સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સર્વ લોકો માટે ખુશખબર

સર્વ લોકો માટે ખુશખબર

સર્વ લોકો માટે ખુશખબર

‘પૃથ્વીના છેડા સુધી તમે મારા વિષે સાક્ષી પૂરશો.’—પ્રેરિતોનાં કૃત્યો ૧:૮, પ્રેમસંદેશ.

૧. આપણે શા માટે ખુશખબર જણાવીએ છીએ? આપણે શેના પર ધ્યાન આપીએ છીએ?

 યહોવાહના રાજ્યની ખુશખબર આપણે લોકોને જણાવીએ છીએ. બાઇબલની સચ્ચાઈ લોકોને શીખવીએ છીએ. આપણે જાણીએ છીએ કે આ ખબર બહુ જ જરૂરી છે. એમાં લોકોના જીવનનો સવાલ છે. એટલે જ આપણે એ સૌથી સારી રીતે લોકોને શીખવવા ચાહીએ છીએ. આપણો સંદેશો બદલાતો નથી, પણ લોકોના સંજોગો બદલાય છે. તેથી, આપણે કેવી રીતે લોકોને શીખવીએ છીએ, એનું ધ્યાન રાખવું પડે છે.

૨. આપણે લોકોના સંજોગ જોઈને પ્રચાર કરીએ ત્યારે, કોના પગલે ચાલીએ છીએ?

જુદી જુદી રીતે પ્રચાર કરીને, આપણે પહેલાના ઈશ્વર ભક્તોને પગલે ચાલીએ છીએ. જેમ કે, પાઊલે કહ્યું હતું, ‘હું યહુદીઓની સાથે યહુદી જેવો થયો; નિયમશાસ્ત્ર પાળતા ન હતા તેઓ સાથે હું તેઓના જેવો જ થયો, નિર્બળોને લાવવા સારું તેઓ સાથે હું નિર્બળ જેવો થયો. હર કોઈ રીતે કેટલાએકને તારવા સારું હું સર્વેની સાથે સર્વેના જેવો થયો.’ (૧ કોરીંથી ૯:૧૯-૨૩) એનાથી લોકોએ તેમનું સાંભળ્યું. આપણે પણ લોકોને પ્રચાર કરતી વખતે તેઓના સંજોગ ધ્યાનમાં રાખીએ. એનાથી તેઓ પણ સાંભળવા પ્રેરાશે.

બધી બાજુ પ્રચાર થઈ રહ્યો છે

૩. (ક) શા માટે પ્રચાર કરવો સહેલું નથી? (ખ) આજે યશાયાહ ૪૫:૨૨ પ્રમાણે શું થઈ રહ્યું છે?

ઘણા દેશોમાં કરોડો લોકો સુધી પહોંચવું સહેલું નથી. “આખા જગતમાં” પ્રચાર કરવો બહુ મોટું કામ છે. (માત્થી ૨૪:૧૪) તોપણ, છેલ્લાં સો વર્ષમાં યહોવાહના સાક્ષીઓએ બધી બાજુ પ્રચાર કરવા મહેનત કરી છે. ઓગણીસમી સદીની શરૂઆતમાં તો ફક્ત થોડા દેશોમાં પ્રચાર થયો હતો. જ્યારે કે આજે ૨૩૫ કરતાં વધારે દેશોમાં પ્રચાર થઈ રહ્યો છે! ખરેખર, ‘પૃથ્વીના છેડા સુધી’ પ્રચાર થઈ રહ્યો છે.—યશાયાહ ૪૫:૨૨.

૪, ૫. (ક) રાજ્યનો સંદેશો આટલા બધા દેશોમાં ફેલાવવામાં કોનો મોટો ભાગ છે? (ખ) અમુક બ્રાંચ ઑફિસે શું લખ્યું છે?

