સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ખ્રિસ્તના સૈનિક તરીકે મેં સહન કર્યું

ખ્રિસ્તના સૈનિક તરીકે મેં સહન કર્યું

મારો અનુભવ

ખ્રિસ્તના સૈનિક તરીકે મેં સહન કર્યું

યુરી કેપ્ટોલાના જણાવ્યા પ્રમાણે

“હવે મને ખાતરી થઈ કે તું ખરેખર ધાર્મિક છે!” એમ સોવિયત લશ્કરના એક અફસરે કહ્યું. જોકે મેં એવી આશા રાખી ન હતી કે તે આવું કંઈક કહેશે. અફસરે જે કહ્યું એનાથી મને ઘણું ઉત્તેજન મળ્યું. એ સમયે મને એની જ જરૂર હતી. હું લાંબા સમયથી જેલની સજા ભોગવી રહ્યો હતો. હું મદદ માટે યહોવાહને અવારનવાર પ્રાર્થના કરતો હતો. એ કપરા સંજોગોમાં ટકી રહેવા મને સહનશક્તિની અને દૃઢ રહેવાની બહુ જરૂર હતી.

મારો જન્મ ઑક્ટોબર ૧૯, ૧૯૬૨માં થયો હતો. મારો ઉછેર પશ્ચિમ યુક્રેનમાં થયો હતો. હું જનમ્યો એ જ વર્ષે, મારા પપ્પા યહોવાહના સાક્ષીઓને મળ્યા. મારા પપ્પાનું નામ પણ યુરી હતું. તેમણે તરત જ સત્ય સ્વીકારી લીધું. આમ, તે અમારા ગામમાં સૌથી પહેલા યહોવાહના સાક્ષી બન્યા. જોકે તેમનું કાર્ય, યહોવાહના સાક્ષીઓનો વિરોધ કરનારા અધિકારીઓના ધ્યાન બહાર ન હતું.

મોટા ભાગના અમારા પડોશીઓ મારા માબાપને ઘણું માન આપતા હતા. કેમ કે તેઓએ ખ્રિસ્તી ગુણો જીવનમાં ઉતાર્યા હતા તેમ જ બીજાઓની કાળજી પણ રાખતા હતા. હું અને મારી ત્રણ બહેનો બહુ નાના હતા ત્યારથી જ મારા માબાપે પરમેશ્વર માટેનો પ્રેમ અમારા દિલમાં ભર્યો હતો. એના લીધે જ, મને સ્કૂલમાં આવતી મુશ્કેલીઓનો સામનો કરવા મદદ મળી. જેમ કે, એક વાર ક્લાસમાં બધાને એક બૅજ પહેરીને આવવાનું કહેવામાં આવ્યું, એ બતાવતું હતું કે તેઓ ‘લેનિન કે ઑક્ટૂબર બાળક’ નામના યુવા સંઘના સભ્ય છે. પરંતુ, મારી ખ્રિસ્તી માન્યતાને લીધે મેં એ કાર્ડ પહેર્યું નહિ. તેથી, હું એકદમ અલગ તરી આવ્યો.—યોહાન ૬:૧૫; ૧૭:૧૬.

હું નવેક વર્ષનો હતો ત્યારે, બધા વિદ્યાર્થીઓ માટે સામ્યવાદી યુવા સંગઠનમાં જોડાવું ફરજિયાત હતું. આ સંગઠન યંગ પાયોનિયર્સ તરીકે ઓળખાતું. એક દિવસ આ સંગઠનમાં જોડાવાની વિધિ માટે અમારા ક્લાસને સ્કૂલના મેદાનમાં બહાર લઈ જવામાં આવ્યા. હું બહુ ડરતો હતો. મને ખબર હતી કે મારી મશ્કરી કરવામાં આવશે અથવા તો મને ઠપકો મળશે. મારા સિવાય બધા જ ઘરેથી લાલ રંગનો પાયોનિયર સ્કાફ લાવ્યા હતા. અમે સ્કૂલના આચાર્ય, શિક્ષકો અને સિનિયર વિદ્યાર્થીઓ સામે હરોળમાં ઊભા રહ્યા. સિનિયર વિદ્યાર્થીઓએ સ્કાફ વીંટાળવાનું કહ્યું ત્યારે, હું મારી ગરદન ઝુકાવીને નીચે જોવા લાગ્યો. મને એમ કે કોઈ મને જોશે નહિ.

