મારા માબાપના ઉદાહરણે મને દૃઢ કર્યો
મારો અનુભવ
મારા માબાપના ઉદાહરણે મને દૃઢ કર્યો
ઝેન્ઝ રીકાલના જણાવ્યા પ્રમાણે
વર્ષ ૧૯૫૮ની વાત છે. હું અને મારી પત્ની સ્તાનકા કૉરવૉન્ગકન આલ્પ્સ પર્વતો પર હતા. એ યુગોસ્લાવિયા અને ઑસ્ટ્રિયાની સરહદ પર આવેલું છે. અમે સરહદ પાર કરીને ઑસ્ટ્રિયા ભાગવાનો પ્રયત્ન કરતા હતા. પરંતુ એમાં બહુ જ જોખમ હતું. કેમ કે યુગોસ્લાવિયાનું લશ્કર કોઈને પણ એ સરહદ પાર કરવા દેતું ન હતું. ચાલતા ચાલતા અમે એક સીધી ભેખડ પાસે આવી પહોંચ્યા. એની ખીણ તો સૌથી ઊંડી હતી. મેં અને સ્તાનકાએ ઑસ્ટ્રિયાની સહદર પાસે કદી પણ આવા પહાડો જોયા ન હતા. ત્યાંથી અમે પૂર્વ તરફ ગયા, અને અમે કાંકરા પથ્થરવાળા ઢોળાવ પાસે આવ્યા. અમારી પાસે જે મજબૂત કપડું કે ટાટ હતું એમાં પોતાને લપેટી લઈને અમે ઢોળાવ પરથી લપસવા લાગ્યા. અમે જાણતા ન હતા કે આગળ પરિસ્થિતિ કેવી હશે.
હું આવી હાલતમાં કેવી રીતે આવી પડ્યો? કઈ રીતે મારા માબાપના ઉદાહરણે મને મુશ્કેલ સમયમાં પણ વફાદાર રહેવા મદદ કરી? ચાલો હું તમને જણાવું.
મારો ઉછેર સ્લોવેનિયામાં થયો હતો. આજે એ મધ્ય યુરોપનો એક નાનો દેશ છે. આ દેશ યુરોપના આલ્પ્સ પહાડોની વચ્ચે આવેલો છે. એની ઉત્તરે ઑસ્ટ્રિયા, પશ્ચિમે ઇટાલી, દક્ષિણમાં ક્રોએશિયા અને પૂર્વમાં હંગેરી આવેલું છે. મારા પપ્પા ફ્રાન્ત્સ અને મમ્મી રોઝલીયા રેકેલનો જન્મ થયો ત્યારે, સ્લોવેનિયા એસ્ટો-હંગેરીયન સામ્રાજ્યનો એક ભાગ હતું. પ્રથમ વિશ્વયુદ્ધના અંતમાં, સ્લોવેનિયા નવા દેશનો ભાગ બન્યું. એને સિર્બિયા, ક્રોએશિયા અને સ્લોવેનિયાનો દેશ કહેવામાં આવ્યો. વર્ષ ૧૯૨૯માં એ દેશનું નામ બદલીને યુગોસ્લાવિયા રાખવામાં આવ્યું. એનો અર્થ “દક્ષિણ સ્વાવિયા” થાય છે. એ જ વર્ષે, જાન્યુઆરી નવમીએ મારો જન્મ પોદહોમ ગામની સરહદે થયો. એ જગ્યા બહુ સુંદર હતી. એ બ્લૈડ સરોવર પાસે આવેલી છે.
મારી મમ્મી ચુસ્ત કૅથલિક હતી. તેમના કાકા પાદરી હતા અને ત્રણ ફોઈ નન્સ હતી. મમ્મીની બહુ ઇચ્છા હતી કે તેનું પોતાનું બાઇબલ હોય, એમાંથી તે વાંચીને સમજે. જોકે, પપ્પાને ધર્મમાં કંઈ ખાસ રસ ન હતો. તેમને નફરત હતી કે ધર્મએ પ્રથમ વિશ્વયુદ્ધમાં ભાગ લીધો હતો. એ યુદ્ધ ૧૯૧૪-૧૮માં થયું હતું.
