સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઈશ્વરને ખંતથી શોધનારને તે ફળ આપે છે

ઈશ્વરને ખંતથી શોધનારને તે ફળ આપે છે

ઈશ્વરને ખંતથી શોધનારને તે ફળ આપે છે

“દેવની પાસે જે કોઈ આવે, તેણે તે છે, અને જેઓ ખંતથી તેને શોધે છે તેઓને તે ફળ આપે છે એવો વિશ્વાસ કરવો જોઈએ.”—હેબ્રી ૧૧:૬.

૧, ૨. અમુકને કેમ એવું લાગે છે કે તેઓ યહોવાહની ભક્તિ કરવા લાયક નથી?

 ‘હુંત્રીસેક વર્ષોથી યહોવાહની સેવા કરું છું. પણ હું એને લાયક હોઉં એવું મને કદી લાગ્યું નથી. હું ઘણા સમયથી પાયોનિયરીંગ કરું છું. યહોવાહની સેવામાં મને ઘણા ખાસ લહાવા પણ મળ્યા છે. છતાંય મને કદી લાગ્યું નથી કે હું એના માટે લાયક છું.’ બાર્બરા * નામની બહેન દિલની વાત કરતા આમ કહે છે. કીથ નામનો ભાઈ પણ એવું જ વિચારે છે. તે કહે છે: ‘ઘણા કારણોને લીધે યહોવાહના સેવકો સુખી હોય છે. પણ હું સુખી નથી, એટલે મને લાગ્યું કે હું યહોવાહનો સેવક બનવા લાયક નથી. હું એવું વિચારતો કે હું દોષિત છું, ને એના લીધે મારું દુઃખ વધતું ગયું.’

ઇતિહાસમાં અને આજે પણ યહોવાહના ઘણા ભક્તો આવી લાગણીઓથી પીડાય છે. શું તમને કદી એવું લાગ્યું છે? કદાચ બીજા ભાઈ-બહેનો એશઆરામમાં જીવે છે પણ તમારા પર એક પછી બીજી તકલીફ આવી પડે છે. આને લીધે કદાચ તમને લાગે કે યહોવાહનો આશીર્વાદ મારા પર નથી. અરે, તમને લાગી શકે કે હું એવું કંઈ કરી નથી શકતો જેનાથી યહોવાહ ખુશ થાય. એમ તરત જ ન વિચારો. બાઇબલ જણાવે છે, “[યહોવાહે] દુઃખીઓના દુઃખને તુચ્છ ગણ્યું નથી, તેનાથી કંટાળ્યો નથી; અને તેનાથી પોતાનું મુખ ફેરવ્યું નથી; પણ એણે તેને અરજ કરી ત્યારે તેણે તેનું સાંભળ્યું.” (ગીતશાસ્ત્ર ૨૨:૨૪) આ શબ્દો ઈસુ મસીહ વિષેની ભવિષ્યવાણી છે. એ બતાવે છે કે યહોવાહ પોતાના ભક્તોને ફક્ત સાંભળતા જ નથી, મદદ પણ આપે છે.

૩. આ દુનિયામાં આપણે શા માટે તકલીફો સહેવી પડે છે?

આ દુનિયામાં બધા પર તકલીફો આવે છે. યહોવાહના લોકો પણ એમાંથી બાકાત નથી. ખાસ તો આપણે યહોવાહના સૌથી મોટા દુશ્મન, શેતાનની દુનિયામાં જીવી રહ્યા છીએ. (૨ કોરીંથી ૪:૪; ૧ યોહાન ૫:૧૯) યહોવાહ કોઈ ચમત્કાર કરીને આપણું રક્ષણ કરતા નથી, એટલે શેતાન યહોવાહના ભક્તોને ખાસ નિશાન બનાવે છે. (અયૂબ ૧:૭-૧૨; પ્રકટીકરણ ૨:૧૦) એટલે જ્યાં સુધી યહોવાહ આ દુષ્ટ દુનિયાનો અંત ન લાવે ત્યાં સુધી, આપણે ‘સંકટમાં ધીરજ રાખીને, પ્રાર્થનામાં લાગુ’ રહેવું જોઈએ. પૂરો ભરોસો રાખવો જોઈએ કે યહોવાહ આપણી સંભાળ રાખે છે. (રૂમી ૧૨:૧૨) આપણે એવું ન માની લેવું જોઈએ કે યહોવાહ આપણને ચાહતા નથી!

