સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બાઇબલ સત્યની શોધમાં મેનોનાઇટ્‌સ

બાઇબલ સત્યની શોધમાં મેનોનાઇટ્‌સ

બાઇબલ સત્યની શોધમાં મેનોનાઇટ્‌સ

નવેમ્બર, ૨૦૦૦ની એક સવાર હતી. બોલિવિયાના કેટલાક મિશનરીઓએ જોયું કે તેમના ઘરના ઝાંપે સ્ત્રી-પુરુષનું એક નાનું ટોળું ઊભું હતું. તેઓ ગભરાયેલા લાગતા હતા. મિશનરીઓએ દરવાજો ખોલ્યો ત્યારે, તેઓમાંના એકે કહ્યું, “અમે બાઇબલ સત્ય જાણવા માંગીએ છીએ.” આ મુલાકાતીઓ મેનોનાઇટ્‌સ હતા. આ પુરુષો અને સ્ત્રીઓએ સાદા કપડાં પહેર્યાં હતાં. તેઓ એકબીજા સાથે કોઈ જર્મન બોલીમાં વાત કરતા હતા. તેઓની આંખોમાં ડર છલકાતો હતો. તેઓ વારંવાર આજુબાજુ જોતા હતા કે કોઈ તેઓની પાછળ-પાછળ તો નથી આવ્યું ને? ઘરમાં દાદરા ચઢતા જ એક યુવાને કહ્યું: “મને પરમેશ્વરના નામનો ઉપયોગ કરતા લોકો વિષે જાણવું છે.”

ઘરમાં મુલાકાતીઓએ ચા-નાસ્તો લીધા પછી થોડી રાહત અનુભવી. તેઓ દૂર આવેલા ખેડૂતોના સમાજમાંથી આવ્યા હતા. ત્યાં તેઓ છ વર્ષથી ટપાલ દ્વારા ચોકીબુરજ મેળવતા હતા. તેઓએ પૂછ્યું, “અમે વાંચ્યું છે કે પૃથ્વીને પારાદેશ એટલે કે સુંદર બગીચા જેવી બનાવવામાં આવશે. શું એ સાચું છે?” યહોવાહના સાક્ષીઓએ તેઓના પ્રશ્નોના જવાબ બાઇબલમાંથી આપ્યા. (યશાયાહ ૧૧:૯; લુક ૨૩:૪૩; ૨ પીતર ૩:૭, ૧૩; પ્રકટીકરણ ૨૧:૩, ૪) એક ખેડૂતે બીજાને કહ્યું, “જોયું! એ સાચું છે. પૃથ્વીને સુંદર બગીચા જેવી બનાવવામાં આવશે.” બીજાઓ કહેતા હતા: “મને લાગે છે કે આપણને સત્ય મળી ગયું છે.”

મેનોનાઇટ્‌સ કોણ છે? તેઓ શું માને છે? આ પ્રશ્નોના જવાબ મેળવવા ચાલો આપણે સોળમી સદીમાં જઈએ.

મેનોનાઇટ્‌સ કોણ છે?

પંદરમી સદીમાં, યુરોપની આમજનતાની ભાષાઓમાં બાઇબલનું ભાષાંતર કરવામાં તેમ જ છાપવામાં ઘણો વધારો થયો. એના લીધે લોકોનો બાઇબલમાં રસ વધી ગયો. એ સમયે માર્ટિન લ્યૂથર અને બીજા સુધારાવાદીઓએ કૅથલિક ચર્ચના મોટા ભાગના શિક્ષણને નકારી કાઢ્યું અને પ્રોટેસ્ટંટ ચર્ચની શરૂઆત કરી. પરંતુ, આ ચર્ચના લોકોએ પણ એવા શિક્ષણ અને કાર્યોને પકડી રાખ્યા હતા જે બાઇબલ આધારિત ન હતા. દાખલા તરીકે, મોટા ભાગના લોકો માનતા હતા કે નવા જન્મેલા બાળકને ચર્ચમાં બાપ્તિસ્મા આપવું જોઈએ. તેમ છતાં, બાઇબલમાંથી સત્ય શોધનારાઓને સમજણ પડી કે વ્યક્તિ બાપ્તિસ્મા લે એ પહેલાં તેણે બાઇબલનું જ્ઞાન લેવું જોઈએ. પછી જ તે ખ્રિસ્તી મંડળનો સભ્ય બની શકે છે. (માત્થી ૨૮:૧૯, ૨૦) આવું માનનારા ઉત્સાહી પ્રચારકોએ ગામેગામ અને નગરોમાં ફરીને પુખ્ત વયનાઓને બાઇબલ શીખવવાનું અને બાપ્તિસ્મા આપવાનું શરૂ કર્યું. આથી, તેઓને ઍનબાપ્તિસ્ટ કહેવામાં આવ્યા. એનો અર્થ થાય, “બીજી વાર બાપ્તિસ્મા આપનારા.”

