સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાહે ‘આપણા માથાના બધા વાળ ગણેલા છે’

યહોવાહે ‘આપણા માથાના બધા વાળ ગણેલા છે’

યહોવાહે ‘આપણા માથાના બધા વાળ ગણેલા છે’

‘ચકલીઓ પૈસાની બે મળે છે! તોપણ ઈશ્વરની જાણ બહાર તેમાંની એક પણ નાશ પામતી નથી. તમારા માથાના બધા વાળ પણ ગણેલા છે.’—માથ્થી ૧૦:૨૯, ૩૦, IBSI.

૧, ૨. (ક) અયૂબને કેમ લાગ્યું કે ઈશ્વરે તેને છોડી દીધો છે? (ખ) શું ઈશ્વરમાંથી અયૂબની શ્રદ્ધા ડગમગી ગઈ હતી?

 અયૂબના જીવનમાં તોફાનની આંધી ઊઠી. તેના ઢોર-ઢાંક લૂંટાઈ ગયા. તેમના જુવાનજોધ દીકરા-દીકરીઓ પર આફત ત્રાટકી. એ બધાયને મોત ભરખી ગયું! એમાંય વળી અયૂબને પળે-પળે વેદના આપતી બીમારી લાગી. તે પોકારી ઊઠ્યા, “હે ઈશ્વર, હું કાલાવાલા કરું છું, પણ તમે મારું સાંભળતા નથી. હું તમારી સમક્ષ આવીને ઊભો છું પણ તમે મારી સામે નજર કરતા નથી. તમે મારા પ્રત્યે નિર્દયી બન્યા છો અને મારી ભારે સતાવણી કરી છે.” (યોબ ૩૦:૨૦, ૨૧, IBSI) અયૂબનો એ અનુભવ બાઇબલમાં લખવામાં આવ્યો છે જેથી આપણે એમાંથી શીખી શકીએ.

શું ઈશ્વરમાંથી અયૂબની શ્રદ્ધા ડગમગી ગઈ હતી? ના. અયૂબનું દિલ દુઃખોથી પીડાતું હતું. એટલે તે મદદ માટે પોકારી ઊઠ્યા. (અયૂબ ૬:૨, ૩) અયૂબને ખબર ન હતી કે શેતાન તેમના જીવનમાં તોફાન લાવ્યો છે. તેમને થયું કે ‘મારા ઈશ્વરે મને છોડી દીધો છે.’ અરે, એવા સંજોગોમાં અયૂબે તો એવું પણ કહેલું કે, “શા માટે તું તારૂં મુખ છુપાવે છે, અને મને તારો શત્રુ ગણે છે?” *અયૂબ ૧૩:૨૪.

૩. દુઃખ-તકલીફોમાં આપણને કેવું લાગી શકે?

યહોવાહના સાક્ષીઓ તરીકે આપણે કોઈને કોઈ તકલીફ સહન કરીએ છીએ. ભલે પછી એ યુદ્ધ, નાત-જાત, રંગભેદ, કોઈ કુદરતી આફત, ઘડપણ, બીમારી કે ગરીબીને કારણે હોય કે પછી આપણા કામ પર સરકારના પ્રતિબંધને લીધે હોય. ખરું કે આપણે દિલથી માનીએ છીએ કે ‘ઈશ્વરને જગત પર એટલો પ્રેમ છે કે તેણે પોતાનો એકનો એક દીકરો આપ્યો.’ (યોહાન ૩:૧૬) તોપણ, કોઈ વાર આપણને થાય કે ‘હે ઈશ્વર, યહોવાહ, શું તું મને ચાહે છે? મને આ બધામાંથી ક્યારે છુટકારો મળશે?’

૪. પાઊલે દિવસ-રાત શું સહન કરવાનું હતું? આપણી જો એવી હાલત હોય તો આપણને કેવું લાગી શકે?

