સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વિશ્વાસથી ચાલો, દૃષ્ટિથી નહિ!

વિશ્વાસથી ચાલો, દૃષ્ટિથી નહિ!

વિશ્વાસથી ચાલો, દૃષ્ટિથી નહિ!

“અમે વિશ્વાસથી ચાલીએ છીએ, દૃષ્ટિથી નહિ.”—૨ કોરીંથી ૫:૭.

૧. શું સાબિત કરે છે કે પાઊલ દૃષ્ટિથી નહિ, પણ વિશ્વાસથી ચાલતા હતા?

 ઈસવીસન પંચાવનની આ વાત છે. એક સમયે ખ્રિસ્તીઓને સતાવનાર શાઊલ પોતે ખ્રિસ્તી બન્યા એને વીસેક વર્ષ વીતી ગયા છે. આ વર્ષો દરમિયાન હવે તે પ્રેરિત પાઊલથી ઓળખાતા હતા. તેમણે પોતાની શ્રદ્ધાને નબળી પડવા દીધી ન હતી. સ્વર્ગમાં શું છે એ ભલે તે પોતાની આંખોથી જોઈ શકતા નથી, પણ ઈશ્વરમાં તેમનો વિશ્વાસ એકદમ મજબૂત છે. એટલે જ સ્વર્ગમાં જવાની આશા રાખતા ખ્રિસ્તીઓને પાઊલે લખ્યું: “અમે વિશ્વાસથી ચાલીએ છીએ, દૃષ્ટિથી નહિ.”—૨ કોરીંથી ૫:૭.

૨, ૩. (ક) આપણે વિશ્વાસથી ચાલીએ છીએ એમ કઈ રીતે બતાવી શકીએ? (ખ) દૃષ્ટિથી ચાલવાનો શું અર્થ થાય?

વિશ્વાસથી ચાલવા માટે આપણે પૂરી ખાતરી રાખવાની જરૂર છે કે ઈશ્વર આપણા જીવન માર્ગને દોરે છે. આપણને પૂરો ભરોસો હોવો જોઈએ કે ઈશ્વર જે કંઈ કહે એ આપણા લાભ માટે જ છે. (ગીતશાસ્ત્ર ૧૧૯:૬૬) જીવનમાં નિર્ણયો લઈએ કે કોઈ પણ પગલાં લઈએ, ત્યારે આપણે યાદ રાખવું જોઈએ કે આપણી પાસે “અદૃશ્ય વસ્તુઓની સાબિતી છે,” ભલેને આપણે એને જોઈ શકતા નથી. (હેબ્રી ૧૧:૧) જેમ કે, “નવાં આકાશ તથા નવી પૃથ્વી” વિષેનું વચન. (૨ પીતર ૩:૧૩) પરંતુ, જો આપણે દૃષ્ટિથી ચાલીશું તો જે વસ્તુ જોઈ શકીએ છીએ, એના પર જ ભરોસો મૂકીશું. વળી, એ મુજબ જ નિર્ણયો લઈશું. આવી રીતે જીવવું ખૂબ જોખમકારક છે, કેમ કે એનાથી આપણે યહોવાહ જે કહે છે એને એક બાજુ મૂકી દઈશું.—ગીતશાસ્ત્ર ૮૧:૧૨; સભાશિક્ષક ૧૧:૯.

ભલે આપણે સ્વર્ગમાં જવાની આશા રાખતા ‘નાની ટોળીમાંના’ હોઈએ, કે પછી “બીજાં ઘેટાં” તરીકે પૃથ્વી પર રહેવાની આશા રાખતા હોઈએ, આપણે દૃષ્ટિથી નહિ, પણ વિશ્વાસથી ચાલવું જોઈએ. (લુક ૧૨:૩૨; યોહાન ૧૦:૧૬) ચાલો જોઈએ કે ઈશ્વરની આ સલાહ પાળવાથી આપણે કઈ રીતે આ ફાંદાઓથી બચી શકીએ: ‘પાપનું ક્ષણિક સુખ ભોગવવું’; માલ-મિલકતની લાલચ; અને એમ વિચારવું કે દુનિયાનો અંત બહુ દૂર છે. આપણે એ પણ જોઈશું કે દૃષ્ટિથી ચાલવાના કયા જોખમો છે.—હેબ્રી ૧૧:૨૫.

