દુનિયાના બનાવો પરથી જોઈ શકીએ કે ઈસુ હવે રાજા છે
દુનિયાના બનાવો પરથી જોઈ શકીએ કે ઈસુ હવે રાજા છે
આપણામાંથી કોને ગંભીર બીમારી કે મોટી આપત્તિમાં સપડાવાનું ગમે? કોઈને નહિ, ખરૂંને? સમજુ વ્યક્તિ આવી આફતને ટાળવા ખતરાની ચેતવણીને ધ્યાન આપશે. પછી એ પ્રમાણે વર્તશે. ઈસુ ખ્રિસ્તે એક ખાસ બનાવ વિષે જણાવ્યું હતું. એ બનાવ કયો છે કે જેને આપણે સર્વએ જાણવાની જરૂર છે? એ બનાવની દુનિયાની આખી માણસજાત પર અસર થવાની હતી. અરે, એ તમને અને તમારા પરિવારને પણ અસર કરે છે.
ઈસુએ ઈશ્વરના રાજ્ય વિષે વાત કરી હતી જે આ પૃથ્વી પરથી દુષ્ટતાને કાઢી નાખીને એને સ્વર્ગ જેવી સુંદર બનાવી દેશે. ઈસુના શિષ્યો જાણવા આતુર હતા કે એ રાજ્ય ક્યારે આવશે. તેથી, તેઓએ પૂછ્યું: “તારા આવવાની તથા જગતના અંતની શી નિશાની થશે?”—માત્થી ૨૪:૩.
ઈસુ જાણતા હતા કે તેમને મરણ પછી સજીવન કરવામાં આવે, એની સદીઓ પછી તેમને સ્વર્ગમાં પરમેશ્વરના રાજ્યના રાજા બનાવવામાં આવશે. જેથી, તે માણસજાત પર રાજ કરી શકે. જોકે, ઈસુને સ્વર્ગમાં રાજગાદી મળી એ ઘટના પૃથ્વી પરના લોકો જોઈ શકવાના ન હતા. તેથી, ઈસુએ પોતાના શિષ્યોને તેમના રાજા થવાની તથા ‘જગતના અંતની નિશાની’ આપી. એમાં ઘણા બનાવોનો સમાવેશ થાય છે. એ સર્વ બનાવો પરથી ખબર પડે છે કે ઈસુને સ્વર્ગમાં રાજ મળી ગયું છે.
બાઇબલના માત્થી, માર્ક અને લુકના લેખકોએ, ઈસુએ જગતના અંતના બનાવો વિષે જે જણાવ્યું હતું, એની સારી રીતે નોંધી લીધી હતી. (માત્થી, અધ્યાય ૨૪ અને ૨૫; માર્ક, અધ્યાય ૧૩; લુક, અધ્યાય ૨૧) બાઇબલના બીજા લેખકો પણ અંતના એ બનાવો વિષે વધારે માહિતી આપે છે. (૨ તીમોથી ૩:૧-૫; ૨ પીતર ૩:૩, ૪; પ્રકટીકરણ ૬:૧-૮; ૧૧:૧૮) જોકે, હમણાં બધા જ બનાવો વિષે આપણે ચર્ચા કરી શકતા નથી. આપણે એમાંના ફક્ત પાંચ બનાવો વિષે જોઈશું. એ બનાવોની ચર્ચા કરીશું તેમ, તમે જોઈ શકશો કે એ તમારા માટે કેટલા મહત્ત્વના છે, અને કઈ રીતે તમારા જીવનને અસર કરે છે.—છઠ્ઠા પાન પરનું બૉક્સ જુઓ.