સત્ય શીખવું
યુદ્ધના અમુક વર્ષો પછી, ઑસ્ટ્રિયામાં રહેતા મમ્મીના પિત્રાઈ ભાઈ યાનેજ બ્રાયેત્સ અને તેમની પત્ની આન્ચકા બાઇબલ વિદ્યાર્થીઓ બન્યા. એ વખતે યહોવાહના સાક્ષીઓ બાઇબલ વિદ્યાર્થી તરીકે જાણીતા હતા. વર્ષ ૧૯૩૬થી આન્ચકા ઘણી વખત મમ્મીને મળવા આવતા. તેમણે મમ્મીને બાઇબલ પણ આપ્યું. મમ્મીએ તરત એ વાંચવાનું શરૂ કરી દીધું. આન્ચકા સ્લોવિયન ભાષામાં બાઇબલને લગતા બીજાં પ્રકાશનો અને ચોકીબુરજ પણ આપતા. હિટલરે ૧૯૩૮માં ઑસ્ટ્રિયા પર કબજો જમાવી લીધો એના લીધે તેઓએ સ્લોવિનિયા પાછા જવું પડ્યું. મને હજુ પણ યાદ છે કે તેઓ ભણેલા-ગણેલા અને સમજદાર હતા. તેઓને યહોવાહ માટે ઊંડો પ્રેમ હતો. તેઓ અવારનવાર મમ્મી સાથે બાઇબલમાંથી ચર્ચા કરતા. પરિણામે મમ્મીએ યહોવાહને પોતાનું જીવન સમર્પણ કરીને ૧૯૩૮માં બાપ્તિસ્મા લીધું.
મારી મમ્મીને લીધે એ વિસ્તારમાં વિખવાદ ઊભો થયો. કેમ કે તેણે નાતાલ જેવા રિવાજો પાળવાનું બંધ કર્યું જે બાઇબલ વિરુદ્ધ હતા. લોહીમાંથી બનાવેલા સોસેજ ખાવાનું બંધ કરી દીધું હતું. એટલું જ નહિ, તેણે ઘરમાંથી સર્વ મૂર્તિઓ કાઢી નાખીને બાળી નાખી ત્યારે તો મોટો ઓહાપો થઈ ગયો. બહુ જલદી જ વિરોધ શરૂ થયો. મમ્મીની ફોઈઓએ તેને ચર્ચમાં પાછા જોડાવા દબાણ કરતો પત્ર લખ્યો. પરંતુ, મમ્મીએ તેઓને બાઇબલમાંથી અમુક સવાલો પૂછ્યા ત્યારે તેઓએ કોઈ જવાબ આપ્યો નહિ. મારા નાના પણ મમ્મીનો સખત વિરોધ કરતા હતા. તે સ્વભાવે ક્રૂર ન હતા તોપણ અમારાં સગાં અને સમાજ તરફથી દબાણને લીધે તે એ રીતે વર્તતા હતા. ઘણી વાર તે મમ્મીના બાઇબલ સાહિત્યને ફાડી નાખતા. પરંતુ, તે કદી બાઇબલને અડક્યા ન હતા. તેમણે મમ્મીને ઘૂંટણે પડીને પણ ચર્ચમાં પાછા આવવા અરજ કરી. મમ્મી ન માની ત્યારે તેમણે ચપ્પુ લઈને તેને મારી નાખવાની ધમકી આપી. પપ્પા આ જોઈને બહુ ગુસ્સે થઈ ગયા. તેમણે નાનાને કહ્યું કે તે આવું વર્તન ચાલવા નહિ દે.
પપ્પા હંમેશા મમ્મીને સાથ આપતા. જેથી, તે નિયમિત બાઇબલ વાંચી શકે અને પોતાની માન્યતાને આધારે નિર્ણય લઈ શકે. વર્ષ ૧૯૪૬માં તે પણ બાપ્તિસ્મા પામ્યા. મમ્મીને યહોવાહનો સાથ હતો. એટલે જ ગમે એટલા વિરોધમાં પણ તેણે યહોવાહને છોડી દીધા નહિ. તેનો વિશ્વાસ જોઈને મારે પણ યહોવાહ સાથે ગાઢ સંબંધ બાંધવો હતો. મમ્મી મારી સામે નિયમિત બાઇબલ અને બાઇબલને લગતાં પ્રકાશનો વાંચતી, એના લીધે પણ મને ઘણો લાભ થયો.