ધીરજ બતાવવામાં પ્રાચીન સમયના સારા દાખલાઓ

૪. દુઃખમાં ટકી રહ્યા હોય એવા યહોવાહના ભક્તોના અમુક દાખલા આપો.

પ્રાચીન સમયમાં યહોવાહના અનેક ભક્તોને દુઃખ તકલીફો સહેવા પડ્યા. દાખલા તરીકે, હાન્‍નાહનું “દિલ બહુ દુખાતું હતું” કેમ કે તે વાંઝણી હતી. તેને લાગ્યું કે ઈશ્વરને તેની કંઈ પડી નથી. (૧ શમૂએલ ૧:૯-૧૧) રાણી ઇઝેબેલ એલીયાહનો જાન લેવા તેમની પાછળ પડી હતી ત્યારે, એલીયાહે પ્રાર્થના કરતા કહ્યું: “હવે તો બસ થયું; હવે તો, હે યહોવાહ, મારો જીવ લઈ લે; કેમ કે હું મારા પિતૃઓ કરતાં સારો નથી.” (૧ રાજાઓ ૧૯:૪) નબળાઈઓને લીધે પ્રેષિત પાઊલ પણ દુઃખી થયા. તેમણે કબૂલ કર્યું: “સારૂં કરવા હું ઇચ્છું છું ત્યારે ભૂંડું હાજર હોય છે.” પછી તેમણે કહ્યું: “હું કેવો દુઃખી માનવી છું!”—રોમનો ૭:૨૧-૨૪, પ્રેમસંદેશ.

૫. (ક) હાન્‍નાહ, એલીયાહ અને પાઊલને કેવા આશીર્વાદ મળ્યા? (ખ) આપણે ઉદાસ થઈ ગયા હોય તો ઈશ્વરના વચનમાંથી કેવો દિલાસો મળે છે?

આપણે જાણીએ છીએ કે હાન્‍નાહ, એલીયાહ અને પાઊલે દુઃખો સામે ધીરજ બતાવી અને યહોવાહે તેઓને ભરપૂર આશીર્વાદ આપ્યો. (૧ શમૂએલ ૧:૨૦; ૨:૨૧; ૧ રાજાઓ ૧૯:૫-૧૮; ૨ તીમોથી ૪:૮) છતાંયે તેઓ રડ્યા, નિરાશ થયા અને ગભરાઈ પણ ગયા. જો આપણને પણ એવું જ કંઈક થાય, તો એમાં કોઈ નવાઈ નથી. પરંતુ, જો જીવનની ચિંતાઓને લીધે તમને શંકા થાય કે યહોવાહ તમને ખરેખર ચાહે છે કે કેમ, તો તમે શું કરી શકો? બાઇબલમાંથી દિલાસો મેળવો! ગયા લેખમાં ઈસુએ આપણને જણાવ્યું કે યહોવાહે ‘આપણા માથાના બધા વાળ પણ ગણેલા છે.’ (માત્થી ૧૦:૩૦) એ બતાવે છે કે યહોવાહ આપણને ખૂબ ચાહે છે. ચકલીનું ઉદાહરણ યાદ કરો. એ નાનકડી ચકલીઓમાંથી એક પણ મરી જાય તો યહોવાહને એની ખબર પડે છે. તો પછી, મદદ માટેનો તમારો પોકાર શું તેમને કાને નહિ પડે?

૬. સાવ ઉદાસ થઈ ગયા હોય તેઓને બાઇબલમાંથી કેવો દિલાસો મળે છે?

વિશ્વના રચનાર યહોવાહની નજરમાં શું મામૂલી ઇન્સાન ખરેખર અનમોલ છે? હા! બાઇબલ વારંવાર આપણને એની ખાતરી આપે છે. એ કલમો પર મનન કરવાથી આપણે ગીતશાસ્ત્રના એક કવિની જેમ કહી શકીએ: “મારા અંતરમાં પુષ્કળ ચિંતા થાય છે ત્યારે તારા દિલાસાઓ મારા આત્માને ખુશ કરે છે.” (ગીતશાસ્ત્ર ૯૪:૧૯) ચાલો બાઇબલમાંથી અમુક દાખલાઓ જોઈએ, જે બતાવે છે કે યહોવાહ આપણને ખૂબ કીમતી ગણે છે. એ બતાવશે કે આપણે ખંતથી તેમની સેવા કરતા રહીએ તો તે ચોક્કસ આશીર્વાદ આપતા રહેશે.

