સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું આપણે બધી વાતમાં વિશ્વાસુ છીએ?

શું આપણે બધી વાતમાં વિશ્વાસુ છીએ?

શું આપણે બધી વાતમાં વિશ્વાસુ છીએ?

“જે બહુ થોડામાં વિશ્વાસુ છે તે ઘણામાં પણ વિશ્વાસુ છે.”લુક ૧૬:૧૦.

૧. આપણે કઈ રીતે કહી શકીએ કે યહોવાહ વિશ્વાસુ છે?

 દિવસ ચઢતો જાય છે તેમ, દરેક વસ્તુનો છાંયડો નાનો-મોટો થતો જાય છે. એની દિશા પણ બદલાતી રહે છે! આજે છાંયડાની જેમ માણસોનાં વચનો પણ બદલાય છે. પરંતુ સૃષ્ટિના માલિક, યહોવાહ એવા નથી. યાકૂબ તેમને ‘પ્રકાશોના પિતા’ કહે છે, ‘જેમનામાં કોઈ ફેરફાર થતો નથી, તેમ જ તેમના ફરવાથી પડછાયો પણ પડતો નથી.’ (યાકૂબ ૧:૧૭) હા, યહોવાહ કદી બદલાતા નથી. આપણે તેમની નાની વાત પર ભરોસો મૂકી શકીએ છીએ. ખરેખર, ‘તે વિશ્વાસુ તથા સત્ય દેવ છે.’—પુનર્નિયમ ૩૨:૪.

૨. (ક) આપણે યહોવાહને વિશ્વાસુ છીએ કે નહિ એની શા માટે સ્વતપાસ કરવી જોઈએ? (ખ) વિશ્વાસુ રહેવા વિષે કયા પ્રશ્નોની આપણે ચર્ચા કરીશું?

આપણે યહોવાહ પર ભરોસો રાખીએ છીએ ત્યારે તેમને કેવું લાગે છે? એના વિષે દાઊદે કહ્યું: “દેશમાંના વિશ્વાસુઓ મારી પાસે વાસો કરે તે માટે હું તેઓ પર રહેમ નજર રાખીશ; સીધા માર્ગમાં ચાલનાર મારી સેવા કરશે.” (ગીતશાસ્ત્ર ૧૦૧:૬) યહોવાહને આપણે વિશ્વાસુ રહીએ છીએ એ જોઈને તે હરખાય છે. એના વિષે પાઊલે કહ્યું: “પોતાના માલિકના કહ્યા પ્રમાણે કરવું એ સેવકનું કર્તવ્ય છે.” (૧ કોરિંથી ૪:૨, IBSI) આ કલમો બતાવે છે કે આપણે યહોવાહને વિશ્વાસુ રહીએ છીએ એ જોઈને તેમને ખૂબ જ આનંદ થાય છે. પરંતુ, વિશ્વાસુ એટલે શું? આપણે જીવનના કયા પાસાંઓમાં વિશ્વાસુ રહેવું જોઈએ? ‘સીધા માર્ગમાં ચાલવાના’ કયા આશીર્વાદો મળે છે?

વિશ્વાસુ રહેવાનો શું અર્થ થાય?

૩. આપણે યહોવાહને વિશ્વાસુ છીએ કે નહિ એ શાના પરથી કહી શકાય?