નવયુગની શરૂઆત
“રાજ્ય રાજ્યની વિરૂદ્ધ ઊઠશે.” (માત્થી ૨૪:૭) જર્મનીની ડેર સ્પીગલ નામની સમાચાર પત્રિકાના અહેવાલ મુજબ, ૧૯૧૪ પહેલાં “લોકોને લાગતું હતું કે તેઓનું ભવિષ્ય સોનેરી હશે. તેઓને જીવનમાં ઘણી આઝાદી મળશે, તેઓ ખૂબ આગળ વધશે, ઘણા ધનવાન થશે.” પરંતુ પછી એવા બનાવો બન્યા જેનાથી દુનિયાનો ચહેરો જ બદલાઈ ગયો. જર્મન મૅગેઝિન જીઈઑ જણાવે છે, “પહેલું વિશ્વયુદ્ધ ઑગસ્ટ ૧૯૧૪થી લઈને નવેમ્બર ૧૯૧૮ સુધી ચાલ્યું. એની દુનિયા પર બહુ અસર પડી. દુનિયાનો માહોલ સાવ બદલાઈ ગયો. આ યુદ્ધને કારણે નવા યુગનો જન્મ થયો.” પૃથ્વીના પાંચેય ખંડોના છ કરોડથી પણ વધારે સૈનિકો આ લોહિયાળ યુદ્ધમાં જોડાયા હતા. દરરોજ લગભગ ૬,૦૦૦ સૈનિકો યુદ્ધમાં માર્યા ગયા. ત્યાર પછીથી દરેક પેઢીના ઇતિહાસકારો અને નેતાઓ વિચારે છે કે ‘૧૯૧૪થી ૧૯૧૮ના વર્ષો યુદ્ધ ચાલ્યું હોવાથી નવયુગની શરૂઆત થઈ.’
પહેલા વિશ્વયુદ્ધથી વાતાવરણ એટલું બદલાઈ ગયું કે એનાથી લોકો દુનિયાના અંતના છેલ્લા દિવસોમાં આવી ગયા છે. એ પછી વીસમી સદીમાં યુદ્ધો, હિંસક અથડામણો અને આતંકવાદનો કાળો કેર વધતો જ ગયો. આ એકવીસમી સદીની શરૂઆતમાં પણ હાલતમાં કોઈ સુધારો જોવા મળ્યો નથી. બીજા બનાવોથી પણ સ્પષ્ટ જોવા મળે છે કે ઈસુને યહોવાહે રાજગાદી પર બેસાડ્યા છે અને આપણે છેલ્લા દિવસોમાં જીવી રહ્યા છીએ.
દુકાળ, રોગચાળો અને ધરતીકંપ
‘દુકાળો થશે.’ (માત્થી ૨૪:૭) પહેલા વિશ્વયુદ્ધ દરમિયાન યુરોપમાં લોકોએ ક્યારેય અનુભવ્યો ન હોય એવો ભૂખમરો વેઠ્યો હતો. ઇતિહાસકાર એલાન બુલોકે લખ્યું કે ૧૯૩૩માં રશિયા અને યુક્રેઈનમાં ‘ઘણા લોકો ભૂખ્યા પેટે સૂઈ જતા હતા. ખોરાક માટે તેઓ ગામે-ગામ રખડતા, પણ કંઈ ન મળતા રસ્તામાં જ દમ તોડી દેતા. રસ્તાની બંને બાજુએ જ્યાંને ત્યાં લાશોના ઢગલા જોવા મળતા.’ વર્ષ ૧૯૪૩માં પત્રકાર ટી. એચ. વાઈટે પોતે ચીનના હેનન વિસ્તારમાં દુકાળને પોતાની આંખે જોયો હતો. તેમણે લખ્યું, “દુકાળમાં કંઈ પણ વસ્તુ ખાવા લાયક બની જાય છે. લોકો જીવવા માટે કંઈ પણ આરોગી લે છે. આંખો સામે મોત ઝઝૂમતું હોય ત્યારે લોકો બિલકુલ ખાવા લાયક ન હોય એવી વસ્તુઓ પણ પેટમાં પધરાવી દે છે.” દુઃખની વાત છે કે આફ્રિકામાં છેલ્લા કેટલાક દાયકાથી દુકાળ બહુ સામાન્ય થઈ ગયો છે. જોકે, બધા લોકોને પૂરતું થઈ રહે એટલું અનાજ ધરતી પર પાકે છે. તોપણ યુએન ફુડ એન્ડ એગ્રીકલ્ચર ઑર્ગેનાઈઝેશનના અંદાજ પ્રમાણે દુનિયાભરમાં ૮૪ કરોડ જેટલા લોકો ભરપેટ ખોરાક પણ મેળવી શકતા નથી.