‘પાપનું ક્ષણિક સુખ ભોગવવાથી’ દૂર રહો

૪. મુસાએ કઈ પસંદગી કરી અને શા માટે?

વિચાર કરો કે આમ્રામનો પુત્ર મુસા કેવું જીવન જીવી શક્યા હોત. તે મિસરના રાજપરિવારમાં મોટા થયા હતા. આથી, તે ખૂબ અમીર, અરે મોટા રાજા બની શક્યા હોત. મુસા એમ વિચારી શક્યા હોત: ‘મને મિસરમાં એવું શિક્ષણ મળ્યું છે, જે બીજે ક્યાંય મળતું નથી. વળી હું સારી રીતે બોલી શકું છું અને કંઈ પણ કામ કરી શકું છું. જો હું રાજાના નજીક જ રહું, તો હું મારા જુલમ વેઠતા હેબ્રુ ભાઈઓ માટે ઘણું કરી શકું છું!’ (પ્રેરિતોનાં કૃત્યો ૭:૨૨) એમ વિચારવાને બદલે, મુસાએ ‘ઈશ્વરના લોકોની સાથે દુઃખ ભોગવવાનું વિશેષ પસંદ કર્યું.’ મુસાએ કેમ મિસરની ધનદોલત અને ઊંચી પદવીનો ઇનકાર કર્યો? બાઇબલ જવાબ આપતા કહે છે: “વિશ્વાસથી તેણે [મુસાએ] મિસરનો ત્યાગ કર્યો, રાજાના ક્રોધથી તે બીધો નહિ; કેમ કે જાણે તે અદૃશ્યને જોતો હોય એમ તે અડગ રહ્યો.” (હેબ્રી ૧૧:૨૪-૨૭) મુસાએ પાપની પલ-બે-પલની મઝા માણવાનો ઇનકાર કર્યો. તેમને ખાતરી હતી કે યહોવાહ પર વિશ્વાસ રાખવાથી તે ચોક્કસ તેમને આશીર્વાદ આપશે.

૫. મુસાનો દાખલો કઈ રીતે આપણને ઉત્તેજન આપે છે?

આપણે પણ ઘણી વખત મોટા નિર્ણયો લેવા પડે છે. જેમ કે, ‘બાઇબલ સિદ્ધાંત વિરોધ કરતું હોય એવી આદતો કે રિવાજોને છોડી દઈશું કે કેમ? શું મારે એવી નોકરી કરવી જોઈએ જેમાં પૈસા તો પુષ્કળ મળે, પરંતુ, સત્યમાં મારી પ્રગતિ ધીમી પડી જાય?’ મુસાનો દાખલો બતાવે છે કે આપણે દુનિયાની જેમ વિચારવું ન જોઈએ. એના બદલે, આપણે ‘અદૃશ્ય’ યહોવાહની બુદ્ધિમાં વિશ્વાસ મૂકવો જોઈએ. ચાલો આપણે પણ મુસાની જેમ આ દુનિયાની ચમક-દમક પર નહિ પરંતુ યહોવાહમાં પૂરી શ્રદ્ધા રાખીએ.

૬, ૭. (ક) એસાવે કઈ રીતે બતાવ્યું કે તે દૃષ્ટિથી ચાલતો હતો? (ખ) એસાવના દાખલામાંથી આપણને કઈ ચેતવણી મળે છે?

