ઈસુ ખ્રિસ્તને પગલે ચાલતા રહો
ઈસુ ખ્રિસ્તને પગલે ચાલતા રહો
“હું તેનામાં [પરમેશ્વરમાં] રહું છું, એમ જે કહે છે, તેણે જેમ તે [ઈસુ] ચાલ્યો તેમ જ ચાલવું જોઈએ.”—૧ યોહાન ૨:૬.
૧, ૨. ઈસુને લક્ષમાં રાખવાનો અર્થ શું થાય છે?
ઈશ્વર ભક્ત પાઊલે લખ્યું: “આપણે સારૂ ઠરાવેલી શરતમાં ધીરજથી દોડીએ. આપણે આપણા વિશ્વાસના અગ્રેસર તથા તેને સંપૂર્ણ કરનાર ઈસુની તરફ લક્ષ રાખીએ.” (હેબ્રી ૧૨:૧, ૨) વિશ્વાસથી ચાલતા રહેવા માટે આપણે ઈસુ તરફ નજર રાખીએ એ ખૂબ જરૂરી છે.
૨ ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રમાં ‘લક્ષ રાખીએ’ માટેના મૂળ ગ્રીક શબ્દોનો અર્થ છે: “કોઈ વસ્તુ પરથી પોતાનું ધ્યાન ભટકવા ન દેવું.” અથવા, “એક જ બાબત તરફ જોતા રહેવું.” એ વિષે વધારે જણાવતા એક શબ્દકોશ કહે છે: ‘બહુ જરૂરી છે કે હરીફાઈમાં કોઈ ગ્રીક દોડવીર સ્ટેડિયમમાં પોતાનું લક્ષ મંઝિલ તરફ જ રાખે. તે જો એક પલ માટે પણ ભીડ પર નજર નાંખે તો તરત જ તેની ગતિ ધીમી પડી જતી. ખ્રિસ્તીઓને પણ એવું જ થઈ શકે.’ જો આપણું ધ્યાન બિનજરૂરી બાબતો તરફ ભટકવા લાગે તો, સત્યમાં આપણી પ્રગતિ ધીમી પડી જશે. આથી, આપણે ઈસુ ખ્રિસ્ત તરફ જ લક્ષ રાખવું જોઈએ. આપણે શા માટે આપણા “અગ્રેસર” તરફ લક્ષ રાખવું જોઈએ? “અગ્રેસર” માટેના મૂળ ગ્રીક શબ્દનો અર્થ થાય છે, ‘મુખ્ય આગેવાન જે કોઈ પણ કામમાં બીજાઓને દોરે છે અને સારો દાખલો બેસાડે છે.’ તેથી, ઈસુ તરફ લક્ષ રાખવાનો અર્થ થાય કે આપણે તેમને અનુસરીએ, તેમના પગલે ચાલીએ.
૩, ૪. (ક) ઈસુના પગલે ચાલવા માટે આપણે શું કરવું જોઈએ? (ખ) કયા પ્રશ્નો પર વિચાર કરવો જોઈએ?
૩ બાઇબલ કહે છે: “હું તેનામાં [પરમેશ્વરમાં] રહું છું, એમ જે કહે છે, તેણે જેમ તે [ઈસુ] ચાલ્યો તેમ જ ચાલવું જોઈએ.” (૧ યોહાન ૨:૬) જે રીતે ઈસુએ તેમના પિતાની આજ્ઞાઓ પાળી હતી તેમ આપણે પણ તેમની આજ્ઞાઓ પાળવી જોઈએ.—યોહાન ૧૫:૧૦.
