સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વફાદાર રહેવાના લાભો

વફાદાર રહેવાના લાભો

વફાદાર રહેવાના લાભો

વફાદાર લોકો બીજાઓ સાથે સંબંધ સાચવી રાખવાનું જાણે છે. ભલે એ તેમના માટે અઘરું હોય, તેઓ સંબંધ જાળવી રાખવા બનતું બધું જ કરે છે, કોઈ પણ ભોગ આપે છે. “વફાદાર” વ્યક્તિ વિશ્વાસુ હશે, પ્રમાણિક હશે. તેનામાં સમર્પણની ભાવના પણ હશે.

બીજાઓ આપણને વફાદાર રહે એ તો સૌને ગમે. પણ આપણા પોતાના વિષે શું? શું આપણે બીજાઓને વફાદાર રહેવાની કોશિશ કરીએ છીએ? જો એમ હોય તો, આપણે કોને કોને વફાદાર રહેવું જોઈએ?

વિશ્વાસ—દામ્પત્યજીવનનો મજબૂત આધાર

લગ્‍નજીવનમાં પતિ-પત્ની એકબીજાને વિશ્વાસુ રહે, વફાદાર રહે એ બહુ જરૂરી છે. પરંતુ, દુઃખની વાત છે કે મોટા ભાગે એ જોવા મળતું નથી. લગ્‍ન સમયે પતિ-પત્ની જીવનભર એકબીજા સાથે રહેવાનું અને એકબીજાની કાળજી રાખવાનું વચન આપે છે. પછી, તેઓ પોતાના વચનને વળગી રહે છે ત્યારે સફળ અને સલામત જીવનનો પાયો નાંખે છે. શા માટે આપણે એવું કહી શકીએ? કેમ કે પરમેશ્વરે માણસોને એ રીતે જ બનાવ્યા છે કે તેઓ એકબીજાને વિશ્વાસુ રહે. પરમેશ્વરે એદન બાગમાં આદમ અને હવાનું લગ્‍ન કરાવ્યા પછી કહ્યું: “માણસ પોતાનાં માબાપને છોડીને, પોતાની વહુને વળગી રહેશે.” એ જ બાબત પત્નીને પણ લાગુ પડે છે; તેણે તેના પતિને વળગી રહેવું જોઈએ. પતિ-પત્નીએ એકબીજાને વિશ્વાસુ રહીને પૂરો સહકાર આપવો જોઈએ.—ઉત્પત્તિ ૨:૨૪; માત્થી ૧૯:૩-૯.

ભલે ઈશ્વરે હજારો વર્ષ પહેલાં આ સલાહ આપી હતી. શું આજે એ જૂનવાણી થઈ ગઈ છે? મોટા ભાગના લોકો કહેશે, ‘ના.’ જર્મનીમાં થયેલા એક સર્વેમાં એંસી ટકા લોકોએ કહ્યું કે લગ્‍નમાં એકબીજાને વિશ્વાસુ રહેવું બહુ જ જરૂરી છે. બીજા એક સર્વેમાં પૂછવામાં આવ્યું કે સ્ત્રી-પુરુષોમાં તેઓ કયો ગુણ સૌથી વધારે ઇચ્છે છે. એક ગ્રૂપના પુરુષોને પૂછવામાં આવ્યું, ‘તમે સ્ત્રીઓમાં સૌથી મહત્ત્વના કયા પાંચ ગુણોની અપેક્ષા રાખો છો?’ એવો જ પ્રશ્ન સ્ત્રીઓના ગ્રૂપને પણ પૂછવામાં આવ્યો કે પુરુષોમાં તેઓ કયા ગુણો ઇચ્છે છે. આ સ્ત્રી-પુરુષોએ વફાદારીને સૌથી મહત્ત્વનો ગુણ કહ્યો.

આ બતાવે છે કે વફાદારી દામ્પત્ય જીવનની સફળતાનો મજબૂત પાયો છે. તોપણ, આપણે શરૂઆતના લેખમાં જોયું તેમ, લોકો વફાદારીના ગુણગાન તો ગાય છે પરંતુ પોતે વફાદાર રહેતા નથી. દાખલા તરીકે, ઘણા દેશોમાં છૂટાછેડાનું પ્રમાણ વધી રહ્યું છે. એ જ પુરાવો આપે છે કે અવિશ્વાસ ચારેબાજુ ફેલાયેલો છે. તો પછી, પતિ-પત્ની કઈ રીતે એકબીજાને વિશ્વાસુ રહી શકે?

