વફાદાર રહેવાનો શું લાભ છે?
વફાદાર રહેવાનો શું લાભ છે?
રીટા: * “તું એ માણસ પાછળ તારી જિંદગી બરબાદ કરી રહી છે. તારા જેવી સ્ત્રીને તો સારો માણસ મળી શકે છે.”
મરિયમ: “હા, એ સાચું છે કે અમારી વચ્ચે ઘણી મુશ્કેલીઓ છે. પરંતુ, એ મારા પતિ છે. મારાં બાળકોના પિતા છે. હું તેમને ક્યારેય નહિ છોડું, હું તેમને વફાદાર રહીશ.”
રીટા: “જો મરિયમ, તારી વફાદારીની હું કદર કરું છું. પણ તારી સ્થિતિ તો જો? શું આ માણસ સાથે રહીને તું તારી જિંદગી બરબાદ કરી નાખવા માંગે છે?” એક રીતે રીટા સાચું જ કહેતી હતી. કોઈ વ્યક્તિને વફાદાર કે વિશ્વાસુ રહેવા માટે મોટી કિંમત ચૂકવવી પડી શકે. એ સમય, શક્તિ અને દૃઢ નિશ્ચય માંગી લે છે. એ તો પ્રેમનું એક બંધન છે. પરંતુ, શું વફાદારીની આવી કિંમત ચૂકવવી યોગ્ય છે?
વફાદારીના ફક્ત ગુણગાન ગાવા
આલન્સબાખ ઓપીનીયન રીસર્ચ ઇન્સ્ટિટ્યુટે તાજેતરમાં જર્મનીમાં એક સર્વેક્ષણ કર્યું હતું. એમાં ૯૬ ટકા લોકોએ કહ્યું કે લગ્નમાં બધા એકબીજાને વફાદાર રહે તો કેટલું સારું. આ જ સંસ્થાએ ૧૮થી ૨૪ વર્ષના લોકોનો પણ સર્વે કર્યો. એમાં ત્રણમાંથી બે વ્યક્તિએ કહ્યું કે લગ્નમાં એકબીજાને વિશ્વાસુ રહેવું બહુ જ જરૂરી છે.
વફાદાર કે વિશ્વાસુ લોકોના આટલા વખાણ થાય છે છતાં, જ્યારે વ્યક્તિએ પોતે વિશ્વાસુ બનવાની વાત આવે છે ત્યારે તેનો બીજો ચહેરો જોવા મળે છે. યુરોપના ઘણા દેશોમાં પતિ-પત્ની કે કુટુંબના બીજા સભ્યો ભાગ્યે જ એકબીજાને વફાદાર રહે છે. મિત્રો પણ એકબીજાને વફાદાર રહેતા નથી. માલિક અને નોકર તેમ જ વેપારી અને ગ્રાહક જવલ્લે જ એકબીજા પર વિશ્વાસ રાખે છે. શા માટે?
એક તો લોકોનું જીવન બહુ વ્યસ્ત છે. અથવા જે બાબત કે સંજોગમાં વફાદાર રહેવાની બહુ જ જરૂર છે ત્યાં લોકો એમ કરવા તૈયાર નથી. કેમ કે તેઓને ખબર છે કે એ તેમની લાગણીને ખૂબ અસર કરશે. માણસ માણસને દગો દે છે, બેવફા બને છે. તેથી લોકો કદાચ એકબીજાને વફાદાર રહેતાય અચકાય છે. ઘણા લોકોનું એવું વલણ હોય છે કે ‘કાલ કોણે જોઈ?’ એવા વલણને લીધે તેઓ વફાદારીને કંઈ ખાસ મહત્ત્વ આપતા નથી.
ભલે ગમે તે કારણ હોય, વફાદારી એવો ગુણ છે જેની લોકો ઘણી પ્રશંસા કરે છે, પણ જીવનમાં બતાવતા નથી. તેથી, પ્રશ્ન ઊભો થાય છે: શું આપણે બીજાઓને વફાદાર રહેવું જોઈએ? જો એમ હોય તો, આપણે કોને વફાદાર રહેવું જોઈએ અને કઈ રીતે? વફાદાર રહેવાના લાભો કયા છે?
[ફુટનોટ]
^ આ અને પછીના બંને લેખોમાં અમુક નામો બદલવામાં આવ્યા છે.
[પાન ૩ પર બ્લર્બ]
વફાદારીના બહુ ગુણગાન ગવાય છે, પણ ભાગ્યે જ લોકો એ બતાવે છે