૪ ઈસુની જેમ ચાલવા માટે આપણે પ્રથમ તેમને મુખ્ય આગેવાન તરીકે ઓળખવા જોઈએ. પછી તેમના પગલે ચાલવા બનતી બધી કોશિશ કરવી જોઈએ. આપણે આ મહત્ત્વના પ્રશ્નો પર વિચાર કરવાની જરૂર છે: આજે ઈસુ આપણને કઈ રીતે દોરી રહ્યા છે? તેમના પગલે ચાલવાથી આપણા જીવન પર કેવી અસર પડશે? ઈસુના દાખલાને અનુસરવાથી આપણને કયા લાભો થશે?
ઈસુ કઈ રીતે તેમના શિષ્યોને દોરે છે
૫. સ્વર્ગમાં જતા પહેલાં ઈસુએ તેમના શિષ્યોને કયું વચન આપ્યું?
૫ સ્વર્ગમાં જતા પહેલાં, સજીવન થયેલા ઈસુ તેમના શિષ્યોને મળ્યા અને તેઓને મહત્ત્વનું કામ સોંપ્યું. ઈસુએ કહ્યું: “એ માટે તમે જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો.” આ કામ કરતી વખતે આપણા અગ્રેસર કે મુખ્ય આગેવાની લેનારા ઈસુએ શિષ્યોને વચન આપ્યું હતું કે તે હંમેશા તેઓની સાથે રહેશે. તેમણે કહ્યું: “જુઓ જગતના અંત સુધી હું સર્વકાળ તમારી સાથે છું.” (માત્થી ૨૮:૧૯, ૨૦) આજે દુનિયાના અંતના દિવસોમાં ઈસુ ખ્રિસ્ત કઈ રીતે તેમના લોકો સાથે છે?
૬, ૭. ઈસુ કઈ રીતે પવિત્ર આત્મા દ્વારા આપણને દોરે છે?
૬ ઈસુએ કહ્યું હતું: “સંબોધક [સહાયક], એટલે પવિત્ર આત્મા, જેને બાપ મારે નામે મોકલી દેશે, તે તમને બધું શીખવશે, અને મેં જે જે તમને કહ્યું તે બધું તે તમારા સ્મરણમાં લાવશે.” (યોહાન ૧૪:૨૬) આજે ઈસુના નામમાં જે પવિત્ર આત્મા મળે છે, એ આપણને માર્ગદર્શન અને શક્તિ આપે છે. અરે, એ આપણને સત્ય વિષે સમજણ પણ આપે છે જેથી આપણે ‘દેવના ઊંડા વિચારો’ સમજી શકીએ. (૧ કોરીંથી ૨:૧૦) વળી, “પવિત્ર આત્માનું ફળ પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, માયાળુપણું, ભલાઈ, વિશ્વાસુપણું, નમ્રતા તથા સંયમ છે.” એ બધા ઈશ્વરના સદ્ગુણો છે. (ગલાતી ૫:૨૨, ૨૩) પવિત્ર આત્માની મદદથી આપણે આ ગુણો કેળવી શકીએ.
૭ આપણે બાઇબલમાંથી શીખીએ અને એનું શિક્ષણ જીવનમાં ઉતારીએ, ત્યારે યહોવાહનો આશીર્વાદ આપણી બુદ્ધિ, સમજણ, જ્ઞાન અને વિવેકબુદ્ધિને વધારવા મદદ કરે છે. વળી એ નિર્ણયો લેવા પણ મદદ કરશે. (નીતિવચનો ૨:૧-૧૧) યહોવાહની શક્તિથી આપણે લાલચો અને સતાવણી સામે મક્કમ રહી શકીએ છીએ. (૧ કોરીંથી ૧૦:૧૩; ૨ કોરીંથી ૪:૭; ફિલિપી ૪:૧૩) ખ્રિસ્તીઓ તરીકે આપણે ‘દેહની તથા આત્માની સર્વ મલિનતાને દૂર કરીને સંપૂર્ણ પવિત્રતા સંપાદન’ કરવી જોઈએ. (૨ કોરીંથી ૭:૧) પવિત્ર આત્મા વગર આપણે તેમના ધોરણ મુજબ પવિત્ર કે શુદ્ધ બની શકતા નથી. આજે યહોવાહે તેમના પુત્ર ઈસુને આ પવિત્ર આત્માનો ઉપયોગ કરવાનો અધિકાર આપ્યો છે. ઈસુ આ પવિત્ર આત્મા દ્વારા આપણને દોરે છે.—માત્થી ૨૮:૧૮.