મારા માસી મારિજા રીપ સાથે પણ મમ્મી ઘણી ચર્ચા કરતી. પરિણામે, મેં અને માસીએ જુલાઈ ૧૯૪૨માં સાથે જ બાપ્તિસ્મા લીધું. એક ભાઈએ ટૂંકી ટૉક આપી. પછી અમને અમારા ઘરના લાકડાંના ટબમાં જ બાપ્તિસ્મા આપવામાં આવ્યું.
બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જુલમી છાવણીમાં
વર્ષ ૧૯૪૨માં બીજું વિશ્વયુદ્ધ પૂરજોશમાં ચાલી રહ્યું હતું. જર્મની અને ઈટાલીએ સ્લોવેનિયા પર હુમલો કર્યો અને એને જર્મની, ઈટાલી અને હંગેરી વચ્ચે વહેંચી લીધું. મારા માબાપે નાત્ઝી સંગઠન ફઑક્યુબુન્ટમાં જોડાવાની ના પાડી. મેં પણ શાળામાં “હિટલરની જય” પોકાર કરવાની ના પાડી. મારા ટીચરે આ વિષે અધિકારીઓને જણાવી દીધું.
અમને બધાને એક ટ્રૅનમાં ચઢાવીને બવેરિયાના હૂટનબૉક્ખ ગામથી થોડી દૂર આવેલા એક કિલ્લામાં મોકલવામાં આવ્યા. અહીંયા કાળી મજૂરી કરાવવામાં આવતી હતી. મારા પપ્પાએ બેકરીવાળાને ઘરે મારી રહેવાની અને કામ કરવાની વ્યવસ્થા કરી દીધી. આ સમય દરમિયાન, હું બેકરીનું કામ શીખ્યો કે જે પાછળથી મને બહુ કામમાં આવ્યું. એ સમયે, મારા આખા કુટુંબને (મારા માસી અને તેમનું કુટુંબ પણ) ગુનડનહાઉજન છાવણીમાં મોકલવામાં આવ્યા.
બીજા વિશ્વયુદ્ધ પછી, હું મારા માબાપ પાસે જવા ઇચ્છતો હતો. એક ટોળું ત્યાં જવાનું હતું. મેં એ ટોળા સાથે જવાનું નક્કી કર્યું. હું જે દિવસે મુસાફરી કરવાનો હતો એના આગલા દિવસે સાંજે અચાનક પપ્પા મારી પાસે આવી ગયા. જો હું એ ટોળા સાથે નીકળ્યો હોત તો ખબર નહિ મારું શું થાત. તેઓ બિલકુલ ભરોસાપાત્ર ન હતા. યહોવાહ પરમેશ્વર મારું રક્ષણ કરવા અને તાલીમ આપવા મારા માબાપને જાણે દોરતા હતા. ફરી વાર મને અહેસાસ થયો કે યહોવાહ મારી કેટલી પ્રેમાળ કાળજી રાખે છે. હું અને મારા પપ્પા ઘરે જવા ત્રણ દિવસ ચાલ્યા. આખરે, જૂન ૧૯૪૫માં વિખૂટું કુટુંબ એક થયું.
યુદ્ધ પછી, કમ્યુનિસ્ટ રાષ્ટ્રપતિ યૉસીપ બ્રોજ ટીટો, યુગોસ્લાવિયા પર શાસન કરવા લાગ્યો. પરિણામે યહોવાહના સાક્ષીઓ પર અત્યાચાર ચાલુ જ રહ્યા.
