સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પહેલા રાજાઓના મુખ્ય વિચારો

પહેલા રાજાઓના મુખ્ય વિચારો

યહોવાહનો શબ્દ જીવંત છે

પહેલા રાજાઓના મુખ્ય વિચારો

“નેકીવાનો અધિકાર પર હોય છે ત્યારે લોકોને આનંદ થાય છે; પણ દુષ્ટ માણસ અધિકાર ધારણ કરે છે ત્યારે લોક નિસાસા નાખે છે.” (નીતિવચનો ૨૯:૨) બાઇબલમાં પહેલા રાજાઓનું પુસ્તક આ સચ્ચાઈની સો ટકા સાબિતી આપે છે. એ સુલેમાન રાજાની જીવન કહાની જણાવે છે. તેના રાજમાં સર્વ લોકો કરતાં ઈસ્રાએલીઓ વધારે સુખી હતા. પહેલા રાજાઓનું પુસ્તક એ પણ જણાવે છે કે સુલેમાનના મરણ પછી, ઈસ્રાએલના રાજ્યના ભાગલા પડ્યા. ઈસ્રાએલ અને યહુદાહમાં કયા ૧૪ રાજાઓ આવ્યા ને ગયા. એમાંના ફક્ત બે જ રાજાઓ યહોવાહને વળગી રહ્યા હતા. એ પુસ્તક છ જુદા જુદા પ્રબોધકો વિષે જણાવે છે. તેઓમાંના એક એલીયાહ હતા.

પહેલા રાજાઓનું પુસ્તક લખનાર યિર્મેયાહ પ્રબોધક હતા. એ પુસ્તકમાં ઈસવી સન પૂર્વે ૧૦૪૦થી ઈસવી સન પૂર્વે ૯૧૧ની વાત થાય છે. લગભગ ૧૨૯ વરસોના બનાવો એમાં આપેલા છે. આ પુસ્તક લખતી વખતે યિર્મેયાહે જૂના લખાણોની મદદ લીધી હશે. જેમ કે “સુલેમાનના જીવનનું પુસ્તક.” જોકે, હવે એ લખાણો જોવા મળતા નથી.—૧ રાજાઓ ૧૧:૪૧; ૧૪:૧૯; ૧૫:૭.

હોશિયાર રાજાના રાજમાં સુખ-શાંતિ

(૧ રાજાઓ ૧:૧–૧૧:૪૩)

પહેલા રાજાઓની શરૂઆત કઈ રીતે થાય છે? રાજા દાઊદનો દીકરો અદોનીયાહ પોતાના બાપનું રાજ પચાવી પાડવા માંગે છે. નાથાન પ્રબોધક તેની બાજી ઊંધી વાળે છે. દાઊદ પોતાના પુત્ર સુલેમાનને રાજા બનાવે છે. સુલેમાન રાજા યહોવાહ પાસે “જ્ઞાની તથા બુદ્ધિવંત હૃદય” માંગે છે. યહોવાહ બહુ રાજી થાય છે. તે સુલેમાન પર કૃપા બતાવે છે. તેને સાથે સાથે ધનદોલત ને માન પણ આપે છે. (૧ રાજાઓ ૩:૧૨, ૧૩) સુલેમાન જેવો બુદ્ધિશાળી રાજા કોઈ ન હતો. તેના રાજ જેવું કોઈનું રાજ ન હતું. પ્રજા બધી રીતે સુખ-શાંતિમાં રહેતી હતી.

સુલેમાને ઘણાં બાંધકામો કરાવ્યાં. ખાસ તો યહોવાહની ભક્તિ માટે મંદિર બંધાવ્યું. યહોવાહે સુલેમાનને કહ્યું કે ‘જો તું મારા વિધિઓ તથા મારા નિયમો પાળશે, તો હું તારા રાજ્યની ગાદી ઈસ્રાએલ પર સર્વકાળ કાયમ રાખીશ.’ (૧ રાજાઓ ૯:૪, ૫) યહોવાહે એ પણ જણાવ્યું કે જો સુલેમાન રાજા નીતિ-નિયમો ન પાળે તો શું થશે. વર્ષો પછી, સુલેમાને ઘણી પત્નીઓ કરી. તેના ઘડપણમાં એ સ્ત્રીઓએ તેને જૂઠા દેવ-દેવીઓની ભક્તિમાં ફસાવી દીધો. યહોવાહે સુલેમાનને જણાવ્યું કે તેના રાજ્યના ભાગલા પડશે. ઈ.સ. પૂર્વે ૯૯૭માં સુલેમાન રાજા મરણ પામ્યો. તેણે ૪૦ વર્ષ રાજ કર્યું. ત્યાર પછી તેનો પુત્ર રહાબઆમ ગાદીએ બેઠો.

