સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

માબાપો, તમે તમારાં બાળકો માટે કેવું ભાવિ ચાહો છો?

માબાપો, તમે તમારાં બાળકો માટે કેવું ભાવિ ચાહો છો?

માબાપો, તમે તમારાં બાળકો માટે કેવું ભાવિ ચાહો છો?

“જુવાનો તથા કન્યાઓ . . . યહોવાહના નામની સ્તુતિ કરો.”—ગીતશાસ્ત્ર ૧૪૮:૧૨, ૧૩.

૧. બાળકો વિષે માબાપને કઈ ચિંતા હોય છે?

 માબાપો પોતાનાં બાળકોની બહુ જ ચિંતા કરતા હોય છે, ખરું ને? બાળક જન્મે એ પહેલાં પણ તેઓ તેની ચિંતા કરવા માંડે છે. સામાન્ય બાળક જેવો જ તેનો વિકાસ થશે? બાળકો મોટાં થાય તેમ માબાપો અનેક બીજી બાબતોની ચિંતા કરવા લાગે છે. જોવા જઈએ તો, માબાપો બાળકોનું ભલું જ ચાહે છે.—૧ શમૂએલ ૧:૧૧, ૨૭, ૨૮; ગીતશાસ્ત્ર ૧૨૭:૩-૫.

૨. ઘણા માબાપો પોતાના બાળકો માટે કેવી આશા રાખે છે અને શા માટે?

આજની દુનિયામાં બાળકોને સારી રીતે ઉછેરવા બહુ જ અઘરું છે. ઘણા માબાપોએ જીવનમાં ખૂબ સહન કરવું પડ્યું છે. જેમ કે લડાઈઓ, રાજકીય ઊથલ-પાથલ, પૈસાની તંગી, બીમારી, ડિપ્રેશન અને ભારે ચિંતાઓ વગેરે. મમતાને લીધે માબાપો તેઓનાં બાળકોને એવાં દુઃખોથી બચાવવા કોશિશ કરે છે. બીજી તરફ, સમૃદ્ધ દેશોમાં, ઘણા છોકરાઓ મોટા થઈને સારું કરિયર બનાવે છે. મોટા પગારવાળી નોકરી મેળવે છે અને જીવનમાં ખૂબ સફળ થાય છે. માબાપો તેઓના સગાં-મિત્રોના બાળકોને એ રીતે જીવનમાં આગળ વધતા જુએ છે ત્યારે, તેઓ પોતાનાં બાળકો માટે એવી જ આશા રાખે છે. એટલે તેઓ બનતું બધું કરે છે જેથી તેઓનાં બાળકો પણ મોટા થઈને સુખેથી જીવે.—સભાશિક્ષક ૩:૧૩.

જીવનમાં સારો માર્ગ પસંદ કરવો

૩. આપણે કઈ પસંદગી કરી છે?

ખ્રિસ્તીઓ તરીકે, આપણે ઈસુને પગલે ચાલીએ છીએ. આપણે રાજી-ખુશીથી યહોવાહને જીવન અર્પી દીધું છે. આપણે ઈસુના આ શબ્દો દિલમાં ઉતાર્યા છે: “જો કોઈ મારી પાછળ આવવા ચાહે, તો તેણે પોતાનો નકાર કરવો, અને દરરોજ પોતાનો વધસ્તંભ ઊંચકીને મારી પાછળ ચાલવું.” (લુક ૯:૨૩; ૧૪:૨૭) હા, ઈસુને પગલે ચાલવામાં આપણે અનેક ભોગ આપવા તૈયાર હોવા જોઈએ. પણ એનો અર્થ એ નથી કે આપણે સાવ ગરીબની જેમ તંગીમાં જીવીએ. ઈસુએ જણાવ્યું એ તો સુખ આનંદથી ભરેલી જિંદગી છે. કેમ કે એમાં આપણે ઉદાર મનવાળા બનીએ છીએ. એના વિષે ઈસુએ કહ્યું: “લેવા કરતાં આપવામાં વધારે ધન્યતા છે.”—પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૩૫.

૪. ઈસુએ તેમના શિષ્યોને કેવી અરજ કરી?