યહોવાહના રાજ્યનો સંદેશો કઈ રીતે આટલા બધા લોકો સુધી પહોંચી શક્યો? એક તો ગિલયડ સ્કૂલમાં ઘણાને મિશનરિ તાલીમ મળી. બીજું કે સેવકાઈ તાલીમ શાળામાં ૨૦,૦૦૦ કરતાં વધારે ભાઈઓ ગ્રેજ્યુએટ થયા. ત્રીજું કે ઘણા ભાઈ-બહેનો, જ્યાં પ્રચાર કરનારાની જરૂર છે, એવા દેશોમાં પોતાને ખર્ચે ગયા. આ રીતે નાના-મોટા, કુંવારા-પરણેલા ભાઈ-બહેનોએ પ્રચાર કરવા ખૂબ મહેનત કરી છે. (ગીતશાસ્ત્ર ૧૧૦:૩; રૂમી ૧૦:૧૮) ઘણી બ્રાંચ ઑફિસે તેમની કદર કરતા પત્ર લખ્યા છે. ચાલો આપણે અમુક જોઈએ.

ઈક્વેડોરની બ્રાંચ ઑફિસે લખ્યું, “અમને મદદ કરવા આવેલા ભાઈ-બહેનો દૂર દૂર ગામડાંમાં પ્રચાર કરવા જાય છે. નવાં નવાં મંડળો શરૂ કરે છે. મંડળમાં ભાઈ-બહેનોને બધી જ રીતે ખૂબ મદદ કરે છે.” ડોમિનિકન પ્રજાસત્તાક બ્રાંચ ઑફિસે લખ્યું, “અમને મદદ કરવા ઘણા ભાઈ-બહેનો બીજા દેશથી આવ્યા છે. જો તેઓને પાછા જવાનું થાય, તો મંડળો સૂના પડી જશે. તેઓ અમારા માટે એક મોટો આશીર્વાદ છે.” પૂર્વ યુરોપની એક બ્રાંચે લખ્યું, “ઘણાં મંડળમાં ૭૦ ટકા બહેનો છે. (ગીતશાસ્ત્ર ૬૮:૧૧) એમાંની ઘણી સત્યમાં નવી નવી છે. પણ બીજા દેશોમાંથી આવેલી પાયોનિયર બહેનો તેઓને ખૂબ મદદ કરે છે. એ બહેનો વગર અમે શું કર્યું હોત? એ પાયોનિયર બહેનો ખરેખર યહોવાહનો એક આશીર્વાદ છે!” શું તમને બીજા દેશમાં જઈને આ રીતે મદદ કરવાનું ગમશે? *પ્રેરિતોનાં કૃત્યો ૧૬:૯, ૧૦.

‘દરેક ભાષા બોલનારી પ્રજાના દશ માણસો’

૬. ઝખાર્યાહ ૮:૨૩ પ્રમાણે પ્રચારમાં બીજી કઈ તકલીફ પડે છે?

પ્રચારમાં બીજી એક તકલીફ જુદી જુદી ભાષાઓ છે. આપણા સમય વિષે બાઇબલે અગાઉથી જણાવ્યું છે, કે “તે સમયે દરેક ભાષા બોલનારી પ્રજાઓમાંથી દશ માણસો કોઈ એક યહુદી માણસની ચાળ પકડીને કહેશે, કે અમે તારી સાથે આવીશું, કેમ કે અમે સાંભળ્યું છે કે દેવ તમારી સાથે છે.” (ઝખાર્યાહ ૮:૨૩) આજે એ “દશ માણસો” યહોવાહના ભક્તોનું મોટું ટોળું છે. પ્રકટીકરણ ૭:૯ પ્રમાણે તેઓ સર્વ પ્રજામાંથી આવે છે. એટલું જ નહિ, બાઇબલ જણાવે છે કે તેઓ “દરેક ભાષા બોલનારી પ્રજાઓમાંથી” આવશે. શું આ સાચું છે? હા, ચોક્કસ!

૭. શું બતાવે છે કે ‘દરેક ભાષા બોલનારી પ્રજાઓને’ ખુશખબર જાણવા મળે છે?