ઈશ્વરભક્ત પાઊલનો દાખલો લો. તેમણે લખ્યું કે, ‘મને શિક્ષા આપવા સારૂ શેતાનના દૂત તરીકે મને દેહમાં કાંટો આપવામાં આવ્યો. તે મારી પાસેથી દૂર જાય એ વિષે મેં ત્રણવાર પ્રભુની પ્રાર્થના કરી.’ યહોવાહે પાઊલની વિનંતી સાંભળી તો ખરી. પણ યહોવાહે પાઊલને જણાવ્યું કે પોતે કોઈ ચમત્કાર કરીને તેનું દુઃખ લઈ લેશે નહિ. પાઊલે એ ‘દેહમાંના કાંટાનું’ દુઃખ સહન કરવા, ઈશ્વર પર પૂરી શ્રદ્ધા રાખવી પડશે. * (૨ કોરીંથી ૧૨:૭-૯) પાઊલની જેમ, તમે પણ કોઈ દુઃખ સહન કરતા હશો. તમને થતું હશે, ‘શું યહોવાહ જાણતા નહિ હોય કે મારા પર શું વીતે છે? મારા પર તેમનો પ્રેમ ઓછો થઈ ગયો છે?’ ના, જરાય નહિ! યહોવાહ તો તેમના દરેક વફાદાર સેવકની ખૂબ ચિંતા કરે છે! આ વાત ઈસુએ તેમના પ્રેરિતોને પસંદ કર્યા પછી ભારપૂર્વક જણાવી હતી. ચાલો જોઈએ કે તેમના એ શબ્દોથી આજે આપણને કેવું ઉત્તેજન મળે છે.

“ગભરાશો નહિ”

૫, ૬. (ક) ઈસુએ કઈ રીતે પ્રેરિતોને આવનારી તકલીફો માટે તૈયાર કર્યા? (ખ) પાઊલે કઈ રીતે પૂરા દિલથી ભરોસો બતાવ્યો કે યહોવાહ તેમને બહુ જ ચાહે છે?

ઈસુએ પોતાના બાર ખાસ પ્રેરિતોને ‘અશુદ્ધ આત્માઓ કાઢવાનો અને દરેક પ્રકારનાં દર્દ તથા માંદગીથી પીડાતા માણસોને સાજા કરવાનો અધિકાર આપ્યો હતો.’ જોકે, એનો અર્થ એવો ન હતો કે તેઓ ઈસુને પગલે ચાલે તો, હવે કોઈ દુઃખ-તકલીફ નહિ આવે. ઈસુએ તેઓને સ્પષ્ટ જણાવ્યું હતું કે કેવી કેવી તકલીફો વેઠવી પડશે. પછી તેમણે અરજ કરી કે, ‘જેઓ શરીરને મારી નાખે છે પણ જીવને મારી શકતા નથી તેઓથી ન ગભરાઓ. એના કરતાં તો, શરીર અને જીવનો નાશ કરી શકનાર ઈશ્વરની બીક રાખો.’—માથ્થી ૧૦:૧, ૧૬-૨૨, ૨૮, પ્રેમસંદેશ.

એ પછી ઈસુએ પ્રેરિતોને બે ઉદાહરણ આપતા કહ્યું કે ‘ચકલીઓ પૈસાની બે મળે છે! તોપણ ઈશ્વરની જાણ બહાર તેમાંની એક પણ નાશ પામતી નથી. તમારા માથાના બધા વાળ પણ ગણેલા છે. તેથી ગભરાશો નહિ. ઈશ્વરની નજરમાં ઘણી ચકલીઓ કરતાં તમે વધારે મૂલ્યવાન છો.’ (માથ્થી ૧૦:૨૯-૩૧, IBSI) આપણે જરાય ગભરાઈએ નહિ, એની ચાવી ઈસુએ અહીં આપી. એ શું છે? આપણે એવી શ્રદ્ધા, એવો ભરોસો રાખવો કે ‘યહોવાહ મને જીવની જેમ ચાહે છે.’ ઈશ્વરભક્ત પાઊલને એવી જ ખાતરી હતી, એટલે જ તેમણે લખ્યું, “જો દેવ આપણા પક્ષનો છે તો આપણી સામો કોણ? જેણે પોતાના દીકરાને પાછો રાખ્યો નહિ, પણ આપણ સર્વેને માટે તેને સોંપી દીધો, તે કૃપા કરીને આપણને તેની સાથે બધુંએ કેમ નહિ આપશે?” (રૂમી ૮:૩૧, ૩૨) તેથી, આપણા જીવનમાં ભલે ગમે એવું દુઃખ આવે, પણ જ્યાં સુધી આપણે યહોવાહનો સાથ ન છોડીએ, ત્યાં સુધી તે આપણી સંભાળ રાખશે. આવો, ઈસુએ પ્રેરિતોને આપેલી સલાહમાંથી એ વિષે હજુ વધારે શીખીએ.