૮, ૯. “વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર” દ્વારા ઈસુ કઈ રીતે આપણને દોરી રહ્યાં છે?
૮ આજે ઈસુ બીજી કઈ રીતે મંડળને દોરે છે? જગતના અંત અને પોતાની હાજરી વિષે જણાવતા ઈસુએ કહ્યું: “જે ચાકરને તેના ધણીએ પોતાના ઘરનાંને વખતસર ખાવાનું આપવા સારૂ પોતાના ઘરનો કારભારી ઠરાવ્યો છે, તેવો વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર કોણ છે? જે ચાકરને તેનો ધણી આવીને એમ કરતો દેખે, તેને ધન્ય છે. હું તમને ખચીત કહું છું, કે તે તેને પોતાની બધી સંપત્તિનો કારભારી ઠરાવશે.”—માત્થી ૨૪:૩, ૪૫-૪૭.
૯ ‘ધણી’ ઈસુ ખ્રિસ્ત છે. “ચાકર,” સ્વર્ગમાં જવા પસંદ કરેલા અભિષિક્ત ખ્રિસ્તીઓ છે, જે હમણાં પૃથ્વી પર છે. ઈસુએ આ ચાકર વર્ગને જવાબદારી આપી છે કે તેઓ પૃથ્વી પરના ભક્તોનું ધ્યાન રાખે અને તેઓને વખતસર સત્યનો ખોરાક પીરસે. ‘વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકરના’ ટોળામાંથી અમુક ભાઈઓ નિયામક જૂથમાં કામ કરે છે. તેઓ આખા ચાકર વર્ગને રજૂ કરે છે. નિયામક જૂથ જગતભરના પ્રચાર કામને માર્ગદર્શન આપે છે. તેમ જ, આપણા વિશ્વાસને મજબૂત બનાવી રાખવા વખતસર સત્યનું જ્ઞાન આપે છે. આ રીતે, અભિષિક્ત ખ્રિસ્તીઓથી બનેલા “વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર” વર્ગ અને એના નિયામક જૂથ દ્વારા આજે ઈસુ ખ્રિસ્ત મંડળને દોરી રહ્યાં છે.
૧૦. વડીલો વિષે આપણે શું માનવું જોઈએ અને શા માટે?
૧૦ ઈસુ ખ્રિસ્ત મંડળના વડીલો કે નિરીક્ષકો દ્વારા પણ આપણને માર્ગદર્શન આપે છે. આ વડીલો કે નિરીક્ષકો “માણસોને દાન” છે. (એફેસી ૪:૮) એટલા માટે તેઓને નીમવામાં આવ્યા છે જેથી “ઈશ્વરનાં કામ પરિપૂર્ણ કરવા માટે પૂરા તૈયાર થાય અને તેઓ ખ્રિસ્તના શરીરરૂપી મંડળીને બાંધે તથા તેને દૃઢ અને પરિપક્વ બનાવે.” (એફેસી ૪:૧૧, ૧૨, IBSI) તેઓ વિષે હેબ્રી ૧૩:૭ કહે છે: ‘જેઓ તમારા આગેવાન છે, જેઓએ તમને દેવની વાત કહી છે, તેઓનું સ્મરણ કરો; અને તેઓના ચારિત્રનું પરિણામ જોઈને તેઓના વિશ્વાસનું અનુકરણ કરો.’ મંડળમાં વડીલો આગેવાની લે છે. તેઓ ઈસુ ખ્રિસ્તને અનુસરે છે, તેથી આપણે પણ તેઓનો સારો દાખલો અનુસરવો જોઈએ. (૧ કોરીંથી ૧૧:૧) આપણે “માણસોને દાન” એવા વડીલોના માર્ગદર્શન મુજબ ચાલીએ, તેઓને આધીન રહીએ ત્યારે ઈસુની આ ગોઠવણ માટે કદર બતાવીએ છીએ.—હેબ્રી ૧૩:૧૭.
