ડાહ્યો માણસ સમજી વિચારીને વર્તશે
ડાહ્યો માણસ સમજી વિચારીને વર્તશે
ડાહ્યો માણસ હંમેશાં સમજી વિચારીને વર્તે છે. તે ચતુર હોય છે. ખરો નિર્ણય લે છે. તેમ જ, તે સમજુ હોય છે. સહેલાઈથી ખરુંખોટું પારખી શકે છે. તે કોઈને દગો આપતો નથી. કોઈની વિરૂદ્ધ કાવતરાં કરતો નથી. નીતિવચનો ૧૩:૧૬ કહે છે: “પ્રત્યેક ડાહ્યો માણસ બુદ્ધિથી કામ કરે છે.” આવા ગુણો આપણે સર્વએ કેળવવા જોઈએ.
આપણે ડાહ્યા કે સમજુ છીએ એમ રોજબરોજના જીવનમાં કઈ રીતે બતાવી શકીએ? આપણી પસંદગીથી તેમ જ બીજાઓ સાથેના વર્તાવમાં કઈ રીતે બતાવી શકીએ કે આપણે સમજુ છીએ? જુદી જુદી હાલતમાં આપણે કેવી પ્રતિક્રિયા બતાવીએ છીએ? એનાથી કઈ રીતે ખબર પડે કે આપણે સમજુ છીએ? સમજુ બનવાથી કેવા આશીર્વાદો મળે છે? સમજુ કેવી મુશ્કેલીઓથી દૂર રહે છે? રાજા સુલેમાન આ બધા સવાલોના નીતિવચનો ૧૪:૧૨-૨૫માં જવાબો આપે છે. *
સમજી વિચારીને પગલાં ભરો
આપણે જો સારી રીતે ખરુંખોટું પારખી શકીશું તો જીવનમાં હંમેશાં સારા નિર્ણયો લઈ શકીશું. તોપણ, બાઇબલ ચેતવણી આપે છે: “એક એવો માર્ગ છે, કે જે માણસોને ઠીક લાગે છે, પણ તેનું પરિણામ મોતનો માર્ગ છે.” (નીતિવચનો ૧૪:૧૨) આનાથી જોવા મળે છે કે આપણી પસંદગી કંઈ હંમેશાં સારી જ હોતી નથી. આપણે દરેકે સારી રીતે ખરુંખોટું પારખતા શીખવાની જરૂર છે. મૂળ હેબ્રી ભાષામાં ‘મોતના માર્ગનો’ અર્થ છેતરામણો માર્ગ થતો હતો. એવા ઘણા માર્ગો છે. એવા માર્ગોથી દૂર રહેવા આપણે શું કરી શકીએ? ચાલો એ જોઈએ.
આજે દુનિયામાં ઘણા પૈસાદાર અને જાણીતા લોકો છે. સમાજમાં તેઓની વાહ વાહ કરવામાં આવે છે. તેઓને જોઈને કોઈને પણ તેઓની ઈર્ષા થઈ શકે કે ‘આપણે તેઓના જેવા હોત તો કેવું સારું!’ પરંતુ સવાલ થાય છે કે ‘તેઓએ કઈ રીતે પૈસો બનાવ્યો છે? કઈ રીતે નામના મેળવી છે? શું તેઓના સંસ્કાર ઈશ્વરને ગમે એવા છે?’ આજે ઘણા લોકો પોતે બહુ ધાર્મિક હોવાનો દેખાડો કરતા હોય છે. પરંતુ, શું એનાથી એ પુરવાર થાય છે કે તેઓ સાચા ઈશ્વરને ભજે છે?—રૂમી ૧૦:૨, ૩.
આપણે જો પોતાને જ છેતરતા હોઈએ તો એ માર્ગ ઠીક લાગી શકે. આપણે મન ગમતા નિર્ણય લઈશું તો આપણું હૃદય પોતાને છેતરી રહ્યું હોય શકે. ભૂલો નહિ, હૃદય સૌથી કપટી છે. (યિર્મેયાહ ૧૭:૯) આપણું અંતઃકરણ ખરુંખોટું પારખી ન શકતું હોય તો જે ન કરવું જોઈએ, એ કરી બેસીશું. કેમ કે આપણને એમ જ થશે કે, ‘હું જે કરું છું એ જ ખરું છે.’ એનાથી દૂર રહી શકીએ એ માટે કોઈ માર્ગદર્શન છે?