નાનકડી ચકલીની કિંમત

૭, ૮. (ક) ઈસુના જમાનામાં ચકલીની કેટલી કિંમત હતી? (ખ) મૂળ ગ્રીક ભાષામાં માત્થી ૧૦:૨૯ કેમ સાવ નાની ચકલી કહે છે?

યહોવાહ આપણને ખૂબ જ ચાહે છે એ આપણે ઈસુએ આપેલા ઉદાહરણ પરથી જોઈ શકીએ છીએ. ચકલીના ઉદાહરણનો વિચાર કરો. ઈસુના જમાનામાં ચકલીનું માંસ પણ ખવાતું હતું. પરંતુ ખાસ કરીને ચકલીઓની ગણના ખેતરમાં પાકને નુકસાન કરતા પક્ષીઓમાં થતી. અરે, એટલી બધી ચકલીઓ હતી કે તમને એ વેચાતી લેવી હોય તો એક પૈસાની બે ચકલી ખરીદી શકો. બે પૈસા ખર્ચવા તૈયાર હોવ તો ચાર નહિ, પાંચ ચકલીઓ મળે. એક વધારાની ચકલીની જાણે કોઈ કિંમત જ ન હતી!—લુક ૧૨:૬.

ચકલી હોય પણ કેટલી મોટી? બીજા પંખી સાથે સરખાવતા, ચકલી તો સાવ નાનકડી! તોપણ, મૂળ ગ્રીક ભાષામાં માત્થી ૧૦:૨૯ ચકલી જ નહિ, પણ સાવ નાની ચકલી કહે છે. ઈસુ પોતાના પ્રેરિતોને જાણે કહેતા હતા કે ‘તમે સાવ નાનામાં નાના પક્ષીનો વિચાર કરો, જેની લોકોને મન કોઈ જ કિંમત ન હોય.’

૯. ચકલીનું ઉદાહરણ આપીને ઈસુએ શું શીખવ્યું?

પછી ઈસુ મૂળ વાત પર આવતા કહે છે કે માણસના મનમાં ભલેને ચકલીઓની કોઈ કિંમત ન હોય, પણ એમાંની એકેય ‘ઈશ્વરની જાણ બહાર નાશ પામતી નથી.’ * ઈસુ આના પરથી એક સનાતન સત્ય શીખવવા માંગતા હતા. યહોવાહ નાનાંમાં નાનાં પંખીની પણ આટલી સંભાળ લે છે. તો પછી, પોતાને પૂરા દિલથી ભજતા ભક્તોના દુઃખમાં શું તે મોં ફેરવી લેશે? ના, એવું કદીયે નહિ બને!

૧૦. ‘આપણા માથાના બધા વાળ ગણેલા છે,’ એનો અર્થ શું થાય?

૧૦ ચકલીનું ઉદાહરણ જણાવ્યા પછી ઈસુ કહે છે, ‘તમારા માથાના બધા વાળ પણ ગણેલા છે.’ (માત્થી ૧૦:૩૦) આ નાનું વાક્ય બહુ મોટી વાત કહી જાય છે. જરા વિચારો, દરેક મનુષ્યના માથા પર આશરે ૧,૦૦,૦૦૦ વાળ હોય છે. આપણા માટે બધા વાળ સરખા છે. એવું નથી કે એક કરતાં બીજો વાળ આપણને વધારે વહાલો હોય. તોપણ, યહોવાહ આપણા માથાના દરેક વાળ જાણે છે, એને ગણી રાખે છે. તો પછી, શું યહોવાહ આપણા સંજોગોથી અજાણ હશે? ના. યહોવાહ પોતાના ભક્તોની રગેરગ જાણે છે. અરે, તે આપણા દિલમાં શું છે એ પણ જોઈ શકે છે.—૧ શમૂએલ ૧૬:૭.

