ક્યારે ગુસ્સો કરવો?
ક્યારે ગુસ્સો કરવો?
બાઇબલ કહે છે કે “ગુસ્સો મૂર્ખોના હૃદયમાં રહે છે.” (સભાશિક્ષક ૭:૯) આ બતાવે છે કે કોઈ આપણને દુઃખ પહોંચાડે તો, આપણે ગુસ્સે થવું ન જોઈએ. આપણે એને ભૂલી જઈને માફ કરવા જોઈએ.
તો પછી, શું સભાશિક્ષક ૭:૯ એમ કહેવા માગે છે કે આપણે ક્યારેય ગુસ્સે થવું ન જોઈએ? કોઈ વ્યક્તિ વારંવાર નાની-મોટી ભૂલ કરે તોપણ શું આપણે તેને માફ કરવી જોઈએ? આપણા વિષે શું? સામેવાળી વ્યક્તિ તો માફ કરશે જ એમ વિચારીને શું આપણે મન ફાવે તેમ બોલીશું? ના એમ નથી.
યહોવાહ પરમેશ્વર પ્રેમના પ્રતીક છે. તે બધાને ક્ષમા કરે છે. દયા અને સહનશીલતા પણ બતાવે છે. તોપણ, તે ગુસ્સે થયા હોય અને કડક પગલાં ભર્યા હોય એવા ઘણા બનાવો બાઇબલમાં જોવા મળે છે. ચાલો આપણે એમાંથી અમુક પર વિચાર કરીએ.
યહોવાહ ક્રોધે ભરાય છે
પહેલો રાજા ૧૫:૩૦ યરોબઆમના પાપોની વાત કરે છે. અહેવાલ કહે છે કે યરોબઆમે “ઈસ્રાએલ પાસે પાપ કરાવ્યું હતું તેને લીધે, ને જે રોષ તેણે ઈસ્રાએલના દેવ યહોવાહને ચઢાવ્યો હતો તે રોષને લીધે એમ થયું.” બીજો કાળવૃત્તાંત ૨૮:૨૫માં બાઇબલ યહુદાહના રાજા આહાઝ વિષે વાત કરે છે. આહાઝ રાજાએ ‘અન્ય દેવોની આગળ ધૂપ બાળવા માટે ઉચ્ચસ્થાનો બાંધીને પોતાના પિતૃઓના દેવ યહોવાહને રોષ ચઢાવ્યો.’ બીજો એક દાખલો ન્યાયાધીશો ૨:૧૧-૧૪માં જોવા મળે છે. ‘ઈસ્રાએલપુત્રોએ યહોવાહની દૃષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું, ને બઆલીમની સેવા કરી. તેઓએ યહોવાહને રોષ ચઢાવ્યો. ત્યારે યહોવાહનો કોપ ઈસ્રાએલ પર સળગી ઊઠ્યો, ને તેણે તેઓને પાયમાલ કરનારાઓના હાથમાં સોંપ્યા.’
બીજી અમુક બાબતોથી પણ યહોવાહને રોષ ચઢે છે. જેના લીધે તેમને કડક પગલાં ભરવાની જરૂર પડે છે. દાખલા તરીકે, નિર્ગમન ૨૨:૧૮-૨૦માં વાંચવા મળે છે: “તું જાદુગરેણને જીવતી રહેવા ન દે. જાનવરની સાથે જે કોઈ કુકર્મ કરે તે નિશ્ચે માર્યો જાય. એકલા યહોવાહ વિના બીજા કોઈ દેવને યજ્ઞ કરનારનો પૂરો સંહાર કરાય.”
ઈસ્રાએલીઓ વારંવાર એકની એક ભૂલ કરતા, ત્યારે મોટા પાપમાં પડતા. એ વખતે યહોવાહને ખૂબ રોષ ચઢતો. યહોવાહે તેઓને માફ કર્યા નહિ. તેઓમાં સાચા પસ્તાવાના કોઈ ચિહ્ન દેખાયા નહિ અને યહોવાહને આધીન રહેવા તેઓએ કોઈ પગલાં ન ભર્યાં ત્યારે, યહોવાહે આખરે તેઓનો નાશ કર્યો. ઈસવીસન પૂર્વે ૬૦૭માં આખી ઈસ્રાએલ જાતિને ગુલામ બનાવીને બાબેલોન લઈ જવા દીધા. પછી ઈસવીસન ૭૦માં ઈસ્રાએલીઓને રોમનોની ગુલામીમાં જવા દીધા.