દૂર જેલોમાં લઈ જવામાં આવ્યો

હું ૧૮ વર્ષનો હતો ત્યારે, મારી ખ્રિસ્તી માન્યતાને વળગી રહેવા માટે મને ત્રણ વર્ષ જેલની સજા થઈ. (યશાયાહ ૨:૪) પહેલું વર્ષ મેં યુક્રેનના વિનિટ્‌સકાયા જિલ્લાના ટ્રૂડોવાય ગામમાં કાઢ્યું. અહીં બીજા ૩૦ યહોવાહના સાક્ષીઓને હું મળ્યો. એકબીજાની સંગત ન રાખીએ એ માટે અધિકારીઓએ અમને બે-બેની જોડીમાં અલગ અલગ જગ્યાએ કામ કરવા મોકલી દીધા.

ઑગસ્ટ, ૧૯૮૨માં મને અને ઈડુઆર્ટી નામના ભાઈને બીજા કેદીઓ સાથે જેલ બનાવી દીધેલા ટ્રેનના ડબ્બામાં ઉત્તર યુરલ માઉન્ટન્ટમાં મોકલવામાં આવ્યા. અમે આઠ દિવસ આ ખીચોખીચ ભરેલા ડબ્બામાં કાઢ્યા. એમાંય ગરમીથી તો તોબાતોબા. આખરે, અમે પર્મસ્કાયા જિલ્લાના સોલીકામ્સક શહેરની જેલમાં આવ્યા. મને અને ઇડુઆર્ટીને જેલની અલગ અલગ કોટડીમાં મોકલવામાં આવ્યા. બે અઠવાડિયા પછી, મને ક્રાસનોવીસ્કી વિસ્તારના વ્યોલ્સ ગામમાં લઈ જવામાં આવ્યો.

મધરાતે ઘોર અંધકારમાં અમારું વાહન ત્યાં પહોંચ્યું. એક અફસરે અમારા સમૂહને હોડી દ્વારા નદી પાર કરવા કહ્યું. અમે તો નદી કે હોડી કંઈ જ જોઈ શકતા ન હતા! તેમ છતાં, આંધળાની જેમ અમે હોડી શોધી. અમને બહુ ડર લાગતો હતો છતાં, અમે નદી પાર કરી. બીજા કિનારે પહોંચ્યા પછી, અમે નજીકના ડુંગર પાસે દેખાતા પ્રકાશ તરફ ચાલવા લાગ્યા. ત્યાં અમને થોડા તંબૂઓ જોવા મળ્યા. આ અમારું નવું ઘર હતું. હું મોટા તંબૂમાં રહેતો હતો. એમાં બીજા ત્રીસેક કેદીઓ પણ હતા. શિયાળામાં તો અમારી હાલત ખરાબ થઈ જતી. તાપમાન ૪૦ સેલ્સિયસથી પણ નીચે ઊતરી જતું. તંબૂમાં અમને ઠંડીથી કંઈ ખાસ રક્ષણ મળતું ન હતું. કેદીઓનું મુખ્ય કામ વૃક્ષો કાપવાનું હતું. પરંતુ, મને કેદીઓ માટે ઝૂંપડાં બાંધવાનું કામ સોંપવામાં આવ્યું.

