સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

આનંદ મેળવવા માટે બાઇબલ તમને મદદ કરી શકે

આનંદ મેળવવા માટે બાઇબલ તમને મદદ કરી શકે

આનંદ મેળવવા માટે બાઇબલ તમને મદદ કરી શકે

બાઇબલ કંઈ તબીબી પુસ્તક નથી. પરંતુ, એ જણાવે છે કે આપણે ખુશ હોઈએ કે પછી નિરાશ, એનાથી આપણા તન-મન પર કેવી અસર થઈ શકે છે. બાઇબલમાં નીતિવચનો ૧૭:૨૨ કહે છે: “આનંદી હૃદય એ ઉત્તમ ઔષધ છે; પણ ઘાયલ થએલું મન હાડકાંને સૂકવી નાખે છે.” પછી નીતિવચનો ૨૪:૧૦ કહે છે: “જો તું સંકટને દિવસે નાહિમ્મત થઈ જાય, તો તારૂં બળ થોડું જ છે.” નિરાશા આપણી શક્તિ ચૂસી લે છે. આપણે સાવ નબળા બની જઈએ છીએ. આપણને ક્યાંય સુધારો કરવાનું કે કોઈની પાસે મદદ માંગવાનું પણ મન થતું નથી.

નિરાશાને લીધે આપણી ભક્તિને પણ અસર થઈ શકે છે. પોતાને તુચ્છ, નકામા ગણનારા કાયમ એવું વિચારે છે કે ઈશ્વર તેઓથી બહુ દૂર છે. આથી, તેઓ પર ઈશ્વરની કૃપા નથી. પહેલા લેખમાં આપણે સીમોન વિષે જોઈ ગયા. તેને લાગતું કે ‘તે ઈશ્વરને ક્યારેય પ્રસન્‍ન નહિ કરી શકે.’ પણ બાઇબલમાં જોવા મળે છે કે, ખરા દિલથી ઈશ્વરની ભક્તિ કરવા ચાહે છે તેઓને તે ખૂબ પ્રેમ કરે છે.

ઈશ્વર આપણી કાળજી રાખે છે

બાઇબલ કહે છે: “નિરાશામાં ડૂબેલાંનો પ્રભુ ભેરુ થાય, ભાંગી પડેલાં જનોની પોતે વ્હારે ધાય.” આમ, ‘નિરાશામાં ડૂબેલાં અને ભાંગી પડેલા જનોને’ ઈશ્વર ધિક્કારતા નથી. એના બદલે તેઓને વરદાન આપે છે કે ‘નમ્ર લોકોમાં તે નવા પ્રાણ પૂરશે અને ભાંગી પડેલાઓને ફરી બેઠા કરશે.’—સ્તોત્રસંહિતા ૩૪:૧૮; ૫૧:૧૭; યશાયા ૫૭:૧૫, સંપૂર્ણ.

ઈશ્વરપુત્ર ઈસુએ એક વાર, તેમના શિષ્યોને સમજાવ્યું હતું કે ઈશ્વર તેમના ભક્તોમાં હંમેશા સારું જુએ છે. એ સમજાવવા તેમણે ચકલીનું ઉદાહરણ આપ્યું. તેમણે કહ્યું કે એક ચકલી મરી જાય એની પણ ઈશ્વર નોંધ લે છે. જ્યારે ઘણા લોકો માટે એ કંઈ મહત્ત્વની હોતી નથી. ઈસુએ એ પણ જણાવ્યું કે ઈશ્વર આપણા વિષેની રજેરજ માહિતી જાણે છે. અરે, આપણા માથામાં કેટલા વાળ છે એ પણ તે સારી રીતે જાણે છે. ઉદાહરણને અંતે તે કહે છે: “તે માટે બીહો મા; ઘણી ચલ્લીઓ કરતાં તમે મૂલ્યવાન છો.” (માત્થી ૧૦:૨૯-૩૧) * ઈસુએ બતાવ્યું કે વ્યક્તિ પોતાના વિષે ભલેને ગમે એવું માનતી હોય છતાં તેઓ ઈશ્વરમાં વિશ્વાસ રાખે છે ત્યારે તેમની નજરમાં તેઓ કીમતી છે. એ જ યાદ અપાવતા પ્રેરિત પીતરે કહ્યું: ‘ઈશ્વર પક્ષપાતી નથી; પણ દરેક દેશમાં જે કોઈ તેમની બીક રાખે છે, ને ન્યાયીપણું કરે છે, તે તેમને માન્ય છે.’—પ્રેરિતોનાં કૃત્યો ૧૦:૩૪, ૩૫.