હા, જરૂર છે. પરંતુ, એ માટે આપણે પોતે બાઇબલનો ઊંડો અભ્યાસ કરવો જોઈએ. તેનાથી આપણે યહોવાહની નજરમાં ‘ખરૂંખોટું પારખતા’ શીખી શકીશું. બાઇબલના સિદ્ધાંતો જીવનમાં ઉતારી શકીશું. (હેબ્રી ૫:૧૪) જોકે, આપણે ધ્યાન રાખવું જોઈએ કે પોતાને જે ખરું લાગે છે એ જ ન કરી બેસીએ. નહિ તો આપણે સત્યના માર્ગમાંથી ભટકી જઈ શકીએ.—માત્થી ૭:૧૩, ૧૪.
“હૃદય ખિન્ન હોય છે” ત્યારે
જો મનની શાંતિ ન હોય તોપણ શું આપણે આનંદી બની શકીએ? એવા સંજોગોમાં શું મન હળવું કરવા નીતિવચનો ૧૪:૧૩ક.
મોજશોખમાં ડૂબી જવું જોઈએ? હતાશા દૂર કરવા શું દારૂ કે ડ્રગ્સના નશામાં ડૂબી જવું જોઈએ? મનની પીડા દૂર કરવા સત્યથી દૂર ભાગી જઈને અનૈતિક જીવન જીવવું જોઈએ? ના, એવું જરાય ન કરવું જોઈએ. રાજા સુલેમાને કહ્યું: “હસતી વેળાએ પણ હૃદય ખિન્ન હોય છે.”—હાસ્ય કે મોજમજા કંઈક અંશે દિલનો બોજો હળવો કરી શકે. પરંતુ, એનાથી કંઈ દુઃખી હાલત કાયમ માટે દૂર થઈ જતી નથી. બાઇબલ કહે છે: “દરેક પ્રવૃત્તિ માટે યોગ્ય સમય હોય છે.” જેમ કે “રડવાનો સમય; હસવાનો સમય; શોક કરવાનો સમય; નાચવાનો સમય.” (ઉપદેશક [સભાશિક્ષક] ૩:૧, ૪, IBSI) જો આપણે ઉદાસ રહેતા હોઈએ તો “ચતુર” એટલે કે અનુભવી ભાઈ-બહેનની સલાહ લેવી જોઈએ. * જોકે, હાસ્ય અને મોજમજાથી લાભ તો થાય છે. પણ બહુ જ થોડા પ્રમાણમાં. અયોગ્ય હસીમજાક અને મોજમજામાં ડૂબી જવા સામે ચેતવણી આપતા રાજા સુલેમાન કહે છે: “હાસ્યનું પરિણામ શોક છે.”—નીતિવચનો ૧૪:૧૩ક.
કઈ રીતે પાપી ને સારો માણસ પોતાના ફળથી તૃપ્ત થશે?
“પાપી હૃદયવાળાને પોતાના જ માર્ગનું ફળ ચાખવું પડશે; અને સારો માણસ પોતાની જ વર્તણૂકથી તૃપ્ત થશે.” (નીતિવચનો ૧૪:૧૪) ભૂંડો અને ભલો કઈ રીતે પોતાનાં કામનું ફળ ભોગવે છે અથવા તૃપ્ત થાય છે? એના શું પરિણામો આવે છે?
જેઓને યહોવાહમાં શ્રદ્ધા નથી તેઓ તેમની નજરમાં પાપી અને ભૂંડા છે. તેઓનું માનવું છે કે ઈશ્વર જેવું કોઈ નથી. તેઓ મન ફાવે તેમ કરે છે. તેઓ કોઈને જવાબદાર નથી એવું માને છે. (૧ પીતર ૪:૩-૫) એવા લોકો મોજમજામાં ડૂબીને જીવનનો સંતોષ માણે છે. (ગીતશાસ્ત્ર ૧૪૪:૧૧-૧૫ક) એની સરખામણીમાં સારા કે ભલા માણસ બધાની સાથે સમજી વિચારીને વર્તે છે જેથી તેઓ યહોવાહની કૃપા મેળવે. યહોવાહની સેવામાં તેઓને જે આનંદ મળે છે એના જેવું બીજું કંઈ જ નથી.—ગીતશાસ્ત્ર ૧૪૪:૧૧-૧૫ખ.