વિચાર તો કરો કે પચાસેક વર્ષ પહેલાં, આપણું સાહિત્ય ફક્ત ૯૦ ભાષામાં છપાતું હતું. આજે ૪૦૦ જેટલી ભાષાઓમાં છપાય છે! “વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર” બનતું બધું જ કરે છે, જેથી દરેકને પોતાની ભાષામાં સાહિત્ય મળે. (માત્થી ૨૪:૪૫) દાખલા તરીકે, ગ્રીનલૅન્ડિક ભાષા ફક્ત ૪૭,૦૦૦ લોકો બોલે છે. પેલેઉન ભાષા ફક્ત ૧૫,૦૦૦ લોકો બોલે છે. યેપીઝ ભાષા તો ૭,૦૦૦ કરતાં પણ ઓછા લોકો બોલે છે. તોપણ આ બધી ભાષામાં હવે આપણું સાહિત્ય છે.

‘મોટું દ્વાર ખોલવામાં આવ્યું છે’

૮, ૯. આપણા માટે કઈ રીતે ‘મોટું દ્વાર ખોલવામાં આવ્યું છે’? હજારો ભાઈ-બહેનો શું કરે છે?

ખરું કે આપણે બધા જ કંઈ બીજા દેશોમાં પ્રચાર કરવા જઈએ, એવા સંજોગો હોતા નથી. કંઈ વાંધો નહિ, કેમ કે આજે જુદી જુદી ભાષાના લોકો જાણે આપણા ઘર-આંગણે રહેવા આવે છે. ઘણા દેશોના લોકો બીજા દેશમાં રહેવા જાય છે. ઘણાને સંજોગોને કારણે રેફ્યુજી બનવું પડે છે. એ કારણે કેટલાક દેશોમાં પરદેશી ભાષા બોલનારા ઘણા લોકો છે. દાખલા તરીકે, ફ્રાન્સના પૅરિસમાં સોએક ભાષાઓ બોલાય છે. કૅનેડાના ટૉરન્ટૉમાં ૧૨૫ ભાષા બોલાય છે. ઇંગ્લેન્ડના લંડનમાં, ૩૦૦ ભાષા બોલાય છે! તમે રહો છો ત્યાં પણ જુદી જુદી ભાષાના લોકો રહેતા હશે. તેઓની ભાષામાં ખુશખબર જણાવવા, તમારી આગળ જાણે ‘મોટું દ્વાર ખોલવામાં આવ્યું છે.’—૧ કોરીંથી ૧૬:૯.

આજે હજારો ભાઈ-બહેનો બીજી ભાષા શીખી રહ્યા છે. કેમ? જેથી તેઓ લોકોને તેઓની ભાષામાં ખુશખબર જણાવી શકે. શું બીજી ભાષા શીખવી સહેલી છે? ના. તોપણ તેઓ રાત-દિવસ મહેનત કરે છે. તેઓને બહુ જ ખુશી થાય છે કે પરદેશી લોકો પોતાની ભાષામાં બાઇબલનું સત્ય શીખી શકે છે. પશ્ચિમ યુરોપમાં હમણાં એક ડિસ્ટ્રીક્ટ સંમેલન થયું હતું. એમાં બાપ્તિસ્મા પામનારા લોકોમાં ૪૦ ટકા પરદેશીઓ હતા.

૧૦. પરદેશી લોકોને સંદેશો જણાવવા શું મદદ કરી શકે? કઈ રીતે? (ગુડ ન્યુઝ ફૉર ઓલ નેશન્સ પુસ્તિકા વિષેનું પાન ૨૬ પરનું બૉક્સ જુઓ.)

૧૦ જોકે આપણા બધા માટે બીજી ભાષા શીખવી સહેલી નથી. તોપણ, આપણે બીજી ભાષાના લોકોને પ્રચાર કરી શકીએ. કઈ રીતે? ગુડ ન્યુઝ ફૉર ઓલ નેશન્સ પુસ્તિકાની મદદથી. * એમાં અલગ અલગ ભાષામાં રાજ્યનો સંદેશો આપ્યો છે. (યોહાન ૪:૩૭) તમને પ્રચારમાં આ પુસ્તિકાથી બહુ જ મદદ મળશે.

