સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પોંતિયસ પિલાત કોણ હતો?

પોંતિયસ પિલાત કોણ હતો?

પોંતિયસ પિલાત કોણ હતો?

‘પિલાત વિષે લોકો જાતજાતની વાતો કરે છે. તેને મજાક કરતો, શંકા કરતો બતાવવામાં આવે છે. અમુક તેને સંત માને છે. જ્યારે કે અમુક તેને એવો માણસ ગણે છે, જેણે સત્તા પકડી રાખવા એક માણસને કુરબાન કરી દીધો.’—પોંતિયસ પિલાત, એન રો.

તમે પણ પોંતિયસ પિલાત વિષે આવું કંઈક માનતા હશો. એક વાત ચોક્કસ છે કે તેણે ઈસુ ખ્રિસ્ત સાથે જે રીતે વર્તાવ કર્યો, એને કારણે તે જાણીતો થઈ ગયો. પિલાત કોણ હતો? તેના વિષે શું જાણીતું છે? એની સત્તા વિષે જાણીને, આપણને દુનિયામાં બનેલા ખાસ બનાવોની વધારે સારી સમજણ પડશે.

સત્તા અને ફરજ

રૂમી સમ્રાટ તિબેરિયસે ઈસવીસન ૨૬માં પિલાતને યહુદાહનો ગવર્નર બનાવ્યો. આવા અધિકારીઓ ઘોડેસવારોની ક્લબના નીચલા વર્ગના હતા. ઊંચા વર્ગના અધિકારીઓ હજુ વધારે ધનવાન અને વધારે સત્તાવાળા હતા. પિલાત કદાચ નીચલા વર્ગના અધિકારી તરીકે ફોજમાં જોડાયો હશે. એક પછી એક મિશનમાં સફળતા મળ્યા પછી તેની સત્તા વધી. અરે, તે ૩૦ વર્ષનો થયો એ પહેલાં, ગવર્નર બની ગયો.

પિલાત લડાઈમાં જતો હતો ત્યારે, છાતી પર બખતર અને બાંય વિનાના ચામડાના ડગલા જેવાં લશ્કરી કપડાં પહેરતો હતો. પરંતુ જનતા સામે હાજર થતી વખતે તે જાંબલી રંગની કિનારીવાળો સફેદ ઝભ્ભો પહેરતો હતો. ચકાચક દાઢી અને વાળ ઝીણા ઝીણા કાપેલા હતા. અમુક માને છે કે તે સ્પેઇનનો હતો. પણ તેનું નામ બતાવે છે કે તે દક્ષિણ ઇટાલીના સેમ્નાઈટ ખાનદાનના પોન્તી કુળનો હતો.

પિલાત જેવા અધિકારીઓને માથાભારે પ્રજાનું રાજ આપવામાં આવતું. રૂમીઓ માટે યહુદાહ એક એવો જ વિસ્તાર હતો. પિલાતે ત્યાં કાયદા-કાનૂનનું પાલન થાય એની સાથે સાથે જાતજાતના કરવેરા બરાબર લેવાય, એ પર પણ નજર રાખવાની હતી. નાની-નાની વાતોનો ન્યાય યહુદી અદાલતમાં થતો. મોતની સજાને લાયક ગુનાનો ફેંસલો સર્વોચ્ચ અદાલતમાં એટલે કે ગવર્નર પાસે જતો.

પિલાત અને તેની પત્ની દરિયા કિનારે આવેલા કાઈસારીઆ શહેરમાં રહેતા હતા. તેઓ સાથે અમુક લેખકો, મિત્રો અને સંદેશાની આપલે કરનારાનો સ્ટાફ પણ હતો. પિલાત ૫૦૦થી ૧,૦૦૦ સૈનિકોવાળા પાંચ લશ્કરનો અધિકારી હતો. તેની પાસે પાંચસો જેટલા ઘોડેસવારોનું લશ્કર પણ હતું. તેના સૈનિકો કાયદો તોડનારાને મોતને ઘાટ ઉતારી દેતા. સામાન્ય રીતે ગુનેગારનું ટૂંકમાં સાંભળ્યા પછી તેની કતલ કરવામાં આવતી. પણ ધાંધલ-ધમાલ વખતે તો ગુનેગારોને એકસાથે ત્યાં ને ત્યાં જ પતાવી દેવાતા. જેમ કે, સ્પાર્ટેકસ દ્વારા થયેલા બળવાને કાબૂમાં લાવવા રૂમીઓએ ૬,૦૦૦ ગુલામોને મોતની સજા કરી. યહુદાહમાં જોખમ ઊભું થાય તો, ગવર્નર સીરિયાના મોટા અધિકારીની મદદ લઈ શકતો, જેની પાસે બહુ મોટા લશ્કરો હતા. પરંતુ પિલાતના શાસનના મોટા ભાગના સમયે તો સીરિયાનો અધિકારી હાજર ન હતો. એટલે પિલાતે જ ગમે તેવી ધમાલને પણ જલદી કાબૂમાં લાવવી પડતી.