દૂર દૂરની એ છાવણીમાં આત્મિક ખોરાક પહોંચ્યો

એ છાવણીમાં હું એકલો જ યહોવાહનો સાક્ષી હતો; તોપણ, યહોવાહે મને છોડી દીધો ન હતો. પશ્ચિમ યુક્રેનમાં રહેતી મારી મમ્મીએ એક દિવસ મારા માટે પારસલ મોકલ્યું. સિપાઈએ પારસલ ખોલ્યું ત્યારે, સૌથી પહેલાં તેની નજર નાના બાઇબલ પર પડી. તે એના પાના ફેરવવા માંડ્યો. તે આ આત્મિક ખજાનો લઈ ન લે એ માટે હું તેને કંઈક કહેવાનું વિચારતો જ હતો. અચાનક તેણે પૂછ્યું, “આ શું છે?” હું વિચારીને જવાબ આપું એ પહેલાં જ નજીકમાં ઊભેલા ઇન્સ્પેક્ટરે કહ્યું: “અરે! આ તો ડિક્ષનરી છે.” હું મૂંગો રહ્યો. (સભાશિક્ષક ૩:૭) ઇન્સ્પેક્ટરે પારસલને આમતેમ ફંફોસ્યું. પછી બાઇબલ સાથે એ મને પાછું આપ્યું. હું એટલો ખુશ થઈ ગયો કે તેમને થોડો સૂકો મેવો પણ આપ્યો, જે મમ્મીએ મારા માટે મોકલ્યો હતો. હવે મારો વિશ્વાસ દૃઢ થયો કે યહોવાહે મને ભૂલી ગયા નથી. તેમણે ઉદારતાથી મારી આત્મિક જરૂરિયાતોની કાળજી રાખી છે.—હેબ્રી ૧૩:૫.

હિંમતથી પ્રચાર કરવો

થોડા મહિનાઓ પછી, મને એક ખ્રિસ્તી ભાઈ તરફથી પત્ર મળ્યો. મારી જેલથી ૪૦૦ કિલોમીટર દૂર આવેલી બીજી જેલમાંથી તેમણે એ લખ્યો હતો. એનાથી મને ઘણું આશ્ચર્ય થયું. તેમણે એક માણસ વિષે લખ્યું હતું કે જેણે બાઇબલ સત્યમાં રસ બતાવ્યો હતો. હવે એ કદાચ મારી છાવણીમાં હતો. જોકે, આ રીતે પત્ર લખવો બિલકુલ સારું ન હતું. કેમ કે અમને આપતા પહેલાં અધિકારીઓ એને વાંચતા હતા. આખરે એમ જ થયું. એક અધિકારીએ મને તેની ઑફિસમાં બોલાવ્યો અને પ્રચાર ન કરવા કડક ચેતવણી આપી. પછી તેમણે એક દસ્તાવેજ પર સહી કરવા કહ્યું, જેના પર લખ્યું હતું કે હું મારી માન્યતા વિષે બીજાઓને જણાવીશ નહિ. મેં કહ્યું, ‘હું સમજી શકતો નથી કે મારે શા માટે આવા દસ્તાવેજ પર સહી કરવી જોઈએ. મોટા ભાગના લોકો તો જાણે છે કે હું યહોવાહનો એક સાક્ષી છું.’ મેં એમ પણ કહ્યું કે બીજા કેદીઓ મને પૂછે કે મેં શું ગુનો કર્યો છે તો, મારે તેઓને શું કહેવું? (પ્રેરિતોનાં કૃત્યો ૪:૨૦) અધિકારીને લાગ્યું કે તે મને ડરાવી ધમકાવી શકશે નહિ, તેથી તેણે મને બીજી છાવણીમાં મોકલી દીધો.