૧૧. આજે ખ્રિસ્ત કઈ રીતે આપણને દોરી રહ્યાં છે? ખ્રિસ્તના પગલે ચાલવામાં શાનો સમાવેશ થાય છે?
૧૧ હા, ઈસુ ખ્રિસ્ત આજે તેમના શિષ્યોને ત્રણ રીતોએ દોરે છે: પવિત્ર આત્મા, “વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર” અને મંડળના વડીલો દ્વારા. ઈસુના પગલે ચાલવા માટે આ ગોઠવણોને બરાબર સમજીને એને સ્વીકારવી ખૂબ જરૂરી છે. એટલું જ નહિ, આપણે તેમની જેમ જીવનમાં ચાલીએ એ પણ ખૂબ જરૂરી છે. ઈશ્વરભક્ત પીતરે કહ્યું: “એને માટે તમને તેડવામાં આવ્યા છે; કેમ કે ખ્રિસ્તે પણ તમારે માટે સહન કર્યું, અને તમે તેને પગલે ચાલો, માટે તેણે તમોને નમૂનો આપ્યો છે.” (૧ પીતર ૨:૨૧) ઈસુના સંપૂર્ણ દાખલાને અનુસરવાની આપણા પર કેવી અસર થવી જોઈએ?
અધિકાર યોગ્ય રીતે ચલાવો
૧૨. કઈ બાબતમાં મંડળના વડીલોએ ઈસુને પગલે ચાલવા પર ખાસ ધ્યાન આપવું જોઈએ?
૧૨ યહોવાહે બીજી કોઈ વ્યક્તિ કરતાં, ઈસુને સૌથી મોટો અધિકાર આપ્યો હતો. તેમ છતાં, અધિકાર વાપરતી વખતે ઈસુ હંમેશા લોકો સાથે ધીરજ અને માયાળુપણે વર્ત્યા. મંડળમાં સર્વએ, ખાસ કરીને વડીલોએ ધ્યાન રાખવું જોઈએ જેથી તેઓની “સહનશીલતા સર્વ માણસોના જાણવામાં આવે.” (ફિલિપી ૪:૫; ૧ તીમોથી ૩:૨, ૩) મંડળના વડીલોને અમુક હદ સુધી અધિકાર આપવામાં આવ્યો છે. તેથી, એ ખૂબ મહત્ત્વનું છે કે તેઓ અધિકાર ચલાવતી વખતે ઈસુને પગલે ચાલે.
૧૩, ૧૪. ઈશ્વરની સેવા કરતા રહેવા ઉત્તેજન આપતી વખતે વડીલો કઈ રીતે ઈસુને અનુસરી શકે?
૧૩ ઈસુ તેમના શિષ્યોની મર્યાદા જાણતા હતા. આથી, તેમણે શિષ્યો પાસે એવી જરાય અપેક્ષા ન રાખી જે તેઓના ગજા બહાર હતી. (યોહાન ૧૬:૧૨) ઈસુએ કોઈ દબાણ વગર, તેમના શિષ્યોને ઈશ્વરના કામમાં ‘યત્ન કરવાનું’ ઉત્તેજન આપ્યું. (લુક ૧૩:૨૪) યત્ન કરવામાં તેમણે પોતે દાખલો બેસાડ્યો અને શિષ્યોને પણ એમ જ કરવા પ્રેમથી ઉત્તેજન આપ્યું. એ જ રીતે, આજે વડીલો કોઈને શરમાવીને યહોવાહની સેવા કરાવતા નથી. એના બદલે, તેઓ ઉત્તેજન આપે છે કે આપણે યહોવાહ, ઈસુ અને લોકો માટેના પ્રેમને લીધે સેવા કરતા રહીએ.—માત્થી ૨૨:૩૭-૩૯.
