શું તમારું અંતઃકરણ સારી રીતે કેળવાયેલું છે?
શું તમારું અંતઃકરણ સારી રીતે કેળવાયેલું છે?
શું તમારું અંતર કદી પોકારી ઊઠ્યું છે, કે ‘એ ખોટું છે?’ કોઈ તમને કહે કે તમે આમ કે તેમ કરો ત્યારે, શું તમે બોલી ઊઠો છો કે ‘એ મારાથી નહિ થાય? મારું મન ડંખશે?’ એ બતાવે છે કે તમારું અંતર ખરું-ખોટું પારખી શકે છે. એ તમને દોષિત અથવા નિર્દોષ ઠરાવશે. એ બતાવે છે કે આપણામાં અંતઃકરણ જન્મથી જ છે.
મનુષ્યો યહોવાહ પરમેશ્વરથી દૂર થઈ ગયા છે. તોપણ તેઓ ખરું-ખોટું પારખી શકે છે. એ બતાવે છે કે યહોવાહે મનુષ્યમાં પોતાના જેવા ગુણો મૂક્યા છે. જેમ કે બુદ્ધિ, ડહાપણ અને ન્યાય. (ઉત્પત્તિ ૧:૨૬, ૨૭) એના વિષે પાઊલે યહોવાહની પ્રેરણાથી લખ્યું: “વિદેશીઓની પાસે નિયમશાસ્ત્ર નથી, તેઓ જ્યારે સ્વાભાવિક રીતે નિયમશાસ્ત્ર પ્રમાણે વર્તે છે, ત્યારે તેઓને નિયમશાસ્ત્ર હોવા ન છતાં તેઓ પોતે પોતાને સારૂ નિયમરૂપ છે; તેઓના અંતઃકરણમાં નિયમ લખેલો છે તે તેઓનાં કામ દેખાડી આપે છે. તેઓની પ્રેરકબુદ્ધિ તે વિષે સાક્ષી આપે છે; અને તેઓના વિચાર એકબીજાને દોષિત અથવા નિર્દોષ ઠરાવે છે.” *—રૂમી ૨:૧૪, ૧૫.
યહોવાહે પ્રથમ પુરુષ આદમને ખરું-ખોટું પારખવાની શક્તિ આપી હતી. એને આપણે અંતઃકરણ, મન, દિલ કે અંતર કહીએ છીએ. એ બધાની પાસે હોય છે. એ વ્યક્તિ માટે “નિયમરૂપ” બને છે. એ કારણથી આપણે પોતાને દોષિત કે નિર્દોષ ઠરાવી શકીએ છીએ. (રૂમી ૯:૧) યહોવાહનો નિયમ તોડ્યા પછી આદમ અને હવાનું દિલ ડંખવા મંડ્યું એટલે તેઓ સંતાઈ ગયા હતા. (ઉત્પત્તિ ૩:૭, ૮) દરેક પાસે અંતઃકરણ છે એના બીજા એક પુરાવાનો વિચાર કરો. દાઊદ રાજાને ખબર પડી કે પોતે ગેરકાયદે પ્રજાની ગણતરી કરીને યહોવાહની નજરમાં પાપ કર્યું છે, ત્યારે તેમને કેવું લાગ્યું? બાઇબલ કહે છે: “દાવિદનું અંતઃકરણ ડંખવા લાગ્યું.”—૨ શમુએલ ૨૪:૧-૧૦, IBSI.
આપણે પોતાની ભૂલ પારખીએ તો સાચા દિલથી પસ્તાવો કરવાનું સહેલું બનશે. દાઊદે લખ્યું: “હું છાનો રહ્યો ત્યારે આખો દિવસ કણવાથી મારાં હાડકાં જીર્ણ થયાં, મેં મારાં પાપ તારી આગળ કબૂલ કર્યાં છે, અને મારો અન્યાય મેં સંતાડ્યો નથી; મેં કહ્યું, કે યહોવાહની આગળ હું મારાં ઉલ્લંઘન કબૂલ કરીશ; અને તેં મારાં પાપ માફ કર્યાં.” (ગીતશાસ્ત્ર ૩૨:૩, ૫) પાપ કર્યા પછી દિલ ડંખે તો એ આપણને જલદી જ યહોવાહની માફી માગવા દોરી જશે. પછી આપણે તેમના માર્ગમાં ચાલવા સખત મહેનત કરીશું.—ગીતશાસ્ત્ર ૫૧:૧-૪, ૯, ૧૩-૧૫.
