સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું તમે ઈશ્વરનું ગૌરવ પ્રગટ કરો છો?

શું તમે ઈશ્વરનું ગૌરવ પ્રગટ કરો છો?

શું તમે ઈશ્વરનું ગૌરવ પ્રગટ કરો છો?

‘આપણે પ્રભુના ગૌરવને પ્રતિબિંબિત કરીએ છીએ.’—૨ કોરીંથી ૩:૧૮, પ્રેમસંદેશ.

૧. મુસાએ શું જોયું અને ત્યાર પછી શું બન્યું?

 કોઈ પણ માણસને કદી એવું ભવ્ય દર્શન થયું ન હતું. મુસા સિનાય પર્વતના શિખરે એકલા હતા ત્યારે તેમની એક અસામાન્ય વિનંતી મંજૂર કરવામાં આવી. ત્યાં તેમને યહોવાહનું ગૌરવ જોવાની તક મળી. મુસા સિવાય કોઈએ એવું અનુભવ્યું ન હતું! ખરું કે મુસાએ યહોવાહને સીધેસીધા જોયા ન હતા. કેમ કે કોઈ માણસ ઈશ્વરનું ભવ્ય ગૌરવ જોઈને જીવતો રહી શકતો નથી. એને બદલે, યહોવાહે મુસાનું રક્ષણ કરવા માટે પોતાના ‘હાથથી તેમને ઢાંકી’ દીધા અને પછી એક સ્વર્ગદૂત દ્વારા તે ત્યાંથી પસાર થયા. પસાર થયા પછી યહોવાહે પોતાનો હાથ હટાવી લીધો જેથી મુસા પાછળથી તેમના ગૌરવની નાની ઝલક જોઈ શકે. એ વખતે યહોવાહે એક સ્વર્ગદૂત દ્વારા મુસા સાથે વાત પણ કરી. આ બનાવ પછી શું થયું એ જણાવતા બાઇબલ કહે છે: ‘અને એમ થયું કે મુસા પર્વત પરથી ઊતર્યો, ત્યારે તેનો ચહેરો યહોવાહની સાથે વાત કર્યાને લીધે પ્રકાશતો હતો.’—નિર્ગમન ૩૩:૧૮–૩૪:૭, ૨૯.

૨. પ્રેરિત પાઊલે ખ્રિસ્તીઓ વિષે શું લખ્યું?

કલ્પના કરો કે તમે મુસા સાથે એ પર્વત પર છો. યહોવાહનું ગૌરવ જોઈને તેમની સાથે વાત કરવાનો કેવો મોટો આશીર્વાદ! અરે, મુસા સાથે પર્વત પરથી નીચે ઊતરવાનો પણ કેવો મોટો લહાવો!, કેમ કે ઈશ્વરે મુસા દ્વારા ઈસ્રાએલી પ્રજાને નિયમકરાર આપ્યો હતો. પરંતુ, શું તમે જાણો છો કે આજે સાચા ખ્રિસ્તીઓ અમુક રીતે મુસાથી પણ વધારે સારી રીતે ઈશ્વરનું ગૌરવ પ્રગટ કરે છે? એ હકીકત પ્રેરિત પાઊલના પત્રમાં જોવા મળે છે. તેમણે લખ્યું કે સ્વર્ગમાં જવા પસંદ થયેલા અભિષિક્ત ખ્રિસ્તીઓ અરીસાની જેમ ‘પ્રભુના ગૌરવને પ્રતિબિંબિત’ કરે છે. (૨ કોરીંથી ૩:૭, ૮, ૧૮, પ્રેમસંદેશ) અભિષિક્ત ખ્રિસ્તીઓની જેમ, પૃથ્વી પર સદા રહેવાની આશા રાખનારા ખ્રિસ્તીઓ પણ અમુક હદ સુધી ઈશ્વરનું ગૌરવ પ્રગટ કરે છે.

ખ્રિસ્તીઓ કઈ રીતે ઈશ્વરનું ગૌરવ પ્રગટ કરે છે?