‘દરેક શબ્દ ખરો’ માની લેશો નહિ
ભોળા અને ડાહ્યા વચ્ચે શું ફરક છે? સુલેમાન રાજા કહે છે: “ભોળો માણસ દરેક શબ્દ ખરો માને છે, પણ ડાહ્યો પુરુષ પોતાની વર્તણૂક બરાબર ચોક્કસ રાખે છે.” (નીતિવચનો ૧૪:૧૫) આમ, ડાહી વ્યક્તિ જે કંઈ સાંભળે એ બધું તરત જ સ્વીકારી લેતી નથી. સૌથી પહેલાં તે બીજાનું શાંતિથી સાંભળે છે, જેથી સત્ય જાણી શકે. પછી શક્ય એટલી બધી માહિતી જાણીને તે સમજી વિચારીને યોગ્ય નિર્ણય લે છે.
આ પ્રશ્ન પર વિચાર કરો: “શું ઈશ્વર છે?” એના વિષે કોઈ પૈસાદાર કે લોકપ્રિય વ્યક્તિ જે કંઈ કહેશે એ ભોળી વ્યક્તિ તરત જ માની લેશે. જ્યારે ડાહી વ્યક્તિ એના પર વિચાર કરશે, બધા પુરાવા તપાસશે. રૂમી ૧:૨૦, હેબ્રી ૩:૪ શું કહે છે એ પણ તપાસશે. ઈશ્વરની ભક્તિ કઈ રીતે કરવી જોઈએ? એના વિષે કોઈ ધર્મગુરુ કંઈ કહેશે તો ચતુર કે ડાહી વ્યક્તિ તરત માની લેશે નહિ. તે “પહેલાં ખાતરી કરશે કે એ સંદેશો ઈશ્વર તરફથી છે કે નહિ.”—૧ યોહાન ૪:૧.
બાઇબલ કહે છે કે ‘દરેક શબ્દ ખરો માની ન લો.’ કેટલી સરસ સલાહ! મંડળના વડીલોએ આ સલાહ ખાસ યાદ રાખવી જોઈએ. કોઈને સલાહ આપતા પહેલાં તેઓએ બધી બાજુથી હકીકત જાણી લેવી જોઈએ. બધાનું શાંતિથી અને ધ્યાનથી સાંભળવું જોઈએ. નહિતર તમારી સલાહ એક તરફી બની જશે. સ્વીકારવામાં નહિ આવે.—નીતિવચનો ૧૮:૧૩; ૨૯:૨૦.
“દુષ્ટ યોજના કરનાર ધિક્કાર પામે છે”
ભોળા અને ચતુર વચ્ચે બીજો શું ફરક છે? એના વિષે સુલેમાન રાજા કહે છે: “જ્ઞાની માણસ દુષ્ટતાથી બીને દૂર થાય છે; પણ મૂર્ખ માણસ ઉન્મત્ત થઈને બેદરકાર બને છે. જેને જલદી ક્રોધ ચઢે છે, તે મૂર્ખાઈ કરશે; અને દુષ્ટ યોજના કરનાર ધિક્કાર પામે છે.”—નીતિવચનો ૧૪:૧૬, ૧૭.
ડાહ્યા કે શાણા માણસને ડર હોય છે કે ખોટા રસ્તે જવાથી ખરાબ પરિણામ આવશે. તેથી, તે સમજી વિચારીને ચાલે છે. તેને કોઈ સારી ભલામણ કરે તો એનો ઉપકાર માને છે. ભૂંડા માણસને એવો કોઈ ડર હોતો નથી. તે કોઈનું સાંભળતો નથી. તે પોતાને મહાન માને છે. નાની-નાની વાતમાં ગુસ્સે થઈ જાય છે. એવી વ્યક્તિ વગર વિચાર્યે વર્તે છે.