બધા લોકો સાંભળશે નહિ

૧૧. અમુક જગ્યાએ કઈ મુશ્કેલી પડે છે?

૧૧ શેતાનની આ દુનિયામાં બધા જ લોકોને ખુશખબર નહિ ગમે. આજે ઘણા લોકો પરમેશ્વરમાં માનતા નથી. તેઓને બાઇબલ માટે કંઈ માન નથી. (૨ પીતર ૩:૩, ૪) ઈસુએ પણ પહેલેથી જણાવ્યું હતું કે ઈશ્વર માટે ‘ઘણાનો પ્રેમ ઠંડો થઈ જશે.’ (માત્થી ૨૪:૧૨) અમુક જગ્યાએ બહુ ઓછા લોકો ખુશખબર સાંભળે છે. શું એવી જગ્યાએ ભાઈ-બહેનોની વર્ષોની મહેનત પાણીમાં જાય છે? ના! (હેબ્રી ૬:૧૦) ચાલો જોઈએ કે પ્રચાર કામનું કેવું ફળ મળે છે.

૧૨. આપણા પ્રચારથી કયા બે ફાયદા થાય છે?

૧૨ માત્થીનું પુસ્તક જણાવે છે કે પ્રચારથી બે ફાયદા થાય છે. એક, આપણે ‘સર્વ દેશનાઓને શિષ્ય કરીએ છીએ.’ (માત્થી ૨૮:૧૯) બીજું કે પ્રચાર કરીને આપણે લોકોને ‘સાક્ષી’ આપીએ છીએ. (માત્થી ૨૪:૧૪) કઈ રીતે ‘સાક્ષી’ આપીએ છીએ? ચાલો જોઈએ.

૧૩, ૧૪. (ક) ઈસુએ જગતના અંતની કઈ નિશાની આપી? (ખ) લોકો સાંભળે કે નહિ, આપણે શું યાદ રાખવું જોઈએ?

૧૩ ઈસુને તેમના શિષ્યોએ કે દોસ્તોએ પૂછ્યું હતું કે “તારા આવવાની તથા જગતના અંતની શી નિશાની થશે?” (માત્થી ૨૪:૩) એના જવાબમાં ઈસુએ કહ્યું, “સર્વ પ્રજાઓને સાક્ષીરૂપ થવા સારુ રાજ્યની આ સુવાર્તા આખા જગતમાં પ્રગટ કરાશે.” (માત્થી ૨૪:૧૪) શું ઈસુએ એમ કહ્યું કે બધા લોકો રાજ્યની સુવાર્તા સાંભળશે, અને તેમના શિષ્ય બનશે? બિલકુલ નહિ! તેમણે જણાવ્યું કે આખી દુનિયામાં રાજ્યનો પ્રચાર થાય, એ જગતના અંતની નિશાની છે.

૧૪ ભલે લોકો રાજ્યની ખુશખબર સાંભળે કે નહિ, પણ તેઓ જાણે છે કે આપણે શું કરી રહ્યા છીએ. એટલે આપણે પ્રચાર કરતા રહીએ. ઈસુએ કહ્યું હતું તેમ, એનાથી આપણે લોકોને ‘સાક્ષી’ આપીએ છીએ. (યશાયાહ ૫૨:૭; પ્રકટીકરણ ૧૪:૬, ૭) પશ્ચિમ યુરોપના એક ભાઈ, જોર્ડીએ કહ્યું કે “યહોવાહના આશીર્વાદથી હું પણ માત્થી ૨૪:૧૪ના શબ્દો પૂરા કરી શકું છું. એનાથી મને બહુ ખુશી થાય છે.” (૨ કોરીંથી ૨:૧૫-૧૭) આપણને પણ એમ જ લાગતું હશે.

આપણી સતાવણી થશે

૧૫. (ક) ઈસુએ શાના વિષે ચેતવણી આપી હતી? (ખ) સતાવણીમાં પણ પ્રચાર કરવા આપણને ક્યાંથી મદદ મળે છે?