૩. આપણે કઈ રીતે યહોવાહને મુસા કરતાં વધારે સારી રીતે ઓળખી શકીએ છીએ?

આપણે કઈ રીતે ઈશ્વરનું ગૌરવ પ્રગટ કરીએ છીએ? ભલે આપણે મુસાની જેમ ઈશ્વરનું ગૌરવ જોયું નથી, તેમની સાથે વાત પણ નથી કરી. પરંતુ આપણે યહોવાહને એવી રીતે ઓળખીએ છીએ જે રીતે મુસાએ કદીયે ઓળખ્યા ન હતા. મુસાના મરણના આશરે ૧,૫૦૦ વર્ષ પછી, ઈસુ આપણા મુક્તિદાતા બનીને પૃથ્વી પર આવ્યા. તેથી, મુસાને ખબર જ ન હતી કે નિયમશાસ્ત્ર ઈસુમાં કઈ રીતે પૂરો થયો જેમણે આપણને પાપ અને મરણના પંજામાંથી મુક્ત કરવા પોતાના જીવનનું બલિદાન આપી દીધું. (રૂમી ૫:૨૦, ૨૧; ગલાતી ૩:૧૯) વધુમાં, મુસા અમુક હદ સુધી જ સમજી શક્યા કે ઈશ્વરનો ભવ્ય હેતુ શું છે ને કઈ રીતે તેમનું મસીહી રાજ્ય પૃથ્વીને ફરી સુંદર બનાવશે. આપણે યહોવાહને નરી આંખોથી જોઈ શકતા નથી, પણ આપણે વિશ્વાસની આંખોથી તેમનું ગૌરવ જોઈ શકીએ છીએ. આપણા એ વિશ્વાસનો આધાર બાઇબલનું શિક્ષણ છે. આપણે યહોવાહની વાણી કોઈ સ્વર્ગદૂત દ્વારા નહિ પરંતુ બાઇબલ દ્વારા સાંભળીએ છીએ. એ વાણી ખાસ કરીને સુવાર્તાના ચાર પુસ્તકોમાંથી સાંભળવા મળે છે. એ ચાર પુસ્તકો સુંદર રીતે ઈસુની સેવા અને શિક્ષણ વિષે જણાવે છે.

૪. (ક) અભિષિક્ત ખ્રિસ્તીઓ કઈ રીતે ઈશ્વરનું ગૌરવ પ્રગટ કરે છે? (ખ) ધરતી પર સદા જીવવાની આશા રાખનારા કઈ રીતે ઈશ્વરનું ગૌરવ પ્રગટ કરી શકે?

મુસાની જેમ આપણા ચહેરા પર યહોવાહનું ગૌરવ ચમકતું નથી. તોપણ, આપણે યહોવાહના ગુણગાન ગાઈએ ને સર્વને તેમના હેતુઓ વિષે જણાવીએ ત્યારે આપણો ચહેરો જરૂર ચમકે છે. આપણા જમાના વિષે પ્રબોધક યશાયાહે ભાખ્યું હતું કે ઈશ્વરના સેવકો ચોક્કસ તેમનો “મહિમા પ્રજાઓમાં પ્રગટ કરશે.” (યશાયાહ ૬૬:૧૯) વધુમાં, ૨ કોરીંથી ૪:૧, ૨ કહે છે: ‘અમને આ ધર્મસેવા સોંપેલી હોવાથી, અમે શરમ ભરેલી ગુપ્ત વાતોનો ઇનકાર કરીને કાવતરાં કરતા નથી, અને દેવની વાત પ્રગટ કરવામાં ઠગાઈ કરતા નથી; પણ સત્ય પ્રગટ કર્યાથી દેવની આગળ અમે પોતાના વિષે સર્વ માણસોનાં અંતઃકરણમાં ખાતરી કરી આપીએ છીએ.’ અહીંયા પાઊલ ખાસ કરીને અભિષિક્ત ખ્રિસ્તીઓ વિષે વાત કરતા હતા જેઓ “નવા કરારના સેવકો” છે. (૨ કોરીંથી ૩:૬) તેઓની સેવાએ લાખો લોકોને અસર કરી છે, જેઓ હવે આ ધરતી પર સદા સુખચેનમાં જીવવાની આશા રાખે છે. આજે યહોવાહના સર્વ સેવકો ફક્ત શિક્ષણથી જ નહિ, પણ કામોથી યહોવાહનું ગૌરવ પ્રગટ કરે છે. અરીસાની જેમ મહાન ઈશ્વરનું ગૌરવ પ્રતિબિંબ કરવું ફક્ત જવાબદારી જ નહિ, પણ એક લહાવો છે!