વિશ્વાસથી લગ્‍નજીવન લાંબું ટકે છે

લગ્‍નસાથી એકબીજા પ્રત્યેના પ્રેમને કારણે વફાદારી બતાવી શકે છે. દાખલા તરીકે, લગ્‍નસાથી “મારા” કરતા “આપણા” કહે એ વધારે યોગ્ય છે. જેમ કે, “આપણા મિત્રો,” “આપણાં બાળકો,” “આપણું ઘર” “આપણા અનુભવો” વગેરે. ઘર ખરીદવું હોય, નોકરી, બાળકોનો ઉછેર, મનોરંજન, રજાઓ કે ધાર્મિક પ્રવૃત્તિઓ સંબંધી કોઈ પ્લાન કરતા હોય કે નિર્ણય લેવાનો હોય ત્યારે પતિ-પત્નીએ એકબીજાની લાગણીઓને અને વિચારોને ધ્યાનમાં લેવા જોઈએ.—નીતિવચનો ૧૧:૧૪; ૧૫:૨૨.

એકબીજાને પોતાની જરૂર છે એવી લાગણી કે અનુભવ કરાવીને પણ પતિ-પત્ની વફાદારી બતાવી શકે છે. પતિ કે પત્ની કોઈ વિજાતીય વ્યક્તિ સાથે વધારે પડતી મિત્રતા રાખે ત્યારે લગ્‍નસાથી અસલામતી અનુભવે છે. બાઇબલ પતિઓને ‘પોતાની યુવાનીની પત્નીને’ વળગી રહેવાની સલાહ આપે છે. પતિએ પોતાની પત્ની સિવાય બીજી સ્ત્રીઓ પાછળ દિલ લગાડવું જોઈએ નહિ. બીજી સ્ત્રી સાથે જાતીય સંબંધ તો ક્યારેય રાખવો ન જોઈએ. બાઇબલ ચેતવણી આપે છે: “સ્ત્રીની સાથે વ્યભિચાર કરનાર અક્કલહીન છે; તે પોતાના આત્માનો નાશ કરનારૂં કૃત્ય કરે છે.” પત્નીએ પણ બીજા પુરુષો પાછળ જવું ન જોઈએ.—નીતિવચનો ૫:૧૮; ૬:૩૨.

શું લગ્‍નમાં વિશ્વાસુ રહેવું યોગ્ય છે? હા, ચોક્કસ. એનાથી લગ્‍નજીવન સ્થિર બને છે ને લાંબું ટકે છે. વળી, પતિ-પત્ની બંને એના આશીર્વાદો મેળવી શકે છે. દાખલા તરીકે, પતિ સાચા દિલથી પત્નીની કાળજી રાખે છે ત્યારે, તે સલામતી અનુભવે છે. એના લીધે પત્ની વધારે સારા ગુણો બતાવી શકે છે. એ જ રીતે, પત્ની વફાદાર રહે છે ત્યારે પતિ પણ વધારે સારી રીતે પત્ની સાથે વર્તાવ કરશે. પત્નીને વફાદાર રહેનાર પતિ જીવનની દરેક બાબતોમાં ખરા માર્ગે ચાલે છે.

પતિ-પત્ની એકબીજાને વિશ્વાસુ હશે તો, જીવનમાં ગમે તેવી આંધી આવે તોપણ તેઓ એનો સામનો કરી શકશે. બીજી તર્ફે, લગ્‍નમાં વિશ્વાસની ખામી હોય છે ત્યારે મુશ્કેલીના સમયે તેઓ છૂટા પડી જાય છે અથવા છૂટાછેડા લે છે. એનાથી મુશ્કેલી હલ થવાને બદલે વધી જાય છે. એક જાણીતા ફૅશન સલાહકારનો વિચાર કરો. તે ૧૯૮૦ના દાયકામાં પત્ની અને કુટુંબથી અલગ થઈ ગયો. શું એકલો રહીને તે સુખી થઈ શક્યો? વીસ વર્ષ પછી તે કહે છે કે કુટુંબથી અલગ થવાને લીધે તે સાવ ‘એકલો પડી ગયો અને ઉદાસ રહેવા લાગ્યો. પોતાની દીકરીઓની હૂંફ મેળવવા તે તડપતો હતો.’