વર્ષ ૧૯૪૮માં એક ભાઈ ઑસ્ટ્રિયાથી આવ્યા. તેમણે અમારી સાથે ભોજન લીધું. તે જ્યાં પણ ગયા ત્યાં પોલીસ તેમની પાછળ પાછળ ગઈ. તે જે ભાઈઓને મળ્યા એ બધાની પોલીસે ધરપકડ કરી. પપ્પાએ એ ભાઈની પરોણાગત કરી અને પોલીસને કંઈ જણાવ્યું ન હોવાથી તેમને બે વર્ષ જેલની સજા થઈ. આ સમય મમ્મી માટે ખૂબ જ અઘરો હતો. એક તો પપ્પા ઘરે ન હતા. બીજું, તે જાણતી હતી કે મને અને મારા નાના ભાઈને યુદ્ધમાં ભાગ ન લેવા માટે ઘણું ભોગવવું પડશે.
મકદોનિયાની જેલમાં
નવેમ્બર ૧૯૪૯માં મને યુદ્ધમાં જોડાવા બોલાવવામાં આવ્યો. મેં જઈને કહ્યું કે મારા અંતઃકરણને લીધે હું યુદ્ધમાં ભાગ નહિ લઉં. અફસરોએ મારું કંઈ સાંભળ્યું નહિ અને મને ટ્રૅનમાં ચઢાવી મકદોનિયા મોકલી દીધો. એ યુગોસ્લાવિયાને બીજે છેડે હતું.
ત્રણ વર્ષ સુધી હું મારા માબાપ અને ભાઈબહેનોથી દૂર રહ્યો. મારી પાસે કોઈ પ્રકારનું સાહિત્ય કે બાઇબલ પણ ન હતું. એ સમય બહુ જ અઘરો હતો. હું યહોવાહ અને તેમના પુત્ર ઈસુ ખ્રિસ્તના ઉદાહરણ પર મનન કરીને વિશ્વાસમાં દૃઢ રહ્યો. મારા માબાપના દાખલાથી પણ મને બહુ ઉત્તેજન મળ્યું. વધુમાં, હું દૃઢ રહું એ માટે સતત પ્રાર્થના કરતો હોવાથી મને હિંમત મળી.
પછી મને સ્કૉપયે શહેર નજીક, ઈડ્રિઝોવો જેલમાં મોકલવામાં આવ્યો. આ જેલના કેદીઓ પાસે અલગ અલગ કામ કરાવવામાં આવતું. કેટલાક કેદીઓને તેમની આવડત પ્રમાણે કામ આપવામાં આવતું. શરૂઆતમાં હું સાફસફાઈનું કામ કરતો હતો. પછી એક ઑફિસથી બીજી
ઑફિસમાં ફાઈલો લઈ જવાનું કામ કરવા લાગ્યો. ત્યાં એક કેદીએ મને બહુ સતાવ્યો, જે અગાઉ સીક્રેટ પોલીસ હતો. પરંતુ તેના સિવાય બીજા સિપાઈઓ, કેદીઓ અને જેલની ફેક્ટરીના મેનેજર સાથે મારે સારું બનતું હતું.પછીથી મને જાણવા મળ્યું કે જેલની બેકરીમાં બેકરની જરૂર છે. એક દિવસ મેનેજર કેદીઓની હાજરી લેતા હતા. તે લાઈનમાં મારી પાસે આવ્યા અને ઊભા રહીને મને પૂછ્યું, “શું તું બેકર છે?” “હા, સાહેબ,” મેં કહ્યું. પછી તેમણે કહ્યું, “કાલે સવારે બેકરીમાં જજે.” જે કેદી મારી સાથે ખરાબ વ્યવહાર કરતો, તે હંમેશા બેકરી પાસેથી પસાર થતો. પણ હવે તે મને કંઈ જ કરી શકતો ન હતો. ફેબ્રુઆરી-જુલાઈ, ૧૯૫૦ સુધી મેં ત્યાં કામ કર્યું.
