સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

કુંવારા લોકો આનંદથી યહોવાહની સેવા કરે છે

કુંવારા લોકો આનંદથી યહોવાહની સેવા કરે છે

‘યહોવાહ તરફથી મને સહાય મળે છે’

કુંવારા લોકો આનંદથી યહોવાહની સેવા કરે છે

સ્પેઇનમાં રહેતી એક બહેન કહે છે કે તે અને તેની બેનપણીઓ કુંવારી છે. પણ તેઓ બહુ સુખી છે. તેઓની ખુશીનું શું કારણ છે? એ બહેન કહે છે, “લગ્‍ન કરો, એની સાથે જવાબદારી આવે. ચિંતાઓ આવે. જ્યારે કે કુંવારા હોવાથી અમારી ચિંતાઓ એ જ છે કે અમે યહોવાહની સેવામાં કઈ રીતે વધારે સમય આપી શકીએ.”

બાઇબલ કુંવારી વ્યક્તિઓ વિષે શું કહે છે? ઈશ્વર-ભક્ત પાઊલે લખ્યું, “કુંવારાને તથા વિધવાઓને હું કહું છું, કે તેઓ જો મારા જેવાં રહે તો એ તેમને લાભકારક છે.” પાઊલ પોતે કુંવારા હતા. તેમણે જણાવ્યું કે લગ્‍ન થઈ જાય, એટલે પતિ-પત્ની એકબીજાને રાજી રાખવાની ચિંતા પહેલી કરશે. જ્યારે કે કુંવારી વ્યક્તિ “પ્રભુની વાતોની ચિંતા રાખે છે, કે મારે પ્રભુને કેવી રીતે પ્રસન્‍ન કરવો.” (૧ કોરીંથી ૭:૮, ૩૨-૩૪) આમ, કુંવારા ભાઈ-બહેનો પૂરા દિલથી યહોવાહની સેવા કરીને વધારે સુખી બની શકે છે.

ઈશ્વરની સેવા માટે કુંવારા

ઘણા સમાજમાં લોકો માને છે કે લગ્‍ન તો કરવા જ જોઈએ. લગ્‍ન કરો એટલે બાળકો તો હોવા જ જોઈએ. એવા લોકોને કુંવારા રહેવાની વાત ગળે ઉતારવી અઘરી લાગી શકે. ઈસુ પોતે કુંવારા હતા. છતાંયે તે યહોવાહની સેવાની મજા લેતા હતા. તેમણે કહ્યું કે “કેટલાક સ્વર્ગના રાજ્યને ખાતર પરણતા નથી. જે આ શિક્ષણ સ્વીકારી શકે તે એ પ્રમાણે કરે.”—માથ્થી ૧૯:૧૨, IBSI.

આ રીતે કુંવારા રહેનારા ખુશીથી પોતાનું જીવન યહોવાહની સેવામાં વાપરી શકે. (૧ કોરીંથી ૭:૩૫) જેઓ પરણેલા છે તેઓ એમ કરી શકતા નથી, કેમ કે તેઓ સંસારમાં ડૂબેલા હોય છે. આજે યહોવાહના હજારો સેવકો કુંવારા છે. આનંદથી યહોવાહની સેવા કરે છે અને બીજાઓને પણ ઘણી રીતે મદદ કરે છે. *

પણ શું કુંવારા રહેવાથી જીવન અધૂરું નથી? ના, ઘણા કુંવારા ભાઈ-બહેનોએ જોયું છે કે લગ્‍ન જ સુખની ચાવી નથી. તેઓએ અનુભવ કર્યો છે કે કુંવારા રહીને તેઓ દુઃખી નથી. સુખ-દુઃખનો તડકો છાંયો તો બધા પર આવે છે, ભલે તમે કુંવારા હોવ કે પરણેલા. બાઇબલ કહે છે કે પરણેલાને “શારીરિક દુઃખ” સહન કરવું પડશે.—૧ કોરીંથી ૭:૨૮.

સંજોગોને લીધે કુંવારા

અમુક લોકો સંજોગોને લીધે કુંવારા રહે છે. અમુક યોગ્ય જીવન સાથીની શોધમાં છે. જેથી કોઈની સાથે સુખ-દુઃખ વહેંચી શકે. અમુક પૈસા કે બીજા કોઈ કારણને લીધે લગ્‍ન કરતા નથી. ઘણી બહેનો કુંવારી રહી છે, કારણ કે તેઓ બાઇબલના કહેવા પ્રમાણે ફક્ત યહોવાહના લોકોમાં જ લગ્‍ન કરવાનું પસંદ કરે છે.—૧ કોરીંથી ૭:૩૯.