‘ઠેકઠેકાણે રોગચાળો ફાટી નીકળશે.’ (લૂક ૨૧:૧૧, પ્રેમસંદેશ) સુડેક્ચ જેઈટ્ગ નામના જર્મન છાપાએ આના વિષે અહેવાલ આપ્યો, “૧૯૧૮માં સ્પેનિશ ઇન્ફલુએન્ઝા (એક પ્રકારનો ચેપી તાવના) રોગચાળામાં અંદાજે બેથી પાંચ કરોડ લોકો માર્યા ગયા. એ બીજી કોઈ પણ બીમારી કે પહેલા વિશ્વયુદ્ધમાં માર્યા ગયેલા લોકો કરતાં મોટી સંખ્યા હતી.” ત્યાર પછીથી અસંખ્ય લોકો મેલેરિયા, શીતળા, ટીબી, પોલિયો અને કૉલેરા જેવી બીમારીનો ભોગ બન્યા છે. વધુમાં ચારેબાજુ પુરજોશમાં ફેલાઈ રહેલા એઈડ્સથી તો દુનિયા સાવ નાસીપાસ થઈ ગઈ છે. ખરું કે તબીબી વિજ્ઞાન બહુ જ આગળ વધ્યું છે, પણ હજુ સુધી એઈડ્સ જેવા રોગોનો ઇલાજ શોધી શકી નથી. આ બતાવે છે કે આપણે સાચે જ દુનિયાના અંતના દિવસોમાં જીવી રહ્યા છીએ.
“ઠેકાણે ઠેકાણે ધરતીકંપ થશે.” માત્થી ૨૪:૭) છેલ્લા સોએક વર્ષોમાં ધરતીકંપને લીધે લાખો લોકોએ પોતાનો જાન ગુમાવ્યો છે. એક અહેવાલના અંદાજ પ્રમાણે ૧૯૧૪થી દર વર્ષે ૧૮ જેટલા ધરતીકંપ થાય છે. એમાં ઘણી ઇમારતો પડી ભાંગે છે અને જમીનમાં તિરાડો પડી જાય છે. દર વર્ષે એકાદ એવો જબરજસ્ત ધરતીકંપ આવે છે કે જે મોટી મોટી ઇમારતોને પણ જમીનદોસ્ત કરી દે છે. નવી નવી ટૅકનોલૉજી શોધાઈ હોવા છતાં, ધરતીકંપનો મૃત્યુદર વધતો જ જાય છે. શા માટે? કેમ કે જ્યાં ધરતીકંપ થવાની વધારે શક્યતા છે એવી જગ્યાએ અમુક શહેરો છે. દુઃખની વાત છે કે વધારે લોકો એવા શહેરોમાં રહેવા જાય છે.
(ખુશીનો સંદેશો
દુનિયાના અંતના દિવસની નિશાનીઓ મોટા ભાગે દર્દનાક બનાવો તરફ આંગળી ચિંધે છે. પરંતુ ઈસુએ આ બનાવોમાં એક ખુશીના સંદેશનો પણ ઉલ્લેખ કર્યો.
“સર્વ પ્રજાઓને સાક્ષીરૂપ થવા સારુ રાજ્યની આ સુવાર્તા આખા જગતમાં પ્રગટ કરાશે; અને ત્યારે જ અંત આવશે.” (માત્થી ૨૪:૧૪) ઈસુ પૃથ્વી પર હતા ત્યારે તેમણે પ્રચાર કર્યો કે યહોવાહ પરમેશ્વરનું રાજ્ય આ પૃથ્વી પરથી સર્વ દુષ્ટતાને કાઢી નાખીને એને સ્વર્ગ જેવી સુંદર બનાવશે. છેલ્લા દિવસોમાં એ રાજ્યનો શુભ સંદેશો સર્વ દેશના લોકો સુધી પહોંચશે. ખરેખર, આજે રાજ્ય સંદેશાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. યહોવાહના સાક્ષીઓ બાઇબલનો સંદેશો લોકોને સંભળાવે છે. જે લોકો બાઇબલ શીખવા ચાહે છે તેઓને શીખેલી બાબતો જીવનમાં લાગુ પાડવા પણ મદદ કરે છે. હાલમાં ૬૦ લાખથી વધારે સાક્ષીઓ ૨૩૫ દેશોમાં રાજ્યનો સંદેશો ૪૦૦ કરતાં વધારે ભાષાઓમાં જણાવી રહ્યા છે.
નોંધ કરો કે ઈસુએ એમ કહ્યું ન હતું કે દુનિયાની હાલત ખરાબ થશે ત્યારે લોકો ઘરમાં ભરાઈને બેસી રહેશે. વળી ઈસુએ જગતના અંતની નિશાનીઓમાં કોઈ એકાદ બનાવ તરફ જ ધ્યાન દોર્યું ન હતું. પરંતુ, તેમણે ઘણા બનાવો ભાખ્યા હતા જે દુનિયાના કોઈ પણ ખૂણે જોવા મળી શકે.
