સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

મરણથી લાગતો ઊંડો આઘાત

મરણથી લાગતો ઊંડો આઘાત

મરણથી લાગતો ઊંડો આઘાત

“છ વર્ષની છોકરીએ આત્મહત્યા કરી.” હૈયું કંપાવી દેતા આ સમાચાર છાપાના મથાળે હતા. આ છ વર્ષની જૅકીની મા થોડા સમય પહેલાં જ કોઈ ગંભીર બીમારીને લીધે મરી ગઈ હતી. તેથી જૅકીએ ટ્રેન નીચે પડતું મૂકી જીવ ટૂંકાવી દીધો. એ પહેલાં તેણે પોતાના ભાઈબહેનોને કહ્યું હતું, ‘હું દૂત બનીને મમ્મી સાથે રહેવા ઇચ્છું છું.’

ઇએન ૧૮ વર્ષનો હતો ત્યારે તેના પપ્પા ગુજરી ગયા. તેણે પાદરીને પૂછ્યું, ‘શા માટે મારા પપ્પા મરી ગયા?’ પાદરીએ સમજાવ્યું કે તારા પપ્પા બહુ ભલા માણસ હતા. ઈશ્વરને સ્વર્ગમાં તેમની જરૂર હતી. એટલે તેમને ત્યાં બોલાવી લીધા. આવું સાંભળીને ઇએને વિચાર્યું, ‘શું ઈશ્વર આટલા ક્રૂર હશે? આવા ક્રૂર ઈશ્વર વિષે મારે કંઈ જાણવું નથી.’ તેને પોતાનું જીવન નકામું લાગવા માંડ્યું. તે ધીમે ધીમે જીવનના મોજશોખમાં ડૂબતો ગયો. તે દારૂ અને ડ્રગ્સનું સેવન કરવા લાગ્યો અને અનૈતિક જીવન ગુજારવા લાગ્યો.

“જીવતાઓ જાણે છે કે પોતે મરવાના છે”

આ બંને બનાવો બતાવે છે કે પોતાની વહાલી વ્યક્તિને ગુમાવવાથી લોકોના જીવનમાં કેવી ઊથલપાથલ મચી જાય છે. એમાંય કોઈ અચાનક મરણ પામે છે ત્યારે જીવન જાણે વેરાન બની જાય છે. બાઇબલની આ સચ્ચાઈથી બધા જ સારી રીતે વાકેફગાર છે: “જીવતાઓ જાણે છે કે પોતે મરવાના છે.” (સભાશિક્ષક ૯:૫) તોપણ, ઘણા લોકો આ હકીકત સ્વીકારવા તૈયાર નથી. મરણ વિષે તમે શું વિચારો છો? આજે ઘણા જીવનમાં એટલા વ્યસ્ત થઈ ગયા છે કે મરણ વિષે વિચારવાનો તેઓ પાસે સમય પણ નથી.

ધ વર્લ્ડ બુક એન્સાયક્લોપેડિયા કહે છે, “મોટા ભાગના લોકોને મરણનો ડર હોય છે એને લીધે તેઓ એનો વિચાર કરતા નથી.” તોપણ, અકસ્માત કે જીવલેણ બીમારીના સમયે ઘણાની સામે મરણ જાણે મોં ફાડીને ઊભું રહે છે. ખાસ મિત્ર કે સગાં-સંબંધીની દફનવિધિમાં જઈએ ત્યારે પણ આપણે એ કડવી હકીકત સ્વીકારવી પડે છે કે આપણે બધાએ એક દિવસ મરવાનું છે.