મને ૨૦૦ કિલોમીટર દૂર આવેલા વાયા ગામમાં મોકલવામાં આવ્યો. ત્યાંના અધિકારીઓ મારી ખ્રિસ્તી માન્યતાને માન આપતા હતા. આથી, તેઓએ મને લશ્કરને લગતું ન હોય એવું કામ આપ્યું. પહેલા મને સુથારી કામ અને પછી ઇલેક્ટ્રિશિયનનું કામ સોંપવામાં આવ્યું. પરંતુ આ કામમાં પણ એક મુશ્કેલી આવી. એક દિવસે, મને મારા સાધનો લઈને ગામની ક્લબમાં જવાનું કહેવામાં આવ્યું. હું ત્યાં ગયો ત્યારે ક્લબના સૈનિકો ખુશ થઈ ગયા. તેઓએ લશ્કરના અમુક પ્રતીકોને લાઈટોથી શણગાર્યા હતા. પણ એ બરાબર ચાલતી ન હતી. તેઓ ઇચ્છતા હતા કે હું તેઓને મદદ કરું, કારણ કે તેઓ ‘રેડ આર્મી ડેʼની વાર્ષિક ઉજવણીની તૈયારી કરી રહ્યા હતા. તેઓને મદદ કરવી કે નહિ, એ વિષે પ્રાર્થનાપૂર્વક વિચારીને મેં તેઓને કહ્યું, ‘હું આ પ્રકારનું કામ કરી શકતો નથી.’ હું તેઓને મારા સાધનો આપીને ત્યાંથી જતો રહ્યો. તેઓએ ડેપ્યુટી ડાયરેક્ટરને ફરિયાદ કરી. પણ તેમણે મારી વિરુદ્ધ ફરિયાદ સાંભળીને કહ્યું: “હું એ માટે તેને માન આપું છું. એ એક સિદ્ધાંતવાદી માણસ છે.” આ સાંભળીને મને ઘણું આશ્ચર્ય થયું.

અચાનક મળેલું ઉત્તેજન

જૂન ૮, ૧૯૮૪માં ત્રણ વર્ષ પછી મને મુક્ત કરવામાં આવ્યો. હું યુક્રેન પાછો ગયો. ત્યાં મારે સેનાદળમાં જઈને નોંધણી કરાવવાની હતી કે હું અગાઉ કેદ ભોગવી ચૂક્યો છું. ત્યાંના અફસરોએ મને કહ્યું કે છ મહિના પછી ફરી તારા પર મુકદમો ચલાવવામાં આવશે. આથી તું આ રાજ્ય છોડીને જતો રહે એમાં જ ભલાઈ છે. હું યુક્રેઈન છોડીને લાટવીઆ ચાલ્યો ગયો. ત્યાં મને નોકરી પણ મળી ગઈ. થોડો સમય મેં યહોવાહના સાક્ષીઓના નાના ગ્રૂપ સાથે પ્રચાર કર્યો કે જેઓ લાટવીઆના પાટનગર રીગાની આસપાસ રહેતા હતા. તેમ છતાં, એક વર્ષ પછી મને ફરીથી લશ્કરમાં જોડાવા બોલાવવામાં આવ્યો. લશ્કરી ભરતી ઑફિસમાં, મેં અફસરને જણાવ્યું કે મેં પહેલાં પણ લશ્કરી સેવા માટે ના પાડી હતી. તે બરાડીને કહેવા લાગ્યો: “તું શું કરી રહ્યો છે એનું તને ભાન છે કે નહિ? હવે જોઉં છું કે તું લેફ્ટનન્ટ કર્નલને જઈને શું કહીશ!”

તે મને બીજા માળે લેફ્ટનન્ટ કર્નલ પાસે લઈ ગયો. મેં મારા તટસ્થ સ્થાન વિષે સમજાવ્યું ત્યારે તેમણે ધ્યાનથી મારું સાંભળ્યું. ત્યાર પછી મને કહ્યું કે તું લશ્કરમાં ભરતી કરનાર કમિટીને મળે એ પહેલાં ફરી વાર વિચાર કરી શકે છે. અમે લેફ્ટનન્ટ કર્નલની ઑફિસમાંથી બહાર આવ્યા ત્યારે, મને શરૂઆતમાં ઠપકો આપનાર અફસરે કહ્યું: “હવે મને ખાતરી થઈ ગઈ કે તું ખરેખર ધાર્મિક છે.” હું લશ્કરી કમિટી પાસે ગયો ત્યારે, મેં મારા તટસ્થ સ્થાન વિષે ફરી જણાવ્યું. તેઓએ મને જવા દીધો.

