સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

તેઓ ખુશીથી આવ્યા

તેઓ ખુશીથી આવ્યા

તેઓ ખુશીથી આવ્યા

‘તારા લોક ખુશીથી તારી પાસે આવે છે.’ (ગીતશાસ્ત્ર ૧૧૦:૩) આ શબ્દો ગિલયડ સ્કૂલના ૧૧૮માં ક્લાસના ૪૬ વિદ્યાર્થીઓના દિલમાં ઊતરી ગયા. ગિલયડ સ્કૂલ ભાઈબહેનોને તૈયાર કરે છે જેથી તેઓ બીજા દેશમાં જઈને, ઈશ્વરનું જ્ઞાન શીખવી શકે. હવે ૧૧૮માં ક્લાસમાં આવેલા ભાઈબહેનોએ ખુશીથી ગિલયડ સ્કૂલમાં આવવા શું કર્યું? માઈક અને સ્ટાસીયા નામનું યુગલ કહે છે, ‘અમે નોકરી-ધંધામાં વધારે પૈસા કમાઈ શક્યા હોત. પરંતુ, અમે ઈશ્વરની સેવા કરવા ઇચ્છતા હતા. એટલે અમે એકદમ સાદું જીવન જીવ્યા. અમારા જીવનમાં ઈશ્વરની ભક્તિ પહેલી, પછી બીજું બધું.’ એ ક્લાસમાં આવેલા બીજા ભાઈબહેનો પણ તેઓની જેમ જ ખુશીથી આવ્યા હતા. તેઓને ચાર દેશમાં મિશનરિ તરીકે મોકલવામાં આવ્યા.

માર્ચ ૧૨, ૨૦૦૫ના શનિવારે ૬,૮૪૩ લોકોએ ગ્રેજ્યુએશન પ્રોગ્રામનો આનંદ માણ્યો. ગવર્નિંગ બોડીના ભાઈ થીઓડોર જારસ આ પ્રોગ્રામના ચૅરમૅન હતા. તેમણે ૨૮ દેશોમાંથી આવેલા મહેમાનોનું પ્રેમથી સ્વાગત કર્યું. પછી તેમણે ધ્યાન દોર્યું કે બાઇબલનું શિક્ષણ કેટલું કીમતી છે. ભાઈ જારસે જણાવ્યું કે અમેરિકાના શિક્ષક, વિલયમ લીયોન ફ્લેપ્સે કહ્યું, ‘જેને બાઇબલનું પૂરેપૂરું જ્ઞાન હોય તેને ખરો શિક્ષક કહેવાય.’ જોકે, સ્કૂલ-કૉલેજોનું શિક્ષણ જરૂરી છે છતાં, બાઇબલનું શિક્ષણ એનાથી વધારે કીમતી છે. શા માટે? એ શિક્ષણ લોકોને ઈશ્વરનું જ્ઞાન આપે છે. એ જ્ઞાન લોકોને અનંતજીવનની એટલે કે હંમેશ માટે સુખ-શાંતિમાં જીવવાની આશા આપે છે. (યોહાન ૧૭:૩) ભાઈ જારસે ગિલયડ સ્કૂલમાં આવેલા સર્વ ભાઈબહેનોની કદર કરી. કારણ કે તેઓ સર્વ બાઇબલનું શિક્ષણ મેળવવા ખુશીથી આવ્યા હતા. આખી દુનિયામાં યહોવાહના સાક્ષીઓના ૯૮,૦૦૦ કરતાં વધારે મંડળ છે. આ મંડળોના ભાઈબહેનો લોકોને બાઇબલનું શિક્ષણ આપે છે.