ઈસુ પૃથ્વી પર હતા એ વખતે લોકોનું જીવન ખૂબ અઘરું હતું. એકબાજુ રોજીરોટી મેળવવાની તકલીફ, તો બીજી બાજુ રૂમી રાજનો કાળો કેર. એ ઓછું હોય એમ ચુસ્ત ધર્મગુરુઓએ તેઓ પર જડ નિયમોનો બોજો મૂક્યો હતો. (માત્થી ૨૩:૨-૪) તોપણ, લોકો ઈસુ પાસેથી શીખ્યા ત્યારે તેઓ પોતપોતાનું કામ ને સપનાંઓ એક બાજુ મૂકી દઈને તેમને પગલે ચાલવા લાગ્યા. (માત્થી ૪:૧૮-૨૨; ૯:૯; કોલોસી ૪:૧૪) શું આ શિષ્યો પોતાનું જીવન જોખમમાં મૂકતા હતા કે પોતાના ભાવિને બરબાદ કરતા હતા? ના. ઈસુએ કહ્યું: “જે કોઈએ ઘરોને, કે ભાઈઓને, કે બહેનોને, કે બાપને, કે માને, કે છોકરાંને, કે ખેતરોને, મારા નામને લીધે મૂકી દીધાં છે, તે સોગણાં પામશે, ને અનંતજીવનનો વારસો પામશે.” (માત્થી ૧૯:૨૯) ઈસુએ તેમના શિષ્યોને ખાતરી આપી હતી કે ઈશ્વર, તેઓની જીવન જરૂરિયાતો જાણે છે. તેમણે તેઓને અરજ કરતા કહ્યું: “તમે પહેલાં તેના રાજ્યને તથા તેના ન્યાયીપણાને શોધો, એટલે એ બધાં વાનાં પણ તમને અપાશે.”—માત્થી ૬:૩૧-૩૩.

૫. ઈસુએ કહ્યું કે યહોવાહ તેમના ભક્તોનું ધ્યાન રાખશે, તોપણ અમુક માબાપો શું વિચારે છે?

આજે પણ આપણે મોટા ભાગે એવી જ હાલતમાં છીએ. યહોવાહ જાણે છે કે જીવવા માટે આપણને શાની જરૂર છે. આપણે ઈશ્વરનું કામ જીવનમાં પ્રથમ મૂકીએ અને ખાસ કરીને પૂરો સમય તેમની સેવા કરીએ, ત્યારે યહોવાહ પૂરી ખાતરી આપે છે કે તે આપણું ધ્યાન રાખશે. (માલાખી ૩:૬, ૧૬; ૧ પીતર ૫:૭) પણ આ વિષે અમુક માબાપને થોડી શંકા હોય છે. એક બાજુ તેઓ ચાહે છે કે તેઓનાં બાળકો સત્યમાં પ્રગતિ કરે અને પૂરા સમયની સેવા કરે. બીજી બાજુ, તેઓ ચાહે છે કે પૂરા સમયની સેવા કરતા પહેલાં બાળકે સારું શિક્ષણ લઈ લેવું જોઈએ. કેમ કે દુનિયામાં પૈસાની તાણ બહુ છે ને સારી નોકરી મેળવવી ખૂબ અઘરું છે. તેઓ એમ માને છે કે બાળક પાસે સારી યોગ્યતા હશે, કોઈ સર્ટિફિકેટ હશે તો, ભાવિમાં યહોવાહની સેવા કરતી વખતે જરૂર પડ્યે તે સહેલાઈથી નોકરી મેળવી શકશે. આવા માબાપ એમ વિચારે છે કે સારું શિક્ષણ મેળવવા માટે બાળકને “આગળ ભણાવવું” જોઈએ.

ભાવિ માટે તૈયારી

૬. આ લેખમાં ‘આગળ ભણવાનો’ અર્થ શું થાય છે?

દરેક દેશની શિક્ષણ વ્યવસ્થા જુદી જુદી હોય છે. દાખલા તરીકે, ભારતની સ્કૂલો બાળકોને દસ કે બાર ધોરણ સુધી પાયાનું શિક્ષણ આપે છે. એ પછી, તેઓ ચાહે તો કૉલેજ કે યુનિવર્સિટીમાં ત્રણ કે વધારે વર્ષ ઉચ્ચ શિક્ષણ લઈને ડિગ્રી મેળવી શકે. અથવા તબીબી, કાયદા કાનૂન કે એંજિનિયરિંગ જેવા ક્ષેત્રમાં વધુ ભણી શકે. આ લેખમાં ‘આગળ ભણવાનું’ કહીએ ત્યારે, આપણે યુનિવર્સિટી જેવા ઉચ્ચ શિક્ષણની વાત કરીએ છીએ. બીજી બાજુ, અમુક યુવાનો એવી તાલીમ આપતી સ્કૂલમાં (ટેકનિકલ કે વોકેશનલ સ્કૂલ) જાય છે જ્યાં તેઓને ટૂંકા ગાળામાં કોઈ પણ ખાસ કામમાં સર્ટિફિકિટ કે ડિપ્લોમા મળે છે.

૭. સ્કૂલમાં વિદ્યાર્થીઓ પર કેવું દબાણ આવે છે?