આજે સમાચારોમાં જોવા મળતા પૃથ્વીના બનાવોથી તમે જોઈ શકો કે આપણે છેલ્લા દિવસોમાં જીવી રહ્યા છીએ. દુનિયામાં જે થઈ રહ્યું છે એ તમને અને તમારા પરિવારને પણ અસર કરે છે. તો સવાલ થાય છે, શા માટે બહુ ઓછા લોકો દુનિયાના અંતની નિશાની કે બનાવોને ધ્યાન આપે છે?
લોકોને પોતાની જ પડી છે
“તરવાની મનાઈ છે,” “હાઈ વોલ્ટેજ,” “ધીમી ગતિએ વાહન હંકારો.” આવી ચેતવણી આપતી ઘણી નિશાનીઓ જોવા મળે છે. પરંતુ, મોટા ભાગે લોકો એને જરાય ધ્યાન આપતા નથી. શા માટે? આપણને લાગી શકે કે મારો જ કક્કો સાચો. દાખલા તરીકે, નિયમ પ્રમાણે જ્યાં ધીમી ગતિએ વાહન ચલાવવાનું હોય ત્યાં આપણને લાગી શકે કે ફૂલ સ્પીડમાં વાહન ચલાવવામાં કંઈ જ વાંધો નથી. દરિયા કે નદીના અમુક વિસ્તારમાં તરવાની મનાઈ હોય છે. તોપણ આપણને લાગે કે થોડી વાર કિનારા પર તરવાથી કંઈ વાંધો નહીં આવે. જોકે, આવી ચેતવણી આપતી નિશાનીઓને નજરઅંદાજ કરવી નરી બેવકૂફી છે.
દાખલા તરીકે, ભારતમાં ૨૦૦૩માં ચાર લાખથી વધારે રોડ અકસ્માત થયા. એમાં ૮૩,૦૦૦થી પણ વધારે લોકો માર્યા ગયા. બીજા લાખોને ગંભીર ઈજા થઈ. એક સમાચાર પત્રિકા મુજબ, વાહન ચાલકો ટ્રાફિકના સિગ્નલને અવગણતા હોવાથી અને ટ્રાફિકના નિયમો તોડતા હોવાથી મોટા ભાગના અકસ્માત થાય છે. આમ, ચેતવણીને ધ્યાન ન આપવાથી ઘણું દુઃખદ પરિણામ આવી શકે છે.
શા માટે લોકો ઈસુએ જણાવેલા બનાવોને ધ્યાન આપતા નથી? એની પાછળ ઘણા કારણો છે. જેમ કે, અમુક લોકો પૈસા કમાવા પાછળ પડ્યા છે. કે પછી આસપાસ જે બની રહ્યું છે એમાં તેઓને કંઈ રસ નથી. અમુક લોકો કોઈ કારણસર નિર્ણય લઈ શકતા નથી. અમુક લોકો રોજિંદા કાર્યમાં મશગૂલ થઈ ગયા છે. અમુકને પોતાનો માન-મોભો ગુમાવવાનો ડર હોય છે. શું આવા કોઈ કારણને લીધે તમે ઈસુ સ્વર્ગમાં રાજા બન્યા એની નિશાનીને અવગણી રહ્યા છો? ઈસુએ જણાવેલા બનાવો પારખીએ, અને એ મુજબ પગલાં લઈએ એમાં જ શું આપણું ભલું નથી?
ધરતી પર સુખ-શાંતિભર્યું જીવન
આજે વધુને વધુ લોકો ઈસુ સ્વર્ગમાં રાજા બન્યા એ ચીંધતા બનાવોને ધ્યાન આપી રહ્યા છે. જર્મનીનો એક યુવાન ક્રિસ્ટિન લખે છે: “આ અંધકારનો સમય ચાલી રહ્યો છે. ખરેખર આપણે ‘દુનિયાના અંતના છેલ્લા દિવસોમાં’ જીવી રહ્યાં છીએ.” તે અને તેની પત્ની વધારે સમય બીજાઓને મસીહી રાજ્ય વિષે જણાવવામાં કાઢે છે. ફ્રેન્ક પણ જર્મનીમાં રહે છે. તે અને તેની પત્ની બીજાઓને બાઇબલમાંથી ઉત્તેજન આપે છે. ફ્રેન્ક કહે છે: “આ દુનિયાની ખરાબ હાલતને લીધે ઘણા લોકો ભવિષ્યને લઈને બહુ ચિંતિત છે. અમે તેઓને બાઇબલમાંથી બતાવીએ છીએ કે એક દિવસ આ ધરતી સ્વર્ગ જેવી સુંદર બનશે જ્યાં સુખ-શાંતિ ભર્યું જીવન હશે.” આજે ક્રિસ્ટીન અને ફ્રેન્ક ઈસુએ જણાવેલા બનાવોનો એક ભાગ પૂરો કરવામાં મદદ કરી રહ્યાં છે. એ છે, પરમેશ્વર યહોવાહના રાજ્યની સુવાર્તા બીજાઓને જણાવવી.—માત્થી ૨૪:૧૪.