ત્યાર પછી, મને દક્ષિણ મકદોનિયાના વોલ્કોડેરી વિસ્તારના પ્રેસપા સરોવર નજીક એક ગામમાં મોકલવામાં આવ્યો. ત્યાં સૈનિકોના રહેવાની જગ્યા હતી. આ વિસ્તારથી થોડે દૂર ઓટેશઓવો શહેરથી હું ઘરે કાગળ લખી શકતો હતો. ત્યાં હું રોડ બનાવતા કેદીઓની ટુકડી સાથે કામ કરતો હતો. પરંતુ, મોટાભાગનો સમય હું બેકરીમાં કામ કરતો, જેનાથી મને થોડી ઘણી રાહત મળતી હતી. નવેમ્બર ૧૯૫૨માં મને મુક્ત કરવામાં આવ્યો.
હું જેલમાં હતો ત્યારે પોદહોમમાં એક મંડળ શરૂ થઈ ગયું હતું. શરૂઆતમાં આ મંડળ સભા માટે સ્પોદન્યે ગોર્યે વિસ્તારના એક ગેસ્ટ હાઉસમાં ભેગું મળતું હતું. પછી મારા પપ્પાએ સભા માટે ઘરમાં એક રૂમ આપ્યો. હું મકદોનિયા પાછો ગયો ત્યારે ભાઈબહેનોને મળીને ઘણી ખુશી થઈ. જેલમાં જતા પહેલાં સ્તાનકા નામની બહેન સાથે મારી મુલાકાત થઈ હતી. જેલમાંથી બહાર આવ્યા પછી મેં તેની સાથે પરિચય વધાર્યો. એપ્રિલ ૨૪, ૧૯૫૪માં અમે લગ્ન કર્યા. પરંતુ, મારી આ આઝાદીનો બહુ જલદી અંત આવવાનો હતો.
મારીબોરમાં જેલની સજા
સપ્ટેમ્બર ૧૯૫૪માં, મને ફરીથી લશ્કરમાં જોડાવા આદેશ મળ્યો. આ વખતે, મને મારીબોરમાં સાડા ત્રણ વર્ષની સજા થઈ. મારીબોર સ્લોવેનિયાના પૂર્વ વિસ્તારમાં આવેલું છે. મારાથી શક્ય બન્યું કે તરત જ મેં કાગળો અને પેન્સિલ ખરીદ્યા. મેં બાઇબલની કેટલીક કલમો અને ચોકીબુરજ તથા બીજા પ્રકાશનોમાંથી યાદ આવ્યા એ બધા વિચારો તરત જ લખી નાખ્યા. હું મારી આ નોટ્સ વાંચતો ત્યારે, મને જે કંઈ યાદ આવતું એ એમાં લખતો જતો. જેલમાં રહ્યો ત્યાં સુધીમાં મેં આખી નોટબુક ભરી દીધી. એનાથી મને સત્યમાં તેમ જ પરમેશ્વર સાથેનો સંબંધ દૃઢ કરવામાં વધારે મદદ મળી. પ્રાર્થના અને મનન કરીને પણ હું સત્યમાં અડગ રહી શક્યો. એનાથી હું બીજાઓને હિંમતથી પરમેશ્વર વિષે જણાવી શક્યો.
એ સમયે હું દર મહિને એક પત્ર મેળવી શકતો હતો. તેમ જ મહિનામાં એક વાર સગાં-વહાલાંને ૧૫ મિનિટ મળી શકતો હતો. મારી પત્ની સ્તાનકા મને મળવા માટે રાતભર ટ્રૅનમાં મુસાફરી કરતી. વહેલી સવારે મને જેલમાં મળીને એ જ દિવસે તે ઘરે પાછી ફરતી. એનાથી મને ખૂબ જ ઉત્તેજન મળતું હતું. ત્યાર પછી મેં એક બાઇબલ મેળવવા યુક્તિ કરી. હું અને સ્તાનકા ટેબલ પર એકબીજાની સામે બેઠા. એક સિપાઈને અમારા પર નજર રાખવાનું કામ સોંપવામાં આવ્યું હતું. તે બીજે ક્યાંક જોતો હતો ત્યારે, મેં એક ચિઠ્ઠી સ્તાનકાના પર્સમાં સરકાવી દીધી. એમાં મેં તેને ફરી વાર મળવા આવે ત્યારે એક બાઇબલ લાવવાનું કહ્યું હતું.