ગવર્નરોએ રૂમી સમ્રાટને નિયમિત બધી ખબર આપતા રહેવાની હતી. સમ્રાટને કે રૂમી રાજને કોઈ જોખમ ઊભું થાય એવી બાબતો તરત જ રિપોર્ટ કરવાની હતી, જેથી એનો કંઈ રસ્તો નીકળે. કોઈ પણ બનાવની ફરિયાદ બીજું કોઈ કરે એ પહેલાં, ગવર્નર પોતાનો રિપોર્ટ સમ્રાટને પહોંચાડવા ઉતાવળો થતો. યહુદાહમાં મુશ્કેલીઓના વાદળ ઘેરાઈ રહ્યા હતા, એટલે પિલાતને એની ચિંતા કોરી ખાતી હતી.

પિલાત વિષે માત્થી, માર્ક, લુક અને યોહાનમાંથી જાણવા મળે છે. તેમ જ ફ્લેવીઅસ જોસેફસ અને ફાઈલો નામના ઇતિહાસકારો પણ જણાવે છે. રૂમી ઇતિહાસકાર ટેસીટસ પણ જણાવે છે કે પિલાતે ખ્રિસ્તને મારી નાખ્યા, જેમના પરથી ખ્રિસ્તીઓ નામ આવ્યું.

યહુદીઓને ઉશ્કેરવામાં આવ્યા

જોસેફસના કહેવા પ્રમાણે, રૂમી ગવર્નરોને ખબર હતી કે યહુદીઓને મૂર્તિઓ જરાય ગમતી ન હતી. એટલે લશ્કરના નિયમ પ્રમાણે, મોટા ભાગના ગવર્નરો યરૂશાલેમમાં સમ્રાટની મૂર્તિ લઈ ન જતા. પણ પિલાતને એવી કશીય પડી ન હતી. એટલે ગુસ્સે ભરાયેલા યહુદીઓ ફરિયાદ કરવા કાઈસારીઆ દોડી ગયા. પિલાતે પાંચ દિવસ કંઈ ન કર્યું. છઠ્ઠે દિવસે પિલાતે પોતાના સૈનિકોને હુકમ કર્યો કે તેઓને ઘેરી લો. જો તેઓ પાછા ન હઠે તો તેઓને મારી નાખો. યહુદીઓએ કહ્યું કે તેઓ જાન કુરબાન કરશે, પણ નિયમ નહિ તોડે. આખરે, પિલાતે નમતું જોખવું પડ્યું અને મૂર્તિઓ ખસેડી લેવાની આજ્ઞા કરી.

પિલાત બળજબરી કરી જાણતો હતો. જોસેફસે એક બનાવની નોંધ કરી. એક વાર પિલાતે યરૂશાલેમમાં પાણી લાવવા નહેરનું કામ શરૂ કર્યું. એ માટે મંદિરના ખજાનામાંથી પૈસા વાપર્યા. પિલાતે પૈસા બળજબરીથી લઈ લીધા ન હતા, કેમ કે તે જાણતો હતો કે મંદિર લૂંટવું, એ ખોટું હતું. એનાથી યહુદીઓ તિબેરિયસ પાસે દોડી જાત, અને પછી જવાબ આપવો ભારે પડી જાત. તેથી, પિલાતે પૈસા લેતા પહેલાં મંદિરના અધિકારીની રજા લીધી હતી. વળી, જે પૈસા “કુરબાન” એટલે કે દાનમાં આપી દીધેલા ગણાતા, એ શહેરના લોકોના ફાયદા માટે વાપરવા કંઈ ખોટું ન હતું. તોપણ હજારો યહુદીઓ વિરોધ કરવા ભેગા થયા.