હેબ્રી ૩:૫ કહે છે: ‘મુસા સેવક તરીકે વિશ્વાસુ હતા.’ કઈ રીતે તે વિશ્વાસુ બન્યા? યહોવાહે તેમને મંડપ બાંધવાનું કહ્યું ત્યારે, ‘જે સર્વ આજ્ઞાઓ યહોવાહે તેમને આપી હતી તે પ્રમાણે તેમણે કર્યું.’ (નિર્ગમન ૪૦:૧૬) મુસાની જેમ આપણે પણ યહોવાહના કહેવા પ્રમાણે કરવું જોઈએ. પછી જીવનમાં ભલે નાની-મોટી મુસીબતો આવે, આપણે તેમને જ વફાદાર રહી શકીશું. જોકે, એનો અર્થ એ નથી કે ફક્ત મોટી મુસીબતોમાં જ આપણે વિશ્વાસુ રહી શકીએ. ઈસુએ કહ્યું: “જે બહુ થોડામાં વિશ્વાસુ છે તે ઘણામાં પણ વિશ્વાસુ છે; અને જે બહુ થોડામાં અન્યાયી છે તે ઘણામાં પણ અન્યાયી છે.” (લુક ૧૬:૧૦) તેથી, આપણે નાની કે મામૂલી ગણતા હોય એવી બાબતોમાં પણ યહોવાહને વિશ્વાસુ રહેવું જોઈએ.

૪, ૫. આપણે “બહુ થોડામાં” પણ વિશ્વાસુ રહીને શું બતાવીએ છીએ?

આપણે શા માટે “બહુ થોડામાં” એટલે નાની-નાની બાબતમાં વિશ્વાસુ રહેવું જોઈએ? એના બે કારણો છે. એક, એ બતાવે છે કે આપણે યહોવાહને વિશ્વના રાજા તરીકે ગણીએ છીએ. આદમ અને હવાનો વિચાર કરો. યહોવાહે તેઓને કંઈ બહુ મોટી આજ્ઞા આપી ન હતી. તેઓએ ફક્ત ‘ભલુંભૂંડું જાણવાના વૃક્ષમાંથી’ ફળ ખાવાનું ન હતું. (ઉત્પત્તિ ૨:૧૬, ૧૭) એ સિવાય બધાં જ વૃક્ષોમાંથી ફળ ખાવાની રજા હતી. આ આજ્ઞા પાળીને આદમ ને હવા બતાવી શક્યા હોત કે તેઓ વિશ્વના રાજા યહોવાહને આધીન રહેવા માંગે છે. આજે રોજિંદા જીવનમાં યહોવાહનું કહ્યું કરવાથી આપણે બતાવીએ છીએ કે તે જ આપણા રાજા છે.

“બહુ થોડામાં” વિશ્વાસુ રહેવાનું બીજું કારણ શું છે? એ જ કે આપણે મોટી બાબતોમાં પણ વિશ્વાસુ રહી શકીશું. દાનીયેલ અને તેના ત્રણ મિત્રો, હનાન્યાહ, મીશાએલ તથા અઝાર્યાહનો જ દાખલો લો. તેઓને ઈસવીસન પૂર્વે ૬૧૭માં ગુલામ તરીકે બાબેલોનમાં લઈ જવામાં આવ્યા હતા. તેઓ હજી તરૂણ હતા ત્યારે રાજા નબૂખાદનેસ્સારના ભવ્ય મહેલમાં લાવવામાં આવ્યા. ત્યાં “રાજાએ તેઓને માટે રાજાના ખાણામાંથી તથા તેને પીવાના દ્રાક્ષારસમાંથી રોજિંદો અમુક હિસ્સો ઠરાવી આપ્યો; ત્રણ વર્ષ સુધી તેઓનું પોષણ કરવું, ને તે મુદ્‌તની આખરે તેઓ રાજાની હજૂરમાં રજુ થાય એવો ઠરાવ કર્યો.”—દાનીયેલ ૧:૩-૫.

૬. દાનીયેલ અને તેના ત્રણ મિત્રો પર બાબેલોનમાં કઈ કસોટી આવી પડી?