સામાન્ય રીતે આજની હાઇસ્કૂલો તેઓના વિદ્યાર્થીઓને આગળ ભણવા તૈયાર કરે છે. એ કારણે મોટા ભાગની સ્કૂલો, વિદ્યાર્થીઓને નોકરી મેળવવા મદદ કરે એવા કોર્સ કે વિષયો શીખવતી નથી. પણ તેઓ એવા વિષયો શીખવે છે જેનાથી સારા માર્કસ મેળવીને વિદ્યાર્થી યુનિવર્સિટીમાં એડમિશન મેળવી શકે. કે પછી બીજા કોઈ ક્ષેત્રમાં દાખલ થવા માટેની પરીક્ષા પાસ કરી શકે. આજે હાઇસ્કૂલના વિદ્યાર્થીઓ પર શિક્ષકો, સલાહકારો (કાઉન્સેલરો), અરે સાથી વિદ્યાર્થીઓ તરફથી પણ ઘણું દબાણ છે. તેઓ તેમને મોટી મોટી યુનિવર્સિટીઓમાં એડમિશન લેવાનો ધ્યેય રાખવા ઉત્તેજન આપે છે. બધાને આશા છે કે એવી યુનિવર્સિટીમાંથી ડિગ્રી મેળવીને તેઓ સારા પગારવાળી નોકરી મેળવશે.

૮. માબાપોએ કેવો અઘરો નિર્ણય લેવો પડે છે?

તો ખ્રિસ્તી માબાપે શું કરવું જોઈએ? એક બાજુ તેઓ ચાહે છે કે તેઓનાં બાળકો સારું ભણે ગણે, જેથી ભાવિમાં પોતાના પગ પર ઊભા રહી શકે. (નીતિવચનો ૨૨:૨૯) પણ શું તેઓએ પોતાનાં બાળકોને દુનિયાના બીજા લોકોની જેમ, આગળ ખૂબ ભણાવવા જોઈએ? અઢળક રૂપિયા મેળવવા પાછળ જવા દેવા જોઈએ? તેઓ બાળકોને કેવો ધ્યેય રાખવા ઉત્તેજન આપે છે? તેઓ માટે કેવો દાખલો બેસાડે છે? ઘણાં માબાપ તનતોડ મહેનત કરીને પૈસા બચાવે છે, જેથી પોતાનાં બાળકોને યુનિવર્સિટીમાં આગળ ભણવા માટે મોકલી શકે. એ સપનાં પૂરાં કરવા માટે ઘણાં માબાપ દેવું કરવા પણ તૈયાર છે. પણ આવો નિર્ણય લેવા પાછળ ફક્ત પૈસાનો જ ખરચ થતો નથી. આગળ ભણાવવા માટે બીજી કઈ કિંમત ચૂકવવી પડે છે?—લુક ૧૪:૨૮-૩૩.

આગળ ભણવા ચૂકવવી પડતી કિંમત

૯. આજે આગળ ભણવાના ખરચ વિષે શું કહી શકાય?

કિંમતની વાત નીકળે ત્યારે તરત જ આપણે પૈસાનો વિચાર કરીએ છીએ. અમુક દેશોમાં, સરકારો યુનિવર્સિટીને ચલાવવા પૈસા આપે છે. વળી એ યુનિવર્સિટીમાં દાખલ થતા વિદ્યાર્થીને કોઈ ફી ભરવી પડતી નથી. પણ મોટા ભાગના દેશોમાં, યુનિવર્સિટીની ફી બહુ ઊંચી હોય છે ને એ વધતી જ જાય છે. ન્યૂ યૉર્ક ટાઇમ્સના એક લેખકે કહ્યું: ‘પહેલાં લોકો વિચારતા કે આગળ ભણવાથી વ્યક્તિને ભાવિમાં અનેક સારી તકો મળશે. પરંતુ હવે આ શિક્ષણ વ્યવસ્થા અમીર અને ગરીબ લોકો વચ્ચેનું અંતર બતાવી રહી છે.’ તેમનો કહેવાનો અર્થ એ કે, હવે ફક્ત પૈસાદાર અને ઊંચી પદવી વાળા લોકો જ પોતાના બાળકોને દેશની ટોચની યુનિવર્સિટીમાં મોકલી શકે છે. જેથી તેઓ પણ ભાવિમાં તેઓની જેમ દેશના અમીર અને ઊંચી પદવીવાળા લોકો બને. શું ખ્રિસ્તી માબાપોએ તેઓનાં બાળકો માટે એવો જ માર્ગ નક્કી કરવો જોઈએ?—ફિલિપી ૩:૭, ૮; યાકૂબ ૪:૪.

૧૦. આગળ ભણવાથી લોકો કેવી અપેક્ષા રાખશે?