તમારા વિચારો પર કાબૂ રાખો

બાઇબલ આગ્રહ કરે છે કે આપણે પોતાના વિષે વિચારીએ ત્યારે એમાં સમતોલ રહીએ. ઈશ્વર પ્રેરણાથી પ્રેરિત પાઊલે લખ્યું: “મને આપેલા કૃપાદાનને આશરે હું તમારામાંના દરેક જણને કહું છું, કે પોતાને જેવો ગણવો જોઈએ, તે કરતાં વિશેષ ન ગણવો; પણ દેવે જેટલે દરજ્જે દરેકને વિશ્વાસનું માપ વહેંચી આપ્યું છે, તેના પ્રમાણમાં નમ્રતાથી દરેકે પોતાને યોગ્ય ગણવો.”—રૂમી ૧૨:૩.

એનો શું અર્થ થાય? એ જ કે આપણે પોતે કંઈક છે એવું માનીને ઘમંડી ન બની જઈએ. એનાથી વિરુદ્ધ, આપણે પોતાને એટલા નકામા પણ ન ગણીએ જેનાથી આપણે કચડાઈ જઈએ. આપણને પોતાને ખબર હોવી જોઈએ કે આપણે શું કરી શકીએ છીએ અને શું નથી કરી શકતા. એક બહેન કહે છે: ‘હું એકદમ ખરાબ નથી, તેમ જ એટલી સારી પણ નથી. મારામાં સારા અને ખરાબ બંને ગુણો છે. બધામાં એવું જ હોય છે.’

જોકે આ રીતે પોતાના માટે વિચારવું સહેલું નથી. આપણે વર્ષોથી પોતાને નકામા જ ગણતા આવ્યા હોઈએ તો એ લાગણીને મનમાંથી કાઢી નાખવી કંઈ સહેલી નથી. આવા ખોટા વિચારો દૂર કરવા સખત મહેનત માંગી લે છે. તોપણ ઈશ્વરની મદદથી આપણે પોતાનો સ્વભાવ બદલી શકીએ. તેમ જ જીવન વિષેનું આપણું દૃષ્ટિકોણ પણ બદલી શકીશું. ઈશ્વર આપણને આગ્રહ કરે છે: “તમારા પહેલાના જીવન જેવું જીવન જીવવા દોરી જનાર તમારા જૂના સ્વભાવથી તમે અલગ થાઓ. એ જૂનો સ્વભાવ તો તેની જ છેતરનારી ઇચ્છાઓથી નાશ પામતો જાય છે. તમારાં હૃદય અને મન સંપૂર્ણપણે નવીન બનવાં જ જોઈએ. તમારે ઈશ્વરની પ્રતિમા પ્રમાણે સર્જાયેલો યોગ્ય અને પવિત્ર, એવો સાચા જીવનમાં પ્રગટ થતો નવો સ્વભાવ પહેરી લેવાનો છે.”—એફેસી ૪:૨૨-૨૪, પ્રેમસંદેશ.

આપણા ‘હૃદય અને મન સંપૂર્ણ નવીન બનાવવા,’ એટલે કે આપણા વિચારો અને લાગણીઓને બદલવા સખત મહેનતની જરૂર છે. એમ કરીને આપણે પોતાને બદલી શકીએ છીએ. પછી આપણે કોઈ પણ બાબતને સારી નજરે જોઈ શકીશું. આપણે પહેલા લેખમાં લીના વિષે જોઈ ગયા. તેણે કબૂલ કર્યું કે, અત્યાર સુધી તે એમ જ માનતી કે કોઈ તેને પ્રેમ નહિ કરે, મદદ પણ નહિ કરે. જ્યાં સુધી તેના મનમાં એ ખોટા વિચારો હતા ત્યાં સુધી તે પોતાની લાગણી બદલી ન શકી. લીના, સીમોન અને તેઓના જેવા ઘણાને બાઇબલમાંથી કઈ સલાહે મદદ કરી, કે જેનાથી તેઓ આવો બદલાવ કરી શક્યા?