આ ચાર યુવાનો રાજાના ખોરાકમાંથી ઘણી વસ્તુઓ ખાઈ શકતા ન હતા. કેમ કે યહોવાહે ઈસ્રાએલીઓને એવા ખોરાકથી દૂર રહેવાનું કહ્યું હતું. (પુનર્નિયમ ૧૪:૩-૨૦) એ ખોરાકમાં એવું તો શું હતું? બાબેલોનીઓ માંસમાંથી બધું લોહી નિતારતા ન હતા. આવું માંસ ખાવાથી તો પરમેશ્વરના નિયમનું ઉલ્લંઘન થાય. (પુનર્નિયમ ૧૨:૨૩-૨૫) એટલું જ નહિ, બાબેલોનીઓનો એ રિવાજ હતો કે જમતા પહેલાં ખોરાક મૂર્તિઓને ચઢાવવો જોઈએ.

૭. યહોવાહના નિયમ પાળીને દાનીયેલ અને તેના ત્રણ મિત્રોએ શું બતાવ્યું?

બાબેલોનીઓ કંઈ પણ ખોરાક ખાવા તૈયાર હતા. એના વિષે તેઓ કદી ચિંતા ન કરતા. પરંતુ, દાનીયેલ અને તેના ત્રણ મિત્રો યહોવાહનો નિયમ તોડવા માંગતા ન હતા. આ નિયમો પાળીને તેઓ યહોવાહને જ વફાદાર રહેવા માગતા હતા. તેથી, તેઓએ કહ્યું કે પોતે બસ શાકભાજી ખાશે ને પાણી જ પીશે. તેઓની એ વાત માનવામાં આવી. (દાનીયેલ ૧:૯-૧૪) આજે કેટલાક લોકોને આ બાબત બહુ નજીવી લાગી શકે. પરંતુ, આ ચાર યુવાનોએ યહોવાહને આધીન રહીને બતાવ્યું કે તેઓ તેમને જ પોતાના રાજા તરીકે સ્વીકારે છે.

૮. (ક) ત્રણ યુવાનો પર કઈ આકરી કસોટી આવી પડી? (ખ) કસોટીનું શું પરિણામ આવ્યું ને એમાંથી આપણે શું શીખી શકીએ?

દાનીયેલ અને તેના મિત્રો નાની બાબતોમાં યહોવાહને વિશ્વાસુ રહ્યાં હોવાથી મોટી બાબતમાં પણ વિશ્વાસુ રહી શક્યા. કઈ રીતે? તમે દાનીયેલનો ત્રીજો અધ્યાય વાંચશો તો જોવા મળશે કે દાનીયેલના ત્રણ મિત્રો, નબૂખાદનેસ્સાર રાજાએ બનાવેલી સોનાની મૂર્તિ આગળ નમ્યા નહિ. તેથી તેઓને બળતા અગ્‍નિની ભઠ્ઠીમાં જીવતા બાળી નાખવાની સજા મળી. તેઓને રાજા સમક્ષ લાવવામાં આવ્યા ત્યારે તેઓએ પૂરા ભરોસાથી કહ્યું: “અમારો દેવ, જેની અમે ઉપાસના કરીએ છીએ, તે અમને બળતા અગ્‍નિની ભઠ્ઠીમાંથી છોડાવવાને શક્તિમાન છે; અને હે રાજા, તે અમને આપના હાથમાંથી છોડાવશે. પણ જો નહિ છોડાવે, તોપણ, હે રાજા, આપે ખચીત જાણવું, કે અમે આપના દેવોની ઉપાસના કરીશું નહિ, તેમજ આપે પ્રતિષ્ઠિત કરેલી સોનાની મૂર્તિને પૂજીશું નહિ.” (દાનીયેલ ૩:૧૭, ૧૮) શું યહોવાહે આ ત્રણ યુવાનોને બચાવ્યા? હા. તેઓનો એક વાળ પણ વાંકો થયો નહિ. જ્યારે તેઓને ભઠ્ઠીમાં નાખનારા માણસો બળી મર્યા! આ યુવાનો નાની બાબતોમાં વફાદાર રહ્યાં હોવાથી, મોટી કસોટીમાં યહોવાહને વફાદાર રહી શક્યા. આપણે પણ નાની નાની બાબતમાં વિશ્વાસુ રહેવું જોઈએ.

