સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શાંતિ અને આનંદના ખુશખબર લાવનાર

શાંતિ અને આનંદના ખુશખબર લાવનાર

શાંતિ અને આનંદના ખુશખબર લાવનાર

‘જે શાંતિની વાત સંભળાવે છે, તેના પગ પર્વતો પર કેવા શોભાયમાન [સુંદર] છે!’ —યશાયાહ ૫૨:૭.

૧, ૨. (ક) આજે સમાચારોમાં શું જોવા મળે છે? (ખ) ખરાબ સમાચારોથી લોકોને કેવું લાગે છે?

 આજે દુનિયામાં ચારે બાજુ કેવા સમાચાર સાંભળવા મળે છે? રેડિયો ચાલુ કરો, છાપું વાંચો કે પછી ટીવી જુઓ. બસ એ જ જાણવા મળે છે કે બીમારીઓ ઝેરી હવાની જેમ ફેલાઈ રહી છે. બાળકો ભીખ માંગે છે. ભૂખે મરે છે. કંઈ કેટલીયે જગ્યાએ બૉમ્બ ફાટે છે. કેટલાય નિર્દોષ લોકો માર્યા જાય છે.

સાચે જ, આ દુનિયાના રંગ-રૂપ બદલાઈ રહ્યા છે! (૧ કોરીંથી ૭:૩૧) યુરોપના એક મૅગેઝિને કહ્યું કે જાણે આ દુનિયાનો “અંત આવી જશે.” એવા સમાચારોથી લોકો ઉદાસ થઈ જાય, એમાં કંઈ નવાઈ નથી. અમેરિકામાં ટીવી પરના સમાચારનો સર્વે કરવામાં આવ્યો. એ સર્વેમાં એક વ્યક્તિએ કહ્યું, ‘આજે સમાચારોમાં કંઈ જ સારું નથી હોતું. એ જોઈને તો જાણે દિવસ બગડે.’ તે વ્યક્તિએ લાખો લોકોના દિલની વાત કહી છે.

આ ખુશખબર બધાને જણાવો

૩. (ક) બાઇબલમાં કેવા સમાચાર છે? (ખ) યહોવાહના સાક્ષીઓ એના વિષે કેમ બધાને જણાવે છે?

તો પછી, શું કોઈ જ સારા સમાચાર નથી? ચોક્કસ છે! પણ ક્યાં છે? બાઇબલમાં. એ જણાવે છે કે ઈશ્વર જલદી જ પૃથ્વી પર પોતાનું રાજ્ય લાવશે. એ રાજ્યમાં બીમારીઓ નહિ હોય. કોઈ ભૂખે નહિ મરે. યુદ્ધો નહિ હોય. કોઈ જાતનો જુલમ નહિ હોય. (ગીતશાસ્ત્ર ૪૬:૯; ૭૨:૧૨) શું તમને એ જાણવું નહિ ગમે! એટલે જ યહોવાહના સાક્ષીઓ દરેકને એના વિષે જણાવે છે. તેઓ આખી દુનિયામાં યહોવાહના રાજ્યની ખુશખબર ફેલાવે છે!—માત્થી ૨૪:૧૪.

૪. પહેલી બે બાબતો કઈ છે, જે આપણે ધ્યાનમાં રાખવી જોઈએ? આવતા લેખમાં કઈ ત્રીજી બાબતની ચર્ચા કરીશું?

આ ખુશખબર લોકોને જણાવવા, યહોવાહના સાક્ષીઓ તરીકે આપણે શું કરવાની જરૂર છે? (લુક ૮:૧૫) આપણે ત્રણ બાબત ધ્યાનમાં રાખવાની જરૂર છે. એક, આપણે શા માટે પ્રચાર કરીએ છીએ? બીજી, આપણે શેનો પ્રચાર કરીએ છીએ? ત્રીજી, આપણે કેવી રીતે પ્રચાર કરીએ છીએ? આ ત્રણ બાબતો ધ્યાનમાં રાખીને, આપણે પ્રચાર કરીએ. જેથી, દરેકને યહોવાહના રાજ્ય વિષે શીખવા મળે. *

શા માટે ખુશખબર જણાવવી જોઈએ?

૫. આપણે શા માટે પ્રચાર કરીએ છીએ?