૫. આપણી સફળતા કઈ સાબિતી આપે છે?

ઈસુએ કહ્યું હતું તેમ, આજે યહોવાહના રાજ્યના સુસમાચાર આખી દુનિયામાં ફેલાય રહ્યા છે. (માત્થી ૨૪:૧૪) સર્વ દેશો, જાતિ અને ભાષાના અનેક લોકોએ આ સુસમાચાર સાંભળ્યા છે અને યહોવાહની સેવા કરવા માટે જીવનને સાવ બદલી નાખ્યું છે. (રૂમી ૧૨:૨; પ્રકટીકરણ ૭:૯) પ્રથમ સદીના ખ્રિસ્તીઓની જેમ, તેઓએ જે જોયું તથા સાંભળ્યું, એ વિષે બીજાઓને કહ્યા વગર રહી શકતા નથી. (પ્રેરિતોનાં કૃત્યો ૪:૨૦) આજે ૬૦ લાખથી વધારે લોકો ઈશ્વરનું ગૌરવ પ્રગટ કરે છે. માણસજાતની શરૂઆતથી કદીયે આટલી મોટી સંખ્યામાં લોકોએ ઈશ્વરનું ગૌરવ પ્રગટ કર્યું નથી. શું તમે આ લોકોમાંના એક છો? ઈશ્વરભક્તોની આ સફળતા બતાવે છે કે યહોવાહનો આશીર્વાદ અને રક્ષણ તેઓ પર છે. આજે દુનિયાના શક્તિશાળી દુશ્મનો આપણી સામે લડી રહ્યા છે. એ બતાવે છે કે યહોવાહનું રક્ષણ સાચે જ આપણા પર છે. ચાલો આપણે એના વિષે વધુ જોઈએ.

ઈશ્વરના લોકોને ચૂપ નહિ કરી શકાય

૬. યહોવાહના પક્ષમાં સાક્ષી આપવી કેમ વિશ્વાસ અને હિંમત માગી લે છે?

ધારો કે તમને અદાલતમાં કોઈ ગુનેગાર સામે સાક્ષી આપવા બોલાવવામાં આવે છે. તમે જાણો છો કે એ ગુનેગાર મોટી ગુંડા ટોળીનો બૉસ છે. તમને ચૂપ રાખવા તે કંઈ પણ કરી શકે છે. આ ગુનેગાર સામે સાક્ષી આપવી ખૂબ હિંમત માગી લે છે. સાથે સાથે, ભરોસો પણ માગી લે છે કે કાયદો ગુનેગારથી તમારું રક્ષણ કરશે. આપણે આવી જ પરિસ્થિતિમાં છીએ. યહોવાહ અને તેમના હેતુઓ વિષે સાક્ષી આપીને આપણે શેતાનને ખૂની જાહેર કરીએ છીએ. સાથે સાથે આપણે સાબિત કરીએ છીએ કે તે આખા જગતને ભમાવે છે. (યોહાન ૮:૪૪; પ્રકટીકરણ ૧૨:૯) યહોવાહના પક્ષમાં અને શેતાનની વિરુદ્ધ સાક્ષી આપવી ખૂબ વિશ્વાસ અને હિંમત માગી લે છે.