૧૦ ભલે અમુક દેશોમાં યુનિવર્સિટીમાં ભણવું મફત હોય, વિદ્યાર્થી પર બીજી ભારે જવાબદારી પણ આવી શકે. દાખલા તરીકે, ધ વૉલ સ્ટ્રીટ જર્નલ રિપોર્ટ આપે છે કે પૂર્વ-દક્ષિણ એશિયાના એક દેશની સરકારે ‘જાણીજોઈને સ્કૂલમાં એક સિસ્ટમ ગોઠવી છે જેમાં સૌથી હોશિયાર સ્ટુડન્ટ્‌સ આગળ વધે છે.’ પછી આ હોશિયાર સ્ટુડન્ટ્‌સને બ્રિટનની ઑક્સફર્ડ કે કેમ્બ્રિજ અથવા અમેરિકાની આઈવી લીગ સ્કૂલ જેવી દુનિયાભરની સૌથી ટોપ યુનિવર્સિટીમાં એડમિશન મળે છે. આ સરકારો કેમ સ્ટુડન્ટ્‌સના ભણતર માટે આટલું બધું કરે છે? છાપું જણાવે છે, ‘જેથી તેઓ ભાવિમાં દેશના અર્થતંત્રને મજબૂત કરે.’ આ સ્ટુડન્ટ્‌સને લગભગ મફત શિક્ષણ મળે છે. પણ વિચાર કરો, એ મેળવવા માટે તેઓએ પોતાનું જીવન આ દુનિયા પાછળ અર્પી દેવું પડે છે. દુનિયામાં ઘણા માબાપો પોતાનાં બાળકો માટે એવું કંઈક ચાહે છે. પણ શું તમે તમારા બાળકો માટે એમ ચાહો છો?—યોહાન ૧૫:૧૯; ૧ યોહાન ૨:૧૫-૧૭.

૧૧. યુનિવર્સિટીના વિદ્યાર્થીઓમાં શરાબીપણું અને વ્યભિચાર વિષે શું જાણવા મળે છે?

૧૧ હવે બીજી બાબતનો વિચાર કરો. કૉલેજ કેમ્પસ અને યુનિવર્સિટીમાં ઘણા વિદ્યાર્થીઓ ડ્રગ્સ લે છે. શરાબની પાર્ટીઓ કરે છે. જેની તેની સાથે વ્યભિચાર કરે છે. જૂઠું બોલે છે. બીજાઓને છેતરે છે. કૉલેજની કોઈ ખાસ ગેંગમાં દાખલ થવા માટે અનેક ખતરનાક કામો કરવા પડે છે. આના સિવાય પણ બીજા અનેક ખરાબ કામો થતા હોય છે. જેમ કે બિંજ ડ્રિંકિંગ. એટલે કે અતિશય નશો ચડે ત્યાં સુધી શરાબ પીતા રહેવું. એ હવે ખૂબ સામાન્ય છે. ન્યૂ સાયન્ટિસ્ટ મૅગેઝિન કહે છે: ‘અમેરિકાની યુનિવર્સિટીમાં લગભગ ૪૪ ટકા સ્ટુડન્ટ્‌સ દર બે અઠવાડિયે કમ-સે-કમ એક વખત બિંજ ડ્રિંકિંગ કરે છે.’ આ સમસ્યા ઑસ્ટ્રેલિયા, બ્રિટન, રશિયા અને બીજા અનેક દેશોમાં ચાલે છે. હવે ઘણા સ્ટુડન્ટ્‌સ વ્યભિચાર પણ કરે છે. તેઓ એને “હુકિંગ અપ” કહે છે. ન્યૂઝવીક મૅગેઝિન જણાવે છે, ‘હુકિંગ અપ’ એટલે ‘કોઈ એવા અજનબીને ચુંબન કરો કે તેની સાથે સેક્સ માણો, જેને તમે ફરી મળવાનો વિચાર પણ કરતા નથી.’ સંશોધનો બતાવે છે કે ૬૦થી ૮૦ ટકા સ્ટુડન્ટ્‌સ આવાં કામોમાં ભાગ લે છે. એક સંશોધકે કહ્યું કે “જો તમે નોર્મલ સ્ટુડન્ટ હોવ, તો તમે એ કરશો જ.”—૧ કોરીંથી ૫:૧૧; ૬:૯, ૧૦.

૧૨. યુનિવર્સિટીના સ્ટુડન્ટ્‌સ પર કેવાં દબાણો આવે છે?

૧૨ યુનિવર્સિટીના આવા ખરાબ માહોલ સિવાય, વિચાર કરો કે વિદ્યાર્થીઓ પર હોમવર્ક અને પરીક્ષાનું કેટલું દબાણ હોય છે. હવે સાચી વાત છે કે વિદ્યાર્થીઓએ અભ્યાસ અને હોમવર્ક તો કરવું જ જોઈએ, જેથી તેઓ પરીક્ષા પાસ કરી શકે. પણ આજે ઘણાને કૉલેજની સાથે સાથે પાર્ટ-ટાઈમ નોકરી પણ કરવી પડે છે. આ બધું કરવામાં ખૂબ સમય અને શક્તિ માગી લે છે. તો પછી, ઈશ્વરની ભક્તિ માટે કેટલો સમય બાકી રહેશે? દબાણ વધે ત્યારે, તમે પહેલાં શું પડતું મૂકશો? જીવનમાં શું યહોવાહની ભક્તિ હજી પ્રથમ રહેશે, કે પછી એને એક બાજુ મૂકી દેશો? (માત્થી ૬:૩૩) બાઇબલ આપણને કહે છે: “કાળજીપૂર્વક સંભાળ રાખો કે તમે નિર્બુદ્ધની પેઠે નહિ, પણ ડાહ્યા માણસની પેઠે, ચાલો; સમયનો સદુપયોગ કરો, કેમ કે દહાડા ભૂંડા છે.” (એફેસી ૫:૧૫, ૧૬) કેટલા અફસોસની વાત છે કે યુનિવર્સિટી કે કૉલેજને લીધે અમુક યુવાનોએ સત્ય છોડી દીધું છે, કેમ કે તેઓ બાઇબલ મના કરે એવા કામોમાં ફસાઈ ગયા છે, અથવા ભણવામાં સાવ ડૂબી ગયા છે.