“દુષ્ટ યોજના કરનાર” શબ્દ માટે જે મૂળ હેબ્રી શબ્દ વપરાયો છે એના બે અર્થ થાય છે. એક સારો, બીજો ખરાબ. એનો સારો અર્થ, વિવેકબુદ્ધિ કે ચતુરાઈ છે. (નીતિવચનો ૧:૪; ૨:૧૧; ૩:૨૧) એનો ખરાબ અર્થ, ‘દુષ્ટ યોજના કરનાર કે કુયુક્તિ કરનાર’ થાય છે.—ગીતશાસ્ત્ર ૩૭:૭; નીતિવચનો ૧૨:૨; ૨૪:૮.
જો મૂળ હેબ્રી શબ્દનો અર્થ ‘દુષ્ટ યોજના કરનાર’ થતો હોય તો હવે આપણે સમજી શકીએ કે તેને કેમ ધિક્કારવામાં આવે છે. પરંતુ, જો એ સારા અર્થમાં વપરાતો હોય તો, વિવેકી કે ચતુર વ્યક્તિને કેમ ધિક્કારવામાં આવે છે? શું એ ખરું નથી કે મૂર્ખાઓ ચતુર વ્યક્તિને પણ ધિક્કારતા હોય છે? દાખલા તરીકે, જેઓ સમજી વિચારીને ચાલે છે તેઓ આ ‘જગતનો ભાગ નથી.’ તેથી, આખું જગત તેઓને નફરત કરે છે. (યોહાન ૧૫:૧૯) આપણા યુવાન ભાઈ-બહેનોને સ્કૂલ કે કૉલેજમાં ખોટાં કામોમાં ભાગ લેવાનું દબાણ કરવામાં આવે છે. તેઓ યહોવાહને વફાદાર રહેતા હોવાથી તેઓ સાથે ખરાબ વર્તાવ કરવામાં આવે છે. તેઓની મશ્કરી કરવામાં આવે છે. એ બતાવે છે કે જેઓ સાચા ઈશ્વરના માર્ગે ચાલે છે તેઓને આ જગત નફરત કરે છે. કેમ કે આખું જગત શેતાનની મુઠ્ઠીમાં છે.—૧ યોહાન ૫:૧૯.
‘દુષ્ટોને નમવું પડશે’
ચતુર કે ડાહ્યા માણસમાં અને ભોળા માણસમાં બીજો પણ એક ફરક છે. “ભોળા માણસો મૂર્ખાઈનો વારસો પામે છે; પણ ડાહ્યા માણસોને વિદ્યાનો મુગટ પહેરાવવામાં આવે છે.” (નીતિવચનો ૧૪:૧૮) બિનઅનુભવી અને ભોળી વ્યક્તિ ન કરવાના કામ પસંદ કરે છે. એ તેઓનું જીવન બને છે. પણ જે ચતુર, ડાહ્યો કે કાબેલ છે તે વિદ્યાનો મુગટ ધારણ કરશે. એટલે કે તેને જ્ઞાનરૂપી ગૌરવ મળે છે.
સુલેમાન રાજા કહે છે: “ભૂંડાઓ સજ્જનોની આગળ, અને દુષ્ટો સદાચારીઓનાં બારણાંની આગળ નમે છે.” (નીતિવચનો ૧૪:૧૯) બીજા શબ્દમાં સારા લોકોનો ભૂંડા લોકો પર વિજય થશે. આજે વધુને વધુ લોકો યહોવાહના માર્ગમાં ચાલવાનું પસંદ કરે છે. એનાથી તેઓને જે આનંદ મળે છે એનો વિચાર કરો. એનાથી વિરોધીઓએ સ્વીકારવું જ પડશે કે યહોવાહ તેમના ભક્તોને આશિષ આપે છે. આમ, તેઓ પૃથ્વી પરના યહોવાહના અભિષિક્ત જનોની આગળ ‘નમ્યા’ બરાબર ગણાશે. આ અભિષિક્તો યહોવાહની સરકારને રજૂ કરે છે. વિરોધીઓ હમણાં એમ નહિ કરે તો ક્યારે કરશે? આર્માગેદ્દોન આવશે ત્યારે તેઓએ સ્વીકારવું જ પડશે કે પૃથ્વી પર યહોવાહની સંસ્થા છે, જે તેમની દોરવણી પ્રમાણે કામ કરે છે.—યશાયાહ ૬૦:૧, ૧૪; ગલાતી ૬:૧૬; પ્રકટીકરણ ૧૬:૧૪, ૧૬.