અન્યાયી દ્રવ્ય સંબંધી વિશ્વાસુ રહો

૯. ઈસુએ લુક ૧૬:૧૦ની આગળ પાછળની કલમોમાં શું સલાહ આપી?

ઈસુએ લુક ૧૬:૯માં સલાહ આપી: “હું તમને કહું છું, કે અન્યાયીપણાના દ્રવ્ય વડે પોતાને સારૂ મિત્રો કરી લો; કે જ્યારે તે થઈ રહે, ત્યારે તેઓ સદાકાળના માંડવાઓમાં તમારો અંગીકાર કરે.” દસમી કલમમાં નાની બાબતમાં વિશ્વાસુ રહેવાની સલાહ આપ્યા પછી તેમણે કહ્યું: ‘માટે જો અન્યાયી દ્રવ્ય સંબંધી તમે વિશ્વાસુ થયા ન હો, તો ખરૂં દ્રવ્ય તમને કોણ સોંપશે? કોઈ ચાકર બે ધણીઓની ચાકરી કરી શકતો નથી; કેમ કે તે એકનો દ્વેષ કરશે, અને બીજા પર પ્રેમ કરશે; અથવા તે એકના પક્ષનો થશે, અને બીજાને તુચ્છ ગણશે. દેવની તથા દ્રવ્યની ચાકરી તમે કરી નથી શકતા.’—લુક ૧૬:૯-૧૩.

૧૦. આપણે કઈ રીતે ‘અન્યાયી દ્રવ્યનો’ ઉપયોગ કરીને વફાદારી બતાવી શકીએ?

૧૦ લુક ૧૬:૧૦ની આગળ ને પાછળની કલમો સમજાવે છે કે “અન્યાયી દ્રવ્ય” માલમિલકત છે. પણ આ દ્રવ્ય, ખાસ કરીને પૈસા કેમ અન્યાયી છે? કારણ કે લોકો એની પૂજા કરે છે. તેઓ એનો લોભ કરે ત્યારે વધુ અન્યાયી કામો કરે છે. પણ યહોવાહને વફાદાર રહેવાથી આપણે દુનિયાના લોકોની જેમ પૈસાને પૂજીશું નહિ. સ્વાર્થી કામોમાં વાપરીશું નહિ. પણ આપણે પૈસા અને મિલકતને યહોવાહની વધારે સેવા કરવા માટે વાપરીશું. ભાઈબહેનોને મદદ કરવા માટે વાપરીશું. પૈસા ને માલમિલકતનો યહોવાહની સેવામાં ઉપયોગ કરવાથી આપણે તેમને અને ઈસુને વફાદાર રહીએ છીએ. બદલામાં તેઓ ‘સદાકાળ આપણો અંગીકાર’ કરશે. પછી ભલેને આપણને સ્વર્ગીય જીવન માટે પસંદ કર્યા હોય કે સુંદર પૃથ્વી પર જીવવા માટે.

૧૧. ઘરમાલિકને શું કામ કહેવું જોઈએ કે આપણું પ્રચાર કામ દાનથી ચાલે છે?

૧૧ આપણે પ્રચાર કરીએ ત્યારે લોકોને પોતાની માલમિલકત સારી રીતે વાપરવાની તક આપીએ છીએ. કઈ રીતે? આપણે લોકોને બાઇબલ કે આપણું સાહિત્ય આપીને સમજાવી શકીએ કે આપણું જગતવ્યાપી કામ દાનોથી ચાલે છે. તેઓ એમાં દાન આપશે તો આપણે ખુશીથી સ્વીકારીશું. આમ તેઓને યહોવાહની સેવામાં પૈસાનો સદુપયોગ કરવાની તક મળે છે. જોકે, લુક ૧૬:૧૦માં ઈસુ ખાસ કરીને પૈસા ને માલમિલકતના ઉપયોગ વિષે વાત કરતા હતા. તેમ છતાં આ સિદ્ધાંત આપણા જીવનમાં અનેક રીતે લાગુ પડે છે.