બાઇબલ સિદ્ધાંતો જીવનમાં આનંદ લાવે છે

“તારો બોજો યહોવાહ પર નાખ, એટલે તે તને નિભાવી રાખશે.” (ગીતશાસ્ત્ર ૫૫:૨૨) પહેલા તો પ્રાર્થના કરવાથી આપણને સાચો આનંદ મળે છે. સીમોન કહે છે, “જ્યારે પણ હું નિરાશ થઈ જાઉં, ત્યારે યહોવાહને મદદ માટે પ્રાર્થના કરું છું. હું ક્યારેય એવી પરિસ્થિતિમાં નથી આવી પડી કે મને યહોવાહની શક્તિ અને માર્ગદર્શન ન મળ્યા હોય.” ગીતશાસ્ત્રના એક કવિ આપણને પોતાનો બોજો યહોવાહ પર નાખવાનું કહે છે ત્યારે, તે આપણને યાદ કરાવે છે કે યહોવાહ ફક્ત આપણી કાળજી જ નથી રાખતા. પરંતુ આપણે દરેક તેમની નજરમાં વહાલા છીએ. તે આપણને મદદ અને ટેકો આપવા તૈયાર છે. પેન્તેકોસ્ત ૩૩ની રાત્રે ઈસુએ તેમના શિષ્યોને જણાવ્યું કે તેમના પર શું શું વીતવાનું છે. આ સાંભળીને તેઓ ઘણા દુઃખી થઈ ગયા. ઈસુએ તેઓને અરજ કરી કે તેઓ યહોવાહને પ્રાર્થના કરે. તેમણે એમ પણ કહ્યું, “તમે કંઈ માગશો તો તે તમને આપશે. તમારો આનંદ સંપૂર્ણ થાય માટે માગો.”—યોહાન ૧૬:૨૩, ૨૪.

“લેવા કરતાં આપવામાં વધારે ધન્યતા છે.” (પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૩૫) ઈસુએ શીખવ્યું કે આપવાથી ખરો આનંદ મળે છે. આમ કરવાથી આપણું ધ્યાન બીજાઓ પર હશે. એના લીધે આપણી પોતાની નબળાઈ વારંવાર નજર સામે નહિ આવે. આપણે બીજાઓને મદદ કરીએ છીએ અને તેઓ એની કદર વ્યક્ત કરે છે ત્યારે આપણું દિલ કેટલું ખુશ થઈ જાય છે. લીનાને ખાતરી છે કે બીજાઓને નિયમિત બાઇબલમાંથી શુભસંદેશ જણાવવાથી તેને બે રીતે મદદ મળી છે. તે કહે છે, “પહેલા તો, ઈસુએ જે સંતોષ અને આનંદ વિષે જણાવ્યું હતું એ હું પોતે અનુભવું છું. બીજું કે, જ્યારે લોકો સત્યમાં રસ લે છે ત્યારે મને બહુ ખુશી મળે છે.” આપણે પોતાનું જીવન બીજાઓને મદદ કરવા ઉપયોગમાં લઈશું તો ખરેખર નીતિવચનો ૧૧:૨૫ના શબ્દો અનુભવીશું. એ કહે છે, “ઉદાર જીભ પુષ્ટ થશે; અને પાણી પાનાર પોતે પણ પીશે.”

