સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

“મરણ પર પૂરેપૂરો વિજય પ્રાપ્ત કરવામાં આવ્યો છે”

“મરણ પર પૂરેપૂરો વિજય પ્રાપ્ત કરવામાં આવ્યો છે”

“મરણ પર પૂરેપૂરો વિજય પ્રાપ્ત કરવામાં આવ્યો છે”

આગલા લેખની શરૂઆતમાં આપણે છાપાનું એક મથાળું જોયું હતું, ‘છ વર્ષની છોકરીએ આત્મહત્યા કરી.’ હવે આવા મથાળાની કલ્પના કરો, ‘મરણ પર પૂરેપૂરો વિજય પ્રાપ્ત કરવામાં આવ્યો છે!’ સાચું કે, કોઈ પણ છાપું કદી એવું નહિ લખે. પરંતુ, આ શબ્દો આપણને સૌથી જૂના પુસ્તકમાં જોવા મળે છે. એ પુસ્તક કયું છે? બાઇબલ.

બાઇબલમાં મરણ વિષે સ્પષ્ટ સમજણ આપી છે. બાઇબલ આ પ્રશ્નોના પણ જવાબ આપે છે: આપણે કેમ મરીએ છીએ? મર્યા પછી આપણું શું થાય છે? શું મૂએલાઓ માટે કોઈ આશા છે? બાઇબલ એવા સમય વિષે પણ જણાવે છે જ્યારે આ સમાચાર હકીકત બનશે, “મરણ પર પૂરેપૂરો વિજય પ્રાપ્ત કરવામાં આવ્યો છે.”—૧ કોરીંથીઓ ૧૫:૫૪, CL.

આપણે સમજી શકીએ એ રીતે બાઇબલ જણાવે છે કે મરણ શું છે. દાખલા તરીકે, મરવાને બાઇબલ ‘ઊંઘમાં પડવા’ સાથે અને મૂએલાઓનું “મરણની ઊંઘમાં” કે “ઊંઘી ગયેલા” તરીકે વર્ણન કરે છે. (ગીતશાસ્ત્ર ૧૩:૩; ૧ થેસ્સાલોનીકી ૪:૧૩; યોહાન ૧૧:૧૧-૧૪) એ મરણને “શત્રુ” પણ કહે છે. (૧ કોરીંથી ૧૫:૨૬) સૌથી મહત્ત્વનું તો, બાઇબલ એ સમજાવે છે કે શા માટે મરણ એક ઊંઘ જેવું છે. માણસ પર મરણ કેમ આવી પડ્યું, અને મરણને કઈ રીતે કાઢી નાંખવામાં આવશે.

આપણે શા માટે મરીએ છીએ?

એ સમજવા માટે આપણે માણસજાતની શરૂઆતમાં જવું પડશે. બાઇબલનું પહેલું પુસ્તક બતાવે છે કે પરમેશ્વરે પ્રથમ માણસ આદમને બનાવ્યો. પછી તેને ધરતી પર સુંદર બગીચા જેવી જગ્યા રહેવા આપી. (ઉત્પત્તિ ૨:૭, ૧૫) પરમેશ્વરે તેને મઝાનું કામ પણ આપ્યું. એ સાથે તેમણે એક આજ્ઞા પણ આપી હતી. એ શું હતી? તેમણે એદન બાગના એક વૃક્ષ વિષે આદમને કહ્યું: “ભલુંભૂંડું જાણવાના વૃક્ષનું તારે ખાવું નહિ; કેમ કે જે દિવસે તું ખાશે તે જ દિવસે તું મરશે જ મરશે.” * (ઉત્પત્તિ ૨:૧૭) આમ, આદમને ખબર હતી કે માણસને મરવા માટે બનાવવામાં આવ્યો ન હતો. પરંતુ, જો તે પોતે પરમેશ્વરની આજ્ઞા તોડે તો મરણ ચોક્કસ હતું.