૧૧. દાઊદે કઈ રીતે ભરોસો બતાવ્યો કે યહોવાહને તેમની ચિંતા છે?

૧૧ ઈશ્વરભક્ત દાઊદે જીવનના પથ પર વારંવાર દુઃખો સહ્યા હતા. પણ તેમને પૂરો ભરોસો હતો કે એ યહોવાહથી છાનું નથી. તેમણે લખ્યું, “હે યહોવાહ, તેં મારી પરીક્ષા કરી છે, અને તું મને ઓળખે છે. મારૂં બેસવું તથા ઊઠવું તું જાણે છે; તું મારો વિચાર વેગળેથી સમજે છે.” (ગીતશાસ્ત્ર ૧૩૯:૧, ૨) તમે પણ પૂરી ખાતરી રાખી શકો કે યહોવાહ તમને એ જ રીતે જાણે છે. (યિર્મેયાહ ૧૭:૧૦) એવું જરાય ન માનશો કે ‘મારા જેવા મામૂલી ઇન્સાનની યહોવાહને શું પડી હોય!’

“મારાં આંસુઓ તારી કુપ્પીમાં રાખ”

૧૨. શું યહોવાહ ખરેખર આપણા દુઃખ-તકલીફો જાણે છે?

૧૨ યહોવાહ આપણને તેમ જ આપણા દુઃખોને સારી રીતે સમજે છે. ઈસ્રાએલીઓનો દાખલો લો. તેઓ ગુલામ હતા ત્યારે યહોવાહે મુસાને કહ્યું, ‘મેં મિસરમાંના મારા લોકનું દુઃખ જોયું છે, ને તેમના મુકાદમોને લીધે તેમનો વિલાપ સાંભળ્યો છે, કેમ કે તેઓનો ખેદ [પોકાર] હું જાણું છું.’ (નિર્ગમન ૩:૭) આ વાંચીને આપણને કેટલો બધો દિલાસો મળે છે! આપણે દુઃખથી તોબા તોબા પોકારી ઊઠીએ છીએ ત્યારે, યહોવાહ સાંભળે છે. જુએ છે. આપણી સાથે દુઃખી થાય છે!

૧૩. યહોવાહને પોતાના ભક્તો માટે કેવી લાગણી છે?

૧૩ બીજી કઈ રીતે પોતાના ભક્તો માટે યહોવાહનો પ્રેમ જોવા મળે છે? ઈસ્રાએલી લોકોનો વિચાર કરો. તેઓ મોટા ભાગે પોતાના જ વાંકને લીધે તકલીફમાં આવી પડતા. તોપણ, યહોવાહ કહે છે કે પોતે ‘તેઓનાં સર્વ દુઃખમાં દુઃખી થયા.’ (યશાયાહ ૬૩:૯) તો શું યહોવાહ તેમના વફાદાર સેવકનો પોકાર નહિ સાંભળે? હા, ચોક્કસ. તે આપણાં દુઃખે દુઃખી, ને સુખે સુખી. એટલે જ ભલે પહાડ જેવી મુશ્કેલી આવે, આપણે યહોવાહના માર્ગમાં ચાલતા જ રહીએ.—૧ પીતર ૫:૬, ૭.

૧૪. દાઊદે ગીતશાસ્ત્ર ૫૬ કેવા સંજોગોમાં લખ્યું હતું?