સ્તાનકા અને મારા માબાપને લાગ્યું કે બાઇબલ લઈ જવામાં બહુ જ જોખમ છે. તેથી, તેઓએ ખ્રિસ્તી ગ્રીક સ્ક્રિપ્ચર્સના અમુક પાનાંઓને કેટલાક પાઉંની અંદર મૂકી દીધા. આ રીતે મેં બાઇબલ મેળવ્યું જેની મને બહુ જરૂર હતી. એવી જ રીતે, મેં ચોકીબુરજ પણ મેળવ્યા કે જેની મારી પત્ની કાગળ પર નકલ કરી લેતી હતી. હું એ નકલ લઈને તરત જ મારી નોટમાં લખી લેતો. પછી મારી પત્નીએ આપેલી નકલને ફાડી નાખતો. જેથી, કોઈને ખબર ન પડે કે આ લેખો મેં ક્યાંથી મેળવ્યા છે.
હું યહોવાહ વિષે બધાને જણાવતો. અમુક કેદીઓ કહેતા કે હું એક દિવસ ચોક્કસ મુસીબતમાં આવી પડીશ. એક સમયે, હું એક કેદી સાથે છાનોમાનો બાઇબલ ચર્ચા કરી રહ્યો હતો. એટલામાં અમે તાળું ખોલવાનો અવાજ સાંભળ્યો. સિપાઈ અંદર આવી રહ્યો હતો. તરત જ મેં વિચાર્યું કે મારું આવી બન્યું. મને એકલાને હવે કોઈ કોટડીમાં પૂરી દેશે. પરંતુ, સિપાઈ બીજા કોઈ ઈરાદાથી આવ્યો હતો. તેણે અમારી ચર્ચા સાંભળી હોવાથી તે પણ એમાં જોડાવા માંગતો હતો. તેણે મને અમુક સવાલો પૂછ્યા. મેં એના જવાબ આપ્યા. સિપાઈને એનાથી સંતોષ થયો ત્યારે, તે કોટડીને તાળું મારીને જતો રહ્યો.
મારી સજાના છેલ્લા મહિને, કેદીઓને સુધારવાના કામની દેખરેખ રાખનારા કમિશનરે મારી પ્રશંસા કરી. તે જોઈ શક્યા કે હું કેવી રીતે સત્યને વળગી રહ્યો. યહોવાહનું નામ બીજાઓને બતાવવાની મારી મહેનતનું કેટલું સરસ પરિણામ મળ્યું! મે ૧૯૫૮માં મને જેલમાંથી છોડવામાં આવ્યો.
ઑસ્ટ્રિયા નાસી ગયા, ત્યાર પછી ઑસ્ટ્રેલિયા
ઑગસ્ટ ૧૯૫૮માં મારી મમ્મી મરી ગઈ. તે કેટલાક સમયથી બીમાર હતી. સપ્ટેમ્બર ૧૯૫૮માં મને ત્રીજી વાર લશ્કરમાં જોડાવા બોલાવવામાં આવ્યો. એ સાંજે મેં અને મારી પત્ની સ્તાનકાએ બહુ મહત્ત્વનો નિર્ણય લીધો. અમે સરહદ પાર કરીને ઑસ્ટ્રિયા ભાગી જવાનું વિચાર્યું, જેના વિષે મેં શરૂઆતમાં બતાવ્યું હતું. અમે કેટલીક જરૂરી વસ્તુઓ બેગમાં ભરી, મજબૂત કપડું કે ટાટ લીધું અને કોઈને કહ્યા વગર બારીમાં થઈને જતા રહ્યા. અમે સ્ટોલ પર્વતની પશ્ચિમે ઑસ્ટ્રિયાની સીમા તરફ જવા માંડ્યા. અમને લાગ્યું કે જાણે યહોવાહે અમારા માટે આ રસ્તો ખુલ્લો રાખ્યો છે. કેમ કે, તેમને ખબર હતી કે અમને થોડી રાહતની જરૂર છે.