ગ્રેજ્યુએટ ભાઈબહેનોને ઉત્તેજન

વિલ્યમ સેમ્યુલસને ટૉક આપી. તેમનો વિષય હતો, “તમે કઈ રીતે ઈશ્વરના મંદિરમાં જૈતવૃક્ષ જેવા બની શકો?” આ ટૉક ગીતશાસ્ત્ર ૫૨:૮ પર હતી. તેમણે કહ્યું, બાઇબલ જણાવે છે કે જૈતવૃક્ષ જોવામાં સુંદર છે એટલું જ નહિ એના ફળ પણ ઘણા સરસ હોય છે. (યિર્મેયાહ ૧૧:૧૬) તેમણે ક્લાસના ભાઈબહેનોને જૈતવૃક્ષ સાથે સરખાવ્યા. તેઓને કહ્યું, ‘તમે મિશનરિ સેવાને વળગી રહેશો તો, યહોવાહની નજરમાં તમે સુંદર અને ફળ આપનારા બનશો.’ જૈતવૃક્ષના મૂળ ઊંડે સુધી ઊતરેલા હોય છે. આથી, એ ઉનાળામાં પણ ટકી રહે છે. એવી જ રીતે, ક્લાસમાંના ભાઈબહેનોને પણ યહોવાહમાં શ્રદ્ધાના મૂળ ઊંડા નાખવાનું કહેવામાં આવ્યું. જેથી, તેઓ પણ ઉનાળાની ગરમી જેવી કોઈ પણ મુશ્કેલી કે સતાવણી સહન કરી શકે.—માત્થી ૧૩:૨૧; કોલોસી ૨:૬, ૭.

નિયામક જૂથ કે ગવર્નિંગ બોડીના ભાઈ જોન ઈ. બારે પણ ટૉક આપી. તેમનો વિષય હતો, “તમે જગતનું મીઠું છો.” (માત્થી ૫:૧૩) તેમણે કહ્યું કે મિશનરિઓ મીઠા જેવા છે. કઈ રીતે? જેમ મીઠું કોઈ વસ્તુને બગડતા અટકાવે છે, તેમ મિશનરિઓ ઈશ્વરના રાજ્યનો સંદેશો ફેલાવીને લોકોના જીવન બચાવે છે. એ સંદેશો સાંભળનારાઓ હરેક રીતે શુદ્ધ રહી શકે છે. તેમણે ભાઈબહેનોને ‘એકબીજા સાથે શાંતિમાં રહેવાની’ વિનંતી કરી. (માર્ક ૯:૫૦, IBSI) અંતમાં તેમણે સલાહ આપી, “યહોવાહની મદદથી પ્રેમ, આનંદ, શાંતિ જેવા ગુણો કેળવો. તમારી વાણી-વર્તનથી યહોવાહના દિલને ખુશ કરો.”

એ પછી ગિલયડના એક શિક્ષક વૉલેસ લીવરન્સે ટૉક આપી. તેમનો વિષય હતો, “સત્યના ઊંડા વિચારો પારખો.” દાખલા તરીકે, વહાણ ઊંડા પાણીમાં હોય ત્યારે, સલામત હોય છે. વહાણ જો છીછરા પાણીમાં હશે, તો ખડક સાથે અથડાતા ભાંગી શકે છે. એવી જ રીતે આપણે ‘ઈશ્વરના ઊંડા વિચારો’ સમજીએ ત્યારે, ઈશ્વરના જ્ઞાનમાં વધતા જવા મદદ મળે છે. આપણને જાણવા મળે છે કે યહોવાહની ઇચ્છા શું છે, એ કઈ રીતે પૂરી થશે. (૧ કોરીંથી ૨:૧૦) આપણે ઈશ્વરના વચનોનું ઉપરછલ્લું જ્ઞાન લઈશું તો, મુશ્કેલીઓના સમયે આપણું “વિશ્વાસરૂપી વહાણ” ભાંગી જઈ શકે. (હેબ્રી ૫:૧૨, ૧૩; ૧ તીમોથી ૧:૧૯) ભાઈ લીવરન્સે ટૉકની સમાપ્તિમાં કહ્યું, “‘ઈશ્વરની બુદ્ધિ, જ્ઞાન અને સંપત્તિ,’ તમને મિશનરિ કાર્યમાં ટકાવી રાખશે.”—રૂમી ૧૧:૩૩.