“વિપત્તિવાનના સર્વ દિવસો ભૂંડા છે; પણ ખુશ અંતઃકરણવાળાને સદા મિજબાની છે.” (નીતિવચનો ૧૫:૧૫) આપણે પોતાને અને પોતાના સંજોગોને કઈ નજરે જોવા એ પોતે જ નક્કી કરી શકીએ છીએ. આપણે એવા બની શકીએ કે દરેક બાબતમાં ખરાબ જ દેખાય, અને એના લીધે આપણે પોતે જ દુઃખી થઈએ. આપણે દરેક બાબતમાં સારું જ જોવાનું નક્કી કરી શકીએ. આમ કરવાથી આપણે જાણે મિજબાનીમાં ગયા હોય એમ દિલમાં ‘ખુશ’ થઈશું. સીમોન કહે છે, ‘હું કોશિશ કરું છું કે મારા વિચારો સારા જ હોય. હું બાઇબલનો અભ્યાસ કરું છું, તેમ જ પ્રચારમાં જાઉં છું. હું યહોવાહને પ્રાર્થના પણ કરું છું. બીજું કે જેઓનો સ્વભાવ આનંદી અને ઉત્સાહી હોય, તેઓ સાથે હું વધારે રહું છું. તેમ જ બીજાઓને મદદ કરવા તૈયાર રહું છું.’ આવા વલણથી ખરો આનંદ મળે છે. બાઇબલ આપણને અરજ કરે છે: “હે ન્યાયીઓ, યહોવાહમાં આનંદ કરો તથા હરખાઓ; અને, હે હૃદયના યથાર્થીઓ, તમે સર્વ હર્ષનાદ કરો.”—ગીતશાસ્ત્ર ૩૨:૧૧.

“મિત્ર સર્વ સમયે પ્રીતિ રાખે છે, અને ભાઈ પડતી દશાને માટે જન્મ્યો છે.” (નીતિવચનો ૧૭:૧૭) આપણે પોતાના વિષે ખરાબ વિચારોમાં ડૂબી જઈએ એ પહેલાં સારી સલાહ આપી શકે એવા સગાંવહાલાં કે બીજાઓ સાથે વાત કરી શકીએ. તેઓ આપણા વિચારોને કાબૂમાં રાખવા મદદ કરી શકશે. બીજાઓ સાથે વાત કરવાથી આપણે તેઓની દૃષ્ટિએ બાબતો જોતા શીખીએ છીએ. સીમોન કબૂલ કરે છે, ‘વાત કરવાથી મને ખૂબ મદદ મળી છે. આપણે પોતાની લાગણીઓ કોઈને જણાવવાની જરૂર છે. ઘણી વાર દિલની વાત કરવાથી આપણને સારું લાગે છે.’ આમ કરવાથી તમે નીતિવચનોના આ શબ્દો અનુભવી શકશો: “પોતાના મનની ચિંતા માણસને વાંકો વાળી દે છે; પણ માયાળુ શબ્દો તેને ખુશ કરે છે.”—નીતિવચનો ૧૨:૨૫.

તમે શું કરી શકો

આપણે બાઇબલમાંથી થોડા જ સિદ્ધાંતો જોયા, જે આપણને પોતાના વિચારો પર કાબૂ રાખવા અને સાચી ખુશી મેળવવા મદદ કરી શકે છે. બાઇબલમાં આવા તો ઘણા સિદ્ધાંતો છે. જો તમને એવું લાગતું હોય કે ‘હું નકામો છું’ તો, અમે તમને બાઇબલ વાંચવા ઉત્તેજન આપીએ છીએ. તમારે શીખવાની જરૂર છે કે તમે કેવી રીતે પોતાના વિષે સારું વિચારી શકો, કેવી રીતે પરમેશ્વર સાથે ગાઢ સંબંધ રાખી શકો. અમારી આશા છે કે તમે બાઇબલની સારી સલાહ સ્વીકારીને ખરો આનંદ મેળવી શકશો.

[ફુટનોટ]

^ આ કલમો વિષે પાન ૨૨ અને ૨૩ પર વધારે ચર્ચા કરવામાં આવી છે.

[પાન ૭ પર ચિત્ર]

બાઇબલના સિદ્ધાંતો પ્રમાણે જીવવાથી ખરો આનંદ મળે છે