હા, લોકો ખરાબ કામો કરે કે એવું કંઈક કહે ત્યારે યહોવાહ પરમેશ્વર રોષે ભરાય છે. તેઓના પાપનો ઘડો ભરાય ત્યારે તેઓને મોતની સજા પણ આપે છે. તો પછી, સભાશિક્ષક ૭:૯ પ્રમાણે શું યહોવાહ ખોટાં છે? બિલકુલ નહિ! તે હંમેશા જે ખરું હોય એ જ કરે છે. તે ન્યાયી છે. વળી, બાઇબલ યહોવાહ વિષે કહે છે, “તેનું કામ સંપૂર્ણ છે; કેમ કે તેના સર્વ માર્ગો ન્યાયરૂપ છે; વિશ્વાસુ તથા સત્ય દેવ, તે ન્યાયી તથા ખરો છે.”—પુનર્નિયમ ૩૨:૪.
મોટા મોટા ગુનાઓ
પરમેશ્વરે ઈસ્રાએલીઓને નિયમો આપ્યા હતા. એ મુજબ કોઈ વ્યક્તિ ગંભીર ગુનો કરતી ત્યારે તેને ભારે સજા થતી. દાખલા તરીકે, ચોર કોઈના ઘરમાં ચોરી કરવા જાય અને માલિકના હાથે માર્યો જાય તો, એમાં નિર્ગમન ૨૨:૨.
માલિકનો કોઈ ગુનો ન કહેવાય, કેમ કે તે નિર્દોષ છે. ગુનો કરવા તો ચોર આવ્યો હતો. તેથી નિયમ કહે છે: “જો કોઈ ચોર ખાતર પાડતાં પકડાઈ જઈને એવો માર ખાય કે તે મરી જાય, તો તે [ઘરનો માલિક] ખૂન કર્યું ગણાય નહિ.”—ધારો કે કોઈ સ્ત્રી પર બળાત્કાર કરવામાં આવે. એ પરમેશ્વરની નજરે બહુ મોટો ગુનો છે. તેથી તે સ્ત્રીને એ માણસ પર ગુસ્સે થવાનો ને તેની વિરુદ્ધ પગલાં લેવાનો પૂરો હક્ક છે. ઈશ્વરે મુસાને આપેલા નિયમ પ્રમાણે, જેમ ‘કોઈ માણસ તેના પડોશીની સામો ઊઠીને તેને મારી નાખે’ તો તેને મોતની સજા થતી, તેમ સ્ત્રી પર બળાત્કાર કરનાર માણસને મોતની સજા ફટકારવામાં આવતી હતી. (પુનર્નિયમ ૨૨:૨૫, ૨૬) જોકે, આજે આપણે કંઈ મુસાના નિયમ હેઠળ નથી. પણ આ નિયમથી ખબર પડે છે કે બળાત્કાર વિષે યહોવાહ કેવું વિચારે છે.
આજે પણ બળાત્કાર કરનારને કડક સજા થાય છે. બળાત્કારનો ભોગ બનનાર વ્યક્તિ પોલીસને ફરિયાદ કરી શકે છે. પછી પોલીસ ગુનેગારને સજા કરે છે. જો ગુનેગાર સગીર વયનો હોય તો, માબાપ તેના પર કડક પગલાં ભરી શકે છે.
નાના ગુનાઓ
જોકે દરેક ગુના કે નાની નાની ભૂલો માટે કંઈ પોલીસ પગલાં ભરતી નથી. તો પછી, કોઈએ નાની ભૂલ કરી હોય તો, આપણે ખાર રાખવો જોઈએ નહિ. પણ તેને માફી આપવી જોઈએ. તમને થશે, કેટલી વાર માફ કરવા? પ્રેરિત પીતરે પણ ઈસુને આ પ્રશ્ન પૂછ્યો માત્થી ૧૮:૨૧, ૨૨.