આપણા દિલમાં ખોટા વિચારો આવે ત્યારે આપણું મન ડંખે છે. આપણે ખોટાં કામોમાં ન પડીએ માટે એ આપણને ચેતવે છે. યુસફ મિસરમાં હતા ત્યારે વ્યભિચાર ન કરવા વિષે યહોવાહે કોઈ નિયમો આપ્યા ન હતા. તોપણ યુસફનું અંતર જાણતું હતું કે વ્યભિચાર કરવો એ ખોટું કહેવાય. તે જાણતા હતા કે યહોવાહની નજરમાં એ ઘોર પાપ છે. પછી યહોવાહે ઈસ્રાએલીઓને આપેલી દસ આજ્ઞાઓમાં એક આજ્ઞા એ પણ હતી કે વ્યભિચાર કરવો પાપ છે. (ઉત્પત્તિ ૩૯:૧-૯; નિર્ગમન ૨૦:૧૪) તેથી, આપણે પોતાના અંતરને સારી રીતે કેળવીએ એ કેટલું જરૂરી છે! એમ કરીશું તો, એ આપણને કોઈ ખોટા કામ બદલ દોષિત ઠરાવશે. સાથે સાથે ખરો માર્ગ પણ બતાવશે. એનાથી ખરેખર આપણને લાભ થશે. પણ તમારું મન એવું છે?
ખરા નિર્ણયો લેવા તમારું મન કેળવો
ખરું કે યહોવાહે બધાને અંતઃકરણ આપ્યું છે. પણ એ આજે મોટા ભાગના લોકોમાં લગભગ મરી પરવાર્યું છે. આદમ અને હવાએ યહોવાહ પરમેશ્વરની આજ્ઞા તોડી એ પહેલાં તેઓમાં કોઈ ખામી ન હતી. પરમેશ્વરની આજ્ઞા તોડ્યા પછી તેઓ પાપી બન્યા. એના લીધે બાઇબલ કહે છે: “સઘળાએ પાપ કર્યું છે, અને દેવના મહિમા વિષે સઘળા અધૂરા રહે છે.” (રૂમી ૩:૨૩) એ કારણથી આપણું મન કે અંતઃકરણ જે રીતે કામ કરવું જોઈએ એમ કરતું નથી. (રૂમી ૭:૧૮-૨૩) એની પાછળ બીજા ઘણાં કારણો છે. જેમ કે આપણે ક્યાં, કેવા કુટુંબમાં, કેવા વાતાવરણમાં અને કયા ધર્મમાં મોટા થયા છીએ. અરે, આજે દુનિયામાં સંસ્કાર જેવું કંઈ રહ્યું નથી. તો એ આપણને ક્યાંથી શુદ્ધ મન રાખતાં શીખવી શકે?
યહોવાહના સેવકોએ ચોખ્ખું દિલ રાખવું હોય તો, તેઓ પાસે સૌથી સારું ધોરણ હોવું જોઈએ. એ ધોરણ બાઇબલ છે. બાઇબલનું શિક્ષણ આપણા અંતઃકરણને સારી રીતે કેળવી શકે છે. (૨ તીમોથી ૩:૧૬) આપણે યહોવાહનું શિક્ષણ પોતાના મનમાં ઉતારીશું તો જ એ આપણને ‘ખરૂં-ખોટું પારખવા’ અને ખોટાં કામોથી દૂર રહેવા મદદ કરશે. (હેબ્રી ૫:૧૪) ઈશ્વરનું શિક્ષણ ન હોય તો, આપણું અંતર આપણને જ ગેરમાર્ગે દોરી જશે. બાઇબલ કહે છે: “એક એવો માર્ગ છે કે જે માણસને અદલ લાગે છે ખરો, પણ પરિણામે તે મોતનો જ માર્ગ છે.”—નીતિવચનો ૧૬:૨૫; ૧૭:૨૦.