હવે મુસાની સરખામણીમાં ઈસ્હાકના પુત્ર એસાવનો વિચાર કરો. એસાવને બધી વસ્તુઓ તરત જ જોઈતી હતી. (ઉત્પત્તિ ૨૫:૩૦-૩૪) એસાવ યહોવાહની ભક્તિની જરાય કદર કરતો ન હતો, એટલે તેણે “એક ભોજનને સારૂ પોતાનું જ્યેષ્ઠપણું વેચી દીધું.” (હેબ્રી ૧૨:૧૬) તેણે વિચાર્યું જ નહિ કે પ્રથમ જન્મેલાનો હક્ક વેચી દેવાથી, યહોવાહ સાથેના તેના સંબંધને શું અસર થશે. તેણે એ પણ ન વિચાર્યું કે પોતાના નિર્ણયથી તેના સંતાનોને શું થશે. એસાવને યહોવાહની ભક્તિ વિષે જરાય પડી ન હતી. તેણે જાણે આંખો બંધ કરી દીધી, તેથી તે ઈશ્વરના સુંદર વચનો જોઈ ન શક્યો. તેણે એ વચનોને હલકા ગણ્યા. એસાવ વિશ્વાસથી નહિ, પણ દૃષ્ટિથી ચાલ્યો.

એસાવનો દાખલો આપણા માટે એક ચેતવણી છે. (૧ કોરીંથી ૧૦:૧૧) શેતાનની દુનિયા કહે છે કે તમારે જે જોઈતું હોય, એ હમણાં જ લઈ લો. આપણે જ્યારે નાના-મોટા નિર્ણયો લઈએ, ત્યારે ધ્યાન રાખવું જોઈએ કે તેની ચાલાકીમાં ફસાઈ ન જઈએ. આપણે વિચારવું જોઈએ: ‘મારા નિર્ણયોથી, શું હું ધીમે ધીમે એસાવ જેવો થઈ રહ્યો છું? જો હું મનપસંદ ચીજ કે કાર્યો પાછળ પડું, તો મારી ભક્તિ પાછળ રહી જશે? શું મારા કોઈ પણ નિર્ણયથી યહોવાહ સાથેની મારી દોસ્તી નબળી બની જશે? ભાવિ માટેના આશીર્વાદો હું ગુમાવી દઈશ? બીજાઓ માટે હું કેવો દાખલો બેસાડું છું?’ જો આપણા નિર્ણયો બતાવે કે આપણે ભક્તિની ખૂબ કદર કરીએ છીએ, તો યહોવાહ આપણને આશિષ આપશે.—નીતિવચનો ૧૦:૨૨.

માલ-મિલકતના ફાંદામાં ન પડો

૮. લાઓદીકીઆના ખ્રિસ્તીઓને કઈ ચેતવણી મળી અને કેમ એના પર ધ્યાન આપવું જોઈએ?

પ્રથમ સદીના છેલ્લાં વર્ષોમાં, ઈશ્વરભક્ત યોહાનને ઈસુ તરફથી સંદર્શન મળ્યું હતું. મહાન ઈસુએ એમાં એશિયા માઇનોરના લાઓદીકીઆ મંડળને સંદેશો મોકલ્યો હતો. એ સંદેશામાં તેમણે માલ-મિલકત પાછળ ન પડવાની ચેતવણી હતી. ભલે લાઓદીકીઆના ખ્રિસ્તીઓ પૈસાદાર હતા, પરંતુ, તેઓ ઈશ્વરની નજરે કંગાળ હતા. વિશ્વાસથી ચાલવાને બદલે, તેઓ માલ-મિલકત મેળવવા પાછળ પડ્યા હતા. એના લીધે તેઓ જાણે ઈશ્વરભક્તિમાં આંધળા થઈ ગયા હતા. (પ્રકટીકરણ ૩:૧૪-૧૮) માલ-મિલકતના પ્રેમી બનવાથી આપણે પણ એ ખ્રિસ્તીઓ જેવા બની જઈ શકીએ. એની પાછળ પડવાથી આપણી શ્રદ્ધા નબળી પડી જાય છે. પરિણામે, જીવનની દોડમાં ‘ધીરજથી દોડવાને’ બદલે આપણે એને છોડી દઈ શકીએ. (હેબ્રી ૧૨:૧) જો આપણે ધ્યાન નહિ રાખીએ, તો મોજમઝા અને “વિલાસથી” આપણી ભક્તિ સાવ “દબાઈ” જશે.—લુક ૮:૧૪.