સવાલ-જવાબઃ

૧:૫—દાઊદ હજુ જીવતા હતા ત્યારે, અદોનીયાહ કેમ રાજ પચાવી પાડવા માંગતો હતો? એ વિષે બાઇબલમાં કંઈ જણાવ્યું નથી. અદોનીયાહના મોટા ભાઈઓ આમ્નોન અને આબ્શાલોમ ગુજરી ગયા હતા. દાઊદનો દીકરો કિલઆબ પણ કદાચ મરણ પામ્યો હતો. એટલે અદોનીયાહને લાગ્યું કે દાઊદના બાકી રહેલા દીકરાઓમાં પોતે મોટો છે. એટલે રાજગાદી પર તેનો હક્ક છે. (૨ શમૂએલ ૩:૨-૪; ૧૩:૨૮, ૨૯; ૧૮:૧૪-૧૭) અદોનીયાહે બળવાન લશ્કરી અધિકારી યોઆબનો સાથ લીધો. અબ્યાથાર યાજકે પણ તેની હામાં હા ભણી. એટલે અદોનીયાહને લાગ્યું કે હવે તેનો બેડો પાર. પણ દાઊદે સુલેમાનને રાજ્ય સોંપવાનું વિચાર્યું હતું, એની શું અદોનીયાહને ખબર હતી? બાઇબલ એના વિષે કશું જણાવતું નથી. પરંતુ અદોનીયાહે અર્પણ ચડાવ્યાં ત્યારે, દાઊદના ખાસ લોકોને અને સુલેમાનને બોલાવ્યા નહિ. (૧ રાજાઓ ૧:૯, ૧૦) એના પરથી જોવા મળે છે કે તેને એની ગંધ આવી હોય શકે. આના પરથી દેખાય છે કે અદોનીયાહ સુલેમાનની અદેખાઈ કરતો હતો.

૧:૪૯-૫૩; ૨:૧૩-૨૫—સુલેમાને અદોનીયાહને માફ કર્યા પછી, કેમ તેને મોતને ઘાટ ઉતાર્યો? દાઊદના ઘડપણમાં, તેના માટે અબીશાગ નામની છોકરી પસંદ કરવામાં આવી હતી. દાઊદ અને અબીશાગ પતિ-પત્ની તરીકે રહેતા ન હતા. તેમ છતાં, રિવાજ પ્રમાણે દાઊદના મરણ પછી અબીશાગ પર તેનો જ હક્ક થાય, જે દાઊદનો કાયદેસરનો વારસ હોય. અદોનીયાહે સુલેમાનની મા બાથ-શેબાને મીઠી મીઠી વાતો કરી. તેના દ્વારા સુલેમાનને જણાવ્યું કે અબીશાગને પોતાની સાથે પરણાવે. અદોનીયાહને થયું હશે કે જો અબીશાગને પત્ની બનાવે, તો તે પાછો રાજગાદી માટે હક્કથી લડી શકે. બાથ-શેબા તો અદોનીયાહનું મન પારખી ન શકી. પરંતુ સુલેમાને અદોનીયાહના મનનો કપટી પ્લાન પારખી લીધો. તેણે જોયું કે અદોનીયાહ કોઈ પણ કિંમતે રાજગાદી ઝૂંટવી લેવા ચાહતો હતો. તેથી, સુલેમાને અદોનીયાહને મરાવી નાખ્યો.

૬:૩૭-૮:૨—મંદિર ક્યારે અર્પણ કરવામાં આવ્યું? સુલેમાનના રાજના અગિયારમા વર્ષે, ઈ.સ. પૂર્વે ૧૦૨૭ના આઠમા મહિનામાં મંદિર બંધાઈ ગયું. એમ લાગે છે કે બધું પૂરું કરતા અને તૈયારીઓ કરતા બીજા ૧૧ મહિના લાગ્યા. એટલે ઈ.સ. પૂર્વે ૧૦૨૬ના સાતમા મહિનામાં એનું અર્પણ થયું હોવું જોઈએ. લેખક ફક્ત મંદિરનો જ નહિ, પણ એ સમયે થયેલાં બધાં બાંધકામોનો અહેવાલ આપે છે. એટલે તે મંદિર પૂરું થયું એના પછી, બીજાં બાંધકામો વિષે પણ જણાવે છે. પછી મંદિરના અર્પણ વિષે જણાવીને અહેવાલ પૂરો કરે છે.—૨ કાળવૃત્તાંત ૫:૧-૩.

