વાચકો તરફથી પ્રશ્નો
વાચકો તરફથી પ્રશ્નો
શું હિંસા ભરેલી કૉમ્પ્યુટર ગેમ્સ રમવાથી યહોવાહ સાથેના આપણા સંબંધમાં અસર પડી શકે?
પ્રાચીન ઈસ્રાએલના રાજા દાઊદે કહ્યું, ‘યહોવાહ ન્યાયી અને દુષ્ટોની પારખ કરે છે; હિંસાને ચાહનારાઓને તે ધિક્કારે છે.’ (ગીતશાસ્ત્ર ૧૧:૫, IBSI) મૂળ હેબ્રી ભાષાના જે શબ્દનો અનુવાદ “ધિક્કાર” થયો છે, એનો અર્થ ‘દુશ્મની’ થઈ શકે. તેથી, હિંસાને ચાહનારા યહોવાહની નજરમાં દુશ્મન છે. તો હવે સવાલ થાય છે: શું અમુક કૉમ્પ્યુટર ગેમ્સ રમવાથી આપણને હિંસા ગમવા લાગી શકે?
હિંસા અને મારફાડથી ભરેલી કૉમ્પ્યુટર ગેમ્સમાં હથિયારોનો ઉપયોગ કરવા પર ભાર મૂકવામાં આવે છે. આવી ગેમ્સ મોટા ભાગે લોકોને યુદ્ધમાં હોશિયાર બનવાનું શીખવે છે. ધ ઇકોનોમીસ્ટ નામનું મૅગેઝિન આના વિષે કહે છે: ‘અમેરિકન લશ્કર માટે કૉમ્પ્યુટર ગેમ્સ બહુ ઉપયોગી છે. કેમ કે સૈનિકોને એ રમવાથી યુદ્ધની અમુક રીતે તાલીમ મળે છે. અરે, જે ગેમ્સ દ્વારા સૈનિકોને તાલીમ આપવામાં આવે છે એમાંની અમુક તો કૉમ્પ્યુટર ગેમ્સ તરીકે બજારમાં ખુલ્લેઆમ મળી આવે છે.’
ખરું કે જેઓ હિંસક કૉમ્પ્યુટર ગેમ્સ રમે છે તેઓ બીજાઓને નુકસાન પહોંચાડતા નથી. પણ આવું મનોરંજન પસંદ કરે છે તેઓના દિલમાં કેવી અસર પડી શકે? (માત્થી ૫:૨૧, ૨૨; લુક ૬:૪૫) ધારો કે કોઈ વ્યક્તિને કૉમ્પ્યુટર ગેમ્સમાં કાલ્પનિક લોકોને છરા ભોંકવાનું, ગોળી મારવાનું, હાથ-પગ જેવા અંગો કાપી નાખવાનું કે મારી નાખવાનું બહુ જ ગમે છે. આ વ્યક્તિ વિષે તમે શું વિચારશો? જો વ્યક્તિ દર અઠવાડિયે આવી ગેમ્સ રમવા માટે બહુ સમય કાઢે અને તેને એ રમવાની આદત પડી ગઈ હોય તો શું? ખરેખર આપણે કહીશું કે એ વ્યક્તિને હિંસા ગમે છે. જેમ પોર્નોગ્રાફી જોતી વ્યક્તિ અનૈતિક ઇચ્છાઓ કેળવે છે તેમ, હિંસક ગેમ્સ રમનારાઓને હિંસા ગમવા લાગે છે.—માત્થી ૫:૨૭-૨૯.
જે લોકોને હિંસા ગમે છે તેઓને યહોવાહ કેટલી હદ સુધી ધિક્કારે છે? યહોવાહે નુહના દિવસોમાં એ બતાવી આપ્યું. યહોવાહે નુહને કહ્યું: “મારી આગળ સર્વ જીવનો અંત આવ્યો છે; કેમ કે તેઓને લીધે પૃથ્વી જુલમે ભરેલી છે; અને જુઓ, હું તેઓનો પૃથ્વી સુદ્ધાં સંહાર કરીશ.” (ઉત્પત્તિ ૬:૧૩) એ વખતે યહોવાહે આખી માણસજાતનો નાશ કર્યો કેમ કે તેઓ હિંસા ભરેલા કાર્યો કરતા હતા. ફક્ત આઠ જણ બચી ગયા. નુહ અને તેમનું કુટુંબ. શા માટે? કેમ કે તેઓ હિંસાથી દૂર રહ્યાં હતાં.—૨ પીતર ૨:૫.
આજે યહોવાહના મિત્ર બનવા ચાહે છે તેઓ ‘પોતાની તરવારોને ટીપીને કોશો, અને પોતાના ભાલાઓનાં ધારિયાં બનાવે’ છે. તેઓ હિંસા અને ‘યુદ્ધકળા શીખતા નથી.’ (યશાયાહ ૨:૪) યહોવાહના દુશ્મન બનવાને બદલે તેમના દોસ્ત બની રહેવા, આપણે ‘દુષ્ટતાથી દૂર રહેવું, ને ભલું કરવું, અને સલાહશાંતિ શોધવી’ જોઈએ.—૧ પીતર ૩:૧૧.
તો સવાલ થાય કે અત્યારે આપણે હિંસા ભરેલી ગેમ્સ રમતા હોઈએ તો શું કરવું જોઈએ? આપણે યહોવાહને જ ખુશ કરવાનું નક્કી કરવું જોઈએ. યહોવાહ ધિક્કારતા હોય એવી કોઈ પણ બાબતો આપણે છોડી દેવી જોઈએ. કેમ કે એ કુટેવની આપણી ભક્તિ પર ખરાબ અસર પડે છે. એ માટે આપણે પ્રાર્થનામાં મદદ માટે યહોવાહની શક્તિ માંગવી જોઈએ. આપણે શાંતિ, ભલાઈ અને સંયમ જેવા ગુણો કેળવીશું તો આવી હિંસા ભરેલી ગેમ્સની આદત છોડવા જરૂર મદદ મળશે. આમ કરવાથી આપણે યહોવાહના માર્ગદર્શન પ્રમાણે ચાલીશું.—લુક ૧૧:૧૩; ગલાતી ૫:૨૨, ૨૩.