ચાલો પહેલા જોઈએ કે આપણે શા માટે પ્રચાર કરીએ છીએ. આપણને ઈસુની જેમ યહોવાહ પર ખૂબ જ પ્રેમ છે. (માત્થી ૨૨:૩૭, ૩૮) ઈસુએ ગર્વથી કહ્યું કે “હું બાપ પર પ્રેમ રાખું છું.” એટલે જ તેમણે યહોવાહની દરેક આજ્ઞા પાળી. (યોહાન ૧૪:૩૧; ગીતશાસ્ત્ર ૪૦:૮) બાઇબલ જણાવે છે, “આપણે દેવની આજ્ઞાઓ પાળીએ, એ જ દેવ પરનો પ્રેમ છે.” (૧ યોહાન ૫:૩; યોહાન ૧૪:૨૧) આજે યહોવાહે ઈસુ દ્વારા આજ્ઞા આપી છે કે આપણે પ્રચાર કરીએ. ઈસુએ પોતે કહ્યું હતું કે “હું મારી પોતાની મેળે કંઈ કરતો નથી, પણ જેમ બાપે મને શીખવ્યું છે, તેમ હું એ વાતો કહું છું.” (યોહાન ૮:૨૮; માત્થી ૧૭:૫; ૨૮:૧૯) આમ, આપણે પ્રચાર કરીને બતાવીએ છીએ કે આપણને યહોવાહ પર ખૂબ પ્રેમ છે.

૬. આપણે યહોવાહ પર પ્રેમ રાખતા હોઈશું તો શું કરીશું?

વળી, શેતાને સવાલ ઉઠાવ્યો છે કે યહોવાહને રાજ કરવાનો અધિકાર છે કે કેમ. (ઉત્પત્તિ ૩:૧-૫) આપણે યહોવાહને ખૂબ ચાહીએ છીએ. એટલું જ નહિ, પણ આપણે યહોવાહને સારી રીતે ઓળખીએ છીએ. તે પ્રેમના સાગર છે. દયાળુ છે. બહુ ભલા છે. તે કોઈને અન્યાય કરતા નથી. એટલે આપણે તેમના વિષે બીજાઓને જણાવ્યા વગર રહી શકતા નથી. (ગીતશાસ્ત્ર ૧૪૫:૭-૧૨) જેઓ યહોવાહ વિષે સાંભળે છે, તેઓ પણ તેમને સારી રીતે ઓળખી શકે છે. (૧ પીતર ૨:૯; યશાયાહ ૪૩:૨૧) આ રીતે પ્રચાર કરીને, આપણે સાબિત કરીએ છીએ કે શેતાન જૂઠો છે. લોકોને ઊંધે રસ્તે ચડાવે છે. (૨ કોરીંથી ૪:૪) યહોવાહના સાક્ષી તરીકે, આપણે શેતાને ફેલાવેલી અફવાઓ ખુલ્લી પાડીએ છીએ. સાથે સાથે સર્વની આગળ ઈશ્વરનું નામ રોશન કરીએ છીએ.—યશાયાહ ૪૩:૧૦-૧૨.

૭. આજે લોકોને દિલાસાની કેમ જરૂર છે?

આજે દુનિયામાં લોકો કેટલા દુઃખી છે! જાણે દુઃખોનો કોઈ પાર જ નથી. એટલે જ કોઈને કોઈ કારણને લીધે લોકો સવાર-સાંજ નિરાશ હોય છે. ચાલો આપણે ઈસુની જેમ ખુશખબર જણાવીને તેઓને દિલાસો આપીએ. એવો જ એક બનાવ હવે આપણે માર્કના છઠ્ઠા અધ્યાયમાં જોઈએ.

૮. માર્કનો છઠ્ઠો અધ્યાય ઈસુ વિષે શું બતાવે છે?

એક વાર ઈસુના જિગરી દોસ્તો પ્રચાર કરીને પાછા આવ્યા. તેઓએ ઈસુને જણાવ્યું કે પ્રચારમાં કેટલી મજા આવી. ઈસુએ જોયું કે તેમના દોસ્તો બહુ થાકી ગયા હતા. તેમણે પ્રેમથી કહ્યું, ‘હવે તમે થોડો આરામ કરો.’ તેઓ આરામ કરવા હોડીમાં બેસીને શાંત જગ્યાએ જતા હતા. પણ લોકોની નજર પડી, એટલે તેઓ કિનારે કિનારે ઈસુની પાછળ દોડ્યા. ઈસુ કિનારા પર પહોંચે એ પહેલાં લોકો ત્યાં પહોંચી ગયા. ઈસુએ શું કર્યું? ઈસુએ ‘ઘણા લોકને જોયા, ને તેમને તેઓ પર કરુણા આવી, કેમ કે તેઓ પાળક વગરનાં ઘેટાંના જેવા હતા; અને તે તેઓને ઘણી વાતો વિષે શીખવવા લાગ્યા.’ (માર્ક ૬:૩૧-૩૪) ઈસુ અને તેમના દોસ્તો બહુ થાકેલા હતા. તોપણ, ઈસુએ લોકોને ખુશખબર જણાવી. દિલાસો આપ્યો. આ બતાવે છે કે ઈસુને લોકો માટે કેટલો પ્રેમ હતો!