૧૪ ગીતશાસ્ત્ર ૫૬ મુજબ, રાજા દાઊદને પૂરી ખાતરી હતી કે યહોવાહ તેમને ચાહે છે. તેમના દુઃખ-દર્દ સમજે છે. રાજા શાઊલથી પોતાનો જીવ બચાવવા દાઊદ નાસતા ફરતા હતા, ત્યારે તેમણે એ ગીત લખ્યું હતું. તે ગાથ શહેર નાસી છૂટ્યા. ત્યાંના પલિસ્તી લોકોએ તેમને ઓળખી કાઢ્યા. હવે ક્યાં જવું? શું કરવું? એવા સંજોગોમાં દાઊદ યહોવાહને પોકારી ઊઠે છે, “મારા શત્રુઓ આખો દિવસ મારા પર આક્રમણ કરે છે. અભિમાનથી મારી વિરુદ્ધ ઊઠનારા ઘણાં છે. હું જે કરું છું તેનો તેઓ હંમેશાં અનર્થ કરે છે. મને કેવી રીતે હાનિ પહોંચાડવી તે જ તેઓ વિચારે છે.”—ગીતશાસ્ત્ર ૫૬:૨,, IBSI.

૧૫. (ક) દાઊદે પોતાના આંસુ મશકમાં રાખવાનું કે લખી લેવાનું યહોવાહને કહ્યું, એનો શું અર્થ થાય છે? (ખ) આપણે એવા સંજોગોમાં આવી પડીએ કે આપણી શ્રદ્ધાની કસોટી થાય, તો આપણે શું ભરોસો રાખી શકીએ?

૧૫ ગીતશાસ્ત્ર ૫૬:૮માં દાઊદ દિલ પીગળાવી દે એવા શબ્દો કહે છે, “તું મારી રખડામણો ગણે છે; મારાં આંસુઓ તારી કુપ્પીમાં રાખ; શું તેઓ તારા પુસ્તકમાં નોંધેલાં નથી?” આ શબ્દો કેવું સરસ વર્ણન કરે છે કે યહોવાહ આપણને ચાહે છે! જ્યારે આપણા પર દુઃખ આવી પડે છે, ત્યારે આપણે યહોવાહની સામે આપણું દિલ ખોલીએ છીએ. ઈસુએ પણ તેમ જ કર્યું હતું. (હેબ્રી ૫:૭) દાઊદને ખાતરી હતી કે યહોવાહ તેમને જોઈ રહ્યા છે અને તે તેમનું દુઃખ ભૂલશે નહિ. જાણે કે યહોવાહ દાઊદના એક એક આંસુ ઝીલી લઈને કુપ્પી કે મશકમાં ભરે છે અથવા એને પુસ્તકમાં લખી લે છે! * કદાચ તમે પણ એટલા આંસુ વહાવ્યા હશે કે આખી કુપ્પી ભરાઈ જાય, પુસ્તક આખુંયે ભરાઈ જાય! જો એવું હોય તો તમે દિલાસો મેળવી શકો છો. બાઇબલ ખાતરી આપતા કહે છે: “આશાભંગ થએલાઓની પાસે યહોવાહ છે, અને નમ્ર આત્માવાળાને તે તારે છે.”—ગીતશાસ્ત્ર ૩૪:૧૮.

ઈશ્વર સાથે પાક્કો નાતો બાંધો

૧૬, ૧૭. (ક) આપણે કેમ કહીએ છીએ કે આપણા પર જે વીતે છે એની યહોવાહને પૂરી ખબર છે? (ખ) યહોવાહ પોતાના મિત્રો સાથે કેવી રીતે વર્તે છે?

૧૬ આપણે શીખી ગયા કે આપણા ‘માથાના બધા વાળ પણ ગણેલા’ છે. એ જ બતાવે છે કે યહોવાહ આપણને ખૂબ ચાહે છે. આપણને લહાવો છે કે આપણે યહોવાહને ભજી શકીએ. ખરું કે આપણે નવી દુનિયાની રાહ જોવી પડશે, જ્યારે યહોવાહ બધા જ દુઃખ-દર્દ મિટાવી દેશે. પણ આજ વિષે શું? બાઇબલ જણાવે છે કે “જેઓ ઈશ્વરનો ભય રાખે છે તેઓને તે પોતાના મિત્રો બનાવે છે. તેઓની સાથે જ તે પોતાનાં વચનોનાં રહસ્યો ખુલ્લાં કરે છે.”—ગીતશાસ્ત્ર ૨૫:૧૪, IBSI.