યહોવાહનું “ખાસ દ્રવ્ય”

૭. યહોવાહે માલાખી દ્વારા ભ્રષ્ટ પ્રજાને કઈ ભવિષ્યવાણી આપી?

ઈસવીસન પૂર્વે પાંચમી સદીમાં યહુદીઓની હાલત બહુ જ ખરાબ હતી. યાજકો યહોવાહની વેદી પર બીમાર અને અપંગ પ્રાણીઓનું બલિદાન ચઢાવતા હતા. ન્યાયાધીશો પક્ષપાતી હતા, ખરો ન્યાય કરતા ન હતા. યહોવાહના લોકોમાં જૂઠ, કપટ, જંતર-મંતર અને વ્યભિચાર સામાન્ય થઈ ગયું હતું. (માલાખી ૧:૮; ૨:૯; ૩:૫) યહુદી પ્રજા ખૂબ ભ્રષ્ટ થઈ ગઈ હતી. તેથી, માલાખી દ્વારા યહોવાહે નવાઈ પમાડે એવો સંદેશો મોકલ્યો. તેમણે જણાવ્યું કે લોકો ચોક્કસ બદલાશે. કલમ કહે છે, “સૈન્યોનો દેવ યહોવાહ કહે છે, કે તેઓ મારા થશે; જે દિવસે હું આ કરીશ, તે દિવસે તેઓ મારૂં ખાસ દ્રવ્ય [પ્રજા] થશે; અને જેમ કોઈ પિતા પોતાની સેવા કરનાર પોતાના પુત્ર પર દયા રાખે તેમ હું તેમના પર દયા રાખીશ.”—માલાખી ૩:૧૭.

૮. માલાખી ૩:૧૭ કેમ મોટી સભાને પણ લાગુ પડે છે?

માલાખીની ભવિષ્યવાણી આજે અભિષિક્ત ખ્રિસ્તીઓને લાગુ પડે છે જેઓની સંખ્યા ૧,૪૪,૦૦૦ છે. તેઓ “ખાસ દ્રવ્ય” છે, એટલે આ “પવિત્ર પ્રજા પ્રભુના ખાસ લોક” છે. (૧ પીતર ૨:૯) માલાખીની ભવિષ્યવાણી ‘મોટી સભાના’ લોકોને પણ ઉત્તેજન આપે છે. તેઓ “રાજ્યાસનની આગળ તથા હલવાનની આગળ ઊભેલા હતા; તેઓએ શ્વેત ઝભ્ભા પહેરેલા હતા.” (પ્રકટીકરણ ૭:૪,) આ સભા, અભિષિક્ત ખ્રિસ્તીઓ સાથે એક ટોળું બને છે. ઈસુ ખ્રિસ્ત આ ટોળાના પાળક છે.—યોહાન ૧૦:૧૬.

૯. યહોવાહ પોતાના લોકોને કેમ “ખાસ દ્રવ્ય” ગણે છે?

જેઓએ યહોવાહની સેવા કરવાનું પસંદ કર્યું છે તેઓને તે કઈ નજરે જુએ છે? માલાખી ૩:૧૭ કહે છે કે એક પ્રેમાળ પિતા તેના દીકરાને વહાલો ગણે છે, તેમ યહોવાહ તેમના ભક્તોને કીમતી ગણશે. નોંધ કરો, એ કલમમાં યહોવાહ ખૂબ લાગણીથી કહે છે કે તેમના સેવકો “ખાસ દ્રવ્ય” છે. આ વિચાર માટે બાઇબલના બીજા અનુવાદ કહે છે કે “તેઓને હું મારા ગણીશ,” ‘સૌથી મૂલ્ય ચીજ’ અને “મારું ઝવેરાત.” યહોવાહ શા માટે તેમના સેવકોને આટલા કીમતી ગણે છે? એક કારણ એ છે કે યહોવાહ આપણી બહુ કદર કરે છે. (હેબ્રી ૬:૧૦) વ્યક્તિ પૂરા હૃદયથી યહોવાહને ભજે છે, ત્યારે યહોવાહ તેને કીમતી ગણે છે અને તેની નજીક જાય છે.

૧૦. યહોવાહ તેમના લોકોનું કઈ રીતે રક્ષણ કરે છે?