૯. માર્કના છઠ્ઠા અધ્યાયમાંથી આપણે શું શીખીએ છીએ?

માર્કના છઠ્ઠા અધ્યાયમાંથી આપણે શું શીખીએ છીએ? ઈસુની જેમ આપણે પણ લોકો પર પ્રેમ રાખીએ, દયા રાખીએ. ખાસ તો, તેઓને ખુશખબર જણાવીને દિલાસો આપીએ. (માત્થી ૨૨:૩૯) જોકે આપણે ફરજને લીધે કે કોઈ નિયમને લીધે પ્રચાર નથી કરતા. પણ આપણને લોકો પર પ્રેમ છે, એટલે પ્રચાર કરીએ છીએ. ભૂલશો નહિ કે યહોવાહને પણ લોકો પર બહુ જ પ્રેમ છે. તેમની દિલની તમન્‍ના છે કે “સર્વ માણસો નાશમાંથી બચી જાય.” (૧ તીમોથી ૨:૪, પ્રેમસંદેશ) જો આપણે પ્રચાર નહિ કરીએ, તો લોકોને એ કોણ જણાવશે? એ જો કાયમ યાદ રાખીએ, તો આપણે કદી થાકીશું નહિ.

ઈશ્વરના રાજ્યની ખુશખબર

૧૦, ૧૧. (ક) આપણા સંદેશા વિષે યશાયાહ શું કહે છે? (ખ) ઈસુએ કઈ રીતે ‘શાંતિનો સંદેશો જણાવ્યો?’ આજે યહોવાહના સેવકો કઈ રીતે ઈસુની જેમ પ્રચાર કરે છે?

૧૦ પ્રચાર કરતી વખતે આપણે ત્રણ બાબતો ધ્યાનમાં રાખવાની હતી. એમાંની બીજી છે કે આપણે શેનો પ્રચાર કરીએ છીએ? એના વિષે યશાયાહ ૫૨:૭ જણાવે છે, ‘જે વધામણી લાવે છે, જે શાંતિની વાત સંભળાવે છે, જે તારણની વાત સંભળાવે છે, જે સિયોનને કહે છે, કે તારો દેવ રાજ કરે છે, તેના પગ પર્વતો પર કેવા સુંદર છે!’

૧૧ આ કલમમાં ખાસ સંદેશો છે કે સ્વર્ગમાં ‘ઈશ્વર રાજ કરે છે.’ એ કલમ “વધામણી,” “શાંતિની વાત,” “તારણની વાત” જેવા શબ્દો પણ વાપરે છે. એ શબ્દો લખાયા એના ઘણાં વર્ષો પછી, ઈસુ પૃથ્વી પર આવ્યા. તેમના જીવનમાં આ શબ્દો પૂરા થયા. ઈસુએ જીવનમાં સૌથી વધારે સમય શામાં વાપર્યો? ઈશ્વરના રાજ્યનો પ્રચાર કરવામાં. આ રીતે તેમણે આપણા માટે સારો દાખલો બેસાડ્યો. (લુક ૪:૪૩) ઈસુની જેમ આપણા સમયમાં કોણ એ પ્રચાર કરી રહ્યું છે? યહોવાહના સાક્ષીઓ ૧૯૧૯થી એ સ્વર્ગના રાજ્યનો પૂરા જોશથી પ્રચાર કરી રહ્યા છે. એની ખુશખબર આપણે બધાને જણાવીએ છીએ. (માર્ક ૧૩:૧૦) હવે જલદી જ એ રાજ્ય પૃથ્વીના સર્વ લોકો પર પુષ્કળ આશીર્વાદો વરસાવશે.

૧૨. ઈશ્વરના રાજની ખુશખબરની લોકો પર કેવી અસર થાય છે?