“ગરીબ પર દયા રાખનાર”
મનુષ્યના સ્વભાવ વિષે સુલેમાન જાણતા હોવાથી તેમણે લખ્યું: “ગરીબને પોતાનો પડોશી પણ ધિક્કારે છે; પણ દ્રવ્યવાનને ઘણા મિત્રો હોય છે.” (નીતિવચનો ૧૪:૨૦) શું મનુષ્યો એવું જ નથી કરતા? લોકો સ્વાર્થને કારણે ધનવાનોની આગળ પાછળ ફરે છે. પરંતુ, ગરીબો સામેથી મોં ફેરવી દે છે. ઘણા લોકો પૈસા જોઈને અમીર લોકોના મિત્ર થવા તલપાપડ થતા હોય છે. પાસે પૈસા હોય ત્યાં સુધી તેઓ તેના મિત્ર બની રહેશે. તો પછી, શું આપણે એવા લોકો સાથે લોભને કારણે દોસ્તી બાંધીશું? ના!
પોતાને પૂછો: ‘હું કેવા લોકો સાથે દોસ્તી રાખું છું? શું હું અમીર લોકો સાથે જ દોસ્તી રાખું છું? ગરીબોને અવગણું છું?’ બાઇબલમાં આવા વલણ વિરુદ્ધ સખત ચેતવણી આપવામાં આવી છે. નીતિવચનો ૧૪:૨૧ કહે છે: “પોતાના પડોશીને તુચ્છ ગણનાર પાપ કરે છે; પણ ગરીબ પર દયા રાખનારને ધન્ય છે.”
ગરીબ અને દુઃખી હાલતમાં છે તેઓની આપણે સંભાળ રાખવી જોઈએ. (યાકૂબ ૧:૨૭) એ આપણે કેવી રીતે કરી શકીએ? તેઓને તંગીના સમયે પૈસે-ટકે મદદ કરી શકીએ. જમવાનું આપી શકીએ. કપડાં આપી શકીએ. પોતાના ઘરમાં તેઓને રાખી શકીએ. તેમ જ તેઓ સાથે સમય કાઢી શકીએ. (૧ યોહાન ૩:૧૭) જેઓ દુખિયારાને આવી રીતે કૃપા બતાવશે તેઓ વધારે સુખી રહેશે. કેમ કે બાઇબલ કહે છે: “લેવા કરતાં આપવામાં વધારે ધન્યતા છે.”—પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૩૫.
ભોળો અને ચતુર શું લણશે?
બાઇબલ કહે છે: “માણસ જે કંઈ વાવે તે જ તે લણશે.” આ સિદ્ધાંત ભોળા અને ચતુરને પણ એટલો જ લાગુ પડે છે. (ગલાતી ૬:૭) ચતુર કે શાણી વ્યક્તિ જે સારું છે એ જ કરશે. જ્યારે કે ભોળો કે દુષ્ટ કાવતરાં રચશે. સુલેમાન રાજા પૂછે છે: “ભૂંડી યોજના કરનારાઓ શું ભૂલ નથી કરતા?” હા, તેઓ ચોક્કસ ‘ભૂંડી યોજનાઓ કરીને ભૂલ કરે છે.’ પણ જેઓ બીજાનું ભલું કરે છે તેઓને “કૃપા તથા સત્ય પ્રાપ્ત થશે.” (નીતિવચનો ૧૪:૨૨) જેઓ સારું કરતા રહેશે તેઓ પ્રત્યે લોકો સારી લાગણી બતાવશે. તેમ જ યહોવાહની કૃપા પામશે.