૧૦ શું તમારી પાસે કોઈ ખાસ દ્રવ્ય છે જે તમારા માટે બહુ જ કીમતી હોય? શું તમે એને સાચવી નહિ રાખો? જરૂર સાચવી રાખશો. એ જ રીતે યહોવાહ તેમના ‘ખાસ દ્રવ્યને’ સાચવી રાખે છે. ખરું કે યહોવાહ આપણને જીવનના દુઃખો કે આફતોમાંથી બચાવી લેતા નથી. (સભાશિક્ષક ૯:૧૧) પણ યહોવાહ તેમના સેવકોને આધ્યાત્મિક રીતે જરૂર બચાવે છે. તે પોતાના લોકોને દુઃખ-તકલીફો સહન કરવાની શક્તિ આપે છે. (૧ કોરીંથી ૧૦:૧૩) તેથી, મુસાએ ઈશ્વરની પ્રજા ઈસ્રાએલને કહ્યું: “બળવાન તથા હિમ્મતવાન થાઓ. . . . કેમ કે જે તારી સાથે જાય છે તે તો યહોવાહ તારો દેવ છે; તને તે છોડી દેશે નહિ ને તને તજી દેશે નહિ.” (પુનર્નિયમ ૩૧:૬) યહોવાહ તેમના સેવકોને આશીર્વાદ આપે છે કેમ કે તેઓ તેમનું ‘ખાસ દ્રવ્ય’ છે.

યહોવાહ “ફળ આપે છે”

૧૧, ૧૨. જો આપણને લાગે કે આપણે આશીર્વાદો મેળવવા લાયક નથી, તો યહોવાહને ફળ આપનાર ઈશ્વર તરીકે જોવાથી કઈ રીતે મદદ મળશે?

૧૧ યહોવાહ તેમના સેવકોને કીમતી ગણે છે એનો બીજો પુરાવો શું છે? એ જ કે તે તેઓને “ફળ આપે છે,” આશીર્વાદ આપે છે. યહોવાહે ઈસ્રાએલીઓને કહ્યું: “મારૂં પારખું તો લઈ જુઓ, કે હું તમારે સારૂ આકાશની બારીઓ ખોલી નાખીને સમાવેશ કરવાને પૂરતી જગા નહિ હોય, એટલો બધો આશીર્વાદ તમારા પર મોકલી દઉં છું કે નહિ!” (માલાખી ૩:૧૦) યહોવાહ છેવટે તેમના સેવકોને હંમેશ માટેના જીવનનું ફળ આપશે. (યોહાન ૫:૨૪; પ્રકટીકરણ ૨૧:૪) આ અનમોલ આશીર્વાદો બતાવે છે કે યહોવાહ આપણને બહુ જ પ્રેમ કરે છે ને તે ખૂબ ઉદાર છે. એ પણ જોવા મળે છે કે યહોવાહ તેમના ભક્તોને ખૂબ વહાલા ગણે છે. અમુક વાર આપણને લાગી શકે કે આપણે યહોવાહના આશીર્વાદો મેળવવા લાયક નથી. પણ જો આપણે યહોવાહને એક ઉદાર ઈશ્વર તરીકે જોઈએ, તો આપણે ઉદાસ કરતી લાગણીઓથી દૂર રહીશું. યહોવાહ પોતે ચાહે છે કે આપણે તેમને ફળ આપનાર ઈશ્વર તરીકે જોઈએ. પાઊલે લખ્યું: “દેવની પાસે જે કોઈ આવે, તેણે તે છે, અને જેઓ ખંતથી તેને શોધે છે તેઓને તે ફળ આપે છે એવો વિશ્વાસ કરવો જોઈએ.”—હેબ્રી ૧૧:૬.

૧૨ આપણે ફક્ત આશીર્વાદો મેળવવા માટે જ નહિ, પણ પ્રેમથી પ્રેરાઈને યહોવાહને ભજીએ છીએ. તોપણ જો આપણે ભાવિમાં આવનાર આશીર્વાદોની તમન્‍ના દિલમાં સાચવી રાખીએ, તો એમાં કંઈ ખોટું કે સ્વાર્થ નથી. (કોલોસી ૩:૨૩, ૨૪) યહોવાહ આપણને ખૂબ ચાહે છે. તે આપણને ખૂબ કીમતી ગણે છે. એટલે જેઓ તેમને ખંતથી શોધે છે, તેઓને તે ઘણા આશીર્વાદો આપે છે.