૯. સત્યની કદર કરવાથી આપણને કઈ રીતે રક્ષણ મળે છે?

આપણી શ્રદ્ધાને મજબૂત રાખવી હોય તો, દુનિયાના ઝળકાટ અને માલ-મિલકત પાછળ ન જઈએ. આપણી પાસે જે હોય, એમાં જ સંતોષી બનીએ. (૧ કોરીંથી ૭:૩૧; ૧ તીમોથી ૬:૬-૮) દૃષ્ટિથી નહિ, પણ વિશ્વાસથી ચાલીએ ત્યારે આપણે અનમોલ સત્ય જાણવાથી ખુશ થઈએ છીએ. આપણે આ સત્ય શીખીએ છીએ ત્યારે “હૃદયના ઉમળકાથી હર્ષનાદ” પોકારી ઊઠીએ છીએ. (યશાયાહ ૬૫:૧૩, ૧૪) વધુમાં, જેઓ ઈશ્વર જેવા ગુણો બતાવવાની કોશિશ કરે છે તેઓની સોબત રાખીએ ત્યારે આપણને ખૂબ આનંદ મળે છે. (ગલાતી ૫:૨૨, ૨૩) આપણે યહોવાહે આપેલા આ આશીર્વાદોનો આનંદ માણીએ અને એનાથી સંતોષ મેળવીએ એ બહુ જ મહત્ત્વનું છે!

૧૦. આપણે કયા સવાલો પૂછવા જોઈએ?

૧૦ આપણે આ પ્રશ્નો પર વિચાર કરવો જોઈએ: ‘મારા જીવનમાં ચીજ-વસ્તુઓ કેટલી મહત્ત્વની છે? શું હું એશઆરામથી જીવવા માટે માલ-મિલકતનો ઉપયોગ કરું છું કે પછી યહોવાહની ભક્તિ વધારવા માટે ઉપયોગ કરું છું? મને સૌથી મોટું સુખ શામાંથી મળે છે? શું બાઇબલનો અભ્યાસ કરવાથી અને મંડળના ભાઈ-બહેનોની સોબતથી? કે પછી શનિ-રવિના ખ્રિસ્તી જવાબદારી ભૂલીને મોજ-મસ્તી કરવામાં? મહિનાના મોટા ભાગના શનિ-રવિ શું હું પ્રચારમાં જવા અને બીજું કોઈ ખ્રિસ્તી કામ કરવા માટે ગોઠવું છું? કે પછી એ સમય હું મોજશોખમાં ગુજારવાનું નક્કી કરું છું?’ વિશ્વાસથી ચાલવાનો અર્થ થાય કે આપણે યહોવાહના કામમાં ડૂબેલા રહીએ અને તેમના વચનો પર પૂરો ભરોસો મૂકીએ.—૧ કોરીંથી ૧૫:૫૮.

ભૂલો નહિ કે દુનિયાનો અંત નજીક છે!

૧૧. વિશ્વાસથી ચાલવાથી આપણે શું પારખીએ છીએ અને એ કઈ રીતે આપણને મદદ કરે છે?

૧૧ વિશ્વાસથી ચાલતા હોઈશું તો આપણે એમ નહિ વિચારીએ કે દુનિયાનો અંત બહુ દૂર છે કે પછી તે આવશે જ નહિ. આજે ઘણા લોકો બાઇબલની ભવિષ્યવાણીઓ વિષે શંકા કરતા હોય છે. અથવા એની હાંસી ઉડાવે છે. પણ આપણે પારખીએ છીએ કે બાઇબલે વર્ષો પહેલાં જે કહ્યું હતું, એ આજે સાચું પડી રહ્યું છે. (૨ પીતર ૩:૩, ૪) દાખલા તરીકે, શું દુન્યવી લોકોના વાણી-વર્તન પરથી જોવા નથી મળતું કે આપણે “છેલ્લા સમયમાં” જીવી રહ્યા છીએ? (૨ તીમોથી ૩:૧-૫) ઈશ્વર પર વિશ્વાસ રાખવાથી આપણે નથી વિચારતા કે ઇતિહાસમાં થયું હતું એ જ આજે બની રહ્યું છે. પરંતુ આપણને ખબર છે કે આ બધું ખ્રિસ્તના રાજની શરૂઆત એટલે તેમની ‘આવવાની તથા જગતના અંતની નિશાની’ છે.—માત્થી ૨૪:૧-૧૪.