૭. શેતાન કેટલો શક્તિશાળી છે અને તે શું કરવા કોશિશ કરે છે?

ખરું કે યહોવાહ સર્વોપરી છે. તેમની શક્તિનો કોઈ પાર નથી. તેમની સામે શેતાન કંઈ જ નથી. તોપણ, આપણે ખાતરી રાખી શકીએ કે યહોવાહ ફક્ત રક્ષણ કરવાનો દાવો જ નથી કરતા, પણ પોતાના વફાદાર ભક્તોનું રક્ષણ પણ કરે છે. (૨ કાળવૃત્તાંત ૧૬:૯) શેતાન તેના જેવા બીજા દુષ્ટ દૂતોનો રાજા છે. દુનિયામાં જેઓ ઈશ્વરથી દૂર છે, તેઓ પર પણ શેતાન રાજ કરે છે. (માત્થી ૧૨:૨૪, ૨૬; યોહાન ૧૪:૩૦) આ ધરતી સિવાય શેતાન બીજે ક્યાંય જઈ શકતો નથી. તેથી, તે “ઘણો કોપાયમાન થયો છે.” તે યહોવાહના સેવકો પર ક્રૂર સતાવણી લાવે છે. દુનિયાના લોકોનો ઉપયોગ કરીને તે આપણને ચૂપ કરવાની કોશિશ કરે છે જેથી આપણે પ્રચાર કરી ન શકીએ. (પ્રકટીકરણ ૧૨:૭-૯, ૧૨, ૧૭) તે આ કઈ રીતે કરે છે? ઓછામાં ઓછી ત્રણ રીતોથી.

૮, ૯. શેતાન લોકોને કેવી બાબત પાછળ ખેંચે છે અને આપણે શા માટે સારી સોબત પસંદ કરવી જોઈએ?

શેતાનની પહેલી રીત એ છે કે તે રોજબરોજની ચિંતાઓથી આપણું ધ્યાન ફંટાવવા કોશિશ કરે છે. આ છેલ્લા દિવસોમાં લોકો પૈસાપ્રેમી છે, પોતાનો જ વિચાર કરે છે અને મોજશોખ પાછળ પડ્યા છે. તેઓ ઈશ્વરને ચાહતા નથી. (૨ તીમોથી ૩:૧-૪) લોકો રોજબરોજની બાબતોમાં એટલા બધા ડૂબેલા છે કે આપણે તેઓને સુસમાચાર જણાવીએ ત્યારે ‘તેઓ સમજતા’ નથી. તેઓને બાઇબલમાંથી સત્ય શીખવાનો કોઈ રસ જ નથી. (માત્થી ૨૪:૩૭-૩૯) તેઓનું આવું વલણ આપણને પણ અસર કરી શકે. જો આપણે એમાં ફસાઈ જઈશું તો ઈશ્વરની સેવામાં ઢીલા પડી જઈશું. જો આપણે નવી નવી ચીજ-વસ્તુઓ અને મોજ-શોખ પાછળ દોડીશું તો ઈશ્વર માટેનો આપણો પ્રેમ ઠંડો પડી જશે.—માત્થી ૨૪:૧૨.

આ કારણને લીધે, ખ્રિસ્તીઓએ પોતાની સોબત વિષે ધ્યાન રાખવું જોઈએ. સુલેમાને કહ્યું: “જો તું જ્ઞાની પુરુષોની સંગત કરશે, તો તું જ્ઞાની થશે, પણ જે મૂર્ખનો સાથી છે તેને નુકસાન થશે.” (નીતિવચનો ૧૩:૨૦) ચાલો આપણે એવા લોકોની ‘સંગત’ રાખીએ જેઓ ઈશ્વરનું ગૌરવ પ્રગટ કરે છે. એ કરવામાં આપણને કેટલો આનંદ આવે છે! મંડળના ભાઈ-બહેનો સાથે સભામાં કે કોઈ પણ સમયે ભેગા મળીએ ત્યારે આપણને તેઓના વિશ્વાસ, પ્રેમ, ડહાપણ અને આનંદથી ઉત્તેજન મળે છે. આવી સારી સોબતથી આપણને ઈશ્વરની સેવામાં અડગ રહેવાની શક્તિ મળે છે.