૧૫ ઈસુએ ચેતવણી આપી હતી કે “મારા નામને લીધે બધી પ્રજાઓ તમને ધિક્કારશે.” (માથ્થી ૨૪:૯, પ્રેમસંદેશ) ઈસુના શિષ્યોની ઘણી જ સતાવણી થઈ હતી. એ જ રીતે, આજે યહોવાહના સાક્ષીઓની પણ સતાવણી થાય છે. વિરોધ થાય છે. (પ્રેરિતોનાં કૃત્યો ૫:૧૭, ૧૮, ૪૦; ૨ તીમોથી ૩:૧૨; પ્રકટીકરણ ૧૨:૧૨, ૧૭) અમુક દેશોમાં પ્રચારની કાયદેસર મનાઈ કરવામાં આવે છે. તોપણ, આપણે યહોવાહની આજ્ઞા પાળવા, સમજી-વિચારીને પ્રચાર કરતા રહીએ છીએ. (આમોસ ૩:૮; પ્રેરિતોનાં કૃત્યો ૫:૨૯; ૧ પીતર ૨:૨૧) આપણને એમ કરવા ક્યાંથી હિંમત મળે છે? યહોવાહ આપણને શક્તિ અને મદદ આપે છે.—ઝખાર્યાહ ૪:૬; એફેસી ૩:૧૬; ૨ તીમોથી ૪:૧૭.

૧૬. પ્રચાર કરવા શિષ્યોને કોણ મદદ કરશે, એ વિષે ઈસુએ શું સમજાવ્યું?

૧૬ ઈસુએ પોતે સમજાવ્યું કે ‘પવિત્ર આત્મા તમારા પર આવશે, ત્યારે તમે શક્તિથી ભરપૂર થશો; અને પૃથ્વીના છેડા સુધી તમે મારા વિષે સાક્ષી પૂરશો.’ (પ્રેષિતોનાં કાર્યો ૧:૮, પ્રેમસંદેશ; પ્રકટીકરણ ૨૨:૧૭) અહીં જણાવ્યું છે તેમ, આખી દુનિયામાં પ્રચાર કરવા યહોવાહ પોતે શિષ્યોને મદદ આપવાના હતા. પછી શિષ્યોએ પ્રચાર શરૂ કર્યો. યહોવાહની શક્તિથી શિષ્યો ‘આખા જગતમાં સાક્ષી આપી’ શક્યા. (માત્થી ૨૪:૧૩, ૧૪; યશાયાહ ૬૧:૧, ૨) એટલા માટે જ ઈસુએ શિષ્યોને કહ્યું હતું કે યહોવાહ તેઓને મદદ કરવા “સહાયક” તરીકે પવિત્ર આત્મા મોકલશે. (યોહાન ૧૫:૨૬, પ્રેમસંદેશ) ઈસુએ કહ્યું કે એ સહાયક શિષ્યોને શીખવશે, માર્ગદર્શન આપશે.—યોહાન ૧૪:૧૬, ૨૬; ૧૬:૧૩.

૧૭. સતાવણીમાં પણ યહોવાહ કઈ રીતે મદદ કરે છે?

૧૭ આજે પ્રચારમાં આપણી સતાવણી થાય ત્યારે, યહોવાહ આપણને કઈ રીતે મદદ કરે છે? તે આપણને શક્તિ આપે છે. માર્ગદર્શન આપે છે. વળી, તે સતાવણી કરનારની સામે થાય છે. એ વધારે સમજવા ચાલો આપણે રાજા શાઊલનો દાખલો લઈએ.

યહોવાહ પોતે વિરોધીની સામે થશે

૧૮. (ક) શાઊલનો સ્વભાવ કેવો બદલાઈ ગયો? (ખ) દાઊદને સતાવવા શાઊલે શું કર્યું?