૯:૧૦-૧૩—સુલેમાને તૂરના રાજા હીરામને ગાલીલનાં ૨૦ નગરોની ભેટ આપી. શું એ મુસાના નિયમ પ્રમાણે બરાબર હતું? કદાચ એવું હોય શકે કે લેવીય ૨૫:૨૩, ૨૪માંનો નિયમ ફક્ત ઈસ્રાએલીઓ વસતા હતા, એ જ વિસ્તારને લાગુ પડતો હોય. સુલેમાને હીરામને આપેલાં નગરો ભલે વચનના દેશમાં હોય, પણ એમાં બીજી પ્રજાઓ વસતી હોય શકે. (નિર્ગમન ૨૩:૩૧) વળી, સુલેમાને યહોવાહના અમુક નિયમો પણ તોડ્યા હતા. તેણે ‘ઘોડાનો જથ્થો વધાર્યો હતો અને ઘણી સ્ત્રીઓ કરી હતી.’ (પુનર્નિયમ ૧૭:૧૬, ૧૭) એટલે એમ પણ બની શકે કે એ સુલેમાનના દોષિત દિલની નિશાની હતી. જોકે હીરામને એ ભેટ ગમી નહિ. કદાચ એ નગરોમાં વસતા લોકોએ એની દેખભાળ કરી નહિ હોય, કે પછી એ નગરો સારી જગ્યાએ ન હતાં.

૧૧:૪—શું સુલેમાને ઘડપણને લીધે ભાન ગુમાવ્યું ને યહોવાહને બેવફા બન્યો? ના, એવું ન હતું. સુલેમાન રાજા બન્યો ત્યારે તે ઘણો નાનો હતો. તેણે ૪૦ વર્ષ રાજ કર્યું. એટલે તે પાકી ઉંમરે પહોંચ્યો ન હતો. વળી, તેણે યહોવાહની ભક્તિ સાવ છોડી દીધી ન હતી. તેને તો સાથે સાથે બીજા દેવોની પણ પૂજા કરવી હતી.

આપણે શું શીખી શકીએ?

૨:૨૬, ૨૭, ૩૫. યહોવાહ જે કહે છે, તે સાચું પડે છે. એલીના વંશજ, અબ્યાથાર પાસેથી યાજકનું કામ લઈ લેવાયું. જેથી, “શીલોહમાં એલીના કુટુંબ વિષે જે વચન યહોવાહ બોલ્યો હતો તે તે પૂરૂં કરે.” અબ્યાથારની જગ્યાએ સાદોકને યાજક બનાવ્યો ત્યારે, ગણના ૨૫:૧૦-૧૩માંનું યહોવાહનું વચન પૂરું થયું.—નિર્ગમન ૬:૨૫; ૧ શમૂએલ ૨:૩૧; ૩:૧૨; ૧ કાળવૃત્તાંત ૨૪:૩.

૨:૩૭, ૪૧-૪૬. યહોવાહનો નિયમ તોડીને આપણે છટકી જઈશું, એમ વિચારવું મૂર્ખાઈ છે! કોઈ પણ જાણીજોઈને ‘જીવનમાં પહોંચાડતો સાંકડો માર્ગ’ છોડી દે તો, તેણે સજા ભોગવવી પડશે.—માત્થી ૭:૧૪.

૩:૯, ૧૨-૧૪. યહોવાહનો કોઈ પણ ભક્ત તેમની ભક્તિ કરવા મદદ માંગે છે ત્યારે યહોવાહ ચોક્કસ મદદ કરે છે.—યાકૂબ ૧:૫.

૮:૨૨-૫૩. મંદિરનું અર્પણ કરવામાં આવ્યું ત્યારે, સુલેમાને કરેલી પ્રાર્થનામાં યહોવાહ પરનો પ્રેમ નીતરતો હતો. યહોવાહ કૃપા વરસાવે છે, વચનો પાળે છે. પ્રાર્થના સાંભળે છે. આપણે એવી પ્રાર્થના વાંચીએ. વિચારીએ. દિલમાં ઉતારીએ. આમ આપણે યહોવાહને હજુ સારી રીતે ઓળખી શકીશું.

૧૧:૯-૧૪, ૨૩, ૨૬. સુલેમાને યહોવાહની આજ્ઞાઓ પાળી નહિ ત્યારે, યહોવાહે તેની વિરુદ્ધ દુશ્મનો ઊભા કર્યા. બાઇબલ જણાવે છે કે “દેવ ગર્વિષ્ઠોની વિરૂદ્ધ છે, પણ તે નમ્ર માણસો પર કૃપા રાખે છે.”—૧ પીતર ૫:૫.