૧૦. શેતાન કઈ રીતે ઈશ્વરનું ગૌરવ પ્રગટ કરનારા સામે ઠઠ્ઠા-મશ્કરીનું હથિયાર વાપરે છે?

૧૦ શેતાનની બીજી રીત એ છે કે તે ઠઠ્ઠા-મશ્કરી દ્વારા આપણને રોકવા કોશિશ કરે છે, જેથી આપણે ઈશ્વરનું ગૌરવ પ્રગટ ન કરીએ. પણ એનાથી આપણને નવાઈ ન લાગવી જોઈએ. ઈસુ પૃથ્વી પર હતા ત્યારે, લોકોએ તેમની મશ્કરી કરી, હાંસી ઉડાવી, અપમાન કર્યું અને તેમના પર થૂંક્યા. (માર્ક ૫:૪૦; લુક ૧૬:૧૪; ૧૮:૩૨) પ્રથમ સદીમાં લોકોએ ખ્રિસ્તીઓની ઘણી મશ્કરી કરી. (પ્રેરિતોનાં કૃત્યો ૨:૧૩; ૧૭:૩૨) આજે પણ યહોવાહના સેવકોને આવી ઠઠ્ઠા-મશ્કરી સહન કરવી પડે છે. પ્રેરિત પીતરની જેમ આપણી પર પણ જૂઠા પ્રબોધકો હોવાનો આરોપ મૂકવામાં આવે છે. પીતરે લખ્યું, ‘છેલ્લા સમયમાં ઠઠ્ઠા કરનારા આવશે, જેઓ પોતાની દુર્વાસના પ્રમાણે ચાલશે, અને કહેશે, કે તેના આગમનના વચનનું શું થયું છે? કેમ કે ઉત્પત્તિના આરંભમાં સઘળું જેવું હતું તેવું જ રહે છે.’ (૨ પીતર ૩:૩, ૪) લોકો આપણી મશ્કરી કરીને કહે છે કે આપણે સપનાની દુનિયામાં જીવી રહ્યા છીએ. તેઓ કહે છે કે બાઇબલના નીતિ-નિયમો તો સાવ જૂના થઈ ગયા છે. ઘણા લોકોને લાગે છે કે આપણે જે સંદેશો પ્રચાર કરીએ છીએ એ મૂર્ખતા છે. (૧ કોરીંથી ૧:૧૮, ૧૯) આપણે સ્કૂલે, નોકરી પર અને અમુક વખતે કુટુંબમાંથી મશ્કરી સહન કરવી પડે છે. તેમ છતાં, આપણે પ્રચાર કામ દ્વારા યહોવાહનું ગૌરવ પ્રગટ કરતા રહીએ છીએ. કેમ કે ઈસુની જેમ આપણે જાણીએ છીએ કે ઈશ્વરનું વચન સત્ય છે.—યોહાન ૧૭:૧૭.

૧૧. ખ્રિસ્તીઓને ચૂપ કરવા માટે શેતાન તેઓ પર કેવી સતાવણી લાવે છે?