૧૩. યહોવાહ આપણને ચાહે છે એની સૌથી મોટી સાબિતી કઈ છે?

૧૩ યહોવાહ સર્વ માણસજાતને ખૂબ મૂલ્યવાન ગણે છે, એટલે તેમણે ખંડણી બલિદાનની ગોઠવણ કરી. પ્રેરિત યોહાને લખ્યું: “કેમ કે દેવે જગત પર એટલી પ્રીતિ કરી કે તેણે પોતાનો એકાકીજનિત દીકરો આપ્યો, એ સારૂ કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પણ તે અનંતજીવન પામે.” (યોહાન ૩:૧૬) જો યહોવાહ આપણને નકામા ગણતા હોય અથવા આપણને પ્રેમ ન કરતા હોય, તો તેમણે કદીયે ઈસુ ખ્રિસ્તનું બલિદાન આપ્યું ન હોત. એકના એક પુત્રનું બલિદાન આપીને યહોવાહે મોટી કિંમત ચૂકવી. એ પૂરી સાબિતી આપે છે કે યહોવાહ આપણને બહુ જ ચાહે છે.

૧૪. ઈસુના બલિદાન વિષે પાઊલ શું માનતા હતા?

૧૪ જો આપણે કોઈ પણ સમયે ઉદાસ બની જઈએ કે આપણે નકામા છીએ એવું વિચારીએ, તો ઈસુના બલિદાન પર મનન કરો. હા, એમ માનો કે યહોવાહે તમને આ કીમતી ભેટ આપી છે. પ્રેરિત પાઊલે આમ જ વિચાર્યું. તેમણે કહ્યું: “હું કેવો દુર્ભાગ્ય માણસ છું!” પણ પછી તેમણે કહ્યું: “પ્રભુ ઈસુ ખ્રિસ્તને આશરે હું દેવની ઉપકારસ્તુતિ કરૂં છું” કેમ કે ઈસુએ “મારા પર પ્રેમ રાખ્યો, અને મારે સારૂ પોતાનું અર્પણ કર્યું.” (રૂમી ૭:૨૪, ૨૫; ગલાતી ૨:૨૦) અહીંયા પાઊલ એમ કહેતા ન હતા કે હું કંઈક છું. તે ફક્ત એ જ માનતા હતા કે યહોવાહ તેમને ખૂબ મૂલ્યવાન ગણે છે. પાઊલની જેમ, તમારે પણ માનવું જોઈએ કે યહોવાહે ઈસુનું બલિદાન આપીને તમને એક અનમોલ ભેટ આપી છે. યહોવાહ ફક્ત આપણા બચાવનાર નથી, તે આપણને ફળ કે આશીર્વાદ આપનાર પણ છે.

‘શેતાનની કુયુક્તિઓથી’ સાવચેત રહો

૧૫-૧૭. (ક) શેતાન આપણામાં કેવી લાગણીઓ ઉશ્કેરવા પ્રયત્ન કરે છે? (ખ) અયૂબના દાખલામાંથી આપણને કેવો દિલાસો મળે છે?

૧૫ આ બધી બાબતો જાણ્યા પછી પણ, તમને હજુ એમ લાગી શકે કે બાઇબલમાં જે દિલાસો મળે છે, એ મને લાગુ પડતું નથી. તમને એવું લાગી શકે કે બીજા ભાઈ-બહેનો નવી દુનિયામાં હંમેશ માટેનું જીવન મેળવશે, પણ આ આશીર્વાદ મેળવવા હું લાયક નથી. જો તમને આવું લાગતું હોય, તો તમે શું કરી શકો?

૧૬ તમને કદાચ પાઊલની આ સલાહ યાદ હશે જે તેમણે એફેસી મંડળને આપી હતી: “શેતાનની કુયુક્તિઓની સામે તમે દ્રઢ રહી શકો માટે દેવનાં સર્વ હથિયારો સજો.” (એફેસી ૬:૧૧) ખરું કે શેતાનની કુયુક્તિઓ કે ચાલાકીઓ વિષે વિચારીએ, ત્યારે માલ-મિલકત માટેનો પ્રેમ અને અનૈતિકતા જેવી બાબતો યાદ આવે. સાચે જ એ શેતાનની કુયુક્તિઓ છે. પ્રાચીન સમયમાં અને આજે પણ અનેક ઈશ્વરભક્તો એ કુયુક્તિઓમાં ફસાઈ ગયા છે. પરંતુ, શેતાનની બીજી એક ચાલાકીથી પણ આપણે સાવચેત રહેવાની જરૂર છે. એ કઈ છે? તે લોકોની લાગણીઓને ઉશ્કેરે છે કે યહોવાહ તેઓને બિલકુલ ચાહતા નથી.