૧૪ ઈસુએ લોકો પર જોરજુલમથી રાજ કરવા પોતાને આપવામાં આવેલા અધિકારનો ઉપયોગ કર્યો ન હતો. તેમણે તેઓ માટે એવાં ધોરણો પણ નક્કી ન કર્યા કે જેને તેઓ પહોંચી જ ન શકે. તેમણે હજારો નિયમો આપ્યા નહિ. એને બદલે, મુસા દ્વારા જે નિયમો લોકોને મળ્યા હતા, એમાંથી સિદ્ધાંત લઈને ઈસુએ એટલી સરસ રીતે સમજાવ્યું કે તેઓ એને ખુશી ખુશી પાળવા પ્રેરાયા. (માત્થી ૫:૨૭, ૨૮) આજે, વડીલો પણ ઈસુને અનુસરીને મન ફાવે એવા નિયમો બનાવતા નથી. તેમ જ એમ પણ કહેતા નથી કે મારો જ કક્કો ખરો. જ્યારે પહેરવેશ, શણગાર કે મનોરંજનની વાત આવે છે ત્યારે, વડીલો મીખાહ ૬:૮; ૧ કોરીંથી ૧૦:૩૧-૩૩ અને ૧ તીમોથી ૨:૯, ૧૦ જેવી કલમોમાંથી સિદ્ધાંતો લઈને ભાઈબહેનોના દિલ સુધી પહોંચવા કોશિશ કરે છે.
હમદર્દી બતાવો અને એકબીજાને માફ કરો
૧૫. શિષ્યોએ અનેક ભૂલો કરી ત્યારે ઈસુએ શું કર્યું?
૧૫ ઈસુના શિષ્યોએ અનેક ભૂલો કરી ત્યારે ઈસુ જે રીતે વર્ત્યા, એ પણ આપણા માટે એક સારો દાખલો છે. પૃથ્વી પર ઈસુની આખરી રાતના બે બનાવો પર વિચાર કરો. ગેથસેમાને બાગમાં પહોંચ્યા પછી ઈસુ “પીતર, યાકૂબ તથા યોહાનને” પોતાની સાથે લઈ ગયા અને તેઓને કહ્યું: “અહીં રહીને જાગતા રહો.” પછી ઈસુએ ‘થોડે આગળ જઈને ભોંય પર પડીને પ્રાર્થના કરી.’ તે શિષ્યો પાસે પાછા ગયા ત્યારે ‘તેઓ ઊંઘતા’ હતા. ઈસુએ શું કર્યું? તેમણે કહ્યું: “આત્મા તત્પર છે ખરો, પણ દેહ અબળ છે.” (માર્ક ૧૪:૩૨-૩૮) પીતર, યાકૂબ અને યોહાનને ઠપકો આપવાને બદલે, ઈસુએ હમદર્દી બતાવી. એ જ રાતે પીતરે ત્રણ વાર ઈસુને ઓળખવાનો નકાર કર્યો. (માર્ક ૧૪:૬૬-૭૨) એ પછી ઈસુ, પીતર સાથે કઈ રીતે વર્ત્યા? ‘પ્રભુ ખરેખર ઊઠ્યા છે, અને તેમણે સીમોનને એટલે પીતરને દર્શન આપ્યું.’ (લુક ૨૪:૩૪) બાઇબલ કહે છે કે “કેફાસને તેનું દર્શન થયું, પછી બારેને થયું.” (૧ કોરીંથી ૧૫:૫) માઠું લગાડવાને બદલે ઈસુએ પીતરનો પસ્તાવો સ્વીકાર્યો અને તેમને માફ કર્યા. તેમને ખૂબ ઉત્તેજન પણ આપ્યું. થોડા સમય બાદ, ઈસુએ પીતરને ખૂબ મોટી જવાબદારી પણ સોંપી.—પ્રેરિતોનાં કૃત્યો ૨:૧૪; ૮:૧૪-૧૭; ૧૦:૪૪, ૪૫.