જીવનના અમુક પાસામાં બાઇબલ સ્પષ્ટ માર્ગદર્શન આપે છે. એ પ્રમાણે ચાલવાથી આપણું જ ભલું થશે. જ્યારે કે બીજી ઘણી બાબતોમાં બાઇબલ સ્પષ્ટ જણાવતું નથી. જેમ કે કેવો નોકરી-ધંધો કરવો જોઈએ. તંદુરસ્ત રહેવા શું કરવું જોઈએ. કેવી રમત-ગમતમાં ભાગ લેવો જોઈએ. કેવો પહેરવેશ હોવો જોઈએ. આવી કોઈ પણ બાબત પર ખરો નિર્ણય લેવો કંઈ સહેલું નથી. તેથી આપણે દાઊદ જેવો સ્વભાવ કેળવવો જોઈએ. તેમણે યહોવાહને પ્રાર્થનામાં કહ્યું: “હે યહોવાહ, તારા માર્ગ મને બતાવ, તારા રસ્તા વિષે મને શીખવ. તારા સત્યમાં મને ચલાવ, અને તે મને શીખવ; કેમ કે તું મારા તારણનો દેવ છે; હું આખો દિવસ તારી વાટ જોઉં છું.” (ગીતશાસ્ત્ર ૨૫:૪, ૫) યહોવાહની પસંદ-નાપસંદ સારી રીતે સમજવાથી આપણે સૌથી સારા નિર્ણયો લઈ શકીશું. એમ કરવાથી આપણું મન પણ ડંખશે નહિ.
આપણે જીવનમાં કોઈ નિર્ણય લેવાનો હોય એ પહેલાં બાઇબલના સિદ્ધાંતો તપાસવા જોઈએ. જેમ કે કુટુંબના વડીલને માન આપવું જોઈએ. (કોલોસી ૩:૧૮, ૨૦) દરેક બાબતમાં સચ્ચાઈથી વર્તવું જોઈએ. (હેબ્રી ૧૩:૧૮) ખરાબ બાબતો ધિક્કારવી જોઈએ. (ગીતશાસ્ત્ર ૯૭:૧૦) શાંતિ રાખવા બનતી કોશિશ કરવી જોઈએ. (રૂમી ૧૪:૧૯) દેશની સરકાર કે અધિકારીઓનું માનવું જોઈએ. (માત્થી ૨૨:૨૧; રૂમી ૧૩:૧-૭) ફક્ત યહોવાહને જ ભજવું જોઈએ. (માત્થી ૪:૧૦) આ જગતનો ભાગ ન બનવું જોઈએ. (યોહાન ૧૭:૧૪) ખરાબ સોબત ટાળવી જોઈએ. (૧ કોરીંથી ૧૫:૩૩) આપણો પહેરવેશ શોભતો હોવો જોઈએ. (૧ તીમોથી ૨:૯, ૧૦) બીજાઓને ઠોકર ન ખવડાવવી જોઈએ. (ફિલિપી ૧:૧૦) આવી બાબતો વિષે નિર્ણય લેતા પહેલાં બાઇબલના સિદ્ધાંતો પારખી શકીશું તો આપણું મન કે અંતઃકરણ મજબૂત થશે. પછી આપણે સારા નિર્ણયો લઈ શકીશું.