હતો: “ઓ પ્રભુ, મારો ભાઈ મારી વિરૂદ્ધ કેટલી વાર અપરાધ કરે, ને હું તેને માફ કરૂં? શું સાત વાર સુધી?” ઈસુએ જવાબમાં કહ્યું: “સાત વાર સુધીનું હું તને નથી કહેતો, પણ સિત્તેરગણી સાત વાર સુધી.”—બીજી તરફ, આપણે બીજાઓને દુઃખ લાગે એવા વાણી-વર્તનમાં સતત સુધારો કરતા રહેવું જોઈએ. દાખલા તરીકે, આપણે બીજાઓ સાથે વાત કરીએ ત્યારે શું તેઓને તોડી પાડીએ છીએ? અપમાન કરીએ છીએ? કે પછી વગર વિચાર્યે બોલી જઈએ છીએ? એમ કરવાથી સામેવાળી વ્યક્તિને તરત જ દુઃખ લાગી શકે. એવા સમયે આપણે એમ ન વિચારવું કે ‘તેની તો માફી આપવાની ફરજ છે.’ આપણે સમજવું જોઈએ કે આપણા વાણી-વર્તનથી સામેની વ્યક્તિને દુઃખ પહોંચ્યું છે. તેથી, આપણા વાણી-વર્તન પર કાબૂ રાખવા બનતી બધી કોશિશ કરવી જોઈએ. એમ કરવાથી આપણે બીજાઓની લાગણીઓને ઠેસ પહોંચાડીશું નહિ. બાઇબલ આપણને યાદ કરાવે છે: “વગર વિચાર્યું બોલવું તરવારના ઘા જેવું છે; પણ જ્ઞાનીની જીભ આરોગ્યરૂપ છે.” (નીતિવચનો ૧૨:૧૮) આપણે ભૂલથી કોઈને દુઃખ પહોંચાડ્યું હોય તો, દિલથી માફી માંગવાથી બાબત થાળે પડી શકે.
બાઇબલ સલાહ આપે છે, “જે બાબતો શાંતિકારક છે તથા જે વડે આપણે એકબીજામાં સુધારોવધારો કરી શકીએ એવી બાબતોની પાછળ આપણે લાગુ રહેવું.” (રૂમી ૧૪:૧૯) આપણે સમજી વિચારીને અને પ્રેમથી વાત કરીશું તો આ કહેવતને લાગુ પાડીશું: “પ્રસંગને અનુસરીને બોલેલો શબ્દ રૂપાની ટોપલીમાંનાં સોનાનાં ફળ જેવો છે.” (નીતિવચનો ૨૫:૧૧) સમજી વિચારીને બોલવાથી કેવી સારી અસર પડે છે! સમજી વિચારીને કોમળ શબ્દો બોલવાથી પથ્થર દિલ લોકોનું મન પણ પીગળી શકે છે: “કોમળ જીભ હાડકાંને ભાંગે છે.”—નીતિવચનો ૨૫:૧૫.
બાઇબલ સલાહ આપે છે: “તમારી વાણી હંમેશાં મધુર અને રસિક હોવી જોઈએ અને દરેકને યોગ્ય જવાબ કેમ આપવો તે જાણી લો.” (કોલોસી ૪:૬, પ્રેમસંદેશ) આપણી ‘વાણી મધુર અને રસિક’ હશે તો, સામેવાળી વ્યક્તિને આપણી સાથે વાત કરતા ખુશી થશે. તેમ જ, મનદુઃખની સંભાવના ઓછી થશે. સાચા ખ્રિસ્તીઓ વાણી અને વર્તનમાં બાઇબલની આ સલાહ લાગુ પાડવા બનતું બધું કરે છે: “સલાહશાંતિ શોધવી, અને તેની પાછળ મંડ્યા રહેવું.”—૧ પીતર ૩:૧૧.
આમ, સભાશિક્ષક ૭:૯નો અર્થ એમ થાય કે આપણે નાની નાની બાબતોમાં ગુસ્સે થઈને ખાર રાખવો જોઈએ નહિ. આપણે બધા અપૂર્ણ હોવાથી નાની નાની ભૂલો કરી બેસીએ છીએ. કદાચ જાણીજોઈને પણ દુઃખ પહોંચાડ્યું હોય. પણ એ કંઈ મોટું પાપ કે મોટા ગુનાઓ નથી. જો કોઈએ મોટો ગુનો કર્યો હોય તો, એનો ભોગ બનેલી વ્યક્તિને ઠેસ પહોંચે અને તે યોગ્ય પગલાં ભરે એ સમજી શકાય.—માત્થી ૧૮:૧૫-૧૭.
[પાન ૧૪ પર ચિત્ર]
ઈસ્રાએલીઓએ પસ્તાવો ન કર્યો ત્યારે આખરે યહોવાહે તેઓનો ઈસવીસન ૭૦માં રોમનોને હાથે નાશ થવા દીધો
[પાન ૧૫ પર ચિત્ર]
‘પ્રસંગને અનુસરીને બોલેલો શબ્દ સોનાનાં ફળ જેવો છે’