૧૬. જો કોઈ ભાઈ-બહેન આપણું મનદુઃખ કરે તો, આપણે કઈ રીતે ઈસુની જેમ વર્તી શકીએ?
૧૬ આપણે બધા અપૂર્ણ છીએ, ભૂલને પાત્ર છીએ. તેથી, જો કોઈ ભાઈ-બહેન આપણું મન દુઃખી કરે, તો શું આપણે ઈસુની જેમ તેઓને હમદર્દી ન બતાવવી જોઈએ? તેઓને માફ ન કરવા જોઈએ? પીતરે સાથી ખ્રિસ્તીઓને અરજ કરતા કહ્યું: “તમે સર્વ એક મનનાં, બીજાના સુખદુઃખમાં ભાગ લેનારાં, ભાઈઓ પર પ્રીતિ રાખનારાં, કરુણાળુ તથા નમ્ર થાઓ. ભૂંડાઈને બદલે ભૂંડાઈ ને નિંદાને બદલે નિંદા ન કરો; પણ તેથી ઊલટું આશીર્વાદ આપો.” (૧ પીતર ૩:૮, ૯) હવે માની લો કે કોઈ ભાઈ કે બહેને આપણને દુઃખ પહોંચાડ્યું હોય અને તે ઈસુના જેમ હમદર્દી ન બતાવે કે માફી ન બક્ષે તો શું? એવા સંજોગમાં પણ આપણી ફરજ છે કે આપણે ઈસુની જેમ વર્તીએ.—૧ યોહાન ૩:૧૬.
યહોવાહના રાજ્યને પ્રથમ રાખો
૧૭. શું બતાવે છે કે ઈસુએ તેમના જીવનમાં ઈશ્વરનું કામ પહેલું રાખ્યું?
૧૭ આપણે બીજી કઈ રીતે ઈસુની જેમ ચાલવાની જરૂર છે? ઈશ્વરના રાજ્ય વિષે ખુશખબરી ફેલાવીને. એ કામ ઈસુએ જીવનમાં હંમેશા પ્રથમ રાખ્યું. સમરૂનના સૈખાર નામના એક શહેરમાં, સમરૂની સ્ત્રીને પ્રચાર કર્યા પછી, ઈસુએ તેમના શિષ્યોને કહ્યું: “જેણે મને મોકલ્યો છે, તેની ઇચ્છા પૂરી કરવી, અને તેનું કામ પૂર્ણ કરવું, એ મારૂં અન્ન છે.” (યોહાન ૪:૩૪) યહોવાહનું કામ કરવાથી ઈસુને જાણે જીવનશક્તિ મળતી. એ કામ ખોરાકની જેમ તેમને મજબૂત રાખતો અને એનાથી તેમને બહુ જ સંતોષ મળતો. જો આપણે ઈસુને અનુસરીએ અને યહોવાહનું કામ પ્રથમ રાખીએ, તો શું આપણને જીવનમાં સંતોષ નહિ મળે?
૧૮. બાળકોને પૂરા સમયની સેવા કરવાનું ઉત્તેજન આપવાથી કેવા આશીર્વાદો મળે છે?