તમારા અંતરનું સાંભળો
આપણે પોતાના અંતરની વાત સાંભળીશું તો એ જરૂર મદદ કરશે. આપણે દિલમાં બાઇબલનું શિક્ષણ ભરીશું તો, કંઈક ખોટું કરવા જતા અંતર પોકારી ઊઠશે. એનાથી આપણને લાભ થશે. એક દાખલો લઈએ: માની લો કે કાળાં કાળાં વાદળો ઘેરાયા છે. સખત પવન ફૂંકાવા લાગે છે. વીજળીના કડાકા થાય છે તેમ, ભારે ગાજવીજ સંભળાય છે. એ બધું જોઈને આપણે કોઈ પગલાં નહિ ભરીએ તો શું થશે? આપણે ભિજાઈ જઈશું. કદાચ કંઈક વાગી પણ જાય. અથવા બીમાર થઈ જઈએ. કદાચ મરી પણ શકીએ. એ બતાવે છે કે કાળાં વાદળો જોઈને આપણે ચેતી જઈએ છીએ. એ જ રીતે ખોટો માર્ગ જોઈને આપણું અંતઃકરણ આપણને ચેતવણી આપે છે. આપણે બાઇબલના નિયમો અને સિદ્ધાંતો જાણ્યા પછી, એની વિરુદ્ધ કંઈક કરવા જઈશું તો આપણું અંતઃકરણ કાળાં વાદળોની જેમ તરત આપણને ચેતવશે. આપણે અંતરનું સાંભળીશું તો પાછળથી પસ્તાવું નહિ પડે. આમ આપણું મન સાફ રહેશે અને આપણને કાયમ ચેતવતું રહેશે.
જો આપણે પોતાના અંતરનું ન સાંભળીએ તો શું થશે? સમય જતાં એ ભ્રષ્ટ થઈ જશે. એ બહેર મારી જશે. જેમ શરીર પર એક જ જગ્યાએ ડામ દેવામાં આવે તો ત્યાં બહેર મારી જાય છે. સ્પર્શ કરો તોપણ કંઈ ફરક ન પડે. (૧ તીમોથી ૪:૨) આપણું અંતર બહેર મારી જાય તો, આપણે મોટી ભૂલ કે પાપ કરવા જઈશું ત્યારે એ પોકારશે નહિ. આપણે પાપ કરી બેસીશું. આપણું મન બાઇબલના સિદ્ધાંતો ભૂલી જશે. એ ભ્રષ્ટ હોવાથી ‘નઠોર થઈને સર્વ પ્રકારના દુરાચાર કરવા’ લાગે છે. આમ આપણે પોતે જ યહોવાહથી દૂર થઈએ છીએ. (એફેસી ૪:૧૭-૧૯; તીતસ ૧:૧૫) ખરેખર એ કેવું ખરાબ પરિણામ કહેવાય!
“શુદ્ધ અંતઃકરણ રાખો”
આપણા અંતઃકરણને શુદ્ધ કે પવિત્ર રાખવું સહેલું નથી. એ માટે સખત મહેનત માંગી લે છે. પ્રેષિત પાઊલે લખ્યું: “હું દેવની તથા માણસોની પ્રત્યે હંમેશાં નિર્દોષ અંતઃકરણ રાખવાનો પ્રયત્ન કરૂં છું.” (પ્રેરિતોનાં કૃત્યો ૨૪:૧૬) પાઊલ યહોવાહના સેવક હતા. તે કાયમ પોતાનાં જીવનની દરેક બાબતો તપાસતા અને એમાં સુધારો કરતા, જેથી યહોવાહ વિરુદ્ધ પાપ ન કરી બેસે. પાઊલ જાણતા હતા કે છેવટે તો ઈશ્વર જ આપણો ન્યાય કરશે, અને એ નક્કી કરશે કે આપણે જે કંઈ કરીએ એ ખરું છે કે નહિ. (રૂમી ૧૪:૧૦-૧૨; ૧ કોરીંથી ૪:૪) પાઊલે કહ્યું: ‘તેમની આંખોથી કશું ગુપ્ત રહી શકતું નથી, અને એક દિવસ આપણે આપણાં સર્વ કૃત્યોનો હિસાબ તેમને આપવો પડશે.’—હિબ્રૂ ૪:૧૩, IBSI.