૧૭ શેતાન ખૂબ ચાલાક છે. તે લોકોને પરમેશ્વરથી દૂર લઈ જવા માગે છે. યાદ કરો કે બિલ્દાદે અયૂબને શું કહ્યું: “તો ઈશ્વરની હજૂરમાં મનુષ્ય કેમ કરીને ન્યાયી ઠરે? કે સ્ત્રીજન્ય કેવી રીતે પવિત્ર હોઈ શકે? જો, ચંદ્ર પણ નિસ્તેજ છે, અને તેની દૃષ્ટિમાં તારાઓ પણ નિર્મળ નથી; તો મનુષ્ય જે કીડા જેવો છે તે, અને મનુષ્યપુત્ર જે કીડો જ છે તે કેવી રીતે પવિત્ર હોઈ શકે!” (અયૂબ ૨૫:૪-૬; યોહાન ૮:૪૪) તમે કલ્પના કરી શકો છો કે એ શબ્દો સાંભળીને અયૂબનું દિલ કેટલું દુઃખી થયું હશે? શેતાન તમને પણ આવી જ રીતે ઉદાસ કરવા પ્રયત્ન કરે છે, પણ તેને એ કરવા ન દો. શેતાનની ચાલાકીઓ વિષે સાવચેત રહેવાથી તમે ખૂબ હિંમતથી અને ધીરજથી તેની સામે લડી શકશો, અને જે સારું છે એ કરી શકશો. (૨ કોરીંથી ૨:૧૧) ભલે અયૂબને અમુક શિસ્ત મળી, ધીરજને લીધે યહોવાહે તેમને ખૂબ આશીર્વાદો આપ્યા. અરે, અયૂબે જે ગુમાવ્યું હતું, એ યહોવાહે તેમને બમણું આપ્યું.—અયૂબ ૪૨:૧૦.

‘આપણા અંતઃકરણ કરતાં યહોવાહ મોટા છે’

૧૮, ૧૯. યહોવાહ કઈ રીતે ‘આપણા અંતઃકરણ કરતાં મોટા છે’ અને કઈ બાબતમાં તે ‘સઘળું જાણે છે’?

૧૮ એ સાચું છે કે આપણે બહુ જ નિરાશ થઈ ગયા હોય, તો એ લાગણી દૂર કરવી ઘણું અઘરું હશે. તેમ છતાં, યહોવાહની “સહાયથી” જે લાગણીઓ તેમના ‘જ્ઞાનની વિરૂદ્ધ છે,’ એના પર આપણે જીત મેળવી શકીશું. (૨ કોરીંથી ૧૦:૪, ૫) જ્યારે નિરાશાની લાગણીઓ તમને ઘેરો ઘાલી લે ત્યારે પ્રેરિત યોહાનના આ શબ્દો પર વિચાર કરો: “એથી આપણે જાણીશું કે આપણે સત્યના છીએ, અને જે કોઈ બાબતમાં આપણું અંતઃકરણ આપણને દોષિત ઠરાવે છે, તે વિષે તેની આગળ આપણા અંતઃકરણને શાંત કરીશું; કેમ કે આપણા અંતઃકરણ કરતાં દેવ મોટો છે, અને તે સઘળું જાણે છે.”—૧ યોહાન ૩:૧૯, ૨૦.

૧૯ યહોવાહ ‘આપણા અંતઃકરણ કરતાં મોટા છે.’ એનો અર્થ શું થાય? અમુક વખત, આપણું અંતઃકરણ કે હૃદય આપણને ખૂબ દોષ દે છે, ખાસ કરીને જ્યારે આપણે પોતાની નબળાઈઓ કે ભૂલો વિષે વિચાર કરીએ. અથવા આપણો ઉછેર એ રીતે થયો હોય કે નાનપણથી આપણે પોતાને નકામા જ ગણતા હોઈએ. એમ જ વિચારીએ કે જે કંઈ કરીએ એનાથી યહોવાહ ખુશ નહિ થાય. પણ યોહાનના શબ્દો આપણને દિલાસો આપે છે કે યહોવાહ આપણી એ લાગણીઓથી ઘણા મહાન છે. તે આપણી ભૂલો જ નથી જોતા. પણ આપણે શું કરી શકીએ એ જુએ છે. આપણા સારા ગુણો જુએ છે. તે આપણી લાગણીઓ અને ઇચ્છાઓ પારખે છે. દાઊદે લખ્યું: “તે આપણું બંધારણ જાણે છે; આપણે ધૂળનાં છીએ એવું તે સંભારે છે.” (ગીતશાસ્ત્ર ૧૦૩:૧૪) હા, યહોવાહ આપણા વિષે સઘળું જાણે છે!