૧૨. પ્રથમ સદીમાં લુક ૨૧:૨૦, ૨૧ના ઈસુના શબ્દો કઈ રીતે સાચા પડ્યા?

૧૨ પહેલી સદીના એક બનાવનો વિચાર કરો જે આપણા દિવસોમાં પણ લાગુ પડે છે. ઈસુ ખ્રિસ્ત પૃથ્વી પર હતા ત્યારે તેમણે પોતાના શિષ્યોને ચેતવતા કહ્યું: “જ્યારે યરૂશાલેમને ફોજોથી ઘેરાયેલું તમે જોશો, ત્યારે જાણજો કે તેનો ઉજ્જડ થવાનો સમય પાસે આવ્યો છે. ત્યારે જેઓ યહુદાહમાં હોય તેઓએ પહાડોમાં નાસી જવું; જેઓ શહેરમાં હોય તેઓએ બહાર નીકળી જવું.” (લુક ૨૧:૨૦, ૨૧) આ ભવિષ્યવાણી સાચી પડી. કઈ રીતે? ઈસવીસન ૬૬માં સેસ્તિઅસ ગેલસના હુકમથી રૂમી સિપાઈઓ યરૂશાલેમ પર હુમલો કરવા નીકળી પડ્યા. અચાનક ફોજ યરૂશાલેમથી પાછી ચાલી ગઈ. ખ્રિસ્તીઓ માટે આ એક નિશાની હતી. હવે તેઓને ‘પહાડોમાં નાસી જવાની’ તક મળી. ફોજ ૭૦ની સાલમાં ફરી ચઢી આવી અને આ વખતે તેઓએ યરૂશાલેમ અને એના મંદિરનો નાશ કરી નાખ્યો. જોસેફસે કહ્યું કે દસ લાખથી વધારે યહુદીઓની કતલ કરવામાં આવી જ્યારે કે ૯૭,૦૦૦ને કેદી બનાવીને લઈ જવામાં આવ્યા. યહુદીઓ પર ઈશ્વરે સજા ફટકારી હતી. પણ જેઓ વિશ્વાસથી ચાલતા હતા તેઓએ ઈસુની ચેતવણી સાંભળી અને એ કત્લેઆમથી બચી ગયા.

૧૩, ૧૪. (ક) ભાવિમાં શું બનશે? (ખ) આપણે શા માટે આજે પૂરી થઈ રહેલી બાઇબલ ભવિષ્યવાણીઓ વિષે સાવધ રહેવું જોઈએ?

૧૩ આપણા દિવસોમાં પણ આના જેવો જ બનાવ બનવાનો છે. યહોવાહ સંયુક્ત રાષ્ટ્રસંઘની (યુનાઈટેડ નેશન્સના) અમુક ફોજ દ્વારા ન્યાયચુકાદો ફટકારશે. પ્રથમ સદીમાં રોમી ફોજે પાક્સ રોમાના (રોમનો દ્વારા શાંતિ કરાર) સ્થાપવા પ્રયત્ન કરેલો, તેમ આજે સંયુક્ત રાષ્ટ્રસંઘ શાંતિ સ્થાપવા પ્રયત્ન કરે છે. રોમી ફોજે ત્યાં બધે આજુબાજુના દેશોમાં સલામતી સ્થાપવા કોશિશ કરી હતી. પણ પછી છેવટે તેણે જ યરૂશાલેમનો વિનાશ કર્યો. એ જ રીતે, બાઇબલ ભવિષ્યવાણી કહે છે કે સંયુક્ત રાષ્ટ્રસંઘની ફોજને લાગશે કે ધર્મો વધારે તકલીફો ઊભી કરે છે. એટલે તે આજના યરૂશાલેમનો, જે સર્વ ખ્રિસ્તી હોવાનો દાવો કરે છે તેઓને રજૂ કરે છે, અને મહાન બાબેલોનના બાકીના ધર્મોનો નાશ કરશે. (પ્રકટીકરણ ૧૭:૧૨-૧૭) હા, દુનિયાના સર્વ જૂઠા ધર્મોનો અંત ખૂબ નજીક છે!