સચ્ચાઈથી વર્તીએ

૧૨, ૧૩. જીવનના કયાં પાસાંઓમાં આપણે સચ્ચાઈથી વર્તવું જોઈએ?

૧૨ પાઊલે લખ્યું: “અમારૂં અંતઃકરણ નિર્મળ છે, એવી અમને ખાતરી છે; અને અમે સઘળી બાબતોમાં પ્રામાણિકપણે વર્તવાની ઇચ્છા રાખીએ છીએ.” (હેબ્રી ૧૩:૧૮) આપણે પણ “સઘળી બાબતોમાં” પ્રામાણિક રહેવું જોઈએ. ખાસ કરીને પૈસાની બાબતમાં. એટલે આપણે સમયસર કર ભરીશું. કોઈની પાસેથી ઉછીના પૈસા લીધા હશે તો વાયદા પ્રમાણે પાછા આપીશું. શા માટે? કેમ કે આપણે યહોવાહને ખૂબ ચાહીએ છીએ. તેમના નિયમો પાળવા ચાહીએ છીએ. વળી, આપણે શુદ્ધ “અંતઃકરણ” રાખવા માંગીએ છીએ. (રૂમી ૧૩:૫, ૬) જો કોઈ વસ્તુ મળે જે આપણી ન હોય તો શું કરીશું? આપણે એ વસ્તુના માલિક શોધી કાઢીશું. એમ કરીએ ત્યારે આપણને સાક્ષી આપવાની કેટલી સારી તક મળે છે!

૧૩ “સઘળી બાબતોમાં” વિશ્વાસુ અને પ્રામાણિક રહેવામાં નોકરી-ધંધો પણ આવી જાય છે. આપણે નોકરી પર પ્રામાણિક રહીશું તો લોકો જોઈ શકશે કે આપણે સચ્ચાઈના ઈશ્વરને ભજીએ છીએ. આપણે કામચોર નહિ થઈએ. જાણે યહોવાહ માટે કરતા હોઈએ એમ મન લગાવીને કામ કરીશું. (એફેસી ૪:૨૮; કોલોસી ૩:૨૩) એક અંદાજ મુજબ, યુરોપના એક દેશમાં ૩૩ ટકા લોકો ડૉક્ટર પાસેથી બીમારીના ખોટાં સર્ટિફિકેટ લે છે. પરંતુ, યહોવાહના સેવકો એમ કરતા નથી. તેઓના પ્રામાણિક વર્તનને લીધે ઘણી વાર તેઓને સારી નોકરી કે બઢતી મળે છે.—નીતિવચનો ૧૦:૪.

પ્રચાર કામમાં વિશ્વાસુ રહીએ

૧૪, ૧૫. પ્રચારની બાબતમાં આપણે કઈ રીતે વફાદારી બતાવી શકીએ?

૧૪ યહોવાહે આપણને પ્રચાર કામ સોંપ્યું છે. એ કામમાં પણ આપણે વિશ્વાસુ રહેવું જોઈએ. બાઇબલ કહે છે, ‘ઈશ્વરને આપણે બલિદાન તરીકે સ્તુતિનું અર્પણ કરીએ. આ અર્પણ તેમનું નામ કબૂલ કરનાર હોઠો દ્વારા અપાય છે.’ (હિબ્રૂ ૧૩:૧૫, પ્રેમસંદેશ) નિયમિત રીતે પ્રચારમાં ભાગ લેવાથી આપણે યહોવાહને વિશ્વાસુ રહીએ છીએ. આપણે મહિનામાં એક વાર પણ પ્રચાર કર્યો ન હોય તો, બિલકુલ સારું ન કહેવાય. નિયમિત પ્રચાર કરવાથી આપણી રજૂઆતો જોરદાર બનશે ને સારી રીતે લોકોને સત્ય શીખવી શકીશું.