૧૭ આપણા જેવા પાપી, મામૂલી ઇન્સાન યહોવાહના મિત્ર બની શકે ખરા? હા. યહોવાહ તેમના ભક્તોને પોતાના ગણે છે. યહોવાહથી ડરીને ચાલે છે તેઓને તે પોતાના મંડપમાં રહેવા બોલાવે છે. (ગીતશાસ્ત્ર ૧૫:૧-૫) યહોવાહ પોતાના મિત્રો માટે શું કરે છે? તેમને પોતાનો કરાર જણાવે છે. તેઓને પોતાના દિલની ખાનગી વાત રજૂ કરે છે. જેથી તેઓ પૂરા દિલથી તેમની ભક્તિ કરી શકે. તેમની ઇચ્છા પૂરી કરી શકે.આમોસ ૩:૭.

૧૮. યહોવાહે આપણા માટે ભક્તિનો માર્ગ કઈ રીતે ખોલ્યો છે?

૧૮ જરા વિચારો, યહોવાહ વિશ્વના માલિક છે! તે આપણને તેમની ભક્તિ કરવા, તેમના મિત્ર બનવા અરજ કરે છે. બાઇબલ જણાવે છે કે “તમે દેવની પાસે જાઓ, એટલે તે તમારી પાસે આવશે.” (યાકૂબ ૪:૮) યહોવાહ આપણા ઈશ્વરે આપણી સામે તેમની ભક્તિનો માર્ગ ખુલ્લો કર્યો છે. તેમણે ઈસુનું બલિદાન આપ્યું જેથી આપણે તેમની સાથે પાક્કો નાતો બાંધી શકીએ. એટલે જ બાઇબલ કહે છે, “આપણે પ્રેમ રાખીએ છીએ, કેમ કે પ્રથમ તેણે આપણા પર પ્રેમ રાખ્યો.”—૧ યોહાન ૪:૧૯.

૧૯. કઈ રીતે આપણે તકલીફો સહન કરીને યહોવાહ સાથેનો નાતો પાક્કો કરી શકીએ?

૧૯ આપણે મુશ્કેલ સંજોગોમાં ધીરજ રાખીએ છીએ ત્યારે યહોવાહ સાથેનો એ નાતો હજુ પણ મજબૂત બને છે. બાઇબલ સલાહ આપે છે, “તમે પરિપક્વ તથા સંપૂર્ણ થાઓ, અને કશામાં અપૂર્ણ રહો નહિ, માટે ધીરજને પોતાનું કામ પૂરેપૂરૂં કરવા દો.” (યાકૂબ ૧:૪) તકલીફોમાં પણ ધીરજને કયું ‘કામ’ કરવા દેવાનું છે? ઈશ્વરભક્ત પાઊલનો ‘દેહમાંનો કાંટો’ યાદ કરો. શું તેમના કિસ્સામાં ‘ધીરજે પોતાનું કામ’ પૂરું કર્યું? પાઊલ પોતે તેમની મુશ્કેલીઓ વિષે કહે છે: “ખ્રિસ્તનું પરાક્રમ મારા પર આવી રહે, એ સારૂ ઊલટું હું ઘણી ખુશીથી મારી નિર્બળતા વિષે અભિમાન કરીશ. એ માટે નિર્બળતામાં, અપમાન સહન કરવા, તંગીમાં, સતાવણીમાં અને સંકટમાં, ખ્રિસ્તની ખાતર હું આનંદ માનું છું; કેમ કે જ્યારે હું નિર્બળ છું, ત્યારે હું બળવાન છું.” (૨ કોરીંથી ૧૨:૯, ૧૦) પાઊલનો જાત અનુભવ હતો કે ગમે એવી તકલીફો સહન કરવા યહોવાહ મદદ પૂરી પાડી શકે છે. તેમના માટે કશું જ અશક્ય નથી. આમ તકલીફો સહન કરીને, ઈસુ ખ્રિસ્ત અને યહોવાહ સાથેનો પાઊલનો નાતો હજુય પાક્કો થયો.—૨ કોરીંથી ૪:૭; ફિલિપી ૪:૧૧-૧૩.

૨૦. યહોવાહ આપણા દુઃખ-દર્દમાં સાથ નહિ છોડે, એની કઈ ખાતરી છે?