દુઃખની વાત છે કે આદમ અને તેની પત્નીએ પરમેશ્વરે આપેલો આ નિયમ તોડ્યો. તેઓએ પરમેશ્વરથી મોં ફેરવી લીધું. એની સજા તેઓએ ભોગવવી પડી. કેમ કે, પરમેશ્વરે તેઓને પહેલેથી જ કહ્યું હતું કે આજ્ઞા નહિ પાળવાનું શું પરિણામ આવશે: “તું ધૂળ છે, ને પાછો ધૂળમાં મળી જશે.” (ઉત્પત્તિ ૩:૧૯) ખરેખર, એવું જ થયું. તેઓએ પાપ કર્યું અને ઈશ્વરથી વિખૂટા પડી ગયા. પરિણામે તેઓએ કાયમ માટે જીવવાની શક્તિ ગુમાવી દીધી. યહોવાહના નિયમ પ્રમાણે જીવવાની ક્ષમતા પણ ગુમાવી બેઠાં. એના લીધે તેઓ ઘરડાં થઈને ધીમે ધીમે મરણ પામ્યા.

આપણા આ પહેલા માબાપના પાપને કારણે આપણે પણ કરુણ પરિસ્થિતિમાં જન્મ્યા. ફક્ત આદમે જ હંમેશ માટેનું જીવન ન ગુમાવ્યું પણ તેના લીધે આખી માણસજાત પાપના પંજામાં આવી ગઈ. બાઇબલ જણાવે છે: “તે માટે જેમ એક માણસથી જગતમાં પાપ પેઠું, ને પાપથી મરણ; અને સઘળાંએ પાપ કર્યું, તેથી સઘળાં માણસોમાં મરણનો પ્રસાર થયો.”—રૂમી ૫:૧૨.

‘જગતમાં પાપ આવ્યું’

વારસામાં મળેલા આ પાપને આપણે જોઈ શકતા નથી. કેમ કે, “પાપ” માણસની નૈતિકતા અને આધ્યાત્મિકતામાં આવેલી એક ખામી છે કે જે આપણે આપણા પ્રથમ માબાપ પાસેથી મેળવી છે. એનું પરિણામ આપણે ભોગવવું પડે છે. પરંતુ, બાઇબલ સ્પષ્ટ જણાવે છે કે આપણે આ પાપના પિંજરામાંથી બહાર આવી શકીએ એ માટે પરમેશ્વરે ગોઠવણ કરી છે. પ્રેરિત પાઊલ સમજાવે છે: “પાપનો મૂસારો મરણ છે; પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને આશરે દેવનું કૃપાદાન અનંતજીવન છે.” (રૂમી ૬:૨૩) કોરીંથીઓને લખેલા પહેલા પત્રમાં, પાઊલે ખાતરી આપતા લખ્યું: “જેમ આદમ દ્વારા સર્વે મરે છે, તેમ જ વળી ખ્રિસ્ત દ્વારા સર્વે સજીવન થશે.”—૧ કોરીંથી ૧૫:૨૨.

આમ, પાપ અને મરણ દૂર કરવાની પરમેશ્વરની ગોઠવણમાં ઈસુ મહત્ત્વનો ભાગ ભજવે છે. તેમણે પોતે કહ્યું હતું કે તે “ઘણા લોકોની ખંડણીને સારૂ પોતાનો જીવ આપવાને” પૃથ્વી પર આવ્યા. (માત્થી ૨૦:૨૮) અહીંયા ખંડણીનો શું અર્થ થાય? એ સમજવા કલ્પના કરો કે કોઈ તમારું અપહરણ કરે છે. પછી તમને છોડવા અમુક રકમની માંગણી કરે છે. એવી જ રીતે, આપણને પાપ અને મરણમાંથી છોડાવવા ઈસુએ પોતાનું સંપૂર્ણ માનવ જીવન ખંડણી તરીકે અર્પી દીધું. *પ્રેરિતોનાં કૃત્યો ૧૦:૩૯-૪૩.

વિચાર કરો, ખંડણી ચૂકવવા પરમેશ્વરે ઈસુને પૃથ્વી પર મોકલ્યા જેથી તે પોતાના જીવનનું બલિદાન આપે! ‘દેવે જગત પર એટલી પ્રીતિ કરી કે તેમણે પોતાનો એકાકીજનિત દીકરો આપ્યો, એ સારૂ કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તે અનંતજીવન પામે.’ (યોહાન ૩:૧૬) પોતાનું બલિદાન આપતા પહેલાં, ઈસુએ ‘સત્ય વિષે સાક્ષી આપી.’ (યોહાન ૧૮:૩૭) આમ, ઈસુએ પ્રચાર દરમિયાન મરણ વિષેનું સત્ય સમજાવવાની તક ઝડપી લીધી.