૧૩. માબાપે કયા પ્રશ્નો પર વિચાર કરવો જોઈએ?

૧૩ ખરું કે ખરાબ સંસ્કારો, વ્યભિચાર અને બીજા અનેક દબાણો ફક્ત કૉલેજ કે યુનિવર્સિટી કૅમ્પસમાંથી જ આવતા નથી. પરંતુ ઘણા દુન્યવી યુવાનો માને છે કે એ તો ભણતરનું જ એક પાસું છે, અને એમાં કંઈ ખોટું નથી. માબાપો, શું તમે જાણી-જોઈને તમારાં બાળકોને એવી જગ્યામાં ચાર કે વધારે વર્ષો માટે મોકલશો? (નીતિવચનો ૨૨:૩; ૨ તીમોથી ૨:૨૨) શું તમારાં બાળકોને એટલો લાભ થશે કે તમે તેઓનાં સારાં સંસ્કારોને પણ જોખમમાં મૂકવા તૈયાર છો? સૌથી મહત્ત્વનું તો એ કે જીવનમાં જે બાબતો પ્રથમ આવવી જોઈએ, એના વિષે યુનિવર્સિટી શું શીખવે છે? * (ફિલિપી ૧:૧૦; ૧ થેસ્સાલોનીકી ૫:૨૧) માબાપો, તમે આ પ્રશ્નો પર ગંભીરતાથી વિચાર કરો, પ્રાર્થનામાં માર્ગદર્શન માંગો. વળી, એ પણ વિચાર કરો કે બાળકોને બીજા શહેર કે દેશમાં ભણવા માટે મોકલવાથી કેવાં જોખમો ઊભા થઈ શકે.

આગળ ભણવાને બદલે બીજું શું કરીએ?

૧૪, ૧૫. (ક) લોકોના વિચારો વિરુદ્ધ, બાઇબલ કેવી સલાહ આપે છે? (ખ) યુવાનોએ કેવા પ્રશ્નો પૂછવા જોઈએ?

૧૪ આજે મોટા ભાગના લોકો માને છે કે જીવનમાં સફળ થવા માટે યુવાનોએ યુનિવર્સિટીમાં જવું જ જોઈએ. પરંતુ એ તરત જ માની લેવાને બદલે, આપણે ઈશ્વરના વચનમાંથી આ સલાહ પાળીએ એ કેટલું મહત્ત્વનું છે: “આ જગતનું રૂપ તમે ન ધરો; પણ તમારાં મનથી નવીનતાને યોગે તમે પૂર્ણ રીતે રૂપાંતર પામો, જેથી દેવની સારી તથા માન્ય તથા સંપૂર્ણ ઇચ્છા શી છે, તે તમે પારખી શકો.” (રૂમી ૧૨:૨) આ દુનિયાના છેલ્લા દિવસોમાં, ઈશ્વર નાના-મોટા સર્વ માટે શું ચાહે છે? ઈશ્વરભક્ત પાઊલે તીમોથીને અરજ કરતા કહ્યું: “તું સર્વ બાબતોમાં સાવધ રહે, દુઃખ સહન કર, સુવાર્તિકનું કામ કર, તારૂં સેવાકાર્ય પૂર્ણ કર.” આ સલાહ આપણને પણ લાગુ પડે છે.—૨ તીમોથી ૪:૫.

૧૫ દુનિયાના લોકોની જેમ માલ-મિલકત ને એશઆરામ પાછળ પડવાને બદલે આપણે ‘સર્વ બાબતોમાં સાવધ રહેવાની’ જરૂર છે. એટલે સત્યના માર્ગ પર રહેવા માટે ધ્યાન રાખવું જોઈએ. જો તમે યુવાન હોવ, તો આ પ્રશ્નો પર વિચાર કરો: ‘શું હું દિલથી મારું “સેવાકાર્ય પૂર્ણ કરવા” પ્રયત્ન કરું છું? શું હું એક પ્રચારક તરીકે કુશળ બનવા કોશિશ કરું છું? પ્રચાર કામને “પૂર્ણ” કરવા હું શું કરીશ? શું મેં યહોવાહની ફૂલ-ટાઈમ સેવાને કરિયર બનાવવા વિચાર કર્યો છે?’ ખરું કે આ પ્રશ્નો ખૂબ અઘરા છે. ખાસ કરીને તમે એવા યુવાનોને જુઓ કે જેઓ “પોતાને સારૂ મહત્તા શોધે છે” અને એશઆરામમાં જીવવા માટે ગોઠવણો કરે છે ત્યારે એના જવાબો આપવા વધારે અઘરું બને છે. (યિર્મેયાહ ૪૫:૫) પરંતુ ખ્રિસ્તી માબાપો પોતાનાં બાળકોને નાનપણથી સત્યમાં પ્રગતિ કરવાનું ઉત્તેજન અને શિક્ષણ આપે છે.—નીતિવચનો ૨૨:૬; સભાશિક્ષક ૧૨:૧; ૨ તીમોથી ૩:૧૪, ૧૫.