૧૮ શાઊલ ઈસ્રાએલનો રાજા બન્યો ત્યારે, તે બહુ સારો હતો. પણ પછી તેણે યહોવાહનું કહેવું માન્યું નહિ અને તેમની વિરુદ્ધ ગયો. (૧ શમૂએલ ૧૦:૧, ૨૪; ૧૧:૧૪, ૧૫; ૧૫:૧૭-૨૩) તેથી, યહોવાહનો આશીર્વાદ તેની પાસેથી જતો રહ્યો. હવે તેનો સ્વભાવ બદલાઈ ગયો. તે દાઊદની બહુ અદેખાઈ કરવા લાગ્યો, કેમ કે દાઊદને યહોવાહનો સાથ હતો. શાઊલ પછી દાઊદ રાજા બનવાનો હતો. (૧ શમૂએલ ૧૬:૧, ૧૩, ૧૪) રોજની જેમ એક વાર દાઊદ શાઊલ સામે બેસીને વીણા વગાડતો હતો. શાઊલના મનમાં પાછી અદેખાઈ જાગી. તેને થયું કે પોતાના હાથમાં ભાલો છે. દાઊદ પાસે ફક્ત વીણા જ છે. તે શું કરી લેવાનો? એમ વિચારીને “શાઊલે ભાલો ફેંક્યો; કેમ કે તેણે કહ્યું, કે હું દાઊદને મારીને ભીંત સાથે ચોંટાડી દઈશ, અને દાઊદ તેની આગળથી બે વખત બચી ગયો.” (૧ શમૂએલ ૧૮:૧૦, ૧૧) શાઊલનો દીકરો યોનાથાન દાઊદનો પાક્કો મિત્ર હતો. તેણે પિતા સાથે વાત કરી. એ પછી શાઊલનું મન બદલાયું. તેણે યોનાથાનનું સાંભળ્યું ને તેને વચન આપ્યું, ‘જીવતા યહોવાહના સોગન કે દાઊદ માર્યો જશે નહિ.’ પણ ફરીથી શાઊલે “દાઊદને ભાલો મારીને તેને ભીંત સાથે ચોંટાડી દેવાનો પ્રયત્ન કર્યો; પણ શાઊલની હજૂરમાંથી તે છટકી ગયો, ને તેનો મારેલો ભાલો ભીંતમાં ચોંટી ગયો.” દાઊદ ત્યાંથી ભાગી ગયો. શાઊલે તેનો પીછો કર્યો. આવા સમયે યહોવાહ શાઊલની સામે થયા. કઈ રીતે?—૧ શમૂએલ ૧૯:૬, ૧૦.

૧૯. યહોવાહે કઈ રીતે દાઊદને મદદ કરી?

૧૯ દાઊદ ભાગીને ઈશ્વર ભક્ત શમૂએલ પાસે ગયો. ત્યાં પણ શાઊલે માણસો મોકલ્યા. તેઓ દાઊદની સંતાવાની જગ્યાએ આવી પહોંચ્યા. ત્યારે એમ થયું કે યહોવાહે ચમત્કાર કર્યો ને “તેઓ પણ પ્રબોધ કરવા લાગ્યા.” અરે, એ પણ ભૂલી ગયા કે તેઓ શા માટે આવ્યા હતા! શાઊલે દાઊદને પકડવા બીજી બે વાર માણસોને મોકલ્યા. દરેક વખતે એમ જ થયું. આખરે શાઊલ પોતે ગયો. શું તેણે દાઊદને પકડી લીધો? ના. યહોવાહે એવી કરામત કરી કે શાઊલ “આખો દિવસ તથા આખી રાત” પ્રબોધ કરતો રહ્યો. (૧ શમૂએલ ૧૯:૨૦-૨૪) આ રીતે યહોવાહે દાઊદને ત્યાંથી નાસી છૂટવા માટે પૂરતો સમય આપ્યો. તેનું રક્ષણ કર્યું.

૨૦. આ દાખલામાંથી આપણે શું શીખીએ છીએ?