માબાપ અને બાળકો વચ્ચે વિશ્વાસ

માબાપ એકબીજાને વિશ્વાસુ રહે છે ત્યારે, બાળકો પણ આપોઆપ એ ગુણ શીખે છે. પછી બાળકો મોટા થઈને પોતાનો સંસાર માંડે ત્યારે તેઓ પણ વિશ્વાસુપણે કુટુંબની જવાબદારી ઉપાડે છે. એટલું જ નહિ, માબાપ ઘરડાં થાય છે ત્યારે તેઓ પોતાની જવાબદારી નિભાવીને તેઓની કાળજી પણ રાખે છે.—૧ તીમોથી ૫:૪,.

પરંતુ અમુક કુટુંબોમાં બાળકો બીમાર કે અપંગ હોય છે, જેના લીધે માબાપે તેમની દેખભાળ કરવી પડે છે. હર્બટ અને ગેટ્રૂડે યુગલને જ લો. તેઓ યહોવાહના સાક્ષી છે. તેમનો દીકરો કોઈ વારસાગત બીમારીને લીધે ૪૦ વર્ષથી પીડાતો હતો. તેના શરીરના સ્નાયુઓ બહુ જ નબળા પડી ગયા હતા. તે નવેમ્બર, ૨૦૦૨માં ગુજરી ગયો. તેના જીવનના છેલ્લા સાત વર્ષો દરમિયાન માબાપે રાત-દિન તેની ચાકરી કરી. તેઓએ દીકરાની સારવાર માટે ઘરમાં જ મૅડિકલ સાધનો લાવીને એને વાપરતા શીખી લીધું હતું. આમ, તેઓ દીકરાના મરણ સુધી તેને વિશ્વાસુ રહ્યા.

મિત્રતામાં વફાદારી જરૂરી

બ્રિજીટ નામની એક બહેન કહે છે, “વ્યક્તિ લગ્‍નસાથી વિના ખુશ રહી શકે છે, પરંતુ મિત્ર વિના ખુશ રહેવું બહુ જ અઘરું છે.” કદાચ તમે પણ તેમની સાથે સહમત થશો. ભલે તમે પરિણીત હોવ કે કુંવારા, મિત્રો પ્રત્યેનો વિશ્વાસ જીવનને ખુશીઓથી ભરી દે છે. તમે પરિણીત હોવ તો, તમારા લગ્‍નસાથી સૌથી ગાઢ મિત્ર હોવા જોઈએ.

મિત્રમાં અને કોઈ ઓળખીતી વ્યક્તિમાં ઘણો ફરક છે. ઓળખીતા લોકો તો ઘણા હોય છે, જેમ કે આપણા પડોશીઓ, સાથે કામ કરનારા કે અમુક સમયે મળતા લોકો. પણ તેઓ બધા મિત્ર બની શકતા નથી. સાચી મિત્રતા માટે સમય, શક્તિ અને લાગણીમય સંબંધ બહુ જરૂરી છે. કોઈના મિત્ર બનવું એ એક મોટો આશિષ છે. પરંતુ, એની સાથે જવાબદારી પણ રહેલી છે.

મિત્રો સાથે સારો વાતચીત વ્યવહાર હોવો જરૂરી છે. આવી વાતચીત અમુક સમયે જરૂરિયાત પ્રમાણે પણ હોય શકે. બ્રિજીટ કહે છે, “જો મને કે મારી બહેનપણીને કંઈ તકલીફ હોય તો, અમે અઠવાડિયામાં એક કે બે વાર એકબીજાને ફોન કરીએ છીએ. તે મારી સાથે છે અને ધીરજથી સાંભળે છે એ જાણીને દિલને ઘણી રાહત મળે છે.” ભલે ગમે તેટલા દૂર રહેતા હોઈએ, પરંતુ એનાથી દોસ્તીમાં કંઈ અંતર આવવું જોઈએ નહિ. જરડા અને હેલ્ગા નામની બહેનપણીઓ એકબીજાથી હજારો કિલોમીટર દૂર રહે છે. પરંતુ, તેઓ લગભગ ૩૫ વર્ષથી સારા મિત્રો છે. જરડા જણાવે છે, “અમે નિયમિત રીતે અમારા અનુભવો અને સુખદુઃખની લાગણીઓ એકબીજાને જણાવીએ છીએ. હેલ્ગાના પત્રોથી મને ઘણી જ ખુશી થાય છે. મોટે ભાગે અમે સરખું જ વિચારીએ છીએ.”