૧૨ એ ખુશખબરની લોકો પર કેવી અસર થાય છે? ઈસુના સમયની જેમ આજે પણ એનાથી લોકોને દિલાસો મળે છે. (રૂમી ૧૨:૧૨; ૧૫:૪) તેઓને લાખો નિરાશામાં આશા મળે છે. તેઓને પૂરી ખાતરી થાય છે કે યહોવાહનું રાજ બધા જ દુઃખો મિટાવી દેશે. (માત્થી ૬:૯, ૧૦; ૨ પીતર ૩:૧૩) એટલે જ યહોવાહના સેવકો ‘માઠા સમાચારથી બીતા નથી.’—ગીતશાસ્ત્ર ૧૧૨:૧,.

દુઃખી હૈયાને ઠંડક આપતી ખુશખબર

૧૩. જેઓ રાજ્યની ખુશખબર સાંભળે, તેઓને કેવા આશીર્વાદો મળશે?

૧૩ ઈસુએ યહોવાહના રાજ્યની ખુશખબર ફેલાવી, એની લોકો પર કેવી અસર પડવાની હતી? બાઇબલ જણાવે છે, ‘યહોવાહનો આત્મા મારી ઉપર છે, કેમ કે દુઃખી અને પીડા સહન કરતા લોકો સુધી શુભસંદેશ લઈ જવા પ્રભુએ મને અભિષિક્ત કર્યો છે. ભાંગેલા હૈયાના ઘા રુઝવવા, બંદીવાનો આગળ સ્વતંત્રતા જાહેર કરવા અને અંધજનોને આંખોની રોશની આપવા પ્રભુએ મને મોકલ્યો છે. જેઓ શોક કરે છે તેઓને એમ કહેવા મને મોકલ્યો છે કે તમારા માટે પ્રભુની કૃપાનો અને તમારા શત્રુઓ માટે પ્રભુના કોપનો દિવસ આવી પહોંચ્યો છે.’—યશાયા ૬૧:૧, ૨, IBSI; લુક ૪:૧૬-૨૧.

૧૪. (ક) કઈ રીતે પ્રચારથી ‘ભાંગેલા હૈયાના ઘા રુઝાય’ છે? (ખ) આપણે કઈ રીતે યહોવાહને પગલે ચાલીએ છીએ?

૧૪ યશાયાહે જણાવ્યું તેમ, ઈસુએ પ્રચાર કરીને જાણે લોકોના ઘા પર મલમ ચોપડ્યો. પાટા-પિંડી કરી. કોઈ પણ ઘાને જલદી રુઝ આવે કે સાજો થાય એ માટે આપણે શું કરીએ છીએ? ઘા બરાબર સાફ કરીએ. મલમ લગાવીએ. પાટા-પિંડી કરીએ. એવી જ રીતે આજે આપણે પણ ઈસુની જેમ પ્રચાર કરીએ છીએ. એનાથી જાણે લોકોના હૈયાનાં ઘા રુઝવીએ છીએ. જ્યારે તેઓ ખુશખબર સાંભળે, ત્યારે તેઓનાં દુઃખી હૈયાને ઠંડક મળે છે. આપણે ઈસુની જેમ જ યહોવાહને પગલે ચાલીએ છીએ. બાઇબલ યહોવાહ વિષે કહે છે કે “હૃદયભંગ થએલાંને તે સાજાં કરે છે; તે તેઓના ઘાને રૂઝવે છે.”—ગીતશાસ્ત્ર ૧૪૭:૩; હઝકીએલ ૩૪:૧૫, ૧૬.

જીવન ખુશીઓથી ભરી દેતા સમાચાર

૧૫, ૧૬. યહોવાહના રાજ્યની ખુશખબર લોકોને કેવી રીતે મદદ કરે છે?