૧૪ જૂઠા ધર્મોના અંત પછી મહાન વિપત્તિ શરૂ થશે. એ વિપત્તિના છેલ્લા ભાગમાં, દુષ્ટ દુનિયાનો અંત આવશે. (માત્થી ૨૪:૨૯, ૩૦; પ્રકટીકરણ ૧૬:૧૪, ૧૬) વિશ્વાસથી ચાલવાથી આપણે બાઇબલની ભવિષ્યવાણીઓ વિષે સાવધ રહીએ છીએ. આપણે કદી એમ નહિ માનીએ કે માણસોથી બનેલા સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા યહોવાહ શાંતિ અને સલામતી લાવશે. તો પછી, શું આપણે પોતાના જીવનથી એ બતાવી આપવું ન જોઈએ કે “યહોવાહનો મહાન દિવસ નજીક છે” એવી આપણને પૂરી ખાતરી છે?—સફાન્યાહ ૧:૧૪.

દૃષ્ટિથી ચાલવું કેમ જોખમકારક છે?

૧૫. ઈશ્વરના આશીર્વાદો મેળવવા છતાં, ઈસ્રાએલીઓ કયા ફાંદામાં ફસાઈ ગયા?

૧૫ પ્રાચીન ઈસ્રાએલ પ્રજાના અનુભવો બતાવે છે કે દૃષ્ટિથી ચાલવાથી વિશ્વાસ નબળો પડી જાય છે. એ ખતરનાક સાબિત થઈ શકે. જરા વિચારો, ઈસ્રાએલીઓ કેવા અજાયબ અનુભવમાંથી પસાર થયા હતા: તેઓએ પોતાની આંખોથી જોયું હતું કે મિસરીઓ પર દસ આફતો આવી પડી ત્યારે, મિસરના દેવી-દેવતા તેઓનું કોઈ રીતે રક્ષણ કરી શક્યા ન હતા. પછી તેઓ ચમત્કારથી લાલ સમુદ્ર પાર કરી શક્યા. આ બધા અનુભવો છતાં તેઓએ ઈશ્વરની આજ્ઞા તોડી અને સોનાનું વાછરડું બનાવીને એની પૂજા કરવા લાગ્યા. કેમ? કારણ કે ‘મુસાને પર્વત પરથી ઊતરતાં વિલંબ થતો’ હતો. તેઓ અધીરા બની ગયા, મુસાની રાહ જોઈ જોઈને થાકી ગયા હતા. (નિર્ગમન ૩૨:૧-૪) આથી, તેઓ જોઈ શકાય એવી મૂર્તિની પૂજા કરવા માંડ્યા. એનાથી યહોવાહનું ઘણું અપમાન થયું, કેમ કે લોકો દૃષ્ટિથી ચાલતા હતા. પરિણામે ઈશ્વરે આશરે ‘ત્રણ હજાર માણસોને’ ત્યાં જ મારી નાખ્યા. (નિર્ગમન ૩૨:૨૫-૨૯) આજે પણ યહોવાહના અમુક સેવકો એવા નિર્ણય લે, જે બતાવે કે તેઓ યહોવાહ અને તેમનાં વચનો પર પૂરો ભરોસો રાખતા નથી. એ કેટલા અફસોસની વાત કહેવાય!