૧૧:૩૦-૪૦. અહિયાહ પ્રબોધકે યરોબઆમ વિષે જે કહ્યું હતું એને લીધે, સુલેમાન યરોબઆમને મારી નાખવા ચાહતો હતો. જ્યારે કે ચાળીસેક વરસ પહેલાં, અદોનીયાહ અને બીજા તેના દુશ્મન હતા તોપણ તેઓને માફ કર્યા હતા. (૧ રાજાઓ ૧:૫૦-૫૩) યહોવાહના માર્ગથી ભટકી જઈને સુલેમાન કેટલો બદલાઈ ગયો હતો!

રાજ્યના ભાગલા પડ્યા

(૧ રાજાઓ ૧૨:૧–૨૨:૫૩)

સુલેમાન પછી તેનો દીકરો રહાબઆમ રાજ કરવા લાગ્યો. યરોબઆમ અને લોકોએ રહાબઆમ પાસે જઈને કહ્યું કે ‘સુલેમાને નાખેલો બોજ હલકો કર.’ પણ રાજાએ તો તેઓનો બોજો વધારવાની ધમકી આપી. એટલે દસ કુળના લોકો રાજાની સામે થયા. યરોબઆમને પોતાનો રાજા બનાવ્યો. રાજ્યમાં ભાગલા પડ્યા. રહાબઆમ દક્ષિણ તરફ યહુદાહ અને બિન્યામીન કુળ પર રાજ કરતો. યરોબઆમ ઉત્તર તરફ ઈસ્રાએલના દસ કુળ પર રાજ કરતો.

ઈસ્રાએલના લોકો યરૂશાલેમના મંદિરે ભક્તિ કરવા ન જાય, એટલે યરોબઆમે દાન અને બેથેલ નામની જગ્યાએ સોનાનાં બે વાછરડાં ઊભાં કર્યાં. યરોબઆમ પછી કયા રાજાઓ થઈ ગયા? નાદાબ, બાઅશા, એલાહ, ઝિમ્રી, તિબ્ની, ઓમ્રી, આહાબ, અને અહાઝ્યાહ. યહુદાહમાં રહાબઆમ પછી કયા રાજાઓ થઈ ગયા? અબીયામ, આસા, યહોશાફાટ, અને યહોરામ. એ રાજાઓના દિવસોમાં કયા પ્રબોધકો હતા? અહિયા, શમાયાહ, બીજો એક ઈશ્વરભક્ત જેનું નામ નથી આપ્યું. તેમ જ, યેહૂ, એલીયાહ અને મીખાયાહ હતા.

સવાલ-જવાબઃ

૧૮:૨૧—એલીયાહે લોકોને કહ્યું કે યહોવાહને ભજો અથવા બઆલને ભજો ત્યારે, તેઓ કેમ શાંત રહ્યા? શક્ય છે કે તેઓનું દિલ ડંખતું હોય, કેમ કે તેઓ યહોવાહને છોડીને જૂઠા દેવની પાછળ દોડ્યા હતા. અથવા તેઓ પથ્થર દિલના બની ગયા હોય શકે. એટલે તેઓ યહોવાહના ભક્તો હોવાનો દાવો કરતા હતા, પણ બઆલને ભજવામાં કંઈ વાંધો દેખાતો ન હતો. યહોવાહે પરચો દેખાડ્યો ત્યારે, તેઓ કહેવા લાગ્યા કે “યહોવાહ એ જ દેવ છે; યહોવાહ એ જ દેવ છે.”—૧ રાજાઓ ૧૮:૩૯.

૨૦:૩૪—યહોવાહે આહાબને અરામીઓ પર જીત અપાવી. તોપણ, આહાબે તેઓના રાજા બેન-હદાદને કેમ જીવતો જવા દીધો? આહાબે બેન-હદાદ સાથે કરાર કર્યો હતો. એ કરાર મુજબ, આહાબને દમસ્કમાં અમુક જગ્યા મળે, જેમાં તે વેપાર-ધંધા માટે બજાર ઊભું કરી શકે. બેન-હદાદનો બાપ પણ આ રીતે પૈસા કમાયો હતો. એટલે આહાબે દમસ્કમાં ધંધો કરવા માટે, બેન-હદાદને છોડી મૂક્યો.

આપણે શું શીખી શકીએ?