વાતો કરીને બેસી રહેનાર અને સખત કામ કરનાર વચ્ચે શું ફરક છે? સુલેમાન કહે છે: “સર્વ પ્રકારના ઉદ્યોગમાં લાભ છે; પણ હોઠોની વાત કેવળ દળદર લાવનારી છે.” (નીતિવચનો ૧૪:૨૩) આ સિદ્ધાંત યહોવાહની સેવામાં પણ લાગુ પડે છે. આપણે પ્રચારમાં સખત મહેનત કરીને ઘણા લોકોને બાઇબલનું જીવન બચાવતું જ્ઞાન આપીએ છીએ. એમ કરીને યહોવાહના આશીર્વાદો મેળવીએ છીએ. યહોવાહની સેવામાં જે કંઈ કામ કે જવાબદારી મળે એ તન-મન-ધનથી કરવાથી શું આપણને ઘણો આનંદ ને સંતોષ નથી મળતા?
“જ્ઞાનીઓનો [શાણાઓનો] મુગટ તેઓનું ધન છે; પણ મૂર્ખોની મૂર્ખાઈ તો મૂર્ખાઈ જ રહે છે.” (નીતિવચનો ૧૪:૨૪) એનો અર્થ થાય કે શાણા લોકો પોતાની બુદ્ધિ કે જ્ઞાનથી અમીર બને છે. એ તેઓ માટે મુગટ જેવું છે. પણ મૂર્ખ લોકો મૂર્ખાઈમાં જ ડૂબી જાય છે. આ કલમ સમજાવતું એક પુસ્તક આમ પણ કહે છે: ‘જેઓ પોતાની ધન-દોલત બરાબર વાપરે છે તેઓ માટે એ કીમતી રતન જેવું છે. પણ મૂર્ખ લોકો પાસે મૂર્ખાઈ સિવાય બીજું કંઈ જ નથી.’ ભલેને ગમે તે હોય, પણ એક વાત તો સાચી છે. શાણાઓ મૂર્ખો કરતાં વધારે સુખી હોય છે.
સુલેમાન રાજા કહે છે: “સાચો સાક્ષી જીવોને બચાવે છે; પણ જૂઠું બોલનાર કપટ કરે છે.” (નીતિવચનો ૧૪:૨૫) જોકે, કાનૂની રીતે એ એકદમ સાચું છે. પરંતુ, પ્રચાર કાર્યમાં એ કઈ રીતે લાગુ પડે એનો વિચાર કરીએ. આપણા પ્રચાર કાર્યથી આપણે બતાવીએ છીએ કે બાઇબલમાં યહોવાહનું સત્ય જ છે. એમ કરવાથી જેઓ સત્ય સ્વીકારે છે તેઓ જૂઠા ધર્મો છોડીને સાચા ઈશ્વરની સેવા કરવા લાગે છે. એનાથી તેઓનાં જીવન બચી જાય છે. આમ, આપણી પોતાની અને આપણા શિક્ષણની સતત કાળજી રાખવાથી આપણે પોતાને તેમ જ આપણા સાંભળનારને બચાવી શકીશું. (૧ તીમોથી ૪:૧૬) ચાલો આપણે જીવનના બધાં પાસાંઓમાં સમજી વિચારીને વર્તીએ.
[ફુટનોટ્સ]
^ નીતિવચનો ૧૪:૧-૧૧ વિષે નવેમ્બર ૧૫, ૨૦૦૪, ચોકીબુરજના પાન ૨૬-૩૧માં વધારે માહિતી જોવા મળે છે.
^ વધારે જાણકારી માટે ઑક્ટોબર ૨૨, ૧૯૮૭, અવૅક! પાન ૧૧-૧૬ જુઓ.
[પાન ૧૮ પર ચિત્ર]
ઊંડું સત્ય શીખવા જાતે અભ્યાસ કરવો જોઈએ એમ કરવાથી આપણે ખરુંખોટું પારખી શકીશું
[પાન ૧૮ પર ચિત્ર]
શું મોજશોખની વસ્તુઓથી ખરો આનંદ મળી શકે?