૧૫ યહોવાહના રાજ્ય વિષે શીખીને ઘણાને મદદ મળી છે. ચાલો આપણે દક્ષિણ અમેરિકામાં રહેતા ઑરીના નામના બાનો અનુભવ જોઈએ. ઑરીના બા ૯૩ વર્ષની ઉંમરે બસ મરવાની રાહ જોતા હતા. યહોવાહની એક સાક્ષી બાને ઘરે ગઈ. એ બહેને બાઇબલ અને બાઇબલ વાર્તાઓનું મારું પુસ્તક થોડું થોડું બાને વાંચી આપ્યું. * બા તો આંખો બંધ કરીને પથારીમાં પડ્યા પડ્યા સાંભળતા. વચ્ચે વચ્ચે કોઈક વાર નિસાસા નાખતા. થોડા સમય પછી, બા પલંગમાં બેસીને વાંચન સાંભળતા. પછી તો જાણે ચમત્કાર થયો! બા ખુરશીમાં બેસીને ‘ટીચરની’ રાહ જોવા લાગ્યા. ધીમે ધીમે બા કિંગ્ડમ હૉલમાં આવવા લાગ્યા. તે મિટિંગમાં જે શીખતા, એનાથી જાણે તેમનામાં નવું જોમ આવ્યું. પોતાના ઘર પાસેથી પસાર થતા લોકોને તે બાઇબલ સાહિત્ય આપવા લાગ્યા. તમે નહિ માનો, પણ આ ૯૩ વર્ષના બા બાપ્તિસ્મા પામ્યા. યહોવાહના સાક્ષી બન્યા! યહોવાહના રાજ્યની ખુશખબર સાંભળીને જાણે તેમના જીવમાં જીવ આવ્યો.—નીતિવચનો ૧૫:૩૦; ૧૬:૨૪.

૧૬ બીજો અનુભવ પશ્ચિમ યુરોપની મારિયાનો લો. તે બહુ બીમાર હતી. મારિયાને ખબર હતી કે તે લાંબું જીવવાની નથી. યહોવાહના સાક્ષીઓ તેને મળ્યા ત્યારે, તે બહુ જ ઉદાસ કે ડિપ્રેશ હતી. પણ તેણે ઈશ્વરના રાજ્ય વિષે સાંભળ્યું ત્યારે, તેના જીવનમાં જાણે ફરીથી રંગ આવ્યો! જલદી જ તેણે બાપ્તિસ્મા લીધું. તે યહોવાહની સાક્ષી બની. પછી તે પૂરા જોશથી પ્રચાર કરવા લાગી. જીવનના છેલ્લાં બે વર્ષો તે બહુ જ ખુશ હતી. પછી મારિયા ગુજરી ગઈ. પણ તેને પૂરો વિશ્વાસ હતો કે યહોવાહના રાજ્યમાં તેને સજીવન કરવામાં આવશે.—રૂમી ૮:૩૮, ૩૯.

૧૭. (ક) યહોવાહના રાજ્યની ખુશખબરથી લોકોને જીવનમાં કેવી આશા મળે છે? (ખ) યહોવાહના રાજ્યની ખુશખબરે તમને કેવી રીતે મદદ કરી છે?

૧૭ આ અનુભવો બતાવે છે કે યહોવાહના રાજ્યની ખુશખબર લોકોને કેટલી બધી મદદ કરે છે! દાખલા તરીકે, જો કોઈનું સગું-વહાલું ગુજરી જાય, તો તેની ખોટ કશાથી પૂરાતી નથી. પણ યહોવાહ પોતાના રાજ્યમાં તેમને ચોક્કસ ફરીથી ઉઠાડશે. શું એ જાણીને તમારું હૈયું નાચી ઊઠતું નથી? (૧ થેસ્સાલોનીકી ૪:૧૩) આજે ગરીબ લોકો કાળી મજૂરી કરે છે. તોપણ માંડ માંડ પોતાનું પેટ ભરે છે. આપણે શીખીએ છીએ કે યહોવાહ કદીયે એવા લોકોને છોડી દેશે નહિ. એ જાણીને કેટલી હિંમત મળે છે! (ગીતશાસ્ત્ર ૩૭:૨૮) જો આપણે બહુ જ ડિપ્રેસ હોઈએ તો શું? તોપણ, યહોવાહ આપણો સાથ છોડશે નહિ. તેમની મદદથી આપણે ગમે એવા સંજોગો સહન કરતા શીખી શકીએ. અરે, ડિપ્રેશનમાંથી પણ બહાર નીકળી શકીએ. (ગીતશાસ્ત્ર ૪૦:૧, ૨) ખરેખર, યહોવાહ દુખિયાનો આશરો છે. (ગીતશાસ્ત્ર ૧૪૫:૧૪) આપણે જોયું કે યહોવાહના રાજ્યની ખુશખબર કઈ રીતે લોકોને દિલાસો આપે છે. જીવને ઠંડક આપે છે. નિરાશ મનને આશા આપે છે. એ જ બતાવે છે કે આપણી પાસે સાચે જ ખુશખબર છે!—ગીતશાસ્ત્ર ૫૧:૧૭.

