા છતાં, યહોવાહની ભક્તિ કરવાની મારી ધગશ પહેલાં જેવી જ છે! મારાથી થાય એટલું કરું છું. આશા રાખું કે મારી તબિયત સુધરે. લોકોને બાઇબલમાંથી શીખવવાથી મને અનેરો આનંદ મળે છે. પછી ભલેને પહેલાંના જેટલું થઈ શકતું ન હોય.

મેં ઘણા વર્ષો પાયોનિયરીંગ કર્યું. એને યાદ કરવાથી મારું હૈયું, યહોવાહ માટે પ્રેમથી ભરાઈ જાય છે. યહોવાહ અને તેમના સંગઠને મને હંમેશાં સારું માર્ગદર્શન આપ્યું છે. સાથ આપ્યો છે. તેઓની મદદથી હું આ બધુ કરી શકી છું. મારી આશા છે કે યહોવાહ મને તેમની ભક્તિ કરવા માટે શક્તિ આપતા રહેશે. જગતભર પ્રચાર કામમાં મેં ફક્ત નાનો ભાગ જ ભજવ્યો છે. તોપણ એ વર્ષોને યાદ કરીને મને ખૂબ આનંદ મળે છે.—માલાખી ૩:૧૦.

[પાન ૯ પર ચિત્ર]

ગિલયડ સ્કૂલ જતા પહેલાં, મારી બહેન આરિયાડ ને મારા બનેવી મીકાલીસ સાથે

[પાન ૧૦ પર ચિત્ર]

હું ને રૂથ હેમિંગ તુર્કીના ઇસ્તંબૂલમાં પ્રચાર કરવા ગયા

[પાન ૧૧ પર ચિત્ર]

હું ૧૯૭૦ના વર્ષોમાં ઇટાલી હતી ત્યારે

[પાન ૧૨ પર ચિત્ર]

હાલમાં મારી બહેન આરિયાડ સાથે