ઉત્તર નૅધરલૅન્ડના વિટમારસન ગામમાં મેનો સીમોન્સ નામનો એક કૅથલિક પાદરી હતો. તે સત્યની શોધમાં ઍનબાપ્તિસ્ટ પાસે ગયો. તે ૧૫૩૬માં ચર્ચથી સાવ અલગ થઈ ગયો. એના લીધે ચર્ચના અધિકારીઓ તેની પાછળ શિકારીની જેમ પડી ગયા હતા. વર્ષ ૧૫૪૨માં તો પવિત્ર રોમન સામ્રાજ્યના સમ્રાટ ચાર્લ્સ પાંચમાએ મેનોને શોધી કાઢનારને મોટી રકમનું ઈનામ આપવાનું વચન આપ્યું. તેમ છતાં, મેનોએ કેટલાક ઍનબાપ્તિસ્ટને ભેગા કરીને મંડળો બનાવ્યા. તે અને તેના અનુયાયીઓ પછીથી મેનોનાઇટ્‌સ તરીકે ઓળખાવા લાગ્યા.

આજે મેનોનાઇટ્‌સ

સમય જતાં, સતાવણીને કારણે હજારો મેનોનાઇટ્‌સ પશ્ચિમ યુરોપમાંથી ઉત્તર અમેરિકા ગયા. ત્યાં તેઓને સત્યની વધારે શોધ કરવાની તેમ જ પોતાનો સંદેશો બીજાઓને જણાવવાની તક મળી. પરંતુ, બાઇબલ અભ્યાસ અને પ્રચાર કરવાનો ઉત્સાહ તેઓના બાપદાદાઓ જેવો રહ્યો નહિ. એ ધીમે ધીમે ઠંડો પડી ગયો હતો. મોટા ભાગના અનુયાયીઓ બાઇબલમાં ન હોય એવા કોઈને કોઈ પ્રકારના સિદ્ધાંતોમાં માનતા હતા, જેમ કે, ત્રૈક્ય, અમરપણું અને નર્કાગ્‍નિ. (સભાશિક્ષક ૯:૫; હઝકીએલ ૧૮:૪; માર્ક ૧૨:૨૯) આજે, મેનોનાઇટ્‌સ મિશનરિઓ પ્રચારના કામ કરતાં સમાજ સેવા અને લોકોનો ઇલાજ કરવાને વધારે મહત્ત્વ આપે છે.

એક અંદાજ મુજબ, પાંસઠ દેશોમાં લગભગ ૧૩,૦૦,૦૦૦ મેનોનાઇટ્‌સ રહે છે. તોપણ, સદીઓ પહેલા મેનો સિમોન્સના લોકોમાં એકતાની ખામી હતી, એવી ખામી આજે મેનોનાઈટ્‌સમાં પણ જોવા મળે છે. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન, યુદ્ધમાં ભાગ લેવો જોઈએ કે નહિ એ વિષે અલગ અલગ વિચારોને કારણે તેઓમાં મોટા ભાગલા પડ્યા. ઉત્તર અમેરિકાના મેનોનાઇટ્‌સે બાઇબલ આધારિત જ્ઞાન પ્રમાણે યુદ્ધમાં ભાગ લેવાની ના પાડી. પરંતુ, એન ઇન્ટ્રોડક્શન ટુ મેનોનાઇટ્‌સ હિસ્ટરી પુસ્તક કહે છે: “વર્ષ ૧૯૧૪ સુધીમાં તો પશ્ચિમ યુરોપના મેનોનાઈટ્‌સ ભૂલી ગયા હતા કે તેઓએ યુદ્ધમાં ભાગ ન લેવો જોઈએ.” આજે, કેટલાક મેનોનાઇટ્‌સે થોડા કે વધારે પ્રમાણમાં આધુનિક રીતરિવાજોને અપનાવી લીધા છે. જ્યારે અમુક મેનોનાઇટ્‌સ હજુ પણ બટનને બદલે હુક્સ વાપરે છે. તેમ જ તેઓ માને છે કે પુરુષોએ દાઢી કરવી જોઈએ નહિ.