‘છોકરી ઊંઘે છે’

ઈસુ પૃથ્વી પર હતા ત્યારે મરણ વિષે સારી રીતે જાણતા હતા. તે પ્રિયજનને ગુમાવવાનું દુઃખ સમજતા હતા. પોતાને અકાળે મરવાનું છે એ પણ તે સારી રીતે જાણતા હતા. (માત્થી ૧૭:૨૨, ૨૩) ચાલો હવે એક બનાવ પર નજર નાખીએ. એનાથી આપણે જોઈ શકીશું કે ઈસુ મરણને કઈ દૃષ્ટિએ જોતા હતા. ઈસુના મરણના થોડા મહિનાઓ પહેલાં, તેમનો ખાસ મિત્ર લાજરસ મરી ગયો.

લાજરસ મરણ પામ્યો છે એ સાંભળતા જ, ઈસુએ કહ્યું: “આપણો મિત્ર લાજરસ ઊંઘી ગયો છે; પણ હું તેને ઊંઘમાંથી જગાડવા સારૂ જવાનો છું.” શિષ્યોને એમ લાગ્યું કે લાજરસ આરામ કરે છે, એટલે જલદી સાજો થઈ જશે. તેઓના વિચાર પારખીને ઈસુએ સ્પષ્ટ કરતા કહ્યું: “લાજરસ મરી ગયો છે.” (યોહાન ૧૧:૧૧-૧૪) આમ, ઈસુએ મરણને ઊંઘ સાથે સરખાવ્યું. મરણને સમજવું આપણા માટે અઘરું હશે. પરંતુ આપણે ઊંઘને તો સમજીએ છીએ. આપણે ભર ઊંઘમાં હોઈએ ત્યારે, આપણને સમયનું કંઈ ભાન હોતું નથી. આપણી આસપાસ શું બની રહ્યું છે એ પણ જાણતા નથી. કારણ કે આપણે એ સમયે જાણે બેભાન બની જઈએ છીએ. મરણ પણ ઊંઘ જેવું જ છે. સભાશિક્ષક ૯:૫ બતાવે છે: “મૂએલા કંઈ જાણતા નથી.”

એક બીજું કારણ પણ છે કે શા માટે ઈસુ મરણને ઊંઘ સાથે સરખાવે છે. એ કારણ એ છે કે ઈશ્વરની શક્તિથી લોકોને મરણની ઊંઘમાંથી પાછા ઉઠાડી શકાય છે. એક પ્રસંગે, ઈસુએ એક દુઃખી કુટુંબની મુલાકાત લીધી કે જેમની નાની દીકરી થોડા સમય પહેલાં જ મરી ગઈ હતી. ઈસુએ કહ્યું: “છોકરી મરી નથી ગઈ, પણ ઊંઘે છે.” ત્યાર પછી તેમણે મરણ પામેલી છોકરી પાસે જઈને તેનો હાથ પકડ્યો અને તે “ઊઠી.” હા, તે મરણની ઊંઘમાંથી ઊઠી.—માત્થી ૯:૨૪, ૨૫.

એવી જ રીતે ઈસુએ પોતાના મિત્ર લાજરસને પણ મરણમાંથી ઉઠાડ્યો. એ ચમત્કાર કરતા પહેલાં, તેમણે લાજરસની બહેન મારથાને દિલાસો આપતા કહ્યું: “તારો ભાઈ પાછો ઊઠશે.” મારથાએ પણ ભરોસો બતાવતા કહ્યું હતું: “છેલ્લે દહાડે પુનરુત્થાનમાં તે પાછો ઊઠશે, એ હું જાણું છું.” (યોહાન ૧૧:૨૩, ૨૪) આમ, તેને ખાતરી હતી કે પરમેશ્વરના સર્વ સેવકોનું ભવિષ્યમાં પુનરુત્થાન થશે.