બીજી બાજુ, ઘણી વાર શોક કરનારા આવું કંઈક કહેતા હોય છે, “જીવન અટકી નથી જતું, એ તો આગળ ચાલતું જ રહે છે.” અને ખરેખર એ આગળ વધે જ છે. હકીકતમાં જીવન એટલું ઝડપથી પસાર થતું હોય છે કે જોતજોતામાં ઘડપણ સામે આવીને ઊભું રહે છે એની ખબરેય પડતી નથી. ઉંમરને લીધે આવતી તકલીફોથી મરણ જાણે દરવાજે ટકોરા મારતું હોય એમ લાગે છે. ઘડપણમાં આપણા સ્વજનો, કે જૂના મિત્રો ગુમાવવા કંઈ ઓછું દુઃખ નથી. તેઓના અંતિમ સંસ્કાર થતા જોઈને ઉંમર ઢળી ગઈ છે તેઓ ઘણી વાર વિચારતા હોય છે, “હવે મારો વારો ક્યારે આવશે?” આવું વિચારીને તેઓ વધારે હતાશ થઈ જાય છે.

એક મોટું રહસ્ય

ખરું કે મરણ તો આવશે જ એનો કોઈ નકાર કરતું નથી. તેમ છતાં, ‘મરણ પછી શું?’ એ પ્રશ્ન ઘણાના મનમાં ઘૂંટાતો રહે છે. આ વિષે લોકો અલગ અલગ માને છે. તેથી, ઘણાને લાગી શકે કે કોઈની પાસે એનો જવાબ નથી. તો અમુક કહેશે, ‘જીવન તો એક વાર જ મળે છે. તેથી ખાઓ, પીઓ ને મઝા કરો.’

બીજી બાજુ, કેટલાક લોકો એવું માનતા નથી કે મરણથી બધું જ ખતમ થઈ જાય છે. તેમ છતાં, મરણ પછી શું છે એ વિષે તેઓના મનમાં કોઈ સ્પષ્ટ વિચારો નથી. અમુક માને છે કે મરણ પછી વ્યક્તિ કોઈ બીજી જગ્યાએ પરમસુખમાં રહે છે. બીજાઓ માને છે કે મરણ પછી તે બીજી કોઈ વ્યક્તિના રૂપમાં જનમ લે છે.

પ્રિયજનને ગુમાવ્યા પછી સગાં-વહાલાંના મનમાં હંમેશા એક સવાલ ઊઠતો હોય છે, “મરણ પામેલાઓ ક્યાં છે?” થોડાં વર્ષો પહેલાં એક ફૂટબૉલ ટીમ બીજે ક્યાંક રમવા જઈ રહી હતી. અચાનક તેઓની મીનીબસનો ખટારા સાથે ભયંકર અકસ્માત થયો. ટીમના પાંચ ખેલાડીઓ મરી ગયા. એમાં એકવીસ વર્ષનો યુવાન પણ હતો. તે મરી ગયો એ દિવસથી તેની મમ્મીનું જીવન વેરાન બની ગયું. ‘મારો દીકરો ક્યાં છે?’ એ જાણવા તે આમતેમ ફાંફા મારતી રહેતી. તે નિયમિત દીકરાની કબરે જઈને કલાકો સુધી તેની સાથે મોટેથી વાતો કરતી. તે પોતાની પીડા ઠાલવતા કહે છે: “હું તો માની જ શકતી નથી કે મરણ પછી કંઈ જ નથી. પણ સાચું શું છે એની મને કંઈ જ ખબર નથી.”

ખરેખર, આપણે મરણ વિષે શું માનીએ છીએ એની આપણા જીવન પર અસર પડે છે. મરણ વિષેના લોકોના અલગ અલગ વિચારોને કારણે ઘણા પ્રશ્નો ઊભા થાય છે. એ પ્રશ્નોને તપાસવાની જરૂર છે. શું આપણે મરણનો વિચાર મનમાંથી કાઢી નાંખીને જીવન પર જ ધ્યાન આપવું જોઈએ? શું આપણે મોતથી ડરીને જીવવું જોઈએ? શું શોકમાં ડૂબેલા સગાં-વહાલાં કદી જાણી શકશે કે તેઓના મરણ પામેલા સ્નેહીજનો ક્યાં છે? શું આ બધા સવાલો હંમેશા સવાલ જ રહેશે?