૧૫ પ્રચારની બાબતે આપણે બીજી કઈ રીતે વફાદારી બતાવી શકીએ? આપણે ચોકીબુરજ અને આપણી રાજ્ય સેવામાં જે સૂચનાઓ છે એ પાળવી જોઈએ. આપણા વિસ્તારમાં ઉપયોગી હોય એવી રજૂઆતો શોધી કાઢીને મહાવરો કરીએ ત્યારે, પ્રચારમાં શું આપણને વધારે ફળો મળતા નથી? પ્રચારમાં કોઈ વ્યક્તિ રસ બતાવે તો શું આપણે તરત જ તેમને ફરી મળવાની ગોઠવણ કરીએ છીએ? બાઇબલ અભ્યાસ શરૂ કરીએ તો, આપણે સારી તૈયારી કરીને એને નિયમિત ચલાવીએ છીએ? આપણે પ્રચારમાં બનતું બધું કરીને બતાવીએ છીએ કે આપણે યહોવાહના કહેવા પ્રમાણે ચાલવા ચાહીએ છીએ. એનાથી આપણું સાંભળે છે તેઓનું અને આપણું પોતાનું તારણ થશે.—૧ તીમોથી ૪:૧૫, ૧૬.

જગતનો ભાગ ન બનો

૧૬, ૧૭. આપણે જગતનો ભાગ નથી એ કઈ રીતે બતાવી શકીએ?

૧૬ ઈસુએ પ્રાર્થનામાં તેમના શિષ્યો વિષે કહ્યું: “તારૂં વચન મેં તેઓને આપ્યું છે; અને જગતે તેઓના ઉપર દ્વેષ કર્યો છે, કેમ કે જેમ હું જગતનો નથી, તેમ તેઓ પણ જગતના નથી. તું તેઓને જગતમાંથી લઈ લે એવી વિનંતી હું કરતો નથી, પણ તું તેઓને પાપથી બચાવે એવી વિનંતી કરૂં છું. જેમ હું જગતનો નથી, તેમ તેઓ જગતના નથી.” (યોહાન ૧૭:૧૪-૧૬) દુનિયાના લોકોની જેમ આપણે વ્યભિચાર જેવાં પાપ કરીશું નહિ. ધર્મના જૂઠા રીતરિવાજ પાળીશું નહિ અને રાજકારણમાં ભાગ લઈશું નહિ. શું આપણે નાની નાની બાબતોમાં પણ દુનિયાના લોકોથી અલગ રહેવા ચાહીએ છીએ? જો ધ્યાન નહિ રાખીએ તો, નાની નાની વાતમાં દુનિયાની અસર આપણને લાગી શકે. દાખલા તરીકે, જો ધ્યાન ન રાખીએ તો આપણો પહેરવેશ કઢંગો કે અયોગ્ય લાગી શકે. યહોવાહને વિશ્વાસુ રહેવાનો અર્થ થાય કે આપણો પહેરવેશ કે શણગાર ‘ગંભીર અને મર્યાદાશીલ’ હોય. (૧ તીમોથી ૨:૯, ૧૦) બાઇબલ કહે છે: “અમારી સેવાનો દોષ કાઢવામાં ન આવે, માટે અમે કોઈ પણ બાબતમાં કોઈને ઠોકર ખાવાનું કારણ આપતા નથી; પણ સર્વ વાતે અમે દેવના સેવકોને શોભે એવી રીતે વર્તીએ છીએ.”—૨ કોરીંથી ૬:૩, ૪.