૧૮ માબાપ પોતાનાં બાળકોને પૂરા સમયની સેવા કરવાનું ઉત્તેજન આપે છે ત્યારે, તેઓને અને બાળકોને ખૂબ આશીર્વાદો મળે છે. બે જોડિયાં બાળકોના પિતા, નાનપણથી જ તેઓને પાયોનિયર સેવાનો ધ્યેય રાખવા ઉત્તેજન આપતા. આ બંને છોકરાઓ ભણતર પૂરું કર્યા પછી તરત જ પાયોનિયરીંગ કરવા લાગ્યા. એ જોઈને પિતાની ખુશીનો પાર ન રહ્યો. એના વિષે તે કહે છે: ‘અમારા દીકરાઓએ અમને જરાય નિરાશ કર્યા નથી. અમે ખુશીથી કહી શકીએ છીએ કે “છોકરાં તો યહોવાહનું આપેલું ધન છે.”’ (ગીતશાસ્ત્ર ૧૨૭:૩) પૂરા સમયની સેવા કરવાથી બાળકોને કેવા લાભ થાય છે? પાંચ બાળકોની મા કહે છે: ‘પાયોનિયરીંગ કરવાથી મારાં બાળકો યહોવાહ સાથે પાક્કી દોસ્તી બાંધી શક્યા. તેઓ હવે વધુ સારી રીતે બાઇબલનો અભ્યાસ કરે છે. તેઓ સમયનો સારો ઉપયોગ કરે છે, અને જીવનમાં ભક્તિને પ્રથમ મૂકતા શીખ્યા છે. ખરું કે એ કરવા પાંચેય બાળકોને ખૂબ ફેરફારો કરવા પડ્યા છે, પણ કોઈને એમ નથી લાગતું કે તેમણે ખોટો માર્ગ પસંદ કર્યો છે.’
૧૯. યુવાનોએ ભાવિ વિષે શું વિચારવું જોઈએ?
૧૯ યુવાનો, તમે ભાવિમાં શું કરવા ચાહો છો? શું તમે કોઈ દુન્યવી કારકિર્દીમાં આગળ વધવા ચાહો છો? કે પછી પૂરો સમય યહોવાહની સેવાની ઇચ્છા રાખો છો? પાઊલે કહ્યું: “કાળજીપૂર્વક સંભાળ રાખો કે તમે નિર્બુદ્ધની પેઠે નહિ, પણ ડાહ્યા માણસની પેઠે, ચાલો; સમયનો સદુપયોગ કરો, કેમ કે દહાડા ભૂંડા છે. એ માટે અણસમજુ ન થાઓ, પણ પ્રભુની ઇચ્છા શી છે તે સમજો.”—એફેસી ૫:૧૫-૧૭.
યહોવાહ અને સાચા ભક્તોને વળગી રહો
૨૦, ૨૧. ઈસુ કઈ રીતે યહોવાહ અને તેમના શિષ્યોને વળગી રહ્યા અને આપણે કઈ રીતે આ બાબતમાં તેમને પગલે ચાલી શકીએ?
૨૦ ઈસુની જેમ ચાલવું હોય તો, આપણે તેમની જેમ યહોવાહને વળગી રહેવું જોઈએ. ઈસુ વિષે બાઇબલ કહે છે: ‘ખ્રિસ્ત પોતે દેવના રૂપમાં છતાં, તેણે દેવ સમાન હોવાનું પકડી રાખવાને ઇચ્છયું નહિ, પણ તેણે દાસનું રૂપ ધારણ કરીને, એટલે માણસોના રૂપમાં આવીને પોતાને ખાલી કર્યો; અને માણસના આકારમાં પ્રગટ થઈને મરણને, હા, વધસ્તંભના મરણને આધીન થઈને પોતાને નમ્ર કર્યો.’ ઈસુએ હંમેશા યહોવાહની ઇચ્છા પૂરી કરી અને સર્વને બતાવી આપ્યું કે યહોવાહ જ વિશ્વના રાજા બનવા લાયક છે. તે એટલી હદ સુધી યહોવાહને વળગી રહ્યા કે તેમણે સ્તંભ પર રિબાઈ રિબાઈને મરવું પડ્યું. આપણે પણ ‘ખ્રિસ્ત ઈસુ જેવું મન રાખીને’ યહોવાહને વળગી રહેવું જોઈએ અને તેમની ઇચ્છા પૂરી કરવી જોઈએ.—ફિલિપી ૨:૫-૮.