૨૦ આ દાખલામાંથી આપણે શું શીખીએ છીએ? યહોવાહે નક્કી કર્યું હતું કે દાઊદ ઈસ્રાએલનો રાજા બને. એમ થતા કોઈ પણ રોકી શક્યું નહિ. આપણા સમય માટે યહોવાહે નક્કી કર્યું છે કે ‘રાજ્યની સુવાર્તાનો પ્રચાર થશે.’ એમ થતા પણ કોઈ રોકી શકશે નહિ. (પ્રેરિતોનાં કૃત્યો ૫:૪૦, ૪૨) ભલે વિરોધીઓ ગમે એટલા ધમપછાડા કરે, તેઓ યહોવાહના લોકોનો વાળ પણ વાંકો કરી શકશે નહિ!—ગીતશાસ્ત્ર ૪૬:૧૧; ૧૨૫:૨.

૨૧. (ક) આજે અમુક લોકો કેવી રીતે વિરોધ કરે છે? (ખ) આપણને પૂરા દિલથી કયો ભરોસો છે?

૨૧ આપણે રાજ્યની ખુશખબર જણાવીશું તેમ, મુશ્કેલીઓ તો આવવાની જ છે. જેમ કે, અમુક ધર્મગુરુઓ અને નેતાઓ જૂઠી વાતો ફેલાવીને પ્રચાર કામનો વિરોધ કરે છે. પણ યહોવાહની મદદથી આપણે પ્રચાર કરતા જ રહીશું. યહોવાહે જેમ દાઊદને મદદ કરી, તેમ આપણને પણ ચોક્કસ કરશે. (માલાખી ૩:૬) આપણે દાઊદની જેમ પૂરા દિલથી કહીએ, “ઈશ્વર પર મેં ભરોસો રાખ્યો છે, હું બીવાનો નથી; માણસ મને શું કરનાર છે?”—ગીતશાસ્ત્ર ૫૬:૧૧; ૧૨૧:૧-૮; રૂમી ૮:૩૧.

[ફુટનોટ્‌સ]

^ ‘પ્રચાર કરવાથી સંતોષ મળે છે,’ નીચેનું બૉક્સ જુઓ.

^ યહોવાહના સાક્ષીઓએ બહાર પાડી છે.

શું તમને યાદ છે?

• શા માટે આપણે લોકોના સંજોગ જોઈને તેઓને પ્રચાર કરવો જોઈએ?

• આપણા માટે કયું ‘મોટું દ્વાર ખોલવામાં’ આવ્યું છે?

• મોટા ભાગે લોકો સાંભળતા નથી એવી જગ્યાએ પણ આપણા પ્રચારથી શું શક્ય બન્યું છે?

• શા માટે રાજ્યના પ્રચાર કામને કોઈ રોકી નહિ શકે?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૨૨ પર બોક્સ]

‘પ્રચાર કરવાથી સંતોષ મળે છે’

સ્પેનથી બોલિવિયા રહેવા ગયેલા એક પરિવારે કહ્યું, ‘પરિવાર તરીકે એક થઈને યહોવાહની સેવા કરવાથી બહુ ખુશી મળે છે.’ આ પરિવારનો એક દીકરો બોલિવિયામાં દૂર દૂરના ગામડાંમાં મદદ કરવા ગયો હતો. પ્રચાર કામમાં તેનો જોશ જોઈને માબાપ અને ચાર ભાઈઓ પણ ત્યાં ગયા. તેના ભાઈઓ ૧૪થી ૨૫ વર્ષના છે. એમાંથી ત્રણ હવે ત્યાં પાયોનિયરીંગ કરે છે. જે દીકરાએ પરિવારને ઉત્તેજન આપ્યું તે હાલમાં જ સેવકાઈ તાલીમ શાળામાંથી ગ્રેજ્યુએટ થયો.

કૅનેડાની ૩૦ વર્ષની એન્જલિકા પૂર્વ યુરોપમાં પ્રચાર કરવા ગઈ છે. તે કહે છે, “બીજા દેશમાં પ્રચાર કરવામાં મુશ્કેલી તો પડે જ છે. તોપણ ભાઈ-બહેનોને પ્રચારમાં મદદ કરવાથી મને ઘણો આનંદ થાય છે. એ મદદ માટે ભાઈ-બહેનો પણ ઘણા આભારી છે.”

