સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શરૂઆતના જર્મન બાઇબલમાં પરમેશ્વરનું નામ

શરૂઆતના જર્મન બાઇબલમાં પરમેશ્વરનું નામ

શરૂઆતના જર્મન બાઇબલમાં પરમેશ્વરનું નામ

પરમેશ્વરનું નામ ‘યહોવાહ’ જર્મન ભાષાના બાઇબલમાં સાત હજારથી વધારે વાર જોવા મળે છે. એ જર્મન ન્યૂ વર્લ્ડ ટ્રાન્સલેશન ઑફ ધ હોલી સ્ક્રિપ્ચર્સ બાઇબલ ૧૯૭૧માં બહાર પડ્યું હતું. * પરંતુ જર્મન ભાષાનું શું આ પહેલું બાઇબલ હતું જેમાં પરમેશ્વરનું નામ છે? ના, એવું લાગે છે કે લગભગ ૫૦૦ વર્ષ પહેલાં જર્મન બાઇબલમાં પરમેશ્વરના નામનો ઉલ્લેખ થયો હતો. રોમન કૅથલિક ધર્મગુરુ જોહાન ઍકે એનું ભાષાંતર કર્યું હતું.

જોહાન ઍકનો જન્મ ૧૪૮૬માં દક્ષિણ જર્મનીમાં થયો હતો. તે ૨૪ વર્ષ હતા ત્યારે ઈગંગલોસ્ટાઢ યુનિવર્સિટીમાં ધર્મના પ્રોફેસર બન્યા. તે ૧૫૪૩માં ગુજરી ગયા ત્યાં સુધી ધર્મના પ્રોફેસર હતા. જોહાન માર્ટિન લ્યુથરના સમયમાં જીવતા હતા. થોડો વખત તેઓ દોસ્ત પણ હતા. સમય જતા, લ્યુથર પ્રોટેસ્ટંટ ચર્ચમાં મહાન ગુરુ બન્યા. તે રોમન કૅથલિકની અમુક માન્યતાઓનો વિરોધ કરતા હતા, જ્યારે જોહાન ઍક રોમન કૅથલિક ચર્ચમાં સેવા આપતા હતા.

દક્ષિણ જર્મનીના એક રાજાએ ઍકને જર્મન ભાષામાં બાઇબલનું ભાષાંતર કરવાનું કામ સોંપ્યું. તેમનું બાઇબલ વર્ષ ૧૫૩૭માં બહાર પડ્યું હતું. કિર્લાઈકિસ હાન્દલેઝિકોન એન્સાઈક્લોપેડિયા મુજબ, ‘મૂળ લખાણોમાંથી જોહાને બાઇબલનું ભાષાંતર સ્પષ્ટ કર્યું હતું. તેથી, એ બાઇબલના જેટલા પણ વખાણ કરીએ એટલા ઓછા છે.’ ઍકના બાઇબલમાં નિર્ગમન ૬:૩ આ પ્રમાણે વંચાય છે: ‘હું પ્રભુ છું. સર્વસમર્થ ઈશ્વર તરીકે મેં ઈબ્રાહીમ, ઈસ્હાક, અને યાકૂબને દર્શન દીધું. અને મારું નામ એડોનાય, મેં હજુ તેઓને જણાવ્યું નથી.’ એ કલમના હાંસિયામાં ઍકે લખ્યું: ‘પ્રભુનું નામ યહોવાહ છે.’ બાઇબલના ઘણા વિદ્વાનોને લાગે છે કે જર્મન ભાષાના બાઇબલમાં પરમેશ્વરના નામનો અહીંયા પહેલી વખત ઉલ્લેખ થયો છે.

પરંતુ, હજારો વર્ષોથી લોકો પરમેશ્વરનું નામ જાણે છે અને વાપરે છે. આ નામ સૌથી પહેલાં હેબ્રી ભાષામાં હતું, જે બતાવે છે કે “યહોવાહ” એક્લા જ સાચા પરમેશ્વર છે. (પુનર્નિયમ ૬:૪) લગભગ બે હજાર વર્ષ પહેલાં ઈસુએ કહ્યું હતું કે તેમણે યહોવાહનું નામ પ્રગટ કર્યું છે. તેમના એ શબ્દો ગ્રીક ભાષામાં જોવા મળે છે. (યોહાન ૧૭:૬) આજ સુધી, પરમેશ્વરના નામનો ઘણી ભાષાઓમાં અનુવાદ કરવામાં આવ્યો છે. તેથી, બહુ જલદી જ એવો સમય આવશે જ્યારે ગીતશાસ્ત્ર ૮૩:૧૮ની કલમ પરિપૂર્ણ થશે. એમાં જણાવ્યું છે તેમ, ત્યારે સર્વ લોકો જાણશે કે જેનું નામ યહોવાહ છે તે જ આખી પૃથ્વી પર પરાત્પર ઈશ્વર છે.

[ફુટનોટ]

^ યહોવાહના સાક્ષીઓએ બહાર પાડ્યું છે. મૂળ અંગ્રેજીમાં ૧૯૬૧માં બહાર પડ્યું હતું. આજે એ આખું બાઇબલ કે અમુક ભાગોમાં ૫૦ કરતાં વધારે ભાષાઓમાં પ્રાપ્ય છે.

[પાન ૩૨ પર ચિત્ર]

જોહાન ઍકનું ૧૫૫૮નું બાઇબલ, એમાં નિર્ગમન ૬:૩ની બાજુના હાંસિયામાં યહોવાહનું નામ છે