એ સમયે હું હોસ્ટેલમાં રહેતો હતો. એક સાંજે કોઈએ મારો દરવાજો ખખડાવ્યો. મેં દરવાજો ખોલ્યો તો એક માણસ સૂટ-બૂટમાં બ્રિફકેસ લઈને ઊભો હતો. તેણે મને કહ્યું: “હું સ્ટેટ સિક્યોરીટીમાંથી આવું છું. મને ખબર છે કે તું મુશ્કેલીમાં છે અને તારા પર મુકદમો ચાલવાનો છે.” મેં કહ્યું, “હા, મને એ ખબર છે.” તે માણસે કહ્યું, “જો તું અમારું એક કામ કરી આપે તો અમે તને મદદ કરવા તૈયાર છીએ.” મેં કહ્યું, “ના, એ તો જરાય શક્ય નથી. હું મારા વિશ્વાસમાંથી કદી ડગીશ નહિ.” તેણે મને કંઈ વધારે સમજાવ્યું નહિ. મને મનાવ્યા વગર તે ત્યાંથી જતો રહ્યો.

પાછો જેલમાં, ફરીથી પ્રચાર કરવો

ઑગસ્ટ ૨૬, ૧૯૮૬માં રીગાની રાષ્ટ્રીય અદાલતે મને ચાર વર્ષની સખત કેદની સજા કરી. મને રીગા સેન્ટ્રલ જેલમાં લઈ જવામાં આવ્યો. મને એક કોટડીમાં પૂરવામાં આવ્યો, જ્યાં બીજા ૪૦ કેદીઓ પણ હતા. મેં કોટડીના દરેક કેદીને પ્રચાર કર્યો. કેટલાક કેદીઓ પરમેશ્વરમાં માનતા હતા; જ્યારે કે બીજાઓએ મારી ઠેકડી ઉડાવી. એક દિવસ મેં જોયું કે બધા કેદીઓ જેલમાં અલગ અલગ જૂથોમાં એકઠા મળ્યા હતા. બે અઠવાડિયા પછી એ જૂથોના આગેવાનોએ મને કહ્યું કે મારે તેઓને પ્રચાર કરવો નહિ. કેમ કે હું તેઓએ બનાવેલા નિયમો પ્રમાણે કરતો ન હતો. મેં તેઓને સમજાવ્યું કે એ માટે તો મને જેલની સજા થઈ છે કેમ કે હું અલગ નિયમો પ્રમાણે જીવું છું.

હું છાનીછૂપી રીતે પ્રચાર કરતો રહ્યો. હું એવા ઘણા કેદીઓને મળ્યો જેઓને ધર્મમાં રસ હતો. ચાર વ્યક્તિઓ સાથે મેં બાઇબલ અભ્યાસ પણ શરૂ કર્યો. અમારી ચર્ચા દરમિયાન, તેઓ બાઇબલનું પાયારૂપ શિક્ષણ નોટબુકમાં લખી લેતા. થોડા મહિનાઓ પછી, મને વધારે સુરક્ષિત વ્યાલમીઆરા જેલમાં મોકલવામાં આવ્યો. અહીં હું ઇલેક્ટ્રિશિયન તરીકે કામ કરતો હતો. મેં બીજા એક ઇલેક્ટ્રિશિયન સાથે બાઇબલ અભ્યાસ શરૂ કર્યો. તે ચાર વર્ષ પછી યહોવાહનો સાક્ષી બન્યો.

માર્ચ ૨૪, ૧૯૮૮માં મને એ સુરક્ષિત જેલ નજીકની વસાહતમાં મોકલવામાં આવ્યો. એ મારા માટે એક આશીર્વાદ હતો, કેમ કે એનાથી મને પ્રચાર કરવાની વધારે સ્વતંત્રતા મળી. મને અલગ અલગ બાંધકામ જગ્યાઓએ કામ સોંપવામાં આવ્યું. હું હંમેશાં પ્રચાર કરવાની તક ઝડપી લેતો. અવારનવાર, હું વસાહતની દૂર, સાંજ સુધી પ્રચાર કરતો. હું જ્યારે પણ વસાહતમાં પાછો ફરતો ત્યારે મને કોઈ મુશ્કેલી પડતી નહિ.