પુનરુત્થાન એટલે શું? “પુનરુત્થાન” માટેના મૂળ ગ્રીક શબ્દનો અર્થ છે, “ઊભા થવું.” એનો અર્થ મરણમાંથી ઊભા કરવું પણ થાય છે. કેટલાક લોકો કદાચ એ નહિ માને. તેથી ઈસુએ શું કહ્યું હતું એ ધ્યાન આપો: ‘મૂએલા મારી વાણી સાંભળશે.’ પછી તેમણે કહ્યું: “એથી તમે આશ્ચર્ય ન પામો.” (યોહાન ૫:૨૮) ઈસુએ પોતે આ પૃથ્વી પર કરેલા ચમત્કારોથી, બાઇબલમાં આપેલાં વચનોમાં આપણો વિશ્વાસ વધારે દૃઢ થાય છે. બાઇબલ વચન આપે છે કે જેઓ પરમેશ્વરના સ્મરણમાં છે તેઓને તે એક દિવસ મરણની ઊંઘમાંથી ઉઠાડશે. પ્રકટીકરણ ૨૦:૧૩ કહે છે: “સમુદ્રે પોતાનામાં જેઓ મૂએલાં હતાં તેઓને પાછાં આપ્યાં; અને મરણે તથા હાડેસે [માણસની કબર] પણ પોતાનામાં જેઓ મૂએલાં હતાં, તેઓને પાછાં આપ્યાં; અને દરેકનો ન્યાય તેની કરણીઓ પ્રમાણે કરવામાં આવ્યો.”

મૂએલાઓ સજીવન થશે પછી શું? શું તેઓ પણ ઈસુએ સજીવન કરેલા લાજરસની જેમ વૃદ્ધ થઈને મરણ પામશે? ના, યહોવાહનો એવો હેતુ નથી. બાઇબલ આપણને ખાતરી આપે છે કે એવો સમય આવશે જ્યારે ‘મરણ ફરીથી થશે નહિ.’ એટલે કોઈ પણ વ્યક્તિ વૃદ્ધ થઈને મરશે નહિ.—પ્રકટીકરણ ૨૧:૪.

મરણ એક દુશ્મન છે. માણસોના બીજા પણ ઘણા દુશ્મનો છે. જેમ કે, માંદગી અને ઘડપણ, જેના લીધે બીજી ઘણી તકલીફો સહન કરવી પડે છે. પરમેશ્વર આ બધાં દુઃખોને મિટાવી દેવાનું વચન આપે છે. અરે, છેવટે માણસજાતના સૌથી મોટા શત્રુને પણ મિટાવી દેશે. “જે છેલ્લો શત્રુ નાશ પામશે તે મરણ છે.”—૧ કોરીંથી ૧૫:૨૬.

પરમેશ્વરનાં એ વચનો પૂરાં થશે ત્યારે, માણસજાત સંપૂર્ણ જીવનનો આનંદ માણશે. ત્યારે મરણ અને પાપ નહિ હોય. એ સમય આવે ત્યાં સુધી, આપણે એ જાણીને દિલાસો મેળવી શકીએ કે આપણા વહાલા મિત્રો કે સગાં-વહાલાં મરણની ઊંઘમાં આરામ કરી રહ્યા છે. તેઓ પરમેશ્વરના સ્મરણમાં હશે તો તેઓને યોગ્ય સમયે જરૂર સજીવન કરવામાં આવશે.

મરણને સમજવાથી જીવનનો અર્થ બદલાઈ જાય છે

મરણ શું છે અને મૂએલાઓ માટે કઈ આશા છે એ જાણવાથી જીવન પ્રત્યેનો આપણો દૃષ્ટિકોણ બદલાઈ જાય છે. પહેલા લેખમાં આપણે ઈએન વિષે જોઈ ગયા. તે વીસેક વર્ષનો હતો ત્યારે બાઇબલમાંથી મરણ વિષે શીખ્યો. તે કહે છે, “મને હંમેશા એવું જ થતું હતું કે મારા પપ્પા ક્યાંક તો છે. તેથી, જ્યારે હું શીખ્યો કે તે મરણની ગાઢ ઊંઘમાં છે ત્યારે, શરૂઆતમાં હું બહુ જ દુઃખી થઈ ગયો.” પરંતુ, જ્યારે તેણે પરમેશ્વરનું એ વચન વાંચ્યું કે મૂએલાઓને તે સજીવન કરશે ત્યારે તેની ખુશીનો પાર ન રહ્યો. એ વિચારથી જ તે ખુશ થઈ ગયો કે હવે તે ફરીથી તેના પપ્પાને જોઈ શકશે. તે કહે છે, “મારા જીવનમાં પહેલી વાર મેં શાંતિ અનુભવી.” મરણ વિષેની યોગ્ય સમજણ મેળવવાથી તેને મનની શાંતિ મળી.