૨૧ ઈસુએ તેમના શિષ્યોનો સાથ પણ કદી છોડ્યો નહિ. ભલે તેઓ ભૂલને પાત્ર હતા અને નબળા હતા, ઈસુએ “અંત સુધી” તેઓને પ્રેમ કર્યો. (યોહાન ૧૩:૧) આપણે પણ ભાઈ-બહેનોની ભૂલો જોઈને તેઓ વિષે કચકચ કરવી જોઈએ નહિ, પણ તેઓને પ્રેમ કરતા રહેવું જોઈએ.
ઈસુના દાખલાને અનુસરો
૨૨, ૨૩. ઈસુએ બેસાડેલા દાખલા મુજબ ચાલવાથી કયા લાભો મળે છે?
૨૨ આપણે બધા ભૂલને પાત્ર હોવાથી, સંપૂર્ણ રીતે ઈસુના પગલે ચાલી શકતા નથી. તેમ છતાં, આપણે બને તેમ ચાલવા પૂરી કોશિશ કરી શકીએ છીએ. એમ કરવા માટે આપણે એ સમજવું પડશે કે ઈસુ કઈ ગોઠવણો દ્વારા આપણી આગેવાની લઈ રહ્યા છે. પછી એને સ્વીકારીને આધીન રહેવું જોઈએ. સાથે સાથે તેમણે બેસાડેલા દાખલા મુજબ ચાલવા સખત મહેનત કરવી જોઈએ.
૨૩ ઈસુને પગલે ચાલવાથી આપણને ઘણા આશીર્વાદો મળે છે. આપણે મન ફાવે તેમ કરવાને બદલે યહોવાહનું કામ પૂરું કરવા ચાહીએ છીએ ત્યારે જીવનમાં સાચું સુખ મળે છે. (યોહાન ૫:૩૦; ૬:૩૮) યહોવાહનું કામ કરવાથી આપણને મનની શાંતિ મળશે. બીજા લોકો માટે પણ આપણે સારો દાખલો બેસાડીશું. જેઓ દુઃખથી ત્રાસી ગયા હતા અને બોજથી કચડાયેલા હતા, તેઓને રાહત આપવા માટે ઈસુએ પોતાની નજીક બોલાવ્યા. (માત્થી ૧૧:૨૮-૩૦) આપણે ઈસુને પગલે ચાલીએ છીએ ત્યારે આપણી સંગતથી બીજા ભાઈ-બહેનોને પણ રાહત મળે છે. તો ચાલો આપણે સર્વ ઈસુને પગલે ચાલતા રહીએ.
તમને યાદ છે?
• ખ્રિસ્ત આજે કઈ રીતે આપણને દોરી રહ્યા છે?
• ઈશ્વર તરફથી મળેલા અધિકારનો ઉપયોગ કરતી વખતે વડીલો કઈ રીતે ખ્રિસ્તના દાખલાને અનુસરી શકે?
• ભાઈ-બહેનો ભૂલ કરે ત્યારે ઈસુનો દાખલો કઈ રીતે આપણને મદદ કરી શકે?
• યુવાનો કઈ રીતે યહોવાહનું કામ જીવનમાં પ્રથમ મૂકી શકે?
[અભ્યાસ પ્રશ્નો]
[પાન ૨૩ પર ચિત્ર]
વડીલો આપણને ખ્રિસ્તની આગેવાની સ્વીકારવા મદદ કરે છે
[પાન ૨૪, ૨૫ પર ચિત્રો]
યુવાનો, ભાવિ માટે તમે યહોવાહની સેવામાં શું કરવાની યોજના કરો છો?