યહોવાહે મારા પ્રયત્નોને આશીર્વાદ આપ્યો. છાવણીના વિસ્તારની આસપાસ યહોવાહના અમુક સાક્ષીઓ રહેતા હતા. પરંતુ, જે ગામમાં છાવણી હતી ત્યાં ફક્ત એક જ વૃદ્ધ બહેન હતા. તેમનું નામ વિલમા ક્રૂમીન્ચા. આ ક્રૂમીન્ચા બહેન અને મેં મળીને ઘણા યુવાનો સાથે બાઇબલ અભ્યાસ શરૂ કર્યો. કોઈ કોઈ વાર ભાઈબહેનો પ્રચાર માટે રીગાથી આવતા હતા. કેટલાક નિયમિત પાયોનિયરો લેનીનગ્રાડ (હવે સેન્ટ પીટર્સબર્ગ) થી પણ આવતા. યહોવાહની મદદથી, અમે ઘણા બાઇબલ અભ્યાસો શરૂ કરી શક્યા. થોડા જ સમયમાં હું પાયોનિયર બનીને પ્રચારમાં દર મહિને ૯૦ કલાક આપવા લાગ્યો.

એપ્રિલ ૭, ૧૯૯૦માં ફરી વ્યાલમીઆરાની પીપલ્સ કોર્ટમાં મારો કેસ ચાલ્યો. કૅસ શરૂ થયો ત્યારે, મેં વકીલને ઓળખી કાઢ્યો. આ એ જ યુવાન હતો જેની સાથે મેં અગાઉ બાઇબલ વિષે ચર્ચા કરી હતી. તેણે પણ મને ઓળખી કાઢ્યો. તેણે મને જોઈને સ્મિત આપ્યું પણ કંઈ બોલ્યો નહિ. એ દિવસે ન્યાયાધીશે જે કહ્યું હતું એ મને હજુ પણ યાદ છે: “યુરી, તને ચાર વર્ષની સજા ફટકારવામાં આવી એ ગેરકાનૂની હતી. તેઓએ તને જેલની સજા કરવી જોઈતી ન હતી.” આમ, અચાનક મને છૂટો કરવામાં આવ્યો!

ખ્રિસ્તનો સૈનિક

જૂન ૧૯૯૦માં મારે ફરી એક વાર સેનાદળની ઑફિસમાં નામ નોંધાવવા જવું પડ્યું જેથી રીગામાં રહેવાની રજા મળે. હું ફરી પાછી એ જ ઑફિસમાં ગયો જ્યાં ચાર વર્ષ પહેલાં મેં લેફ્ટનન્ટ કર્નલને કહ્યું હતું કે હું લશ્કરમાં સેવા નહિ કરું. આ વખતે તે પોતે મને મળવા ઊભા થયા. મારી સાથે હાથ મિલાવીને તેમણે કહ્યું: “એ સાચે જ શરમની વાત છે કે તારે ઘણી તકલીફોમાંથી પસાર થવું પડ્યું. તારી સાથે જે કંઈ થયું એનું મને ઘણું દુઃખ છે.”

મેં કહ્યું: “હું ખ્રિસ્તનો સૈનિક છું. મને જે કામ સોંપવામાં આવ્યું છે એ મારે પૂરું કરવાનું છે. બાઇબલની મદદથી, તમે પણ ખ્રિસ્તે પોતાના સેવકોને આપેલું વચન પૂરું થતા જોઈ શકો છો, એ છે હંમેશ માટેનું સુખી જીવન.” (૨ તીમોથી ૨:૩, ૪) કર્નલે કહ્યું: “મેં હમણાં જ બાઇબલ લીધું છે, અને હવે હું એ વાંચું છું.” મારી પાસે તમે પારાદેશ પૃથ્વી પર હંમેશનું જીવન જીવી શકો છો * પુસ્તક હતું. મેં છેલ્લા દિવસોના ચિહ્‍નની ચર્ચા કરતું પ્રકરણ ખોલીને તેમને બતાવ્યું કે કઈ રીતે બાઇબલની ભવિષ્યવાણી આજે પૂરી થઈ રહી છે. કર્નલે એની કદર કરતા ફરી વાર મારી સાથે હાથ મિલાવ્યો અને મારા કામમાં સફળતા મળે એ માટે શુભેચ્છા પાઠવી.