પહેલા લેખમાં આપણે મીનીબસના ભયંકર અકસ્માત વિષે જોયું. એમાં ૨૧ વર્ષના યુવાન, સ્ટીવને જાન ગુમાવ્યો હતો. તેના માબાપ, ક્લાઈવ અને બ્રેન્ડા જાણતા હતા કે મરણ વિષે બાઇબલ શું કહે છે. પરંતુ આ રીતે અચાનક જુવાનજોધ દીકરાના મોતથી તેઓ ભાંગી પડ્યા હતા. હા, મરણ એક દુશ્મન છે અને એનો ડંખ બહુ જ પીડા આપનારો છે. મરણ પામેલાઓની સ્થિતિ વિષે બાઇબલ શું કહે છે એ જાણતા હોવાથી તેઓનું દુઃખ ધીમે ધીમે ઓછું થતું ગયું. બ્રેન્ડા કહે છે, “મરણ વિષેની યોગ્ય સમજણે અમને અમારા દિલના ટુકડા સાંધીને આગળ વધવા મદદ કરી. જોકે, હજીયે અમે રોજ એ સમય વિષે વિચાર કરીએ છીએ જ્યારે સ્ટીવન મરણની ઊંઘમાંથી ઊઠીને પાછો આવશે.”

“મરણ, તારો ડંખ ક્યાં?”

આપણે જોઈ ગયા તેમ, મૂએલાઓની સ્થિતિ વિષે જાણવાથી આપણને જીવન પ્રત્યે યોગ્ય વલણ રાખવા મદદ મળે છે. મરણ એ કંઈ રહસ્ય નથી કે જેને આપણે સમજી ન શકીએ. આપણે આ દુશ્મનથી ડર્યા વગર જીવનનો આનંદ માણી શકીએ છીએ. તેમ જ, મરણથી બધું જ ખતમ થઈ જતું નથી, એ જાણ્યા પછી આપણે એવી ઇચ્છા પણ રાખતા નથી કે ‘ખાઓ, પીઓ ને મજા કરો, કાલે મરવાનું જ છે ને!’ આપણા મરણ પામેલા પ્રિયજનો પરમેશ્વરના સ્મરણમાં છે, ઊંડી ઊંઘમાં છે અને ફરી સજીવન થવાની રાહ જુએ છે એ સચ્ચાઈ જાણીને પણ આપણને ઘણો દિલાસો મળે છે. તેમ જ, જીવવાનો ઉમંગ ભરી દે છે.

હા, આપણે પૂરી ખાતરી રાખી શકીએ કે નજીકના ભવિષ્યમાં આપણા જીવનદાતા યહોવાહ પરમેશ્વર, મરણનું નામનિશાન મિટાવી દેશે. કેટલો મોટો આશીર્વાદ હશે! ત્યારે આપણે સર્વ કહીશું: “અરે મરણ, તારો જય ક્યાં? અરે મરણ, તારો ડંખ ક્યાં?”—૧ કોરીંથી ૧૫:૫૫.

[ફુટનોટ્‌સ]

^ બાઇબલ મરણ વિષે અહીં પહેલી વાર ઉલ્લેખ કરે છે.

^ ખંડણીની કિંમત સંપૂર્ણ માનવ જીવન હતું. કેમ કે આદમે એ જ ગુમાવ્યું હતું. પહેલાં તેણે પાપ કર્યું. પછી બધા જ માણસોમાં એ પ્રસર્યું. તેથી, કોઈ અપૂર્ણ માણસ ખંડણી તરીકે પોતાનું બલિદાન આપી શકે નહિ. તેથી, પરમેશ્વરે એ માટે સ્વર્ગમાંથી પોતાના દીકરાને મોકલ્યો. (ગીતશાસ્ત્ર ૪૯:૭-૯) આ વિષે વધુ જાણવા માટે જ્ઞાન જે અનંતજીવન તરફ દોરી જાય છે પુસ્તકનું સાતમું પ્રકરણ જુઓ. આ પુસ્તક યહોવાહના સાક્ષીઓએ બહાર પાડ્યું છે.

[પાન ૫ પર ચિત્ર]

આદમ અને હવાએ પરમેશ્વરની આજ્ઞા તોડી એના લીધે મરણ આવ્યું

[પાન ૬ પર ચિત્ર]

ઈસુએ મરણ પામેલી છોકરીનો હાથ પકડ્યો અને તે જીવતી થઈ

[પાન ૭ પર ચિત્ર]

ઘણા લોકો એવા સમયની રાહ જોઈ રહ્યા છે જ્યારે તેમના ગુજરી ગયેલા પ્રિયજનો લાજરસની જેમ ઊંઘમાંથી જાગશે