ઑસ્ટ્રિયાના અધિકારીઓએ અમને સૉલ્જબર્ગની રેફ્યુજી છાવણીમાં મોકલી આપ્યા. અહીં અમે છ મહિના રહ્યા. એ સમયે ત્યાંના ભાઈબહેનો હંમેશા અમારી સાથે હતા. તેથી, અમે બહુ ઓછો સમય છાવણીમાં રહ્યા. છાવણીના બીજા લોકોને નવાઈ લાગતી કે અમે કઈ રીતે આટલી ઝડપથી મિત્રો બનાવ્યા. આ સમય દરમિયાન અમે અમારા સૌ પ્રથમ સંમેલનમાં હાજરી આપી. એટલું જ નહિ, પહેલી વાર અમે કોઈ ડર વગર ઘર ઘરનું પ્રચાર કામ કર્યું. આ વહાલા ભાઈબહેનોને છોડીને જવાનો સમય આવ્યો ત્યારે અમને બહુ જ દુઃખ થયું.
ઑસ્ટ્રિયાના અધિકારીઓએ અમને ઑસ્ટ્રેલિયા વસી જવાની તક આપી. અમે તો સપનેય વિચાર્યું ન હતું કે આટલે દૂર જઈશું. અમે ટ્રૅનથી ઈટાલીના બંદર, જેનોઆ આવ્યા. ત્યાંથી વહાણમાં અમે ઑસ્ટ્રેલિયા પહોંચ્યા. આખરે અમે ન્યૂ સાઊથ વેલ્સ રાજ્યના વુલનગૉન્ગ શહેરમાં રહ્યા. માર્ચ ૩૦, ૧૯૬૫માં અમારા દીકરા, ફિલીપનો જન્મ થયો.
અહીં ઑસ્ટ્રેલિયામાં અમને અલગ અલગ રીતે પરમેશ્વરની સેવા કરવાની તક મળી. યુગોસ્લાવિયાથી આવેલા લોકોને પણ પ્રચાર કરવાની તક મળી. અમે યહોવાહના આશીર્વાદો માટે ઘણા જ આભારી છીએ. તેમના આશીર્વાદથી હવે અમારું આખું કુટુંબ એક સાથે તેમની સેવા કરે છે. ફિલીપ અને તેની પત્ની સૂઝી યહોવાહના સાક્ષીઓની ઑસ્ટ્રેલિયાની બ્રાન્ચ ઑફિસમાં સેવા આપે છે. તેઓને બે વર્ષ માટે સ્લોવેનિયાની બ્રાન્ચ ઑફિસમાં પણ સેવા કરવાની તક મળી હતી.
વધતી ઉંમર અને તબિયત સારી રહેતી ન હોવા છતાં, મારી પત્ની અને હું યહોવાહની સેવા કરવાનો આનંદ માણીએ છીએ. હું મારા માબાપે બેસાડેલા ઉદાહરણ માટે ઘણો આભારી છું! એનાથી મને હજુ પણ ઘણું ઉત્તેજન મળે છે. તેમ જ, પ્રેષિત પાઊલે જે કહ્યું એ પ્રમાણે કરવા મને મદદ કરે છે: “આશામાં આનંદ કરો; સંકટમાં ધીરજ રાખો; પ્રાર્થનામાં લાગુ રહો.”—રૂમી ૧૨:૧૨.
[પાન ૧૬, ૧૭ પર ચિત્ર]
મારા માબાપ, ૧૯૨૦ના છેલ્લા દાયકામાં
[પાન ૧૭ પર ચિત્ર]
જમણી બાજુ મારી મમ્મી, આન્ચકા સાથે, જેમણે તેને સત્ય શીખવ્યું હતું
[પાન ૧૮ પર ચિત્ર]
અમારા લગ્નના થોડા સમય પછી મારી પત્ની, સ્તાનકા સાથે
[પાન ૧૯ પર ચિત્ર]
વર્ષ ૧૯૫૫માં અમારા ઘરે ભેગા મળતું મંડળ
[પાન ૨૦ પર ચિત્ર]
મારી પત્ની, અમારો દીકરો ફિલીપ અને તેની પત્ની સુઝી સાથે