‘મારા દિલની પ્રાર્થના’

૧૮. મોટા ભાગના યહુદી લોકોએ પાઊલનો સંદેશો ન સાંભળ્યો ત્યારે તેમને કેવું લાગ્યું?

૧૮ આપણે રાજ્યની ખુશખબર બધાને જણાવીએ છીએ. પણ ઘણા એ સાંભળતા નથી. આપણને પણ ઈશ્વરભક્ત પાઊલની જેમ દુઃખ લાગી શકે. પાઊલને યહુદી લોકો પર ખૂબ પ્રેમ હતો. એટલે તેમણે વારંવાર તેઓને પ્રચાર કર્યો. પણ મોટા ભાગે તેઓએ સાંભળ્યું નહિ. એટલે પાઊલે કહ્યું કે ‘મને ભારે શોક થાય છે. અંતરમાં હંમેશાં વેદના થાય છે.’—રૂમી ૯:૨.

૧૯. (ક) શા માટે આપણને કોઈ વાર દુઃખ થાય છે? (ખ) પાઊલને પ્રચાર કરતા રહેવા ક્યાંથી મદદ મળી?

૧૯ આપણને પણ પાઊલની જેમ લોકો પર ખૂબ પ્રેમ છે. તેઓ ખુશખબર સાંભળતા નથી ત્યારે આપણને પણ બહુ દુઃખ થાય છે. આપણે તો ચાહીએ છીએ કે તેઓ સાચા ઈશ્વરને ઓળખે, તેમના આશીર્વાદ પામે. એટલે જ, આપણે પાઊલનો દાખલો ક્યારેય ભૂલીએ નહિ. યહુદી લોકોએ પાઊલનો સંદેશો સાંભળ્યો નહિ ત્યારે, તેમને શામાંથી હિંમત મળી? પાઊલને પૂરી આશા હતી કે અમુક યહુદીઓ તો ચોક્કસ ખ્રિસ્તને પગલે ચાલશે. તેથી પાઊલે લખ્યું, “યહૂદી લોક ઉદ્ધાર પામે એ જ મારા હૃદયની ઝંખના તથા પ્રાર્થના છે.”—રોમન ૧૦:૧, IBSI.

૨૦, ૨૧. (ક) આપણે કઈ રીતે પાઊલ જેવા બની શકીએ? (ખ) આપણે હવે પછીના લેખમાં શું શીખીશું?

૨૦ આપણે જોયું તેમ, પાઊલ દિલથી ચાહતા હતા કે લોકો ઉદ્ધાર પામે. તેમણે એના વિષે યહોવાહને પ્રાર્થના કરી. આપણે પણ પાઊલની જેમ જ કરીએ. યહોવાહને વારંવાર પ્રાર્થના કરીએ કે રાજ્યનો સંદેશો સાંભળે એવા લોકો આપણને મળે. જેથી તેઓનું જીવન બચી જાય એવા માર્ગે જવા તેઓને મદદ કરી શકીએ.—નીતિવચનો ૧૧:૩૦; હઝકીએલ ૩૩:૧૧; યોહાન ૬:૪૪.

૨૧ આ લેખમાં આપણે જોઈ ગયા કે આપણે શા માટે પ્રચાર કરીએ છીએ. આપણે શેનો પ્રચાર કરીએ છીએ. ચાલો હવે પછીના લેખમાં જોઈએ કે આપણે કેવી રીતે પ્રચાર કરવો જોઈએ.

[ફુટનોટ્‌સ]

^ આ લેખમાં પહેલી બે બાબતોની ચર્ચા થશે. આવતા લેખમાં ત્રીજી બાબતની ચર્ચા થશે.

^ એ પુસ્તક યહોવાહના સાક્ષીઓએ બહાર પાડ્યું છે.

તમે શું શીખ્યા?

• આપણે શા માટે પ્રચાર કરીએ છીએ?

• આપણે શેના વિષે પ્રચાર કરીએ છીએ?

• યહોવાહના રાજ્યનો સંદેશો સાંભળે છે, તેઓને કેવા આશીર્વાદો મળે છે?

• પ્રચાર કરતા રહેવા આપણને શું મદદ કરશે?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૧૮ પર ચિત્રો]

યહોવાહના રાજ્યની ખુશખબર દુઃખી લોકોના ઘા રુઝવે છે

[પાન ૨૦ પર ચિત્રો]

પ્રાર્થના આપણને પ્રચાર કરતા રહેવા મદદ કરે છે