૧૧ આપણને ચૂપ કરવાની શેતાનની ત્રીજી રીત છે, વિરોધ કે સતાવણી. ઈસુએ તેમના શિષ્યોને કહ્યું: “ત્યારે તેઓ તમને વિપત્તિમાં નાખશે, ને તમને મારી નાખશે, ને મારા નામને લીધે સર્વ પ્રજાઓ તમારો દ્વેષ કરશે.” (માત્થી ૨૪:૯) દુનિયાના ઘણા દેશોમાં યહોવાહના સાક્ષીઓએ ક્રૂર સતાવણી સહેવી પડી છે. આપણને ખબર છે કે હજારો વર્ષો પહેલાં, યહોવાહે કહ્યું હતું કે શેતાનના ચેલાઓ અને ઈશ્વરભક્તો એકબીજાના દુશ્મન બનશે. (ઉત્પત્તિ ૩:૧૫) સતાવણીમાં યહોવાહને વળગી રહેવાથી આપણે પૂરી સાબિતી આપીએ છીએ કે યહોવાહ જ વિશ્વના રાજા છે. આ હકીકત નજર સામે રાખીને આપણે ગમે એવા ખરાબ સંજોગોમાં પણ હિંમતવાન રહી શકીએ છીએ. જો આપણે પાક્કો નિર્ણય લઈએ કે આપણે હંમેશાં ઈશ્વરનું ગૌરવ પ્રગટ કરતા રહીશું, તો કોઈ પણ સતાવણી આપણને હંમેશ માટે ચૂપ કરી શકશે નહિ.

૧૨. શેતાનના વિરોધ છતાં આપણે યહોવાહને વળગી રહીએ છીએ ત્યારે શા માટે ખુશ થવું જોઈએ?

૧૨ શું તમે દુનિયાની લાલચોથી દૂર રહો છો? શું તમે સતાવણી અને મશ્કરી સમયે યહોવાહને વળગી રહો છો? જો એમ હોય, તો તમને ખુશ થવાને કારણ છે. ઈસુએ તેમના પગલે ચાલનારાને પૂરી ખાતરી આપતા કહ્યું: “જ્યારે લોક તમારી નિંદા કરશે, ને પૂઠે લાગશે, ને મારે લીધે તમારી વિરૂદ્ધ તરેહ તરેહની ભૂંડી વાત અસત્યતાથી કહેશે, ત્યારે તમને ધન્ય છે. તમે આનંદ કરો તથા ઘણા હરખાઓ; કેમ કે આકાશમાં તમારો બદલો મોટો છે; કેમ કે તમારી અગાઉના પ્રબોધકોની પૂઠે તેઓ એમ જ લાગ્યા હતા.” (માત્થી ૫:૧૧, ૧૨) તમારી ધીરજ સાબિતી આપે છે કે યહોવાહનો પવિત્ર આત્મા કે શક્તિ તમારા પર છે. એ તમને તેમનું ગૌરવ પ્રગટ કરવા મદદ કરે છે.—૨ કોરીંથી ૧૨:૯.

યહોવાહ ધીરજ બતાવવાની શક્તિ આપે છે

૧૩. પ્રચાર કામમાં લાગુ રહેવાનું મુખ્ય કારણ શું છે?

૧૩ આપણે પ્રચાર કામમાં લાગુ રહીએ છીએ કેમ કે આપણે યહોવાહને ચાહીએ છીએ અને તેમનું ગૌરવ પ્રગટ કરવા ખુશ થઈએ છીએ. માણસ સામાન્ય રીતે જે વ્યક્તિને ચાહે છે અને માન આપે છે, તેમના જેવા જ બનવાની કોશિશ કરે છે. આપણા માટે તો યહોવાહ પરમેશ્વરથી ઉત્તમ બીજું કોઈ નથી કે જેને અનુસરવું જોઈએ. યહોવાહે મહાન પ્રેમને લીધે પોતાના પુત્રને પૃથ્વી પર મોકલ્યો જેથી તે સત્ય વિષે સાક્ષી આપે અને માણસજાતમાંથી જેઓ તેમનું સાંભળે તેઓને તારણ મળે. (યોહાન ૩:૧૬; યોહાન ૧૮:૩૭) ઈશ્વરની જેમ, આપણે પણ ચાહીએ છીએ કે સર્વ જાતિના લોકો પસ્તાવો કરે અને તારણ મેળવે. આ કારણને લીધે આપણે પ્રચાર કરીએ છીએ. (૨ પીતર ૩:૯) આ તમન્‍ના સાથે આપણે ઈશ્વરનો દાખલો અનુસરવા ચાહીએ છીએ. આ પ્રેરણાથી આપણે પ્રચાર કામમાં તેમનું ગૌરવ પ્રગટ કરતા રહી શકીએ.