કેટલાક મેનોનાઇટ્‌સે પોતાને આધુનિક જગતથી અલગ રાખવાનો નિર્ણય કર્યો. આથી, કોઈ પ્રકારની અડચણ વગર સરકારે તેઓને જ્યાં પણ રહેવા જગ્યા આપી ત્યાં તેઓ વસી ગયા. દાખલા તરીકે, બોલિવિયામાં લગભગ ૩૮,૦૦૦ મેનોનાઇટ્‌સ અલગ અલગ સમાજમાં રહે છે. તેઓના પોતાના અલગ અલગ રીતિરિવાજ છે. કેટલાક સમાજમાં તેઓ વાહનમાં મુસાફરી કરતા નથી. તેઓ અનુસાર ફક્ત ઘોડા અને ઘોડાગાડીમાં જ મુસાફરી કરવી જોઈએ. કેટલાક સમાજમાં રેડિયો, ટીવી અને સંગીત સાંભળવાની મનાઈ છે. અરે, કેટલાક તો પોતે જે દેશમાં રહે છે ત્યાંની ભાષા શીખવા પર પણ પ્રતિબંધ મૂકે છે. આ સમાજની એક વ્યક્તિએ કહ્યું, “અમને તેમના તાબામાં રાખવા પ્રચારકો સ્પેનીશ ભાષા શીખવા દેતા નથી.” ઘણા લોકો ત્રાસ અનુભવે છે. તેઓ એવા ભય હેઠળ જીવે છે કે ક્યાંક તેઓને સમાજમાંથી કાઢી મૂકવામાં આવશે. એ તેઓ માટે મોટી સજા જેવું છે. કેમ કે, મેનોનાઇટ્‌સે બહાર સમાજનું જનજીવન કદી જોયું નથી.

કઈ રીતે સત્યનાં બી વાવવામાં આવ્યા

આવા સંજોગોમાં પણ યોહાન નામના એક મેનોનાઇટ્‌સ ખેડૂતે પોતાના પડોશીના ઘરમાં ચોકીબુરજ મૅગેઝિન જોયું. યોહાનનું કુટુંબ કૅનેડાથી મૅક્સિકો અને પછી બોલિવિયામાં રહેવા આવ્યું હતું. પરંતુ, તે હંમેશા બાઇબલ સત્ય જાણવા માટે તરસતો હતો. આથી, તેણે એ મૅગેઝિન વાંચવા માંગ્યું.

પછી એક વાર યોહાન પોતાના ખેતરનો માલ વેચવા બજારમાં ગયો. ત્યાં તે સાક્ષી બહેનને મળ્યો કે જે ચોકીબુરજ આપી રહી હતી. તે તેને જર્મની ભાષા બોલતા મિશનરી પાસે લઈ ગઈ. પછીથી તેને ટપાલ દ્વારા જર્મન ભાષામાં ચોકીબુરજ મળતું થયું. તે દરેક અંકનો કાળજીથી અભ્યાસ કરતો. ત્યાર પછી પોતાના સમાજના બીજા કુટુંબોને પણ એ આપતો. અમુક સમયે કુટુંબો ભેગા મળીને મોડી રાત સુધી ચોકીબુરજની ચર્ચા કરતા. તેઓ બાઇબલમાંથી ટાંકેલી કલમો પણ વાંચતા. યોહાનને ખાતરી થઈ કે ફક્ત યહોવાહના સાક્ષીઓ જ એક થઈને આખી પૃથ્વી પર પરમેશ્વરની ઇચ્છા પ્રમાણે કરી રહ્યાં છે. તેણે મરતા પહેલાં પોતાની પત્ની અને બાળકોને કહ્યું હતું: “તમારે નિયમિત ચોકીબુરજ વાંચવું જોઈએ. એ તમને બાઇબલ સમજવા મદદ કરશે.”