આ સમય સુધીમાં તો લાટવીઆમાં ઘણા લોકો બાઇબલ સંદેશમાં રસ લેવા લાગ્યા હતા. (યોહાન ૪:૩૫) વર્ષ ૧૯૯૧માં, મેં મંડળના વડીલ તરીકે સેવા આપવાનું શરૂ કર્યું. આખા લાટવીઓમાં એક જ મંડળ હતું, જેમાં ફક્ત બે વડીલો હતા! એ પછીના વર્ષે, એ મંડળમાંથી બે મંડળ થયા. એક લાટવીઅન ભાષામાં અને બીજું રશિયન ભાષામાં. મને રશિયન મંડળ સાથે કામ કરવાનો લહાવો મળ્યો. વધારો એટલો ઝડપી હતો કે ત્યાર પછીના વર્ષે અમારા એક મંડળમાંથી ત્રણ મંડળ થયા! હું ભૂતકાળનો વિચાર કરું છું ત્યારે, સાફ જોવા મળે છે કે યહોવાહ તેમના લોકોને પોતાના સંગઠનમાં લાવી રહ્યા છે.

વર્ષ ૧૯૯૮માં, મને રીગાની દક્ષિણ-પશ્ચિમ ૪૦ કિલોમીટર દૂર આવેલા યેલગાવા શહેરમાં ખાસ પાયોનિયર તરીકે નિયુક્ત કરવામાં આવ્યો. એ જ વર્ષે, મને સેવકાઈ તાલીમ શાળામાં જવાનું આમંત્રણ મળ્યું. લાટવીઆમાંથી એ શાળામાં જનાર હું સૌથી પહેલો હતો. આ શાળા રશિયાના સેન્ટ પીટર્સબર્ગ નજીક સોલન્યચનોએઈમાં રશિયન ભાષામાં હતી. શાળામાં મને શીખવા મળ્યું કે સેવા કાર્યમાં સફળ થવા લોકો પ્રત્યે ઊંડો પ્રેમ બતાવવો કેટલું મહત્ત્વનું છે. અમે શાળામાં જે કંઈ શીખ્યા એ બહુ જ ઉત્તમ હતું. સૌથી વધારે તો બૅથેલ પરિવાર અને શાળાના શિક્ષકોએ અમારા પ્રત્યે જે પ્રેમ અને કાળજી બતાવી એ મારા દિલને સ્પર્શી ગયું.

વર્ષ ૨૦૦૧માં મેં કૅરીના સાથે લગ્‍ન કર્યા. તે પણ મારી સાથે ખાસ પાયોનિયર સેવામાં જોડાઈ. રોજ હું મારી પત્નીને પ્રચારમાંથી આનંદથી પાછી ફરતા જોઉં છું ત્યારે મને ઘણું ઉત્તેજન મળે છે. ખરેખર, યહોવાહની સેવા કરવી એ બહુ મોટો આનંદ છે. સામ્યવાદી સરકારના રાજમાં જુલમોએ મને યહોવાહ પર પૂરો ભરોસો રાખવાનું શીખવ્યું છે. યહોવાહની ભક્તિ કરવાનું ઇચ્છે છે અને તેમને વિશ્વના રાજા સ્વીકારે છે, તેઓ કોઈ પણ પ્રકારનો ભોગ આપવા તૈયાર હોય છે. બીજાઓને યહોવાહ વિષે શીખવવાથી મને મારા જીવનનો હેતુ મળ્યો છે. ‘ખ્રિસ્તના સૈનિક’ તરીકે યહોવાહની સેવા કરવી એ મારા માટે એક અદ્‍ભુત લહાવો છે.—૨ તીમોથી ૨:૩.

[ફુટનોટ]

^ યહોવાહના સાક્ષીઓ દ્વારા પ્રકાશિત, પરંતુ હવે આ પુસ્તક છાપવામાં આવતું નથી.

[પાન ૧૧ પર ચિત્ર]

ચાર વર્ષ માટે મને રીગા સેન્ટ્રલ જેલમાં સખત કેદની સજા થઈ

[પાન ૧૨ પર ચિત્ર]

પ્રચાર કાર્યમાં કૅરીના સાથે