પણ કોઈક વાર એમ બને કે અમુક કુંવારા ભાઈ-બહેનોને સૂનું સૂનું લાગે. એક બહેન પોતાના દિલની વાત કહે છે, “કુંવારા ભાઈ-બહેનો યહોવાહનો નિયમ જાણે છે. અમે કોઈ પણ સંજોગોમાં યહોવાહને નારાજ કરવા નથી ચાહતા. ખરું કે અમે યોગ્ય જીવન-સાથીની શોધમાં છીએ. લોકો અમને ગમે ત્યાં ‘ઠેકાણે પાડવાનો’ પ્રયત્ન કરે છે. પણ અમે એકના બે થવાના નથી. યહોવાહની ભક્તિ ન કરતા હોય, તેઓની સાથે અમને શું લેવા-દેવા?” આવા કુંવારા ભાઈ-બહેનો પર આપણને કેટલો બધો ગર્વ છે! કઠિન સંજોગોમાં પણ તેઓ બાઇબલના શિક્ષણને વળગી રહે છે.

યહોવાહનો સાથ

આવા કુંવારા ભાઈ-બહેનો યહોવાહના લોકોમાં જ લગ્‍ન કરવાની આજ્ઞા પાળીને, યહોવાહનો હાથ પકડી રાખે છે. યહોવાહ પણ તેઓને સાથ આપે છે. બાઇબલ જણાવે છે કે “તે [યહોવાહ] પોતાના ભક્તોને તજી દેતો નથી.”(ગીતશાસ્ત્ર ૩૭:૨૮) યહોવાહ પોતે વચન આપે છે, “હું તને કદી મૂકી દઈશ નહિ, અને તને તજીશ પણ નહિ.” (હેબ્રી ૧૩:૫) કોઈ પણ સંજોગોમાં યહોવાહને વળગી રહેવા, કુંવારા રહેનારા સર્વ ભાઈ-બહેનોને આપણે સાથ આપીએ. તેમને મદદ કરવા બનતું બધું જ કરીએ. ખાસ તો તેઓ માટે યહોવાહને પ્રાર્થના કરીએ કે તેઓને હિંમત મળે.—ન્યાયાધીશો ૧૧:૩૦-૪૦.

ઘણા કુંવારા ભાઈ-બહેનો યહોવાહના રાજ્ય વિષે બીજાઓને જણાવીને બહુ આનંદ મેળવે છે. પેટ્રીશા નામની એક કુંવારી બહેનનો વિચાર કરો. તે લગભગ ૩૫ વર્ષની છે. તે પાયોનિયર છે. તે કહે છે, “ખરું કે કુંવારા લોકોને અમુક તકલીફો તો છે જ. પરંતુ, આશીર્વાદો પણ છે. હું કુંવારી છું, એટલે મને ખાસ કોઈ જવાબદારી નથી. હું સારી રીતે પાયોનિયરીંગ કરી શકું છું. એક ધ્યાનથી બાઇબલનો અભ્યાસ કરી શકું છું. મુશ્કેલીઓ આવે તો, હું દિલ ખોલીને યહોવાહ સાથે વાત કરું છું. પ્રાર્થનામાં મદદ માગું છું.”

બાઇબલ કહે છે કે “તારા માર્ગો યહોવાહને સોંપ; તેના પર ભરોસો રાખ, અને તે તને ફળીભૂત [સફળ] કરશે.” (ગીતશાસ્ત્ર ૩૭:૫) યહોવાહના સર્વ ભક્તોને, કુંવારા હોય કે પરણેલા, બધાને આ શબ્દો હિંમત આપે છે: ‘યહોવાહ મને સહાય’ કરશે.—ગીતશાસ્ત્ર ૧૨૧:૨.

[ફુટનોટ]

^ યહોવાહના સાક્ષીઓનું ૨૦૦૫નું કેલેન્ડરના, જુલાઈ/ઑગસ્ટ જુઓ.

[પાન ૯ પર બ્લર્બ]

જે પરણેલો નથી તે પ્રભુની વાતોની ચિંતા રાખે છે, કે મારે પ્રભુને કેવી રીતે પ્રસન્‍ન કરવો.”૧ કોરીંથી ૭:૩૨

[પાન ૮ પર બોક્સ]

કુંવારા લોકોના આશીર્વાદો

ઈસુ કુંવારા હતા. તેમણે કહ્યું: “જેણે મને મોકલ્યો છે, તેની ઇચ્છા પૂરી કરવી, અને તેનું કામ પૂર્ણ કરવું, એ મારૂં અન્‍ન છે.” યોહાન ૪:૩૪.

ફિલિપની ચાર કુંવારી દીકરીઓ દિલથી યહોવાહની સેવા કરતી.પ્રેરિતોનાં કૃત્યો ૨૧:૮, ૯.

યહોવાહના રાજ્યનો પ્રચાર કરનારી કુંવારી બહેનોનું “મોટું ટોળું” છે. ગીતશાસ્ત્ર ૬૮:૧૧.