યોહાનનું કુટુંબ બાઇબલમાંથી જે શીખી રહ્યું હતું એ વિષે તેઓએ પડોશીઓ સાથે ચર્ચા કરવાનું શરૂ કર્યું. તેઓએ કહ્યું, “પૃથ્વીનો નાશ કદી નહિ થાય. પરંતુ, પરમેશ્વર આખી પૃથ્વીને બગીચા સમાન બનાવી દેશે. પરમેશ્વર લોકોને નર્કમાં રિબાવતા નથી.” તેઓની આ ચર્ચા જલદી જ ચર્ચના પ્રચારકોને કાને પડી. તેઓએ યોહાનના કુટુંબને કહ્યું, ‘જો તમે બીજાઓને જણાવવાનું બંધ નહિ કરો તો, તમને સમાજમાંથી કાઢી મૂકવામાં આવશે.’ હવે મેનોનાઇટ્‌સ આગેવાનો તરફથી દબાણ આવતું હોવાથી તેઓએ કુટુંબ તરીકે ચર્ચા કરી. એક યુવાને કહ્યું, “મને એ નથી સમજાતું કે આપણે શા માટે ચર્ચના આગેવાનો વિષે ફરિયાદ કરીએ છીએ. આપણે સર્વ જાણીએ છીએ કે સાચો ધર્મ કયો છે. તો પછી, આપણે શા માટે એ વિષે કંઈ કરતા નથી?” આ શબ્દો એ યુવાનના પિતાના હૃદયને સ્પર્શી ગયા. બહુ જલદી જ, કુટુંબના દસ સભ્યો છાનામાના યહોવાહના સાક્ષીઓને શોધવા નીકળી પડ્યા. અને લેખની શરૂઆતમાં બતાવ્યું છે તેમ, તેઓ મિશનરીઓના ઘરે આવી પહોંચ્યા.

બીજા દિવસે, ચાર મિશનરીઓ તેઓની મુલાકાત લેવા તેમની વસાહતમાં ગયા. ફક્ત મિશનરીઓનું વાહન જ એ રસ્તા પર હતું, બીજી તો ઘોડાગાડીઓ હતી. તેઓ ધીમેથી વાહન ચલાવતા અને ત્યાંના લોકોને જીજ્ઞાસાથી જોતા. અહીં વસતા લોકો પણ એવી જ જિજ્ઞાસાથી તેઓને જોતા હતા. તેઓ બે મેનોનાઇટ્‌સ કુટુંબના દસ સભ્યો સાથે ચર્ચા કરવા બેઠા.

એ દિવસે, તેઓએ જ્ઞાન જે અનંતજીવન તરફ દોરી જાય છે * પુસ્તકના પહેલા પ્રકરણનો અભ્યાસ કરવામાં ચાર કલાક લીધા. દરેક ફકરાએ ખેડૂતો ઉલ્લેખવામાં આવેલી બીજી બાઇબલ કલમો ખોલતા. તેઓ જાણવા માંગતા હતા કે પોતે બાઇબલ કલમ બરાબર સમજે છે કે નહિ. મિશનરીઓએ દરેક પ્રશ્ન પૂછ્યા પછી થોડી મિનિટો માટે અટકવું પડતું હતું. કેમ કે, ખેડૂતો પહેલા લો જર્મન બોલીમાં એકબીજા સાથે વાત કરતા. ત્યાર પછી જે વ્યક્તિ સ્પેનિશ બોલતી હતી, તે મિશનરીઓને તેઓના વિચાર જણાવતી. એ એક યાદગાર દિવસ હતો. પરંતુ, પાછળ મોટી મુશ્કેલી પણ સ્પષ્ટ દેખાઈ રહી હતી. પાંચ સદી પહેલાં મેનો સિમોનને બાઇબલ સત્ય શોધવા માટે જે મુશ્કેલીઓ સહેવી પડી હતી એવી જ મુશ્કેલી તેઓ સહન કરવાના હતા.