પાઊલે એમ પણ કહ્યું કે આપણા વાણી-વર્તનથી કોઈને ઠોકર લાગશે કે કેમ એનો વિચાર કરવો જોઈએ. એનો એક દાખલો લઈએ. કોરીંથમાં રહેતા ખ્રિસ્તી ભાઈ-બહેનોને પાઊલે ‘મૂર્તિઓને ચઢાવેલા ખોરાક’ વિષે સલાહ આપી. તેમણે સમજાવ્યું કે કોઈ કામ કરવું કદાચ તમને ખોટું ન લાગે અથવા પરમેશ્વરના વચનની વિરુદ્ધ ન હોય, તોપણ જરૂરી છે કે આપણે બીજાઓને ઠોકર ન ખવડાવીએ. બીજાઓનો વિચાર નહિ કરીએ તો કદાચ આપણાં કામો જોઈને મંડળના ભાઈ કે બહેન યહોવાહની સેવા કરવાનું છોડી દઈ શકે. આપણે એવું કંઈ ન કરવું જોઈએ. કેમ કે ખ્રિસ્તે તેઓ માટે પણ કુરબાની આપી છે. વળી, યહોવાહ સાથેનો આપણો સંબંધ પણ તૂટી જઈ શકે.—૧ કોરીંથી ૮:૪, ૧૧-૧૩; ૧૦:૨૩, ૨૪.
એવું ન થાય એ માટે આપણે પોતાના મન અને અંતરને યહોવાહના જ્ઞાનથી કેળવવું જોઈએ. આમ તેને હંમેશાં સાફ રાખવું જોઈએ. કોઈ નિર્ણય લેતા પહેલાં આપણે યહોવાહ પાસેથી પ્રાર્થનામાં મદદ માગવી જોઈએ. (યાકૂબ ૧:૫) બાઇબલનો જાતે અભ્યાસ કરવો જોઈએ. પોતાના દિલને તેમના શિક્ષણથી ઘડવું જોઈએ. (નીતિવચનો ૨:૩-૫) મોટા નિર્ણયો લેવાના હોય ત્યારે યહોવાહને વર્ષોથી વફાદાર હોય એવા ભાઈ-બહેનની મદદ લઈ શકીએ. તેઓ સારી રીતે આપણને બાઇબલના સિદ્ધાંતો સમજવા મદદ કરશે. (નીતિવચનો ૧૨:૧૫; રૂમી ૧૪:૧; ગલાતી ૬:૫) પોતાના નિર્ણયથી અંતઃકરણ પર, બીજાઓ પર અને યહોવાહ સાથેના સંબંધ પર કેવી અસર થશે એ પણ વિચારવું જોઈએ.—૧ તીમોથી ૧:૫, ૧૮, ૧૯.
યહોવાહ પરમેશ્વરે આપણને અજોડ ભેટ આપી છે. અંતઃકરણ! આપણે એ યહોવાહના શિક્ષણ પ્રમાણે વાપરીશું તો, તેમની સાથેનો આપણો સંબંધ દિવસે દિવસે મજબૂત થશે. આપણે દરેક રીતે પોતાનું ‘અંતઃકરણ શુદ્ધ રાખવા’ જેટલો વધારે પ્રયત્ન કરીશું એટલા જ વધારે બતાવી આપીશું કે આપણામાં યહોવાહ પરમેશ્વર જેવા ગુણો છે.—૧ પીતર ૩:૧૬; કોલોસી ૩:૧૦.
[ફુટનોટ]
^ અંતઃકરણ માટે અહીં પાઊલે વાપરેલા મૂળ ગ્રીક શબ્દનો અર્થ, “પોતાનામાં સારું ને ખરાબ નક્કી કરવાની શક્તિ” થાય છે. (ધી ઍનલિટીકલ ગ્રીક લૅક્સિકન રિવાઇઝ્ડ, બાય હૅરલ્ડ કૅ મોલ્ટન); “ખરું-ખોટું પારખવું.”—ગ્રીક-ઇંગ્લીશ લૅક્સિકન બાય યોશુફ હૅનરી થાયર.
[પાન ૧૩ પર ચિત્રો]
તમારું મન તમને ખરો માર્ગ બતાવે છે કે દોષિત ઠરાવે છે?
[પાન ૧૪ પર ચિત્ર]
બાઇબલના સિદ્ધાંતો દિલમાં ઉતારવાથી ખરું-ખોટું સહેલાઈથી પારખી શકાય છે
[પાન ૧૫ પર ચિત્રો]
તમારા અંતરનો પોકાર સાંભળતા રહો