સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઈશ્વરનું જ્ઞાન ક્યાંથી મેળવી શકીએ?

ઈશ્વરનું જ્ઞાન ક્યાંથી મેળવી શકીએ?

ઈશ્વરનું જ્ઞાન ક્યાંથી મેળવી શકીએ?

આજ-કાલ લોકો જુદી જુદી રીતે ઈશ્વરની કૃપા મેળવવા ચાહે છે. તિબેટમાં લોકો ઘૂઘરો વાપરે છે, જેના પર પ્રાર્થના લખેલી હોય છે. ઈશ્વરને રાજી કરવા તેઓ ઘૂઘરો ફેરવે છે. જેટલો વધારે ઘૂઘરો ફેરવો, એટલી વધારે પ્રાર્થના કરી કહેવાય. ભારતમાં લોકોના અનેક ઘરોમાં દેવ-દેવીઓની પૂજા થાય છે. અરે, ઘરમાં જ મંદિર પણ હોય છે. એમાં પૂજા-પાઠ થાય. અગરબત્તી થાય. ફૂલોનું અર્પણ થાય. ઈટલીમાં લોકો ચર્ચમાં જાય. મરિયમની મૂર્તિ આગળ ઘૂંટણે પડે. માળા જેવી રોઝરી ફેરવે.

તમે આવા ઘણા ધાર્મિક લોકો જોયા હશે. દુનિયાના ધર્મો સમજીએ (અંગ્રેજી) પુસ્તક કહે છે, ‘શરૂઆતથી જ ધર્મએ દુનિયાના દરેક સમાજમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. આજે પણ ભજવી રહ્યો છે.’ જોન બૉકરે ઈશ્વરનો ટૂંકો ઇતિહાસ (અંગ્રેજી) નામના પોતાના પુસ્તકમાં લખ્યું: “આજ સુધી દુનિયામાં એવો કોઈ સમાજ નથી રહ્યો જેના લોકો ઈશ્વરમાં આસ્થા ન રાખતા હોય. લોકો માનતા આવ્યા છે કે ઈશ્વરે જ દુનિયા બનાવી છે. તેમની મરજી વગર દુનિયામાં કશું થઈ ન શકે. જ્યાં વધારે નાસ્તિકો છે એવા દેશના લોકો પણ આ માને છે.”

ખરેખર, ધર્મએ કરોડો લોકો પર ઊંડી અસર પાડી છે. એ શું બતાવે છે? એ જ કે લોકોને ઈશ્વરની ભક્તિની, તેમના જ્ઞાનની ભૂખ છે. કાર્લ જી. જૂન્ગ, મગજના એક જાણીતા ડૉક્ટર છે. પોતાને જાણો (અંગ્રેજી) નામના પોતાના પુસ્તકમાં તે જણાવે છે કે મનુષ્યને હંમેશા એ અહેસાસ થયા કરે છે કે તેણે એક મહાન શક્તિની ભક્તિ કરવી જોઈએ. તેમણે લખ્યું, “ઇતિહાસ એનો પુરાવો આપે છે.”

તોપણ, ઘણા એવા લોકો છે, જેઓને ઈશ્વરમાં કોઈ શ્રદ્ધા નથી. ધર્મમાં પણ તેઓને રસ નથી. અમુક તો કહે છે કે ‘ઈશ્વર છે જ નહિ.’ એનું શું કારણ? મુખ્ય કારણ એ જ કે તેઓ જે ધર્મ જાણે છે એ ઈશ્વરના જ્ઞાનની તેઓની તરસ છિપાવી શક્યો નથી. પણ મોટા ભાગે બધા લોકો, નાસ્તિકો પણ કોઈને કોઈ રીતે ધર્મમાં માને જ છે. જેમ કે તેઓના જીવનમાં અમુક સિદ્ધાંતો હોય છે જેને તેઓ ધર્મની જેમ પૂરી શ્રદ્ધાથી પાળે છે.

હજારો વર્ષોથી અનેક રીતે લોકો ઈશ્વરના જ્ઞાનની તરસ છિપાવવા તરસે છે. એ કારણથી આજે દુનિયામાં કંઈ કેટલાયે ધર્મો ફૂટી નીકળ્યા છે. બધા જ ધર્મો શીખવે છે કે ઈશ્વર જેવું કોઈ છે. પરંતુ, તે કોણ છે? કેવા છે? એ વિષે લોકોના જુદા જુદા વિચારો છે. ઘણા ધર્મ એમ પણ શીખવે છે કે માણસે મોક્ષ કે મુક્તિ પામવાની જરૂર છે. પણ એ મુક્તિ શું છે, કઈ રીતે પામી શકાય એ વિષે ધર્મોની માન્યતા જુદી જુદી છે. તેથી સવાલ થાય કે ‘કયો ધર્મ ઈશ્વરનું સત્ય શીખવે છે? ઈશ્વરની કૃપા પામવા આપણે શું કરવું જોઈએ?’