સત્ય માટે મુશ્કેલીઓ સહન કરવી

થોડા દિવસો પછી, ચર્ચના આગેવાનો યોહાનના કુટુંબના ઘરે આવ્યા. તેમણે એ કુટુંબને તેમ જ જેઓ યહોવાહના સાક્ષીઓ સાથે વાત કરતા હતા તેઓને કહ્યું: “અમે સાંભળ્યું છે કે યહોવાહના સાક્ષીઓ તમને મળવા આવ્યા હતા. તેઓને જણાવી દો, કે અહીં કદી પાછા ન આવે. તેઓનું જે કંઈ સાહિત્ય હોય એ બાળી નાખવા માટે અમને આપી દો. નહિતર તમને સમાજમાંથી કાઢી મૂકીશું.” હજુ તો તેઓએ ફક્ત એક જ વાર સાક્ષીઓ સાથે બાઇબલ અભ્યાસ કર્યો હતો. એનાથી તેઓ કટોકટીમય સ્થિતિમાં આવી ગયા.

એક કુટુંબના વડીલે જવાબ આપ્યો, “અમે તમારું નહીં માનીએ. તે લોકો અમને બાઇબલ શીખવવા માટે આવ્યા હતા.” આ સાંભળીને આગેવાનોએ શું કર્યું? બાઇબલ અભ્યાસ કરવા બદલ તેઓને સમાજમાંથી કાઢી મૂક્યા! જરાય રહેમ વગર તેઓનું જીવવું હરામ કરી દીધું. એ સમાજમાં ચીઝ બનાવતી ફેક્ટરી એ કુટુંબ પાસેથી દૂધ લેતી હતી. પરંતુ, હવે તેઓ પાસેથી દૂધ લેવાની ના પાડી દીધી. એ કુટુંબની આવકનું એક માત્ર સાધન હતું. બીજા એક કુટુંબમાંથી પિતાને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા. તેઓમાંથી એક માણસને સમાજના કોઈ દુકાનકારે સામાન ખરીદવા ન દીધો. તેની દસ વર્ષની દીકરીને પણ શાળામાંથી કાઢી મૂકી. અરે, અમુક પડોશીઓએ તો એક ઘરને ઘેરી લીધું અને એમાં રહેતા યુવાનની પત્નીને છીનવી લેવાનો પ્રયત્ન કર્યો. તેઓએ કહ્યું કે તેના પતિને નાત બહાર કરવામાં આવ્યો છે, આથી તે પતિ સાથે રહી શકે નહિ. આવી પરિસ્થિતિમાં પણ, બાઇબલ અભ્યાસ કરનારા કુટુંબોએ સત્યની શોધ કરવાનું પડતું મૂક્યું નહિ.

મિશનરીઓ દર અઠવાડિયે લાંબી મુસાફરી કરીને બાઇબલ અભ્યાસ ચલાવતા રહ્યા. એનાથી આ કુટુંબોનો વિશ્વાસ મજબૂત થયો. કુટુંબના કેટલાક સભ્યો અભ્યાસ માટે ઘોડા કે ઘોડાગાડીની બે કલાકની મુસાફરી કરતા હતા. જ્યારે આ કુટુંબોએ પહેલી વાર મિશનરીને પ્રાર્થના કરવાનું કહ્યું ત્યારે બાકીના લોકોનું દિલ ભરાઈ આવ્યું. કેમ કે, મેનોનાઇટ્‌સ સમાજમાં કદી પણ મોટેથી પ્રાર્થના કરવામાં આવતી ન હતી. તેથી, તેમના માટે કોઈ પ્રાર્થના કરે એ તેઓએ કદી સાંભળ્યું ન હતું. પુરુષોની આંખોમાં ખુશીના આંસુ આવી પડ્યા. મિશનરી ટૅપ રેકોર્ડર લઈને આવ્યા ત્યારે તો તેઓ ફાટી આંખોથી જોતા જ રહી ગયા. તેઓના સમાજમાં ક્યારેય સંગીત વગાડવામાં આવતું ન હતું. તેઓને કિંગ્ડમ મેલડ્‌સિ સાંભળીને એટલો બધો આનંદ થયો કે તેઓએ દરેક અભ્યાસ પછી રાજ્ય ગીતો ગાવાનું નક્કી કર્યું! તેમ છતાં, પ્રશ્ન તો હજુ ઊભો જ હતો કે, તેઓ પોતાની આ બદલાયેલી પરિસ્થિતિનો કઈ રીતે સામનો કરશે?