૧૪. પ્રચાર કામમાં ધીરજથી લાગુ રહેવા માટે યહોવાહ આપણને કઈ રીતે શક્તિ આપે છે?

૧૪ પ્રચાર કામમાં લાગુ રહેવાની શક્તિ ફક્ત યહોવાહ જ આપે છે. તે પોતાના શક્તિ, સંસ્થા અને તેમના વચન બાઇબલ દ્વારા આપણને માર્ગદર્શન આપે છે. જેઓ તેમનું ગૌરવ પ્રગટ કરવા ચાહે છે તેઓને તે “ધીરજ” આપે છે. તે આપણી પ્રાર્થનાનો જવાબ આપે છે અને કસોટીઓ સહન કરવા માટેની બુદ્ધિ આપે છે. (રૂમી ૧૫:૬; યાકૂબ ૧:૫) વધુમાં, યહોવાહ આપણા પર એવી કોઈ કસોટી આવવા નહિ દે જે સહન કરવી આપણા માટે અશક્ય હોય. જો આપણે યહોવાહ પર ભરોસો રાખીએ તો તે કસોટીમાંથી માર્ગ બતાવશે ને આપણે તેમનું ગૌરવ પ્રગટ કરતા રહી શકીશું.—૧ કોરીંથી ૧૦:૧૩.

૧૫. ધીરજ બતાવવા માટે આપણને શું મદદ કરે છે?

૧૫ પ્રચાર કામમાં ધીરજ બતાવતા રહેવું, એ સાબિત કરે છે કે યહોવાહનો આશીર્વાદ આપણા પર છે. દાખલા તરીકે: માની લો કે કોઈ તમને ઘરે ઘરે એક ખાસ પ્રકારની બ્રેડ મફત વહેંચવા કહે છે. તેઓ તમને કહે કે તમારે આ કામ સ્વ-ખર્ચે અને તમારા સમયે કરવાનું છે. તમે એ કામ કરવા લાગો ત્યારે તમને ખબર પડે છે કે સાવ થોડા જ લોકોને એ રોટલી જોઈએ છે. અરે, અમુક તો તમારા રોટલી વહેંચવાના કામનો વિરોધ પણ કરે છે. આવા સંજોગોમાં શું તમે આ કામ મહિનાઓ સુધી, વર્ષો સુધી કર્યે રાખશો? કદાચ નહિ. તેમ છતાં, હવે વિચારો કે તમે પોતાના સમયે અને ખર્ચે વર્ષોથી રાજ્યની ખુશખબરી ફેલાવી રહ્યા છો. કેમ? શું એનું કારણ એ નથી કે તમે યહોવાહને ચાહો છો અને તેમના કામમાં લાગુ રહેવા માટે તેમણે તમને શક્તિ અને આશીર્વાદ આપ્યો છે? હા, જરૂર!

આપણું કામ હંમેશાં યાદ રહેશે

૧૬. ધીરજથી પ્રચાર કરતા રહેવાથી આપણને અને બીજાઓને કેવો લાભ થશે?

૧૬ નવા કરાર માટેની સેવા એક અનમોલ ભેટ છે. (૨ કોરીંથી ૪:૭) તેમ જ, જગતભરમાં બીજાં ઘેટાં જે સેવા કરી રહ્યા છે એ પણ એક ખજાનો છે. તમે ધીરજથી તમારી સેવા કરતા રહો છો ત્યારે, ‘પોતાને તેમ જ તમારાં સાંભળનારાંઓને પણ બચાવી’ શકશો, જેમ પાઊલે તીમોથીને લખ્યું હતું. (૧ તીમોથી ૪:૧૬) જરા વિચારો કે આનો અર્થ શું થાય છે. તમે જે સુસમાચાર પ્રચાર કરો છો, એ લોકોને સદા માટે જીવવાની તક આપે છે. તમે જેઓને સત્ય શીખવો છો, તેઓ સાથે દોસ્તી બાંધી શકો છો. તમે જે લોકોને ઈશ્વર વિષે શીખવ્યું છે, તેઓ બધા તમારી સાથે નવી દુનિયામાં સદા માટે જીવશે. એ આનંદની કલ્પના કરો! ખરેખર, આ વ્યક્તિઓ કદી નહિ ભૂલે કે તમે તેઓ પાછળ કેટલી મહેનત કરી હતી! એનાથી આપણને કેટલો સંતોષ થશે!