છેલ્લા દિવસો પૂરા થશે ત્યારે, ઈસુ આ દુનિયાની વ્યવસ્થાનો અને દુષ્ટ લોકોનો નાશ કરશે. પછી પરમેશ્વર યહોવાહનું મસીહી રાજ્ય પૃથ્વી પરનું બધું કામકાજ અને વહીવટ સંભાળી લેશે. અગાઉથી જણાવ્યા મુજબ એ રાજ્ય પૃથ્વી પર સર્વ માટે સુખ-શાંતિનું જીવન લાવશે. માણસજાત બીમારી અને મરણ અનુભવશે નહિ. મૂએલાઓને પણ આ ધરતી પર સજીવન કરવામાં આવશે. આજે દુનિયાના અંતના છેલ્લા દિવસોના બનાવોને પારખે છે તેઓને આવા સુંદર અને સુખી ભાવિની આશા છે. તો પછી, તમે આ બનાવો વિષે વધારે જાણો એ કેટલું મહત્ત્વનું છે! આ દુષ્ટ દુનિયાનો અંત હવે સાવ નજીક છે. એમાંથી બચી જવા શું કરવું જોઈએ એ જાણવા અમે તમને ઉત્તેજન આપીએ છીએ. ખરેખર, આપણે દરેકે જલદીમાં જલદી પગલાં ભરવાની જરૂર છે.—યોહાન ૧૭:૩.
[પાન ૪ પર બ્લર્બ]
ઈસુએ ઘણા બનાવો ભાખ્યા હતા જે દુનિયાના ખૂણે ખૂણે પૂરા થઈ રહ્યા છે
[પાન ૬ પર બ્લર્બ]
આજે પૃથ્વી પર થતા બનાવોથી જોવા મળે છે કે આપણે દુનિયાના અંતના છેલ્લા દિવસોમાં જીવી રહ્યા છીએ
[પાન ૬ પર બોક્સ/ચિત્રો]
છેલ્લા દિવસોના કેટલાંક બનાવો
કદી થયા ન હોય એવા મોટાં મોટાં યુદ્ધો.—માત્થી ૨૪:૭; પ્રકટીકરણ ૬:૪
દુકાળો.—માત્થી ૨૪:૭; પ્રકટીકરણ ૬:૫, ૬, ૮
બીમારી ને રોગચાળો.—લુક ૨૧:૧૧; પ્રકટીકરણ ૬:૮
વધતો જતો અન્યાય.—માત્થી ૨૪:૧૨
ધરતીકંપો.—માત્થી ૨૪:૭
મુશ્કેલીના દિવસો.—૨ તીમોથી ૩:૧
પૈસા પાછળ પાગલ.—૨ તીમોથી ૩:૨
માબાપનું કહ્યું ન માનનારા.—૨ તીમોથી ૩:૨
એકબીજા માટે પ્રેમ નહિ હોય.—૨ તીમોથી ૩:૩
ઈશ્વરને બદલે મોજશોખ પર પ્રેમ રાખનારા.—૨ તીમોથી ૩:૪
પોતાની જાત પર કાબૂ ગુમાવશે.—૨ તીમોથી ૩:૩
ભલાઈને ધિક્કારનારા.—૨ તીમોથી ૩:૩
ઝઝૂમી રહેલા ભય તરફ ધ્યાન નહિ આપે.—માત્થી ૨૪:૩૯
ઠઠ્ઠા-મશ્કરી કરનારા છેલ્લા દિવસોની સાબિતીનો નકાર કરશે.—૨ પીતર ૩:૩, ૪
ઈશ્વરના રાજ્યનો આખી દુનિયામાં પ્રચાર.—માત્થી ૨૪:૧૪
[પાન ૫ પર ચિત્રની ક્રેડીટ લાઈન્સ]
WWI સૈનિકો: From the book The World War—A Pictorial History, 1919; ગરીબ પરિવાર: AP Photo/Aijaz Rahi; પોલિયોનો શિકાર: © WHO/P. Virot