‘તું શોભાયમાન તાજ, ને રાજમુગટ થઈશ’

૨૦. યશાયાહ દ્વારા આપેલી ભવિષ્યવાણી મુજબ, યહોવાહ પોતાના સેવકો વિષે શું વિચારે છે?

૨૦ પ્રબોધક યશાયાહ દ્વારા યહોવાહે તેમની પ્રજાને દિલાસો આપ્યો કે તેઓ પાછા વતનમાં વસશે. બાબેલોનની ગુલામીમાં નિરાશ થઈ ગયેલા ઈસ્રાએલીઓને એનાથી કેવો દિલાસો મળ્યો હશે! ભાવિમાં વતન પાછા જવાનો તેઓનો સમય આવશે ત્યારે શું થશે, એ વિષે યહોવાહે કહ્યું, “તું યહોવાહના હાથમાં શોભાયમાન તાજ, ને તારા દેવની હથેલીમાં રાજમુગટ થઈશ.” (યશાયાહ ૬૨:૩) આ શબ્દોથી યહોવાહે તેમના લોકોને મોટું સન્માન આપ્યું ને કહ્યું કે તેઓ શોભાયમાન છે. એ જ રીતે, આજે યહોવાહે અભિષિક્ત ખ્રિસ્તીઓને પણ મોટું સન્માન આપ્યું છે. જાણે યહોવાહે આ નવી ઈસ્રાએલ પ્રજાને ઊંચી પદવી આપી છે જેથી સર્વ એના વખાણ કરે.

૨૧. તમે કઈ રીતે ખાતરી રાખી શકો કે યહોવાહ તમારા વિશ્વાસ અને ધીરજ માટે આશીર્વાદ આપશે?

૨૧ આ ભવિષ્યવાણી ખાસ કરીને અભિષિક્ત ખ્રિસ્તીઓના કિસ્સામાં પૂરી થાય છે. પણ એ બતાવે છે કે યહોવાહ તેમના સર્વ સેવકોને કીમતી ગણે છે. તેથી, જ્યારે તમને લાગે કે હું કંઈ નથી, ત્યારે યાદ રાખો કે ભલે આપણે અપૂર્ણ છીએ, આપણે હજીયે યહોવાહની નજરમાં ‘શોભાયમાન તાજ, ને રાજમુગટ’ જેટલા કીમતી છીએ. તેથી તનમનથી તેમની સેવા કરતા રહો અને તેમનું દિલ ખુશ કરો. (નીતિવચનો ૨૭:૧૧) એમ કરવાથી, તમે પૂરી ખાતરી રાખી શકો કે યહોવાહ તમારા વિશ્વાસ અને ધીરજ માટે પુષ્કળ આશીર્વાદ આપશે.

[ફુટનોટ્‌સ]

^ અમુક નામ બદલવામાં આવ્યાં છે.

શું તમને યાદ છે?

• આપણે કઈ રીતે યહોવાહનું “ખાસ દ્રવ્ય” છીએ?

• આપણે યહોવાહને ફળ આપનારા ઈશ્વર તરીકે જોઈએ એ કેમ જરૂરી છે?

• આપણે શેતાનની કઈ ‘કુયુક્તિઓથી’ સાવચેત રહેવું જોઈએ?

• યહોવાહ કઈ રીતે ‘આપણા અંતઃકરણ કરતાં મોટા છે’?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૨૬ પર ચિત્ર]

પાઊલ

[પાન ૨૬ પર ચિત્ર]

એલીયાહ

[પાન ૨૬ પર ચિત્ર]

હાન્‍નાહ

[પાન ૨૮ પર ચિત્ર]

યહોવાહના વચનમાં દિલાસો આપતા પુષ્કળ વિચારો છે