૧૬. માબાપો તેઓનાં બાળકોને કઈ રીતે સત્યમાં પ્રગતિ કરવા ઉત્તેજન આપી શકે?

૧૬ એક બહેન ઘણાં વર્ષોથી ફૂલ-ટાઈમ સેવા કરી રહી છે. તેને ત્રણ દીકરાઓ છે. સૌથી મોટો કહે છે, ‘મમ્મી અમારું ખૂબ ધ્યાન રાખતા કે અમારા મિત્રો કેવા છે. અમે સ્કૂલના છોકરાંઓની સોબત રાખતા ન હતા. પણ મંડળમાં જેઓ સત્યમાં અડગ હતા, તેઓ સાથે સોબત રાખતા. મમ્મી ઘણી વખત ફૂલ-ટાઈમ સેવકો, જેમ કે મિશનરિઓ, સરકીટ અને ડિસ્ટ્રીક્ટ ઓવરસીયર, પાયોનિયરો અને બેથેલના ભાઈ-બહેનોને ઘરે બોલાવતા. તેઓના અનુભવો સાંભળીને અને સેવામાં તેઓનો આનંદ જોઈને અમારા દિલમાં પણ ફૂલ-ટાઈમ સેવા કરવાની તમન્‍ના જાગતી.’ ખુશીની વાત છે કે આ ત્રણેવ છોકરા આજે ફૂલ-ટાઈમ સેવા કરે છે. એક બેથેલમાં છે, બીજો સેવકાઈ તાલીમ શાળામાંથી (મિનીસ્ટરીયલ ટ્રેનિંગ સ્કૂલ) ગ્રેજ્યુએટ થયો છે અને ત્રીજો પાયોનિયરીંગ કરે છે!

૧૭. સ્કૂલમાં વિષયો પસંદ કરતી વખતે કે પછી કેવી તાલીમ મેળવવી એનો નિર્ણય લેતી વખતે, માબાપો બાળકોને કેવું ઉત્તેજન આપી શકે? (પાન ૨૯ પરનું બૉક્સ જુઓ.)

૧૭ સત્યમાં પ્રગતિ કરવા બાળકોને યોગ્ય ઉત્તેજન આપવું જરૂરી છે. સાથે સાથે એ પણ ખૂબ મહત્ત્વનું છે કે નાનપણથી માબાપો પોતાનાં બાળકોને ભણતરમાં માર્ગદર્શન આપે. જેમ કે તેઓ સ્કૂલમાં કયા વિષયો પસંદ કરશે ને ભાવિમાં કેવી તાલીમ મેળવશે. બેથેલમાં સેવા આપતો એક યુવાન કહે છે: ‘મારા મમ્મી-પપ્પાએ લગ્‍ન પહેલાં અને લગ્‍ન પછી પણ પાયોનિયરીંગ ચાલુ રાખ્યું. તેઓએ બને તેમ આખા કુટુંબને પાયોનિયરીંગ કરવાની હોંશ જગાડી. અમે સ્કૂલમાં વિષયો પસંદ કરતા, કે ભાવિ માટે બીજા કોઈ નિર્ણયો લેતા, ત્યારે તેઓ હંમેશા અમને એવું ઉત્તેજન આપતા, જેનાથી અમે પાર્ટ-ટાઈમ નોકરી મેળવી શકીએ અને પાયોનિયરીંગ કરી શકીએ.’ ફક્ત યુનિવર્સિટીમાં ઉપયોગમાં આવે એવા વિષયો પસંદ કરવાને બદલે, માબાપ અને બાળકોએ એવા કોર્સ પસંદ કરવા જોઈએ જેનાથી બાળક પગભર ઊભું રહી શકે અને સત્યમાં કોઈ પણ ફૂલ-ટાઈમ સેવા કરી શકે. *

૧૮. યુવાનો નોકરીની કેવી તકો પર વિચાર કરી શકે?