હવે અમેરિકાની બે સગી બહેનોનો વિચાર કરો. તેઓની ઉંમર, ૨૮ની આસપાસ. તેઓ ડોમિનિકન પ્રજાસત્તાકમાં સેવા આપે છે. તેઓ કહે છે, “અહીંના રીત-રિવાજો સાવ અલગ છે. પણ અમે હિંમત ન હાર્યા. અત્યારે અમારી સાત બાઇબલ સ્ટડી મિટિંગમાં પણ આવે છે.” જે વિસ્તારમાં કોઈ મંડળ નથી ત્યાં આ બંને મહેનતુ બહેનોએ નવું ગ્રૂપ શરૂ કરવા મદદ કરી.

લોરા નામની બહેન ચારેક વર્ષથી બીજા દેશમાં પ્રચાર કરી રહી છે. ઉંમર ૨૮ની આસપાસ. તે કહે છે, “હું જાણી-જોઈને મારું જીવન સાદું રાખું છું. એનાથી ભાઈ-બહેનો જોઈ શકે છે કે સાદું જીવન જીવો, એટલે તમે ગરીબ બની જતા નથી. એ પસંદગીની વાત છે. ખાસ કરીને યુવાનોને મદદ કરવી, એ મારો મોટો આશીર્વાદ છે. એની આગળ કોઈ પણ તકલીફો ઝાંખી પડી જાય છે. હું આ આશીર્વાદ મારા હાથમાંથી છટકી જવા નહિ દઉં. યહોવાહ મને રાખશે ત્યાં સુધી અહીં જ રહીશ.”

[પાન ૨૬ પર બોક્સ/ચિત્ર]

ડ ન્યુઝ ફૉર ઓલ નેશન્સ પુસ્તિકા

ગુડ ન્યુઝ ફૉર ઓલ નેશન્સ પુસ્તિકામાં ૨૯, ૬૧ અને ૯૨ ભાષાઓમાં સંદેશો છે. એ સંદેશો એવી રીતે લખવામાં આવ્યો છે કે જાણે આપણે વ્યક્તિ સાથે વાત કરતા હોઈએ. પુસ્તિકામાં બીજી કઈ કઈ માહિતી છે?

અમુક દેશની પુસ્તિકામાં નકશો આપ્યો છે. નકશામાંથી વ્યક્તિને તમે બતાવી શકો કે ‘અત્યારે આપણે આ દેશમાં છીએ.’ પછી તેને નકશો બતાવીને પૂછો કે તે ક્યાંના છે. આ રીતે તમે તેઓ સાથે દોસ્તી બાંધી શકશો.

આ પુસ્તિકાની શરૂઆતમાં એને સરસ રીતે વાપરવાની અમુક રીતો આપી છે. એનાથી આપણને આવડતી ન હોય એવી ભાષાની વ્યક્તિને સારી રીતે મદદ કરી શકીશું. એટલે એ ધ્યાનથી વાંચીને, સારી રીતે વાપરજો. લોકોના જીવનનો સવાલ છે.

પુસ્તિકાની શરૂઆતમાં ભાષાઓની યાદી પણ આપેલી છે. એમાં ફક્ત ભાષા જ નહિ, કૌંસમાં એ ભાષાની ઓળખ આપતા અંગ્રેજી અક્ષરો પણ છે. એનાથી આપણે કઈ ભાષાનું સાહિત્ય છે, એ ઓળખી શકીશું.

[ચિત્ર]

શું તમે આ પુસ્તિકાની મદદ લીધી છે?

[પાન ૨૩ પર ચિત્રો]

આપણું સાહિત્ય હવે ૪૦૦ જેટલી ભાષાઓમાં છપાય છે

ઘાના

લેપલેન્ડ (સ્વીડન)

ફિલિપાઈન્સ

[પાન ૨૪, ૨૫ પર ચિત્રો]

શું તમે જરૂર છે ત્યાં પ્રચાર કરવા જઈ શકો?

ઇક્વેડોર

ડોમિનિકન પ્રજાસત્તાક