પિલાતે ચાલાકીથી પોતાના સૈનિકોને ટોળામાં ભળી જવા હુકમ કર્યો. પછી, વિરોધ કરનારાને તરવારને બદલે દંડાથી મારવા જણાવ્યું. તે ટોળામાં કોઈની પણ કતલ કર્યા વિના એને કાબૂમાં લેવા માંગતો હતો. ખરું કે એમ બન્યું તોપણ, અમુક માર્યા ગયા. ઈસુને કોઈકે જણાવ્યું હતું કે પિલાતે ગાલિલીના લોકોનું લોહી યજ્ઞોમાં ભેળવી દીધું હતું. એ વ્યક્તિ આ બનાવ વિષે જણાવતી હોય શકે.—લુક ૧૩:૧.

“સત્ય શું છે?”

પિલાત કઈ રીતે મશહૂર થઈ ગયો? એક વાર યહુદી યાજકો અને વડીલો પિલાત પાસે એક કેસ લાવ્યા. તેઓનું કહેવું હતું કે ઈસુ પોતાને રાજા માને છે. પિલાતે ઈસુની સત્યને પ્રગટ કરવાની વાત સાંભળી ને જોયું કે તેમના કારણે રૂમી સત્તાને કંઈ આંચ આવવાની નથી. તેણે ઈસુને પૂછ્યું કે “સત્ય શું છે?” પિલાતને લાગ્યું કે સત્યની ફિલસૂફી કોણ પામી શકે? આખરે તેણે કહ્યું કે “આ માણસમાં મને કંઈ અપરાધ જણાતો નથી.”—યોહાન ૧૮:૩૭, ૩૮; લુક ૨૩:૪.

ઈસુ પરના આરોપનો આ સીધો જ જવાબ હતો. છતાંયે, યહુદીઓએ આરોપ મૂક્યો કે ઈસુ રાજસત્તાને ઊથલાવવા પ્રયત્ન કરતા હતા. પિલાતને ખબર હતી કે ઈસુ પર આરોપ મૂકવાનું કારણ યાજકની અદેખાઈ હતી. પિલાતને એ પણ ખબર હતી કે જો પોતે ઈસુને છોડી મૂકશે, તો મોટી તકલીફ ઊભી થશે. તે એવું કરવા માંગતો ન હતો. ઘણી જ તકલીફો થઈ ચૂકી હતી. બારાબાસ અને બીજાઓ હુલ્લડ અને ખૂનના ગુનાને કારણે કેદ હતા. (માર્ક ૧૫:૭, ૧૦; લુક ૨૩:૨) યહુદીઓ સાથે થયેલા ઝઘડાઓને કારણે આમેય પિલાતનું નામ બગડ્યું જ હતું. સમ્રાટ તિબેરિયસ જો ગવર્નરો સારા ન હોય તો તેઓ સાથે કડકાઈથી વર્તતો. તોપણ, યહુદીઓ સામે નમતું જોખવાનું પિલાતને સારું ન લાગ્યું. એટલે તે મુશ્કેલીનો ઉકેલ શોધવા લાગ્યો.

પિલાતે સાંભળ્યું કે ઈસુ ગાલિલીના છે. એટલે તેણે ત્યાંના અધિકારી હેરોદ આંતિપસને માથે જવાબદારી ઢોળી દેવાનો પ્રયત્ન કર્યો. એ પણ કામ ન આવ્યું. પછી, તેણે બીજી રીત અજમાવી. પાસ્ખાપર્વ પર કોઈ કેદીને આઝાદ કરી શકાતો. તેને લાગ્યું કે મહેલ બહાર ઊભેલું ટોળું ઈસુની માંગ કરશે. પણ લોકોએ તો બારાબાસને છોડી દેવાની માંગ કરી.—લુક ૨૩:૫-૧૯.

પિલાત ખરો નિર્ણય લેવા માંગતો હોય શકે. પરંતુ, તે લોકોને રાજી રાખીને પોતાની ખુરશી પણ પકડી રાખવા માંગતો હતો. આખરે તેણે મન મારીને, ન્યાયને એક બાજુએ મૂકીને પોતાની સત્તા સાચવી. તેણે પાણી મંગાવ્યું ને એમાં પોતાના હાથ ધોયા. તેણે દાવો કર્યો કે પોતે આ મોતથી નિર્દોષ છે, જેની મંજૂરી તેણે આપી. * પિલાત માનતો હતો કે ઈસુ નિર્દોષ હતા. તોપણ, તે ઈસુને કોરડા મરાવે છે. સૈનિકોને ઈસુની મશ્કરી કરવા દે છે. મારવા દે છે. અરે, તેમના પર થૂંકવા પણ દે છે.—માત્થી ૨૭:૨૪-૩૧.