એટલે જ દોસ્તીમાં વફાદારી બહુ જરૂરી છે. જ્યારે કે બેવફાઈનું એક જ કાર્ય મિત્રો વચ્ચેના વર્ષો જૂના સંબંધને તોડી નાખે છે. મિત્રો એકબીજાને ખાનગી બાબતોમાં પણ સલાહ આપે છે. તેઓ એકબીજા સાથે ખુલ્લા દિલથી વાત કરે છે. તેઓને એવો ડર લાગતો નથી કે મારો મિત્ર મને દગો દેશે. બાઇબલ કહે છે: “મિત્ર સર્વ સમયે પ્રીતિ રાખે છે, અને ભાઈ પડતી દશાને માટે જન્મ્યો છે.”—નીતિવચનો ૧૭:૧૭.

આપણા વિચારો, લાગણીઓ અને કાર્યો પર મિત્રોની ઘણી અસર થતી હોય છે. આથી, આપણા જેવું વિચારતા લોકો સાથે જ દોસ્તી કરીએ એ ઘણું મહત્ત્વનું છે. દાખલા તરીકે, આપણે એવા લોકો સાથે દોસ્તી કરવી જોઈએ જેઓની ધાર્મિક માન્યતા, નૈતિક ધોરણો તેમ જ ખરાં ખોટાં વિષેના ધોરણો આપણા જેવા જ હોય. આવા મિત્રો તમને તમારા ધ્યેય સુધી પહોંચવા મદદ કરશે. જે લોકોના વિચારો અને ધોરણો આપણા જેવા ન હોય તેઓ સાથે શા માટે મિત્રતા રાખવી જોઈએ? બાઇબલ ખરા મિત્રોની પસંદગી વિષે કહે છે: “જો તું જ્ઞાની પુરુષોની સંગત કરશે, તો તું જ્ઞાની થશે, પણ જે મૂર્ખનો સાથી છે તેને નુકસાન થશે.”—નીતિવચનો ૧૩:૨૦.

વિશ્વાસુ ગુણ કેળવો

ખરું કે વફાદાર રહેવું સહેલું નથી. પરંતુ, આપણે જીવનમાં જેમ જેમ એ ગુણ બતાવતા જઈશું, તેમ તેમ વફાદાર રહેવું સહેલું બને છે. જે વ્યક્તિ નાનપણથી જ કુટુંબને વફાદાર રહેતા શીખે છે, તે મોટા થયા પછી સ્વાભાવિક રીતે જ મિત્રને વફાદાર રહે છે. એનાથી મિત્રતામાં તિરાડ પડતી નથી. સમય જતા તે લગ્‍નસાથીને પણ વિશ્વાસુ સાબિત થશે. આ ગુણ સૌથી મહત્ત્વના મિત્ર એટલે કે પરમેશ્વરને વફાદાર રહેવા મદદ કરશે.

ઈસુએ કહ્યું હતું કે આપણે યહોવાહ પરમેશ્વરને પૂરા હૃદય, પૂરા જીવ, પૂરી બુદ્ધિથી અને સામર્થ્યથી પ્રેમ કરવો જોઈએ. એ જ સૌથી મોટી આજ્ઞા છે. (માર્ક ૧૨:૩૦) એનો અર્થ એમ થાય કે આપણે પરમેશ્વરને પૂરી રીતે વફાદાર રહેવું જોઈએ. યહોવાહને વફાદાર રહેવાથી આપણે ભરપૂર આશીર્વાદો મેળવીશું. તે આપણને કદી દગો નહિ દે, કેમ કે તે પોતે કહે છે કે, “દેવ વિશ્વાસુ છે.” (૧ કોરીંથી ૧૦:૧૩) ખરેખર, ઈશ્વરને વફાદાર કે વિશ્વાસુ રહેવાથી આપણને સદાને માટે આશીર્વાદો મળશે.—૧ યોહાન ૨:૧૭.

[પાન ૬ પર બ્લર્બ]

વિશ્વાસુ મિત્ર આપણા દિલને અનેરો આનંદ આપે છે

[પાન ૫ પર ચિત્ર]

કુટુંબમાં બધા વફાદાર હોય છે ત્યારે એકબીજાની જરૂરિયાતોની કાળજી રાખે છે