૨૦ શક્ય છે કે યહોવાહે તમારી કસોટી ચાલવા દીધી હોય. પણ તેમનું વચન ભૂલશો નહિ, “હું તને કદી મૂકી દઈશ નહિ, અને તને તજીશ પણ નહિ.” (હેબ્રી ૧૩:૫) તમે પોતે યહોવાહનો સાથ અનુભવશો. યાદ કરો, યહોવાહે ‘આપણા માથાના બધા વાળ ગણેલા છે.’ તે આપણું દરેક દુઃખ જુએ છે. એટલે જ, યહોવાહ “તમારા કામને તથા તેના નામ પ્રત્યે તમે જે પ્રીતિ દેખાડી છે,” એને કદીયે ભૂલશે નહિ!—હેબ્રી ૬:૧૦.

[ફુટનોટ્‌સ]

^ એવી જ રીતે, ઈશ્વરભક્ત દાઊદ અને કોરાહના દીકરાઓ પણ ઈશ્વરને પોકારી ઊઠ્યા હતા.—ગીતશાસ્ત્ર ૧૦:૧; ૪૪:૨૪.

^ પાઊલનો ‘દેહમાંનો કાંટો’ શું હતો, એ બાઇબલ જણાવતું નથી. કદાચ આંખે ઓછું દેખાતું હોય એવી બીમારી હતી. અથવા તો એ પાઊલની સેવાનો વાંક કાઢ્યા કરતા, ‘પ્રેરિતોનો વેશ’ લેનારા ભાઈઓ હોય શકે.—૨ કોરીંથી ૧૧:૬, ૧૩-૧૫; ગલાતી ૪:૧૫; ૬:૧૧.

^ અમુક વિદ્વાનો માને છે કે મૂળ ભાષામાં આ કલમમાં ફક્ત ચકલીના મરવા કરતાં વધારેની વાત થાય છે. એમાં ચકલી ખોરાકની શોધમાં જમીન પર આમ-તેમ ઊડે છે, એની પણ વાત થાય છે. જો એમ હોય તો ઈશ્વરની જાણ બહાર ચકલી મરતી નથી, એ તો ખરું. પણ એનું ખાવું-પીવું, ઊડવું-બેસવું એ બધાનું યહોવાહ ધ્યાન રાખે છે અને એનું પોષણ કરે છે.—માત્થી ૬:૨૬.

^ પહેલાના જમાનામાં કુપ્પી કે મશક ઘેટાં, બકરાં કે ઢોરના ચામડામાંથી બનાવવામાં આવતી. એ દૂધ, માખણ, પનીર કે પાણી ભરવા વપરાતી. જો ચામડું સારી રીતે પકવવામાં આવ્યું હોય તો, એમાંથી બનેલી કુપ્પીઓમાં તેલ કે વાઈન પણ રાખી શકાતા હતા.

આપણે શું શીખ્યા?

• યહોવાહે મને છોડી દીધો છે, એવું આપણને કેમ લાગી શકે છે?

• ચકલીનું ઉદાહરણ શું શીખવે છે? ‘આપણા માથાના બધા વાળ ગણેલા છે,’ એ શું શીખવે છે?

• યહોવાહ આપણાં આંસુ તેમની કુપ્પીમાં ભરી લે, અથવા તેમના પુસ્તકમાં લખી લે એનો શું અર્થ થાય?

• આપણે યહોવાહ સાથેનો નાતો કઈ રીતે પાક્કો કરી શકીએ?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૨૨ પર ચિત્ર]

પાઊલના ‘દેહમાંનો કાંટો’ યહોવાહે કેમ દૂર કર્યો નહિ?

[પાન ૨૩ પર ચિત્ર]

ઈસુએ આપેલા ચકલીના ઉદાહરણથી આપણે શું શીખીએ છીએ?

[Credit line]

© J. Heidecker/VIREO

[પાન ૨૫ પર ચિત્ર]

નિયમિત બાઇબલ વાંચવાથી આપણને ખાતરી થશે કે યહોવાહ આપણી દરેક રીતે સંભાળ રાખે છે