૧૭. આપણે જે જમાનામાં જીવી રહ્યા છીએ એ કઈ રીતે ઇતિહાસનો અજોડ સમય છે?

૧૭ આપણે માનવ ઇતિહાસના એક અજોડ સમયમાં જીવી રહ્યા છીએ. પછી કદીયે ઈશ્વરથી દૂર થઈ ગયેલી દુષ્ટ દુનિયાને સુસમાચારનો પ્રચાર કરવામાં નહિ આવે. નુહ એવા જ જમાનામાં જીવ્યા હતા. એ દુનિયાનો અંત આવ્યો પણ નુહ બચી ગયા. તેમને એ જાણીને કેટલી ખુશી થઈ હશે કે તેમણે વહાણ બાંધવાની યહોવાહની ઇચ્છા વફાદારીથી પૂરી કરી, જેના લીધે તે અને તેમનું કુટુંબ બચી ગયા! (હેબ્રી ૧૧:૭) તમે પણ એવી જ ખુશી અનુભવી શકો છો. વિચાર કરો, નવી દુનિયામાં તમને કેવું લાગશે જ્યારે તમે એ કામોને યાદ કરશો જે છેલ્લા દિવસોમાં તમે કર્યા હતા. ઈશ્વરના રાજ્ય માટે તમે પૂરા દિલથી જે સેવા કરી હતી એ યાદ કરીને તમને કેટલો સંતોષ મળશે!

૧૮. યહોવાહ તેમના સેવકોને કઈ ખાતરી અને ઉત્તેજન આપે છે?

૧૮ તો પછી, ચાલો આપણે ઈશ્વરનું ગૌરવ પ્રગટ કરતા રહીએ. એ સેવા આપણે હંમેશાં યાદ કરીશું. યહોવાહ પણ આપણાં કામો યાદ કરશે. બાઇબલ આ ઉત્તેજન આપે છે: “દેવ તમારા કામને તથા તેના નામ પ્રત્યે તમે જે પ્રીતિ દેખાડી છે, અને સંતોની જે સેવા કરી છે, અને હજુ કરો છો, તેને વિસરે એવો અન્યાયી નથી. અને અમે અંતઃકરણપૂર્વક ઇચ્છા રાખીએ છીએ કે તમારામાંનો દરેક તમારી આશા પરિપૂર્ણ થવાને માટે, એવો જ ઉત્સાહ અંત સુધી દેખાડે; માટે તમે મંદ ન પડો, પણ જેઓ વિશ્વાસ તથા ધીરજથી વચનોના વારસ છે તેઓનું અનુકરણ કરો.”—હેબ્રી ૬:૧૦-૧૨.

તમે સમજાવી શકો?

• ખ્રિસ્તીઓ કઈ રીતે ઈશ્વરનું ગૌરવ પ્રગટ કરે છે?

• શેતાન કઈ રીતોથી ઈશ્વરના લોકોને ચૂપ કરવા કોશિશ કરે છે?

• કઈ સાબિતી છે કે ઈશ્વરનો આશીર્વાદ આપણા પર છે?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૧૫ પર ચિત્ર]

મુસાના ચહેરા પર ઈશ્વરનું ગૌરવ પ્રકાશતું હતું

[પાન ૧૬, ૧૭ પર ચિત્રો]

આપણે પ્રચારમાં ઈશ્વરનું ગૌરવ પ્રગટ કરીએ છીએ