૧૬. ઈસ્રાએલીઓ પર બહારના દેખાવની કેવી અસર પડી?

૧૬ બહારના દેખાવ પર વધારે ધ્યાન આપવાથી ઈસ્રાએલીઓ પર ઘણી ખરાબ અસર પડી. દૃષ્ટિથી ચાલ્યા હોવાથી તેઓ શક્તિશાળી દુશ્મનોને જોઈને સાવ ડરી ગયા. (ગણના ૧૩:૨૮, ૩૨; પુનર્નિયમ ૧:૨૮) દૃષ્ટિથી ચાલવાથી તેઓ પોતાની લાચાર સ્થિતિ વિષે કચકચ કરવા લાગ્યા. વળી તેઓ મુસા વિરુદ્ધ કચકચ કરવા લાગ્યા. તેઓ માની ન શક્યા કે યહોવાહે મુસાને જ જવાબદારી આપી છે. તેઓ શ્રદ્ધા વગરના બની ગયા. પરમેશ્વરમાં ભરોસો ન હોવાથી, વચનના દેશમાં જવાને બદલે ખરાબ સ્વર્ગદૂતોના કબજામાં આવેલા મિસરમાં પાછા જવાનું તેઓને વધારે ગમ્યું. (ગણના ૧૪:૧-૪; ગીતશાસ્ત્ર ૧૦૬:૨૪) ઈસ્રાએલીઓએ પોતાના અદૃશ્ય રાજા, યહોવાહનું વારંવાર અપમાન કર્યું ત્યારે તેમને કેટલું દુઃખ લાગ્યું હશે!

૧૭. શમૂએલના જમાનામાં ઈસ્રાએલીઓએ કયા કારણથી યહોવાહના માર્ગદર્શનનો નકાર કર્યો?

૧૭ શમૂએલના જમાનામાં ઈસ્રાએલીઓ ફરીથી દૃષ્ટિથી ચાલવાના ફાંદામાં ફસાઈ ગયા. લોકોને એવો રાજા જોઈતો હતો જેને તેઓ જોઈ શકે. ભલે યહોવાહે તેઓને અનેક રીતોથી બતાવ્યું કે તે તેઓના રાજા છે, લોકો વિશ્વાસથી ચાલવા તૈયાર ન હતા. (૧ શમૂએલ ૮:૪-૯) એટલે જ તેઓએ મૂર્ખ બનીને યહોવાહના માર્ગદર્શનનો નકાર કર્યો. જેમ આસપાસના રાષ્ટ્રોને પોત પોતાના રાજા હતા, એવી રીતે ઈસ્રાએલીઓને પોતાનો રાજા જોઈતો હતો. એનાથી છેવટે તેઓને જ નુકશાન થયું.—૧ શમૂએલ ૮:૧૯, ૨૦.

૧૮. આપણે કેમ દૃષ્ટિથી ન ચાલવું જોઈએ?

૧૮ યહોવાહના સેવકો તરીકે તેમની સાથેનો આપણો સંબંધ બહુ મહત્ત્વનો છે. આપણે જૂના જમાનાના બનાવોમાંથી શીખવા અને એના પાઠ જીવનમાં લાગુ પાડવા ઉત્સાહી છીએ. (રૂમી ૧૫:૪) ઈસ્રાએલીઓ દૃષ્ટિથી ચાલ્યા, ત્યારે તેઓ ભૂલી ગયા કે યહોવાહ મુસા દ્વારા તેઓને માર્ગદર્શન આપતા હતા. જો ધ્યાન નહિ રાખીએ તો આપણે પણ ભૂલી જઈ શકીએ કે યહોવાહ અને ઈસુ આપણા મંડળને દોરે છે. (પ્રકટીકરણ ૧:૧૨-૧૬) આપણે સાવચેત રહેવું જોઈએ કે આપણે પૃથ્વી પર યહોવાહની સંસ્થાને એક માનવીય સંસ્થા તરીકે ન ગણીએ. જો એમ વિચારીશું તો આપણે સંસ્થાની કચકચ કરવા લાગીશું. વળી યહોવાહે જે ભાઈઓને જવાબદારી આપી છે, તેઓની કદર કરીશું નહિ તેમ જ, “વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર” અને તેઓથી આવેલા સત્યનો નકાર કરીશું.—માત્થી ૨૪:૪૫.