૧૮ સંશોધનો બતાવે છે કે અનેક દેશોમાં યુનિવર્સિટીને ગ્રેજ્યુએટની નહિ, પણ કોઈ ક્ષત્રેમાં કુશળ કારીગરો અને સેવા આપનારાઓની જરૂર છે. યુએસએ ટુડે છાપું કહે છે: ‘આવનાર વર્ષોમાં ૭૦ ટકા કારીગરોને કોઈ ચાર વર્ષની ડિગ્રીની જરૂર નહિ પડે, પણ કોઈ ખાસ કામમાં લાયક બનાવતા સર્ટિફિકેટની જરૂર પડશે.’ આજે ઘણી સ્કૂલો અને કૉલેજો ઑફિસ કામ, કાર કે કૉમ્પ્યુટર રિપેરીંગ, પ્લમ્બિંગ, હેરડ્રેસીંગ અને એના જેવા બીજા અનેક ટૂંકા ગાળાના વ્યવસાયિક કોર્સ શીખવે છે. શું આ સારી નોકરીઓ છે? ચોક્કસ! કદાચ એ એવી નોકરી નહિ હોય જેના આપણે સપના જોયા હશે. પણ એનાથી આપણે રોજીરોટી કમાઈ શકીએ છીએ. ગમે એ સમયે નોકરી કરી શકીએ છીએ. એમ કરીને આપણે યહોવાહની સેવાને જીવનમાં પહેલી રાખી શકીએ.—૨ થેસ્સાલોનીકી ૩:૮.

૧૯. જીવનમાં ખરો આનંદ અને સુખ ક્યાંથી મળે છે?

૧૯ “જુવાનો તથા કન્યાઓ,” બાઇબલ તમને અરજ કરતા કહે છે: “યહોવાહના નામની સ્તુતિ કરો; કેમ કે એકલું તેનું જ નામ બુલંદ છે; તેનું ગૌરવ પૃથ્વી તથા આકાશ કરતાં મોટું છે.” (ગીતશાસ્ત્ર ૧૪૮:૧૨, ૧૩) દુન્યવી કરિયર તમને ઊંચી પદવી અને પૈસા આપી શકે છે. પણ યહોવાહની ફૂલ-ટાઈમ સેવા સાથે સરખાવો, તો એ કંઈ નથી. જીવનમાં ખરો આનંદ અને સુખ ફક્ત યહોવાહની સેવામાંથી જ આવે છે. આથી, બાઇબલના આ વચન પર પૂરો ભરોસો રાખો: “યહોવાહનો આશીર્વાદ ધનવાન કરે છે. અને તેની સાથે કંઈ ખેદ મિશ્રિત નથી.”—નીતિવચનો ૧૦:૨૨.

[ફુટનોટ્‌સ]

^ અમુક ભાઈ-બહેનોએ, યુનિવર્સિટીમાં ભણવાને બદલે યહોવાહના શિક્ષણને વધારે કીમતી ગણ્યું છે. તેઓના અનુભવો આ મૅગેઝિનોમાં જોવા મળશે: ધ વૉચટાવર, મે ૧, ૧૯૮૨ પાન ૩-૬; એપ્રિલ ૧૫, ૧૯૭૯, પાન ૫-૧૦; અવેક! જૂન ૮, ૧૯૭૮, પાન ૧૫ અને ઑગસ્ટ ૮, ૧૯૭૪ પાન ૩-૭.

^ સજાગ બનો! નવેમ્બર ૮, ૧૯૯૮ના પાન ૪-૬ પર “સલામત જીવનની શોધ” લેખ જુઓ. યુવાન લોકો પૂછે છે પુસ્તકનું પ્રકરણ ૨૨, “મારે કઈ કારકિર્દી પસંદ કરવી જોઈએ?” જુઓ.

તમે સમજાવી શકો છો?

• સુખી ભાવિ માટે ખ્રિસ્તીઓ કોના પર વિશ્વાસ રાખે છે?

• બાળકોનાં ભાવિ વિષે માબાપોને કેવા પડકારોનો સામનો કરવો પડે છે?

• આગળ ભણવાની વાત આવે ત્યારે કઈ બાબતો પર વિચાર કરવાની જરૂર છે?

• માબાપો તેઓનાં બાળકોને કઈ રીતે યહોવાહની સેવાને પોતાની કરિયર બનાવવા મદદ કરી શકે?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૨૯ પર બોક્સ]

આગળ ભણવું કેટલું લાભદાયી?

જે લોકો યુનિવર્સિટીમાં એડમિશન લે છે, તેઓ ડિગ્રી મેળવવા ચાહે છે જેથી સારા પગારવાળી સલામત નોકરી મેળવી શકે. પણ સરકારી અહેવાલો બતાવે છે કે યુનિવર્સિટી સ્ટુડન્ટ્‌સમાંથી ફક્ત ૨૫ ટકાને જ છ વર્ષની અંદર ડિગ્રી મળે છે. પાસ થનારા તો બહુ જ ઓછા છે. અને જેઓને ડિગ્રી મળી જાય છે તેઓને શું સારી નોકરી મળે છે? નોંધ કરો કે અમુક સંશોધનો અને અભ્યાસ શું કહે છે.

