શું તમે ‘પરમેશ્વરની નજરમાં ધનવાન’ છો?
શું તમે ‘પરમેશ્વરની નજરમાં ધનવાન’ છો?
મહાન ગુરુ ઈસુ ખ્રિસ્ત લોકોને વાર્તાઓ કહીને ઉપદેશ આપતા. એક વખતે તેમણે અમીર જમીનદારની વાર્તા કહી. આ જમીનદાર નાની વખાર કે કોઠાર તોડીને એને મોટા બનાવવાનું વિચારે છે, જેથી એમાં વધારે અનાજ ભરી શકે. તેને લાગ્યું કે એમ કરવાથી ભાવિમાં તે સુખ-શાંતિથી જીવી શકશે. પરંતુ વાર્તામાં ઈસુ આ માણસને “મૂર્ખ” કહે છે. (લુક ૧૨:૧૬-૨૧) શા માટે?
સપનામાં ખોવાઈ ગયેલો જમીનદાર એ ભૂલી ગયો હતો કે પરમેશ્વર તેની પાસેથી શું ચાહે છે. તે એ પણ ભૂલી ગયો કે પરમેશ્વરના આશીર્વાદથી જ તેના ખેતરમાં પુષ્કળ અનાજ પાકતું હતું. (માત્થી ૫:૪૫) એને બદલે, છાતી ફુલાવીને તે કહે છે: ‘ઘણાં વરસને માટે ઘણી માલમિલકત મારે સારુ રાખી મૂકેલી છે. હવે હું આરામ કરું, ખાઈ પીને આનંદ કરું.’ તે વિચારતો હતો કે તેની મહેનતથી જે પુષ્કળ અનાજ પાક્યું છે એ ‘ઊંચા કોટ’ કે ઊંચી દીવાલની જેમ તેનું રક્ષણ કરશે.—નીતિવચનો ૧૮:૧૧.
આવા ઘમંડી વલણ સામે ચેતવણી આપતા બાઇબલના એક લેખક યાકૂબે લખ્યું, “હવે ચાલો, તમે કહો છો, કે આજે અથવા કાલે અમે અમુક શહેરમાં જઈને ત્યાં એક વર્ષભર રહીશું, અને વેપાર કરીને કમાણી કરીશું; તો પણ કાલે શું થશે એની તમને ખબર નથી. તમારી જિંદગી શાના જેવી છે? તમે તો ધૂમર [ધૂમ્મસ] જેવા છો, તે થોડી વાર દેખાય છે, અને પછી અદૃશ્ય થાય છે.”—યાકૂબ ૪:૧૩, ૧૪.
યાકૂબે જે કહ્યું એ સાચું જ છે. ઈસુએ કહેલી વાર્તામાં અમીર જમીનદારને ઈશ્વર કહે છે, “અરે મૂર્ખ! આજે રાત્રે જ તું મરી જઈશ, તો આ જે બધી વસ્તુઓ તેં તારે માટે સંઘરી મૂકી છે, તે કોને મળશે?” (પ્રેમસંદેશ) જમીનદારનું સપનું, સપનું જ હતું. જેમ ધૂમ્મસ અમુક સમયમાં ઊડી જાય છે, એ જ રીતે તે મોત પામવાનો હતો. આ વાર્તામાંથી આપણને શું બોધ મળે છે? ઈસુ કહે છે: ‘જે પોતાને સારૂ પૈસાનો સંગ્રહ કરે છે, અને પરમેશ્વર પ્રત્યે ધનવાન નથી, તે તેવો જ છે.’ શું તમે ‘પરમેશ્વરની નજરમાં ધનવાન’ છો?