ગિલયડના બીજા એક શિક્ષક માર્ક નૌમેરે ટૉક આપી. તેમનો વિષય હતો, “શું તમે તમારા વારસા પ્રમાણે જીવશો?” ગિલયડ સ્કૂલની ૬૦ કરતાં વધારે વર્ષોથી બહુ સારી શાખ છે. એમાંથી ગ્રેજ્યુએટ થયેલા ભાઈબહેનોએ જાણે ‘ઢગલો સાક્ષી’ આપી છે. (ઉત્પત્તિ ૩૧:૪૮) આ વારસો ગિલયડ સ્કૂલના ૧૧૮માં ક્લાસને પણ આપવામાં આવ્યો. ભાઈ નૌમેરે ગ્રેજ્યુએટ ભાઈબહેનોને નહેમ્યાહના સમયના તકોઈઓ જેવું વલણ રાખવાનું ઉત્તેજન આપ્યું. તેઓને મંડળ અને બીજા મિશનરિઓ સાથે હળીમળીને રહેવાની સલાહ આપવામાં આવી. તેઓને એમ પણ કહેવામાં આવ્યું કે નહેમ્યાહના સમયના “અમીરો” જેવા ઘંમડી ન બનો.—નહેમ્યાહ ૩:૫.

અનુભવો અને ઇન્ટર્વ્યૂં

પ્રોગ્રામમાં એ પછીની ટૉકનો વિષય હતો, “ઈશ્વરની વાતનો પ્રચાર ફેલાતો ગયો.” (પ્રેષિતોનાં કાર્યો ૬:૭, IBSI) સ્કૂલમાં આવેલા ભાઈ-બહેનોએ સંજોગો પ્રમાણે પ્રચાર કર્યો હતો. તેઓએ ગિલયડ શિક્ષક લૉરેન્સ બૉવેનના માર્ગદર્શન પ્રમાણે, અમુક અનુભવો દૃશ્યથી બતાવ્યા. એના પરથી જોવા મળ્યું કે તેઓને પ્રચારમાં બહુ જ મજા આવી હતી. યહોવાહે પણ તેઓની મહેનતનું ફળ આપ્યું હતું.

રીચર્ડ એસ ભાઈએ બેથેલ ફેમીલીના અમુક સભ્યોનું પણ ઇન્ટર્વ્યૂં લીધું. તેઓએ આ સ્કૂલ માટે સખત મહેનત કરી હતી. એનાથી ખબર પડી કે ગિલયડ સ્કૂલની ગોઠવણમાં બેથેલ ફેમીલી કેટલી મદદ કરે છે. એ પછી, જેફરી જેકસને અગાઉના ગિલયડમાં ગ્રેજ્યુએટ થયેલા ત્રણ ભાઈઓના ઇન્ટર્વ્યૂં લીધા. તેઓએ જણાવ્યું કે મિશનરિ સેવામાં યહોવાહનું નામ રોશન કરવાની ઘણી તકો મળે છે. એક ભાઈએ કહ્યું, “મિશનરિ તરીકે તમે જે કંઈ કરો, એને લોકો ધ્યાનમાં રાખે છે. તમે જે કંઈ કહો એ સાંભળે છે. તેમ જ, તમે જે કંઈ કરો એ જુએ છે અને યાદ પણ રાખે છે.” એટલે નવા મિશનરિઓને સારો દાખલો બેસાડવાનું ઉત્તેજન આપવામાં આવ્યું. ખરેખર, આ સલાહ આવતા દિવસોમાં બહુ કીમતી સાબિત થશે.

અંતમાં, ગવર્નિંગ બોડીના ભાઈ સ્ટીવન લેટે ટૉક આપી. તેમનો વિષય હતો, ‘જીવનનું પાણી લઈ જાઓ.’ (યોહાન ૭:૩૮) તેમણે કહ્યું કે છેલ્લા પાંચ મહિનામાં ભાઈબહેનો બાઇબલનું ઊંડું સત્ય શીખ્યા છે. આ નવા મિશનરિઓને જે સલાહ-સૂચનો મળ્યા, એનું તેઓ શું કરશે? ભાઈ લેટે ગ્રેજ્યુએટ ભાઈબહેનોને વિનંતી કરી કે તમે ઈશ્વરનું અઢળક જ્ઞાન લીધું છે. હવે, એ વિષે જઈને બીજાઓને જણાવો. જેથી બીજા લોકો પણ ‘વહેતા ઝરણામાંથી હંમેશ માટે અનંતજીવનનું પાણી પીતા રહે.’ (યોહાન ૪:૧૪, IBSI) ભાઈએ એમ પણ કહ્યું કે “‘જીવતા પાણીનો ઝરો’ યહોવાહ છે. તેમના નામને રોશન કરવાનું ક્યારેય ન ભૂલો. જૂઠા ધર્મોના બંધનને તોડીને બહાર આવે છે, તેઓને ધીરજથી શીખવો.” (યિર્મેયાહ ૨:૧૩) છેલ્લે ભાઈ લેટે ગ્રેજ્યુએટ થયેલા ભાઈબહેનોને ઈસુ જેવું વલણ અને ધગશ રાખવાનું ઉત્તેજન આપ્યું. તેઓને કહ્યું, હંમેશા કહેતા રહો કે, “આવ. અને જે તરસ્યો હોય તે આવે; જે ચાહે તે જીવનનું પાણી મફત લે.”—પ્રકટીકરણ ૨૨:૧૭.