૧૨:૧૩, ૧૪. જીવનમાં મોટા નિર્ણય લેતી વખતે, એવા કોઈ અનુભવીની સલાહ લઈએ, જેઓ બાઇબલ પ્રમાણે જીવતા હોય. યહોવાહનો ડર રાખતા હોય.

૧૩:૧૧-૨૪. આપણા ભલા માટે કોઈ સારી સલાહ આપે. તોપણ, જરાય શંકા લાગે તો એને બાઇબલની સલાહ સાથે સરખાવવી જોઈએ.—૧ યોહાન ૪:૧.

૧૪:૧૩. યહોવાહ આપણામાં જે કંઈ સારું હોય એ શોધે છે. આપણે તેમની ભક્તિ કરવા બનતું બધું જ કરીએ તો, તે આપણને ઘડશે, હજુ વધારે સારા બનાવશે.

૧૫:૧૦-૧૩. યહોવાહનો વિરોધ કરનારાનો આપણે હિંમતથી વિરોધ કરીએ. સાચી ભક્તિ માટે બધું જ કરતા રહીએ.

૧૭:૧૦-૧૬. સારાફાથની વિધવા એલીયાહને ઓળખી ગઈ કે તે પ્રબોધક હતા. તેમને ઘરમાં મહેમાન તરીકે રાખ્યા. આથી યહોવાહે તેને આશીર્વાદ આપ્યો. યહોવાહ આજે પણ એવી શ્રદ્ધા જુએ છે. જેઓ પૂરા તન, મન ને ધનથી ભક્તિ કરતા રહે છે, તેઓને યહોવાહ ઘણો આશીર્વાદ આપે છે.—માત્થી ૬:૩૩; ૧૦:૪૧, ૪૨; હેબ્રી ૬:૧૦.

૧૯:૧-૮. સખત સતાવણીમાં પણ યહોવાહ આપણી સાથે છે.—૨ કોરીંથી ૪:૭-૯.

૧૯:૧૦, ૧૪, ૧૮. સાચા ભક્તો કદી એકલા નથી. યહોવાહ અને તેમના લોકોનો હંમેશાં સાથ છે.

૧૯:૧૧-૧૩. યહોવાહ કંઈ એવા ઈશ્વર નથી કે તે પવન, આગ કે ધરતીકંપ બને.

૨૦:૧૧. બેન-હદાદ બડાઈ મારતો હતો કે ‘અરે, સમરૂનનો તો હું ચપટીમાં નાશ કરી નાખીશ.’ પણ ઈસ્રાએલના રાજાએ જવાબ આપ્યો કે “જે જન શસ્ત્ર ધારણ કરે તેણે શસ્ત્ર અંગ પરથી ઉતારનારની પેઠે ફૂલાશ મારવી નહિ.” એ જ રીતે આપણે કોઈ કામ શરૂ કરીએ ત્યારે, જાણે એ પૂરું થઈ ગયું હોય, એવી બડાઈ ન મારવી.—નીતિવચનો ૨૭:૧; યાકૂબ ૪:૧૩-૧૬.

એમાંથી શીખીએ

મુસાએ સિનાય પર્વત આગળ ઈસ્રાએલીઓને યહોવાહના નિયમો વિષે જણાવ્યું. પછી કહ્યું કે “જુઓ, હું આજે તમારી આગળ આશીર્વાદ તથા શાપ મૂકું છું; યહોવાહ તમારા દેવની જે આજ્ઞાઓ હું આજે તમને ફરમાવું છું તે તમે સાંભળશો, તો તમે આશીર્વાદ પામશો; અને જો તમે યહોવાહ તમારા દેવની આજ્ઞાઓ નહિ સાંભળતાં જે માર્ગ હું આજે તમને ફરમાવું છું તે મૂકી દઇને જેઓ વિષે તમને અનુભવ નથી એવાં દેવદેવીઓની પાછળ ભટકી જશો, તો તમે શાપ પામશો.”—પુનર્નિયમ ૧૧:૨૬-૨૮.

પહેલા રાજાઓના પુસ્તકમાં એ સનાતન સત્ય આપણે સારી રીતે શીખીએ છીએ, ખરું ને! એની સાથે એ આપણને ઘણી રીતે સુધારો કરવા મદદ કરે છે.—હેબ્રી ૪:૧૨.

[પાન ૨૯ પર ચિત્ર]

સુલેમાને તૈયાર કરાવેલું મંદિર અને બીજાં બાંધકામો

[પાન ૩૦, ૩૧ પર ચિત્ર]

યહોવાહે પરચો દેખાડ્યો પછી, લોકો કહેવા લાગ્યા કે ‘યહોવાહ જ સાચા ઈશ્વર છે!’