‘ભલે તમે હાર્વર્ડ કે ડ્યુક યુનિવર્સિટીમાં જાવ, એનો અર્થ એ નથી કે તમને ઊંચા પગારવાળી સારી નોકરી મળી જશે. યુવાન સ્ટુડન્ટ્‌સ નોકરી શોધતા હોય, ત્યારે કંપનીઓ તેઓ વિષે બહુ કંઈ જાણતી નથી. શરૂ શરૂમાં તેઓ કોઈ ટોપ સર્ટિફિકેટ કે પછી આઈવી લીગ જેવી ટોપ ડિગ્રીથી વ્યક્તિની વાહ વાહ કરશે. પણ પછીથી કંપનીના માલિક ફક્ત એ જ જુએ છે કે વ્યક્તિ એ કામ કરી શકે છે કે કેમ.’—ન્યૂઝવીક, નવેમ્બર ૧, ૧૯૯૯.

‘ખરું કે આજે કોઈ પણ કામ માટે પહેલાં કરતાં વ્યક્તિને વધારે આવડતની જરૂર પડે છે. પરંતુ આ આવડતો હાઇસ્કૂલમાં જ શીખવવામાં આવે છે. જેઓ નવમા ધોરણમાં જ ગણિત અને લખવા વાંચવામાં સારી રીતે શીખી લે છે તેઓને નોકરી મળી શકે છે. એ માટે કૉલેજના શિક્ષણની પણ જરૂર નથી. સારી નોકરી મેળવવા માટે સ્ટુડન્ટ્‌સને યુનિવર્સિટીમાં જવાની જરૂર નથી. તેઓએ બસ હાઇસ્કૂલમાં જ સારી રીતે ભણી લેવું જોઈએ.’—અમેરિકન એડ્યુકેટર, વસંતઋતુ ૨૦૦૪.

‘મોટા ભાગની યુનિવર્સિટી જાણતી નથી કે સ્ટુડન્ટ્‌સને કેવું શિક્ષણ આપવું, જેથી તેઓ ગ્રેજ્યુએટ થઈને નોકરી માટે તૈયાર હોય. કોઈ ખાસ ક્ષેત્રની તાલીમ આપતી સ્કૂલોમાં હવે વધુ ને વધુ લોકો દાખલ થાય છે. વર્ષ ૧૯૯૬થી ૨૦૦૦માં એમાં ૪૮ ટકા વધારો થયો હતો. યુનિવર્સિટીની મોંઘી ડિગ્રી કે ડિપ્લોમા હવે ધીમે ધીમે નકામા બનતા જાય છે, જે મેળવવા પાછળ ઘણો સમય બગાડવો પડે છે.’—ટાઈમ, જાન્યુઆરી ૨૪, ૨૦૦૫.

‘યુ.એસ. ડિપાર્ટમેન્ટ ઑફ લેબરના ૨૦૦૫ના અંદાજ મુજબ, જેઓ ચાર વર્ષ યુનિવર્સિટીમાં ભણીને ગ્રેજ્યુએટ થાય છે, તેઓમાંના કમ-સે-કમ ૩૩ ટકાને એવી નોકરી મળશે જે તેઓની ડિગ્રી સામે ઘણી હલકી છે.’—ધ ફ્યુચરીસ્ટ, જુલાઈ/ઑગસ્ટ ૨૦૦૦.

આવા કારણોને લીધે અનેક શિક્ષકો હવે શંકા કરે છે કે આગળ ભણવામાં ફાયદો છે કે નહિ. ફ્યુચરીસ્ટ રિપોર્ટ કહે છે: ‘આપણે બાળકોને એવું શિક્ષણ આપી રહ્યા છીએ જે તેઓને ભાવિમાં ઉપયોગમાં નહિ આવે.’ પણ એની સામે વિચાર કરો કે બાઇબલ, ઈશ્વર વિષે શું કહે છે: “હું યહોવાહ તારો દેવ છું, ને તારા લાભને અર્થે હું તને શીખવું છું; જે માર્ગે તારે જવું જોઈએ તે પર તારો ચલાવનાર હું છું. જો તેં મારી આજ્ઞાઓ ધ્યાનમાં લીધી હોત તો કેવું સારૂં! ત્યારે તો તારી શાંતિ નદીના જેવી, ને તારૂં ન્યાયીપણું સમુદ્રનાં મોજાં જેવું થાત.”—યશાયાહ ૪૮:૧૭, ૧૮.

[પાન ૨૬ પર ચિત્ર]

તેઓ પોતપોતાનો કામધંધો છોડીને ઈસુની પાછળ ગયા

[પાન ૩૧ પર ચિત્ર]

ખ્રિસ્તી માબાપો પોતાનાં બાળકોને નાનપણથી જ સત્યમાં પ્રગતિ કરવાનું ઉત્તેજન અને શિક્ષણ આપે છે