પિલાતે ફરી એક વાર ઈસુને આઝાદ કરવાનો પ્રયત્ન કરી જોયો. લોકોએ બૂમો પાડીને કહ્યું કે જો તે એમ કરશે તો તે કાઈસારનો મિત્ર નથી. (યોહાન ૧૯:૧૨) એ સાંભળીને પિલાતે લોકોની વાત માની લીધી. પિલાતના નિર્ણય વિષે એક વિદ્વાને કહ્યું કે ‘એક માણસને મારી નાખવો સહેલું હતું. એક સામાન્ય યહુદી માણસનું જીવન જશે એટલું જ ને? એને માટે લોકોને નારાજ કરવા, મૂર્ખામી કહેવાય.’

પિલાતનું શું થયું?

પિલાત વિષેની છેલ્લી નોંધ બીજી એક ધમાલના બારામાં છે. જોસેફસ કહે છે કે અસંખ્ય સમરૂનીઓ હથિયાર લઈને ગેરેઝીમ પર્વત પાસે ભેગા થયા હતા. તેઓ માનતા હતા કે મુસાએ ત્યાં ખજાનો દાટ્યો હતો. તેઓ એ ખજાનો શોધતા હતા. પિલાત લશ્કર લઈને પહોંચી ગયો અને કેટલાકની કતલ કરી નાખી. સમરૂનીઓએ સીરિયાના ગવર્નર લુસિઅસ વેતેલિઅસને ફરિયાદ કરી, જે પિલાતનો અધિકારી હતો. તેને પિલાત વિષે કેવું લાગ્યું, એ આપણે નથી જાણતા. પણ તેણે પિલાતને રોમ જઈ સમ્રાટને રિપોર્ટ આપવાનો હુકમ કર્યો. જોકે પિલાત એમ કરે એ પહેલાં, તિબેરિયસનું મરણ થયું.

એક લખાણ મુજબ, ‘ત્યાર પછી પિલાત વિષે ઇતિહાસ કશું જણાવતો નથી. તેની ઘણી દંતકથાઓ સાંભળવા મળે છે.’ ઘણા જાતજાતની માહિતી અને અફવા ફેલાવે છે. કહેવામાં આવે છે કે પિલાત ખ્રિસ્તી બન્યો હતો. ઇથિયોપિયાના ‘ખ્રિસ્તીઓએ’ તેને “સંત” બનાવ્યો. ત્રીજી-ચોથી સદીમાં યુસિબસ ઇતિહાસકારે લખ્યું કે પિલાતે યહુદા ઇસ્કારીઓતની જેમ આપઘાત કર્યો હતો. એના પછી બીજા ઘણા ઇતિહાસકારોએ પણ આમ જ લખ્યું હતું. હકીકતમાં પિલાતનું શું થયું એ ખબર નથી.

પિલાત જિદ્દી, મિજાજી અને કઠોર હોય શકે. પણ તે યહુદાહમાં દસ વર્ષ સત્તા પર રહ્યો, જ્યારે કે બીજા ગવર્નરો એટલું ટક્યા ન હતા. એટલે રૂમીઓની નજરે તે બરાબર હતો. તેને કાયર કહેવામાં આવ્યો, કેમ કે તેણે પોતાને બચાવવા ઈસુને મરાવી નાખ્યા. અમુક કહેશે કે અદલ ન્યાય કરવો એ પિલાતની પહેલી ફરજ ન હતી. પણ રૂમી રાજમાં શાંતિ જાળવી રાખીને એને નુકસાન ન થાય એ જોવાનું તેનું પહેલું કામ હતું.

પિલાતનો સમય આપણા સમય કરતાં બહુ જ અલગ છે. તોપણ, ન્યાયને ત્રાજવે કોઈ જજસાહેબ નિર્દોષને દોષી નહિ ઠરાવી શકે. ઈસુનો કેસ પિલાતના જીવનમાં ન આવ્યો હોત તો, પોંતિઅસ પિલાત ઇતિહાસનાં પુસ્તકોમાંનું એક મામૂલી નામ હોત.

[ફુટનોટ]

^ કોઈનું લોહી પોતાને માથે નહિ, એવું બતાવવા હાથ ધોવા, એ રૂમીઓનો નહિ પણ યહુદીઓનો રિવાજ હતો.—પુનર્નિયમ ૨૧:૬, ૭.

[પાન ૧૧ પર ચિત્ર]

કાઈસારીઆના આ લખાણ પ્રમાણે, પોંતિઅસ પિલાત યહુદાહનો ગવર્નર હતો