હંમેશાં વિશ્વાસથી ચાલવાનો નિર્ણય લો

૧૯, ૨૦. તમે શું કરવાનો પાક્કો નિર્ણય લીધો છે અને શા માટે?

૧૯ બાઇબલ કહે છે: “આપણું આ યુદ્ધ રક્ત તથા માંસની સામે નથી, પણ અધિપતિઓની સામે, અધિકારીઓની સામે, આ અંધકારરૂપી જગતના સત્તાધારીઓની સામે, આકાશી સ્થાનોમાં દુષ્ટતાનાં આત્મિક લશ્કરોની સામે છે.” (એફેસી ૬:૧૨) આપણો મુખ્ય દુશ્મન શેતાન છે. તેનો ઇરાદો ઈશ્વર પરનો આપણો વિશ્વાસ તોડી નાંખવાનો છે. તે એવી કોઈ પણ ચાલાકી અજમાવી શકે જેનાથી આપણે ઈશ્વરની સેવા કરવાનું છોડી દઈએ. (૧ પીતર ૫:૮) આપણે કઈ રીતે શેતાનની દુનિયાથી રક્ષણ મેળવી શકીએ, જેથી એનાથી છેતરાઈ ન જઈએ? દૃષ્ટિથી નહિ, પણ વિશ્વાસથી ચાલીને! જો આપણે યહોવાહનાં વચનો પર પૂરો ભરોસો મૂકીશું, તો આપણો ‘વિશ્વાસ પડી ભાંગશે’ નહિ. (૧ તીમોથી ૧:૧૯) તો ચાલો આપણે મનમાં ગાંઠ વાળીએ કે આપણે વિશ્વાસથી જ ચાલતા રહીશું અને યહોવાહના આશીર્વાદો પર પૂરી ખાતરી રાખીશું. સાથે સાથે, ચાલો આપણે પ્રાર્થના કરતા રહીએ જેથી આ દુનિયા પર નજીકમાં જે આવી પડવાનું છે, એમાંથી બચી જઈએ.—લુક ૨૧:૩૬.

૨૦ આપણી પાસે એક સારો દાખલો છે જે આપણને દૃષ્ટિથી નહિ, પણ વિશ્વાસથી ચાલતા રહેવા મદદ કરશે. બાઇબલ કહે છે, “ખ્રિસ્તે પણ તમારે માટે સહન કર્યું, અને તમે તેને પગલે ચાલો, માટે તેણે તમોને નમૂનો આપ્યો છે.” (૧ પીતર ૨:૨૧) હવે પછીનો લેખ સમજાવશે કે આપણે ઈસુની જેમ કઈ રીતે ચાલતા રહી શકીએ.

તમને યાદ છે?

• દૃષ્ટિથી નહિ પણ વિશ્વાસથી ચાલવા વિષે તમે મુસા અને એસાવના દાખલામાંથી શું શીખો છો?

• માલ-મિલકત પાછળ પડી ન જઈએ એ માટે શું કરવું જોઈએ?

• વિશ્વાસથી ચાલવાથી આપણે કઈ રીતે એમ નહિ વિચારીએ કે દુનિયાનો અંત બહુ દૂર છે?

• દૃષ્ટિથી ચાલવું કેમ જોખમકારક છે?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૧૭ પર ચિત્ર]

મુસા વિશ્વાસથી ચાલ્યા

[પાન ૧૮ પર ચિત્ર]

મોજશોખને લીધે શું તમે અમુક વાર ભક્તિને એક બાજુ મૂકી દો છો?

[પાન ૨૦ પર ચિત્ર]

બાઇબલ પર ધ્યાન આપવાથી તમને કઈ રીતે રક્ષણ મળે છે?