૧૭ આપણે સભાઓ, સંમેલનમાં કે ગમે ત્યાં જતા હોઈએ ત્યારે હંમેશા આપણો પહેરવેશ શોભતો હોવો જોઈએ. એનાથી લોકો જોઈ શકશે કે આપણે યહોવાહના સેવકો છીએ ને તેમને માન આપવા ચાહીએ છીએ. અરે, સ્વર્ગદૂતો પણ આપણાં કાર્યો અને દેખાવ જુએ છે, જેમ તેઓ પાઊલના સમયમાં કરતા હતા. (૧ કોરીંથી ૪:૯) તેથી કોઈ પણ સમયે આપણો પહેરવેશ શોભતો હોવો જોઈએ. અમુકને લાગશે કે પહેરવેશની પસંદગી તો સાવ નાનીસૂની વાત છે. પણ આવી નાની બાબતો યહોવાહની નજરે ખૂબ મહત્ત્વની છે.

વિશ્વાસુ રહેવાથી મળતા આશીર્વાદો

૧૮, ૧૯. યહોવાહને વિશ્વાસુ રહેવાથી આપણે કયા આશીર્વાદો મેળવીશું?

૧૮ બાઇબલ કહે છે કે આપણે દરેક ઈશ્વરના “સારા કારભારી” કે સેવકો છીએ. તેથી તેમની કૃપાનો સંદેશો સર્વને જણાવીએ છીએ. આપણે “દેવે આપેલા સામર્થ્ય પ્રમાણે સેવા” કરીએ છીએ. (૧ પીતર ૪:૧૦, ૧૧) યહોવાહની કૃપાથી જ આપણે તેમના સેવકો બનીએ છીએ. તેમની કૃપાથી આપણે પ્રચાર કરી શકીએ છીએ. યહોવાહના સારા સેવકો બનવા માટે આપણે તેમની શક્તિ પર જ નિર્ભર રહીએ છીએ. યહોવાહ પણ આપણને જરૂર છે એનાથી વધારે શક્તિ આપે છે. (૨ કોરીંથી ૪:૭) આ બતાવે છે કે આપણે નાની બાબતોમાં પણ હમણાં યહોવાહ પાસેથી તાલીમ મેળવીએ. એનાથી જીવનમાં કોઈ પણ આફતો આવે ત્યારે યહોવાહને વિશ્વાસુ રહેવા માટે તૈયાર હોઈશું.

૧૯ ગીતશાસ્ત્રના એક લેખકે કહ્યું: “હે યહોવાહના સર્વ ભક્તો, તેના પર પ્રીતિ રાખો; યહોવાહ વિશ્વાસુઓનું રક્ષણ કરે છે.” (ગીતશાસ્ત્ર ૩૧:૨૩) તો ચાલો આપણે સર્વ યહોવાહને વિશ્વાસુ રહેવાનો નિશ્ચય કરીએ. તેમના પર અતૂટ ભરોસો મૂકીએ કે તે ‘સર્વ માણસોને અને વિશેષે કરીને વિશ્વાસુઓને તારણ આપે છે.’—૧ તીમોથી ૪:૧૦.

તમને શું યાદ છે?

• આપણે શા માટે ‘બહુ થોડી’ બાબતમાં પણ વિશ્વાસુ રહેવું જોઈએ?

• આપણે સચ્ચાઈથી રહેવા શું કરવું જોઈએ?

• આપણે પ્રચારમાં કઈ રીતે વિશ્વાસુ રહી શકીએ?

• આપણે વિશ્વાસુ રહેવા કઈ રીતે જગતના વાણી-વર્તનથી દૂર રહી શકીએ?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૨૬ પર ચિત્રો]

નાની બાબતોમાં વિશ્વાસુ રહેવાથી મોટી બાબતોમાં પણ વિશ્વાસુ બનીશું

[પાન ૨૯ પર ચિત્ર]

સર્વ બાબતોમાં સચ્ચાઈથી વર્તો

[પાન ૨૯ પર ચિત્ર]

યહોવાહને વફાદારી બતાવવા પ્રચાર માટે સારી તૈયારી કરો

[પાન ૩૦ પર ચિત્ર]

યહોવાહના સેવકને શોભે એવો પહેરવેશ અને શણગાર કરો