પ્રેમાળ ભાઈચારો

સમાજથી અલગ થયેલા કુટુંબે જાતે ચીઝ બનાવવાનું શરૂ કર્યું. મિશનરીઓએ તેઓને ગ્રાહક શોધવામાં મદદ કરી. ઉત્તર અમેરિકામાં એક ભાઈ લાંબા સમયથી યહોવાહના સાક્ષી હતા. તેમનો ઉછેર પણ દક્ષિણ અમેરિકાના મેનોનાઇટ્‌સ સમાજમાં થયો હતો. તેમણે આ કુટુંબોની કફોડી હાલત વિષે સાંભળ્યું. તે તેઓને ખાસ મદદ કરવા માંગતા હતા. એક અઠવાડિયાની અંદર, તે તેઓને મળવા બોલિવિયા આવ્યા. તેમણે તેઓને બાઇબલમાંથી ખૂબ ઉત્તેજન આપ્યું. એ ઉપરાંત, તેમણે કુટુંબોને માલવાહક ટ્રક ખરીદવા મદદ કરી. જેથી, તેઓ કિંગ્ડમ હૉલમાં સભા માટે જઈ શકે તેમ જ પોતાના ખેતરનો માલ બજારમાં લઈ જઈને વેચી શકે.

એક કુટુંબનો સભ્ય કહે છે, “અમને સમાજમાંથી કાઢી મૂકવામાં આવ્યા પછી, અમારી હાલત બહુ ખરાબ હતી. અમે ઉદાસ ચહેરે કિંગ્ડમ હૉલમાં જતા, પરંતુ આનંદિત થઈને પાછા ફરતા.” ત્યાંના ભાઈબહેનોએ તેઓને મુશ્કેલ પરિસ્થિતિમાં ઘણી મદદ કરી. કેટલાક જર્મન ભાષા શીખ્યા. જર્મન ભાષા બોલતા ઘણા યહોવાહના સાક્ષીઓ યુરોપથી બોલિવિયા આવ્યા જેથી તેઓ સભાઓ જર્મન ભાષામાં ચલાવી શકે. મેનોનાઇટ્‌સ સમાજના ૧૪ સભ્યોએ બીજાઓને રાજ્યનો પ્રચાર કરવાનું શરૂ કરી દીધું.

ઑક્ટોબર ૧૨, ૨૦૦૧માં, મિશનરી ઘરની મુલાકાત લીધાને હજુ એક વર્ષ પણ થયું ન હતું ત્યારે અગાઉના ઍનબાપ્તિસ્ટના ૧૧ સભ્યો ફરીથી બાપ્તિસ્મા લઈને યહોવાહના સેવકો બન્યા. ત્યાર પછી બીજા ઘણાએ બાપ્તિસ્મા લીધું. એક માણસે પછીથી કહ્યું: “બાઇબલમાંથી સત્ય શીખ્યા પછી લાગે છે જાણે અમે ગુલામીની જંજીરમાંથી આઝાદ થયા હોય.” બીજા એક માણસે કહ્યું: “ઘણા મેનોનાઇટ્‌સ ફરિયાદ કરે છે કે તેઓમાં પ્રેમ જેવું કંઈ છે જ નહિ. પરંતુ, યહોવાહના સાક્ષીઓ એવા નથી. તેઓ એક બીજામાં રસ લે છે. મને તેઓ મધ્યે સલામતી લાગે છે.” જો તમે બાઇબલમાંથી સાચી સમજણ મેળવવા ચાહતા હોવ તો, તમારે પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે. પરંતુ જો તમે યહોવાહની મદદ માંગો તેમ જ આ કુટુંબો જેવી જ હિંમત અને વિશ્વાસ બતાવશો તો, તમે પણ સફળ થશો અને સાચું સુખ મેળવી શકશો.

[ફુટનોટ]

^ યહોવાહના સાક્ષીઓ દ્વારા પ્રકાશિત.

[પાન ૨૫ પર ચિત્ર]

જર્મન ભાષામાં બાઇબલ સાહિત્ય મેળવીને તેઓ ઘણા ખુશ થયા

[પાન ૨૬ પર ચિત્ર]

સંગીત સાંભળવાની મનાઈ હોવા છતાં, હવે તેઓ દર બાઇબલ અભ્યાસ પછી ગીત ગાય છે