છેલ્લે ભાઈ જારસે દુનિયા ફરતેથી આવેલા અભિનંદનો વાંચ્યા. એ પછી ક્લાસમાંથી એક ભાઈએ ગિલયડ સ્કૂલ માટે દિલથી કદર કરતો પત્ર વાંચી સંભળાવ્યો.

પ્રચાર કરવાની જરૂર હોય એવી જગ્યાએ જવું તમને ગમશે? જો તમારી ‘હા’ હોય, તો ગ્રેજ્યુએટ થયેલા આ ભાઈબહેનોની જેમ કરો. યહોવાહની ભક્તિને તમારા જીવનમાં પહેલા સ્થાને રાખો. ખુશીથી યહોવાહની સેવા કરવા ચાહે છે, તેઓને સંતોષ અને આનંદ મળે છે. પછી ભલેને એ મિશનરિ તરીકે હોય કે પછી પોતાના ઘર-આંગણે પ્રચાર કેમ ન કરતા હોય.

[પાન ૧૩ પર બોક્સ]

ક્લાસની વિગત

કેટલા દેશોમાંથી આવ્યા? ૮

કેટલા દેશોમાં જશે? ૧૯

સ્ટુડન્ટ્‌સની સંખ્યા: ૪૬

સ્ટુડન્ટ્‌સની ઉંમર: આશરે ૩૩.૦

સત્યમાં વર્ષો: આશરે ૧૬.૫

ફૂલ-ટાઈમ સેવાનાં વર્ષો: આશરે ૧૨.૯

[પાન ૧૫ પર ચિત્ર]

વૉચટાવર બાઇબલ સ્કૂલ ઑફ ગિલયડનો ૧૧૮મો ક્લાસ

નીચે આપેલાં નામો આગળથી પાછળની લાઈનમાં અને દરેક લાઈનમાં ડાબેથી જમણે જાય છે.

(૧) બ્રેકમિર, એ.; મોલોની, એસ.; સીમ્નસ, એન.; લૉપેઝ, વાઈ.; હાવર્ડ, સી. (૨) જાસત્રઝેબસ્કી, ટી.; બ્રાઉન, ડી.; હરનાનડૅઝ, એચ.; માલાગૉન, આઈ.; જોન્સ, એ.; કૉનેલ, એલ. (૩) હાવર્ડ, જે.; લારુ, ઈ.; શામશ, બી.; હેઈસ, એસ.; બ્રાઉન, ઓ. (૪) બ્યુરેલ, જે.; હામર, એમ.; મેયર, એ.; કીમ, કે.; સ્ટેનલી, આર.; રેનેય, આર. (૫) જાસત્રઝેબસ્કી, પી.; ઝીલેવટ્‌સ, કે.; ફેરીસ, એસ.; ટોરેસ, બી.; ટોરેસ, એફ. (૬) કૉનેલ, જે.; હરનાનડૅઝ, આર.; મોલોની, એમ.; માલાગૉન, જે.; શામશ, આર.; હેઇસ, જે. (૭) ફેરીસ, એ.; હામર, જે.; સ્ટેનલી, જી.; કીમ, સી.; સીમ્નસ, એસ.; લૉપેઝ, ડી.; બ્યૂરેલ, ડી. (૮) બ્રેકમિર, ડી.; મેયર, જે.; રેનેય, એસ.; ઝીલવેટ્‌સ, એસ.; જોન્સ, આર.; લારુ, જે.